[પાછળ]
મારો ઉત્તર ધ્રુવનો પ્રવાસ-૨

લેખકઃ પ્રીતિ સેનગુપ્તા

આ આખા પરિગમનનું એક અંગ એવું હતું જેને કારણે એ નિરસ બનતું અટકતું હતું. હતું તો શબ્દશ: એકરંગી-સફેદ, પણ એ રંગ-રસ વગરનું નહોતું. એ અગત્યનું અંગ હતું સમુદ્રનું હિમસ્તર. હંમેશાં બદલાતું રહેતું, એવી રીતે એ વર્તતું હતું જાણે એનાં પોતાનાં મન-મિજાજ ને મગજ હતાં અને કેટલું સર્જનાત્મક હશે એ મગજ, કારણ કે સપાટીની ભિન્નતા અવિરત હતી અને અનેક પ્રકારની હતી.

એના બાહ્ય સ્વરૂપમાં કશું પરાભૌતિક અમૂર્ત જોવા મળતું હતું. ઉદાહરણ તરીકે, એ જેવું દેખાતું હતું તેવું ઘણી વાર ખરેખર નહોતું પણ હોતું. ક્યારેક એ સપાટ, તદ્દન સપાટ લાગતું. જતા રહેતા બધા ચંદ્રપટ જેવા પરપોટા અથવા ઢગલા અથવા અણીદાર આકારો અને આખી સપાટી સફેદ પર સફેદથી ભરેલી મોટી, સુંદર બર્ફીલી ચાદર જેવી લાગતી. પણ એવું માનવું ભૂલ ભરેલું નીકળતું કારણ કે પછડાટો અટકતા નહીં ને એનો અર્થ એ કે સુંવાળી લાગતી એ સપાટી ખરેખર ખરબચડી હતી. તો બીજી કોઈ વાર એ નરમ, પોચી ને રૂ જેવી દેખાતી, પણ ખરેખર એવી નીકળતી નહીં. પગને એનો સ્પર્શ સખત લાગતો અને હાથમાં દડો વળીને કે મૂઠી ભરીને આવતી નહીં. અરે, મુક્કો મારતાં એમાં કશો ખાડો પણ પડતો નહીં છતાં હજી લાગતી તો નરમ ને પોચી જ.

આ હિમસ્તર જ્યારે સપાટ હતું ત્યારે નિરસ નહોતું. તદ્દન સફેદ હતું તેથી કાંઈ મૃત નહોતું. બરફના વિસ્તાર પર પવન દ્વારા કરી મૂકાયેલી સૂક્ષ્મ ભાત દેખાતી. લલિતસુંદર એ વળાંકો પરથી પવનનાં વીર્ય અને એની દિશા નક્કી કરી શકાતાં. એક વાર મેં એક પહાડ જોયો જે પૂરેપૂરો બરફથી ઢગલે ઢગલે છવાઈ ગયેલો હતો — ફક્ત ભેખડની ઉપરની એક તરફ ક્યાંક ક્યાંક ભરાઈ રહેલા બરફવાળી, ઘેરા, કાળા રંગના પાષાણની દીવાલ દેખાઈ રહી હતી. એ ભાગ બરાબર પવનની દિશામાં હશે, જેના જોરનો હુમલો બરફ પર થયો હશે, એનાથી બરફ ખવાતો ગયો હશે ને સાથે જ પાષાણની છાતી કંડારાતી રહી હશે. ઘેરા રંગનો પાષાણ જાણે પૉલિશ થઈને ચમકતો હતો — જ્યાં સો સો વર્ષથી એ પવનના ધક્કા ખાતો આવ્યો હતો અને ઝીણી કોતરણીવાળી, સમાંતરે ઊભી આકૃતિઓ દૃશ્યમાન કરતી હતી. આ કળાકારી બતાવી આપતી હતી કે કુદરતનાં પ્રારંભિત તત્ત્વોને કેવો એકબીજાંનો સતત સામનો કરવો પડતો હતો — જળ અને હવા, બરફ અને પવન, જાણે કોઈ દૈવી જાતકકથાનાં પાત્રો.

બરફની સપાટી લગભગ દરેક પગલે જુદી જુદી થતી હતી, જાણે એ “મૂડી” (moody) હતી. સખત થયેલા ભાગ પર ચાલતી હતી ત્યારે પગલાંની નિશાનીઓ પણ નહોતી પડતી, જાણે બરફ મને તરછોડતો હતો. અચાનક થોડાં પગલાં પછી વળી નિશાન પડવા માંડતાં અને એવું લાગતું કે જાણે બરફ મને વળગી રહેવા માગતો હતો. ક્યારેક એ સખત અને લપસણો હતો, તો વળી ક્યારેક એટલો પોચો હતો કે ઘૂંટણ સુધીનો પગ ગળી જતો! આવી રીતે બરફની અંદર જ્યારે ભરાઈ પડતી ત્યારે પહેલાં તો ચમકી જવાતું ને પછી મઝા પડી જતી. હું માનતી કે એ રીતે બરફ મારી સાથે મસ્તી કરી રહ્યો હતો.

અમે ઘણી તડો પણ જોઈ. કેટલીક તો પાતળી લીટી જેવી હતી — લગભગ દેખાય પણ નહીં એવી. કેટલીક જરા વધારે પહોળી હતી, તો કેટલીક સૂજી ગયેલા કાપા જેવી લાગતી હતી. ક્યાં તો તડો પડેલી જ હતી અને પગ પડે તે પહેલાં જ દેખાઈ જતી, અથવા ક્યારેક અમે પગ મૂકતાં ને નવી તડો પડતી. મોટા ભાગની તડોની નજીકનો બરફ જરા પોચો રહેતો, જાણે નીચેની તરફથી એ પોલો ને ખવાઈ ગયેલો હતો. એક કે બે વાર તો અમે એવાં અંતરવાળા કાપા જોયા કે એ ભલે ત્રણ-ચાર ઇંચ પહોળા જ હતા, પણ અમને ચિંતા થઈ ગઈ કે અમારાં પગ નીચેથી બરફ તૂટી ને ખસી તો નહીં પડેને. ભૌગોલિક ઉત્તર ધ્રુવના હજી ઊંચા અક્ષાંશો તરફ જતા સાહસી પ્રવાસીઓને આવી બિના નડતી હોય છે. બરફના તૂટીને મોટા અંતરે ખસી જવાને “શોર લીડ્ઝ” (shore leads) કહે છે અને એમને લીધે ઘણાયે પ્રવાસીઓને નિરાશ થઈ પાછા ફરવું પડતું હોય છે.

એમાં શંકાને કોઈ સ્થાન જ નહોતું કે એમાં થઈને પસાર થતા માનવજીવો — જેવા કે અમે — ઉપર એ પ્રદેશ સંપૂર્ણ સામર્થ્ય ધરાવતો હતો. અમારી પાસે ઇચ્છા હોઈ શકતી હતી, પણ પરિણામ નહીં. જો અમારા સ્વપ્ન સફેદ બરફનાં રંગનાં હતાં તો અમારી એષણાઓનું સંચાલન ઉત્તરોચ્ચ આર્કટિક પોતે જ કરવાનો હતો. બીજો કોઈ આરો હતો જ નહીં.

