[પાછળ] |
તમે કામિની દેસાઈને ઓળખો છો? લેખકઃ મધુ રાય ![]() ‘તમે કામિની દેસાઈને ઓળખો છો?’ ‘તમે કામિની દેસાઈને ઓળખો છો?’ ‘તમે કામિની દેસાઈને ઓળખો છો?’ તેનાં ૫૦ વર્ષ બાદ મુંબઈમાં સંજય છેલની આંગળી પકડીને હું એક ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાંથી બહાર નીકળું છું, લોબીમાં સિદ્ધાર્થ રાંદેરિયા વિલસે છે, કોફીશોપ સામે અરવિંદ વૈદ્ય જડે છે, પાર્કિંગ લોટમાં પંડિત ઉત્તમ ગડા સાંપડે છે, ગુજરાતી શો બિઝનેસના તારકો, મહાનાયકો ટ્વિન્કલ ટ્વિન્કલ થાય છે અને એક નમણો ચહેરો નમસ્તે કરે છે, ‘હું રૂપા દિવેટિયા. દામિની મહેતાની ભત્રીજી!’ હું તપાક કરીને પૂછું છું, ‘ઓહો! કેમ છે, દામિનીબહેન?’ રૂપાબહેન જણાવે છે કે, ‘ચાર દિવસ પહેલાં દામિનીબહેનનો સ્વર્ગવાસ થયો છે.’ અને નવલકથાઓમાં થાય છે તેમ સાંયસાંય મારાં ગાત્રોમાં વિદ્યુત વેગે જુવાનીનું હોટ બ્લડ ખળખળે છે; આંખો દિનેશ હોલના સ્ટેજનો બંધ થતો પરદો સંભારે છે ને કાન સાંભળે છે, ઘટ્ટ અંધકારમાં ગાજતો અશરીરી અવાજ, તમે દામિની મહેતાને ઓળખો છો? સન ૧૯૬૭માં હું કલકત્તાથી અમદાવાદ આવેલો ત્યારે મારા હોલડોલમાં એક ફારસનો પહેલો અંક તૈયાર હતો. સંયોગથી ‘દર્પણ’ સંસ્થાના કૈલાસ પંડ્યાએ તે વાંચ્યો અને તત્કાલ તેને ભજવવાનો નિર્ણય કરી નાખ્યો. ‘નાટકમાં નાટક’નું તે ફારસ હતું અને તેમાં પહેલા અંકના અંતે નાટકની નાયિકાના હાથે એક પ્રેક્ષકનું ખૂન થતું હતું, પરંતુ તેનો એક જ અંક લખેલો હતો, ‘નાટકને નામ શું આપીશું?’ કૈલાસભાઈએ પૂછ્યું અને મેં તત્ક્ષણ કહ્યું, ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ નાયિકાનો રોલ દામિની મહેતા કરવાનાં હતાં તેથી ‘ખૂન’ કરનાર નાયિકાનું નામ મૂકી દીધું કામિની. દામિની મહેતા/કામિની દેસાઈ. નાયક કૈલાસ પંડ્યા/જગન્નાથ પાઠક. ફટાફટ નાટક પૂરું કરવાની વરધી મળેલી એટલે કૈલાસભાઈએ મને પણ નાટકમાં એક લાઈન બોલતા પાત્રનો રોલ આપ્યો, મધુ ઠાકર/કેશવ ઠાકર. પ્લસ, હિંમત કપાસી/પ્રીતમ સોની. તત્કાલ તે ફારસનાં રોજે રોજ રિહર્સલ શરૂ થઈ ગયાં અને પરસ્પરની પ્રતિભાઓનાં આકર્ષણ–અપાકર્ષણથી તણખા ખરે તેમ જાણે આપોઆપ નાટક લખાતું ગયું, લખાતું ગયું. મારી સો ટકા દૃઢ માન્યતા છે કે કૈલાસભાઈ ન હોત તો આ નાટક ન ભજવાયું હોય, પરંતુ દામિનીબહેને કામિની દેસાઈનો રોલ ન કર્યો હોત તો આ નાટક લખાયું જ ન હોત. અલબત્ત ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટક ફક્ત આઠ શોમાં સમેટાઈ ગયેલું, ઓન્લિ એઇટ શોવ્ઝ. પીતાંબર પટેલે રિવ્યૂ લખેલો ‘ગંધાતું ફૂલ’ અને ચિનુ મોદીએ ચુકાદો આપેલો, ‘મધુએ મૃણાલિનીને ફૂલ બનાવી.’ પરંતુ ક્રમે ક્રમે આ નાટક આકાશવાણીના નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લેયઝ અંતર્ગત ભારતની ચૌદ ભાષામાં ભજવાયું, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અભ્યાસક્રમમાં મુકાયું, હિન્દી, મરાઠી, અંગ્રેજી તખતે ભજવાતું રહ્યું અને કહે છે કે હજી સુધી મરાઠીમાં કશેક ભજવાઈ રહેલ છે. આ સર્વ સિદ્ધિ પ્રસિદ્ધિ સંભવી ન હોત જો આ નાટક લખાયું જ ન હોત અને યસ, યસ, ગોડડેમઇટ ઓફ કોર્સ યસ, દામિની/કામિની સાથે અભિનય કરતાં કરતાં, નાટક લખતાં લખતાં મારા ફક્ત એક લાઇન બોલતા પાત્ર કેશવ ઠાકરમાંથી મેં આબેહૂબ આદમકદ ખલનાયક ઘડી કાઢેલો, કામિનીના લિબાસમાં સર સર સરકતી સાડીમાં હિપ્નોટિક ડગલાં ભરતી અભિનેત્રીથી મારું પાત્ર કેશવ ઠાકર બુદ્ધિલુપ્ત બનેલું. દામિની મહેતાના પાત્ર કામિની દેસાઈના તુમુલ યૌનાકર્ષણથી દંતક્ષત બનીને કેશવ કહેતો હતો, ‘હા, કામિનીનો બીજો પ્રેમી હતો, હું પોતે, કેશવલાલ પુરુષોત્તમ ઠાકર. કામિની ચાલે તે ભૂમિ ચૂમવાની મારી તૈયારી હતી.’ આ નાટકના કારણે ક્રમશ: મને અમેરિકા જવાનું થયું, ત્યાંથી ‘ઇમ્પ્રોવાઇઝેશન’ની પ્રયુક્તિ શીખી લાવીને મેં અમદાવાદમાં ‘આકંઠ’ની નાટ્યલેખન પ્રવૃત્તિ શરૂ કરી જેના ફળે લાભશંકરે લખ્યું ‘પીળું ગુલાબ’ અને ચિનુએ લખ્યું ‘નવલશા હીરજી’. આમ, ગુજરાતી નાટ્યલેખનમાં અજાણતાં તિર્યક ગતિક્ષેપ કરનાર તથા મારા જીવનમાં હેરપિન વળાંક લાવનાર દામિની મહેતાને હું કામિની દેસાઈના લિબાસમાં એકાદ વર્ષથીયે ઓછા સમય દરમિયાન મળ્યો હતો અને આજ સુધી દામિની મહેતાની તે જ પ્રતિચ્છવિને ઓળખું છું. ને મનમર્કટ પલાખું પૂછે છે, ખરેખર? દામિની મહેતાને તમે ઓળખો છો? પાંસળાં ભીંસાય તેવા પ્રીતાશ્લેષ સાથે, સો લોન્ગ, માય સુપરસ્ટાર! -------------------------------------------------------------------------- પ્રિયંકા ચોપરા, દીપા સાહી અને સરિતા જોશીમાં સામાન્ય શું? જવાબ છે: મધુ રાય. અમેરિકાસ્થિત આ અનોખા ગુજરાતી સર્જકની કૃતિઓ પર આધારિત રૂપાંતરોમાં આ નાયિકાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. મધુ રાયનું નામ કાને પડે એ સાથે જ ‘હરિયો’, ‘કેશવ ઠાકર’, ‘સંતુ રંગીલી’, ‘યોગેશ પટેલ’ જેવાં પાત્રો આપણા માનસપટ પર જીવિત થઈ ઊઠે. ‘કામિની’, ‘સભા’, ‘કિમ્બલ રેવન્સવુડ’, ‘કલ્પતરુ’ જેવી નવલકથાઓ, ‘કાન’, ‘ઈંટોના સાત રંગ’, ‘બાંશી નામની એક છોકરી’ જેવી અનેક નવલિકાઓ; ‘કુમારની અગાશી’, ‘સંતુ રંગીલી’, ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો...’, ‘ખેલંદો’ જેવાં અનોખાં નાટકોનું સ્મરણ થઈ આવે. મધુ રાયની જીવનસફર પણ તેમની કૃતિઓની જેમ ચડાવઉતારથી ભરપૂર, અટપટી અને રોમાંચસભર છે. મધુસૂદન ઠાકર એટલે જામનગર નજીકના