[પાછળ] 
ગુજરાતી ભાષાના વિકાસમાં વર્તમાનપત્રોનો હિસ્સો
લેખકઃ ચુનીલાલ વર્ધમાન શાહ

[લોકપ્રિય અખબાર ‘પ્રજાબંધુ’ પત્રની સ્થાપનાના રજત જયંતિ મહોત્સવની ઊજવણી ઈ.સ. ૧૯૨૩માં થઈ તે પ્રસંગે અગ્રણી ગુજરાતી પત્રકારોએ સાથે મળી અમદાવાદમાં ‘ગુજરાત પત્રકાર મંડળ’ની રચના કરી હતી. આ મંડળ દ્વારા પ્રેમાભાઈ હોલમાં તા. ૧-૨, નવેમ્બર, ૧૯૨૪ના રોજ એક ગુજરાતી પત્રકાર સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતી પત્રકારોનું આ પહેલું સંમેલન હતું. આ સંમેલનના સ્વાગત-પ્રમુખ તરીકે મહાત્મા ગાંધીજીની વરણી થઈ હતી પણ હિન્દુ-મુસ્લીમ એકતા પ્રશ્ને તેઓ અચાનક દિલ્હી ખાતે ઉપવાસ પર ઉતરી જતાં આ સંમેલનમાં હાજર રહી શક્યા ન હતા. આ સંમેલનમાં ‘પ્રજાબંધુ’ના સહતંત્રી ચુનીલાલ વર્ધમાન શાહે રજૂ કરેલો એક અભ્યાસપૂર્ણ નિબંધ અત્રે અપાયો છે. આ નિબંધની જોડણી ‘સાર્થ જોડણીકોશ’નો યુગ શરૂ થયો તે અગાઉની પ્રણાલિકા પ્રમાણેની છે અને તે યથાવત્ રખાઈ છે.]

ગદ્યલેખન

જનસામાન્યનો સામાન્ય વ્યવહાર ગદ્યવડે જ થાય છે, પરંતુ ગુજરાતી ભાષાનું સાહિત્ય પુસ્તકરૂઢ તો પહેલાં પદ્યથી જ થયું અને ગદ્ય તો પાછળથી પુસ્તકારૂઢ થયું એવું ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કહે છે. પ્રાચીન સાહિત્યમાં પણ પુષ્કળ પદ્યસાહિત્ય પુસ્તકારૂઢ થએલું જણાઈ આવે છે અને અર્વાચીન ગુજરાતી ભાષાનું ગદ્યસાહિત્ય પુસ્તકારૂઢ થયેલું વર્તમાનપત્રોના જન્મકાળના સમયનું જ વિશેષ પ્રમાણમાં મળી આવે છે. શિષ્ટ ગદ્યસાહિત્ય તો કવિ નર્મદાશંકરના કાળથી પુસ્તકારૂઢ થવા માંડ્યું હતું, એટલે ગુજરાતી વર્તમાનપત્રોના પ્રારંભકાળનું ગદ્ય અત્યારની દૃષ્ટિએ કેવળ અશુદ્ધ અને વિલક્ષણ હતું. જેમ જેમ કેળવણી વધતી ગઈ તેમ તેમ ગુજરાતી ભાષા વધારે શિષ્ટ સ્વરૂપ ધારણ કરવા લાગી અને વર્તમાનપત્રોની ભાષા પણ સુધરવા તથા શુદ્ધ થવા લાગી, પરંતુ ભાષાના વિકાસમાં એ વર્તમાનપત્રોએ પણ પોતાનો ચોક્કસ હિસ્સો આપ્યો છે અને એ હિસ્સાની અસર ગુજરાતી ગદ્ય ઉપર થએલી માલૂમ પડી આવે છે. વર્તમાનપત્રોએ ગુજરાતી ભાષામાં આપેલા પોતાના હિસ્સા વડે કેટલીક સારી અને કેટલીક માઠી અસર થઇ છે એટલે ભાષાના વિકાસમાં વર્તમાનપત્રોએ ભજવેલો ભાગ ઘણો મહત્ત્વનો છે, જેનું આપણે અવલોકન કરીશું.

