[પાછળ]
ઘેર બેઠે ગંગા

લેખકઃ ચુનીલાલ મડિયા

હા! હા! હા! હા!.... હા! હા! હા! હા! વર્ગમાં હસાહસ થઈ પડી.

માસ્તરે દરબારને પૂછ્યું : ‘દરબાર! પૃથ્વીનો આકાર કેવો છે?’ અને દરબારે તેમની પોતીકી બોલીમાં જવાબ આપ્યો : ‘સકરડા જેવો!’

કેટલાક ટીખળીઓએ તો ‘સકરડું’, ‘સકરડું’ કહીને દરબારની મશ્કરી કરવાની મજા પણ માણી લીધી. દરબાર પોતાને ભોગે બીજાઓને હસાવે એવા પરમાર્થી હતા.

પરમ દિવસે માસ્તરે ભૂગોળ શીખવવી શરૂ કરી ત્યારે પૃથ્વી કઈ જાતનું પ્રાણી હશે, એ જ દરબારને સમજાતું નહોતું. પછી માસ્તરે લાડવાનો ને દડાનો દાખલો આપીને અને પાટિયા પર ગોળ ચક્કર દોરીને સમજાવ્યું કે પૃથ્વી ગોળ છે, ત્યારે મહા મુશ્કેલીએ દરબારના મગજમાં એટલું જ પ્રવેશી શકેલું કે, ‘પ્રથમી ગોળ સકરડા ઝેવી સે!’

‘દરબાર, પાટિયા ઉપર ચકરડું તો મેં સમજાવવા માટે દોર્યુ હતું. ખરી રીતે તો પૃથ્વી લાડવા જેવી છે. હવે વિદ્યાધિકારી સાહેબ પૂછે ત્યારે જોજો વળી આવું બોલી બેસતા!’ માસ્તરે તેમની ઉપર અહોનિશ ઝઝૂમતો વિદ્યાધિકારી સાહેબનો ભય યાદ કર્યો. અને પછી તેમણે ભૂગોળ સમજાવવાની શરૂ કરી; પણ આજ વર્ગમાં કોઈ બરોબર ધ્યાન આપતું જણાયું નહિ. બહાર રસ્તા પર ઝડપી અવરજવર ચાલી રહી હતી અને આખો વર્ગ એ દોડધામ જોવામાં રોકાયો હતો. માસ્તર હજી કોઈને કાંઈ પૂછેકારવે તે પહેલાં તો વર્ગમાં મહાભારાડી છોકરો નવલો શ્વાસભેર દોડતો આવી બોલ્યો :

‘સા’બ, સા’બ! ગંગાજી નીકળ્યાં છે !’

‘હેં...એં...એં...! ક્યાં? ક્યાં?’ માસ્તરના હાથમાંથી ભૂગોળ પટ કરતીકને નીચે પડી ગઈ. ‘ધોરીવાવમાં, જીવા પટેલને ખેતરે. હું તો નહાઈને આવ્યો. મુખ્યાજી કહે : તારા માસ્તરને ઝટ લઈ આવ્ય.’

મથુરાદાસજી માસ્તર એટલે હાડેહાડ વૈષ્ણવ. ગામડાની એ નિશાળમાં ચાર કલાક ભણાવવાનું કામ તો તે એક પ્રવૃત્તિ ખાતર કરતા એટલું જ; બાકી તો શ્રી મહાપ્રભુજીના એ પરમભક્ત. સવારમાં મંગળાના દર્શનથી માંડીને તે સાંજે શયન સુધી ઠાકોર-સેવામાં જ રચ્યાપચ્યા રહેતા. છેલ્લાં વીસ વરસથી તેમણે મરજાદ લઈને ઘરમાં ઠાકોરજી પધરાવેલા, ત્યારથી દર વર્ષે ગંગાજીના પવિત્રોદકની ખાસ લોટીઓ મંગાવતા અને સવારમાં તુલસીપત્ર સાથે તેનું પાન કર્યા વગર બીજું કાંઈ મોંમાં ન મૂકતા. તેમના જેવા સ્નાનપ્રિયને ઘેર બેઠે ગંગાજી મળે એથી બીજું કયું પરમ ભાગ્ય હોઈ શકે?

‘નવલા! જા, મેંદીની વાડ્યમાંથી એક સારી જેવી સોટી કાપી આવ્ય; અને જો કોઈ ઊં કે ચૂં કરે, એને કાનબૂટ પકડાવજે.’ નવલાને વર્ગનો ‘ચાર્જ’ સોંપી માસ્તર હાંફળાફાંફળા પગમાં ઉપાન પણ પહેર્યા વગર જીવા પટેલના ખેતર તરફ ધસ્યે જતાં ટોળામાં ભળ્યા.

