[પાછળ]
‘ઇત્યાદિ’ની આત્મકથા
લેખકઃ જીવનલાલ અમરશી મહેતા

શબ્દસમાજમાં મારું કાંઈ જેવું તેવું માન નથી. મારું તો એટલું બધું સન્માન છે કે વક્તાઓ અને લેખકો મને બળજબરીથી પકડી જાય છે. એક આખા દિવસમાં તો મને કેટલાયે જણા બોલાવવા આવે છે. સભાઓ, સમાજોમાં જવાને લીધે મને ઉંઘવાની પણ ફુરસદ મળતી નથી. હું વગર બોલાવ્યે ક્યાંય જઈ ચડું છું તો પણ અતિશય સન્માનપૂર્વક મને અગ્રસ્થાન મળે છે. ખરું પૂછાવો તો, શબ્દસમાજમાં હું - ‘ઇત્યાદિ’ શબ્દ - ન હોત તો લેખકો અને વક્તાઓની કોણ જાણે શી વલે થાત! પરંતુ હા, આટલું બધું સન્માન મળવા છતાં પણ આજ સુધી કોઈએ મારી જીવનકથા ન લખી. સંસારમાં થોડું કામ કરનારાઓ માટે લેખકો મીઠું મરચું ભભરાવી પાનાં ને પાનાં ચીતરી કહાડે છે, પરન્તુ મારે માટે તો એક લીટી પણ ન લખી! વાચક! તેમાં એક ભેદ રહેલો છે.

જો લેખકો મારા બધા ગુણ સાધારણ માણસો આગળ જાહેર કરે તો તેમની યોગ્યતાનું પોગળ ખુલી જાય; કારણ તેમની શબ્દદારિદ્ર્ય અવસ્થામાં હું જ એકલો તેમનો આધાર છું. ઠીક, આજે ચારે તરફથી નિરાશ થઈ હું પોતે જ મારી આત્મકથા કહેવાને, ગુણાવલિ ગાવાને બેઠો છું. વાચકો, આત્મપ્રશંશાનો અથવા તો ‘વરની મા વરને જ વખાણે’ એવો દોષ મારી ઉપર ન મૂકતા. હું તેની ક્ષમા ચાહું છું.

મારા જન્મનો સન, સંવત્‌, મિતિ, દિવસ, કાંઈ મને યાદ નથી. માત્ર એટલું જ યાદ છે કે જ્યારે ‘શબ્દનો મોટો દુકાળ’ પડ્યો ત્યારે મારો જન્મ થયો હતો. મારી માતાનું નામ ‘ઇતિ’ અને પિતાનું નામ ‘આદિ’ છે. મારી મા અવિકારી ‘અવ્યય’ કુટુંબના કુળમાંની છે એ મારે માટે થોડા ગૌરવની વાત નથી; કારણ, શેષશાયી ભગવાનની કૃપાથી ‘અવ્યય’ વંશવાળાઓ પ્રતાપી મહારાજ ‘પ્રત્યય’ને કોઈ દિવસ આધિન નથી થયા; તે સદા સ્વતંત્રતાથી જ રહેતા આવ્યા છે.

હું જ્યારે બાળક હતો ત્યારે મારા માબાપે એક જોશી પાસે મારા અદૃષ્ટનું ફળ જોવરાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ છોકરો વિખ્યાત અને પરોપકારી થશે. એના મંડળમાં એ સૌનો પ્રિય બનશે, પરન્તુ તેના ભાગ્યનો દોષ એટલો જ છે કે એ કુંવારો રહેશે; લગ્ન નહિ થવાથી તેને છોકરાં છૈયાં નહિ થાય. આ સાંભળીને મારાં માબાપના મનમાં પહેલાં તો થોડુંક દુઃખ થયું. પરંતુ કરે શું ? એ તો થવાનું જ નસીબમાં લખાયું હતું! એથી કરીને દિલગિરી છોડી દઈને તેમણે મન વાળવું પડ્યું. એ બન્ને પોતાનું નામ ચિરસ્મરણીય કરવા માટે (મારાથી જ તેમના વંશની ઈતિશ્રી હતી તેથી) મારું નામ બીજું કાંઈ ન રાખતાં પોતાનાં નામોને જોડી દઈને એ મને ‘ઇત્યાદિ’ નામે બોલાવવા લાગ્યાં. એથી હું ‘ઇત્યાદિ’ કહેવાયો.

