[પાછળ] 
ભોમિયાને દીધેલી ભૂલથાપ
લેખકઃ રમણભાઈ નીલકંઠ
                          
           પાત્રોઃ - કરમચંદ, વખતચંદ, હકમચંદ, ગંગાપ્રસાદ

પ્રવેશ પહેલો
સ્થળઃ- દીલ્લીમાંની એક સરાઈ

કરમચંદ - ભોમિયાઓ જે દુઃખ દે છે તે તો જેને તેમની સાથે પ્રસંગ પડ્યો હોય તે જ જાણે. મુસાફરીમાં સહેલ કરવા સારું આપણે ઉત્તર હિન્દુસ્તાનમાં ફરવા નીકળ્યા, પણ ગામે ગામ જોવા લાયક ઠેકાણાં બતાવવા આવનાર ભોમિયાઓ તરફથી જે પીડા ખમવી પડી તેથી આપણી તો ખાતરી થઈ કે દુનિયામાં ભોમિયા છે ત્યાં સુધી મુસાફરીમાં સુખ હોઈ શકે જ નહીં.

વખતચંદ - કરમચંદ, ખરૂં કહો છો. અજમેર, જયપુર, ભરતપુર, આગ્રા, અલીગઢ એ શહેરોમાં જોયું તો ઘણું, પણ ભોમિયાઓએ મહેનત માટે, ઇનામ માટે, બક્ષિસ માટે, તથા દસ્તુરીને બહાને, દલાલીને બહાને, ભાડાને બહાને, કકડે કકડે જે પૈસા કહડાવ્યા તે આપતાં જીવ એટલો દુઃખી થયો કે એટલા પૈસા સામટાં ડાંગો મારી લુંટી લીધા હોત તો વધારે સારૂં થાત એમ લાગે છે.

કરમચંદ - આ દીલ્લી તો ઠગની નગરી છે, માટે, દીલ્લી જોયા વિના જ ચાલ્યા જવું કે બીજા શહેરના ભોમિયાઓનું વેર દીલ્લીના ભોમિયા ઉપર વળાય. આપણે તો બધો ઉત્સાહ ભાંગી ગયો છે. કેમ હકમચંદ શું કરવું?

હકમચંદ - ટમે ટો બઢા બાયલા છો. ડીલ્લીના ઠગઠી પણ આ બંડો ગાંજ્યો જાય એમ નઠી. માડે ટમને ડીલ્લી બટલાવવું, અને ભોમિયાને એક પાઈ પણ વઢારે લેવા ડેવી નહીં.

વખતચંદ - આ બોબડું ક્યાંથી બોલવા માંડ્યું?

હુકમચંદ - એ ટો બાજી શડુ ઠઈ.

પ્રવેશ બીજો
સ્થળઃ- કુતુબમિનાર

ગંગાપ્રસાદ - હઝુર, દેખો યહ કુતુબમિનાર હયે. કુતુબુદ્દીનશાહ બાદશાહને બનવાયા. ઐસા મિનારા સારી જહાં મેં નહીં હયે. યે ઈસકી સામને હયે તો ભીમસેન કી ગદા હયે. તમામ લોહે કી. જિતની ઉપર હયે ઇતની જમીન કી અંદર હયે. ભીમસેનને સબ કુ મારે બાદ કોઈ ના રહા તો ગદા યહાં આકે જમીન મેં ગાડ દી.

(સર્વ મિનારા ઉપર જઈ પાછા આવે છે)

વખતચંદ - મિનારા ઉપરથી ભવ્ય અને મનોહર દેખાવ દેખાયો. પણ આ ભોમિયો એટલું બોલ બોલ કરે છે કે ચિત્તમાં અંદર મનન કરવાનો કે અદ્ભુતતાથી આનન્દ પામવાનો અવકાશ જ મળતો નથી.

કરમચંદ - આ સળંગ લોઢાનો થાંભલો કેવો વિચિત્ર છે? અમર થવાની નિષ્ફળ આશાએ લોકોએ એના પર કેવા નામ કોતર્યાં છે?