ખંભાળિયા ગામના શિક્ષક વલ્લભદાસ સુંદરજી ઠાકર અને વિજયાબેનનું સૌથી મોટું સંતાન. ૧૬ જુલાઈ, ૧૯૪૨ના દિવસે તેઓ જન્મેલા. પાંચેક વરસ સુધી ખંભાળિયામાં જ ઊછર્યા. દરમિયાન કલકત્તાની એક શાળામાં વલ્લભદાસની નોકરીનું ગોઠવાયું. પત્ની અને ત્રણ સંતાનો મધુસૂદન, શશીબેન અને વિનુબેનને લઈને ૧૯૪૮માં તેઓ કલકત્તા ગયા ત્યારે મધુસૂદનની ઉંમર માંડ છ વરસની. વલ્લભદાસના એક સહાધ્યાયીના મકાનની એક ઓરડીમાં રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ. દસ બાય દસ ફૂટની ઓરડીમાં પાંચ જણનું કુટુંબ માંડ સમાતું, એમાં બે દીકરાઓ અરુણ અને નલિનનો ઉમેરો થયો. શાળાની નોકરી ઉપરાંત વલ્લભદાસ ટયૂશન કરતા, અને સાંજે કોઈ હોસ્ટેલમાં નામું લખવા જતા છતાંય બે છેડા માંડ ભેગા થતા. દરમિયાન એક એવો અકસ્માત થયો કે જેણે મધુસૂદનના વાંચનના શોખને પ્રબળ બનાવી દીધો. મધુસૂદન એક મિત્રને ધેર ગયેલો. જામફળી પર ચડેલો મિત્ર હાથ કે પગ છટકતાં નીચે ઊભેલા મધુસૂદન પર પડ્યો. મધુસૂદનના પગનું હાડકું ભાંગી ગયું અને લાંબો ખાટલો થયો. આ પથારીવાસ દરમિયાન તેનો સમય પસાર કરવા પિતાજી અનેક પુસ્તકો-સામયિકો લઈ આવતા. મધુસૂદને અસંખ્ય પુસ્તકોનું સેવન કર્યું. કલકત્તાની બહુરંગી પ્રજામાં ગુજરાતીઓ બહુ ઓછા, અને શિક્ષક સમુદાય તો તદ્દન લઘુમતીમાં. કલકત્તાનું વાતાવરણ સાવ ભિન્ન. અહીં સાહિત્યચર્ચાઓ ખૂબ મમતથી થતી. અભિનેતાઓ, લેખકો, કવિઓ તેમાં જોશભેર ભાગ લેતા. ‘કવિતા’ નામનું એક સામાયિક તો દર કલાકે પ્રસિદ્ધ થતું, જેમાં દર કલાકની તાજી કવિતાઓ છપાતી. બંગાળી ઉપરાંત પંજાબી, મારવાડી, એંગ્લો ઇન્ડિયન, ઉડિયા, બિહારી, યુ.પી.ના એમ કેટલાય લોકોનાં રહનસહન અને બોલીનું નિરીક્ષણ અનાયાસે થતું રહ્યું હતું, જે મધુસૂદનની ચેતનાનું ઘડતર કરતું રહ્યું. મધુ રાય કહે છે એમ: ‘ત્યારે મારું અસ્તિત્વ ભીંત પર બેઠેલી માખી જેવું હતું. કોઈ એની હસ્તીની નોંધ ન લે, પણ માખી બધું જોઈ શકતી હોય.’ મધુસૂદન મેટ્રિકમાં હતો ત્યારે જ પિતાજીની તબિયત લથડી. તેમણે કપાતે પગારે રજા લેવી પડી અને ઓરડીનું ભાડું ચડવા લાગ્યું. આમ, ઘરનો આર્થિક બોજ સૌથી મોટા મધુ પર આવી પડ્યો. હવે? દરમિયાન એક મિત્ર થકી લેખનનું નિમિત્ત ઊભું થયેલું. રસિકભાઈ નામના મિત્રનું લગ્ન બાળપણમાં થઈ ગયેલું. પાલનપુર રહેતી પત્નીને પત્ર લખવા માટે રસિકભાઈએ મિત્ર મધુની મદદ માગી, જે મધુએ હોંશે હોંશે કરી. આમ તેમનું સર્વપ્રથમ મૌલિક લેખન ભૂતિયા લેખન હતું. જો કે, બહુ ઝડપથી પોતાના નામે લખાણ લખાય એવા સંજોગો આવી ગયા. નાનાં બહેનના લગ્નનું નક્કી કરવા માટે એક વાર પિતા-પુત્રને મુંબઈ જવાનું થયું. કવિ સુંદરજી બેટાઈ વલ્લભદાસના સહપાઠી અને તેમની