શરૂઆતમાં મારી એટલી બધી પ્રસિદ્ધિ નહોતી. કારણ, એક તો બાલ્યાવસ્થામાં બહુ થોડા લોકો સાથે મારી ઓળખાણ-પિછાણ હતી. બીજું, એ વખતે બુદ્ધિમાનોના મગજરૂપી ભંડારમાં શબ્દદારિદ્ર્ય નહોતું. પરંતુ વખત જતાં બુદ્ધિમાનોના મગજમાં જેમ જેમ શબ્દદારિદ્ર્ય વધતું ગયું તેમ મારું માનસન્માન પણ તેમનામાં વધતું ગયું. આજકાલની વાત તો પૂછવી જ નહિ. આજકાલ તો મારા જેટલો સન્માનવાળો શબ્દભંડોળમાં ભાગ્યે જ કોઈ વિરલો હશે. શબ્દસમાજમાં મારો આદર વધતો ગયો તેની સાથે મારાં નામ વધતાં ગયાં. આજકાલ મારાં અનેક નામ છે. ભિન્ન ભિન્ન ભાષાના શબ્દસમાજમાં મારાં ભિન્ન ભિન્ન નામ છે. સર્વવ્યાપક ઈશ્વરે અમને - શબ્દોને પણ પોતાના જેવા જ સર્વવ્યાપક બનાવ્યા છે. એ શક્તિથી હું એક જ વખતે અનેક જગ્યાએ કામ કરું છું. જે વખતે હું વિલાયતની પાર્લામેન્ટમાં બેસી વક્તાને મદદ કરી રહ્યો હોઉં, તે જ વખતે ભારતવર્ષની મહાસભામાં પણ બીરાજમાન થઈ તેવી જ મદદ આપતો હોઉં છું, અર્થાત્‌ જ્યાં જુઓ ત્યાં હું હાજર ને હાજર!

મારામાં એક મોટો ગુણ એ છે કે, રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, ગમે તેને ઘેર જવામાં હું સંકોચ રાખતો નથી, તેમ જ માન અપમાન પણ ગણતો નથી. મારા બીજા શબ્દબંધુઓમાં આ મળતાવડાપણાના ગુણની ખોટ છે!

મારા કેટલાક શબ્દબંધુઓ તો બોલાવતાં છતાં પણ જવામાં બહુ આનાકાની કરે - બહુ માન માગે છે, અને ગયા પછી માનવાળી જગ્યા ન મળે તો વખતે ગુસ્સે થઈ ઉઠી પણ આવે છે. આપણને તો એમાંનું કાંઈ જ ન મળે. અને આ ખાસ ગુણને લીધે જ હું સર્વ સાક્ષરોનો અતિ માનવંતો સ્નેહી અને સહાયક થઈ પડ્યો છું!

પરોપકાર અને બીજાઓની માનરક્ષા એ તો મારૂં જીવનકર્તવ્ય જ છે. એમ કર્યા વગર મને ઘડી પણ ચેન પડતું નથી. દુનિયામાં એવું કોઈ સાહિત્ય નહીં મળે કે નાને મોટે અવસરે હું તેના કામમાં આવ્યો ન હોઉં! કેટલાક લોકો ભાતનાં લુગડાં પહેરીને મોટી મોટી સમાજોમાં માન મેળવે છે, તેમને કોઈ ગરીબ ધારતું નથી; તેમ હું પણ બદલાની કશી અપેક્ષા રાખ્યા વગર જ વક્તાઓ અને લેખકોની મદદે જઈ તેમની દરિદ્રતાને એકદમ દૂર કરી દઉં છું. સાંભળો તેવા અનેકમાંથી એક બે દાખલાઃ-

એક પંડિત મહાશય ભાષણ આપવા ઉભા થયા છે. પોતાની પંડિતાઈ બતાવવાને માટે બધાં શાસ્ત્રોની થોડી ઘણી વાતો કહેવી જોઈએ. પરન્તુ શાસ્ત્રનો અભ્યાસ તો ક્યાંય રહ્યો પણ એ શાસ્ત્રોનાં પાનાં ઉથલાવવાનું સૌભાગ્ય પણ તેમને મળ્યું નથી. આડાં અવળાં ક્યાંક સાંભળીને એકાદ બે શાસ્ત્ર અને શાસ્ત્રકારનાં નામ માત્ર તેમણે જાણી લીધાં છે. ભાષણ કરવા ઉભા થયા પણ કહેવું શું? હવે તે ચિંતાના સમુદ્રમાં ગોથાં ખાવા લાગ્યા, અને મ્હોં આડો રૂમાલ ધરી ખોટી ઉધરસ ખાતાં ખાતાં આમ તેમ જોવા લાગ્યા, પરસેવાના બે ચાર બુન્દ પણ તેમના મુખકમળ પર દેખાવા લાગ્યા. જે મુખકમળ ઘડી પહેલાં ઉત્સાહરૂપી સૂર્યનાં કિરણોથી ખીલી નીકળ્યું હતું, તે હવે ગ્લાનિ અને સંકોચ પડવાથી કરમાવા લાગ્યું. તેમની આવી દયામણી દશા જોઈ, મારા હૃદયમાં દયા ઉભરાઈ આવી. એ જ વખતે વગર બોલાવ્યે હું તેમની મદદે જઈ ઉભો, અને તેમના કાનમાં મેં છાનું માનું કહ્યું, 'પંડિત મહાશય! કાંઈ ફિકર કરતા નહિ, હું આપની મદદે આવ્યો છું. આપની જીભે જે ચઢે તે બોલવું શરૂ કરો. પછી તો બધું હું નભાવી લઈશ.' આમ હિંમત મળવાથી વક્તા મહાશયના ખોળીયામાં જીવ આવ્યો ને ટટ્ટાર થયા.

