[પાછળ]
મારો ઉત્તર ધ્રુવનો પ્રવાસ-૧

લેખકઃ પ્રીતિ સેનગુપ્તા

૧૯૯૨ના એપ્રિલની શરૂઆતમાં એક બપોરે મારા બારણે ટપાલનો એક માણસ સાંકડો, લગભગ ચાર ફીટ લાંબો પૂંઠાનો એક બૉક્સ પહોંચાડી ગયો. આ શું હતું ને કોણે મોકલ્યું એનો મને કશો ખ્યાલ નહોતો. ટપાલીના કાગળમાં મારા નામ પાસે સહી કરી આપી એટલે એ તો ગયો, પછી બૉક્સ પરનું લેબલ જોતાં તરત ખ્યાલ આવ્યો કે એમાં ફૂલ હતાં. હવે બૉક્સને ખોલવાની રાહ જોવાય તેમ નહોતી. જલદી જલદી જેવું બૉક્સની સાંકડી બાજુ પરનું ઢાંકણું ખોલ્યું કે દેખાયું અંદર કયા ફૂલ હતાં તે. આ ભેટનો મને સહેજ પણ સંકેત નહોતો. એકદમ અનપેક્ષિત હતી આ ભેટ, ને એણે મને આનંદથી રોમાંચિત કરી દીધી. જાણે હું કોઈ ખાસ વ્યક્તિ; અરે, કોઈ રાજકન્યા ના હોઉં એવો ભાવ આ ભેટ મેળવતાં મને થયો. ખરેખર તો, ભીનાશ જતી ના રહે તે રીતે સાચવીને ગોઠવેલાં નાનકડાં, લંબગોળ લાલ ફૂલ જોતાં હું ભાવવિભોર થઈ ગઈ. એ બધી તાજી કાપેલી, અશુષ્ક ગુલાબની કળીઓ હતી ને બૉક્સ ખોલતાંની સાથે જ મેં જોયું કે એક સાથે પચાસ કળીઓનો ઉપહાર મને મળ્યો હતો. મારે એમને ગણવા બેસવાની જરૂર નહોતી. એક કે બે ડઝનથી ઘણી વધારે કળીઓ લાગી હતી, તેથી પછી તો પચાસ જ હોયને. આ ફૂલો કાપીને તરત છેક સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂયૉર્ક મારા સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં. આ મોંઘી અને ઘણી જ મૃદુ, ભેટની સાથે એક કાર્ડ હતું. એમાં લખેલું હતું, “આનંદથી ફરજે અને સુખરૂપ પાછી આવી જજે.” એમાં સહી મારા વરના નામની હતી. અલબત્ત, બીજું કોણ હોય આવું ઉદાર ને મારી આટલી ચિંતા કરનાર?

આવા પ્રેમાળ અનુગ્રહથી કોણ અભિભૂત ના થઈ જાય? અંગ્રેજીમાં ગુલાબની અદ્વિતીયતા માટે કહેવાય છે, “ગુલાબ એટલે ગુલાબ એટલે ગુલાબ.” એકાદ હોય તો આ ઉક્તિ વાપરીએ, પણ એવાં પચાસ હોય ત્યારે શું કહેવું? — એમ મેં ઑફિસે ફોન કરીને જીવનમિત્રને પૂછેલું. પણ આટલાં ફૂલોની ભેટ હોય ત્યારે તો એ ઉદ્યાન જ કહેવાય. અને કદાચ એને ચિરપ્રફુલ્લિત સ્મૃતિ કહી શકાય. મેં એનો આભાર માન્યો અને જીવનમાંના બધા શુભ અંશો માટે ભગવાનનો આભાર માન્યો.

મને ખબર હતી કે થોડા જ દિવસો પછી હું જે સફર પર જવાની હતી તેને માટે મને આશીર્વાદ અને શુભેચ્છાઓની ઘણી જરૂર હતી. ઘણા પૂર્વવિચારથી, મારા જવાનાં લગભગ બે અઠવાડિયાં પહેલાં આ સુંદર ઉપહાર મને મોકલવામાં આવ્યો હતો કે તેથી ધીરે ધીરે ખૂલતી જતી કળીઓનું દૃશ્યમાન સૌંદર્ય હું માણી શકું. આ સફર મારે માટે ખૂબ અગત્યની હતી અને આ રક્તિમ, મખમલી શોભાની ભેટને મેં આ સફર માટેનાં શુકન જેવી માની. ખાસ તો, આ સફર ઘણી ખતરનાક નીવડી શકે તેમ હતી તેથી.

જે પ્રયાણ કરવા હું ઉદ્યત હતી તે ચુંબકીય ઉત્તર ધ્રુવ પ્રતિ હતું.

જીવ જાય તેવા અકસ્માતોની કલ્પના કરી કરીને જીવનમિત્રની મને જવા દેવાની જરા પણ ઇચ્છા નહોતી. દક્ષિણ ધ્રુવના પ્રદેશ ઍન્ટાર્કટિકાના સમુદ્રમાં મને નડેલા અકસ્માત પછી એની મારે માટે એની ચિંતા વધી ગઈ હતી. તે વખતે હું જે આર્જેન્ટિન સ્ટીમરમાં હતી તે ખડકો સાથે અથડાઈને ભાંગી પડી ને અંતે ડૂબી પણ ગઈ. આ અસાધારણ સાહસકથા મેં ‘ધવલ આલોક, ધવલ અંધાર’ નામના પુસ્તકમાં લખી છે. અત્યારે તો એવી અસાધારણ, ઉત્તર ધ્રુવના પ્રદેશની કથા મારા મનનો કબજો લઈ બેઠી છે.

