[પાછળ]
જન ગણ મન અધિનાયક

લેખકઃ જયેશ અધ્યારુ

ઈ.સ. ૧૯૧૧નું વર્ષ હતું. બંગાળ જસ્ટ ભાગલાની પીડામાંથી બહાર આવ્યું હતું. અંગ્રેજોએ ભારતની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી અને લુચ્ચાઈ ભરેલી નીતિઓમાંથી છૂટવાની મથામણ ચાલી રહી હતી. પરંતુ આ ચળવળને એક નક્કર દિશા આપનારા મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થવાને હજી ચારેક વર્ષ બાકી હતાં. ત્યારે તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ પશ્ચિમ બંગાળના એક ખૂણે શ્વેત દાઢીધારી એક માણસ પોતાના દરરોજના નિત્યક્રમ પ્રમાણે લેખનકાર્ય કરવા બેઠા. આમ તો તેમની કલમમાંથી કેટલીય વાર્તાઓ, સંગીતબદ્ધ કરી શકાય એવાં ગીતો સરજાઈ ચૂક્યાં હતાં, જે ઑલરેડી બંગાળના સાંસ્કૃતિક વારસાનો અભૂતપૂર્વ હિસ્સો બની ચૂક્યાં હતાં. ઈવન બે જ વર્ષ બાદ આ શુભ્રકેશધારી મહાનુભાવને સાહિત્યનું નોબેલ પારિતોષિક પણ એનાયત થવાનું હતું. પરંતુ એ પહેલાં તા. ૧૧ ડિસેમ્બરના એ દિવસે તેમની કલમમાંથી એક ગીતે જન્મ લીધો. ભારતની મહાન ભૂમિ, એના લોકો અને ભગવાન શ્રીકૃષ્ણનું મહિમાગાન કરતા એ ગીતનો શરૂઆતનો હિસ્સો સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત બનવાનો હતો. સ્વાભાવિક રીતે જ એ ગીત એટલે ‘જન ગણ મન અધિનાયક જય હે’ અને એના શ્વેત દાઢીધારી રચયિતા એટલે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર.

પાંચ કડીઓ ધરાવતું એ ર્દીઘ કાવ્ય રચાયાના થોડા જ દિવસ બાદ કલકત્તામાં ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરાયું. આ અધિવેશનના બીજા દિવસે એટલે કે તા. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરની ભાણેજ સરલાદેવી ચૌધુરાનીએ એ અધિવેશનમાં સ્કૂલનાં કેટલાંક બાળકોની સાથે મળીને આ ગીતનું ગાન કર્યું. એ વખતે શ્રોતાઓમાં ઈન્ડિયન નેશનલ કૉન્ગ્રેસના તત્કાલીન પ્રમુખ બિશન નારાયણ ધર, ભૂપેન્દ્રનાથ બોઝ, અંબિકાચરણ મઝુમદાર જેવા નેતાઓ પણ સામેલ હતા.

હવે આ સાથે એક યોગાનુયોગ એવો થયો કે એ જ વખતે બ્રિટનના કિંગ જ્યૉર્જ પંચમ અને ક્વીન મેરીની દિલ્હી દરબારમાં હાજરી આપવા માટે ભારતમાં પધરામણી થયેલી. કૉન્ગ્રેસ અધિવેશનનો એ દિવસ બ્રિટનના રાજાનું સત્તાવાર સ્વાગત કરવાને જ વરેલો હતો. એટલે જેવું આ ગીત ત્યાં પેશ થયું કે તરત જ કાગનું બેસવું અને ડાળનું પડવું એ ન્યાયે એ ગીતને કિંગ જ્યૉર્જ પંચમની પ્રશસ્તિ માટે લખાયું હોવાનું માની લેવામાં આવ્યું. એ વખતનાં સ્ટેટ્સમૅન, ઇંગ્લિશમૅન, ઇન્ડિયન જેવાં ઍન્ગ્લો-ઇન્ડિયન અખબારોએ પણ એવા જ મતલબનાં મથાળાં બાંધ્યાં. વળી ખુદ ટાગોરે પણ તાત્કાલિક આ ગેરસમજ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહીં એટલે ટાગોરે કિંગ જ્યૉર્જની પ્રશસ્તિ માટે જ આ ગીત સરજ્યું હોવાની વાત ચાલી નીકળી. પરંતુ પાછળથી બહાર આવેલી અને લોકોમાં અત્યંત ઓછી ચર્ચાયેલી વાત કંઈક અલગ હતી.

