[પાછળ] 
બારણે ટકોરા
લેખકઃ ઉમાશંકર જોશી
                     પાત્રો
        નંદુ : વિધવા માતા       ચંચળ : ઓળખીતી બાઈ
        બટુ : નંદુનો નાનો દિકરો    જયંતી: નંદુનો મોટો દિકરો
                મુગટલાલ : જયંતીનો પુત્ર
                    સૂચિત પાત્ર
              પરભુ ગોર : નંદુના સ્વર્ગસ્થ પતિ
              [મોડા ઉનાળાની આથમતી સાંજ]

[પડખે સ્ટેશન હોવાને લીધે શહેર ગણાતા એક કસબામાં ધોરી રસ્તા પરનું ઘર. એક પંડાળના મોટા ઓરડાની સામી ભીંતે અભરાઈઓ ઉપર ડબા ગોઠવેલા છે. એ જ ભીંતમાં બારી જેવું એક બારણું છે. ડાબી તરફ વાંસની ખપાટિયાંના ભીંતથી છૂટું પાડેલું રસોડું છે. વળગણી ઉપર લુગડાંના લબાચા લટકે છે. જમણી તરફ બે પગથિયાં ઉતરીએ એટલું નીચું આંગણું છે. તેને છેડે ખડકીને બારણું સ્પષ્ટ દેખાય છે.

લાકડાની પાટ ઉપર પથારી પાથરેલી દેખાય છે ને હમણાં જ એમાંથી કોઈ ઉઠ્યું હોય એમ ઓઢવાનો કામળો ઊંચો-નીચો, અરધો નીચે લટકતો પડ્યો છે. પાટ નીચે આખી દુનિયા ખડકાયેલી છે. નીચે બાજુમાં નંદુ ગોરાણી અને ચંચળબેન વાતો કરતાં બેઠાં છે.

નંદુ ગોરાણીએ કાળો સાડલો ઓઢેલો છે. મુંડાવેલું માથું આભૂષણ વિનાનો વેશ : તે સાચે જ માંદાં છે કે એવાં દેખાય છે એ સમજવું અઘરું બનાવી મૂકે છે. ચાળીસની અંદરનાં હોવા છતાં બહુ ઘરડાં લાગે છે. ચંચળબેન ઘડાઈ ગયેલી વિધવા લાગે છે.]

નંદુ: [હાંફતાં હાફતાં ] તે... આ... તમે ન આવ્યાં હોત તો... તો... કોણ જાણે ક્યારે જાગત? [નિસાસો મૂકી] મારે તો દિવસ ને રાત બધુ એકાકાર થઈ ગયું છે! [ઊંચા થઈ પાટને ખૂણેથી તપખીરની દાબડી લેવા કરે છે.]

ચંચળ : રહો, રહો હું લઈ લઉં છું! જરી હાંફ તો મટવા દો! બેસો હેઠે હૈયે લગીર! [દાબડી લે છે.]

નંદુ : [ધીરેથી] આ ઘરમાં રહીને હેઠે હૈયે બેસવા વારો આ જનમનાં તો આવવાનો દેખતી નથી. [બંને છીકણીથી ચપટી લે છે.] આ જુઓ છો ને કે લગીર બારણા લગણ ગઈ એમાં તો આખો ડુંગરો ચઢી ગઈ જાણે એવો હાંફ લાગ્યો છે! ને દા’ડામાં દોઢસો વાર ખડકી ઉઘાડવા જવું પડે છે. જરી પૂંઠ વાળી કે કોક ને કોક આવી ઊભુંસ્તો! [ચંચળ જરી ઊંકારો કરી જાય છે.] જો જો, બુન તમારા પર નથી, પણ...

ચંચળ : ગોરાણી, હું તો...

નંદુ : એ શું બોલ્યાં? તમે અહીં ક્યાંથી? આપણે તો ઘડીક બેસીએ તો સુખદુ:ખની વાતોય કરીએ.