જ જ્ઞાતિના હોવાથી પરિચિત હતા. તેમણે કલકત્તા રહેતા સાહિત્યકાર શિવકુમાર જોશી પર ચિઠ્ઠી લખીને પોતાના મિત્રના દીકરાને મદદરૂપ થવા જણાવ્યું. કલકત્તા પાછા આવ્યા પછી ચિઠ્ઠી લઈને મધુ શિવકુમારને મળવા ગયો. ચિઠ્ઠી વાંચીને શિવકુમાર પોતાના ખિસ્સામાં હાથ નાંખીને પૈસા કાઢવા ગયા, ત્યારે ઓઝપાઈ ગયેલા મધુએ કહ્યું, ‘પૈસાની જરૂર નથી. કંઈક કામ આપો.’ આ જુવાનિયાને શું કામ આપી શકાય? મધુએ પૂછ્યું, ‘તમારી વાર્તાઓનો હિંદી અનુવાદ કરું તો કેવું?’ શિવકુમાર રાજી થઈને કહે, ‘તમે અનુવાદ કરો. એ છપાય તો તમારા ઉપરાંત મારો પુરસ્કાર પણ તમે રાખી લેજો.’ રાજી થયેલા મધુએ શિવકુમારની ચાર ગુજરાતી વાર્તાઓનો અનુવાદ કરી આપ્યો. શિવકુમારે આ અનુવાદ રમણીક મેઘાણીને જોવા માટે મોકલી આપ્યો. રાજી થયેલા રમણીકભાઈએ આ વાર્તાઓ ‘ધર્મયુગ’માં મોકલી આપી. અનુવાદકનું નામ હતું ‘મધુ રાય’. ‘આમ કેમ? મધુસૂદન ઠાકર નામ કેમ નહીં?’ જવાબમાં મધુ રાય કહે છે. એક મિત્રપત્ની તેમને માનાર્થે ‘મધુસૂદનરાય’ કહીને સંબોધતાં હતાં. તેથી એ સંબોધન વાપરવાનું નક્કી કરેલું, પણ શિવકુમારે ‘સૂદન’ કાઢી નાખ્યું. સત્યજિત રાય ત્યારે વિશ્વભરમાં છવાયેલા હતા, તેમની પણ પ્રગાઢ અસર હોઈ શકે. પિતાજીથી ઓળખ છુપાવવા માટે પણ આ નામ રાખેલું. જે હોય તે, પણ મધુ રાય નામના લેખકનો જન્મ થઈ ચૂક્યો હતો. ભલે અનુવાદક તરીકે! દરમિયાન ‘ચાંદની’એ વાર્તા હરીફાઈની ઘોષણા કરી. શિવકુમારે મધુ રાયને વાર્તા મોકલવાનું સૂચન કર્યું. વાર્તા ટપાલમાં મોકલવા જેટલા પૈસાય મધુ રાય પાસે નહોતા. શિવકુમારે પોતાને ખર્ચે એ મોકલી આપી. ‘હુગલીનાં મેલાં નીર’ નામની એ નવલિકાને અઢીસો રૂપિયાનું દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું. આ રકમથી મકાનના ભાડાનો જોગ થઈ ગયો. ત્યાર પછી યોજાયેલી ‘સવિતા’ વાર્તા હરીફાઈમાં મધુ રાયે બે નવલિકાઓ મોકલી. આ બન્ને વાર્તાઓ ‘પ્રશ્નો વધતા જતા હતા’ અને ‘ધારો કે...’ને પ્રથમ ઈનામ જાહેર થયું. ત્યાર પછી ગુજરાત સાહિત્ય મંડળે યોજેલી એકાંકી હરીફાઈમાં મધુ રાયનાં બે એકાંકી ‘ઝેરવું’ અને ‘તું એવું માને છે’ પ્રથમ આવ્યાં. બસ, લેખક તરીકે મધુ રાયની નિયતિ નિશ્વિત થઈ ગઈ હતી. તેમના નામની, તેમની સર્જકતાની, તેમની નવીન અને તાજગીસભર શૈલીની નોંધ લેવાઈ. અને એથીય ઉપર આ હરીફાઈ થકી મળેલાં ઈનામો વડે ઘરખર્ચનો જોગ થઈ જતો હતો. જાલુબહેન કાંગા નામનાં એક પારસી મહિલાના વડપણ હેઠળ નીકળતા સાપ્તાહિક ‘નવરોઝ’માં મધુ રાયની કોલમ શરૂ થઈ, જેમાં તેઓ શહેરની ગતિવિધિઓ વિશે લખતા, જેના માટે કોલમદીઠ પાંચ રૂપિયાનો પુરસ્કાર મળતો. મેટ્રિકથી કોલેજના અભ્યાસ દરમિયાન મધુ રાયની સર્જકતા બરાબરની ખીલી