રવીન્દ્રનાથ ટાગોર એ વખતે સ્વાભાવિક રીતે જ ભારતના સૌથી મોટા સાહિત્યિક વ્યક્તિત્વ હતા. કેટલાક કૉન્ગ્રેસીઓએ જ ટાગોરને કિંગ જ્યૉર્જના આગમનને વધાવતું એક ગીત રચવાનો પ્રસ્તાવ મૂકેલો. આ પ્રસ્તાવથી ટાગોર કેટલા વ્યથિત હતા એની વાત ટાગોરે પોતાના મિત્ર અને નોબેલ પારિતોષિક વિજેતા પ્રસિદ્ધ આઇરિશ કવિ ડબ્લ્યુ. બી. યેટ્સને તથા પોતાના અન્ય એક મિત્ર પુલિન બિહારી સેનને લખેલા પત્રોમાં કરી હતી. ટાગોરે લખેલું : ‘હિઝ મેજેસ્ટિસ સર્વિસને વરેલા એક ઉચ્ચાધિકારી, જે મારા મિત્ર પણ છે તેમણે મને એમ્પરર (જ્યૉર્જ પંચમ)ના સ્વાગત અને પ્રશસ્તિ માટે એક ગીત રચવા વિનંતી કરી હતી. આ વાતથી મને દુ:ખમિશ્રિત આશ્ચર્ય થયું અને એણે મારા હૃદયમાં તીવ્ર ખળભળાટ જન્માવ્યો. આ મનોમંથનના પ્રતિભાવ સ્વરૂપે જ મેં ભારતના ભાગ્યવિધાતાનો જયઘોષ કરતું ગીત રચ્યું. ભારતના એ જ ભાગ્યવિધાતા યુગો-યુગોથી તમામ ચડતી-પડતીમાં દેશના રથને સંભાળતા આવ્યા છે. તે ભાગ્યવિધાતા સતત લોકમાનસને વાંચતા આવ્યા છે અને લોકોનું માર્ગદર્શન કરતા આવ્યા છે. તે ભાગ્યવિધાતા ક્યારેય કોઈ જ્યૉર્જ પાંચમા, છઠ્ઠા કે અન્ય કોઈ જ્યૉર્જ ન હોઈ શકે. મારા ગીતમાંથી વ્યક્ત થતી એ ભાવના મારા એ અધિકારી મિત્ર પણ બરાબર સમજી ગયેલા.

આ પછી પણ ટાગોરને જ્યારે-જ્યારે આ સવાલ પુછાયો ત્યારે તેમણે સોય ઝાટકીને કહી દીધેલું કે ‘આવા મૂર્ખતાપૂર્ણ આક્ષેપોનો જવાબ આપવાને પણ હું મારું અપમાન સમજું છું. યુગો-યુગોથી આપણને માર્ગદર્શન આપતાં રહેલા શાશ્વત સારથિ તરીકે હું કોઈ જ્યૉર્જ ચોથા કે પાંચમાને ચીતરીને તેમનું મહિમાગાન કરું એ નરાતાળ મૂર્ખામી સિવાય બીજું કશું ન હોઈ શકે.’ પરંતુ કમનસીબી એ છે કે ટાગોરની આ ચોખવટ છતાંય આજની તારીખે પણ કોઈ ચર્ચાઓમાં આપણા રાષ્ટ્રગીત બાબતે વિવાદ ઉપસ્થિત થતો રહે છે.