ધોરીવાવ ગામથી ચારેક ખેતરવા હશે. આખોયે ગાડામાર્ગ અત્યારે ગંગામૈયાના યાત્રાળુઓથી ઉભરાતો હતો. સ્ત્રી અને બાળકો, જુવાન અને વૃદ્ધ – સહુ ધોરી વાવમાં પ્રગટ થયેલાં ગંગાજીમાં સ્નાન કરી પાવન થવા જઈ રહ્યાં હતાં. એંશી એંશી વરસના ઘરડાંઓ, જેઓ આમ તો ઘરની બહાર પગ ન મૂકતાં, એ પણ ગાડામાં બેસીને ચાલી નીકળ્યાં હતાં. નહાઈ નહાઈને જેઓ પાછાં વળતાં હતાં, તેમને જનારાં સૌ પૂછી શકાય તેટલું પૂછતાં હતાં : ‘એ, હવે કેટલું આઘું રહ્યું?’ ‘પાણી સાવ ધોળું છે, અલ્યા?’ ‘એઈ, દીવો થાય છે કે નહિ?’ તો વળી કોઈ અધીરું પૂછતું : ‘અરે વહ્યાં તો નથી ગ્યાં ને?’

માસ્તર જીવા પટેલના ખેતરે પહોંચ્યા, ત્યારે ખેતરમાં યાત્રાળુઓનું કીડિયારું ઉભરાતું હતું. ધોરીવાવ અને જીવા પટેલનું ખેતર અત્યારે યાત્રાનાં ધામ જેવાં થઈ પડ્યાં હતાં. ખેતરને શેઢેથી માંડીને તે છેક વાવના પગથાર સુધી પાઈ-પૈસો અને ચપટી ચોખા માગનારાંઓએ પાથરણા પાથરીને નહાવા આવનારાંઓનું સ્વાગત કરતાં હોય તેમ બંને બાજુ કતારો બનાવી દીધી હતી. તે ઉપરાંત, જીવા પટેલે પોતાના ખેતરમાં ગંગાજી નીકળ્યાં તે માટે લાગા તરીકે સવા પાંચ આના લેવા નક્કી કર્યા હતા. એ તો સવા પાંચ આના જ ફી હતી, પણ સવા રૂપિયો હોત તો પણ પતિતપાવની ગંગામાં સ્નાન કરવાથી મળતા પુણ્ય બદલ આજે એની કંઈ વિસાત કોઈ ન ગણત. માસ્તર આ બધા લાગા ચૂકવતા ચૂકવતા માંડ વાવ પાસે પહોંચી શક્યા. પણ ત્યાં તો ઊભવાની જગ્યા પણ મુશ્કેલીથી મળી શકે તેમ હતું. સૌ જે સાધન હાથ આવે, તે વતી પાણી ખેંચી ખેંચીને નહાતું હતું. અરે કેટલાંકે તો પાઘડી લાંબી કરીને તેનો પાણી ખેંચવાના સીંચણિયા તરીકે ઉપયોગ કર્યો હતો. નહાવા માટે પડાપડી થતી હતી. કેટલાંક મરજાદીઓ તો બની શકે તેટલા ઘડા ધાર્મિક શબ્દોના ઉચ્ચાર સાથે ઢોળ્યે જ જતાં હતાં. સ્ત્રીઓ ગાગરો ભરીભરીને પાણી ઘેર લઈ જતી હતી. જેની પાસે કાંઈ સાધન નહોતું, તે એકાદ નાનો લોટો કે છેવટે પતરાનું ભાંગેલતૂટેલ ડબલું કે એવું કંઈક પણ ભરીને ગંગાજીને ઘેર લઈ જતાં હતાં.

કોઈ જુવાનિયાં ગંગાજીના પ્રાગટ્યની સત્યાસત્યતા વિષે બીતાં બીતાં શંકા ઉઠાવતાં, તો વૃદ્ધો તરત ખબર લઈ નાખતા : ‘અરે જોતા નથી, ધોળું દૂધ જેવું પાણી થઈ ગયું છે એ?’

‘બસ, ગંગાજી જ પ્રગટ્યાં છે. ગંગોત્રી પાસેનો પ્રવાહ આવા જ રંગનો છે.’ માસ્તરે પોતાના ભૂગોળના જ્ઞાનનો ઉપયોગ કર્યો.

‘અરે, આ કળજગમાં ગંગાજી નીકળ્યાં ઈ ગામનાં પુન્ય હમજો ને ભલા માણહ!’