ચંચળ : [સાડલાના છેડાથી નાક લૂછતાં] મારા મનમાં કે આજ ઘણા દનથી નંદુ ગોરાણીને મળી નથી તે મળતી આવું, ને...[અચકાતી] પેલા પૂનમભાઈનો લોટો તમારે ત્યાં રહી ગયો છે ને? – તે ઈયાંનો સંદેશ આવ્યો છે કે લઈ આવજો, તે મેંકું લેતી આવું.

નંદુ: ક્યા પૂનમભાઈ? [કાંઈ યાદ આવતાં] હા, હા, પેલા અહીં દીકરાને દવા કરાવવા મહિનો માસ રહી ગયા’તા એ! બુન, અહીં તો આખી દુનિયા આવે છે ને જાય છે. કેટલાંની સરત રહે? તે તમારે ઈંયાને શું ઓળખાણ?

ચંચળ : કાંઈ નહિ! પણ અમારા ગામના ખરા ને? આ પાંચમે મારા ભાણિયાના લગનમાં જવાની છું ત્યારે લેતી જઈશ. કાંઈ લેવાદેવાનું મલેમલાવે નહિ, ને નકામી વેઠ!

નંદુ : પેલો પાટ હેઠળ મૂકી રાખ્યો હતો. એવો ને એવો અકબંધ! ને ઈંયાનો લોટો સાજો રહે ભા!... પણ, બુન! તમે ખોટું ન લગાડતાં – કહ્યા વિના રહેવાતું નથી – આ કળશ્યો તમારે ત્યાં વિંયાશે ને અહીં રહેત તો દૂબળો પડી જાત? અહીં આવત ત્યારે પંડે લઈ નો જવાત?

ચંચળ : એ તો ગોરાણી, બધાંનાં મન મોટાં ઓછાં હોય છે? મૂંજી મારો પીટ્યો! નકર મહિના લગણ તમારું ઘર આખું ખાઈ જાય ને એક ટોયલી ખાતર મન બગાડે ડાહ્યો હોય તો?

નંદુ: ના, પણ, આ તો ઠીક છે. મારી બાઈ, પણ પેલા મકનજી – અમારે નાહવાનીય સગાઈ નહિ, ને ‘મારા ગોરજીનું ઘર’ કરતા આયા; આયા તો ત્યાં લગણ તો કહ્યું ઠીક છે, પણ સવારે અંધારે અંધારે ઘેર નીકળ્યા તે ઈંયાના હજાર થીંગડાંવાળા કોટને બદલે મારા જ્યાંતીનો નવોનોક કોટ પહેરીને થયા હીંડતા, તે આવજે ઘર ઢૂંકડું! કોણ પગેરું કાઢવા બેઠું’તું?

ચંચળ : શો કળજગ વ્યાપ્યો છે!

નંદુ : ને પેલો જગન્નાથ, હરિને લઈને મુંબઈ જતો’તો, તે અહીં રાતવાસો રહેલો! સવારમાં મુંબઈ જવાના કોડમાં ને કોડમાં બાઈજી કપડાંની પોટલી ભૂલી ગ્યાં. પાછળથી તાર કર્યો કે પારસલથી પોટલી મોકલી આપજો. તે... બાઈ, ઈને તો આંગણે રૂપિયાનું ઝાડ વાવેલું હશે, પણ મારે આ મેમાનગીરી, તે ઉપરથી દખણા ક્યાંથી આલવી?

ચંચળ : તમારે તો બધી મેરથી દંડાવાનું.

નંદુ: કાંઈ કહેવાની વાત નથી! ઈંયાંને છતે, લોક આવતું જતું તે જણાતું નહિ, પણ...

ચંચળ : જ્યાંતીભાઈને માથે આટલો બોજો – એ તો ગોરાણી, ગમે એવા મોટા લખેશરીની પણ કમ્મર પણ વાંકી થઈ જાય! મને તો થાય છે કે પરભુ ગોર કેમ કરીને પૂરું કરતા’તા! એ તો તમારે જ પરતાપે બા!