‘મુંબઈ સમાચાર’નો યુગ

ગુજરાતી ભાષામાં પહેલું વર્તમાનપત્ર ૧૮૨૨માં ‘મુંબઈ સમાચાર’ મુંબઈમાંથી પ્રસિદ્ધ થવા લાગ્યું ત્યારથી ગુજરાતી ભાષાનો વર્તમાનપત્રો સાથેનો સંબંધ શરૂ થાય છે. દેશી ભાષાનાં પુસ્તકો છપાવાની શરૂઆત તો ‘મુંબઈ સમાચાર’ના જન્મ પૂર્વે ૪૨ વર્ષથી થવા લાગી હતી કારણ કે ઈ. સ. ૧૭૮૦ માં મુંબઈના એક પારસી ગૃહસ્થે પોતાનું છાપખાનું કાઢીને એક ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું હતું તે પૂર્વે અને ત્યાર પછી કેટલાંક વર્ષો સુધી પુસ્તકોનો ફેલાવો હાથે લખીને જ કરવામાં આવતો હતો. લખવાનો ધંધો કરનારાઓ કાંઈક સારું લખાણ એટલે કાના-માત્રાવાળું કરી શકતા હતા પરંતુ સામાન્ય લોકો અને વેપારીઓ વગેરે બહુધા બોડીયા અક્ષરો લખીને પોતાનું કામ ચલાવતા હતા. પહેલું છાપખાનું પારસી ગૃહસ્થને હાથે મુંબાઈમાં શરૂ થયું તેમ પહેલું વર્તમાનપત્ર પણ પારસી ગૃહસ્થને હાથે શરૂ થયું અને હિંદુઓની પ્રચલિત ગુજરાતી ભાષાથી આજે પારસીઓની ગુજરાતી ભાષાનું જેવું અંતર છે તેવું અંતર એ વખતે પણ હતું. હિંદુ લેખકોનું ગુજરાતી લખાણ કાંઈક ઠીક હતું, પરંતુ પારસી લેખકોનું ગુજરાતી લખાણ કેવળ અશુદ્ધ હતું અને જેવા ઉચ્ચારમાં તેઓ ગુજરાતી ભાષા બોલતા તેવા જ ઉચ્ચારમાં તેઓ લખતા. આ કારણથી વર્તમાનપત્રોની શરૂઆત ઘણી અશુદ્ધ ભાષા સાથે થઈ હતી. જોડાક્ષરો તેઓ સમજતા નહિ, ઉચ્ચારી શકતા નહિ અને હિંદુ લેખકોના અનુકરણથી જો લખી શકતા તો તે બરાબર વાંચી શકતા નહિ. ‘મુંબઈ સમાચાર’ જે વિલક્ષણ અને અશુદ્ધ ભાષામાં લખાતું તે લેખનની અસર ત્યાર પછી પ્રસિદ્ધ થએલા ‘જામે જમશેદ’, ‘સમાચાર દર્પણ’, ‘મુંબઈ ચાબુક’ અને ‘ચિત્રજ્ઞાનદર્પણ’ ઉપર પણ થઇ હતી અને લગભગ પચીસ વર્ષ સુધી એ લેખનશૈલીમાં કાંઈ જાણવાજોગ સુધારો માલૂમ પડ્યો નહોતો.

એ પચીસ વર્ષ દર્મિયાન મુંબઈનાં પારસી માલકીનાં વર્તમાનપત્રોની ભાષા અને હિંદુ લેખકોનાં પુસ્તકોની ભાષાને આપણે જ્યારે સરખાવીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે ગુજરાતી ભાષા સંબંધી પારસી ભાઈઓના ઓછા જ્ઞાનને લીધે જ વર્તમાનપત્રોની ભાષાએ ગુજરાતી ભાષાની ખીલવણીમાં કાંઈ ફાળો આપ્યો નહોતો. માત્ર તેઓએ વર્તમાનપત્રોની અગત્ય અને ઉપયોગિતા લોકોના દિલમાં ઠસાવવાની શરૂઆત કરી હતી. એ વર્તમાનપત્રો પારસી માલકી તળે પ્રસિદ્ધ થવા લાગવાથી તેમની ભાષામાં ફારસી શબ્દોનો વાપર વધારે થવા લાગ્યો હતો. તે પૂર્વે મુસલમાનોના પરિચયથી ઉર્દુ-ફારસી શબ્દોનો વાપર ગુજરાતી ભાષામાં થવા લાગ્યો હતો. આ વર્તમાનપત્રોનો ફેલાવો બહુ થોડો હોવાથી તેમની ભાષાની અશુદ્ધિની અને તેમાંના ફારસી શબ્દપ્રયોગોની અસર લોકભાષા ઉપર થવા પામી નહોતી.

