[પાછળ] 
મારી કામચલાઉ ધર્મપત્ની
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

હે વીસમી સદીના પત્નીપરાયણ રામચંદ્રો! આ મથાળું જોઈ ભડકશો મા. એની ચમકથી અંજાઈ આખો મીંચશો નહી… તેમાં રહેલું રહસ્ય શું છે તે શોધવા તમારી બેશરમ કલ્પનાથી પ્રયત્ન કરશો નહીં… હું પણ ચુસ્ત પત્નીવ્રત પાળનાર છું, અને ન હોઉ તો પણ મારા ઘરમાં રહેલાં જગદંબા એ અસિધારાવ્રતમાંથી મને ચસકવા જેટલી ફુરસદ કે તક આપે તેમ નથી. માટે બેધડક આગળ વધજો.

એ તો બધાને યાદ હશે, કે સંવત ૧૯. . . . .ના વૈશાખ મહિનામાં ગુજરાતમાં લગ્નસરાનો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો; અને જેનાથી જેટલાં બને તેટલાં દીકરા-દીકરી પરણાવવાનાં પ્રયોગ ગામેગામ થયા હતા.

તે પહેલાં બે વર્ષ ઉપર જ્યારે હું રેવન્યુ ખાતામાં સર્કલ ઈન્સ્પેક્ટર તરીકે ઘોડું પલાણી, તલાટીઓના લાડુ, દૂધપાક જમવાની ઉત્તમ નોકરી કરતો હતો, ત્યારે બારકૂવા ગામના દયાળજીભાઈ જોડે મારો ઘણો સારો નાતો હતો. એ નાતો કેવા પ્રકારનો ને ક્યા કારણસર થયો હતો તે હવે હું વૉરલોનના પ્રતાપે મામલતદાર થયો હોવાથી કહી શકતો નથી; પણ એટલું કહેવું બસ થશે, કે આ મોસમમાં તેને ત્યાં છોકરાં પરણે અને હું જાઉ તો એના ગણપતિ પણ સીધી સૂંઢ રાખીને બેસે નહીં, એવો અમારો સંબંધ હતો.

આ વખતે હું અવલ કારકૂની સુધી પહોંચી ગયો હતો, અને પૂનેથી સરકારી કામ કરી પાછો આવતો હતો, એટલે ભથ્થુંભાડું પણ બારોબાર નીકળે એમ હતું. આ કારણથી જે ફ્લેગ સ્ટેશન - નામ દેવાની જરૂર નથી - થી બારકૂવા જવાનું હતું, તેની થર્ડ ક્લાસની (સરકાર તો મને સેકન્ડ ક્લાસનું ભાડું આપતી હતી, પણ તેમાં શું ?) - ટિકિટ લઈ હું જે રગશીઆ ગાડી સવારે નવ વાગ્યે નીકળે છે તેમાં બેઠો.

એ ગાડીમાં અનેક સુખ છે. એક તો એમાં નવરો હોય તે આવે; અને હાલમાં પાકેલા મુસાફરીના અભરખાથી પીડાતા ધરપચીઆઓ પગ મૂકે જ નહી… એટલે પગ લંબાવવાની જગ્યા મળે. બીજું તો ઉપરી અમલદાર એમાં ભાગ્યે જ બેસે એટલે થર્ડ કલાસમાં કેમ બેઠાં, આજે મુસાફરી કેમ કરો છો, હેડક્વાર્ટર્સ પર કેમ નથી, એવી અનેક ખણખોદ કરી એમનો સ્વભાવ બગાડવાની તક એમને મળે નહી…

હું તો ચર્નીરોડથી આગગાડીમાં ચડ્યો, અને જે તરફથી ચડ્યો તેની બાસ્ટી પર, વીશેક વર્ષની, જરા શરમાતી, જરા ઠસ્સાદાર ને જરાક હસમુખી એક બાઈ બેઠી હતી. તેની પાસે તેનું બે-એક વર્ષનું, તૂમડાં જેવું છોકરું બેઠું હતું; અને બાકીની બાસ્ટી રોકીને એક લંબૂસ જુવાન પોતાના પગ સ્ત્રી તરફ લંબાવી ઘોરવાની શરૂઆત કરી રહ્યો હતો. આ જુવાન પેલી સ્ત્રી ને બાળકનો માલિક હતો એમ સ્પષ્ટ લાગતું હતું.

ગ્રાંટરોડથી અસલી જમાનાના, લીલી પાઘડી ને પાનની ઝોરણીવાળા એક દેસાઈ ને તેમનાં વયોવૃદ્ધ દેસાણ ડબ્બામાં ચડ્યાં; અને દેસાઈ મારી પાસે તે એમનાં ધણિયાણી છેક નાકે, એમ મારી બાસ્ટી પર બેઠાં.

આપણે છીએ તો જરા વાતુડીઆ; તેમાં ડિસ્ટ્રિક્ટ ફરી દોસ્તી કરવામાં બની ગયા છીએ એક્કા; એટલે આપણે દેસાઈને ઝપ દઈને રંગ પર ચડાવ્યા, ને ઓલી-પેલી વાતો કરી તેની જોડે ભાઈબંધી બાંધી દીધી. પાલઘર આવ્યું ને મને ભૂખ લાગી. રાતના તો બારકૂવે ભારે ઝાપટવું જ હતું, એટલે ફલાહાર કરી પેટની શક્તિ વધારવા મેં તો માત્ર અડધો ડઝન કેળાં જ લીધાં અતે તેમાંથી પણ ત્રણ-ચાર ખાઈ બાકીનાં પગ આગળ મૂકયાં.