૧૯૮૯માં હું ઍન્ટાર્કટિકા ગઈ ત્યારે તે મારે માટે દુનિયાનો સાતમો અને છેલ્લો ખંડ હતો — પ્રવાસી તરીકે. બીજા છએ છ ખંડોમાં હું તે પહેલાં જઈ આવેલી. મને એમ કે દુનિયાનાં બધા મુખ્ય વિભાગો મેં જોઈ લીધા છે. પણ તે પછી હું ઉત્તર ધ્રુવના પ્રદેશને વધારાનો અડધો ખંડ હોય તે રીતે જોવા માંડી. મારા મનમાં, કશી આદર્શવાદી રીતે હું એને “સાડા સાતમો ખંડ” કહી ને સંબોધવા માંડી. આ પ્રદેશ દુનિયાનો છેલ્લામાં છેલ્લો મુખ્ય વિભાગ હોય તે રીતે મારા મનમાં આલેખાતો ગયો. આ વિચારનું નાનું બીજ પછી તો એક પ્રબળ સ્વપ્ન બની ગયું. આ એક મુખ્ય વિભાગમાં જવાનું મારે હજી બાકી હતું. હૃદયના ઊંડાણમાંથી હું એમ માનતી હતી કે એક વાર આ ધ્રુવીય પ્રદેશમાં પહોંચીશ પછી જાણે વિશ્વનો ગોળાકાર મારા આલિંગનમાં આવી જશે. હું ખરેખર એમ માનતી હતી કે આ પછી પ્રવાસી તરીકે હું સંપૂર્ણ થઈશ. આવું કંઈક નિરાકાર પણ નિર્ભેળ સંવેદન મારા મનમાં દૃઢ થયું હતું.

તેથી હું મારા વરની અનિચ્છા સામે નમતું મૂકવાની ન હતી. આ વખતે નહીં. પણ મેં એને વચન આપ્યું કે આ પછી કોઈ જોખમી મુસાફરી કરવાની ગાંઠ હું નહીં વાળું. હું જાણું છું કે આવી પ્રતિજ્ઞા લઈને હું સાહસમય ભવિષ્યના અવસરોને અને પડકારોને જતા કરી રહી છું, પણ સાથે જ એ પણ જાણું છું કે આ વચનમાંથી કાંઈ બધા જ ઉત્તેજક, ઉદ્દીપક, એક પ્રવાસીથી કરાતા ભૂમિગત હુમલા બાદ નથી રહી જતા!

હું છેલ્લાં બે વર્ષથી ઉત્તર પ્રતિના આ પ્રયાણ વિષે યોજનાઓ અને વિચારો કરી રહી હતી. હું તે દરમ્યાન જઈ શકી હોત. પણ આદ્ય સાહસીઓ માટે હું કલ્પનારંજિત વીરપૂજાનો ભાવ ધરાવું છું ને તેથી મારી આ મહત્ત્વપૂર્ણ સફર હું ક્રિસ્ટોફર કોલમ્બસની યાદમાં સંયોગયુક્ત કરવા માગતી હતી. ૧૯૯૨માં કોલમ્બસને અમેરિકા સુધી પહોંચ્યે ૫૦૦ વર્ષ થવાનાં હતાં. આમ તો ઑક્ટોબરમાં એની વર્ષગાંઠ આવવાની પણ એ સમયે આટલા ઉત્તરે જવાય નહીં; ને વળી, આખું ’૯૨નું વર્ષ કોલમ્બસના નામ પર જાહેર રીતે ન્યોછાવર તો કરેલું હતું જ. મારે માટે તો આ બે બનાવો — ભલેને સદીઓ દૂર — કોઈ અલૌકિક રીતે સંયુક્ત થવાના જ હતા. કોલમ્બસ જેવા સાહસના મહાપ્રણેતાના નામ પર મારે પોતાને માટે કંઈક વિશિષ્ટ કરવાની મને તીવ્ર ઇચ્છા હતી, આવો હતો પ્રવાસી તરીકેનો આદર્શવાદ મારામાં!