‘રાસ્ત ગોફતાર અને સત્યપ્રકાશ’નો યુગ

જોડાક્ષરોનો ઉપયોગ હિંદુ ગુજરાતી લેખકો ‘મુંબઈ સમાચાર’ના જન્મ પૂર્વે પણ કરતા એમ હસ્તલિખિત પુસ્તકોની જે જૂની પ્રતો અત્યારે મળી આવે છે તે પરથી માલમ પડે છે; પરન્તુ પારસી વર્તમાનપત્રોમાં જોડાક્ષરોનો ઉપયોગ ૧૮૫૦ સુધી થયો નહોતો. તે વખતે પ્રસિદ્ધ થતું ‘ગનેઆંન પરસારક ચોપાનીઉં’ જ નહિ, પણ ત્યાર પછી શરૂ થયેલું ‘રાસ્ત ગોફ્તાર’ અઠવાડિક પત્ર પણ શરૂઆતના વખતમાં જોડાક્ષરો તજી દઈને પોતાનું કામ કરતું હતું. ૧૮૫૧ માં ‘જ્ઞાન પ્રસારક’ને તેમજ ૧૮૬૨માં ‘રાસ્ત ગોફ્તાર’ને ‘શુદ્ધ જોડની’ની જરૂર જણાઈ, અને તેમણે ‘ગએઆ’ને બદલે ‘ગયા’ તથા ‘આવેઆ’ને બદલે ‘આવ્યા’ લખવાની શરૂઆત કરી! ‘ય’ અક્ષર ગુજરાતી લખાણમાં વાપરવાની શરૂઆત કરતાં પહેલાં એવી નોંધ લખી કે “વ્ય એટલે જે (વ) અને (ય). આએ બીજો અખશર (ચ)નાં જેવો દેખાય છે, તો પણ એનો ઉચ્ચાર ‘ઈઅ’ કરવો જોઈએ છે.” આમ છતાં ‘દર આઈતવારની શહવારના છપાએ છે’ એમ લખતું ‘રાસ્ત ગોફ્તાર’ ‘ય’ અક્ષર વાપરતાં ૧૮૬૨ સુધી ધ્રૂજ્યું અને મર્હુમ કરસનદાસ મૂળજી પણ ‘પારસી ગુજરાતી’ની અશુદ્ધતાને છેડતાં અચકાતા હતા! છેવટે મી. કેખુશરૂ કાબરાજીએ ૧૮૬૩માં એ ‘ય’ને દાખલ કરવાની હિંમત કરી! એ સાથે જ તેમણે ત્ર, પ્ર, ગ્ર, વ્ર એવા જોડાક્ષરો પણ વાપરવા માંડ્યા. આ વપરાશ શરૂ થવા છતાં અંગ્રેજી શબ્દોના ગુજરાતી ઉચ્ચારોનું લેખન તો વિલક્ષણ જ રહ્યું. ડીજંબર, મારીનરસકપાશ, ઉઇલકાકસ, માનોસીલાબીક ઇત્યાદિ અંગ્રેજી શબ્દોના ઉચ્ચારો એ કાળમાં ગુજરાતી અક્ષરોમાં લખાએલા મળી આવે છે. લેખનશૈલીની આ કાળની અસર હજી ઘરડા પારસીઓમાં અને પારસી પત્રોના જૂના લેખકોમાં રહેલી જણાઈ આવે છે. આમ હોવા છતાં ‘રાસ્ત ગોફ્તાર’ના જન્મ પૂર્વે મુંબઈમાં જે પત્રો બહાર પડતાં તે પત્રો લેખનશૈલીમાં ‘રાસ્ત ગોફ્તાર’ જેટલો ઝડપી સુધારો કરી શક્યાં નહોતાં એવું માલૂમ પડે છે. મર્હુમ કરસનદાસ મૂળજી અને મી. કેખુશરુ કાબરાજીએ વર્તમાનપત્રોની જોડણી સુધારવાનું ભરેલું પગલું તે વખતે ‘હિંમતભરેલું’ પગલું લેખાતું હતું અને એ પત્રે જોડણી સંબંધી તાલીમ દી. બા. રણછોડભાઈ ઉદયરામ અને શ્રી મનસુખરામ પાસેથી લેવી પડી હતી.

હિંદુઓમાં મર્હુમ કરસનદાસ મુળજી અને પારસીઓમાં શેઠ કેખુશરૂ કાબરાની લાગવગ મોટી હતી અને ‘રાસ્ત ગોફ્તાર’નાં લખાણો નીડરતાથી, સ્વતંત્રતાથી અને ન્યાયબુદ્ધિપૂર્વક લખાવાથી એ અઠવાડિક પત્ર હોવા છતાં તેનું વાંચન મુંબઈમાં મોટા પ્રમાણમાં થવા લાગ્યું હતું. આજના સમય કરતાં તે વખતે વર્તમાનપત્રો વચ્ચેના ઝગડા ઘણા મોટા હતા. અંગત ટીકાઓ, પરસ્પર નિંદાઓ અને છેવટે કોર્ટે જતા ઝગડાઓથી વર્તમાનપત્રનું વાતાવરણ ક્ષુબ્ધ રહેતું હતું. સંસારસુધારાની લડતનો તે વખતે પ્રારંભકાળ હતો તેથી થોડો ફેલાવો ધરાવનારા વર્તમાનપત્રો પણ સારી પેઠે વંચાતાં એ કારણથી ‘રાસ્ત ગોફ્તાર’ મુખ્યત્વે કરીને મુંબઈના વાતાવરણમાં આગેવાન પત્ર થઈ પડ્યું હતું અને તેના એ મજબૂત પાયાને લીધે જ તે પાંસઠેક વર્ષ સુધી નભી શક્યું હતું. ‘રાસ્ત ગોફ્તારે’ પારસીઓની ભાષામાં અને વર્તમાનપત્રોની ભાષામાં શુદ્ધિ આણવાના કરેલા યત્નો પ્રશંસનીય હતા.

આ કાળમાં ગુજરાતમાં તેમજ મુંબઈમાં હિંદુ માલકીનાં વર્તમાનપત્રો નીકળવાની શરૂઆત થઈ હતી. સમશેર બહાદુર, દેશીમિત્ર, ગુજરાતમિત્ર, હિતેચ્છુ, સુરત સમાચાર, વગેરે પત્રો આ કાળના જ પાકરૂપ હતાં. આ પત્રોની ભાષા ‘રાસ્ત ગોફ્તાર’ની ભાષાથી ઘણે અંશે જૂદી પડતી અને તે ભાષા શુદ્ધિમાં પણ ચડતાં હતાં. કવિ નર્મદાશંકરના નિબંધો પણ આ કાળમાં જ ફેલાવા લાગ્યા હતા અને તેમનું પત્ર ‘ડાંડીયો’ એ જ કાળમાં ધમાલ મચાવતું હતું. અંગ્રેજી અને બીજી ભાષાના તરજુમા આ કાળમાં પહેલાં કરતાં વધારે પ્રમાણમાં થવા લાગ્યા હતા અને ગુજરાતી ભાષાના ગદ્યનું ખરેખરૂં ખેડાણ એ જ કાળથી થવા લાગ્યું હતું. હિંદુઓના સંસ્કૃત શબ્દપ્રયોગો અને પારસી પત્રોના ફારસી શબ્દપ્રયોગોની પરસ્પર વપરાશ વર્તમાનપત્રોમાં આ કાળથી શરૂ થઈ હતી.