એટલે અમારા પગ નીચે બરફ પ્રતિક્રિયા કરતો રહ્યો, ખૂબ ધીમા ગરજાટ જેવા અવાજ સાથે, જાણે અમને જવાબ આપતો, અમારી સાથે વાત કરતો. આખો દિવસ એ અમને ઝીણી ઝીણી કણીઓ વડે વીંટળાયેલાં રાખતો ત્યારે પણ વાંધો નહોતો આવતો કારણ કે એ ભીંજવતો નહોતો. જ્યારે હું એને હાથમાં લઈ શકતી ત્યારે હું જોતી કે મોજાં ભીનાં થતાં નહોતાં. હું તો દરરોજ એને ખાતી પણ રહી, પિટર ના પાડ્યા કરતો હતો કે ખાવાથી શરીરનું પ્રવાહી એ સૂકવી દેશે, તોપણ. દરરોજ મેં એનો સ્વાદ માણ્યા કર્યો — પરિષ્કાર, શ્વેત, સ્વચ્છ, પ્રાચીન બરફ. હંમેશાં એ ખારો પણ નહોતો. જ્યારે અહીં વરસાદ પડતો જ નહોતો ત્યારે ખારો ના હોય એવો બરફ કયાંથી આવતો હશે, એ વિષે મેં વિચાર કર્યો હતો. કદાચ એમ હતું કે હવાની અંદરની ભીનાશ જ થીજી જતી હતી. પછીથી પિયામિનીએ અમને બતાવ્યું હતું કે પીવાના ને રસોઈના પાણી માટે બરફની કઈ સપાટી કાપવાની. અમને તો કશા બરફમાં ખાસ ખારાશ લાગી નહોતી પણ ઇનુઇતોને લાગી હતી અને એ લોકોને એ ગમી નહોતી.

અમારા દરેકનો આ પ્રદેશ સાથેનો સંબંધ જુદી જુદી રીતનો હતો. જ્યારે પિત્ઝા જેવા, જાડી પતરી થઈને બરફના ટુકડા હાથમાં આવતા ત્યારે પાસ્કાલ અને ઍન્થની બરફમાં રમવા માંડતા. જાણે ‘ફ્રિસ્બી’ હોય તે રીતે “બરફની રકાબીઓ” એ બંને એકબીજા તરફ ફેંકતા. અલબત્ત, આ નરમ પતરીઓ તરત તૂટી જતી ને બહુ દૂર ફેંકી પણ ના શકાતી. ડેવિડમાં તો વ્યવહારિકતા ને ડહાપણ એટલાં ભરેલાં હતાં કે એ બાળસહજ બની જ ના શકતો અને હાન્સની શારીરિક ખામીને લીધે એ બહુ હલનચલન કરી જ ના શકતા. હું મારા સ્વભાવ પ્રમાણે સ્થાન પ્રસાર સાથે હંમેશાં સંવેદનબદ્ધ થઈ જતી. જ્યારે હિમસ્તર સમતલ હોય ત્યારે હું દૂર દૂર સુધી જોઈ શકતી ને મન બધી દિશાઓમાં લાંબા અંતર સુધી વિહરતું. એ જાણે સ્વપ્નિલ દૃશ્યપટ હતું. એ અલૌકિક હતું અને એ અભૂતપૂર્વ હતું. ત્યાં મારી ઉપસ્થિતિ એટલી લઘુ, એટલી તુચ્છ હતી. તે છતાં અમારો સ્લેજ સમૂહ સરસ લાગતો હતો, સુધવલ વિસ્તારમાં રંગ ઉમેરતો હતો અને તોયે હતી તો એમની લઘુ, તુચ્છ ને અશક્ત જ ઉપસ્થિતિ.

બાથર્સ્ટ (Bathurst) ટાપુને જ્યારે અમે વળોટ્યો ત્યારે અમે એની ટેકરીઓના ઢોળાવો ચડતાં ને ઊતરતાં ગયાં. હિમદર્શન અરૂપ સુંદર હતું. એમાંયે એક ભાગ જુદો તરી આવ્યો, ને મને લાગ્યું કે એ મીઠા પાણીનું તળાવ જ હોવું જોઈએ. એની સપાટી એટલી શાંત, લીસી, સ્પષ્ટ અને સ્વચ્છ હતી. સમગ્ર સફેદ અને થીજેલું એવું જ હતું, છતાં કુદરતી તળાવ તરીકે એ જુદું પાડી શકાતું હતું. એક જ વર્ણવાળા એ રંગની અંદરોઅંદર શું આશ્ચર્ય જનક રીતે વ્યાખ્યા પામતાં પોત હતાં. અમે જતાં ને જતાં ગયાં — ટેકરીઓની હારમાળા પર થતાં, મસૃણ ઢોળાવો ઊતરતાં, મીઠા પાણીનાં તળાવો પરથી; પોતાનાં વહેણમાં જ થીજી ગયેલી નદીઓ પરથી પણ અને ઉનાળામાં જે હરિયાળાં મેદાનો બનતાં હતાં તેવા ભાગો પસાર કરતાં.

એક વાર અમે બે ટેકરીઓ વચ્ચેના બહુ જ સરસ સાંકડા એક ઢોળાવ પર ઊતરી આવ્યાં — કોઈ અનામી નદીનું થીજી ગયેલું એ વહેણ હતું. એટલું તો નયનાભિરામ એ દૃશ્ય હતું અને એટલું તો મોહક એ ગમન. સર્વત્ર શ્વેત પર શ્વેત અને શ્વેતનું આરોપણ હતું. પણ એમ નજીક જઈને જતાં મારું ધ્યાન ગયું કે આ રૂપાળી ટેકરીઓ બનાવેલી હતી તો આખી ને આખી કાળમીંઢ પાષાણોની. બરફના પુષ્ટ આવરણ નીચે તો એ ખૂબ સ્વરૂપવાન લાગતી હતી, પણ ઉનાળામાં એ નિર્વસ્ત્ર અને ભીષણ દેખાતી હશે. પ્રાગૈતિહાસિક કાળના એ કઠોર પથ્થર હતા. હવા થીજીને અથવા પવનથી ખસીને આવેલા જે બરફથી એક પાતળું પડ બન્યું હતું એની નીચેની, તૂટીને પતરી બનીને પડેલા પથરાથી છવાયેલી, જમીન પણ એવા જ ઘેરા, લગભગ કાળા રંગની હતી. એની ઉપર થઈને જતી અમારી સ્લેજ ગાડીઓ કચરવાનો એક અતૂટ અવાજ કરતી ચાલી જતી હતી. સમુદ્ર પર જવું વધારે સારું લાગતું હતું. કારણ કે બરફની એ સપાટી વધારે જાડી, આવા ખડખડાટ વગરની અને મોહમુગ્ધ કરી દેતાં લક્ષણોવાળી હતી.

સમુદ્રની સતહ પર અનેક પ્રકારનાં વિરચન જોવા મળતાં હતાં. પિટરે કહ્યું તે મુજબ એ બધો ગયા વર્ષનો વિવિધાકાર બરફ હતો — લગભગ સદાને માટે ફસાઈ ગયેલો. થીજીને હતપ્રાણ બની ગયેલો સમુદ્ર કદી પણ એટલો તો પીગળવાનો નહોતો જ કે જૂનો એ બધો બરફ વહેતા પ્રવાહમાં છૂટી જઈ શકે.