નંદુ: આખો અવતાર મહેમાનોની ચાકરીમાં કાઢ્યો છે! દન ને રાત જોયા વિના ફૂદાની પેઠે ફરતી ને એકલે હાથે બધા કામને પહોંચી વળતી!

ચંચળ : બાઈ, પરભુ ગોરની તો ઓળખાણ કાંઈ નાની – સૂની? ગામગામના ઠાકોર, શેઠિયા, અમલદાર બધાં સાથે ઈંયાને બેસવા-ઊઠવાનું! સહુ ભાયગ કાંઈ એવી શાખઆબરૂ ઓછી હોય છે?.... ને તમારે ત્યાં તો એક વાર કામો દૂઝતાં?

નંદુ : પણ એ તો બધાં વરખાસમ ઈંમના સંગાથે ગ્યાં! રત-રતનો ફળમેવો ખાધો ખૂટતો નહિ, એ હવે તો ક્યાંય જોયો જડતો નથી. બાઈ, એ તો બે આંખ્યોની શરમ છે!  ઈંમને નુ’વે હવે બધુંય ફલ્લંફલ્લા!

ચંચળ : [દુ:ખ દર્શાવી] એવી વાત છે!

નંદુ: પણ ચંચીબુન, ઈંમની હયાતીમાં તો પેટ પર પાટા બાંધીનેય ચલાવતાં, પણ હવે હજીય ‘મારા ગોરજીનું ઘર’ કરતું, વાટે કુટાતું. કોઈ પણ માનવી મારે ત્યાં આવીને ઊભું રહે છે, તે જાય ને ઈંયાની પાસે ત્યાં...! [આંગળી આકાશ તરફ તાકે છે.]

ચંચળ : પરભુ ગોરને કોઈથી ન પહોંચાય!

નંદુ : હું તો ત્યારે પણ હિંમત હારી જતી, પણ મને રોજ કહે કે, ‘સાથે શું લઈ જવાનું છે? રામનો આલ્યો બટકું રોટલો ખાવા કરતાં ખવરાવ્યો મીઠો લાગે !’

ચંચળ : દિલનો દરિયાવ આદમી!

નંદુ : મેં એક દન ભર શ્રાવણની મેઘલી રાતે એક વાટ મારગુને બારણે હાંકારો નો દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ ત્યાં જઈને મોટેથી ઈંને સાદ કર્યો. ઝરમર વરસાદમાં સાંભળ્યામાં ન આવ્યું કે શું, પણ વીલે મોઢે પાછા આયા ને મને કહે કે, ‘તારે છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કો’ક રાંકને પેટ પડું ને કો’ક દી બારણું ઠોકું, તો તું નો જ ઉઘાડે ને?’ [રોઈ પડે છે.]

ચંચળ : ગઈ ગુજરી ભૂલી જાઓ. બાઈ, બધું સંભારી સંભારીને રોયે કાંઈ આરો આવવાનો છે?

નંદુ : ના પણ, હું મારા જ્યાંતીની પચ્ચી રૂપરડીમાંથી મહેમાનોની આગતાસ્વાગતા કરું છું. પણ મોઈનો મારો શભાવ જ આકરો તે લગાર વારમાં તતડી ઊઠું છું. આજ દશ મહિનાથી શમણામાં એ આવે છે : એ વીલું મોઢું, હળવો ઠપકો! ઈંયાનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે!

ચંચળ : બાઈ, તમારી કરણીની વાત તો અમારે મન છે તો! પારકા માટે ઘસાઈને આ અરધાં તો થઈ ગ્યાં છો! ગોરાણી શોક મૂકીને લગીર ઘર આંગણું કરો,  તો કાંઈક ઘર આંગણું સુધરે! દેહીને ઘણી કષ્ટી આલી! [એટલામાં ખડકીનું બારણું કોઈ ખખડાવે છે. નંદુ ગોરાણી હાથ જમીન પર ટેકવીને ઊઠવા કરે છે, પણ ચંચળ જઈને બારણું ઉઘાડી આવે છે. એક જુવાન હાથમાં પોટકું લઈ પ્રવેશે છે.]