૧૮૫૨ની ‘રાસ્ત ગોફ્તાર’ ની ભાષાનો નમુનો:-

“હવે હમો આશા રાખીએચ કે એક વખત હમારૂં બધું લીશત નકી થાએ કે પછી એવો બંદોબશત કીધામાં આવશે કે શરવે કોઈને શકારે એક જ વખતે પોંહોંચતું થાએ. કામ શરૂઆતમાં છે વાશતે બધી તરાંહાંનો પકો બંદોબશત કરવાને અલબતાં જરા વખત લાગવો જોઈએચ.”

તેનો ૧૮૬૯ની ભાષાનો નમૂનો:-

“એ પતર હવે પોતાની આમદાનીમાંથી પોતાનો ખરચ નીભાવ થાઈઊં છે, કે જે વીશે તેહનાં સઘળાં ઘરાકોનો આભાર આ જોગવાઈએ છે. ‘રાસ્ત ગોફતાર’ના જુના માલેકો પોતાનું પતર નવા માલેકોને સવાધીન કરતી વેળાએ ઉમેદ રાખે છે કે જે પરજા ઉપીઓગી તરીકાથી...” ઈત્યાદિ.

આ જ કાળના હિંદુ ગુજરાતી ભાષા શુદ્ધિમાં પારસી પત્રોની ભાષા કરતા ચડીઆતી હતી. ૧૮૫૪ની હિંદુ ભાષાનો નમુનો...

“જો તહ્મે ન્યાયસભાની રીત પ્રમાણે તકરાર ચાલવશો તો તહ્મને ખરચ ઘણો થશે, અને ચુકાદો પણ ઉતાવળો થશે નહીં, અને તહ્મે બેઉયે મારા મિત્રો, હું તમ્હારું કલ્યાણ ઇચ્છું છું, માટે તહ્મને કહું છું કે તહ્મે બેઉ મળીને મ્હને પંચાતનામુ લખી આપો એટલે હું તહ્મારો મુકદ્દમો મનમાં ધારીને નીતિ હશે તે કહીશ.” ઇસાપનીતિની વાતો. (પ્રકાશક-રણછોડદાસ ગિરધરભાઈ).

૧૮૬૨ની હિંદુ ભાષાનો નમૂનો:-

“થોડા વર્ષ ઉપર કોઈ પારસી બંધુક છોડે નહિ, અથવા આગ લાગી હોય તો હોલવવા પણ ના લાગે. હાલ તેઓ મુંબઈના ‘વોલનટીઅર કોર’માં દાખલ થઈ, નિચિંતથી બંધુક છોડે છે અમદાવાદમાં કેટલાક શિકારે જાય છે તથા જ્યારે આગ લાગે ત્યારે હોલવવામાં સારી મદદ આપે છે.” (બુદ્ધિપ્રકાશ, પુ. ૯ અં. ૨)

ભાષાશુદ્ધિમાં આ પ્રમાણે તફાવત હતો પરંતુ ગદ્યલેખનશૈલી બેઉની લગભગ સરખી હોય એમ ઉપરના નમૂનાઓ ઉપરથી જણાય છે. ત્યાર પછી વધેલા અંગ્રેજી કેળવણીના ફેલાવા પછી તેમ જ સંસ્કૃત ભાષાના જ્ઞાનના વધારા પછી ભાષામાં જે સચોટતા, અર્થવાહકતા અને ચમત્કૃતિ આવ્યા છે તે આ કાળમાં ઓછા હતા. વ્યાકરણના દોષો તો બેઉની ભાષામાં હતા જ, પરન્તુ વર્તમાનપત્રોની ભાષામાં તે વધારે હતા, જે અત્યાર સુધી કાંઈક ઓછા પ્રમાણમાં પણ ચાલુ જ રહેવા પામ્યા છે.

‘ગુજરાતી’નો યોગ

‘રાસ્ત ગોફ્તાર’ના યુગમાં મુંબઈમાં સારા અંગ્રેજી દૈનિક પત્રો નીકળવા લાગ્યા હતા અને તેમાંથી તરજૂમો કરીને ગુજરાતી વર્તમાનપત્રો પોતાના કદમાં વધારો કરવા લાગ્યા હતા. આ રીતિથી નવા વિચારો અને નવી વાક્યરચનાઓ ગુજરાતી ભાષામાં દાખલ થવા લાગ્યા, પરંતુ એ તરજૂમાઓની ઘાટી ગુજરાતી ભાષાને બેડોળ બનાવનારી લાગતી, આ બેડોળ ઘાટી હજી પણ વર્તમાનપત્રોમાં તો ચાલુ જ રહી છે. જો કે તેમાં પહેલા કરતા ઘણો ઘટાડો થયો છે. જીલ્લાઓમાં પ્રસિદ્ધ થતા નાના પત્રો મુંબઈના પારસી માલકીના અઠવાડિકો અને દૈનિકોના બોલેબોલ ઉતારા કરવા લાગ્યા હતાં અને તેને પરિણામે જીલ્લાઓમાં વર્તમાનપત્રોની ભાષા પણ મુંબઈમાંથી આયાત કરેલી ભાષા જેવી લાગતી. આ આયાતની અસર ધીમે ધીમે થવા લાગી હતી, એવામાં ‘ગુજરાતી’ પત્ર મુંબઈમાં હિંદુ માલકી તળે નીકળ્યું તેના માલેક સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી ભાષાની શુદ્ધતાના ‘હિમાયતી’ હતા. એ પત્ર પગભર થતા તે છૂટથી વંચાવા લાગ્યું હતું અને પારસી અઠવાડિકો તથા દૈનિકોમાં તેના લખાણો અનોખી ભાત પાડી દેતાં માલમ પડતાં હતાં.