અહીં કોઈ દટાયેલા કિલ્લાના કાંગરાની તીક્ષ્ણ અણીઓ જેવાં નાનાં ત્રિકોણ બહાર નીકળ્યા હતા, તો ત્યાં એવાં શિખરો અને ખૂણાઓ હતા કે ચાલકોએ એમની ફરતે થઈને જવું પડે. અમારા પથમાંના અવરોધો અને અંતરાયમાંના ઘણાને દૂર રાખી શકાતા નહોતા. અમારી સ્લેજ ગાડીઓ એમને અથડાતી જતી, એમની ઉપર ચડીને આગળ જતી, પછી સપાટી પર ‘ધબ’ કરીને પછડાતી અને એનો આંચકો લાગતો અમને. આવી રીતે આગળ વધવું પડતું હોઈ એ દિવસ કઠિન, ધીમો બન્યો હતો.

બીજે ક્યાંક વળી બરફના ગોળાકાર ઢગલા મળતા. જાણે આઈસ્ક્રીમના દડા અને મૃદુ ઉપાંગો. રૂના ઢગલાને કાંત્યા હોય એવો ગાભલો લાગે ને એની કોઈ સળોમાં દૈવી જેવો, આછો ભૂરો દેખાય — ના દેખાય. જાણે બાળકને પટાવવા માટે રચાયેલી કોઈ વિશાળ દુકાન. ત્યાં જઈ ચડેલી હું પણ સાથે બાળક બનતી હતી. ઠંડા પણ હસતા હોઠ, વિસ્મયથી પહોળી થયેલી આંખો, કાંતીને નરમ થયેલા રૂના ઢગલા જેવો, એને અડકવા જતાં હાથને તો સ્પર્શદંશ જ મળતો. તો થોડી વારમાં નાના પાળિયા હોય તેવા આકારો જોવામાં આવતા. એક ખૂબ મોટા વિસ્તારમાં સમુદ્રની સપાટીમાંથી બહાર ધસી આવેલા આવા અસંખ્ય હિમશિર્ષ વિખરાયેલાં પડ્યાં હતાં. દેખાવે લંબચોરસ ને એકદમ સીધાં ઊભેલાં — જાણે કબર પર મૂકેલી નામશિલાઓ. બહુ વિચિત્ર લાગતા હતા એ આકારો. બરફની ઉપર બરફને પોતાને માટે જ બનેલું જાણે એ કબ્રસ્તાન હતું.

કેટલેક સ્થળે ફસાઈ ગયેલા, ગયા છેલ્લા વર્ષના કે ભૂતકાળનાં વિગત વર્ષોના, જરા મોટા પરિમાણના હિમખંડો નજરે ચડતા રહેલા. એમની આજુબાજુ બરફની અંદર ઊંડા વર્તુળો ખોદાઈ રહેલાં હોય તેવું લાગતું. એમ માની શકાય કે એમની નીચે દરિયાનું પાણી ગોળ ગોળ ફરી રહ્યું હતું — આંખે ન ચડે તેમ સ્તો . અદૃશ્ય આ વહેણો હિમખંડોની આસપાસ વલય સંજ્ઞાઓ રચી રહ્યાં હતાં. વિસ્મય અને આદરોત્પાદક હતું સમુદ્રનું આ વર્તન. બીજે કેટલેય સ્થળે એવું દર્શન થતું કે ઊંચે ઊઠેલાં, પોતાનામાં જ ગોળ વળી જતાં મોજાં એ ઊર્ધ્વગતિમાં, એમ ને એમ જ હિમ-સ્થિર ના થઈ ગયાં હોય. પણ ક્યાંથી મળી હતી પાણીને એમ ઊંચે ઊભાં થવાની મુક્તિ? ક્યાં હતો એવો હિલ્લોળ વળી આ દરિયામાં? આ શીતઘન જળરાશિમાં? સમજણની બહારનાં હતાં એ ઉત્થાન પણ આંખોને માટે આ બધું ધન્યકર હતું. બધો જ સમય એ મહાસમુદ્ર આવી ઘણી રીતે જીવંતતા અને કાર્યશીલતાનાં પ્રમાણ આપ્યે જતો હતો. આપણે તો ભાવક થઈને લીલામાં મગ્ન થતાં રહેવાનું, ભક્ત થઈને દૈવી ઉપસ્થિતિની સાક્ષી પામ્યા કરવાની. ચમત્કૃત હોય એવા આ પ્રદેશ સુધી પહોંચી હતી તે હકીકત મુસાફર તરીકે મારે માટે મહત્તમ કૃપા હતી. ધન્ય થયાનું ભાન મારા હૃદયમાંથી થોડા સમય માટે પણ ખસતું નહોતું. એ સભાનતા પણ વખતોવખત આવતી હતી કે જે બધું અદ્‌ભુત અને ચમત્કાર જેવું લાગે છે તે બધાંને માટે વિજ્ઞાનની પરિભાષા પણ હશે જ. છતાં, સદ્ભાગ્યે અલૌકિક તરફથી મળેલું આ પારિતોષિક છે એ સંવેદન સર્વોપરી રહેતું હતું.

જે ભાગો સપાટ હતા ત્યાં વધારેમાં વધારે બેથી ત્રણ ઇંચ જેટલો બરફ હશે ને બસ, પછી આવા લાંબા કાળથી નિર્મમ બનેલું હિમ. બીજા શબ્દોમાં કહું તો આ ઉત્તરોચ્ચ આર્કટિક સાગરનું જે મૂળ સ્વરૂપ હતું તે શીતમીંઢ હિમ (ice) પવનથી ઘસડાઈ આવેલા બરફ (snow)ના કણોના પડથી ઢંકાયેલું હતું. બરફના એ પડનો ભાવ સર્વત્ર તાજગી ને નરમાશનો હતો અને હિમનો શીતતીક્ષ્ણ દૃષ્ટિપાત કયાંયે છતો થતો નહોતો. કેટલાંક મોટાં, જળોત્પાદિત વિચરનો આવી હિમ બની ગયેલી ભીત્તિઓના નાના અંશો દેખાડી દેતાં. આ અંશો કાચ જેવી એમની નીલ ઝાંયને લીધે આકર્ષક લાગતા હતા. એમને લીધે અનંત હિમસ્થલીને એક બીજો રંગ મળતો હતો, દૃશ્યમાં વધારાની મુગ્ધતા ઉમેરાતી હતી. એકદમ નજીકથી જોતાં આ હિમઅંશો પોતાની અંદર કેદ થયેલા હવાના ઝીણા પરપોટા છતા કરતા હતા. મારા પગ નીચેની સપાટીને મેં શ્વસતી ને ઉચ્છ્વાસતી પ્રમાણી હતી, તે જ રીતે ટપકાં જેવડા આ પરપોટા થીજીને પાષાણવત્ આ હિમખંડોને પણ જીવિત રાખતા હતા.

