[પાછળ] |
સ્ટેડિયમમાં ફૈબા
લેખકઃ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ ‘મસ્તફકીર’ ‘મોટા’ જડાવ ફૈબા બોલ્યાં. ‘આ બધા તાળીઓ વગાડે છે તો હવે ભવાયાનો વેશ ક્યારે આવશે?’ ‘ફૈબા, આ તો રમનારા બહાર પડ્યા તેની તાળીઓ પડી છે.’ હકીકત એમ હતી કે દેશમાંથી તાજા જ આવેલા સાઠ વર્ષના મારા ફૈબાને બ્રેબોર્ન સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા લઈ ગયો હતો. હિંદુ જીમખાનાના સ્ટોલની બે ટિકિટો મેં એક મારા માટે અને એક ફૈબા માટે ખરીદી હતી. ![]() * * જે ડોશીએ ગામડામાં ભવાયા કે રામલીલા કે સ્ત્રીઓના ગરબા અને પુરુષોના દાંડિયારાસ સિવાય બીજું કંઈ પણ જોયું ન હોય તેના પર મુંબઈની મેચ જોવાથી કેવા પ્રત્યાઘાતો થાય છે એ જોવા મારી ટીખળી વૃત્તિ ઉશ્કેરાવાથી હું ફૈબાને મેચમાં ઘસડી લાવ્યો હતો. મેચ શું? ક્રિકેટ શું? એની કશી ગતાગમ ફૈબાને નહોતી. એટલે જ મેચની રમત જોઈ, એ અવારનવાર નુકતેચીની કર્યા કરતાં તેથી એ જીમખાનાના સ્ટોલમાં ઘણા લોકોને બહુ જ મજા પડતી અને ફૈબા આવ્યા ત્યારથી અમારા વિભાગમાં હાસ્યનું આછું વાતાવરણ જામી ગયું હતું. * * ફૈબાએ ભવાઈ ક્યારે આવશે એ ટીકા કર્યા પછી બીજું કંઈક બોલવા જતાં હતાં એ પહેલાં જ મેં કહ્યું કે ‘ફૈબા, તમારાં ચશ્માં હું લાવ્યો છું.’ ‘ચશ્માને શું કરવા છે? મને નરી આંખે રૂડું દેખાય છે; એ ચશ્મા તો ભાગવત વાંચવાના છે.’ ફૈબાનો જવાબ સાંભળીને હું જરા ભોઠો તો પડી ગયો. પણ પછી મને યાદ આવ્યું કે ઘરમાં ચશ્માના ડાબલા આંખે ચડાવી ફૈબા ફરતાં હતા તે તો માત્ર ભાગવત અને ગીતા વાંચવા માટે અથવા મારી સ્ત્રી રસીલાને ચોખા વીણી આપવા માટે એમના એ ચશ્માં ખોળતા હતાં. બીજી વાત મને યાદ આવતાં મેં હોંશથી કહ્યું કે ‘જડાવ ફૈબા, હું તમારી તપકીરની દાબડી પણ લાવ્યો છું.’ ‘કેવો ડાહ્યો દિકરો!’ જડાવ ફૈબા બોલ્યા અને મેં આપેલી દાબડી તરત ઉઘાડી તેમાંથી તપકીરની મોટી ચપટી નસકોરામાં ભરાવી. આખું મેદાન સાંભળે તેમ ફૈબાએ બે-ત્રણ મોટી છીંકો ખાધી, અને આખા વિભાગમાં તપકીર વેરી દીધી અને ફૈબાની સાથે બીજી વ્યક્તિઓ પણ છીંકાછીક કરવા લાગી. રમનારાઓ તરફ જોઈ ફૈબા બોલ્યાં ‘મોટા, પેલા બે જણા હડિયાપટ્ટી શું કર્યા કરે છે?’ ‘ફૈબા એ તો રન લે છે.’ ‘તે સીધા ઊભા રહીને રમતા હોય તો શું ખોટું!’ ‘ફૈબા પેલો જે દડો આવે છે એને પેલા લાકડાના ધોકા વતી ફટકો મારી એ દોડે છે અને બીજાઓ દડા પકડવા દોડાદોડી કરે છે.’ ‘એ લાકડાના પાટીયાનું નામ શું? તારો બાબો સવારે જ રમતો હતો અને તેનો દડો તો સફેદ હતો.’ ‘ફૈબા એને બેટ કહે છે. એ બેટથી દડાને મારવામાં આવે અને અહીંયા જે રમવામાં આવે તે દડો તો ચામડાનો હોય અને બાબાને વાગે નહિ તેથી તેને મેં રબ્બરનો દડો અપાવ્યો છે.’ એટલામાં તો એક રમનારાએ ઓવર બાઉંડરી મારતાં મેદાનમાં મેદાનમાં તાળીઓનો જબરો ખળભળાટ થયો એટલે ફૈબા જરા ચિડાઈને બોલ્યાં કે ‘એટલું બધું તે શું થયું? ઓલા લાંબા રમનારે એવો તે ક્યો જંગ ખેલ્યો કે બધાં આટલા ખુશ થઈ ગયા?’ ‘ફૈબા એણે ઓવર બાઉંડરી મારી.’ ‘મોટા, 'ઓવર બાઉંડરી' એટલે શું?’ ‘જુઓને ફૈબા, પેલો બેટ વતી દડાને ફટકાવે અને દડો મેદાનની કોરની પેલી બાજુ પહોંચી જાય, જુઓને પેલા વાવટા ખોડ્યા છે ત્યાં એ ‘બાઉંડરી’ કહેવાય અને લુગડાંના પડદાઓ ઉભા કર્યા છે તેની ઉપર થઈને દડો ઉડે તેને ‘ઓવર બાઉંડરી’ કહેવાય.’ બાઉંડરી અને ઓવર બાઉંડરીની વ્યાખ્યા ફૈબા સમજ્યા હશે કે કેમ એ વિષે તો હું વિમાસણમાં પડી ગયો હતો પણ ફૈબા માથું હલાવ્યાં કરતાં હતાં અને થોડા વખતે આંખો મીચી બોલ્યા કે, ‘લાકડાના ધોકાથી મારે તેમાં શું? દડાને આઘો ઠેલે તેમાં શું? લાવ મને એક પાણકો લાવી આપ તો હું અહીં બેઠી બેઠી ઘા કરું તો એ પેલા પડદાની ઉપર થઈને જાય.’ ફૈબાના છેલ્લા શબ્દોથી મને ખાતરી થઈ કે ફૈબા બાઉંડરી અને ઓવર બાઉંડરી વચ્ચેનો તફાવત બરાબર સમજ્યા હતા. થોડીવાર રમનારાઓ તરફ જોઈ રહી ફૈબાએ પાછી ટકોર કરી કે ‘પેલો દડો ફેંકનારો સીધો ઊભો ઊભો દડો નાખે તો ન ચાલે? મારો રોયો નખરા કેટલા કરે છે? ટપ્પી જમીન ઉપર નાખી દે છે, પાછે પગે વીસ કદમ જાય છે અને પછી ઠેકડો મારી દોડતો આવે છે અને પછી હાથ આખો ફેરવી દડો ફેંકે છે તેના કરતા તે સીધો ઊભો ઊભો ફેંકતો હોય તો શું થાય?’ ‘ફૈબા દડાને જોર અને વેગ આપવા માટે આ બધું કરવું પડે. આ દડો તો બહુ કળાથી નાખવો પડે.’ ‘પેલી ત્રણ લાકડીઓ શું કરવા ખોડી છે?’ ફૈબાએ વિકેટો તરફ જોઈ પૂછ્યું. ‘ફૈબા એનું નામ વિકેટ કહેવાય અને દડો નાખનારો એકાદી લાકડીને દડાથી ઊડાડી નાખે તો તેની આગળ ઊભો રહી રમનારો હાર્યો કહેવાય.’ ‘તે સોગઠાબાજીની માફક દડાવાળો એ ત્રણ દાંડીઓ પાસે દોડી જઈ પોતાના હાથથી વીખી નાખે તો શું વાંધો?’ ‘ફૈબા આ રમતમાં એમ ન ચાલે. - આવતો દડો નાખવો જોઈએ અને પેલા લાકડાના ધોકાવાળાને ફટકો મારવાની તક આપવી જોઈએ અને બધું નિયમ અને ધારાધોરણ પ્રમાણે થાય." "બળ્યા તારા ધારાધોરણ. મને તો આ બધું છોકરાની રમત જેવું લાગે છે. તું કરીકેટ કરીકેટ કહેતો હતો અને બહુ વખાણ કરતો હતો પણ અહીં તો બધી હડિયાપટ્ટી - રોકટોક અને તોબડા ફોડવાની જ વાત છે. કંઈ ગરબા બરબા હોય તો ઠીક. આ કરતાં તો હું દેવદર્શને ગઈ હોત તો સારું હતું!’ ફૈબાની વાત સાંભળી અમારા વિભાગમાં વારંવાર હાસ્યના મોજાં ઉભરાતાં હતાં. ફૈબાની નજર અમારા વિભાગમાં પેલી લાઈન ઉપર ઊભેલી બોબ્ડ હેરવાળી એક યુવતી પર પડી અને તેની તરફ થોડો વખત ટીકી રહી ફૈબા આખો વિભાગ સાંભળે તેવી રીતે બોલ્યા કે ‘મોટા, પેલો છોકરો બૈરીનો વેશ પહેરી કેમ આવ્યો હશે?’ ફૈબાનો આ ધડાકો સાંભળીને હું ચમકી તો ગયો અને એમને ઠંડા પાડવા મેં ધીમેથી કહ્યું કે ‘જડાવ ફઈ, એ છોકરો નથી, બાયડી છે.’ ‘ઈ નવરીએ ચોટલો શું કામ કપાવી નાખ્યો છે?’ આ શબ્દો પેલી બોબ્ડ હેરવાળીના કાને પડ્યા તેથી તે ચિડાઈ પોતાની જગ્યા આગળ ઊભી થઈ ગઈ, ફૈબા તરફ તિરસ્કારથી જોયું. અને પણ એમનો જુનવાણી દેખાવ જોઈ એ ફેશનેબલ બાઈનો ગુસ્સો જરા ઓગળી ગયો અને તે મારા તરફ જોઈને બોલી કે ‘મિસ્ટર, આ માજીને અહીં શા માટે ઉપાડી લાવ્યા? મંદિરમાં મૂકી આવવાં હતાં ને કે ત્યાં બેઠાં બેઠાં માળા ફેરવત. આવાં ઘરડાં-ગમાર આવી જગ્યાએ ન શોભે.’ આ મેણું સાંભળીને જડાવ ફઈનો જુસ્સો ઉકળી આવ્યો. ગામડામાં જીવન ગાળ્યું હોવાથી એ રાતીરાયણ જેવાં હતાં. એ તો ઊભા થઈ ઘાંટા પાડી બોલવા મંડ્યા કે ‘વાલા મુઈની, ન ભાઈની, ગમાર તારી મા અને તારો બાપ - છતે ધણીએ ચોટલા કપાવે છે. અને વળી ડાહી થાય છે? એક તો માઈકાંગલી છે - મારા હાથની એક પડશે તો વાંકી થઈ જશે.’ આ વખતે વિભાગના બીજા સજ્જનોએ ઉભા થઈ ફૈબાને ઠંડા પાડ્યા. રમતમાં રસ ન પડવાથી ફૈબાએ બીજા એક બે પ્રશ્નો કર્યા. એ બોલ્યા કે ‘મોટા, આપણે સ્ટેશન આગળથી આવતા હતા ત્યારે પેલા ઊંચા થાંભલા ઉપર પેલા કોક પારસીને શું કરવા ઊભો રાખ્યો હતો?’ ‘ફૈબા, એ તો દિનશા વાચ્છાનું પુતળું હતું.’ ‘પણ કોઈ અડે નહીં એમ ઊંચે કેમ રાખ્યો હતો. અને તે કાળો કાળો કેમ હતો?’ ‘ફૈબા, એ તો કાંસાનું પુતળું હતું એટલે કાળું જ હોય!’ ‘મોટા, મેદાનની કોર પર એક આંખે ચશ્માવાળો અક્કડ થઈને ખુરશી ઉપર કોણ બેઠો હતો?’ ‘ફૈબા, એ તો અગાઉનાં અંગ્રેજ-પ્રધાન મિ. મોંટેગ્યુ હતા.’ ‘તારા ફુવા જુવાનીમાં મારી જોડે અકડાતા ત્યારે ઢોલિયાની કોર પર આવી જ અક્કડ થઈને કમ્મરે કોણી ટેકવી બેસતા.’ ‘મારા ફુવા હિંદી પ્રધાનથી ક્યાં ઊતરે તેવા છે?’ આ સાંભળી વિભાગમાં ફરી હસાહસ થઈ રહી પણ ફૈબા કંઈ સમજ્યા નહીં. હજી ફૈબાનો વધુ વાર્તાલાપ આગળ ચાલત પણ ત્યાં એક રમનારાએ બોલને એવો તો ફટકો લગાવ્યો કે તે બોલ સીધો અમારા વિભાગમાં ફૈબા તરફ આવ્યો. ફૈબાએ ઉભા થઈ પોતાના રાઠોડી હાથોએ બોલને ઝીલી લઈ પેલી બોબ્ડ હેરવાળીના બરડા ઉપર જોશથી ફેંક્યો અને કહ્યું કે ‘લે, નવરી, લેતી જા.’ પેલી પોતાની છત્રી લઈને ફૈબા તરફ ધસી આવી. પણ ફૈબા મુઠ્ઠી વાળીને સામનો કરવા તૈયાર જ ઉભાં હતા. આખરે હું અને બીજા બે-ત્રણ જણાઓ ફૈબાને સમજાવીને સ્ટેડિયમની બહાર લઈ ગયા અને બાવડીવાળાનું મીઠું જળ પાઈ ટેક્સીમાં બેસાડી સીધો ઘેર લઈ આવ્યો અને સોગન લીધા કે જુનવાણી માજીઓને કોઈ પણ ક્રિકેટ મેચ બતાવવી નહિ. (‘મસ્તફકીરની મહેફિલ’ સને ૧૯૫૧) |
[પાછળ] [ટોચ] |