તેના રાજદ્વારી વિચારો તીવ્ર હતા અને સંસારસુધારકોની સામે લડત ચલાવી તે ધર્મનો પક્ષપાત કરી રહ્યું હોવાથી જૂના મનના હિંદુઓનો તેમજ તમતમતાં લખાણો વાંચવાના શોખીનોનો તેને સારો ટેકો મળ્યો હતો. ભાષાશુદ્ધિ માટેની આ પત્રની લડત પણ વર્તમાનપત્રોના ભાષા-વિષયક ઇતિહાસમાં અગત્યનો ભાગ રોકે છે. અંગ્રેજી પત્રોના લખાણોના પારસી લેખકો તરફથી થતા તરજૂમાની વિલક્ષણતા, અર્થોના થતાં ખૂન, વ્યાકરણદોષ ઈત્યાદિ તરફ તે કડક ટીકા કરતું અને દૈનિક પત્રોમાંથી એવા તરજૂમાના સદાબરા (શબ્દશઃ?) ઉતારા કરવાને બદલે પોતા તરફના ખાસ જૂદા તરજૂમા કરીને તે છાપી દૈનિક પત્રોના તરજૂમાને પડછે પોતાના તરજૂમાની શિષ્ટતા બતાવી આપતું. એ અનુકરણીય શૈલી એ પત્રે હાલ સુધી નિભાવી રાખી છે. ભાષાશુદ્ધિ માટેની લડત માટે તે પત્ર ઘણી વાર ‘રાસ્ત ગોફતાર’ સાથે લડી પડતું પણ ખરું. ‘રાસ્ત ગોફતાર’ ભાષાશુદ્ધિ માટે હંમેશા યત્નશીલ રહેતું. ફારસી શબ્દના શુદ્ધ ઉચ્ચાર માટે વર્તમાનપત્રોમાં પણ ક, ફ, જ, ઈત્યાદિ અક્ષરોની નીચે નુક્તાઓ મૂકી ‘રાસ્ત’ મી. પાલનજી દેશાઈના અધિપતિપણા હેઠળ ખૂબ યત્ન કરતું અને તેનો એ યત્ન વર્તમાનપત્રોમાં તો પહેલો જ હતો, પરન્તુ સંસ્કૃતમાંથી ઉતરેલા ગુજરાતી શબ્દોની જોડણી કરતાં તે ઘણી વાર ભૂલો કરતું. આ કારણથી જ્યારે તે કોઈ ભાષાશુદ્ધિ વિષે કાંઈ ટીકા કરતું ત્યારે ‘ગુજરાતી’ તેના જ ભાષાદોષ માટે ટીકા કરવાને ભૂલતું નહિ. મર્હુમ કરસનદાસનું નામ ‘રાસ્ત’ ‘કરસણદાસ’ લખતું અને તેમાં રહેલી ભૂલ શાસ્ત્રીય રીતિએ દર્શાવવા માટે ‘ગુજરાતી’એ એક વાર અધિપતિની નોંધમાં લંબાણ ચર્ચા સુદ્ધાં કરેલી. ‘ગુજરાતી’નો ફેલાવો વધતાં, જાહેર વિષયોને સ્વતંત્રતાથી ચર્ચવાની તેની ઘાટીનું આકર્ષણ થતાં અને વર્તમાનપત્રના ધંધામાં એક હિંદુના સાહસની સફળતાની કિંમત અંકાવા લાગતાં ‘ગુજરાતી’ની અસર જીલ્લાનાં પત્રો ઉપર ઝડપથી થવા લાગી હતી.