અત્યારે તૃણનો મેરુ, રાઈનો પર્વત વગેરે કહેવતો યાદ આવતાં, વાચક તને કહ્યાં વિના ચાલતું નથી કે જો પાલઘર પર મેં કેળાં નહીં લીધાં હોત, અથવા લઈને બધાં જ ખાઈ ગયો હોત, અથવા બાકી રહેલાં કેળાં મારા અને તે પેલી જુવાન સ્ત્રીના પગ વચ્ચે નીચે ન મૂકયાં હોત – તો મને કામચલાઉ ધર્મપત્ની પ્રાપ્ત કરવાનો કે આ વાત લખવાનો પ્રસંગ આવત નહીં.

પણ ખેર! થનારું થઈ ગયું. તે પેલું વિચક્ષણ છોકરું, ક્યારે બાસ્ટી પરથી ભોંય પર ઊતર્યું તેની મને ખબર નથી, ધીમે ધીમે પગ ઘસતું, હીસીઆ મારતું, પેલાં બાકીનાં કેળાં તરફ જવા લાગ્યું.

હું તો કેળવાયેલો, બી.એ.ની ડિગ્રીને ધારણ કરનારો અને એક વખત કોલેજમાં બર્કના સ્ત્રીસન્માનના અસ્ત ઉપર રચેલા ડહાપણનું પારાયણ કરવાનું પણ સોશિયલ ગેધરિંગ (મેળાવડા)માં માથે લીધેલું, એટલે મારા અંતરમાં સ્ત્રીસન્માનનાં બીજ હતાં તે, ફટ દઈને એકદમ ફાટ્યાં, ને રોપો ઊગી નીકળ્યો. હું નીચો વળ્યો, એક કેળું તોડ્યું, ચટ કરતું તેને છોલ્ચું, કટકો કરી પેલા છોકરાને આપ્યો ને આનંદથી હસતે મુખે જોઈ રહ્યો.

છોકરાની માએ જરાક નીચું જોયું. તે જરાક છેડામાં હસી તે બબડી: ‘રહેવા દો ને, ઝભલું બગાડશે.’

મેં પણ જરા મલકાઈને કહ્યું: ‘હરકત નહીં.’ અણજાણમાં મોંકાણ મંડાઈ ગઈ! મારા પડોશી દેસાઈ શેરલોક હોમ્સ બની ગયા. એના ઘરડા મગજમાં એણે ગણતરી કરી અને અનુમાન કર્યું, કે હું બાપ, પેલી સ્ત્રી મા ને આ અમારું... !

પાલઘર ગયું એટલે દેસાઈએ તો ઝોરણી કાઢી પાન કરવા માંડ્યાં ને બીડી કરી એક, બે, ત્રણ ને ચાર! વાતો કરતાં, હસતાં ડોસાએ એક પોતાનાં ધણિયાણીને આપી; બીજી પોતાના મોંમાં મૂકી; ત્રીજી આપી મને, ને હાથથી નિશાનીથી મને સૂચવ્યું, કે ચોથી સ્ત્રીને આપું!

મારે દિલે તો કંપારી થઈ આવી. હું પરણેલો-પુષ્ટેલો, જુવાન ને અવલ કારકુનનો મોભો ભોગવનાર, પેલી જુવાન અપરિચિત છોકરી - નહીં ઓળખાણ, નહીં બોલવા વ્યવહાર - ને ઊંચકીને હું પાનની બીડી આપું… ! મારું તો માથું ફરવા માંડયું. મેં પણ હાથ વતી દેસાઈને સૂચવ્યું કે, એ પાન આપવાનું માન આપ જ લો. અનેક વખત અમે હાથની નિશાનીથી પાન આપવા વિશે નાહક વાદ-વિવાદ કર્યો; પણ દેસાઈ એકના બે શાના થાય? ‘ભલા આદમી એ હું કરતા છો રે? એ હરમાવાના દિ તો ગયલા જો.’ અરે પણ મૂર્ખ, હું મનમાં બોલ્યો. આ મારા જેવા ભલા આદમીનાં ભાગ્ય ઊઘડેલાં હોય, ને પેલો સૂતેલો જવાંમર્દ જાગે, ને મને તેની સ્ત્રીને પાન આપતાં જુએ તો? મારાં હાડકાંનો કચ્ચરઘાણ થાય. ને મારી આબરૂનું ઘમસાણ નીકળે, તેની કોઈ જામીનગીરી આપે?

પણ મારી નજર પેલી સ્ત્રી પર પડી. તેણે પણ આ રંગ જોયો. તે દેસાઈએ કરેલો ગોટાળો સમજી. ન તેનાથી ઊંચું જોવાય, ને નહીં મોં હસતું બંધ રખાય! તેણે બારીએથી મોં બહાર કાઢી, મહામુશ્કેલીએ હસવું ખાળવાના પ્રયત્નો કર્યા જ કર્યા. અને, મારાથી તો હસવું કે રડવું તેનો નિશ્ચય જ થઈ શક્યો નહીં.