સ્પંદિત લાલ ગુલાબોનો શુભેચ્છા ઉપહાર મળ્યાનાં બે અઠવાડિયાં પછી ઉત્તર પ્રતિ પ્રયાણ માટે હું તૈયાર હતી. લખવા માટે જે ડાયરી હું સાથે લઈ જતી હતી તેના આરંભે મેં આ વાક્યો લખ્યાં : “મેં પાંચ ગુલાબ ધ્રુવ પર લઈ જવાનું નક્કી કર્યું છે. પાંખડીઓ તો અત્યારથી જ ખરી રહી છે પણ આ નાના ગુચ્છની સુરક્ષા માટે મેં ઉપર પારદર્શક પ્લાસ્ટિક ઢીલું વીંટયું છે. થોડું પાણી ભરેલી પ્લાસ્ટિકની નાની ટ્યૂબોમાં એક એક ડાળી જુદી મૂકી છે. પાંદડાં હજી લીલા છે. ચાહો તો આને લાગણીવેડા કહી શકો છો, પણ મારે જીવન-મિત્રના માનમાં આ પાંચ ગુલાબ ધ્રુવ સુધી પહોંચાડવાં છે. આ ગુલાબો મને સફરની સફળતાની શુભેચ્છા તરીકે અપાયેલાં. એ સ્નેહના સ્મરણમાં અને બધું સારું નીવડે એવી મારી પોતાની પ્રાર્થના તરીકે એ ભેટમાંનાં કેટલાંક ફૂલ તો મારી આ યાત્રામાં મારે સાથે રાખવાં જ છે. ”

કોઈ પણ રીતે આ પ્રયાણ હું કરવાની જ હતી — સ્વજનને એમાં જીદ લાગી હશે, પણ મારે માટે આ અત્યંત અર્થઘન મહાયાત્રા હતી. મને એમ જ લાગ્યા કરે છે કે આ યાત્રા પૂરી કર્યા પછી, મુસાફર તરીકે હું સંપૂર્ણ થઈશ; કે મારી અંદર કશું ભિન્ન પ્રવેશ્યું હશે — ભલે કોઈની આંખો એ જોઈ ના શકે. જાણે નિયત નિર્ધારની ઉત્કટતા મને માનસના કોઈ બીજા સ્તર પર લઈ જવાની હતી. મારી યાત્રાનું આ પુણ્ય મને મળવાનું હતું. તેથી જ મેં મારી ચિંતાઓ પર લગામ રાખી હતી ને મનમાં ઉત્સાહને ઊભરાવા દીધો હતો. આ સાહસના રોમાંચકારી સ્પંદનો પર ધ્યાન આપ્યા કર્યું હતું ને એ બધામાં સૌથી વધારે રોમાંચકર હતું આ કલ્પન કે હું સમુદ્રની સપાટી પર હોઈશ, રહીશ, ચાલીશ, સૂઈશ.

આમ તો ન્યૂયૉર્ક છોડ્યું ત્યારથી જ સફર શરૂ થઈ ગઈ હતી, પણ તોયે મૉન્ટ્રિયલ પછી પણ હજી ઘણે દૂર જવાનું હતું. “એન. ડબલ્યુ. ટી.” તરફ જતું વિમાન ઊપડ્યું ને થોડી જ મિનિટોમાં જમીન વાદળોથી ઢંકાઈ ગઈ. વિમાન અડધાથી પણ વધારે ખાલી હતું. ‘ઇનુઇટ’ કહેવાતી તળજાતિની કેટલીક સ્ત્રીઓ ઉત્તર તરફ જતી હતી અને થોડાં બીજાં મુસાફરો હતાં. મેં બધાં તરફ સહેજ નજર કરી ને વિચાર્યું કે આમાંનું કોઈ મારી સાથે આ અભિયાત્રામાં આવવાનું હશે?

પરિચારિકાએ મૉન્ટ્રિયલના વિમાનમથકે ઠંડીની આડશે ફરના કૉલરવાળો કોટ પહેર્યો હતો પણ હવે ઊડતા વિમાનમાં કાર્ય પરિવેશમાં એ કાર્યદક્ષ લાગતી હતી. સવારનો ગરમ નાસ્તો આવ્યો. જાણે બીજું કોઈ પણ સામાન્ય ઉ઼઼ડ્ડયન જોઈ લો. હું ક્યાંની ક્યાં ને કેટલે દૂર જતી હતી. આ પ્રયાણ જ એટલું અસાધારણ હતું કે દુન્યવી વિગતોથી નવાઈ લાગતી હતી. કેટલા બધા મહિનાઓ પહેલાં ટિકિટ ખરીદેલી, અભિયાત્રાના પૈસા આપી દીધેલા — તે પણ કેટલા બધા ને પછી સાવ અજાણી, દુનિયાની કોઈ બહારની જગ્યાએ હું એકલી એકલી જઈ રહી હતી. બાળકની આંખોમાં હોય તેવી નવાઈથી હું બધું જોતી હતી, જાણે કોઈ અવનવી જગ્યાએ જઈ રહી હતી, પણ ચાલક અને પરિચારિકાઓને માટે આ નોકરી હતી ને સ્થાનને અંગેનું વિસ્મય એમનામાં અત્યાર સુધી રહ્યું નથી.

થોડી વારમાં લૌકિક જીવનનાં ચિહ્નો અદૃશ્ય થઈ ગયાં અને પછી નીચે બરફના લિસોટાવાળી જમીન દેખાઈ. કાળા, રુક્ષ પાષાણો પર થીજેલા બરફના અંશો હતા. ક્ષિતિજ પૃથ્વીનો ગોળાકાર દર્શાવતી હતી. સુગંભીર દૃશ્ય હતું. વિમાનચાલકે જાહેરાત કરી કે એ દૃશ્યની જગ્યાએ માઈનસ ૨૬ સેલ્સિયસ હવામાન હતું. વિચારથી જ ઠંડી લાગે તેમ હતું; છતાં, સ્પષ્ટ રીતે જ, આવા નિમ્નતમ અંશાંકને માટે એટલી ચિંતા નહોતી કરી કે જવાનું જ માંડી વાળું. ઠડું, થીજતું કે થીજેલું — જેવું હવામાન હોય તેવું, હું નિમ્ન માત્રાઓના પ્રદેશમાં નિશ્ચિતપણે જઈ રહી હતી અને તે જ દિશામાં મારે આગળ ને આગળ જવાનું હતું.