જે વખતે ‘ગુજરાતી’ સારી પેઠે જામ્યું હતું તે વખતે ગુજરાતમાં ‘પ્રજાબંધુ’, ’ગુજરાતીપત્ર’, ‘સયાજીવિજય’, ‘કાઠિયાવાડ ટાઇમ્સ’, ‘હિંદુસ્તાન’ વગેરે પત્રો જન્મ્યાં અને એ પત્રો પણ ‘ગુજરાતી’ની લેખનની ઘાટીનું અનુકરણ કરવા લાગ્યાં કોઈ તેના ‘બીરબલ’ના લખાણોનું અનુકરણ કરવા લાગ્યા પરન્તુ તે અનુકરણો અફળ ગયાં અને ‘બીરબલ’નું વર્ચસ્વ છેવટ સુધી એકસરખું જ રહ્યું. આ કાળમાં અંગ્રેજી ઉપરથી થએલા કેટલાક ગુજરાતી શબ્દપ્રયોગો પારસી માલકીના પત્રોની ટંકશાળોમાંથી અને બીજી બાજુએથી ‘ગુજરાતી’ પત્રની ટંકશાળમાંથી બહાર પડવા લાગ્યા; કોઈ શબ્દ ‘ગુજરાતી’નો, તો કોઈ શબ્દ પારસી પત્રોનો ચલણી સિક્કા જેવા બની જતો. પારસી પત્રોએ ‘દિલસોજી’ શબ્દને સારી પેઠે ચાલુ કર્યો છે અને બીજી બાજુએ ‘સહાનુભૂતિ’ જેવો શબ્દ ગુજરાતી પત્રોએ વાપરવા માંડ્યો છે. અત્યારે બેઉ શબ્દો સારી રીતે પ્રચલિત થયા છે. Election શબ્દને માટે પારસી પત્રોએ ‘ચુંટણી’ શબ્દ ચાલુ કર્યો છે, અને ‘ગુજરાતી’એ ‘વરણી’ શબ્દ યોજ્યો છે, પરન્તુ ‘વરણી’– શબ્દ શાસ્ત્રીય દૃષ્ટિએ 'ચુંટણી‘ કરતાં વધારે સુઘટિત હોવા છતાં ‘ચુંટણી’ જ વપરાશમાં વધ્યો છે. ‘ગુજરાતી’એ યોજેલા ‘દૃષ્ટિકોણ’ અને ‘બહુમતવાદ’ જેવા પ્રયોગો પણ ચલણી સિક્કા બની ગયા છે. આ પ્રમાણે એ સમયનાં વર્તમાનપત્રોએ ગુજરાતી ભાષાના, શબ્દસાહિત્યનું ખેડાણ સારી પેઠે કર્યું હતું. અંગ્રેજી શબ્દો જે પહેલાં ગુજરાતી પત્રોમાં જેમના તેમ વપરાતા તે આ કાળમાં ગુજરાતી સ્વરૂપને પામી ચાલતા થયા છે, અને તે વર્તમાનપત્રોનાં લખાણોથી જ ઉદ્ભવ્યા છે. આજે રાજદ્વારી વિષયોના, સાંસારિક બાબતોના અને આર્થિક-ઔદ્યોગિક બાબતોના જે નિબંધો લખાય છે અને જે ભાષણો અપાય છે તે બહુધા વર્તમાનપત્રોની જ ભાષામાં હોય છે, એટલે કે વર્તમાનપત્રોના લેખોએ જ તેમાંના શબ્દપ્રયોગો પર, શૈલી ઉપર અને વાક્યરચના ઉપર અસર નીપજાવી હોય એવું માલૂમ પડ્યા વિના રહેતું નથી.

સાહિત્યનો યુગ

‘સરસ્વતીચંદ્ર’ની નવલકથા, ‘સુદર્શન’ અને ‘વસંત’ માસિક, શ્રી મણીલાલ નભુભાઈના તથા રા. બા. રમણભાઈ વગેરેનાં લખાણોથી અને ત્યાર પછી સાહિત્યસભાઓ તથા સાહિત્યપરિષદનો જન્મ થવાથી ગુજરાતમાં સાહિત્યનો યુગ પ્રવર્ત્યો. સંસ્કૃત બીજી ભાષા સાથે યુનિવર્સિટીમાંથી નીકળતા નવા ગ્રેજ્યુએટોના લખાણો શિષ્ટ ગુજરાતીને બદલે ક્લિષ્ટ ગુજરાતીમાં થવા લાગ્યાં અને ‘ગુજરાતી,’ ‘પ્રજાબંધુ’, ‘દેશી મિત્ર’ વગેરે પત્રો ઉપર પણ કાંઈક અંગે તેની અસર થવા લાગી; પરન્તુ માસિક પત્રો કરતા વર્તમાનપત્રો એ અસરથી મોટે ભાગે નિરાળા જ રહ્યાં, છતાં ભાષામાં શિષ્ટતા તો દાખલ થઈ ચૂકી. આ સાહિત્ય યુગથી હિંદુ માલકી હેઠળનાં પત્રોમાં જોડણી કાંઈક સુધરી. મુખ્ય લેખોની ભાષાનુંએ ખેડાણ થવા લાગ્યું. અંગ્રેજી લેખો ઉપરથી થતા ગુજરાતી તરજૂમા વર્તમાનપત્રોમાં આ કાળથી સુધર્યા. સાહિત્યપરિષદ ભાષા શુદ્ધિ માટે ઠરાવો કરતી રહી છે અને તેના ઉપરાઉપરી આગ્રહથી તેમજ શિષ્ટ ભાષાના હિમાયતીઓના પ્રહારથી પારસી માલકીના વર્તમાનપત્રો ઉપર પણ કાંઈક અસર થઈ છે. ‘સાંજ’ ‘પ્રજામિત્ર’, ‘સત્યમિત્ર’, ‘હિંદુસ્તાન’ જેવા પત્રો દૈનિક છે અને તેઓ ખાસ કરીને અગ્રલેખો તથા મહત્ત્વના બીજા લેખોનાં હ્રસ્વ દીર્ઘ અને જોડાક્ષરોના સંબંધમાં મોટી મોટી જરૂરીઆતો ઉપર ધ્યાન આપવા લાગ્યાં છે. સાહિત્યરસિકો અને શિષ્ટ ભાષાના હિમાયતી ગુજરાતી ગ્રેજ્યુએટોનો વર્તમાનપત્રો સાથેનો સંબંધ આ કાળમાં જોડાયો અને તેથી વર્તમાનપત્રોની ભાષામાં શિષ્ટતાને નામે કાંઈક ક્લિષ્ટતા પેસવા લાગી હતી, એવામાં તો નવો યુગ આવ્યો અને જે વિદ્વદ્ભોગ્ય ભાષા માસિક પત્રોના કેટલાક લેખોમાં પેસી ચૂકી હતી અને જેની સામે સરળતાનાં હિમાયતી પત્રો ‘જડબાતોડ’ ભાષાને નામે વાંધો ઊઠાવી રહ્યા હતા એટલું જ નહિ પણ ‘સાક્ષરિયા’ શબ્દપ્રયોગો ને ‘હકારિયા’ જોડણી સામે ટીકા કરી રહ્યા હતા, તે વર્તમાનપત્રોમાં આગળ વધી શકી નહિ.