થોડાક વખત પૂર્વે તેમના મ્હોંરૂપી આકાશમંડળમાં ચિન્તા-ચિન્હનું જે વાદળ ઘેરાયેલું દેખાતું હતું, તે મારી હિંમતના ધડાકાથી વીખરાઈ ગયું, ઉત્સાહનો સૂર્ય પાછો પ્રકટી આવ્યો, અને તેમણે પોતાનું વ્યાખ્યાન ખોંખારા સાથે નીચે પ્રમાણે શરૂ કર્યું:

"મહાશયગણ, મનુ ઇત્યાદિ ધર્મશાસ્ત્રકાર, વ્યાસ ઇત્યાદિ પુરાણકાર, કપિલ ઇત્યાદિ દર્શનકારોએ કર્મવાદ, પુનર્જન્મવાદ ઇત્યાદિ ઇત્યાદિ જે જે દાર્શનિક વિદ્વાન રત્નો ભારતના ભંડારમાં ભર્યાં છે. એ જોઈ મેક્સમુલર ઇત્યાદિ પાશ્ચાત્ય પંડિતો ઘણા આશ્ચર્ય પામી ચૂપ થઈ જાય છે...... ઇત્યાદિ ઇત્યાદિ."

જણાવવાની જરૂર નથી કે વક્તા મહાશય ધર્મશાસ્ત્રકારોમાં માત્ર મનુ, પુરાણકારોમાં માત્ર વ્યાસ, અને દર્શનકારોમાં ફક્ત કપિલનું જ નામ જાણે છે અને તેમણે કર્મવાદ અને પુનર્જન્મવાદનું માત્ર નામ જ સાંભળ્યું છે. પરન્તુ મેં તેમની જ્ઞાનદરિદ્રતા દૂર કરીને ઉપરથી એવાં કપડાં પહેરાવ્યાં કે અંદરનાં ફાટ્યાં તુટ્યાં કે મેલાં ચીંથરાં કોઈએ જોયાં નહિ.

વળી સાંભળો. કોઈ સમાલોચના (ગ્રંથાવલોકન) કરનાર અધિપતિશ્રીનું ઘણા દિવસથી કોઈ એક ગ્રન્થકર્તા વિશે ઉંચું મન થયું હતું. જ્યારે એ ગ્રન્થકારનું એક પુસ્તક તેમની પાસે અવલોકન માટે આવ્યું ત્યારે તે ઘણા ખુશી થયા. ઘણા દિવસથી એવા દાવની શોધમાં તે ફરતા જ હતા. તેમણે પુસ્તકને ઘણા ધ્યાનપૂર્વક ઉથલાવી ઉથલાવીને જોયું; પણ કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ખાસ દોષ તેમને જડ્યો નહિ. છાપની બેએક સામાન્ય ભૂલો ખોળી, પરન્તુ એથી જનસમાજને સંતોષ થાય નહિ. એવી સ્થિતિમાં બિચારા અવલોકનકાર અધિપતિ સાહેબ તુર્ત મારે શરણે આવ્યા. પછી પૂછવું શું? પોબાર! તેમણે પુસ્તકનું અવલોકન કર્યું કેઃ-

"પુસ્તકમાં કેટલાક દોષો છે એ બધા બતાવીને ગ્રન્થકારની અયોગ્યતાનો પરિચય આપવા, તથા અમારા પત્રની જગ્યા રોકવા અને વાચકોનો સમય ગુમાવવા અમે ચહાતા નથી. પરન્તુ બેએક સામાન્ય દોષ અમે બતાવી દઈએ છીએ, જેવા કે...... ઇત્યાદિ, ઇત્યાદિ"

વાચકવૃંદ, જોયું? અવલોકનકાર અધિપતિ સાહેબનું મેં કેવું સરસ કામ કર્યું? જો આ અવસર ચાલ્યો જાત તો પછીથી તે પોતાનો દાવ કેવી રીતે વાળત? આ તો થઈ દોષદર્શી સમાલોચનાની વાત; પણ પ્રશંસાપૂજક સમાલોચના કરવાનું કામ પડે તો પણ મારા આશ્રયથી ખરાબ પુસ્તકોની પણ એ સારી સમાલોચના કરી શકે છે.

હું મારી યોગ્યતા વિશે તે કેટલું કહું? હું મૂર્ખને પંડિત બનાવું છું, યુક્તિ ન સુજે તેને યુક્તિ સુઝાડું છું, લેખકને ભાવ પ્રકાશ કરવાને ભાષા નથી જડતી તો હું યોગ્ય ભાષા શોધી આપું છું. કવિને જ્યારે ઉપમા નથી મળતી ત્યારે હું ઉપમા બતાવું છું. ખરું પુછાવો તો, હું પહોંચતાં જ અપૂર્ણ વિષય પૂર્ણ થઈ જાય છે. બસ, આટલું કહ્યાથી શું મારો બરાબર મહિમા પ્રકટ નથી થતો? મારી લાયકાતનું પ્રતિબિંબ નથી પડતું?

(‘બુદ્ધિપ્રકાશ’ સામાયિકનો ઈ.સ. ૧૯૦૪નો ચોથો અંક)
[પાછળ]     [ટોચ]