ઊઠી. શિવકુમાર જોશી સંપાદિત ‘કેસૂડાં’માં તેમની રચનાઓ પ્રસિદ્ધ થતી. આ અરસામાં જ શિવકુમાર જોશીએ મધુ રાયનો પરિચય તેજીલા તોખાર જેવા સર્જક ચન્દ્રકાન્ત બક્ષી સાથે કરાવ્યો, જેમની સાથે જીવનભર લવ-હેટના સંબંધો રહ્યા. મધુ રાયની છ વાર્તાઓને બક્ષીએ પોતાના પ્રકાશક શિવજી આશરને મોકલી. શિવજીભાઈએ તેમનો સંગ્રહ પ્રસિદ્ધ કરવાની તૈયારી બતાવી. એ રીતે, કુલ બાવીસ નવલિકાઓનો સંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ પ્રકાશિત થયો. આ પુસ્તકે ગુજરાતી સાહિત્ય વર્તુળમાં કલકત્તાસ્થિત નવોદિત સાહિત્યકાર મધુ રાયની આગવી ઓળખ ઊભી કરી. જોકે હવે કુટુંબનાં ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી મધુ રાયના શિરે આવી ગઈ હતી. અને બી.એ.નો અભ્યાસ આગળ વધારવાને બદલે નોકરી થકી સ્થાયી આવક ઊભી કરવાની જરૂરત તીવ્ર બનતી જતી હતી. જાહેરખબરોના અનુવાદનું કામ મળ્યા કરતું છતાં સ્થાયી આવક મેળવવાના ભાગરૂપે મશીનરીની એક કંપનીમાં નોકરી લેવી પડી. અહીં કામ હતું ઉઘરાણીના પત્રો લખવાનું. આ કામ કરવાની પોતાની અણઆવડતને કારણે અત્યંત ક્ષોભ, શરમ, સંકોચ અનુભવતા મધુ રાયે આ નોકરી છ-છ વરસ લગી વેંઢાર્યે રાખી. જોકે તેમનું નામ-કામ સાહિત્ય વર્તુળમાં ઠીકઠીક જાણીતું થયું હતું. અને તેને આધારે એક દિવસ ‘જનસત્તા’માંથી પત્ર મળ્યો, જેમાં મધુ રાયને તંત્રી વિભાગમાં નોકરીની ઓફર આપવામાં આવી હતી. આ ઓફર તેમણે ઝડપી લીધી અને અમદાવાદ આવવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, બે-ત્રણ મહિનામાં પરિવાર આખો અમદાવાદ આવી જાય એવું ગોઠવ્યું. જાળમાંથી છૂટવા મથતા પંખીને ઊડવા માટે જાણે કે ગમતું આકાશ મળ્યું. ૧૯૬૭માં કલકત્તાને અલવિદા કરીને મધુ રાય અમદાવાદ આવી ગયા અને ‘જનસત્તા’માં જોડાઈ ગયા. બેએક દિવસ તો ધરમશાળામાં રહ્યા. આ અરસામાં શિવજી આશર અમદાવાદમાં સ્થાયી થયા હતા. શિવજીભાઈની ઓફિસમાં જ હિંમત કપાસી સાથે પહેલી વાર મુલાકાત થઈ અને કપાસીસાહેબે પોતાને ધેર રહેવા આવી જવાની ઓફર કરી. મધુ રાય ઊપડ્યા કપાસીસાહેબને ત્યાં. દસ બાય દસની ઓરડીમાં રહેલા મધુ રાય આ વિશાળ આવાસ જોઈને ડઘાઈ ગયા. કપાસીસાહેબને આ જુવાનિયા લેખકની વાતોમાં જબરો રસ પડી ગયેલો. રોજ સાંજે ઓફિસ છૂટવાના સમયે તેઓ સ્કૂટર લઈને ઊભા રહે. બન્ને ફરવા જાય, સાથે ચા પીએ, મિત્રોને મળે અને અવનવી વાતો કરે. દરમિયાન તેમના મિત્ર અને અમદાવાદની વિખ્યાત એડ એજન્સી નવનીતલાલ એન્ડ કંપનીના સંચાલક વિનોદ ગાંધીએ એક વાર કહ્યું, ‘કોઈ કોપીરાઈટર મળતો નથી.’ કપાસીસાહેબને ત્યારે એટલો જ ખ્યાલ કે મધુ રાયે કોપીરાઈટિંગ કરેલું છે. એટલે તેમણે જણાવ્યું: છે આપણી પાસે એક ‘ઝેરી માણસ’! એમ પાટર્ટાઈમ કામ એડ એજન્સીમાં ગોઠવાયું. ‘જનસત્તા’માં એકાદ-બે મહિના કામ કર્યા પછી મધુ રાય ‘સંદેશ’માં જોડાયા. દોઢેક વરસ પછી ‘નિરીક્ષક’માં અને નવનીતલાલ એન્ડ કંપનીમાં પૂર્ણ સમય માટે જોડાઈ ગયા. માતાપિતા અને ભાઈઓ સહિત આખું કુટુંબ પણ અમદાવાદમાં આવી ગયું હતું. આ અરસામાં ‘દર્પણ’ સાથે સંકળાયેલા કૈલાસ પંડયાએ કપાસીસાહેબ સમક્ષ નાટક લખી આપે એવી કોઈ વ્યક્તિ વિશે પૂછ્યું અને કપાસીસાહેબે ફરી વખત પોતાની પાસેના ‘ઝેરી માણસ’ના નામનું સૂચન કર્યું. મધુ રાય પાસે ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો...’ નાટકનો એક અંક લખેલો તૈયાર હતો. તેના પરથી લખેલું પૂર્ણ લંબાઈનું નાટક ‘દર્પણ’ના ઉપક્રમે ભજવાયું. બેંગ્લોર, મદ્રાસ, મુંબઈ જેવાં શહેરોમાં થઈને તેના અઢારેક શો થયા, દરમિયાન હોનોલૂલૂના ઈસ્ટવેસ્ટ સેન્ટરમાંથી ‘દર્પણ’નાં મૃણાલિનીબેન પર પત્ર આવ્યો, જેમાં નાટક વિશે વધુ ભણવા ઈરછનાર વ્યક્તિને મોકલવાનું નિમંત્રણ હતું અને તેમણે ફકત ભાડાનો જ ખર્ચ ભોગવવાનો હતો પણ બન્ને ભાઈઓ હજી નાના હતા. બાપુજી કામ કરી શકે એમ નહોતા. ભાડાના ખર્ચા ઉપરાંત પોતાની ગેરહાજરી દરમિયાન કુટુંબના ખર્ચાપાણીના પૈસાની પણ જોગવાઈ કરવાની! બધું મળીને પંદરેક હજારનું દેવું કરીને મધુ રાય ઊપડ્યા અમેરિકા. અહીં અવનવા અનુભવો મળ્યા. જો કે, અહીં સ્થાયી થઈ શકાય એમ નહોતું. ભારતથી કુટુંબીજનોના પણ પોતાને પડતી તકલીફોના પત્ર આવતા, જે વાંચીને હૈયું વલોવાઈ જતું. તેથી મુદત પૂરી થતાં ભારત પાછા આવ્યા. અને જોડાઈ ગયા નવનીતલાલ એન્ડ કંપનીમાં. સુવર્ણાબેન સાથે મધુ રાયનો પરિચય આ વરસોમાં થયો, જે આગળ જતાં લગ્નમાં પરિણમ્યો. અમેરિકામાં પ્રાપ્ત થયેલા અનુભવને આધારે કપાસીસાહેબની વિદ્યાનગર હાઈસ્કૂલમાં ‘આકંઠ સાબરમતી’ના નામે નાટકોની વર્કશોપ શરૂ કરી, જેમાં ચિનુ મોદી, લાભશંકર ઠાકર, મનહર મોદી જેવા નામી સર્જકો આવતા. આ વર્કશોપે નાટ્યસર્જન અને નાટ્યલેખનને એક નવી જ દિશા ચીંધી. શિવજી આશરે પોતાના પ્રકાશનગૃહ વોરા એન્ડ કંપની માટે કંઈક આપવાનો પ્રેમાગ્રહ મધુ રાય પાસે કર્યો અને મધુ રાયે પોતાનાં નાટકો પરથી નવલકથા લખવા માંડી. શિવજીભાઈ રોજ ટિફિન લઈને દુકાને આવતા. ક્રમ એવો થઈ ગયો કે મધુ રાય દરરોજ એક પ્રકરણ લખીને લેતા આવે. અને શિવજીભાઈના ટિફિનમાં તેમનો ભાગ પડે. આ રીતે ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો...’ નાટક પરથી ‘કામિની’, ‘આપણે કલબમાં મળ્યાં હતાં’ પરથી ‘સાપબાજી’ અને ‘કુમારની અગાશી’ પરથી ‘સભા’ નામની નવલકથાઓ લખાઈ. એમ.