એક ટૂંકા ઝોકા પછી આંખો ખૂલી તો નીચે પૂર્વ આર્કટિકના બરફનો ચમકતો એકરંગી પ્રસ્તાર હતો. એના અંત વગરના હિમક્ષેત્ર પર સૂર્યનો પ્રભાવ ફેલાઈ રહ્યો હતો અને એ ધૂંધળી ચમકમાં ક્ષિતિજની રેખા ડૂબી ગઈ હતી. સાચે જ એ એક અનંતતાનું દૃશ્ય હતું. વિમાનના અવકાશમાંથી જોતાં એમ જ લાગતું હતું કે અહીંથી આગળ જાણે પૃથ્વીની કોઈ દિશા જ નહોતી, કોઈ આકાર જ નહોતો. સર્વત્ર ફેલાયેલા બરફના સાતત્યને કારણે જ પૃથ્વીની હયાતીની કશી નોંધ મળતી હતી.

હું એને બરફ કહું છું, કારણ કે અવકાશમાંથી એ પોચો ને હલકો લાગતો હતો. કોઈ બાળક પર ઓઢાડવાની ચાદર હતી એ? મોટે ભાગે એ સપાટ દેખાતો હતો. જ્યાં પાણી હશે ત્યાં સપાટી થીજી ગઈ હતી ને એમાં પણ જ્યાં થોડું પીગળ્યું હતું કે તડો પડી હતી એની નીચેથી આર્કટિક ખાડીઓના હિમશીત જળની નીલ ઝાંય જોઈ શકાતી હતી. “હિમનદીના છેડા” અને “તૂટતા કાંઠા” હું આ દૃશ્યાવલિમાંથી શોધતી રહી. આ શબ્દ પ્રયોગો હું રૉબર્ટ પિઅરી (Peary)ના ઉત્તર ધ્રુવના અભિયાનના વર્ણનમાંથી શીખી હતી.

ઍડમિરલ પિઅરીએ અમેરિકાના ઉત્તર-પૂર્વ કાંઠેથી નીકળીને ૧૯મી સદીમાં આ અવિસ્મરણીય ઇનામ મેળવવાના પ્રયત્નો આદરેલા. ત્રણ અભિયાનો નિષ્ફળ ગયાં પણ તે દરમ્યાન પિઅરી ઉત્તરોચ્ચ આર્કટિકના માયાવી વ્યક્તિત્વના ઊંડા જાણકાર બન્યા. એમણે ચોથી વાર પ્રયત્ન કર્યો ત્યારે એ સફળ થયા અને ૧૯૦૯માં એ આખી દુનિયામાંની, ઉત્તર ધ્રુવ પર પહોંચનારી, સૌથી પ્રથમ વ્યક્તિ બન્યા. આ એમનું સ્વપ્ન હતું ને કેટલીયે મુશ્કેલીઓ અને મહિનાઓની દરિયાઈ ને બરફ પરની કઠિન મુસાફરીઓ પછી એ સિદ્ધ થયું. પિઅરી જેવા સાહસવીર અને એક ભારતીય પરિણીતાની વચ્ચે કશી સરખામણી થઈ જ ના શકે, છતાં હું જાણે એમને પગલે પગલે જતી હતી અને એમના સાહસોના વિચારથી અભિભૂત થતી હતી. આવા સાહસીઓ આદરને પાત્ર છે ને એમના જેવાઓથી જ સદા અમર સાહસોનો ઇતિહાસ રચાય છે.

હજારો માઈલ નીચે વિમાનની બારીમાંથી હજી બધું બર્ફીલું જ હતું — કુદરતની જાદુઈ લાકડીએ બધી જમીન અને પાણીને એકાકાર અને અવિભાજ્ય કરી મૂક્યાં હતાં. ક્યારેક ક્યારેક, મોટા ભાગે બરફથી ઢંકાયેલા પાષાણોની આસપાસ થીજી ગયેલાં વમળ જોવા મળતા હતાં. નક્કી પાણીની વચમાં રહેલા આ નાના પાષાણદ્વીપ હતા. આ અચલ શિલાઓની આસપાસ ઊઠતાં-અફળાતાં નાનાં મોજાં પોતાનાં વર્તુળપથમાં જ થીજી ગયાં હતાં.

