[પાછળ]
વીર ભામાશા

લેખકઃ ધીરજલાલ ટોકરશી શાહ

કુદરત પણ કેવી! એક વખતના રાજા અને એક વખતના મહામંત્રીઃ તેમને ન મળે ખાવાનું કે ન મળે કપડાં. રહેવાને ઘર નહિ તે સૂવાને શય્યા નહિ. રાયના રંક બને તે આનું જ નામ! ઘણી વખત તો ખાવા બેસે ને સમાચાર મળેઃ ‘ઓ શત્રુ આવ્યા, ઓ આવ્યા’ અર્ધુ ખાધું ન ખાધુ તે ન્હાસે. વૃદ્ધ ભામાશા દિલાસો આપે કે ‘સૌ સારાં વાનાં થશે.’ જ્યાં જ્યાં પ્રતાપ જાય ત્યાં ભામાશા તો હોય જ. તેમનો નિશ્ચય હતો કે જ્યાં મારો રાજા ત્યાં હું. જેવી, તેની દશા તેવી મારી દશા. કેવી અજબ સ્વામીભક્તિ! ગાઢું જંગલ છે. ત્યાં મોટા ડુંગરા. જાણે વાદળ સાથે વાતો કરે છે. ઊંડી ઊંડી ખાઈઓ જોતાં જ ચક્કર આવે. સિંહ અને વાઘની ગર્જનાઓ સાંભળીને કાળજાં કંપી ઊઠે.

બપોર થયાં છે. સૂરજદેવ તપે છે. પ્રતાપ અને ભામાશા એક ઝાડ નીચે બેઠા છે. ધીમે ધીમે વાતો કરે છે. પ્રતાપ કહે: “ભામાશા, જંગલનું આ કેવું મધુરું જીવન! નહિ ઉપાધિ, નહિ ચિન્તા. શાન્તિ ને સંતોષ. કુદરત સાથે ખેલવું, ડુંગરામાં ફરવું, નદીનાં નિર્મળ જળમાં નહાવું, ફળફૂલ ખાવાં ને પ્રભુનું ભજન કરવું. કેટલું સુંદર! કેવી મઝા! મને તો એમ જ થાય છે કે અહિયા જ રહેવું ને જીવન પૂરું કરવું. રાજ્યની ખટપટો-કપટકળા, યુદ્ધો, આમાંનું અહીં કશું જ નહિ. કેવું રમણીય જીવન!”

ભામાશાએ કહ્યુંઃ “ સાચી વાત છે, રાણાજી! આપ તો સંત જેવા છો એટલે રાજ્યવૈભવની તમને પડી નથી. આપ આવા વિચારો કરી અહિંયા પડી રહો તો બિચારા મેવાડને સ્વતંત્ર કોણ કરશે?” આમ વાતચીત ચાલે છે એટલામાં એક સેવક ખબર લાવ્યો કે શત્રુઓ આવે છે.

પ્રતાપ કહેઃ “ક્યાં શાંતિમાં જીવન ગાળવાની અભિલાષા ને ક્યાં આ દોડધામ! હવે કરવું શું? લશ્કર હોય તો યુદ્ધ કરીએ, પૈસા હોય તો સૈનિકો ઊભા કરીએ. પણ કશું જ ન મળે. ભામાશા, તમે દેશમાં ચાલ્યા જાવ, તમે મારી ખૂબ સેવા કરી છે. હું તમારો આભાર માનું છું. હવે મેવાડ સ્વતંત્ર થઈ શકશે એમ મને આશા નથી. સિંધના રણની પેલે પાર ચાલ્યો જઈશ. માતૃભૂમિ, તને છેલ્લા પ્રણામ. હવે ગુપ્તપણે રહી જીવન પૂરું કરીશ.”

ભામાશાની આંખમાં આંસુ આવ્યાં. તેને મેવાડની આ દશા માટે ખૂબ લાગી આવ્યું. થોડી વારે તે બોલ્યા “મહારાણા, મેવાડ ત્યાગી ન જવાય. દેશને આપણે સ્વતંત્ર કરવો છે. ભીરુ થઈને ભાગી ન જવાય.” પ્રતાપે કહ્યું: “ભામાશા, જીત થવાની નથી. હાથમાં તાકાત નથી. જવું એ જ ઠીક છે.”

“એવું ન બને, મહારાજ,” ભામાશાએ કહેવા માડયું.