એ. કરવાની મધુ રાયની ઇચ્છા હતી, પણ તેમનું જ પુસ્તક અભ્યાસક્રમમાં હોવાથી તેમને પ્રવેશ ન લેવા માટે વિનંતી કરવામાં આવી, જેનો તેમણે સ્વીકાર કર્યો. છેવટે તેમણે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ક્રિએટિવ રાઈટિંગમાં એમ.એ. કરવા માટે પ્રયત્નો કર્યા. પરિણામે એવન્સવીલમાં તેમને પ્રવેશ મળ્યો. ફરી એક વાર આર્થિક સંકડામણ. ફરી એક વાર દેવાં અને ફરી એક વાર અમેરિકા! અભ્યાસ કર્યો, પણ એ પૂરો થયે પાછું આવવું જ પડે એમ હતું. તેથી પાછા ભારત આવી ગયા, પણ આ ગાળામાં એક મિત્ર દ્વારા ગુજરાતી અખબારના પ્રકાશનની જવાબદારી સંભાળવાની અને તે માટે સ્પોન્સરશિપની ઓફર આવી હતી. એ રીતે અમેરિકામાં સ્થાયી થવા માટે જવાનું બન્યું. ‘ગુજરાતી’ નામનું છાપું મધુ રાયના તંત્રીપદ હેઠળ પ્રસિદ્ધ થવા લાગ્યું પણ આ જોડાણ ઝડપથી પડી ભાંગ્યું. મધુ રાયે એક એડ એજન્સીમાં કોપીરાઈટરની નોકરી લીધી. ત્યાર પછી તેમણે પોતે પ્રિન્ટિંગનો વ્યવસાય આરંભ્યો, જેમાં તેઓ કંકોત્રીઓ તૈયાર કરતા. આ ઉપરાંત અનુવાદક અને દુભાષિયા તરીકે સેવાઓ આપવાનું પણ તેમણે શરૂ કર્યું. તે સમયે ઉપરાઉપરી ત્રણેક ઘટનાઓ એવી બની કે તેમના જીવનનો લય ખોરવાઈ ગયો. સુવર્ણાબેનને અમેરિકામાં ગોઠતું ન હોવાથી આખું જીવન ત્યાં ગાળવા તેઓ તૈયાર નહોતાં. પંદરેક વરસનાં લગ્નજીવન પછી બન્નેએ રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો. આ ખાલીપાની કળ વળે એ પહેલાં બીજો ફટકો પડ્યો. તેમની દુકાન જે મકાનમાં હતી એ મકાન રસ્તો પહોળો કરવા માટે તોડી પાડવાનું નક્કી થયું અને આ જ અરસામાં મધુ રાયની કારને ભયાનક અકસ્માત થયો. આ ઉપરાઉપરી અકસ્માતોને કારણે લેખનમાં મોટો ઝોલ પડ્યો. તેઓ લંડન જતા રહ્યા. ત્રણેક વરસ ત્યાં અનુવાદનું કામ કર્યું. અમેરિકન નાગરિકત્વ હજી મળ્યું નહોતું. તેની પૂર્વશરત એ હતી કે બે મહિનામાં નોકરી શોધી લેવી. પરિણામે જે મળી એ નોકરી લઈ લીધી. કેવી નોકરી હતી એ? માદક દ્રવ્યોના બંધાણીઓને વ્યસન છોડાવવા માટે હેરોઈનની અવેજીમાં ‘મેથાડોન’ નામનું દ્રવ્ય અપાતું. પણ શરત એ કે બંધાણીએ અઠવાડિયે એક કલાક કાઉન્સેલિંગ લેવાનું ફરજિયાત. ‘મેથાડોન’ લેવા માટે આવતા બંધાણીઓને ઉપચાર લેવાનું ઝેર જેવું લાગતું અને કાઉન્સેલર દુશ્મન સમા ભાસતા. મધુ રાયે પાંચ વરસ આવી તાણભરી નોકરી કરી. ત્યાર પછી ‘ગુજરાત ટાઈમ્સ’માં તેઓ જોડાયા. દોઢેક વરસ પછી ટી.વી. એશિયામાં જોડાયા. ‘ચિત્રલેખા’ની અમેરિકન આવૃત્તિ પણ સંભાળી. અમેરિકા ગયા પછી ગુજરાત-મુંબઈ સાથે જીવંત સંપર્ક રહ્યો નહોતો, પણ તેમનું કોલમલેખન એક યા બીજાં પ્રકાશનોમાં સતત ચાલુ રહેલું. ‘જન્મભૂમિ પ્રવાસી’માં ‘મન કી બીન’, ‘સમકાલીન’માં ‘દિલ કી ગલી’ પછી તેમની ‘અભિયાન’ની કોલમ ‘નીલે ગગન કે તલે’ ઘણી લોકપ્રિય બની. ત્યાર પછી કોલમનું આ નામ તેમની