ઉત્તરોચ્ચ આર્કટિકનાં પહેલવહેલાં દર્શન થતાં મને પ્રશ્ન થયો, “આવા ચરમ દૃશ્યચિત્રને વર્ણવવા માટે મારા શબ્દભંડોળમાંથી મને શું શબ્દો મળી શકવાના છે?” કદાચ “વિસ્મયાકુલ” ને “દિગ્ભ્રાન્ત” જેવા શબ્દ વારંવાર વાપરવાનું મન થશે, એમ મેં વિચાર્યું. પણ આદ્ય-પ્રવાસીઓએ આ હિમમંડિત પ્રદેશના વિષમ સૌંદર્ય વિષે કવિત્વમય રીતે લખ્યું છે. ફ્રિડત્યૉફ નાન્સેન નામના સાહસીની રોજનીશી પરથી લખાયેલા “દૂરતમ ઉત્તર” નામના પુસ્તકમાંની કેટલીક લીટીઓ અહીં ટાંકું છું. એમણે ૧૮૯૩માં ઉત્તર ધ્રુવનો પીછો કરેલો પણ એને પામી નહોતા શક્યા. એમની હતાશા તેમજ ઉત્તેજના એમના શબ્દોમાં દેખાઈ આવે છે: “...જોકે ક્યારેક, કદાચ, આપણાં હૃદય હતાશ થઈ જાય છે ત્યારે આગળ ન જઈ શકાય તેવી રીતે બરફના ટેકરાઓ ને ખડકો જેમ તેમ પડેલા જોઈએ છીએ. એવી પણ ક્ષણો આવે છે જ્યારે થાય છે કે પાંખો વગરનો કોઈ જીવ આથી આગળ જઈ શકે તેમ જ નથી; એકાદ ઊડતા પંખી તરફ ઉત્કંઠાથી જોતાં રહી એ છીએ ને થાય છે, એની પાસેથી પાંખો ઉછીની લઈ શકાય તો ક્યાંના ક્યાં પહોંચી જવાય. પણ પછી, બધી મુશ્કેલીઓની પાર જઈને કશો રસ્તો નીકળી આવે છે અને પાછી આશા બંધાય છે. વાદળોની દીવાલ પાછળથી સૂર્યને જરા વાર ડોકાવા દો ને હિમક્ષેત્રો નિજ ધવલતામાં સ્પંદિત થઈ રહે છે; પાણી ઉપર સૂર્ય કિરણોને રમવા દો અને આ કઠિન જીવન સુંદર લાગે છે ને સંઘર્ષ કરવાને લાયક લાગે છે.”

ધ્રુવ તરફનું પ્રયાણ શરૂ કરીએ તેના પહેલાં અમારી પાસે બેએક દિવસ હતા. તે દરમ્યાન અમારે ઋતુમાનથી ટેવાવાનું હતું અને આર્કટિક પ્રદેશને આવશ્યક કપડાં પહેરતાં ને પહેરીને હરતાંફરતાં શીખવાનું હતું. જરા પણ સમય બગાડવાની જરૂર ન હતી ને લૉજમાં પહોંચ્યા પછી થોડી વારે બેઝલ મને સપ્લાઈ રૂમમાં લઈ ગયા ને જરૂરી કપડાં કાઢી આપ્યાં. આમાં બે જોડી ગરમ કોટ ને પૅન્ટ, ઘૂંટણ સુધીનાં બૂટ અને હાથનાં જાડાં મોજાં હતાં, જે મારાં પોતાનાં લાવેલાં હાથ ને પગનાં મોજાં તથા ટોપી વગેરેની ઉપર પહેરવા માટેનાં હતાં.

એ સાંજે મેં બધા વાઘા પહેર્યાં ને તરત જ યંત્રમાનવ કે રોબોટ હોઉં એવો ભાવ થયો. મારું શરીર બમણું જાડું બન્યું , હાથ પણ એવા જાડા બન્યા અને પગ તો જાણે હાથીના હોય. હરવુંફરવું સહેલું ન હતું પણ આ બધા પડ ઠંડી રોકતા હતા ખરા — ફક્ત મોઢું જ ઢાંક્યા વગરનું રહેતું હતું. ઠંડીનો બધો હુમલો મોઢા પર થતો હતો. જોરથી ફૂંકાતા પવનને લીધે હવામાન માઈનસ ૪૫ ડિગ્રી થયું હતું. બીજા બધાની સાથે હું ગામમાં ચાલવા જવાની હતી. બધા વાઘા પહેરતાં મને જે સમય લાગ્યો તેટલો સમય જરા બધા ઊભા રહ્યા. દુનિયાની બહારની હોય તેવી આ જગ્યાએ, આવી કડકડતી ઠંડીમાં એકલાં ચાલવા જવા કરતાં સાથે જવાનો વિચાર થોડી વધારે હિંમત આપતો હતો.

પણ બહાર જવાની તક ગુમાવવી પણ ન હતી. એક તો, આ તદ્દન બર્ફીલો દૃશ્યપટ નવાઈ ભરેલો હતો ને આ સફેદાઈની વચમાંની વસ્તી તે તો જાણે જાદુની નગરી. મેં કાંઈ બરફ નહોતો જોયો કે બરફથી ઢંકાયેલી ધરતી નહોતી જોઈ એવું નહોતું. હિમાલયના ઊંચા શિખરોથી શરૂ કરી ઍન્ટાર્કટિકાના હિમખંડ સુધીમાં બર્ફીલું તો ઘણું જોયું હતું પણ નિસર્ગની સુંદરતાના વૈવિધ્યની દરેક ઝાંખી મને ઉલ્લાસિત કરતી રહે છે, આશ્ચર્ય પમાડતી રહે છે. આવા જ સંવેદન એ સાંજે પણ અનુભવાતા હતા.