ગંગાપ્રસાદ - એ પત્થર કી કમાન હયે. ઈસકી દુસરી બાજુ દુસરા મિનારા હોને વાલા થા. એ સામને મકાન હયે વો પ્રિથિરાજ રાજાને બનવાયા. (મિનારાનો નોકર આવીને સલામ કરે છે.) યે યહાં મિનારે કી ચોકી કે લિયે નોકર રહતા હયે. આપ જૈસે બડે આદમી આવે –

હકમચંદ - પણ હજી બઢું જોવા ટો ડે. ગંગાપડશાહ, એ ટો ખડું. પણ આ બેમાંઠી મિનાડો કયો અને ગડા કઈ ટે ટો કહે.

ગંગાપ્રસાદ (ચમકીને) - મહારાજ, યે મિનારા હયે. ઓર યે લોહે કી ગદા હયે.

હકમચંદ - હં! ટાડે એમાં શું મોટું જોવાનું? આપડે ટો જાણ્યું કે ઉંચી છે ટે ગડા હશે. મિનાડા તો બઢે ઉંચા હોય. બીજું કાંઈ જોવાનું છે કે?

ગંગાપ્રસાદ - દુસરા તો હજુર કુછ નહીં હયે. યે દેખને કુ સબ લોગ આતેં હયે.

હકમચંદ - ભોમિયો પસંડ કડવામાં આપડી બઢે ભૂલ જ ઠાય છે.

કરમચંદ (વખતચંદને) - મિનારાના રખેવાળને બક્ષિસ આપવાની વાત ભોમિયે ફરી સંભારી જ નહીં હો!

પ્રવેશ ત્રીજો
સ્થળઃ- રસ્તો (ગાડીમાં)

ગંગાપ્રસાદ (કોચ બૉક્સ ઉપરથી વાંકો અળીને આઘેથી મસીદ બતાવીને) - યે કાલા મસજીદ દેખને જૈસા હયે.

વખતચંદ - સાધારણ મસીદ સિવાય બીજું તો કાંઈ જણાતું નથી.

હકમચંદ - એમાં કાંઈ સાડું સાડું જોવાનું છે કે?

ગંગાપ્રસાદ - દેખને કા તો ઐસા કુછ હયે નહીં. લેકીન બહુત પુરાના મસજીદ હયે.

હકમચંડ - ટાડે તો ભાઈ ચલાવ અગાડી. અહીંઠી જ જોવાય છે ટે બસ છે.

પ્રવેશ ચોથો
સ્થળઃ- હુમાયુની કબરનો રોજો

કરમચંદ (વખતચંદને) - કાળી મસીદ આગળ ભોમિયાની હાર થઈ તેથી આ મસીદમાં આપણને પૂછ્યા વિના જ લાવ્યો.

ગંગાપ્રસાદ - હઝુર, યે હુમાયુ કી કબર હયે.

વખતચંદ - મકાન ભવ્ય અને જોવા લાયક છે. મસીદ રાતા પત્થરથી બાંધી છે, અને પત્થરમાં વચ્ચે વચ્ચે આરસપહાણના પત્થર ગોઠવ્યા છે.

કરમચંદ - ઉપર આરસપહાણનો સુંદર ઘુમ્મટ છે તે જોયો?

મુઝાવર (સલામ કરીને) - હુઝુર મેં મુઝાવર હું.

હકમચંદ - ઘુમ્મટ કેવો શડશ છે? શું કહ્યું ગંગાપડશાદ! આ કબડની હુમાયુ છે?

ગંગાપ્રસાદ - નહીં, મહારાજ, હુમાયુ કી કબર.

હકમચંદ - આપડી બલા જાણે કે હુમાયુ એટલે શું ને કબડ એટલે શું. વાડુ, સમજાવ ટો ખડો, હુમાયુનો માયનો શો?

ગંગાપ્રસાદ - હઝુર, માયના તો ખબર નહીં હયે. લેકીન હુમાયુ બાદશાહ થા.

હકમચંદ - ટે ગમે ટે હશે. પણ તને માયાનો ખબડ નહીં?

ગંગાપ્રસાદ - નહીં હઝુર.