હું મનમાં ને મનમાં ઉલ્લા સોન્મત્ત હતી કે આ અર્થઘન, સૌંદર્યસભર સામુદ્રિક કવચ ઉપર હું ચાલી રહી હતી, વસી રહી હતી, સૂઈ શકવા પામતી હતી. જો એનું થીજેલું સ્વરૂપ આટલું જીવંત લાગતું હતું, તો એનું મુક્ત સ્વરૂપ કેવું હશે? સર્વાંગે સ્તબ્ધ અને સઘન એ ક્ષિતિજની પણ પેલે પાર જતો હતો — આ સાગર, એના ઉન્મુક્ત ઉત્થાનની કલ્પના કરવી પણ શું મારાથી શક્ય હતી? સાચે જ કેટલું શોભા વૈવિધ્ય હતું આ મહાપ્રસારનું, પ્રણયરત થયેલી મેં મનમાં વિચાર્યું. એ આકર્ષક હતો, એ ચમત્કારક હતો, એ સંપૂર્ણ રીતે અનુરક્ત કરતો હતો.

પડાવ નાખવાની પાછી આખી એક રીત હતી. બધાં સ્કી-ડૂ એવી રીતે આવીને ઊભાં રહેતાં કે બધી સ્લેજ એકમેકને સમાંતર, અમુક અંતરે આવે; સામાન્ય રીતે તંબુમાં રહેનારાં પ્રવાસીઓ કે આદિ જાતિના લોકો કરતાં હોય છે તેમ ગોળાકારે નહીં. અમારા પડાવ મેદાનને કોઈ સીમા નહોતી કે કોઈ દુશ્મનના હુમલાનો ડર. સ્લેજની વચ્ચે તંબુ તાણવા માટે પૂરતી જગ્યા રાખવામાં આવતી. અમારે સ્લેજ પરની બેઠકમાંથી નીકળીને બહાર આવી જવાનું રહેતું અને તરત જ સૂવા માટેની બધી ચીજો કાઢી લેવાની રહેતી. એ દરમ્યાન સામગ્રી બાંધેલી સ્લેજ પરથી છુટા કરીને તંબુઓના વીંટા ત્યાં લઈ અવાતા. રૅન્ડી ને ક્લાઈડનું કામ હતું તંબુઓને ખોલીને એ ભારેખમ સ્લેજ ગાડીઓ સાથે એમને ચોક્કસ રીતે, છૂટે નહીં તે રીતે બરાબર બાંધવાનું. બંને જણ જુદા જુદા તંબુઓ પર કામ કરતા. એમને એકબીજાની મદદની જરૂર નહોતી પણ ટૉની એમાંના એકને કે બીજાને મદદ કરવા હંમેશાં લાગી જ જતો. મેં પણ મદદ કરવાનો પ્રયત્ન તો કર્યો જ, પણ મારે માટે તો એ તંબુઓ કશું કરવા માટે ખૂબ જ ભારે હતા.

હું તો પેલી જાડી સ્લિપીંગ-બૅગનો વીંટો પણ સ્લેજમાંથી ખેંચી કાઢી શકતી નહોતી. પછીની સવારે દબાવીને એને પાછો ઠાંસી પણ શકતી નહોતી. આ આટલી ક્રિયાઓ માટે તો હંમેશાં મારે મદદની જરૂર પડતી જ. વળી, મારો ડાબો હાથ થોડો દુ:ખવા ને કળવા લાગ્યો હતો, જાણે ઠંડીથી થીજી થીજીને ના હોય; અને કશું પણ કરવાથી — બૂટ ખીંચીને પહેરવાં કે ખેંચીને કાઢી નાખવાં, જાડી ભારે સ્લિપીંગ-બૅગને તંબુની અંદર લઈ જવી કે બહાર લાવવી વગેરે જેવી સાદી, નાની ક્રિયાઓને લીધે પણ હોઈ શકે. મારે માટે તો સ્લિપીંગ-બૅગને એના જાડા પ્લાસ્ટિકના થેલામાંથી ખેંચી કાઢવી પણ અઘરી હતી. એ જ રીતે, એને ગોળ વાળીને પાછી થેલામાં ઠાંસી ભરવામાં પણ મારો દમ નીકળતો હતો. એક ઇનુઇત છોકરાએ એક વાર મદદ કરેલી અને પાસ્કાલે પણ કરેલી. એ પછી મેં મારી જાતને હોશિયાર, બુદ્ધિમાન અને કાર્યપ્રવીણ થવા ને તેમ કરીને સફળ થવા ફરજ પાડી. મારી કિશોરાવસ્થામાં આપણાં બિસ્તરા વાળવામાં ને બાંધવામાં હું એટલી ચપળ અને હોંશિયાર હતી એ આવડત મારામાંથી હજી ગઈ નહોતી. પણ આ સ્લિપીંગ-બૅગ બાબતે હું પટુ અને ઝડપી બની એટલામાં તો પાછો એને વાપરવાનો સમય પૂરો થઈ ગયો! પણ એને લીધે મને મનમાં બહુ સારું લાગ્યું કે હજી એક વધારે બાબતમાં હું સ્વાવલંબી થવામાં સફળ થઈ હતી.

મેં એ વાતની પણ ચોક્સાઈ રાખવા માંડી કે મને બેસવું વધારે સારું પડે એ રીતે સ્લેજની બેઠકની જગ્યામાં એ વીંટો, ગાદી અને કરીબૂનું ચામડું બરાબર રીતે મૂકાયાં હતાં. પહેલે દિવસે હું આખો દિવસ નીચે તરફ સરકતી રહેલી. તે પછીથી એ “ઉચ્ચાસન” હું વધારે સારી રીતે ગોઠવવા માંડી. પાસ્કાલ પાસે એક યુક્તિ હતી જે ખરેખર કામ આવતી હતી. એ સ્લિપીંગ-બૅગના થેલાને પાછળ તરફ જરા ઢળતો, વાંકો રાખતો. તેથી પીઠના ટેકા તરફ થોડો ઢાળ થતો. આ રીતે આંચકાઓ ખાઈને પણ પાસ્કાલ આગળ કે નીચે તરફ સરકતો નહીં. એક વાર એણે આ રીતે મારે માટે બેઠક ગોઠવી આપી અને મને એ ઘણું સારું ફાવ્યું. પણ આ થયું એટલામાં છેલ્લો દિવસ આવી ગયો!

તંબુઓ બે જાતના હતા. એમ તો બધામાં હવા ફરતી રહે ને થીજે નહીં તે માટે બે પડવાળી દીવાલો હતી અને બધામાં પોતાનું પ્લાસ્ટિકનું પાથરણું હતું કે જેથી અમારે સાવ અનાવરિત બરફ પર ના સૂવું પડે. પણ એમાંના નવા તંબુ એમના સરસ ઘેરા પીળા રંગને લીધે જ તાજા દેખાતા હતા. એમની અંદર એટલી પ્રકાશમયતા લાગતી કે જાણે બત્તીઓ ચાલુ ના હોય! સુંદર આર્કટિક તેજોલ્લાસમાં વીંટળાઈને સૂવું હતું તો ઘણું સારું, પણ એની મુશ્કેલીઓ પણ હતી કારણ કે અનવરત ઔજ્વલ્યને લીધે નીંદર કષ્ટ પામેલા ટુકડે ટુકડા થઈને ભાંગી જતી. તો બીજી તરફ જૂના તંબુઓ ઝાંખા, કદાચ થોડા મેલા રંગના હતા અને કદાચ થોડા જાડા કાપડના બનેલા હતા. એ અંદરથી જરા વધારે પડતા અંધારા રહેતા છતાં જે તરફ આંગળી ચીંધવામાં આવતી એને અમે અમારો પોતપોતાનો માની લેતાં, કોઈ દલીલ કરતાં નહીં, વાંધા કાઢતાં નહીં — અમે બધાં, પણ અલબત્ત, સિવાય કે ડેવિડ. એને એ જૂના, ઝાંખા, અંધારા તંબુ ગમતા નહીં; તેથી એ બરાબર ધ્યાન રાખતો કે નિદ્રાકાળ વખતે પ્રત્યેક વાર એને નવો જ તંબુ મળે.