રેઝોલ્યુટ ગામમાં લગભગ ૧૬૫ લોકો રહે છે, પણ કોઈ અમને દેખાયું નહીં. બધું સાવ ખાલી અને શાંત હતું. આર્કટિકની લાક્ષણિક સાદગીથી સુંદરતા પણ અહીં હતી — જાણે એક ચિત્રાંકન અથવા એક આભાસ. બધાં ઘર મોટાં લાગતાં હતાં ને સાવ પાસપાસે નહોતાં. રસ્તા બરફના થીજવાથી લપસણા બન્યા હતા. નવું બનાવેલું એક ચર્ચ અંદરથી સાદું હતું. અંદર કોઈ હતું નહીં ને બારણું ખુલ્લું હતું. સ્કૂલનું મકાન મોટામાં મોટું હતું. એના પર કૅનૅડાનો ધ્વજ પવનમાં ફરકતો હતો. ગામની પાછલી બાજુ પર ટેકરીઓ હતી ને તે તરફ અમે ચાલ્યાં — હું સખત ઠંડી અને લપસણા રસ્તાને લીધે, થોડી અનિચ્છા સાથે પાછળ ખેંચાતી ગઈ.

સાધારણ ઢોળાવ પરનો બરફ પોચો હતો, થીજીને લપસણો બનેલો નહીં. પણ પવનના જોરને કારણે આ ઢોળાવો પર ચાલવું મારે માટે ઘણું અઘરું હતું. પવન જોરથી અને ઝડપથી ફૂંકાતો હતો. એના ઝપાટા ને ધક્કાની સામે હું સાવ અશક્ત અને અરક્ષિત હતી. એ પહેલી સાંજે આ બધું હું સહી શકતી નહોતી. એ જાણે વધારે પડતો દુરાગ્રહી સત્કાર હતો. હવે મારે જલદી પાછાં અંદર જવું હતું. મારું મોઢું થીજી ગયું હતું. મારું ગળું થીજી ગયું હતું. આ ખુલ્લા ભાગો પર પવન ચાબખા લગાવતો હતો. હું જાણે એક સાધન હતી જેના પર કોઈ કુસ્તીબાજ મુક્કા મારતો હતો.

દેખીતી રીતે જ, જાતને બરાબર ઢાંકતાં હજી મને આવડ્યું નહોતું. અંદર જઈને જરા ગરમ થઈને, વધારાના પડ કાઢીને શાંતિ થઈ, “જો અત્યારથી આ બધું આટલું અઘરું લાગે છે તો આખા અભિયાન દરમ્યાન કઈ રીતે ટકીશ?” એ પ્રશ્ન છૂપા ડરની જેમ મને કનડવા માંડયો. ઉત્તરોચ્ચ આર્કટિકની વાસ્તવિકતા હુમલો કરવા માટે તૈયાર હતી; એમાંથી બચવાની વ્યૂહરચના હજી મારી પાસે નહોતી. પણ મારે એ જલદીથી વિચારી લેવી પડશે તે હું જાણતી હતી. આટલે દૂર હું આવેલી તે કાંઈ પાછાં જવા કે ગભરાવા નહીં, પણ ઊંડાણથી ઇચ્છેલા મારા લક્ષ્યને પામવા માટે.

રાતે દસ વાગ્યે સાંજ જેવું, આંખોને ગમે તેવું અજવાળું હતું. પણ મોડી રાતે એ કઠોર ભૂરું, વિચિત્ર ભૂરું લાગ્યું. રસ્તા પરના દીવા આખી રાત બળતા રહ્યા. સર્વત્ર એવી સ્તબ્ધતા ને શાંતિ હતાં કે જાણે આ સ્થળ શ્વાસ પણ નહોતું લેતું. બારી પર પડદો નાખેલો હતો, પણ જાણે આખી રાત અજવાળાએ મારી આંખ પર ટકોરા માર્યા કર્યા. બપોરના અજવાળામાં સૂવાનો પ્રયત્ન કરતાં હોઈએ તેવી વાત હતી.

અહીં વસંતની શરૂઆત થઈ રહી હતી ને અત્યારથી પ્રકાશ બેપરવા અને આપખુદ બન્યો હતો. ‘દિવસ’ ને ‘રાત’ જેવી સંજ્ઞાઓ અહીં વપરાતી નથી. ઉનાળા દરમ્યાન ઉત્તરોચ્ચ આર્કટિકમાં, સૂર્ય અને બરફને લીધે, ધવલ દિન અને ધવલ રાત્રિ હોય છે.

અહીં સમયના વિભાજન, ‘જાગવાનો સમય’ અને ‘સૂવાનો સમય’ — એવા કરવામાં આવે છે. અહીં બાળકો જ્યારે રમવું હોય ત્યારે રમે છે — ભલેને ઘડિયાળમાં સવારના બે વાગ્યા હોય. અહીં, બાળકોને, જ્યારે થાકે ત્યારે સૂવા દેવામાં આવે છે. અજવાળું હોય ત્યારે બધાં એને માણી લે છે. પછી શિયાળામાં તો ચારેક મહિના અંધારું જ હોય છે.