આવું કન્ફ્યુઝન ઊભું થવાનાં બે કારણો હતાં. એક તો ટાગોરરચિત ‘જન ગણ મન’નું પઠન થયું, ત્યાર બાદ પંચમ જ્યૉર્જની પ્રશસ્તિ કરાયા પછી રામભુજ ચૌધરીએ રચેલા ગીત ‘બાદશાહ હમારા’નું પઠન કરવામાં આવેલું. એ ગીત પંચમ જ્યૉર્જના આગમનને વધાવવા માટે સર્જવામાં આવેલું. આ વાતની ‘આનંદ બઝાર પત્રિકા’ તથા ‘ધ બેંગોલી’ જેવાં ભારતીય અખબારોએ બરાબર નોંધ લીધેલી. ખુદ કૉન્ગ્રેસના (તે વખતના) પોતાના રિપોર્ટમાં પણ આ ચોખવટ સ્પષ્ટપણે કરવામાં આવી હતી. પરંતુ ભારતીય ભાષાઓથી તદ્દન અજાણ એવાં ઍન્ગ્લો-ઇન્ડિયન (અંગ્રેજી) અખબારોને એવી કોઈ ચીવટ રાખવાની દરકાર હતી નહીં અને તેમણે બન્ને ગીત કિંગ જ્યૉર્જ ફિફ્થ માટે જ રચાયાં હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું એટલું જ નહીં, ક્યારેય એની ચોખવટ કરવાનું કે સુધારો છાપવાનું પણ મુનાસિબ ન માન્યું.

કૉન્ગ્રેસ અધિવેશનમાં રજૂ કરાયા બાદ ૧૯૧૨ના જાન્યુઆરીમાં આદિ બ્રહ્મો સમાજના મુખપત્ર તત્વબોધિની પત્રિકામાં આ ગીત છપાયું હતું. ખુદ ટાગોર આ પત્રિકાના તંત્રી હતા. એ જ મહિનાના અંતે ટાગોરના કલકત્તા પાસે આવેલા જોરાસાંકો ઠાકુર બાડી ખાતેના નિવાસસ્થાને મેઘોત્સવની ઉજવણીમાં (તે) પર્ફોર્મ કરવામાં આવેલું.

સાત વર્ષ બાદ ઈ. સ. ૧૯૧૯માં ટાગોર આન્ધ્ર પ્રદેશના મદનપલ્લી ખાતે આવેલી થિયોસૉફિકલ કોલેજની મુલાકાતે ગયેલા. અન્ય એક આઇરિશ કવિ જેમ્સ કઝિન્સ ટાગોરના મિત્ર હતા અને તે થિયોસૉફિકલ કૉલેજના પ્રિન્સિપાલ પણ હતા. તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૯ની એક સાંજે એ કૉલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ટાગોરે આ ગીત ગાઈ સંભળાવ્યું. આ ગીત ત્યાં સૌને એટલુંબધું સ્પર્શી ગયું કે ત્યાર પછી કૉલેજે એને પોતાની સવારની પ્રાર્થના તરીકે સ્વીકારી લીધું. થિયોસૉફિકલ કૉલેજ ખાતે છ દિવસના રોકાણ દરમ્યાન ટાગોરે કઝિન્સનાં પત્ની માર્ગરેટની સાથે મળીને જન ગણ મનનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. માર્ગરેટ કઝિન્સ વેસ્ટર્ન મ્યુઝિકનાં ઉમદા અભ્યાસુ હતાં. બન્નેએ મળીને આ ગીતને ગેય બનાવવા માટે એને સંગીતબદ્ધ પણ કર્યું. એ જ ઢાળમાં આપણે ભારતના સવાસો કરોડ લોકો આ ગીત ગાઈએ છીએ.