‘નવજીવન’નો યુગ

ભાષાના વિકાસના સંબંધમાં આ નવો યુગ તે ‘નવજીવન’નો યુગ છે. ‘નવજીવન’ અને મહાત્મા ગાંધીના લખાણોએ ભાષાશુદ્ધિની સાથે સરળતાને પોષી છે અને નવીન શબ્દપ્રયોગોનો તેમજ લેખનશૈલીનો ફાળો ગુજરાતી ભાષામાં આપ્યો છે. નવજીવનની લેખનશૈલીના અનુકરણો પુષ્કળ લેખકો કરી રહ્યા છે. ‘અપનાવવું,’ ‘અછૂતોદ્ધાર’ જેવા હિંદી અને ‘નાફેર’ તથા ‘નોકરશાહી’ જેવા અનેક મરાઠી શબ્દો ગુજરાતી ભાષામાં આ કાળમાં જ દાખલ થયા છે. સાહિત્યના યુગમાં ભાષાશુદ્ધિ અને જોડણીનો સવાલ શાસ્ત્રીય રીતોનું અવલોકન, વ્યુત્પત્તિનો પ્રકાશ અને શબ્દોચ્ચારનું કાલમાન ઇત્યાદિને અંગે ચર્ચાતો, તે તરફ ‘નવજીવન’નો યુગ ગુજરાતીઓને નવા દૃષ્ટિબિંદુથી જોવા આગ્રહ કરી રહ્યો છે અને તેની અસર કાંઈક થઈ છે. લોકોમાં પ્રચલિત રૂઢી, સરલતા અને ‘સંસ્કૃત’ નહિ પણ ‘ગુજરાતી’ શુદ્ધતાને અનુસરીને જોડણી ‘નવજીવન’ કાર્યાલયે નક્કી કરી છે તેને અનેક દિશાએથી સહાનુભૂતિ મળી છે.  જોડણી નક્કી કરવાનો સવાલ અતિવિકટ છે એમ કહીને તેને લગભગ સ્થિતિસ્થાપક સ્વરૂપમાં ગુજરાતી સાક્ષરો રહેવા દેતા હતા, તેને બદલે હવે વહેવારૂ બાંધછોડની રીતે જોડણી નક્કી જ કરવાનો ઠરાવ ભાવનગરની સાહિત્ય પરિષદે સાક્ષરોની વિરુદ્ધતા છતાં બહુમતે કર્યો છે. હિંદુ લેખકો અને હિંદુ ગ્રેજ્યુએટોને મુંબઈનાં પારસી માલકીનાં વર્તમાનપત્રોમાં હવે પહેલાં કરતાં વધારે પ્રમાણમાં સ્થાન મળવા લાગ્યું હોવાથી ભાષાની જૂની પારસી ખાસીયતો ઓછી થવા લાગી છે, તો પણ સમૂળગી દૂર થઈ નથી અને તેથી વર્તમાનપત્રોની આજની ભાષા પારસી સ્કૂલ અને હિંદુ સ્કૂલમાં વહેંચાઈ જતી હોય એવું માલૂમ પડે છે. અંગ્રેજી ઉપરથી થતા ગુજરાતી તરજૂમા પહેલાં કરતાં સુધર્યાં છે અને હજી જે કાંઈ દોષો તેમાં છે તે પણ સુધારવા તરફ પત્રકારો બેદરકાર નથી.