ઓળખ બની ગઈ. સ્વનો ઉલ્લેખ પણ તેઓ ‘ગગનવાલા’ તરીકે કરતા. રમૂજ, મસ્તી, અવળચંડાઈ, થોડી ચાવળાઈ, નોંકઝોંક અને માહિતીથી ભરેલી તેમની કલમનો આગવો ચાહકવર્ગ ઊભો થયો. ૨૦૦૯માં અમદાવાદમાં તેમના પર બેસાડવામાં આવેલી ‘પંચાયત’ પણ તેમના પ્રત્યેના ચાહકોના પ્રેમનું જ ધોતક હતી. આજકાલ તેઓ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકમાં આ કોલમ લખી રહ્યા છે. મધુ રાયને રૂપાંતરિત નાટકો પ્રત્યે સખત ચીડ હોવા છતાં વ્યવસાયની માગ મુજબ રૂપાંતર કરવા પડયાં, અને એ રૂપાંતરો રંગભૂમિ પર ઈતિહાસ સર્જનારાં બની રહ્યાં. બર્નાર્ડ શોની ‘પીગ્મેલિયન’ના મૂળ પાત્ર એલિઝા ડૂલીટલનું નામકરણ ‘સંતુ રંગીલી’ અવિનાશ વ્યાસે કરેલું. પણ તેની નવેસરથી ઓળખ ઊભી કરી મધુ રાયે. પ્રવીણ જોશી દિગ્દર્શિત ‘સંતુ રંગીલી’એ એટલી ધૂમ મચાવી અને આ પાત્ર એ હદે લોકપ્રિય થયું કે નાટકનો ૨૦૦મો શો થયો એ પ્રસંગે ‘સંતુ રંગીલી’ના સોનાના સિક્કા બહાર પાડવામાં આવેલા. અલબત્ત, મધુ રાય વિદેશમાં હોવાથી કંઈ પામી શકયા નહીં. તેમની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’નું અંગ્રેજી નાટ્યરૂપાંતર પોતે જ કરેલું, જે ‘એન્ગેજિંગ મિ. પટેલ’ તરીકે સફળ રીતે ભજવાયું. આ નાટકને નૌશીલ મહેતાએ ‘એ સ્યુઈટેબલ બ્રાઈડ’ તરીકે નવેસરથી રૂપાંતરિત કર્યું. ત્યાર પછી કેતન મહેતાએ ‘મિ. યોગી’ નામે ટી. વી. સિરિયલ પણ આ જ નવલકથા પરથી બનાવી, જે દૂરદર્શનની સૌથી લોકપ્રિય ટી.વી. શ્રેણીઓમાંની એક ગણાય છે. આશુતોષ ગોવારીકરે પ્રિયંકા ચોપરાને બાર ભૂમિકાઓમાં ચમકાવતી ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ?’ ફિલ્મ પણ આ જ નવલકથા પરથી બનાવી. ફિલ્મની સફળતા કે નિષ્ફળતા એક વાત છે, પણ તેનું કથાવસ્તુ કેટલું સદાબહાર છે એનો ખ્યાલ આના પરથી આવે છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા, અનેક વાચકોના લાડકા આ લેખકને રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત સાહિત્યનાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં હોવા છતાં એક જ પ્રબળ ભાવ આપણા જેવા તેમના ચાહકોના મનમાં જાગે છે: ‘આ સર્જકની પ્રતિભાનો લેવાવો જોઈએ એવો લાભ આપણે લઈ શક્યા નથી.’ ઘણી બધી કૃતિઓમાં દેખા દેતું કેશવ ઠાકરનું પાત્ર ખુદ લેખકનું પ્રતિનિધિત્વ કરતું લાગે પણ મધુ રાય કહે છે, ‘દરેક પાત્રો લેખકનો જ અંશ હોય છે.’ પોતાની ચડાવ-ઉતારભરી જિંદગીની કથાને તેઓ શબ્દોમાં આલેખે એવી ઇચ્છા તેમના દરેક ચાહકોની હોવાની પણ મધુ રાય કહે છે: ‘મારા ફિક્શનમાં જ આત્મકથા હોય છે.’ આટલું કહીને તોફાની ‘ગગનવાલા-સ્ટાઈલ’માં ઉમેરે છે: ‘અને ઘણી આત્મકથાઓમાં ફિક્શન હોય છે.’ |
[પાછળ] [ટોચ] |