‘હા છપ્પનિયા મોર એક વાર હાથિયે પાણે નીકળ્યાં’તાં. મારો તો તંયે જલમે ય નંઈ. મારો કાકો જીવતા, તી ઈ વાતો કરતા કે, સરવાણીમાંથી ધોળું ધોળું પાણી હાલ્યું જ આવે, બસ હાલ્યું...ઉ...જ આવે! ઠેઠ ક્યાં ક્યાંનું માણહ ના’વા આવ્યું’તું!’ કોઈ ભૂતકાળ પ્રેમીએ ભૂતકાળ ઉખેડ્યો.

‘જીવા પટેલનાં ય ઊઘડ્યાં, તી ઈની જ વાડીમાં માતાજી પ્રગટ્યાં!’ સૌ જીવા પટેલને અભિનંદન આપતાં હતાં.

‘અરે હું તો મેઘલા લવારની કોઢ્યમાં દાંતીને પાણી ચડાવવા બેઠો’તો. છોરો ભીમડો ઢોરાં લઈને ખેતરે ગયો’તો. ઈ કોહે બેહવા ગ્યો ને તરત પાછો આવીને કે: ‘આતા, આતા! વાવ્યમાં પાણી સાવ ધોરું છાશ્ય જેવું કાં?’ મેં કું, ‘હાલ્ય, જોઈં, ગોરબાપાને બતાવી ઈં.’ હું તો નાથાબાપાને પૂજામાંથી ઉઠાડીને ખેતરે લઈ ગ્યો; ને વાવ્યમાં જોઈને ક્યે – ‘આ તો ગંગામાં નીકળ્યાં છે!’ જીવા પટેલ હરખાતા હરખાતા સૌને આ હકીકતના જુદા જુદા ઉત્તર આપતા હતા.

માસ્તરે શરીર સહન કરી શક્યું ત્યાં સુધી તો નહાયા કર્યું અને પેટમાં સમાઈ શક્યું તેટલું પાણી પી લીધું. પછી કોગળા જ કર્યે રાખ્યા. શરીર આખું ધ્રુજતું હતું, પણ એ ધ્રુજારીને તેમણે ધર્મપાઠના ઉચ્ચાર વડે જડબાંની ડાકલી બજાવીને જણાવા દીધી નહોતી. વર્ગમાં શીખવતા તે બધી યે પવિત્ર નદીઓનાં નામ તેઓ અત્યારે લઈ રહ્યા હતા. છેવટે આ ધૂનમાંથી પરવાર્યા, ત્યારે સૌને કોઈ ને કોઈ વાસણમાં ગંગાજી ઘેર લઈ જતાં જોયાં. એ જોઈને તેઓ મુંઝાયા; કેમ કે વર્ગમાં ભૂગોળ શીખવતાં શીખવતાં જ તે નહાવા ચાલી નીકળ્યા હતા તેથી કાંઈ સાધન તો પાસે હતું નહિ. અંતે તેમણે યુક્તિ અજમાવી. કોઈનું વધારાનું અબોટિયું માગી લઈને તેને ખૂબ ભીનું કર્યુ. અંદર રહી શક્યું તેટલું પાણી લઈ લીધું; અને હળવે કોઈ અસ્પૃશ્યનો ઓછાયો ન પડી જાય તેવી રીતે ઘર તરફ જવા નીકળ્યા.

રસ્તે બીજાં જે કોઈ પાણી લઈ જતાં હતાં, તેમને માસ્તર વણમાગી સલાહ આપતા હતા: ‘જઈને તરત ગોખલામાં મૂકી દેજો. ગોખલો ગૌછાણથી લીંપી લેજો. જો કોઈ મહેતર આડું ન ઊતરી જાય !’

છેક મધરાત પછી પાણીમાંથી ધોળો રંગ ઓછો થવા માંડ્યો, ત્યાં સુધી અનેક ભાવિકોએ નહાયા કર્યું.

બીજે દિવસે માસ્તરને શરદી થઈ ગઈ હોવાથી તેઓ ધ્રૂજતા ધ્રૂજતા વર્ગમાં આવ્યા અને ભૂગોળ લેવાની શરૂ કરી: ‘હિંદુસ્તાનની મુખ્ય નદીઓ બોલ જોઈએ, બાબુલાલ!’

‘સિં...ઈં...ઈં....ધું, ગં....અં....અં...ગા, બ્રહ્મપુ...ઉ....ઉ...ત્રા....આ...આ....આ...!’ બાબુલાલે મઝાનો રાગમાં જવાબ આપ્યો.

‘સિંધુ નદી ક્યાંથી નીકળે છે? ચંપકલાલ !’ ‘સા’બ, હિમાલયમાંથી.’