આ જાણે કોઈ ઊંધીચત્તી દુનિયા છે. અહીં ઉનાળામાં મધરાતે સૂર્ય તપે છે ને શિયાળામાં ભરબપોરે ચંદ્ર ઝગમગે છે. મધરાતનો સૂર્ય મેં ઍન્ટાર્કટિકામાં જોયો હતો ને અહીં જોવા પામવાની હતી; પણ બપોરના ચંદ્રનું કલ્પન સોહામણું લાગે છે. સાથે જ મને એ પણ આશંકા છે કે આ કલ્પન લોભામણું પણ રહેવાનું છે, કારણ કે આવા કોઈ સ્થળે શિયાળામાં પહોંચવાની કોઈ યોજના નથી!

શિકાર જેવી બીજી એક મૂળભૂત આર્કટિક પ્રવૃત્તિ તે ઇગ્લુ બનાવવાની. રેઝોલ્યુટમાં મુસાફરોને બતાવવા બે ઇગ્લૂ તો બનાવી મુકાયાં હતાં. કોઈ ઇનુઇત હવે એમાં રહેતાં નથી કે નથી બધાંને એ બનાવતાં આવડતું. એક જમાનો હતો જ્યારે આ બધી જાતિના જનસમૂહ સમુદ્રને કિનારે કિનારે ફરતા રહેતા અને જ્યાં શિકાર કરવા કે માછલી પકડવાની પ્રવૃત્તિમાં રોકાઈ પડતા ત્યાં ઇગ્લૂ બનાવીને એમાં રહેતા. હવે તો આ બધી જનજાતિઓ આધુનિક થઈ ગઈ છે.

છતાં, અમારાં પાંચ જણ માટે ઇગ્લૂ-નિર્દેશન ગોઠવવામાં આવ્યું. એક સ્વચ્છ શીતમંડિત સવારે સિમિયોની નામના એક ઇનુઇતને બોલાવવામાં આવ્યા. એ દેખાતા હતા તો વૃદ્ધ પણ આમેય આદિજાતિના લોકો હંમેશાં ઉંમરથી વધારે વૃદ્ધ જ લાગતા હોય છે. ઇગ્લૂ બનાવવાના હુન્નરમાં સિમિયોની બહુ કુશળ ગણાતા હતા અને સામાન્ય રીતે દોઢેક કલાકની અંદર એક ઇગ્લૂ બનાવી શકતા હતા. અમને જ્યારે ખબર પડી કે બનાવવાની જગ્યા એ એ આવી ગયા છે ત્યારે અમે અમારા બધા વાઘા પહેર્યા અને આ અજીબ હિમગૃહ બાંધવાની રીત જોવા ત્યાં પહોંચી ગયા. પગ તૂટેલો હોવાથી હાન્સ કારણ વગર બહુ ચાલતા નહીં. એ બહાર ના આવ્યા. પણ ઍન્થની, પાસ્કાલ, ડેવિડ અને હું ઠંડીનો સામનો કરતાં, રસથી જોતાં સિમિયોનીને કંપની તેમજ ધ્યાન આપતાં ત્યાં ઊભાં રહ્યાં. પણ એના નૈપુણ્યના પ્રદર્શન માટે એ સવાર બહુ સારી ના નીકળી. અમે એ મત પર આવ્યાં કે આગલી રાતે કાકાએ દારૂની મઝા બરાબર માણી હશે ને એને લીધે એ હાથ સ્થિર નહીં રાખી શકતા હોય. બરફનાં ગચ્ચાં પડતાં રહ્યાં તોયે એ અકળાયા નહીં કે કર્કશ થયા નહીં. “હું ગોઠવી દઉં, હું ગોઠવી દઉં” એ ધીમા, મૃદુ અવાજે બોલતા રહ્યા. વાતો કરાય એટલું અંગ્રેજી એમને આવડતું નહોતું. ધીરજથી એ કામ કરતા રહ્યા. મહાસ્થપતિ તરીકેની એમની પ્રતિષ્ઠાને આંચ પહોંચાડવા ઉદ્યત બરફના વિશ્વાસઘાતી ટુકડાઓનું સમતોલન સંભાળતા રહ્યા.

કલાકના કલાક નીકળી ગયા. ઍન્થની અને ડેવિડ થાક્યા, કંટાળ્યા ને ઠંડીથી થીજ્યા. એ બે તો અંદર જતા રહ્યા. પાસ્કાલ અને હું સિમિયોનીને પ્રોત્સાહન આપવા ગમે તે રીતે ત્યાં ઊભાં રહ્યાં. પણ પછી તો પાંચ કલાક થયા ને તોયે ઇગ્લૂ તો પૂરું ના જ થયું. બિચારા સિમિયોની એક લંબચોરસ મૂકે ને બીજો પડે. પછી તો રાતના ભોજનની નિયત ઘડી આવી એટલે અમારે પણ અંદર જવું પડ્યું. તે પછી તો સિમિયોની પણ ઇગ્લૂ છોડીને રાતને માટે જતા રહ્યા. સવારે વહેલા આવીને ઇગ્લૂ પૂરું કરી ગયા ખરા. જાણે પ્રોત્સાહન આપનાર કોઈ ના હોય ત્યારે વધારે સારું કામ કરી શકતા ના હોય!