પિટરનો તંબુ મોટો હતો જેમાં એ રસોડું પણ ચાલુ કરી દેતો. અમે પાંચ જ મુસાફરો હતાં એટલે ગમે તેમ કરીને અમે ત્યાં બેસી શકતાં. અમે બધાંએ જે બધું પહેરેલું એને લીધે નીચે ભોંય પર બેસવું સહેલું નહોતું. ત્યાં ત્રણ સ્ટવ સળગતા હોવાથી કેટલીક વાર ત્યાં સારી હૂંફ લાગતી અને કેટલીક વાર કશો ફેર પડતો નહીં. એવે વખતે હું ત્યાં બેઠી બેઠી થથરતી રહેતી. ઘણી વાર પિટર રસોઈ કરતો તે દરમ્યાન અમે ત્યાં બેસી રહેતાં — ગરમી મળતી રહે તેથી, કંઈક વાતો કરાય તેથી અને બીજે કયાંય જવાનું હતું નહીં તેથી. રોજ રાતે વાયરલેસ રેડિયો પર પિટર રેઝોલ્યુટ સાથે જોડાણ મેળવતો અને બેઝલને અમારા પ્રયાણની વિગતો જણાવતો. પિયામિની પોતાના રેડિયો લઈ આવેલા ને એમનો તંબુ ખૂલે કે તરત રેડિયો સૌથી પહેલાં લગાવી મેં કબૂલ કર્યું. રાત પડી ત્યા રે, એટલે કે નિદ્રા કાળે સર્વત્ર ખૂબ નીરવ સ્તબ્ધ અને શાંતિપ્રદ બની જતું. એક વાર તો આકાશ પરિષ્કાર હતું અને જરાક સૂર્યાસ્ત પણ જોવા મળ્યો. એ હતો મધરાતનો સૂર્ય, પરાણે અસ્ત થતો ને પછી તરત જ નવા દિવસના પ્રણેતા થઈને બહાર પડતો. એ કાળે એની દિશામાં એક સુંદર ગુલાબી પ્રસરેલો હતો અને આકાશમાં જેમ નીચે ડૂબતો ગયો તેમ સૂર્ય પણ એક ઘેરા લાલ દડામાં પરિણમ્યો. નીચો ખરો, પણ ક્ષિતિજની નીચે નહીં; ખરેખર તો ક્ષિતિજને છેક અડકેલો પણ નહીં. સંપૂર્ણ શબ્દહીનતા હતી ને પવનહીનતા પણ. હું અનુભવતી હતી કે જાણે હું નખશિખ વીંટળાયેલી હતી — એ નિ:શબ્દતાથી, એ હવાથી, એ ધવલતાની અલૌકિક ઉષ્માથી.

સૂર્યના અપરાજિત આલોકને જ આભારી હતી સમયપત્રકના નિયંત્રણ વગર રહી શકતી અમારી નિત્યચર્યા. ઊઠવાની કે રસ્તે પડવાની કોઈ ઉતાવળ નહોતી, કારણ કે અંધારાની કોઈ ધમકી નહોતી. તેજ ક્યારેય ઓછું થતું જ નહોતું ને તે કારણે દિવસ કદી અંત પામતો જ નહોતો લાગતો અને તેથી આરામનો સમય અમે પસંદ કરી શકતાં હતાં. અનહદ ઠંડી હતી છતાં કે પછી એને કારણે જ અમે બધાં સૂતાં હતાં સારું. બધાં — સિવાય કે ડેવિડ. એની વહેલાં ઊઠી જવાની ટેવ અહીં પણ જતી નહોતી. હાન્સની નવાઈનો પાર નહોતો કે એ આટલે મોડે સુધી સૂતો હતો અહીં. પણ એમાં સફરથી થતાં થાક ને મહેનતની સાબિતી હતી. મોટા ભાગની રાતોએ હું ઘણી શાંતિથી જ સૂઈ જતી, જાણે કે પવન હલકે અવાજે હાલરડું ગાતો ના હોય!

માંડ માંડ એક વાર તંબુમાં અંદર ગયા પછી ટેકો દઈને બેસવાનો કોઈ રસ્તો નહોતો કારણ કે તંબુની દીવાલો ત્રાંસી હતી. થોડો પણ આરામ મેળવવો હોય તો “પથારી” પર આડી પડું ત્યારે જ મળે. કોઈક સાંજે છોકરાઓ સ્ટવ સળગાવીને જાતે જ તંબુમાં આપી જતા ને કોઈક વાર માગવો પડતો. સવારે તો વાત આથીયે ખરાબ થતી — છોકરાઓ ઊંઘ્યા કરતા, પિટર તો નહોતો મદદરૂપ કે મદદગાર, ઠંડી થીજાવી દે તેવી રહેતી અને સ્લિપીંગ-બૅગમાંથી નીકળવું, નીકળીને ઉપર પહેરવાનાં થર ચડાવવાં, એ બધું અત્યંત દુ:ખદાયક હતું. પેલાં મોટાં, ભારે બૂટ પહેરવાનું તો સૌથી કઠિન હતું, કારણ કે આમેય એમાં ઘણી મહેનત પડતી હતી અને એમનો સ્પર્શ ઊંઘ દરમ્યાન બૅગની અંદર પણ થીજી ગયેલા, ત્રણ મોજાં પહેરેલા મારા પગ હતા છતાં અસહ્ય ઠંડો લાગતો.

એક નિદ્રાકાળની શરૂઆતમાં મેં તંબુનું મોઢું પહોળું કરી થોડું ખુલ્લું રાખ્યું કે જેથી વધારે પ્રકાશ આવે ને પછી નકશાનો અભ્યાસ કર્યો. નકશો જોવો હંમેશાં બહુ જ ગમે છે ને ઉત્તરોચ્ચ આર્કટિકની વાતો જ અસાધારણ હતી. કેટલે દૂર આવ્યાં હતાં અમે, કેટલાં કષ્ટ અને શ્રમ વેઠ્યાં હતાં અમે અને નકશામાં જુઓ તો કેટલું નાનકડું, કેટલું ટૂકું અંતર. અમે જ્યાં જ્યાં થઈને આગળ વધતાં રહ્યાં હતાં તે બધાં સ્થળોમાંનાં કેટલાંક — ડન્ડી બાઈટ (Dundee Bight), મે ઇન્લેટ (May Inlet)નાં તો નામ પણ નકશા પર લખેલાં નહોતાં. પણ આ સાથે જ, નામ ના હોવાં તે કે આટલે દૂર દૂર હોવું તે બધું જ કાંઈ એવી અક્ષત મુક્તિનો અનુભવ કરાવતું હતું કે હું સંપૂર્ણ આલ્હાદમય હતી. મુક્તિ સ્થાનથી, સમયથી, સંદર્ભોથી, અપેક્ષાઓથી. મારા હૃદયનો અર્ક ખૂબ સરસ — મુક્તિના, નિર્બંધતાના, વ્યાપકતાના ભાવમાં રમમાણ હતો.