જુવાન : પરભુ ગોરના જ્યાંતીલાલ અહીં રહે છે કે? [અંદર આવે છે.]

નંદુ : હોવે, આવો!

જુવાન : અહીં છે?

નંદુ: ના!

જુવાન : [રોકાઈને] ક્યારે આવશે?

નંદુ : [ટૂંકું પતાવતાં] એનો કાંઈ ભરોંસો નહિ, આવે તો હમણાં આવે, ને રાતના બાર પણ વગાડે!

જુવાન : ત્યારે એમને કહેજો કે અમૃતલાલને ત્યાં મને મળે. મુગટલાલ કહેશો એટલે સમજી જશે – દેવગઢવાળા!
[ જાય છે.]

નંદુ : જુઓ છેને? ગાડી આવી કે આપણે ત્યાં એકાદ મનેખ આવ્યું જ સમજો! અહીંથી ચોથે બારણે ધર્મશાળા ક્યાં નથી? પણ કોણ જાણે બધાંને ત્યાં જતાં કાંટા વાગે છે. હું કાંઈ આંગણે ફૂલ વેરી મૂકતી નથી!

ચંચળ: એ તો મૂળ આ રામજીમંદિરનો દવારો એટલે. ને પરભુ ગોરને લીધે સહુના પગ આ ગમ જ વળે!

નંદુ : [નિસાસો નાખી] હું શું કરવા જીવ બાળું? મારા પગલાંય હવે પાછાં વળવા લાગ્યાં છે!

ચંચળ : વલોપાત નોં કરતાં હોં. આ કાલ ઊઠીને પરભુ ગોરના પુનબળે જ્યાંતી ઊંચી પાયરી પર ચડ્યો તો પોબારા!!!

નંદુ : [ડૂસકાં ભરતી] દેવ જેવા માણસ મારે પનારે ક્યાં પડ્યા? હું હીણા કરમની ઈંયાને વગોવવા વના બીજું શું કરી શકવાની છું?

ચંચળ : તમે તમારે ઈમનું ધ્યાન ધરો, ને રામજી રાખે તેમ રહો!

નંદુ : કહેનારે કહ્યું છે ને? – કે, સતી અસ્ત્રી દર્પણમાં દેખે તો અંદર ઈને પતિનું મોઢું દેખાય. દર્પણમાં તો મારે શું કરવા જોવું પડે? પણ કોઈ મેમાન આયો તો ઈમનું મોઢું મારા સામું હસતું મને દેખાય છે!

ચંચળ : દેવના ધામમાં છો, બાઈ! ને દેવ જેવા પરભુ ગોર!!

નંદુ : મારાથી આ જગા નહિ જિરવાય! [અધખૂલું બારણું ઉઘાડીને હાથમાં ભણવાની ચોપડીઓ લઈ બટુ પ્રવેશે છે. નંદુ ગોરાણી આંખો લૂંછી દે છે.]

ચંચળ : કેમ બટુભાઈ? શેના ઓળખો?! મોટા મામલીદાર બનો, ત્યારે ઘેર ગુમાસ્તી રાખવી પડે વળી!

નંદુ : [આનંદાતી] આ મારા બટુને તો બાલેટણ બનાવવો છે. મારે જીવતે જીવત ઈને રાજનો દીવાન થયેલો દેખવો છે!

બટુ : હવે થઈ ગ્યા ક્યારનાય! દીવાન તો નહિ, પણ દીવાનો બનેલો તો જરૂર દેખીશ!

ચંચળ : [આભી બનીને જોઈ રહે છે.] બોલબોલમાં ફૂલ ઝરે છે, બા! ભાગ્યશાળીનાં પૂરવ જલમનાં પૂન્ય, બીજું શું? [અરધી મિનિટ શાંતિ. ઊઠવા કરતાં] બેસો ત્યારે, નંદુ ગોરાણી અંધારે પાછું દેખાશે નહિ. વેળા છતી ઘેર પહોંચી જાઉં!

નંદુ : બટુ! [આંગળી બતાવતી] પેલો કળશ્યો ચંચી માશીને આપ જો! [બટુ આપે છે.]

