[પાછળ] |
અપેક્ષા અને ઉપેક્ષા
લેખકઃ ગિરીશ દેસાઈ
અપેક્ષા એટલે આશા કે ઇચ્છા અને ઉપેક્ષા એટલે અનાદર કે અવગણના. બેઉના આવા અર્થમાં જરા પણ સામ્યતા નથી છતાં આ બેઉ વચ્ચે મા દિકરી જેવો ખૂબ જ ગાઢ સંબંધ છે.
અપેક્ષા-આશા અંગે માનનીય કવિ કલાપીએ લખ્યું છે કે આશા એ તો મધુર કડવો અંશ છે જિંદગીનો છેદાયે ના જીવીત લગી, એ છેદતાં જીવ જાતોઅપેક્ષા હંમેશા પોતાનું મુખ ભાવિ તરફ રાખે છે. અર્થાત કોઈ પણ ઇચ્છા કે આશાને સહારે જ આપણે આપણું ભાવિ ઘડતાં રહીએ છીએ. આને જ જિજીવિષા કહેવાય છે. જેના મનમાં જિજીવિષા ન રહે તેના જીવનનો અંત આવી જાય છે. જેનું મન મરી ગયું છે તે જીવે છે કે નહિ તેનો તેને પોતાને કે અન્યને કોઈ ફરક પડતો નથી. એનો અર્થ એ થયો કે જો આપણે જીવન જીવવું હોય તો મનમાં ઓછામાં ઓછી એકાદ ઇચ્છા તો હોવી જ જોઈએ. પરંતુ મનમાં કોઈ પણ ઇચ્છા રાખવા સામે મોટો વાંધો એ છે કે એ અપેક્ષાનું ફળ ભાવિમાં સુખ લાવશે કે દુઃખ તે કોઈનાથી અગાઉથી જાણી શકાતું નથી. અપેક્ષા પૂરી થતાં જો સુખ મળે તો મન એવા સુખનો ફરી અનુભવ કરવા વધુ લલચાય છે અને ઘણી વખત અપેક્ષા ન પૂરી થવાનું દુઃખ મળતાં આંસુ સારવાનો વખત આવે છે. જો હોયે ઇચ્છા મન મહીં તો તે ફળે કે નિષ્ફળ જાય ન ફળતાં દુઃખ ઉપજે ને ફળે તો મન ફરી લલચાયપણ જો ના હોયે ઇચ્છા એકે તો જીવન કદી ન જીવાય! તો તેનો ઉપાય શું? તો ઇચ્છા એક જ રાખવી કે હરિ ઇચ્છાથી ભલે બધું થાય. આવી વૃત્તિથી કરેલા કામને જ નિષ્કામ કર્મ કહેવાય છે. અપેક્ષાથી ઉપસ્થિત થતી મન-મૂંઝવણનું આ એક જ મારણ છે. ઇશાવાસ્ય ઉપનિષદના પહેલા બે શ્લોકમાં આ જ વાત સમજાવી છે એમ હું માનું છું. ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥ कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतँ समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥ઉપેક્ષા પોતાની નજર ભૂત અને ભાવિ બેઉ તરફ રાખી શકે છે. કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળમાં કોઇએ આપણી ઉપેક્ષા કરી હોય તો તે આપણાથી ભૂલાતી નથી અને ભાવિમાં જો તક મળે તો આપણે તેનો બદલો લેવાનું ચૂકતા નથી. અને જો આપણે કોઈની ઉપેક્ષા કરી હોય તો તે પણ ભવિષ્યમાં તક મળે તો તેનું ફળ આપવાનું ચૂકતો નથી. એક બીજાથી થતી ઉપેક્ષાના દુઃખથી બચવાના બે સરળ ઉપાય છે. એક છે સહકાર અને બીજો છે સંયમ. સહકાર એટલે જ્યારે કોઈ આપણી સહાયની અપેક્ષા રાખે ત્યારે તેને બનતી મદદ કરવી અને જ્યારે આપણે અપેક્ષા રાખી હોય ત્યારે કોઈ મદદ ન કરે ત્યારે સંયમ રાખી તે વાતને ભૂલી જવી. કોઈ વાર એવું બને કે કોઈ વખતે વિના વાંકે પણ આપણી ઉપેક્ષા થાય. આવું થવાનું કારણ શું છે તે કાકા સાહેબ કાલેલકરે એક જ વાક્યમાં સરસ રીતે સમજાવ્યું છે. “જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?” આ માન બીજાને સોંપવું એટલે કોઈની પાસેથી કશું મેળવવાની અપેક્ષા રાખવી. અને જો એનું પરિણામ આપણી અપેક્ષાથી વિરુદ્ધ આવે તો આપણને આપણી ઉપેક્ષા થઈ એવું લાગે. અપેક્ષા હોય તો જ ઉપેક્ષા થાય ને? અર્થાત ઉપેક્ષાનો જન્મ અપેક્ષામાંથી જ થાય છે. જો અપેક્ષા ન હોય તો ઉપેક્ષા કયાંથી થાય? મા ન જન્મી હોય તો દિકરી ક્યાંથી જન્મે? જીવનમાંથી અપેક્ષાઓ ઓછી કરવી હોય તો સ્વાવલંબી થતાં શીખવું જોઈએ. હું જેટલો સ્વાવલંબી અને સ્વતંત્ર રહું તેટલો બીજાના સહકારની આશાથી મુકત રહી શકું અને તો જ મારી ઉપેક્ષા થવાનો સંભવ ઘટતો જાય. જીવન જેટલું સ્વાવલંબી અને સ્વતંત્ર બને તેટલું તે સુખી અને આનંદમય બને. વળી જીવનની જરૂરિયાતો જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ માનવીની સ્વતંત્રતા વધતી જાય તેમાં મને જરાયે શંકા નથી. (https://girishdesai.wordpress.com/2008/02/15/અપેક્ષા-અને-ઉપેક્ષા/પરથી સાભાર) |
[પાછળ] [ટોચ] |