‘હં, બરોબર; ગંગાજી ક્યાંથી નીકળે છે? દરબાર !’

દરબાર ઝોકાં ખાતા હતા, તેમને માસ્તરે જાગ્રત કર્યા.

‘જીવા પટેલને છેતરેથી, સા’બ !’ દરબારે જવાબ આપ્યો.

અને વર્ગમાં હસાહસી થઈ પડી.

માસ્તર આમેય ધ્રૂજતા હતા, તે આ એકાએક હસાહસ થઈ પડવાથી વધુ ધ્રૂજી ઉઠ્યા, ફટાકડાની સેર ફોડી હોય તેમ હા...હા....હા...હા...ની તડાફડી બોલી રહી. થોડી વાર સૌ હસીહસીને થાકી ધીમેથી શાંત પડ્યાં, ત્યારે માસ્તરે શરૂ કર્યું : ‘દરબાર, જીવા પટેલને ખેતરેથી કાલે નીકળ્યાં હતાં, એ ગંગાજી...’

‘સા’બ, સા’બ, તમને પોલીસ પટેલ બોલાવે છે.’ નવલો બહારથી દોડતો આવીને બોલ્યો.

‘શું છે? શું કામ છે?’ માસ્તરની ધ્રૂજારી વળી સવિશેષ વધી.

‘કોણ જાણે! જીવા પટેલને ખેતરે બેઠા છે; અને પંચનામું કરવા ખડિયો, કલમ ને કોરા કાગળ લઈને આવવાનું કીધું છે, ઝટ કરો.’ નવલો બોલ્યે જતો હતો.

માસ્તરે મેજના ખાનામાંથી ખડિયો, કલમ ને કાગળ કાઢીને પગમાં ‘ઉપાન’ પણ પહેર્યા વગર હાંફળાફાંફળા ચાલી નીકળ્યા – ગંગાજીમાં નહાવા જતી વખતે નીકળ્યા હતા તેમ જ.

કમનસીબે માસ્તર ગામમાં વાંચી – લખી જાણે એવા માણસ રહ્યા એટલે તેમના ખડિયા કલમને અનેક સારા – માઠા પ્રસંગોએ કામ કરવું પડતું. ઘડીક કાછડી ખોસતા તો ઘડીક ડગલાનાં બોરિયાં બીડતાં તે નવલાની પાછળ પાછળ જીવા પટેલને ખેતરે પહોંચ્યા. ધોરીવાવની બાજુમાં પોલીસ પટેલ તથા બે પસાયતા ખાટલો ઢાળીને બેઠા હતા અને થોડી થોડી વારે જીવા પટેલને ગાળો દેતા હતા. ખાટલા પાસે ત્રિકમ, કોદાળી ને માટી ભરવાનો ટોપલો, બે ઠીકરાના ઘડા વગેરે જેમ તેમ પડ્યાં હતાં.

‘આવો મહેતાજી! બેહો, બેહો. પંચનામું કરો આ હરામખોરનું !’ પોલીસ પટેલે માસ્તરને બેસાડ્યા.

‘શાનું પંચનામું?’ માસ્તરે કંપી ઊઠીને પૂછ્યું.

‘અરે આ ચૂનાનાં માટલાં વાવમાં નાખીને ગંગાજી કાઢ્યાં છે તે...’ પોલીસ પટેલે કહ્યું અને જીવા પટેલ તરફ ફરીને બોલ્યા : ‘ગામ આખાને અભડાવતાં શરમ ન થઈ?’

માસ્તરે પંચનામું લખવાનું શરૂ કર્યુ. પોલીસ પટેલનો એક એક શબ્દ તેમનાં હાથ અને કલમને ધ્રૂજાવતો હતો. વળી થોડી વાર થઈ એટલે પોલીસ પટેલે તેમની પ્રિય ગાળો દેવી શરૂ કરી; ‘પાડરડું લપસીને વાવ્યમાં ડૂબી મૂઉં, તી ગંધાઈ જ જાય ને? અરે એવું હતું, તો ગામમાંથી ફાળો કરીને પાણી ઉલેચાવવું’તું; પણ સા... કમજાત, આ ધંધો કરાય?’ અને પછી છિ: છિ: કરી થૂક્યા: ‘ગામ આખાને અભડાવી માર્યું!’

માસ્તરે પડથારની કોર ઉપર બેસીને વિગતવાર કાગળિયાં તૈયાર કર્યાં – જે જગ્યાએ બેસીને આગલે દિવસે ગંગાસ્નાન કર્યું હતું ત્યાં જ.
[પાછળ]     [ટોચ]