[પાછળ] |
અર્થદાસને મણિમુદ્રાની ભેટ લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ![]() વાણિયો ધીમે રહી સરસ્વતીચંદ્રને ઊઠાડવા લાગ્યો અને ઊઠાડી બેઠો કર્યો, “તમને આ બ્હારવટિયા ઓળખે છે કે શું?– પેલો સન્યાસી જેવો તમને તમારું નામ દઈ બોલાવતો હતો”. આમ કહેતો કહેતો અર્થદાસ સરસ્વતીચંદ્રનો ઘા તપાસવા લાગ્યો અને જ્યાંથી લોહી વહેતું બંધ થયું હતું ત્યાં આગળથી રૂ જેવું કાંઈ હાથમાં લેઈ આંખો ચળકાવી, સુરસંગે ચંદરભાઈ નામ કહ્યું હતું તે સંભારી, વધારે અપભ્રંશ કરી બોલ્યો. “ચાંદાભાઈ, જુવો તો ખરા આ ઠાકોરજીની માયા! તમારો ઘા રુઝી ગયો સમજવો– લ્યો આ.” રુઝતા ઘાની કલ્પનાથી જ બળવાન થઈ ગયેલા મનવાળો બની, પોતાનું ત્રીજો અપભ્રંશ પામેલું નામ સાંભળી, ચમકી સરસ્વતીચંદ્ર ટટ્ટાર થયોઃ “એ શું છે, ભાઈ?” વાણિયો બોલ્યો; “આનું નામ ઘાબાજરિયું; તમે આ ઘાસમાં પડ્યા હતા તે ઘાસ ભેગું ઊગેલું તમારા લોહીથી ઘામાં એ વળગી ગયું અને લોહી બંધ થઈ ગયું.” “તે એમાં કાંઈ ગુણ છે?” “હા, એથી ઘા રુઝે છે. આ તમારો ઘા રુઝ્યો હવે સમજવો; તમેજ જુઓ ને – હવે કાંઈ દરદ છે?” “ના, છે તો નહીં.” સરસ્વતીચંદ્ર પળવાર નીચું જોઈ રહ્યો, વિચારમાં પડ્યો, અને ગળગળો થઈ, છાતી પર હાથ મુકી ભીની આંખ વડે આકાશ ભણી જોઈ મનમાં બોલ્યો, “પ્રભુ, આમ જ આપદ તું હરતો, અમ મૂર્ખપણું ઉર ના ધરતો. વનમાં વણ ભાન પડી હું રહ્યો તૃણદ્વાર વિષે પ્રભુ, ત્યાં તું ઊભો.”આ સ્તવન જાતે જ થઈ ગયું અને નવા ઉત્કંપમાં, અચિંત્યા રોમાંચમાં, દુ:ખી આંખમાં, દીન હૃદયમાં, અને ઉશ્કેરાયેલાં મસ્તિકમાં, ઈશ્વર પ્રત્યક્ષ થતો લાગ્યો. આ પ્રથમ ઈશ્વરદર્શન કરાવનાર વિપત્તિનો અર્થ એના મનમાં આજ સાકાર થયો, કારણ પુસ્તકોમાં, સમાજોમાં, અને મંદિરોમાં, પ્રાર્થનાઓ તેને કેવળ શુષ્ક અને નિરર્થક લાગી હતી. આર્દ્ર હૃદય અને લોચનથી તે વાણિયાના સામું ઉપકૃત દૃષ્ટિથી જોઈ રહ્યો, તૃણનું ભાન કરાવનાર તે વાણિયો હતો એ સાંભર્યું, અને આ ઈશ્વરોપદેશ કરનાર મારો ગુરુ, આ વાણિયો છે એ નિશ્ચય સર્વાંગે આ દત્તાત્રેય જેવાને ચિત્તવશ થયો. વાણિયા ભણી જોઈ તે બોલ્યો: “ભાઈ, તમારું નામ શું?” तालीमपी न दद्यात् એ સંપ્રદાયના વણિકને આ પ્રશ્ન વસમો પડ્યો. “પેલો સંન્યાસી આનું નામ જાણતો હતો – મારો વ્હાલો આ યે બ્હારવટિયો હશે ત્યારે? નામ બામ આપે એવો કાંઈ અર્થદાસ કાચો નથી," એ વિચાર મનમાં કરી વાણિયો હસી પડ્યો, અને ઉત્તર ઉડાવી સામે પ્રશ્ન પૂછવા લાગ્યો: “હેં! હોં! હા! ચાંદાભાઈ, વારુ, ત્યારે તમે આ લોકમાં ક્યાંથી આવી પડ્યા, તમે શો ધંધો કરો છો? તમારૂં ગામ કિયું ને ક્યાં જવાનું છે?- હવે તો તમને જરુર કરાર વળશે– જરા વાર તો લાગશે સ્તો.” “હું ક્યાંથી આવું છું તે તમે જાણો છો અને આ લોકમાં શાથી આવી પડ્યો તે તમે જાતે નજરે જોયું છે.” “પણ તમે ધંધો શો કરો છો?”