‘અરે તમે તો અજબ આદમી દેખું!’ દેસાઈ બોલ્યા. અરે ભાઈ હા! હું કહેવાનો વિચાર કરતો હતો; પણ મને તો એની જીભનો ડર લાગ્યો કે, અડધી આંખ પેલા સૂતેલા પહેલવાન પર ને અડધી આંખ પેલી સ્ત્રી પર રાખી પાનની બીડી લઈ ગભરાતાં ગભરાતાં મેં પેલી સ્ત્રીની પાસે મૂકી.

પેલી સ્ત્રીને પણ ગમ્મત પડી. ધીમેથી છેડામાંથી હાથ કાઢી તેણે બીડી લીધી. મોંમાં મૂકી ને આ ગોટાળાથી આવતું હસવું રોકવા પાન ચાવવા લાગી. પણ હસવું રહે શાનું? થોડી વાર થાય તે અમારી નજર ભેગી થાય, નજર ભેગી થાય તે મનમાં કઈ થાય, અને ન છૂટકે હસી દેવાય.

આમ કલાક ને કલાક વિતાવ્યાં, ને મારે ઊતરવાનું સ્ટેશન આવ્યું. દેસાઈ પણ ત્યાં જ ઊતરવાના હતા. પેલા પહેલવાન પણ થોડી વારથી ઊંઘમાંથી જાગ્યા હતા ને તે જ સ્ટેશને ઊતરવાની તૈયારી કરતા હતા, પેલી સ્ત્રી પણ સાથે જ ઊતરવાની તૈયારી કરવા લાગી. છેલ્લા બે કલાકના ગભરાટ ને હાસ્ય રોકવાના સહયોગથી મને કંઈ એવો આનંદ લાગ્યો, કે સ્ટેશન આટલું વહેલું કેમ આવ્યું તેની સમજ પડી નહીં….

પણ શું કરવું? જેવી ગાડી ઊભી રહી કે દેસાઈ ઊતર્યા. ને તરત પાછળ હું ઊતર્યો. મને તેડવા આવનાર હું ક્યા કલાસમાંથી ઊતરું છું તે જુએ તે પહેલાં ગાડીમાંથી ઊતરી સેકન્ડ ક્લાસ આગળ જઈ ઊભા રહેવું એવો મારો નિયમ હતો; એટલે વધારે વાર મારાથી થોભાય એવું નહોતું; પણ જતાં જતાં મેં પાછળ નજર નાખી, અને જરાક પેલીને જોઈ લીધી. ઊતરતાં ઊતરતાં પેલા લાંબા ગૃહસ્થને ઊંઘથી ઘેરાયેલા ઘાંટે મેં બોલતા સાંભળ્યા:

‘આ પેલી કોટડી આગળ ઊભી રહે. છગનિયાનું ધોતિયું રહી ગયું છે તે હું આપી આવું.’

આ નાનકડા સ્ટેશન પર ગિરદી ને ધમાચકડી ઝાઝી હતી. બે-એક જાનો કંઈ આવતી હતી, અને ચાર જાન થાય એટલા લોકો તેને તેડવા આવ્યા હતા. એટલામાં હું તો ચપ દઈને સેકંડ કલાસ આગળ જઈને ઊભો. મારા મિત્રનો ભત્રીજો હાંફળો ફાંફળો આવી લાગ્યો; ‘હો હો, રાવસાહેબ!  રાવસાહેબ!’

‘કેમ મકનજી ઠીક છે ને?’ મેં જવાબ આપ્યો ને તેને મારી બેગ આપી, પણ મારી નજર પેલા લંબૂસ તરફ હતી. તે દોડતો દોડતો હાથમાં ધોતિયું લઈ એન્જિન તરફ દોડ્યો. તેણે બે- ચાર બૂમ મારી. આખરે તેને ‘છગનિયો’ જડ્યો; અને તેની જોડે વાત કરવા તે તેના ડબ્બામાં ચડ્યો.

તેની વાત પૂરી થઈ નહીં… ને એન્જિનની સીટી વાગી. ગાર્ડે આવીને ધડ દઈને પેલા ડબ્બાનું બારણું બંધ કર્યું. ઉપરથી ‘બેસ! ઘેરવાલીને પૂછીને આવ્યો છે? મરી જસે!’ એમ કહી પારસી ગાર્ડે સાવચેતી આપી. ગાડી ચાલી ગઈ તે પેલા ભાઈ ગાડીમાં જ રહ્યા રહ્યા આગળ ઘસડાયા!’

પેલી સ્ત્રી ને બાળકનું શું થશે? તેને કોઈ તેડવા આવ્યું હશે કે કેમ? આ લંબૂસને તે કયાં શોધશે? આવા આવા અનેક પારમાર્થિક વિચારો મને આવ્યા. પણ મકનજીએ મને કહ્યું:

‘રાવસાહેબ! પેલી દમણી પાસે આવી પહોંચો. હું બીજા પરોણાને લઈ આવું.’

મેં રોફમાં કહ્યું: ‘હા.’

મકનજીએ જતાં જતાં કહ્યું: ‘સાહેબ! એમાં બેસજો. હું બધાંની ગોઠવણ કરી આવું છું.’ કહી મકનજી ત્યાંથી બીજા પરોણા તરફ વળ્યો.