સૌથી વધારે અગત્ત્યનું તત્ત્વ હતું એ પરમ દૈવી આલોક જે ક્યારેય નિસ્તેજ થતુંનહોતું અને જે મારી અંદર હર્ષ ને આનંદ સીંચ્યા જ કરતું હતું. મને ખબર હતી કે ક્યાંક, જ્યાં રાત અને દિવસના ભેદ સુસ્પષ્ટ હતા ત્યાં, આકાશમાં પૂર્ણ વિકસિત ચંદ્ર પણ પ્રકાશી રહ્યો હશે પણ મને એની સાથે નિસ્બત નહોતી.

અમે બધી તકલીફો અને હેરાનગતિ ભૂલી ગયાં હતાં, કારણ કે અમે આવી પહોંચ્યાં હતાં. આપણે ધ્રુવ ઉપર પહોંચીએ છીએ, એની અંદર નહીં, કારણ કે એ એક અંચલ છે, એક ટપકું નથી. રૉબર્ટ પિયરી કે જે ઉત્તર ધ્રુવ પર પહોંચનારા સૌ પ્રથમ માનવ બન્યા, પહેલાં તો બધા રેખાંશોના મિલન બિન્દુ ને પાર કરીને પેલી બાજુ જતાં રહ્યા હતા ને પછી પૃથ્વીના શૂન્ય પર એ પાછા આવ્યા. એક ખીલી પણ અને ઘણી વાર “સૌથી ઉપરનો ખીલો” કહેવાતો ઉત્તર ધ્રુવ આમાં આવી ગયો — એની અણી કરતાં એના ઉપરના ભાગમાં વધારે પહોળા ગોળાકારે હોય છે. એમની જેમ, “મારા જીવનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું હતું.” પિયરી જ્યારે ધ્રુવ પર પહોંચ્યા ત્યારે એમણે લખ્યું, “આખરે ધ્રુવ પર ત્રણ સદીઓનું ઇનામ. વીસ વરસનું મારું સ્વપ્ન અને મારું ધ્યેય. આખરે એ મારું થયું છે. મારાથી હજી મનાતું પણ નથી.” એ ત્યાં ૧૯૦૯ના એપ્રિલમાં પહોંચ્યા હતા, હું ૧૯૯૨ના એપ્રિલમાં પહોચી હતી. વચ્ચે વીતેલો સમય શત શત લોકોના હૃદયમાંનાં સાહસનાં સ્વપ્નોથી ભરાતો ગયો હતો. એક સ્વપ્ન જ્યારે સ્પર્શગ્રાહ્ય અને સિદ્ધ થાય છે ત્યારે થતાં રોમાંચ ને આવેગની તો શું વાત કરવી! આટલી માત્રા સુધી બધાં સાહસપ્રેમીઓ સરખાં હોય છે — લક્ષ્યની ઉત્કટતામાં, સમાન અભિલાષાની ક્ષમતામાં.

મારું સ્વપ્ન સિદ્ધ થયું હતું. હું ચુંબકીય ઉત્તર ધ્રુવ પર આવી પહોચી હતી. ત્યાં પહોંચનાર હું પ્રથમ ભારતીય સ્ત્રી કે મુસાફર બની હતી. મારી “જીવનશક્તિ” એ બધાં વર્ષોમાં થઈને મારા જીવનના સૌથી અર્થપૂર્ણ આ સમય સુધી મને ધારણ કરી હતી. સર્વસ્વના સર્જનકર્તા પ્રત્યેના ઋણભાવથી મારી આંખોમાં આંસુ આવ્યાં અને મારું હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યું. બીજા મુસાફરોને હું હળવું ભેટી અને એકબીજાંને અમે અભિનંદન આપ્યાં. અમે અમારો ઉદ્દેશ પરિપૂર્ણ કર્યો હતો. મને એમ લાગ્યું કે મેં મારી પોતાની એક વિશિષ્ટ ક્ષણ પ્રાપ્ત કરી હતી. હું દિગ્મૂઢ બની ગયેલું કોઈ બાળક હતી અને વિસ્મયાકુલ એક યાત્રી હતી.

એક નાની સપાટ જગ્યામાં બધાં સ્નો-મોબિલને ઊભાં રાખીને અમે કેટલાક ઊંચા હિમરાશિ તરફ ગયાં. એ સ્થાન અદ્‌ભુત રીતે ભવ્ય અને ઉત્કૃષ્ટ હતું. તે ઉપરાંત, સૂર્ય ઉજ્જ્વળ હતો, આકાશ સ્વચ્છ અને ભૂરું હતું અને માની શકાય તેમ પવન શાંત બન્યો હતો — જાણે પાળેલું કુરકુરિયું. ઠંડી હવામાં થઈને ઝડપી ગતિથી હવે અમે જઈ નહોતાં રહ્યાં, તેથી પણ કદાચ એ સ્થિર લાગ્યો હોય કે પછી આ નિ:સંદેહ સ્તૃત્ય ગર્ભગૃહ હતું. આ સર્વશ્રેષ્ઠ અધિકાર ક્ષેત્રના પ્રાણ સાથે મુલાકાત માટેનો આ સુયોગ્ય સમય હતો. મારી યાત્રા સંપૂર્ણ થઈ હતી, મારો આત્મા સંતુષ્ટિથી પ્રક્ષાલિત થયો હતો.

ફોટા પાડવાના વિધિ માટે ખૂબ સમુચિત હિમરાશિ પિટરે શોધી કાઢ્યો હતો. અને દરેકને પોતાના ફોટા લેવડાવવા હતા એમાં કોઈ શંકા નહોતી. એ એક નાની ટેકરી જેવો હતો. એનો ઢોળાવ અને ઉપરનું ઊંચું શિખર, પરિષ્કાર, નૂતન, મૃદુ બરફથી બનેલાં હતાં. એ આખો આકાર દબદબાવાળો અને સિંહાસન જેવો હતો. અમારાં જેવા અલ્પજીવીઓની આનંદ અને ઇચ્છાપૂર્તિની ક્ષણોને કચકડામાં મૂર્તિમંત કરવા માટે એ ઉત્તમ પશ્ચાદ્‌ભુ રચતો હતો.