– “ધંધો? – ખાવું, પીવું, ને ફરવું.” “એમ કે?” – વધારે વ્હેમમાં પડેલો અર્થદાસ હૃદયમાં ધ્રૂજતો વળી પૂછવા લાગ્યો. “ને જાવ છો ક્યાં?” “ભાગ્ય લઈ જાય ત્યાં– તમે લઈ જાવ તો તમારે ત્યાં આવું – ભૂખ મને ને તમને સરખી લાગી હશે.” અર્થદાસ મનમાં બોલ્યોઃ “જો બ્હારવટિયો ખરો! મારે ઘેર આવવું છે, ત્યારે પેલીને બચાવવા શું કરવા લડ્યો ને ઘવાયો? કોણ જાણે. બ્હારવટિયાઓનો ભેદુ થઈ એમ કર્યું કેમ ન હોય?” સ્વાર્થજળના માછલાથી પરમાર્થબુદ્ધિની કલ્પના ન કરાઈ. સરસ્વતીચંદ્રે ફરી પૂછયું: “ભાઈ, તમારે ઘેર મને લઈ જશો? હું તમને કામ લાગીશ. આ દેશનો હું ભોમિયો નથી ને તમે સહુ રસ્તાના ભોમિયા હશો.” “મારે ઘેર તે મરવાને લઈ જાય? – અર્થદાસ પણ ખરો કે તને પણ ચપટીમાં લે! ”એટલું મનમાં બોલી મોટેથી બોલ્યો; "હા – શા વાસ્તે નહી? પણ એટલી સરતે કે મારી ઘરવાળી પાછી આપવી!” “ભાઈ, તે તો હું શી રીતે કરું? પણ તમારે ઘેર ચાલો એટલે હું તપાસ કરવા લાગીશ.” “જો લુચ્ચો!” અર્થદાસ આટલું મનમાં કહી વળી મોટેથી બોલ્યો, “વારુ ભાઈ ચાંદાભાઈ! આપણે અહિયાં ક્યાં સુધી પડી રહીશું? ચાલો ગામ ભણી જઈએ!”– મનમાં બોલ્યોઃ – “પોલિસમાં પ્હોંચાડું – પછી એ તો ૨ત્નનગરીની પોલિસ છે ને વાણિયા સાથે કામ છે.” બે જણ ઊઠ્યા અને મનહરપુરી ભણી ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં અર્થદાસે ખેલ માંડ્યો. અચિંત્યો રસ્તા વચ્ચે બેઠો અને રોવા લાગ્યો: ”ઓ મારી મા રે! તારું શું થશે? ઓ”– સરસ્વતીચંદ્ર અચકી આભો બની આસનાવાસના કરતો બોલ્યોઃ "શું છે? ને- તમારી માને શું થયું?" “અરે મારી બાયડીને પેલા લઈ ગયા– બિચારી રવડી મરશે– ઓ મારી મા રે – બાયડી રે!” “ધીરજ ધરો, ભાઈ, ગામમાં ચાલો અને રસ્તો કરીશું.” “પણ એની પાસે દાગીના છે તે! –એ તો મારું સર્વસ્વ! હવે હું ખાઈશ શું? મારા ઘરમાં તો ઝેર ખાવા જેટલી ફૂટી બદામ નથી! ઘરવાળાને ભાડું ક્યાંથી આપીશ! મારાં તો હાંલ્લા ને લાકડાં બે વેચાશે! – ને હું મોદીને શું આપીશ ને બાયડી ખોળવા સરકારમાં શું આપીશ? – ઓ ચાંદાભાઈ, હું તો અહિયાં જ મરીશ.” ઘણું સમજાવ્યો પણ અર્થદાસ ઊઠ્યો નહી. આખરે આંખો ફાડી રોઈ બોલ્યો, “હું તો હવે ફાંસો ખાઈ મરવાનો. દૈવે મને બ્રાહ્મણ પણ ન ઘડ્યો કે લોટ માગી પેટ ભરું. મારા તે પેટમાં ગૂંચળાં વળે છે– ઊઠાતું યે નથી ને બોલાતું યે નથી ઓ ચાંદાભાઈ! – અબબબબ!”