દયાળજીભાઈને ત્યાં આ આગગાડીમાંથી દશેક દમણીઓ ભરાય એટલાં પુરુષ અને સ્ત્રી પરોણાઓ આવ્યાં લાગતાં હતાં. ઘાંટાઘાંટ, ખેંચાખેંચ થઈને દમણીઓ ભરાઈ. બધા વચ્ચે મકનજી ચક્કર ચક્કર ફરતો હતો. વળી મારી સાથે ડબ્બામાં હતા તે દેસાઈને પણ મેં કંઈ કારભાર કરતા દીઠાં.

આખરે દૂરથી મકનજીએ રાડ પાડી: ‘રાવસાહેબ! આપની સાથે આ માસ્તર ને આ શેઠ આવશે. આપ ચાલતો થાઓ.’

એક અમદાવાદી વાણિયો અને સુરતી પાઘડીવાળો માસ્તર મારા તરફ આવ્યા. અમે ત્રણે એક દમણીમાં બેઠા. પેલી સ્ત્રીનું શું થયું હશે તેની ફિકર કરતો હું રહ્યો ને અમારી દમણી ઝપાટાબંધ આગળ ચાલી.

થોડી વારે અમારી આગળ બીજી દમણી નીકળી. તેમાં પેલા દેસાઈ ને તેનાં દેસાણ બેઠાં હતાં. દોડતી દમણીમાંથી દેસાઈએ મને કહ્યું: ‘રામ રામ ભાઈસાહેબ! બધાંને બરાબર બેહરાવ્યા છે.’ એવા કંઈ તેનાં શબ્દો મને સંભળાયા. બીજાં બધા બેઠાં કે નહીં તેનો મને શા માટે રિપોર્ટ આપવાની જરૂર જણાઈ, તે તે વખતે તો કંઈ સમજાયું નહીં.

અમે તો ડોલતી શિંગડીએ ધૂળ ખાતાં ખાતાં, પાંચ માઈલ કાપી બારકૂવા આવી પહોંચ્યા. મારા મિત્રને ત્યાં ચાંલ્લો શો કરવો, મારા મામલતદાર સાહેબે ગઈ વખતે મારી સામું ડોળા શા સારું કાઢ્યા હતા, હું મામલતદારી કેટલે વર્ષે મેળવીશ એવા અનેક વિચારો કરી; પેલી સ્ત્રીનું હસતું, શરમાતું મોં નજર આગળથી ખસેડવાની મહેનત કરી; પણ બધી વ્યર્થ ગઈ.

જ્યારે મારા મિત્રને ત્યાં અમે પહોંચ્યા ત્યારે તેણે મને વધાવી લીધો. તેના બધા પરોણાને માથે હું મોર હતો એમ લાગ્યું. તેણે લગનની ધામધૂમમાં પણ મારે માટે ચા-પાણી તેયાર રાખ્યાં હતાં. ત્રણ-ચાર જણને ત્યાં પણ રાતનાં ચા-પાણી ને ગમ્મતમાં મારે જવાને નિમંત્રણ લઈ રાખ્યાં હતાં; અને એના ઘરની સામેના ઘરનો મેડો મારે માટે ખાસ અલાયદો મુકરર કરી રાખ્યો હતો.

આ બધાં માનથી હું તો ખુશ થઈ ગયો, ને આ તાલુકામાં મામલતદાર થવાને ભાગ્યશાળી થાઉં તો જરૂર મારા મિત્રને કંઈક બદલો વાળું એવો દંઢ સંકલ્પ કર્યો.

દયાળજીભાઈ સામેની મેડીએ મારી સાથે આવ્યા. મેં મારી બેગ ત્યાં મૂકી; તેમાંથી એકલપક્કાનો નવો કોટ, નવું ધોતિયું, નવો ખેસ ને નવો ફેંટો - કારણ કે મેં તેવા જમાનાની રીત પ્રમાણે પાઘડી કાઢી ફેંટો લગાવ્યો હતો - કાઢીને હું લગ્નસમારંભની શોભામાં અભિવૃદ્ધિ કરવા તેયાર થઈ ગયો. મારા મિત્રે ધીમે રહીને પૂછ્યું: ‘રાવસાહેબ! હુકમ મળી ગયો?’

‘શાનો?’ મેં આશ્ચર્ય પામી પૂછ્યું.

‘કેમ તમે તો અમારા કલેકટર સાહેબના ચિટનીસ થવાના છો તે?’ તેણે આ સવાલમાં સાકર રાખી પૂછયું.

ઓત્તારી! હવે આ બધા અસાધારણ માન ને પાનનું કારણ સમજાયું. એવી મારી નિમણૂંક થોડા વખતમાં તો થવાની જ નહોતી; પણ મારા મિત્રની આશાના કિલ્લા તોડી પાડવા, તે આશા પર રચેલી ધામધૂમને બિલકુલ બિનઅવેજી કરી નાખવી, ને ચિટનીસની મહત્તા છોડી માત્ર બીજા જિલ્લાના અવલકારકુન તરીકે જ ગણાવું એ મને રુચ્યું નહી…. મેં ભરમ ચાલુ જ રાખ્યો; ‘તેથી જ હું પૂને ગયો હતો; પણ કોઈને કહેશો નહીં.’

‘અરે! શું કહો છો સાહેબ?’ કહી દયાળજી મને પોતાના મકાનમાં ચા-પાણી વાસ્તે લઈ ગયો.