પિટરે “ચુંબકીય ઉત્તર ધ્રુવ” લખેલી સંજ્ઞા બરફની ટેકરીની વચ્ચે ખોસી. ચારે બાજુથી ચાર તીર કેન્દ્ર તરફ ચીંધાતાં હતાં. એના દંડની ટોચ પર કૅનૅડાનો ધ્વજ ફરકતો હતો, કારણ કે અમે કૅનૅડાની કંપનીની વ્યવસ્થા હેઠળ, કૅનૅડામાં થઈને અહીં પહોંચ્યાં હતાં. સંજ્ઞાની બે બાજુએ થઈને પાંચ પ્રવાસીઓના દેશોના ધ્વજ લગાવવામાં આવ્યા. હાન્સ માટે જર્મનીનો વાવટો હતો. ડેવિડે ચીની ધ્વજ માગ્યો હતો, લાંબા સમયથી એ બ્રિટિશ નાગરિક હતો છતાં. ઍન્થની માટે આઈરિશ ધ્વજ આયોજકો પાસે હતો નહીં, તેથી એને માટે એક ઇટાલિયન ધ્વજ લેવામાં આવ્યો હતો. દલીલ એ હતી કે બંનેના રંગ સરખા જેવા હતા. મેં કદાચ આ સહ્ય કર્યું ના હોત પણ ત્યારે બીજું શું કર્યું હોત? મારા દેશનો ધ્વજ એ લોકો પાસે ના જ હોત તો એના વગર ચલાવ્યું હોત કે પછી કૅનૅડા અથવા અમેરિકાનો ધ્વજ લીધો હોત. પણ મનદુ:ખ જરૂર થયું હોત. ભલે હું કેવળ એક સાધારણ, અણજાણીતી ભારતીય વ્યક્તિ હતી પણ મેં પૃથ્વીને આલિંગન આપ્યું હતું અને વિશ્વના બધા જ વિભાગોને ચાહ્યા હતા. હા, એમ બને કે સંસારની મહાયોજનાની અંદર મારું કશું સ્થાન નહોતું, પરંતુ હું જાણતી હતી કે મારા જન્મથી મને મળેલી પરિ સીમાઓથી શરૂ કરીને પ્રવાસી તરીકેના મારા જીવનની આ મહત્ત્વની આધારપ્રાપ્તિ સુધી આવતાં મેં ખૂબ લાંબું અંતર કાપ્યું હતું. મારા પર મૂકવામાં આવેલાં શરતો અને પ્રતિબંધોથી ઘણે દૂર, મારા દેહને મારા જીવનને લગતી અનેક મર્યાદાઓને પાર કરીને ઘણે દૂર મેં સફર કરી હતી. શરૂઆતમાં તો મારી પોતાની જે અપેક્ષા હતી તેનાથી પણ વધારે આગળ હું નીકળી આવી હતી. હા, આનંદ માણવા માટેનાં મારી પાસે કારણ હતાં. હૃદયના ઊંડાણ સુધી શાંતતા અનુભવવા માટેનો અવસર મને મળેલો હતો.

સાચેસાચા અર્થમાં ભારતીય તરીકે હું ધ્રુવને પામી, એના સુધી પહોંચી તે મારે માટે ખૂબ અગત્યનું અને અર્થઘન હતું. મારો પાસપોર્ટ હજી ભારતીય હતો, તેથી કાનૂની રીતે પણ હું ભારતીય જ હતી. કદાચ મારા જેવી જ જન્મજાત, સ્વદેશને માટેની અનુરક્તિ ને કારણે ડેવિડને ચીની ધ્વજ જોઈતો હતો. એ જ રીતે, પોતાપોતાની જાત સાથેના અભિજ્ઞાનનાં બે અગત્યના ગુણાંકની વચ્ચે ખેંચાખેંચ અનુભવીને બે ધ્વજની માગણી કે વિનંતી કે ફક્ત પૃચ્છા કરવા માટે પાસ્કાલ ને હું પણ સાચાં જ હતાં. ધ્યેયપ્રાપ્તિની એ પરિપક્વ ક્ષણે, જ્યારે એ પાંચ ધ્વજ અને છઠ્ઠો કૅનૅડાનો મંદાનિલમાં ફરકતા હતા ત્યારે અમારાં મનમાંથી એ માગણી કે એનો વિચાર, કયારના નીકળી ગયા હતા.

ત્યાં ધ્રુવના સાન્નિધ્યમાં બધાંના ફોટા લેવાનું બહુ મોટું ને લાંબું પ્રસ્તુતીકરણ કર્યું. પહેલાં પાંચ ચાલકોને બરફની એ ટેકરીના ઢોળાવ પર બેસાડ્યા — ધ્રુવની સંજ્ઞા અને બધા ધ્વજ બરાબર દેખાય તે રીતે. બધાં પ્રવાસીઓએ પોતપોતાનાં કૅમૅરામાં એ લોકોના ફોટા લીધા. પછી પિટર નીચે ઊતરી આવ્યો અને ચાર ઇનુઇત ચાલકોની જરાક આગળ અમે પાંચ બેસી ગયાં. પિટરે અમારા દરેકના કૅમેરામાં આ ગોઠવણીના ફોટા લીધા. દરેકને એ બધાં જ સંયોજનના ફોટા જોઈતા હતા. આ સામૂહિક તસ્વીરો લીધા પછી દરેકના કૅમેરામાં વારાફરતી વૈયક્તિક તસ્વીરો લેવાઈ. આવા પ્રસંગો માટે થઈને મેં બે કૅમેરા લીધેલા કે જેથી સહેલવાળામાં તો બીજું કોઈ મારા ફોટા પાડી આપે ને.

અમે ઢોળાવ પર બેઠાં ને એ શિખર સુધી પણ ચઢ્યાં ને નરમ બરફમાં લપસ્યાં, ગબડ્યાં ને પડતાં રહ્યાં. એક કે બે ફોટા માટે હું મારા ધ્વજને ચપટીથી પકડીને બેઠી. ખૂબ શ્રમપૂર્વક પ્રાપ્ત કરેલા એ સ્થાન પર થોડા ફોટા પડાવવાનો મેં નિર્ધાર જ કર્યો હતો. ઍન્ટાર્કટિકાની મારી જહાજ સફરમાંના મારા કોઈ જ ફોટા નથી તે માટે હજી મારો જીવ બળે છે. તેથી આ ધ્રુવીય અભિયાન દરમ્યાન કયારેક કયારેક હું મારા ફોટા પડાવતી રહી. એમાંનો એકેય, જોકે મને બહુ તો ગમ્યો જ નથી.

કદાચ અહીં આવનાર હું પ્રથમ હિન્દુ હતી. વિઘ્નહર્તા દેવ ગણેશની વિદ્યમાનતાની ત્યાં સ્થાપના કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો અને એ શીતસ્તબ્ધ, શુભ્ર, સુંદર હિમ પ્રસ્તર પર ફૂલો વેર્યાં હતાં. મારી નિજી રીતે, મારા સંસ્કારને, અંતર્પ્રેરણાને વશ થઈને રહી હતી. કંઈક સાદી, સરળ પણ નિષ્કપટ-નિર્વ્યા જ રીતે મેં એક શુદ્ધિકરણની, પ્રાણની, ભાવ સ્વચ્છતાની, મારી સભાન ચેતનાના પ્રક્ષાલનની વિનંતી કરી હતી. હું મુસાફર હતી, એક યાત્રી હતી, જે બહેતર વ્યક્તિ , એક પૂર્ણ તર વ્યક્તિ બનવા માગતી હતી. મેં ભજન ગાયાં નહીં કે કશો મંત્રોચ્ચા ર કર્યો નહીં, કારણ કે આ મૂક, સુશાંત સૌંદર્યનો મહાલય હતો. અહીં નીરવતા શબ્દ કરતાં પણ વધારે અભિવ્યક્ત કરી શકે તેમ હતી. એવી જ નિ:શબ્દ રીતે એક સપાટ ભાગ શોધીને બરફ પર હું બેઠી. ત્યાં જ બરફનો એક નાનો, લંબચોરસ ટુકડો હતો — જાણે ઓશીકું જોઈ લો ને એ વાપરવામાં મેં જરા પણ સમય ગુમાવ્યો નહીં. મારો પાર્કા-કોટ તો મેં ક્યારનો કાઢી નાખ્યો હતો, પણ છતાં એ કઠણ, સફેદ હિમશય્યા પર હું આડી પડી ત્યારે મને એનો સ્પર્શ બહુ જ કે અસહ્ય ઠંડો ના લાગ્યો. એટલે કે ઠંડી ખૂબ જ પ્રમાણમાં હતી પણ પવન ના હોય કે સહેજ ઓછો હોય તો એ નિમ્નતમ શીતઅંકો સહન કરવા જેવા સહેલા થતા હતા. એ પ્રદેશમાં હવા હંમેશાં એટલી સૂકી રહેતી કે ઠંડી ક્યારેક ભીનાશવાળી કે હાડકાંમાં કળતર થાય તેવી ના લાગતી અને તે ઘડીએ તો એ હવામાન મારા પર લોહીને ઉષ્ણ બનાવતા, ગતિમાન કરતા આહ્લાદક તત્ત્વની જેમ કામ કરી રહ્યું હતું.