એ વખતે ટાગોર જ્યાં રોકાયેલા એ કૉટેજ અને ટાગોરના હસ્તાક્ષરમાં એ ગીતનું ટ્રાન્સલેશન આજે પણ એ થિયોસૉફિકલ કૉલેજના કૅમ્પસમાં જોવા મળે છે. અંગ્રેજી અનુવાદમાં ટાગોરે જન ગણ મનને ‘ધ મૉર્નિંગ સૉન્ગ ઑફ ઇન્ડિયા’ એટલે કે ભારતનું પ્રભાતિયું એવું નામ આપેલું. અંગ્રેજીમાં અનુવાદિત થયા બાદ આ ગીત ભારતના સીમાડા વટાવીને સમગ્ર વિશ્વમાં ફેલાયું. તા. ૨૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ મળેલા કૉન્ગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ફરી પાછું જન ગણ મન ગાવામાં આવેલું. ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ બારના ટકોરે ભારતને આઝાદી મળી. ભારતીય બંધારણીય સભાના એ ઐતિહાસિક સત્રની શરૂઆત વંદે માતરમ સાથે થઈ અને એની પૂર્ણાહુતિ જન ગણ મન સાથે થઈ. પંડિત જવાહરલાલ નેહરુએ એક પત્રમાં લખ્યું હતું કે ઈ. સ. ૧૯૪૭માં ન્યુ યૉર્ક ખાતે ભરાયેલી યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીમાં એક સ્વતંત્ર દેશ તરીકે ગયેલા ભારતીય ડેલિગેશન પાસે તેમનું રાષ્ટ્રગીત માગવામાં આવેલું. ભારતીય ડેલિગેશને જન ગણ મનનું રેકૉર્ડિંગ આપેલું. ત્યાંના ઑર્કેસ્ટ્રા દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થયેલા એ ગીતની અફલાતૂન રચના જોઈને ઉપસ્થિત સૌ સભાજનોએ એને તાળીઓથી વધાવી લીધેલું.

બંધારણીય સમિતિને ભારતનું રાષ્ટ્રગીત પસંદ કરવાનું કામ સોંપાયું એ પછી તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આ સમિતિનું છેલ્લું સેશન મળ્યું હતું. એ વખતે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સત્તાવાર રીતે જન ગણ મનને ભારતનું રાષ્ટ્રગીત (નૅશનલ ઍન્થમ) અને વંદે માતરમને ભારતનું રાષ્ટ્રગાન (નૅશનલ સૉન્ગ) જાહેર કર્યું હતું. એના સમાપન વખતે રાષ્ટ્રપતિએ તત્કાલીન ડેપ્યુટી સ્પીકર એમ. એ. આયંગરને સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા અનુરોધ કર્યો હતો. ત્યારે સ્વતંત્રતા સેનાની પૂર્ણિમા બૅનરજી (અને અરુણા આસફ અલીનાં નાનાં બહેન)એ સૌપ્રથમ સત્તાવાર રીતે સૌને રાષ્ટ્રગીત ગવડાવ્યું હતું.

આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે રવીન્દ્રનાથ ટાગોરે જન ગણ મનની પાંચ કડીઓ રચી હતી, જેમાંથી પ્રથમ કડીને આપણે રાષ્ટ્રગીત તરીકે દરજ્જો આપ્યો છે. અન્ય ચાર કડીઓમાં ભારતને તમામ દુ:ખો, પડતીઓ, કપરા કાળમાંથી બહાર કાઢનારા ભાગ્યવિધાતા ઈશ્વરનું મહિમાગાન કરવામાં આવ્યું છે. ટાગોરે આ ગીતને સાધુ ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃતની છાંટ ધરાવતી સાહિત્યિક તત્સમ બંગાળી ભાષામાં લખ્યું હતું. ભાષા પર ટાગોરની પકડ જુઓ કે તેમણે આ ગીતમાં દેશની સરહદોને સાંકળતા વિસ્તારોનાં તથા અન્ય નામોનો જ બહુધા ઉપયોગ કર્યો હતો. આ જ નામોએ ગીતમાં ક્રિયાપદનું કામ કર્યું. બંગાળીમાં હોવા છતાં આ ગીત અત્યંત અર્થપૂર્ણ બન્યું એટલું જ નહીં, એને ભારતના કોઈ પણ વિસ્તારમાં રહેતી વ્યક્તિ પણ આસાનીથી સમજી શકે એવું બન્યું. આખું ગીત એટલું પૉઝિટિવિટીથી ભરચક છે કે એને આખું સાંભળીએ તો આપણું મન અનેરા ઉત્સાહથી તરબતર થઈ જાય. બે વર્ષ પહેલાં ભારતના ભાગલાની પૃષ્ઠભૂમિમાં બનેલી બંગાળી ફિલ્મ રાજકહિનીમાં ખ્યાતનામ બંગાળી ગાયકોએ ગાયેલું આ આખું ગીત લેવામાં આવ્યું હતું.