ત્રણ ઠેકાણે મિજલસ, બે જણને ત્યાં વરઘોડા, મારા મિત્રને ત્યાં નાતિલા, બધી ગરબડો પતાવતાં રાતના અગિયાર વાગ્યાં અને છેલ્લી મિજલસમાંથી હું ને મકનજી પાછા આવ્યા ત્યારે મારા મિત્રના ઘરમાં ઘણાં ખરાં સૂઈ ગયા હતા. ને સાથે મારે માટે રાખેલી મેડીમાં જ માત્ર દીવો બળતો હતો. મકનજી મને ત્યાં લઈ ગયો.

‘રાવસાહેબે! આ નીચે કોઢ છે, તે વખત છે તે દૂધ દહોવા આવે. તેથી આપ ઉપર જાઓ એટલે આ દાદરબારી હું ખેંચી દઈશ. આપને કોઈ સવારે ઉઠાડે નહીં.’ મકનજીએ કહ્યું.

‘વારુ,’ કહી હું દાદર ચડ્યો ને તેની પાસે બારી હતી ત્યાં થૂંકવા ગયો. મકનજીએ તરત દાદરબારી ખેંચી લીધી ને નીચેનું બારણું દઈને જતો રહ્યો, ને હું સૂવા ફર્યો. ને મારી આંખે અંધારાં આવ્યાં. હું જાગતો હતો કે નહીં તે પણ સમજાયું નહીં. મેડીમા પડેલી એક જ પહોળી તળાઈ પર પોતાનું છોકરું થાબડીને ઉંઘાડતી પેલી જુવાન સ્ત્રી બેઠી હતી.

‘હેં!’ મારું મોં પહોળું થઈ ગયું. મારો અવાજ સાંભળી પેલી સ્ત્રી ચમકીને ઊભી થઈ. ‘હાય! હાય! તમે કયાંથી?’ તેણે કહ્યું.

અમે બંને ગભરાટમાં એકબીજા સામું જોઈ રહ્યાં. એક નાની મેડી, અંધારી રાત, ઝાંખો દિવેલનો દીવો, દાદરબારી બંધ ને વગર સમજનું છોકરું બાદ કરતાં અમે બંને એકલાં!’

‘તમે અહીંયાં ક્યાંથી?’ થોડી વારે પૂછવાં જેટલી મને બુદ્ધિ આવી.

‘અમે! અમે અહીંયાં લગનમાં આવ્યાં છીએ.’

‘તમે પણ બારકૂવે જ આવવાના હતાં?’ બીજું શું કહેવું તે ન સૂઝવાથી મેં પૂછ્યું.

‘ના, ના; આ તો વાવકોઠી છે.’ બૈરાંઓને દરેક બાબતમાં ખાતરી હોય છે તેમ તેને પણ હતી.

‘ના; આ તો બારકૂવાના દયાળજીભાઈનું ઘર છે.’

‘હાય હાય! ત્યારે અહીંયાં કેમ લઈ આવ્યા?’

‘પણ તમારા વર તો આગગાડીમાં જ રહ્યા.’ મેં કહ્યું.

‘હેં!’ પેલીએ તો ગભરાઈ જઈ પૂછ્યું.

‘હા - પેલા તમારા છગનિયાને ધોતિયું આપવા રહ્યાં એટલામાં ગાડી ઊપડી ગઈ. મેં જતા જોયાં.’

‘અરે શું કહો છો? મને પેલા દેસાઈ કહી ગયા કે કીકાના બાપા આગલી દમણીમાં બેઠાં છે; તે કોઈ મકનજીભાઈ મને દમણીમાં બેસાડી ગયા.’ પેલી સ્ત્રીએ તો ફિક્કી થઈ જઈ કહ્યું.

મને સમજ પડી. ઓત્તારી દેસાઈની! માથે હાથ દઈ હું બેસી ગયો. મારાથી આ વિટંબણામાં પણ હસ્યા વગર રહેવાયું નહીં, ‘ભલા ભગવાન!’

‘પણ આ શું? મને તો કંઈ સમજ પડે?’

‘અરે પેલા ડોસાએ ઘમસાણ ઘાલ્યું! મને આવી ને કહી ગયો કે બધાંને બેસાડ્યાં છે, તે હવે સમજાયું. તે વખત તો મારા મનમાં કે એ કોણ જાણે શું લવી ગયો.’

‘એટલે મને તમા...’ કહી શરમની મારી ફિક્કે મોંએ પણ રસીલું હસતી તે નીચું જોઈ રહી. ‘હાય રે ! શો ગોટાળો!’

હા, એ જ ગોટાળો. પેલું પાન અપાવ્યું તે નહીં જોયું?’

‘હાય! હાય! પણ એમનું શું ?’

‘અરે, એ તો બીજી ગાડીએ પાછા આવશે. પણ આપણું શું?’

‘ત્યારે આ બધાં મને ચાપાણી ને ફૂલ ને પાન બધું મળ્યું, તે એ તમારે લીધે જ - એ ગોટાળામાં જ કે?’

‘હા.’

અમે બંને મૂગાં રહ્યાં. સ્ત્રીની સ્વાભાવિક અશક્તિથી તે પ્રસ્તુત વિષય પર આવી શકતી નહીં.

ફરીથી મેં સંભાર્યું. ‘પણ હવે શું?’ કહી મૂંગે મોંએ, માત્ર નજરથી જ મેડી બતાવી. પણ તે હસવા લાગી. મારાથી પણ ન રહેવાયું, એટલે હું એકદમ હસવા બેઠો. પછી આ મુશ્કેલીમાંથી કેમ રસ્તો કઢાય તે જોવા હું બારીએ ગયો.