ભાવી યુગ

ભાવી યુગ વર્તમાનપત્રોને લોકભાષા ઘડનાર એક નવીન બળ તરીકે સ્વીકારવાનું ચાલુ જ રાખશે અને તેટલા માટે પત્રો પાસેથી ભાષાવિકાસની સાથે ભાષાશુદ્ધિ તરફ વધારે ધ્યાન આપવાની માંગણી કરશે. શબ્દોનો ભંડોળ વધતો જાય છે, નવા શબ્દો ચલણમાં આવતા જાય છે, પરન્તુ ભાષામાં સરળતા સાથે શિષ્ટતાનો સંયોગ પૂરો જામ્યો નથી. એકલી સરળતા વર્તમાન કાળની સંસ્કૃતિના ઇતિહાસમાં આપણને ઉતરતી પંક્તિના બનાવે અને એકલી શિષ્ટતા સમાજને આપણાથી દૂર રાખનારી બનેઃ સરળતા અને શિષ્ટતા બેઉની આપણને ભાષામાં અગત્ય છે. જોડણીની અરાજકતા છે પરંતુ ‘શ્રેષ્ઠ’ શબ્દને ‘શરેષઠ’ છાપનાર વર્તમાનપત્રો એ અરાજકતાનો ખોટી રીતે લાભ લે છે અને જો માત્ર થોડી વધુ કાળજી રાખે તો તેઓ એ અશુદ્ધિમાં ઘણો ઘટાડો કરી શકે. દૈનિક પત્રો છાપનારાં છાપખાનાંમાં જોડાક્ષરો કે હ્રસ્વ-દીર્ઘાક્ષરોનાં ટાઇપ હોતાં નથી એ માન્યતા ખોટી છે તેમજ તેમના કંપોઝીટરો જોડાક્ષર સમજતા નથી એ માન્યતા પણ ભૂલભરેલી છે. એ જ છાપખાનાં બીજાં ઘરાકોનાં સારાં પુસ્તકો છાપે છે તેમાં સંપૂર્ણ શુદ્ધ જોડણી છાપી શકે છે, અને વર્તમાનપત્રોમાં ઓછી કાળજી અને એક વિશેષ અડચણને લીધે તેઓ અશુદ્ધિ ચલાવી લે છે. આ અડચણ ગુજરાતી બહુવિધ જોડાક્ષરોના સંખ્યાબંધ ટાઇપોને કંપોઝીટરોની નજીક લાવી મૂકવાની છે. અંગ્રેજી ટાઇપો ૧૫૩ ખાનાંમાં સહેલાઈથી સમાય છે, પરન્તુ ગુજરાતી ટાઇપો માટે બસો અઠ્ઠાવીસ ખાનાં હોય છે, તે છતાં તે ઉપરાંત ખાનાં જોઈએ અને એક કંપોઝીટરનો હાથ પહોંચી શકે તેવડા કેસમાં એટલાં બધાં ખાનાંની યોજના નહિ કરવામાં આવી હોવાથી સાદા અક્ષરોના કેસોને કંપોઝીટર પાસે રાખી, જોડાક્ષરના જૂદા કેસને તેનાથી ઘણે દૂર રાખવાની જ બધાં છાપખાનાંમાં ગોઠવણ હોય છે. એવા જોડાક્ષરનો એકેક કેસ દરેક કંપોઝીટરને પૂરો પાડવાની યોજના મોટાં છાપખાનાંઓમાં પણ હોતી નથી, એટલે એવા અક્ષરો લેવા દૂર પડેલા કેસ પાસે જવાથી કંપોઝીટરોને તકલીફ પડે છે તેમજ છાપખાનાના માલકોને કામ ઓછું ઉતરતું હોવાથી એ ભાષાશુદ્ધિ મોંઘી પરવડે છે. દરેક કંપોઝીટરને જોડાક્ષરનો કેસ પૂરો પાડવાની એક સહેલી યોજના અત્રે સૂચવું છું અને હું ધારું છું કે એ યોજના અજમાવવાથી દૈનિક પત્રો છાપનારાઓ કાંઈ વધુ ખર્ચ વિના કે કામના ઉતારામાં બહુ ઘટાડો થયા વિના ભાષાશુદ્ધિ સાધી શકશે. આ યોજના કંપોઝીટર સામે પડેલા 'અપર‘ અને 'લોઅર‘ કેસમાં હાલમાં જે ચાર બ્લોક્સ હોય છે. તેમાં અંગ્રેજી ઈટાલીક ટાઇપના કેસની પેઠે પાંચ કિંવા છ બ્લોકની યોજના કરી ખાનાં કાંઈક નાનાં કરવાની તથા એ રીતે ખાનાંની સંખ્યામાં વધારો કરવાની છે. મુંબઈ જેવા શહેરમાં છાપખાનાની સાંકડી જગ્યામાં કંપોઝીટરોને જોડાક્ષરના ટાઇપ માટે બહુ હરફર કરી વખત ગાળવાની જરૂર ન પડે અને પોતાની સામે પડેલા બે કેસમાં જ અગત્યના બધા જોડાક્ષરોનાં ટાઇપ મળી શકે, તો હું માનું છું કે તેમની ઘણી તકલીફ ઓછી થાય અને છાપખાનાને એ શુદ્ધિ મોંઘી ન પડે. દૈનિક પત્રોની અશુદ્ધ જોડણી એકલા લેખકોના દોષને આભારી નથી. શુદ્ધ લેખોને પણ કંપોઝીટરો પોતાની સગવડ ખાતર અશુદ્ધ કંપોઝ કરે છે એવો અનુભવ સાધારણ છે તે માટે જ આ માર્ગની આવશ્યકતા હું સમજું છું. છેવટે વર્તમાનપત્રોને, ભાષાના સંબંધમાં સરળતા અને શિષ્ટતા ઉપરાંત શુદ્ધતા; એ ત્રણ વાનાંને ભાવી યુગનું લક્ષ્યબિંદુ બનાવવા હું વિનંતિ કરું છું.
 [પાછળ]     [ટોચ]