ચંચળ : બા! કશો વલોપાત કરશો મા! રામ-લક્ષ્મણ જેવા બે દીકરા છે તે, ધીરજ રાખશો તો, કાલ ઊઠતી સોનાનું વા’ણું વાશે! [જાય છે.]

બટુ: બા, ચંચળ માસી ઘણે દા’ડે આ બાજુ ભૂલાં પડ્યાં!

નંદુ: પેલા પૂનમભાઈનો કળશ્યો અહીં રહી ગ્યો’તો, તે લેવા આવ્યાં’તાં! મારા કરમ જેવો તો હતો – ફૂટેલો! પણ [શાંતિ. બટુને] જા, જો બેટા ખડકી દઈ આવ જો! [બટુ દોડતો બારણું વાસી આવે છે.] કેમ બટુ, તું આજે નિશાળેથી આવ્યો એવો ચિડાઈ ગયો?

બટુ : એ તો, આ સાડા પાંચની ગાડીમાંથી કોઈ ઉતારું હશે ને બા, તે મને પૂછે કે પ્રભુદાસ ગોરનું ઘર કયું? સવારે અમથાલાલને સ્ટેશન સુધી મૂકવા જતાં પહેલો પિરિયડ ચૂક્યો’તો એટલે એમની રીસ એમના પર કાઢી : ‘જાઓ, આખું ગામ છે, શોધી કાઢો! મને કાંઈ બધાંના ઘરની ઓછી ખબર છે?’

નંદુ : જુવાન હતો? કાળી ટોપી?

બટુ : ના, આ તો કોઈ પાઘડીવાળા કોઈ મહેરબાન હતા.... એ કોણ?

નંદુ : એ તો વળી એક ભાઈ આવ્યા’તા. પણ ભગવાનને વહારે ધાયા ને ઈંને સારી મત દીધી તે અમરતલાલને ત્યાં જઉં છું કહીને હીંડતો થ્યો!

બટુ : બા, આ તે ઘર છે કે ધર્મશાળા? અહીં રહીને હું પરીક્ષામાં શું ઉકાળવાનો? આપણે ઘર બદલી લઈએ!

નંદુ : પણ બેટા, ભાડું ક્યાંથી લાવીએ? આ તો તારા બાપાના નામને લીધે ભર્યુપૂર્યુ ઘર આપણને મલ્યું છે એ કહે ને?

બટુ : ત્યારે શું કરશું? નાના હતા ત્યારે તો મહેમાનો આવતા એથી ઉલટી મઝા પડતી. નવા નવા માણસો, ખાવાનું મળે. પણ હવે તો ભાર પડે છે. એ તો તું જ આ બધું સહન કરી શકે બા!

નંદુ : એક તું મારી પીડા સમજે એવો છે! બાકી મોટો તો તારા બાપ જેવો દાનો નીવડ્યો છે! આમ ને આમ ચાલશે તો તારું ભણતર કથળી નો જાય ઈંની મને ફિકર રહે છે!

બટુ : એ તો ઠીક છે, બધું થશે. આ પરીક્ષામાં નંબર આવે તો આવતા વરસ માટે પૂરતી સ્કૉલરશીપ મળે. પણ કોઈ ઘડી જંપીને અભ્યાસ કરવા દે ત્યારેને?

નંદુ : હુંય ઓછી કંટાળી નથી! કોઈ ખડકી ખખડાવે છે ને મને તો હૈયામાં ફાળ પડે છે, કાળજું ફડફડ કાંપે છે. બારણા પર કોઈના ટકોરા સાંભળું છું તે જાણે છાતી પર હથોડા નો ટિપાતા હોય? [ખડકી ખખડે છે. નંદુ ગોરાણીને ડિલે થથરાટી આવી જાય છે. બટુ કડક ચાલે ઉતાવળો જઈ બારણું ખોલે છે. જયંતીલાલ અંદર આવે છે. નંદુ ગોરાણી હોશમાં આવે છે. પણ જયંતી ઊભો રહે છે. પેલો જુવાન મુગટલાલ પ્રવેશે છે, એટલે એની સાથે જયંતી ઓરડામાં આવે છે. નંદુ ગોરાણીના હોશકોશ ઊડી જાય છે.]