‘ભાઈ! કોઈને કહેશો... ’ પેલી કહેવા જતી હતી.

‘બધાં ઊંઘી ગયાં છે.’ મેં નિરાશથી પાછો આવીને કહ્યું, ‘પણ અત્યારે કોને કહીશું? આબરૂ નહીં જાય?’ હું પાછો ગૂંચવાઈ ભોંય પર બેસી ગયો.

‘ખરી વાત! અત્યારે કોઈને પણ કહીએ શું? ને કીકાના બાપ જાણે તો જીવ લે.’

‘તે આ બધા લોકો જાણે તો મારો ફજેતો થાય. હું તો રાવસાહેબ છું.’ મેં ચિંતાથી મારી મૂંઝવણ જણાવી.

‘ત્યારે આખી રાત દુઃખે-સુખે કાઢી નાખીએ.’ પેલી સ્ત્રીએ કહ્યું.

‘હું હેઠળ સૂવા જાઉ?’ તેણે પૂછ્યું.

‘હેઠળ તો કોઢ છે, ને દાદરબારી ઉઘાડીએ તો આખો મહોલ્લો જાગે.’ મેં મુશ્કેલી બતાવી.

‘ને પાછું લગનનું ભરેલું ઘર.’ તેણે પુષ્ટિ આપી.

હું મૂંગો રહ્યો.

‘પણ સવારે શું કહીશું?’ તેણે નવી મુશ્કેલી શોધી કાઢી અને અઘરી વાત ઉઠાવી.

‘તે તો કંઈ પણ થશે. તમને વાવકોઠી મૂકી આવું?’

‘હા - એ ખરું.’ પણ આ મુશ્કેલી શમતાં તેણે ચારે તરફ જોયું. મેડીની નાનકડી લંબાઈ- પહોળાઈ નજરથી માપી દીવાના ઝીણાં પ્રકાશની કિંમત આંકી, તે મારી સામું જોઈ રહી. મેં પણ તે સમયમાં તેટલું બધું કર્યું ને તેની સામું જોયું. મારું મોં મલક્યું. ને જરા હસી રહી. તેણે જરા નીચું જોયું. ને મેં જરા આડું જોયું; અને અમે બંનેએ એક ન દબાય એવા હાસ્યના વિશાળ ‘ખો-ખો’થી આખી મેડી ગજવી મૂકી.

મેં જોયું કે અમારો હસવાનો અવાજ સાંભળી કોઈએ સામા ઘરની અધઉઘાડી બારી પોણી ઉઘાડી કરી અને અમારો ‘દંપતી-વિનોદ’ જોવા માડ્યો.

મેં જીભ કાઢી-કઢાઈ ગઈ. પેલી બોલી : ‘મૂઆ.’

હું ધીમે રહીને ઊઠ્યો, અને બારી બંધ કરી આવ્યો. અમારે ક્યાં ને કેમ સૂવું તે પ્રશ્ન તો નિર્ણય વગરનો જ રહી ગયો.

ફરી હું આવીને બેઠો. પછી અમારી બંનેની નજર આખા ઓરડા તરફ ફરી; દીવાને નીરખી આવી, અને આ વખતે તો એકી વખતે, એકી સામટી સૂવાની તળાઈ પર પડી.

પરોણાની ભરતીને લીધે દયાળજી અમને માત્ર એક જ લાંબીપહોળી તળાઈ આપી શકયો હતો. આખા ખંડમા નહોતું એક ઓશીકું કે જાજમ.

અમારા બંનેના મગજમાં, એકી વખતે કેમ સૂવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો. એ પ્રશ્ન સામાના મગજમાં પણ પેદા થયો છે તે બંનેને એકી જ વખતે સમજાયું, અને અમે બંને નીચું ઘાલી હસવા લાગ્યાં.

‘મકનજીને ઉઠાડી બીજું ગોદડું માગું તો?’

‘હા, પણ લોક ઘણા જાગશે.’ પેલીએ મુશ્કેલી જણાવી.

‘ને બીજું વધારાનું ન હોય તો?’ મેં કહ્યું.

‘હાય હાય!’ કહી ઘણી જ મોહક રીતે પેલીએ ગૂંચવાડામાં પોતાના હાથેહાથ મેળવ્યાં.

હસ્યા વિના બીજો ઉપાય નહોતો, એટલે હસ્યા વિના અમને ચાલ્ચુ નહીં….

‘કોઈ જાણશે તો?’ પેલી સ્ત્રીએ પાછો સવાલ કર્યો.

‘હું પણ તે જ હું વિચાર કરું છું.’ મેં કહ્યું, તે પાછાં અમે હસ્યા, મને થોડી વારે એક નિરાકરણ સૂઝ્યું.

‘એક કામ કરીએ તો?’

‘શું ?’ પેલીએ પૂછ્યું.

‘આ તળાઈની એક ગપ તમે માથું મૂકો, તે બીજી ગપ હું મૂકું. માથા નીચે કંઈ મૂકવાનું મળશે એટલે મને તો ઊંઘ આવશે.’

‘હા, મને પણ એમ આવશે.’ તેણે કહ્યું.

‘આ કીકો છો વચમાં સૂતો.’ જાણે કેમ આડી વચ્ચે ભીંત હોય તેમ મેં કહ્યું. ને કપડાં-કોટ, જેકેટ ને પાઘડી-ઉતાર્યા.