હકમચંદ (પોતાના સાથીઓ તરફ જોઈને) - જોયું કેની? આ ભોમિયા લોક ટો કંઈ જ જાણટા નઠી. કોણ જાણે કોણ એવા શોઢી આપે છે! (ભોમિયા તરફ જોઈને) વાડુ, ટે બાડશાહ કાં છે? ડેખાડ તો ખડો, જોઈએ ટો ખડા કે બાડશાહ કેવો હોય?

ગંગાપ્રસાદ - મહારાજ, હુમાયુ બાદશાહ તો ગુઝર ગયા. યહાં તો ઈસ્કી કબર હયે. લાસ દાટી હુઈ હયે.

હકમચંદ - અડડડ, મડડુ ડાટેલું છે? ટાડું નખોડ જાય, અગાઉ ઠી કેમ ના બોલ્યો? મુશલમાનના મડડામાં ટે શું જોવાનું હટું? અને ટેના પર ઠઈને ટે જવાય? ચાલો ભાઈ, અહીંઠી જલડી ચાલો. આ ડીલ્લીના લોક ટો અડઢા મુશલમાન જેવા. ટે આભડછેટ સમજટા જ નઠી.

કરમચંદ - (વખતચંદને) - ભોમિયો તો બિચારો ગભરાઈ ગયો છે, ગુંચવાઈ ગયો છે, આભો બની ગયો છે, નિરાશ થઈ ગયો છે.

પ્રવેશ પાંચમો
સ્થળઃ- માર્ગ (ગાડીમાં)

કરમચંદ - પેલાં આઘે ખંડેર શેનાં દેખાતાં હશે?

ગંગાપ્રસાદ - દૂર દિખતા હયે વો પુરાના દીલ્લી હયે.

હકમચંદ - ટાં અશલ કેટલાં ઘડ હશે?

ગંગાપ્રસાદ - હઝુર, ઘર કિતને વો તો માલૂમ નહીં, લેકીન -

હકમચંદ - ટાડે ટો ભાઈ, મુંગો મુંગો અગાડી ચલાવ. ટૂં શું ડેખાડવાનો હટો? અમાડી આંખો ફૂટી ગઈ છે?

પ્રવેશ છઠ્ઠો
સ્થળઃ- કિલ્લો

વખતચંદ - અહો! આપણે મુગલ બાદશાહોના મહેલમાં આવી પહોંચ્યા. હિન્દુસ્થાનના શહેનશાહોના મહેલનો આ કિલ્લો બનાવ્યો છે અને જનાનખાનાને ઠેકાણે સોલ્જરોના બેરેક્સ કર્યા છે. આંખ કરતાં મનને આ દર્શન વધારે કુતૂહલ કરાવે છે.

કરમચંદ - પણ, આ ભોમિયો વાચાળતા બંધ કરે ત્યારે કેની? બતાવવા લાયક સુન્દર જગ્યાઓ જોઈ પાછો તે ઉલ્લાસમાં આવ્યો છે, અને આશાવાન્‌ થયેલો જણાય છે.

વખતચંદ - આ રમણીય અને વિશાળ મકાન તમામ સફેદ આરસપહાણથી બાંધેલું છે.

કરમચંદ - સોનેરી અને બીજા કીમતી પત્થરોની ગોઠવણીથી મકાન કેવું દીપી ઉઠે છે? એની ભીંતો જુઓ, છત જુઓ.

ગંગાપ્રસાદ - હઝુર, યે દીવાન-એ-ખાસ હયે. ઉંચા જૈસા પત્થર હયે ઉસ્કે ઉપર મોરતખ્ત થા.

હકમચંદ - એ ડીવાનેખસ અને મોડટખસ હિન્ડુ છે કે મશલમાન અને જીવતા છે કે ડાટેલા ટે પહેલું કહેજે.

કરમચંદ - (વખતચંદને) - ભોમિયાના પેટમાં પાછું તેલ રેડાયું. પણ હજી તે ઉલટમંદ જણાય છે.

ગંગાપ્રસાદ (ખુશ ચહેરો રાખીને ) - નહીં હઝુર, હિન્દુ મુસલમાન ઐસા નહી ઓ તો -

હકમચંદ - ટાડે પાડશી કે ફિડંગી હશે.