નંદુ : [બહુ ધીમે] કેમ જયંતી ઓફિસમાંથી મોડો છૂટ્યો’તો?

જયંતી : [કપડાં કાઢતાં] ના, બા! નવા બજારમાં ગોવિંદકાકા મળ્યા. ઘેર આવવા મેં ઘણું કરગર્યા, પણ ઉતાવળમાં હતા, એટલે એમને વીશીમાં જમાડવા રહ્યો’તો! સહેજ મોડું થઈ ગયું, ખરું બા?... પણ ભગવાન બધું સારા કાજે કરે છે. નહિ તો આ મુગટભાઈનો વાટમાં ભેટો થઈ ગયો એ ન થાત!

નંદુ : [નિસાસો મૂકે છે.] હાથ-પગ ધોઈ લો! [જયંતી, મુગટલાલ સામે બારણેથી પાછળ વંડામાં હાથપગ ધોવા જાય છે.]

નંદુ : બટુ, સમજ્યોને? અક્કરમીનો પડિયો કાણો! [પોતાને કહેતી હોય તેમ નીચું મોઢું રાખીને] સવારે તૈયાર ટપ્પાં રસપોળી ઉપર પેલો અમથો આવીને દેવાયો! નવાં દાળભાત કરી ખાધાં! ને મારા મનમાં કે અત્યારે તમે નિરાંતે ખાવા પામશો, પણ તમારું કપાળ જ કોડિયા જેટલું ને?

બટુ : હું તો કહું છું કે રૂપિયે પાંચ શેરની કેરી આપણે મોટા કયા શ્રીમંત તે લાવીને શોખ કરીએ? પણ મોટાભાઈની રીત જ....

નંદુ : [મૂંઝવણ ખસેડવા કરતી] કાંઈ નહિ, જે જેનું અંજળપાણી બેટા!
[જયંતી બારણામાં દેખાય છે.]

જયંતી : મુગટભાઈ ચા પીતા નથી, આપણે તો ચાલશે, રહેવા દે બટુ.

નંદુ: કેમ નથી પીતા?

જયંતી : ખાંડ બિલકુલ ખાતા નથી.

નંદુ : બટુ, બધું મેલીને તું તારે ભાણાં તૈયાર કર!

જયંતી : ખાવાનું તૈયાર છે?

નંદુ : સવારનું છે ને! તમે તૈયાર થઈને આવો. [જયંતી અબોટિયાં લઈને જાય છે.]

બટુ : [અબોટિયું પહેરી બારણામાં બેસી થાળીઓ પીરસે છે.] બા! રસ તો પૂરતો છે. કાંઈ ફિકર નથી.

નંદુ : તમે આજકાલનાં છોકરાં પાતરપેટાં બહું તો? આ.... તારા બાપ હોય તો એટલે તો ઈમને રેલોય નો પહોંચે.

બટુ: બા, સૂંઠનો ભૂકો કર્યો છે કે?

નંદુ : જો, અંદર અભરાઈ પર વાડકીમાં! [જયંતી, મુગટ અબોટિયાં પહેરીને આવે છે. સીધા રસોડામાં જાય છે.] એ તો અમારે બટુને ચા વગર ઘડીય નો ચાલે! આ હું જોઉં છું ને કે દસ દસ વરસના છોકરાંને ગળેથી ખોંખારો વખૂટતો નથી, તો એ ખાંડના જ પરતાપથી ભલા! ને ત્રી’બત્રીસ વરસમાં માણસ લાતરીને પૂણી જેવો થઈ જાય છે, એ ય ખાંડની જ બલા ને! ઘયડા કેવા ડાહ્યા હતા કે ગોળનું દડબું મન થાય ત્યારે ઉડાવી જતા!