ધીરે ધીરે અને શીતળતાના સામર્થ્યની સામે અત્યંત હિંમતવાન થઈને મેં હાથ-મોજાં પણ કાઢી નાખ્યાં. મહાતત્ત્વો પ્રત્યે આદર અને આધીનતા દર્શાવતું એ કાર્ય હતું. એ બધી અધિભૂત સન્નિધિઓ માટે હું મારા દુન્યવી, કલુષિત વાઘા દૂર કરી દેવા માગતી હતી. મારી નગ્ન આંગળીથી મેં બરફની સપાટી પર આકૃતિઓ દોરવાની ચેષ્ટા કરી. એ દેખાતો હતો પોચો પોચો, બસ, એટલું જ. એ હાથમાં છૂટો આવે એવું એનું ઉપલું સ્તર હતું નહીં.

જ્યારે હું આડી પડી ત્યારે ઉલાતે કહ્યું હતું — દૂરથી, જ્યાં એ ને છોકરાઓ ઊભા હતા ત્યાંથી “હેઈ, જુઓ હવે એ ઊંઘી જવાની છે! ” મેં એની તરફ ધ્યાન નહોતું આપ્યું કે નહોતો એને જવાબ આપ્યો. એટલું જ નહીં, મારું મોઢું એ લોકોથી ઊંધી તરફ હતું — જેમ આખી દુનિયા તરફથી હતું તેમ. દરેક જણથી, દરેક વસ્તુથી, અરે, સૂર્યની હાજરીથી પણ વિમુખ. મારે મારા ભૂતકાળને અને મારા ભવિષ્યને ભૂલી જવાં હતાં. ત્યાર પૂરતું, તે સમયે. વાસ્તવિકતા કેવળ આ ને આટલી જ હતી. એ હિમાચ્છાદાન, એ શ્વેતતા, એ સ્થાનની અપરિમેયતા. એ જ સત્ય હતું. કોઈ પણ જાતના સંઘર્ષ અંત પામ્યા હતા. આ સ્થાન હતું અખંડ સામંજસ્ય અને સંપૂર્ણ સુસંગતતાનું.

હિમની સૌંદર્યોપાસનામાં એ રીતે લગભગ સંમોહન મૂર્ચ્છામાં મેં અડધા કલાકથી વધારે સમય ગાળ્યો. દેખાતા હતા સાવ સાદા, પણ કેટલા જટિલ હતા એ હિમના અલૌકિક ગૌરવના રૂપઅંશો. મારી આંગળીઓને હું ધીરે ધીરે સપાટી પર ફેરવતી રહી, મારી આંખો હિમકણીઓની અંદરના નકશીકામ પરથી ક્ષણ માટે પણ ખસતી નહોતી. હું એમની ખૂબ નજીક હતી અને એમને જોઈને વિસ્મય મુગ્ધ થતી હતી. એ અતિ લઘુ હતી, સૂક્ષ્માતિસૂક્ષ્મ હતી અને છતાં આવી અદ્‌ભુત પરિપૂર્ણતા એમની અંદર શક્ય હતી. સપાટી પર નૃત્ય કરતી સૂર્યની સોનેરી આભામાં હિમકણીઓનો એ સમુચ્ચય મૂલ્યવાન હીરકરજની જેમ ઝગમગી રહ્યો હતો.

અન્ય સર્વથી, ચોદિકથી વિમુખ અવસ્થામાં હું પડી રહી અને લગભગ ભાન ગુમાવી પણ ગઈ. સર્વસમર્થ ઇશ્વરની કળા મારી આંખોને માટે આનંદોત્સવ રચતી હતી. મારે એ ચમત્કારી દર્શન, એ સાક્ષાત્કારનો અંત નહોતો આવવા દેવો. બીજા બધા પોતપોતાના દુન્વયી પ્રકારે એકમેક સાથે હળી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. એમણે મિનિટ જેવું પણ આ દૈવી મહારાજ્ય માટે વિશ્વને ભૂલાવ્યું નહોતું. પણ હું? મારે સંસારનું કશું જોઈતું નહોતું. મારે એ હિમશય્યા પરથી ઊઠવું નહોતું. ઊઠીને બીજે જવાનું હતું જ કયાં?

મારે માટે પૃથ્વીનો ઉત્તર ગોળાકાર અનિંદ્યસુંદર હતો. એનું બધું જ અનિંદ્યસુંદર હતું. એનો રંગ, એનું ગૌરવોન્નત સૌંદર્ય, એનાં હિમશિલ્પ અને એની ઝીણી ઝીણી હિમકણીઓ દ્વારા ઉત્તમ પ્રકારના કળા કૌશલ્ય અભિવ્યક્ત થતું હતું. નાનકડા એ હિમ સ્ફુલિંગોમાં મેં એવાં આકાર ને આકૃતિ જોયાં કે એ મહા-મહિમ્નની પ્રશંસા અને આરાધનામાં મારું હૃદય દ્રવી ઊઠ્યું. ફૂલો, તારા, અષ્ટકોણ ઉપરાંત એવાં અભિરચનોમાં એ આકારિત થયેલા હતા કે જેમને હું નામ પણ આપી શકતી નથી. શું કામ, શું કારીગીરી. શું અનન્ય નૈપુણ્ય. ને એ બધાંથી આનંદવિભોર થવા મળે તે કેવું સૌભાગ્ય.

લાંબા અરસા સુધી મારે માટે કાળ ત્યાં સુસ્થિર થઈ ગયો હતો; એનો અનંત, અસીમ ને એક અવિરત પ્રવાહ. મારી ઉપસ્થિતિ ત્યાં શાશ્વત હતી, હું મોહની ઉન્મત્તતાથી વિચારી રહી હતી અને એ ધ્રુવ પરના હિમના સ્મૃતિપટમાં ચિરસ્થાયી કંડારાઈ ગઈ હતી એની મને ખાતરી હતી.

અંતે ઉલાતથી રહેવાયું નહીં. એને આવવું જ પડયું — મારી મોહ-મૂર્ચ્છા ભાંગવા, મને માનવીય બંધનો પ્રતિ પુન: લઈ જવા અને પૂછવા કે એટલો લાંબો સમય હું શેની સામે જોઈ રહી હતી. મને ખબર નથી કે મારો જવાબ એ સમજ્યો કે નહીં. મોટે ભાગે તો નહીં જ સમજ્યો હોય. મેં કહેલું, ખૂબ હળવેથી, “અનિન્દિત પરિપૂર્ણતા”.
("અપરાજિતા")
[પાછળ]     [ટોચ]