‘હું તો આ ચા-પાણીથી થાકી ગયો છું.’ મેં કહ્યું.

‘અરે! ના બા લો લો, ના બા લો, કરી મને પણ ચા પિવડાવી જીવ લીધો.’ પેલીએ કહ્યું.

અમે તળાઈને આઘે આઘે છેડે માથા રાખી સૂતાં, ને ઊંઘવાના પ્રયત્ન કરવા માંડ્યાં.

પણ એ પ્રયત્ન સફળ થાય તે પહેલાં પેલો છોકરો ‘બે....’ કરતો બેઠો થઈ ગયો; એટલે ‘ઓ મા’ કરતી તેની મા બેઠી થઈ, અંતે ઊંઘવાનો પ્રયત્ન છોડી ‘શું છે?’ કરતો હું બેઠો થઈ ગયો.

પેલી સ્ત્રીએ તો બહુ બહુ ફોસલાવવાને મહેનત કરી; પણ પેલું પોરીઉં તો એકનું બે થયું જ નહીં….

આખરે મારાથી ન રહેવાયું: ‘પણ એને જોઈએ છે શું?’ જવાબેમાં પેલીનું ઠસ્સાદાર મોં શરમાઈ ગયું ને હસવા લાગ્યું.

‘પણ શું?’ મેં આમા કંઈ ભેદ હતો ધારીને પૂછ્યું.

‘એને તો એના બાપા રોજ પંપાળીને સુવાડે છે. તેથી એ તો રડે છે.’ પેલીએ ધીમેથી, નીચું જોઈ કહ્યું.

ઓત્તારીની!
‘અહો! લાવો હું પંપાળું - જોઈએ ઊંઘે છે.’ કરી મેં છોકરાને મારી તરફ ખેંચ્યો ને વગર દીકરાનો દીકરો પંપાળવા બેઠો.

છોકરું પણ જબરું. જ્યાં મારો હાથ ફર્યો કે ટપ દઈને ઊંધી ગયું. મેં પેલીના સામું જોયું - ને શું અમને હસવું આવ્યું છે! જાણે આખા ભવના ભેળાં નહીં બાંધ્યાં હોય?

પાછાં અમે એક તળાઈએ માથું મૂકી સામસામી દિશા તરફ લંબાવ્યું, ને ઊંઘ આણવાની મહેનત કરવા માડી. સાધારણ રીતે હું ઊંઘણશીમાં એક્કો છું. અને આજના જેવો અથડામણ ને પરોણાચાકરીનો લાભ બીજા કોઈ દિવસ મળ્યો હોત તો જરૂર આખ મીંચતાં ઊંઘી જાત; પણ કાં તો જગ્યા અજાણી, કે કાં તો ચા પીવાઈ ગઈ ગજા ઉપરાંત, કે કાં તો શય્યાની ભાગિયેણ અપરિચિત - ગમે તે હો, પણ માથું દુખ્યું, વાંસો તપ્યો, પાંસળાં ચમચમ્યાં, પગે ગોટલા ચડ્યાં અને હું એકડે-એક બોલ્યો, રામનામ જપ્યાં, પીનલકોડની કલમો વારાફરતી સંભારી, પણ આંખો તો એવી જ કોડા જેવી રહી. અને પેલી સ્ત્રીએ પણ ઊંઘવાનો આરંભ કર્યો હોય એમ દેખાયું નહીં….

જ્યારે પાકીને પડવા જેવો થયો ત્યારે એક ધડ દઈને ગોથડિયું ખાધું; પણ એટલામાં પેલું છોકરું સળવળ્યું એટલે એક હાથ તેના પર પંપાળવા નાખ્યો.

પેલી સ્ત્રીએ પણ થાકીને એક પાસું બદલ્ચું, ને છોકરું સળવળતું સાંભળી સ્વાભાવિક રીતે હાથ લંબાવ્યો. ને છોકરાના વાસા પર મારો હાથ હતો તેના પર પોતાનો હાથ મૂકયો.

હું બેઠો થઈ ગયો. ‘ઓ ભગવાન!’ મેં બૂમ પાડી.

પેલી સ્ત્રી પણ બેઠી થઈ ગઈ. ‘ઓ મારી મા!’ તેણે કહ્યું.

અમે બેએ એકબીજાની સામું જોયું ને ઉજાગરા છતાં, થાક છતાં, હસ્યાં.

‘મોઈ સવાર ક્યારે પડશે?’ પેલીએ પૂછેયું.

‘હું પણ તે વિચાર કરું છું.’

જાણે અમારા સવાલનો જવાબ દેતો હોય તેમ દીવો જરા મોટો થયો.

અમે ધાસ્તીથી એકબીજા સામું ને પેલા દીવા સામું જોયું; અને તે બિચારો પણ હોલવાઈ ગયો.

સવારના પાંચ વાગ્યે મેં દાદરબારી ઉઘાડવાની હિંમત કરી. હું દયાળજીને ખોળવા નીકળ્યો.

‘દયાળજીભાઈ! મારે તો અત્યારે જવું પડશે.’

‘કેમ સાહેબ?’ આભા બની જઈ તેણે કહ્યું. તેને લાગ્યું કે હું ગુસ્સે થયો કે શું?

‘અરે અહીંયાં આવવાની ઉતાવળમાં આજ કમિશનર સાહેબ જોડે મળવાનું રાખ્યું છે એ તો હું વીસરી જ ગયો.’