બટુ : બા, તું પાછી ભાષણ આપવા મંડી પડીશ! [અંદર] અહીં ભાઈ, તમે બેસો! ને મુગટભાઈ આ તરફ!

નંદુ : અરે બટુ! રસમાં આપણે સવારમાં ખાંડ નાખી’તી કે નહિ? [સંકોચાતી, હસતી] આ તારા ‘ભાષણ’ પરથી સાંભરી આવ્યું!

બટુ: [રસોડામાંથી બહાર મોઢું કાઢી] જા, જા!

નંદુ : મામાના સમ ! તેં જ નાખી’તી ને? હવે શું કરશું? હવે આટલો મોળો શાનો રસ?

[અંદરથી જયંતીલાલનો અવાજ આવે છે.]

જયંતી : હવે એટલી ચપટી હશે તો કાંઈ વાંધો નથી! ચાલ બટુ, અપોશણ પીરસી દે એટલે ‘હરહર મહાદેવ’ કરીએ!

બટુ [મોંમા કોળિયો હોય ને બોલે છે.] બા, તારે ખાવાની શી વાર છે?

[અંદરથી સબડકાનો અવાજ સંભળાય છે. નંદુ ગોરાણી આંગણા તરફ જવા કરે છે. બારણે ટકોરા સંભળાય છે. નંદુ ગોરાણીથી ભોંય પર બેસી જવાય છે. ગણગણે છે.]

નંદુ : આ એકના તો રસમાં ખાંડ નાખી! તારામાં શું નાખીશ વળી? બિચારાં છોકરાંને કોઈ સખે ખાવાય દેતું નથી!
[અવાજ આવે છે : ખોલો! ખોલો!!]
ભાઈ, આ નહિ, ચોથે બારણે ધરમશાળા છે. (સ્વગત) અંધારુંય થઈ ગયું છે તો બળ્યું!
[ફરી ટકોરા સંભળાય છે. નંદુ ગોરાણી બારણા પાસે જાય છે.]

મુસાફર : ખોલો ! ખોલો !!

નંદુ : કોણ છે એ સાનસમજ વનાનું? આ દવારો ન્હોય!

મુસાફર : ખોલો! એક આટલી રાત પડી રહેવું છે! [ટકોરા થાય છે.]

નંદુ : ધરમશાળામાં જાઓ ને! પગ ભાંગી ગયા છે? [વધુ ટકોરા સંભળાય છે.] આ ક્યાંથીય ઝોડ વળગ્યું પાછું!

[એકાદ મિનિટ શાંતિ પ્રસરે છે. છૂટકારાનો દમ ખેંચી, નંદુ ગોરાણી ખડકી ઉઘાડે છે. દૂર અંધારામાં કંઈ જોતી હોય એવાં ભવાં પર હથેળી ટેકવી તાકી રહે છે ને એકદમ ચીસ પાડી ઊઠે છે.]  એ આવો! આવો!! પાછા આવો!!! મારા સમ છે તમને!

બટુ : શું છે બા? ગાંડી! [ખાતાં ખાતાં ઊઠીને બટુ દોડતો આવે છે.]

નંદુ : [બહાર તાકતી] પાછા વળો! તમારા પંડનું ઘર છે ને વળી પૂછવા રહ્યા?
[બારણાના બારસાખ પર કપાળ ફૂટે છે.]

બટુ : આ કોના ઉપર આટલો પ્રેમ ઊભરાઈ આવ્યો વળી? કોણ હતું, બા?

નંદુ : [રોતી] હવે કોઈ નહિ આવે આપણે બારણે બેટા! ને આવે તોય મારે ઓછું...?

બટુ : એમાં રુએ છે શા સારુ પણ? કોણ હતું?

નંદુ : [જાણે ભાન વગર] એ જતા રહ્યા છેવટ મારે પાપે!

બટુ : [મૂંઝાઈને] બા!

નંદુ : એ જ પાઘડી, પેલો લીલો ખેસ ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો!

બટુ : કોના હાથમાં? મારા બાપાના...?

[પડદો]

 [પાછળ]     [ટોચ]