ગંગાપ્રસાદ - નહીં, નહીં, ઓ તો ઉમરાવોં કા દરબાર ભરને કી જગા થી, ઉસ્કુ દીવાન-એ-ખાસ કહતે થે. ઓર મોરતખ્ત બાદશાહ કો બેઠને કે લિયે મોર પંખી માફક તખ્ત થા.

હકમચંદ - ટાડે લાંબાં લાંબાં નામ ન કહેટાં પહેલેથી એમ જ કહેવું ટું ને. વાડુ, એ મોડ ટો જીવટો હશે?

ગંગાપ્રસાદ - મોર સચ્ચા નહીં.

હકમચંદ - મોડ પણ સાચો નહીં! જવા ડે, જવા ડે ભાઈ, ટું ટો ડીલ્લીમાં શું બટાવવા જેવું છે ટે જાણટો જ નથી.

કરમચંદ (વખતચંદને) - ભોમિયાનો દયામણો ચહેરો જોયો?

ગંગાપ્રાસાદ (બધાને બીજી બાજુએ લઈ જઈ એક દિશા તરફ આંગળી કરી) - દે...ખીએ હઝુર, યે મોતી મસ્જીદ.

હકમચંદ (કરમચંદને) આ નાની પણ મનોહર મસીદને મોતીની ઉપમા ખરેખર યોગ્ય જ છે. (ગંગાપ્રસાદને) ગંગાપડશાદ, મેં સાંભડ્યું નહીં. આ કોનું ઘડ છે?

ગંગાપ્રસાદ - ઘર નહીં હયે.

હકમચંદ (પાછા હઠીને) - ટાડે ઘડ ટો નથી?

ગંગાપ્રસાદ - નહીં. ઓ તો ફકત મસજીદ હયે. ઈસકા નામ મોતી મસજીદ.

હકમચંદ - પણ એ મકાન બાંઢ્યું શા માટે?

ગંગાપ્રસાદ - હઝુર, ઓ તો બાંધને વાલા જાને.

હકમચંદ - ટે જા, ટેને પૂછી આવ. જીવે છે કેની?

ગંગાપ્રસાદ - તોબાહ, તોબાહ. મર ગયે ઢાઈસો બર્ષ હુવે.

હકમચંદ - શા આજાડઠી મડી ગયો?

ગંગાપ્રસાદ - ઓ તો માલૂમ નહીં હયે. નહીં કહ સકતા હું.

હકમચંદ - શીટલા નીકળ્યા હશે?

ગંગાપ્રસાદ - ભગવાન જાને. ક્યા બિમારી સે મર ગયા ઓ નહીં જાનતા હું.

હકમચંદ - કે પછી મુઝાડો ના ઠયો હોય?

ગંગાપ્રસાદ - હઝુર મેં કસમ ખાકે કહતા હું કે મેરેકુ ખબર નહીં હયે. મર ગયા તો કુછ તો ઉસકુ હુવા હોયગા હી.

કરમચંદ (વખતચંદને) - ગંગાપ્રસાદ, બાપડામાં હવે તેજી જ રહી નથી. બીજાઓને બક્ષિસ અપાવવાનું તો ભુલી ગયો છે અને પોતાને માટે માગવાનું એને સાંભરતું હોય એમ લાગતું નથી.

ગંગાપ્રસાદ - હઝુર, મેરેકુ રજા હયે?

હકમચંદ - લ્યો આ ટમાડી મહેનટનું.

(ગંગાપ્રસાદ લઈને સલામ કરીને જાય છે.)

હકમચંદ - આઠ આના લઈને ગયો. નહીં તો આ ચાર રૂપિયાથી ઓછું લે એવો નહોતો.

કરમચંદ - પહેલાં કેવો નમી નમીને સલામ કરતો હતો! અને જતી વખત તો પોલી જ સલામ કરી.

* * * * *

(‘હાસ્યમંદિર’ આવૃત્તિ પહેલી,૧૯૧૫. જોડણી તે સમયની યથાવત્ રખાઈ છે. આ એકાંકીની મૂળવાર્તા ‘જ્ઞાનસુધા’ સામાયિકના ઓગસ્ટ ૧૮૯૬ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી.)

 [પાછળ]     [ટોચ]