‘અરરર. હવે?’

‘કંઈ નહી…. એક ગાડી સવારે આવે છે તે તેમાં ચાર વાગતે મુંબઈ જવાશે.’

‘અરે રામ રામ! પણ ભાભી તો રહેશે ને?’

‘ના તે પણ બને એવું નથી. કીકાને ડૉકટરને બતાવવો રહી ગયો છે.’

બિચારો ડોસો ઘણો ખિન્ન થયો; પણ કામનું મહત્ત્વ જોઈ ચા કરાવી, બળદ જોડાવ્યા, અને મકનજીને અમારી સાથે આવવા કહ્યું. મને તે કેમ પરવડે? મહામુશ્કેલીએ મેં માંડી વળાવ્યું. આખરે ચા પી, ચાંલ્લો કરી, હું ને મારાં કામચલાઉ ધર્મપત્ની હસતાં, બધાના જયજય ઝીલતાં ત્યાંથી નીકળ્યાં.

રસ્તામાં પણ અમે નિરાંતે વાતો કરતાં ચાલ્યાં, કારણ અંધકાર જતાં અમારો ક્ષોભ ને શરમ પણ જતાં રહ્યાં હતાં. આખરે સ્ટેશન આવ્યું, એટલે દમણીવાળાને પણ રાખવો કામનો નહીં, એમ ધારી રૂપિયો બક્ષિસ આપી તેને વિદાય કર્યો. હવે અમે લગભગ નિશ્ચિત થઈ ગયાં કેમ કે એક વખત આગગાડીમા બેઠાં એટલે કોણ પૂછનાર છે?

અમે તો પોર્ટરની કોટડી તરફ જઈને ઊભાં, ને પોર્ટરને કહ્યું કે ગાડી ઊભી રખાવે.

ગાડી દેખાઈ, પણ જ્યાં તે સ્ટેશનની લગભગ આવી કે પોર્ટરની કોટડીનાં બારણાં ઊઘાડ્યાં, તે અંદરથી કોઈએ બુલંદ અવાજે પોકાર કર્યો :

‘અરે! તું કયાં મરી ગઈ હતી?’

મારા હૈયામાં તેલ રેડાયું. હું ફર્યો ને કાળા નાગ જેવો લંબૂસ ફું કરતો ઊભેલો જોયો.

મોંકાણ થઈ. આપણે પણ વિચાર કર્યો કે અત્યારે રાવસાહેબીઆ રોફ વગર માર્યા જઈશું; એટલે પટાવાળા ને વરતણીઆ વગેરેને માટે રાખેલો સીનો ને દમામ દેખાડી, ઊંચી ડોક કરી, કેડે હાથ રાખી, મેં કહ્યું: ‘અરૅ મિસ્ટર! કાલે તો તમે ગાડીમાં જ રહી ગયા? આ તમારી બૈરી બિચારી...’

‘અરે મિસ્તરની મા!’ પેલા લાંબાએ મારા રોફનો હિસાબ ગણ્યા વગર કહ્યું, ‘હું તો તરત આગગાડી થોભાવી ઊતરી આવ્યો, પણ તું કયાં લઈ ગયો હતો મારી બૈરીને કે કાલે આખી રાત શોધી શોધીને થાક્યો. ક્યાં લઈ ગયો હતો, બોલ?’

મારા રોફની તો કંઈ અસર જ નહોતી; સાથે કોઈ પટાવાળો પણ નહોતો કે મારી પોઝિશનની પેલાને સમજ પાડે. એટલે ગૂંચવાડામાં હું કહેવા જતો હતો કે હું તાલુકાનો મામલતદાર હતો, પણ મોઢામાંથી તો હું એ શબ્દ ઉચ્ચારું છું એટલામાં તો પેલો લંબૂસ, ઉરાંગઉટાંગની ચાલે, મૂઠી વાળી મારી પાસે આવ્યો. અંતે તેની પાછળ નીકળ્યો તેનો એક મિત્ર-ખાદીની ટોપીવાળો! મૂઆ! હવે મામલતદાર તો શું, પણ કલેકટર કહીશું તો પણ નહીં… માને.

પેલા મિસ્તરના ડોળા બૈરીથી મારા તરફ ફરે તે પહેલાં મેં જોયું કે આગગાડી ઊભેલી છે, ને મારી પાસેના ડબ્બાનું બારણું પોર્ટરે ઉઘાડીને રાખ્યું હતું. વધારે વખત મોભ્ભો ને જાન જોખમમાં નહીં રાખતાં, હું કૂદીને ગાડીમાં બેસી ગયો, ને બારણું બંધ કર્યું અને કલેકટર સાહેબ સામે જે ગરીબડો સીનો રાખીએ છીએ તે રાખી મેં અદૃષ્ટ દેવતાઓને સંબોધ્યા. ‘જુઓ તો ખરા! ઉપકારનો બદલો અપકાર? બિચારી ભૂલી પડી હતી તેને મેળવી આપી, એ તો કહેતો નથી.’

મેં ગાડી ચાલી એટલે કહ્યું. ‘હત્તારી.’ જતાં જતાં પણ મેં પાછળ જોયું ને અમારી મળી દૃષ્ટોદૃષ્ટ!’

ને મારી પંદર કલાકની પત્ની ગઈ તે ગઈ જ.
 [પાછળ]     [ટોચ]