એક રાત ઇગ્લૂમાં ગાળવા ઍગ્નેસ, ટૅરી ને હું ઉદ્યત થયાં. સૂવાના સમયે ત્યાં જતાં જોયું તો ઇગ્લૂ તો તૈયાર કરીને રખાયેલું હતું. ટૅરીની જ એ મહેનત હશે. હિમના ઠારને રોકવા માટે સૌથી નીચે, બરફની સપાટી પર કરીબૂનાં ચામડાં પાથર્યાં હતાં. એમની ઉપર સ્લીપિંગ-બૅગો મૂકી હતી. ઇગ્લૂ બરાબર ત્રણ સ્લીપિંગ-બૅગો માય તેટલું મોટું હતું. ટૅરી નાનો એક ગૅસસ્ટવ પણ લાવેલી, જેને સૂતાં પહેલાં હોલવી દેવો પડ્યો. એ બરફનું ઘર હતું. કશું પણ એમાં ગરમાવો આણી શકે ખરું? અમે હાથ ને પગનાં મોજાં, માથાં પરની ટોપી અને બીજાં બધાં જ જરૂરી સ્તરો પહેરી લીધાં હતાં. સ્લીપિંગ-બૅગનાં સ્તરોની અંદર ઘૂસી જઈએ તે પહેલાં અમે એકબીજાનાં ફોટા લીધા.

ઇગ્લૂની અંદર ખૂબ પ્રકાશ રેલાતો હતો. અપારદર્શક સ્ફટિક કાચના ઘુમ્મટની અંદર હોઈએ એવી અનુભૂતિ થતી હતી. કાચના પ્રદીપની જેમ એ અંદરથી ચમકતો હતો. આ ટૂંકા શયન સમય દરમ્યાન હું એ ધવલ જાજ્વલ્યથી સભાન રહી. ગોળ પડતી એ દીવાલો બારથી અઢાર ઇંચ જાડા બરફના લંબચોરસની બનેલી હતી. આર્કટિકની ઉજ્જ્વળ રાત્રીનો પ્રકાશ આ ઘનત્વમાંથી બહુ મુલાયમ રીતે પસાર થતો હતો. બહારથી જે બરફના એક ઢગલા જેવું હતું તે અંદરથી એક અત્યંત આલોક-સ્પંદિત આગાર બનતું હતું. કોઈ અજબ રીતે બરફ આકાશની દ્યુતિને પોતાનામાં પસાર કરી રજતોત્ફુલ્લ બનાવતો હતો, જેથી કરીને જાણે કોઈ મોટા ચીની ફાનસની અંદર રહેલાં હોઈએ એવું સંવેદન થતું હતું. અથવા તો એ પૂર્ણ ચંદ્રના આલિંગનમાં હોવા જેવું હતું. અથવા તો એમ લાગતું હતું કે જાણે આકાશગંગાએ ઘુમ્મટનો આકાર ધારણ કર્યો હતો. ઓહ, ઇગ્લૂની અંદર સતત કોઈ સ્મિતના જેવું ઔજ્વલ્ય રહ્યું — હું ઊંઘી ગઈ તે દરમ્યાન પણ અને જાગતી હતી ત્યારે પણ.

ટૅરી વહેલી સવારે ચાર વાગ્યે જાગી ગઈ ને ત્રીસ-પાંત્રીસ વાર દૂર રહેલા લૉજની અંદર જતી રહી. ઍગ્નેસ ને હું છેવટે જ્યારે ઊઠ્યાં ત્યારે પણ વહેલું જ હતું અને તદ્દન ઠંડું. પેલો પૂર્ણ ચંદ્ર જતો રહ્યો હતો ને નહોતી રહી આકાશગંગા. આ તો બીજા એક ઠંડા દિવસનો આરંભ હતો. ઊંઘ ભાંગી ગઈ અને તે સાથે શ્વેતવર્ણ મોહિની પણ અલોપ થઈ ગઈ. અમે માંડ માંડ સ્લીપિંગ-બૅગોની બહાર નીકળ્યાં અને મહામુશ્કેલીથી અમારી તેમજ ટૅરીની પથારીના વીંટા વાળ્યા; એમને માટેની જાડી, પ્લાસ્ટિકની પહોળી થેલીઓમાં ભર્યાં ને એક એક ભારે બંડલ સ્ટોરેજ રૂમ સુધી લઈ ગયાં. એટલામાં તો હાંફી ગયાં ને થીજી ગયાં. બાકીનું પછી લઈ લેવાશે, અમે કહ્યું. એ ક્ષણે તો હૂંફાળી જગ્યામાં પહોંચી જવું તે જ સૌથી અગત્યનું હતું!

ફરીથી ઠંડાગાર આર્કટિક દિવસની કઠોર વાસ્તવિકતા મને ગ્રસી રહી હતી પણ મેં એક અસામાન્ય નિશાના રોમાંચનો અનુભવ પણ અવશ્ય માણ્યો હતો.
[પાછળ]     [ટોચ]