“જુઓ, મારા પૂર્વજોએ પુષ્કળ ધન એકઠું કર્યું છે. આપના ચરણમાં તે ધરું છું. પચીસ હજારના સૈન્યને બાર વર્ષ ચાલશે. મારા બધા પૈસા તે આપના જ છે. સૈન્ય ભેગું કરો ને દેશને સ્વતંત્ર કરો.”

પ્રતાપ કહે: “પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તો આપે, લે નહિ.” ભામાશા બોલ્યાઃ “મહારાજ, મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું, તો ધનની શી વિસાત? આવે વખતે કામ ન આવે તો એ ધન શા કામનું? ધન આપને નહિ, પણ મારી પ્રિય જન્મભૂમિને હું આપું છું.”

પ્રતાપસિંહે કહ્યું: “ભામાશા, તમારી ઉદારતા અને સ્વદેશપ્રેમને ધન્ય છે! વૈશ્યોએ કેવો દેશપ્રેમ રાખવો ઘટે તેનો તમે દાખલો બેસાડ્યો છે. મેવાડના ઉદ્ધારનો બધો યશ તમને જ મળશે. આજથી તમે સેનાપતિ. ચાલો લડાઈની તૈયારીઓ કરીએ.”

ધમધોકાર તેયારીઓ થવા માંડી. દેશદેશથી સૈનિકો આવ્યા. વૃદ્ધ આવ્યા ને જુવાનો આવ્યા. કોઈ તલવારમાં પારંગત તો કોઈ કુસ્તીમાં. ઊડતું પક્ષી પાડે એવા તો તીરંદાજો, ઘોડેસ્વાર અને પાયદળનો તો પાર નહિ.

ભામાશાએ કમર કસી, ને કામ કરવા માંડ્યું. જુવાનના કરતાંયે બમણા જોરથી. તેમનો ઉત્સાહ જોઈ બધાને પાણી ચડ્યું. તેમની હાજરી ધાર્યું કામ કરવા લાગી. ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ હાથ કરવા માંડ્યા. પહેલું જીત્યું શેરપુર, ને બીજું લીધું દેલવાડા. દેલવાડામાં તો જબ્બર લડાઈ થઈ. શત્રુ પક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાને હાથોસાથનું યુદ્ધ થયું. ભામાશાએ એક જ ઝટકે તેનો હાથ કાપી નાખ્યો. તલવારના ટુકડા થઈ ગયા. બિચારો જીવ લઈને નાસી ગયો.

ભામાશાએ પછી જેસલમેર જીત્યું ને બાદશાહના સરદારને હરાવ્યો. આમ ઘણા ઘણા કિલ્લાઓ લીધા. ઘણાં ઘણાં ગામ કબજે કર્યાં. બધો મેવાડનો પ્રદેશ જીત્યો. માત્ર ચિત્તોડ, અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાબામાં રહ્યા.

પ્રતાપે ભર્યો મોટો દરબાર. કોઈને જાગીરો આપી તો કોઈને ઈલકાબ આપ્યા. કોઈને પોષાક આપ્યો તો કોઈને પાલખી આપી. બધાનાં યોગ્ય વખાણ કર્યાં. ભામાશાના તો ખૂબ વખાણ કર્યા.

મહારાણાએ કહ્યુંઃ “ભામાશા જેવો કોઈ નથી. શું એમનો ત્યાગ! શી એમની ભક્તિ! મેવાડ તો ભામાશા જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હું એમને ‘ભાગ્ય વિધાયક’ની અને ‘મેવાડના પુનરુદ્ધારક'ની પદવી આપું છું.”

તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દો નીકળ્યા: “ધન્ય ભામાશા !ધન્ય ભામાશા! ધન્ય તમારી દેશભક્તિને!”

પછી ભામાશાએ ઊભા થઈને કહ્યું: “મે તો કશું જ કર્યું નથી. કોઈ ફરજ બજાવે તેમાં તે વખાણ હોય? દેશને ખાતર તો જેટલું કરીએ તેટલું ઓછું. બોલોઃ “માતૃભૂમિની જય!” બધા બોલી ઉઠ્યા: “માતૃભૂમિની જય! મહારાણાની જય! મેવાડના પુનરુદ્ધારક વીર ભામાશાની જય!”

સહુ ભામાશા જેવા સ્વદેશભકત બનો. ભામાશા જેવો ત્યાગ શીખો.
[પાછળ]     [ટોચ]