– જીભ અટકી હોય એમ અર્થદાસ લાંબો થઈ સૂઈ ગયો, આંખો ચગાવવા લાગ્યો, ને મોમાંથી ફીણના પરપોટા કાઢવા લાગ્યો. સરસ્વતીચંદ્રને અત્યંત દયા આવી ને વિચારવશ થઈ ગળગળો થઈ ગયો. “ઓ ઈશ્વર, હું બિચારાને દુઃખથી છોડવવા શું કરું? આના દુઃખમાં મારી ભૂખ તો મરી ગઈ, આને સ્ત્રીનું દુ:ખ નથી પણ પૈસાનું દુ:ખ છે. એનું દુ:ખ ભાંગવા જેટલો પૈસો તો મારી પાસે હતો, તે મેં છોડ્યો. દ્રવ્યનો આવા પ્રસંગે ઉપયોગ હશે તેનું મને ભાન ન રહ્યું. આને ઈશ્વરે વિદ્યા આપી નથી – ગર્ભશ્રીમંત પણ નથી નથી! મારી ગર્ભશ્રીમંતાઈ પર ધૂળ પડી! આનું ઔષધ દ્રવ્ય તે હું ક્યાંથી આપું? દ્રવ્ય છોડ્યું ન હોત તો આ પ્રસંગ ન આવત!” વળી અર્થદાસના સામું જોઈને શાંત પડી વિચાર્યું, “દ્રવ્ય છોડ્યું ન હોત તો અર્થદાસના દુઃખ જેવાં દુ:ખ લોકને થતાં હશે એ હું કેમ જાણત?” શાન્તિએ સ્મરણને સ્ફુરવા દીધું અને પોતે જનોઈએ બાંધેલી મણિમુદ્રા સાંભરી આવી. સાંભરી આવતાં મુખપર આનંદ અને ઉત્સાહ દીપવા લાગ્યા; “હા! આના ઉદ્ધારનો માર્ગ સુઝ્યો.” મણિમુદ્રા છોડી હાથમાં લઈ તે પર જોઈ રહ્યોઃ “મણિમુદ્રા! કુમુદસુંદરીની લલિત આંગળિયે વસવા– તેના ચિત્તને આનંદ આપવા મેં તને આટલા મોહથી ઘડાવી હતી! તે સર્વ હવે વ્યર્થ થયું. આ દીન વણિકને આનંદનું સાધન તું હવે થા! આ ક્ષિતિજરેખા ઉપર સૂર્યમંડળ શોભે છે તેમ તું કુમુદની આંગળી પર દીપત! સૂર્ય હમણાં ક્ષિતિજથી ભ્રષ્ટ થશે! – હું અને તું કુમુદથી ભ્રષ્ટ થયાં! તું હજી ગરીબનું ઘર ઊઘાડશે! – એ તારું ભાગ્ય! - પણ ક્યાં કુમુદ અને ક્યાં આ વણિક? – પણ હું તો તારા યોગ્ય નથી જ! દુષ્ટને છોડી, ગરીબનું ઘર ઉઘાડ! મણિમુદ્રા! લક્ષ્મીના છેલ્લા અવશેષ! પ્રિય કુમુદની સ્મારક સમી એકલી એક મારી જોડે રહેલી છેલ્લી બ્હેન! મારા પિતાના વિભવના છેલ્લા પ્રસાદ! પ્રિય કુમુદના આજ ચીરાઈ જતાં અંત:કરણમાં રસળતો મારો દુષ્ટ હાથ તારે યોગ્ય નથી! મારું જનોઇ ભ્રષ્ટ છે– મારું શરીર દુરાત્માનું ઘર છે! મણિમુદ્રા! લક્ષ્મીના છેલ્લા અવશેષ! પ્રિયતમ પિતાના વિભવના છેલ્લા પ્રસાદ! પ્રિયતમ કુમુદની પ્રિયતમ બ્હેન! મારા સ્નેહની સ્મશાનવિભૂતિ! મારા આંસુથી કલંકિત કર્યા સિવાય તને તજું છું! જા! ગરીબનું ઘર દીપાવ!” સરસ્વતીચંદ્ર અર્થદાસની પાસે બેઠો– તેની આંગળિયે મુદ્રા પહેરાવી;– અને ભૂખથી, દુઃખથી, દયાથી, વિરહથી, નબળો પડેલો વિકલ અને ગદ્ગદ બનતો તરુણ ઢળી પડ્યો. સરસ્વતીચંદ્રને બ્હારવટિયો કલ્પતો, ઘડીકમાં તેને રત્નનગરીની પોલિસને વશ કરવા યુક્તિ શોધતો, ઘડીકમાં તેની પાસેથી છૂટો થવા ઈચ્છતો અને આખરે છેલી ઈચ્છાને વશ થતો અર્થદાસ નિર્ધનતા અને દુ:ખનો ઢોંગ લઈ પડ્યો હતો તે એવું ધારી કે એને નિર્માલ્ય ગણી બ્હારવટિયો પોતાની મેળે પોતાને રસ્તે પડે, તેમ કરતાં આ તો નવું નાટક નીકળ્યું. ચગાવેલી દેખાતી આંખો વડે તે મુદ્રા જોઈ, મુદ્રામણિની પરીક્ષા કરી, નજર આગળનો દેખાવ સમજ્યો નહીં, અને મુદ્રા આંગળીમાં બેઠી અને સરસ્વતીચંદ્ર ઢળી પડ્યો કે એકદમ વીજળીની ત્વરાથી ઉભો થઈ ચોર ચિત્તવાળો પોતાને સમયસૂચક ગણતો, પાછું જોયા વગર અને વિચાર કરવા ઊભા રહ્યા વગર, મૂઠી વાળી નાઠો. (સરસ્વતીચંદ્ર, ભાગ-૨) |
[પાછળ] [ટોચ] |