ઈ. સ. ૨૦૦૫માં તો એવી પણ વાત આવેલી કે આજે સિંધ પાકિસ્તાનનો પ્રદેશ છે તો આપણા રાષ્ટ્રગીતમાંથી એને દૂર કરીને એના સ્થાને કાશ્મીર શબ્દ મૂકી દેવો જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટમાં આ વિવાદ પહોંચ્યો ત્યારે એવી પણ દલીલ થઈ કે રાષ્ટ્રગીતમાં આવતો સિંધ શબ્દ એ સિંધુ (નદી) તથા સિંધી સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ છે. આખરે સુપ્રીમે રાષ્ટ્રગીતમાં એક શબ્દનો પણ ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો. ઈ. સ. ૨૦૧૩માં આસામના ધારાસભ્ય ફણિ ભૂષણ ચૌધરીએ ઈ. સ. ૧૯૫૦નો એક અખબારી અહેવાલ ટાંકીને કહ્યું કે ટાગોરના મૂળ ગીતમાં આસામ માટે વપરાતો શબ્દ કામરુપ સામેલ હતો, પરંતુ પાછળથી એને કાઢીને એના સ્થાને સિંધુ ઉમેરી દેવાયેલું. એની સામે ટાગોરના ઓરિજિનલ દસ્તાવેજોને ટાંકીને સ્પષ્ટતા કરાઈ કે ટાગોરે ક્યારેય જન ગણ મનમાં કામરુપ શબ્દ વાપર્યો જ નહોતો. હમણાં બે વર્ષ પહેલાં રાજસ્થાનના ગવર્નર કલ્યાણ સિંહે રાષ્ટ્રગીતમાં આવતો અધિનાયક શબ્દ બદલીને એના સ્થાને મંગલ શબ્દ મૂકવાનું સૂચન કરેલું. એ માગ અગેઇન ટાગોરે વારંવાર કરેલી સ્પષ્ટતાની વિરુદ્ધ જતી હતી.

આપણા રાષ્ટ્રગીત વિશે બીજી એક અત્યંત ઓછી ચર્ચાતી છતાં અત્યંત રસપ્રદ એવી વિગત એ છે કે સુભાષચંદ્ર બોઝે ઈ. સ. ૧૯૪૩માં પોતાના બે સાથીદારો કૅપ્ટન આબિદ અલી અને મુમતાઝ હુસેન સાથે મળીને જન ગણ મનનું હિન્દી વર્ઝન ‘શુભ સુખ ચૈન’ તરીકે તૈયાર કરેલું. જન ગણ મનના ઢાળમાં જ ગાઈ શકાતા આ ગીતની પહેલી પંક્તિ કંઈક આ રીતે હતી : ‘શુભ સુખ ચૈન કી બરખા બરસે, ભારત ભાગ હૈ જાગા.’ જોકે ટાગોરની ઓરિજિનલ કવિતાને જ રાષ્ટ્રગીત બનવાનું બહુમાન પ્રાપ્ત થયું.

રવીન્દ્રનાથ ટાગોર વિશે જ એક અનોખી વાત એ છે કે તેઓ વિશ્વની એકમાત્ર એવી વ્યક્તિ છે જે એકસાથે બે દેશનાં રાષ્ટ્રગીત રચવાનું બહુમાન ધરાવે છે. જન ગણ મનનાં વર્ષો પહેલાં ઈ. સ. ૧૯૦૫માં રવીબાબુએ રચેલા ‘આમાર શોનાર બાંગ્લા’ ગીતને બંગલા દેશે સ્વતંત્ર થયા પછી પોતાના રાષ્ટ્રગીત તરીકે અપનાવી લીધું. ટાગોર વિશે અનોખી અને ભાગ્યે જ ચર્ચામાં આવતી વધુ એક રસપ્રદ વિગત એ છે કે ટાગોર પોતે પરોક્ષ રીતે શ્રીલંકાના રાષ્ટ્રગીતની રચનામાં પણ નિમિત્ત બન્યા હતા. બનેલું એવું કે ટાગોરે કલકત્તામાં પોતાના શાંતિનિકેતનમાં સ્થાપેલી વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં એક શ્રીલંકન વિદ્યાર્થી પણ કળા અને સંગીત ભણવા આવેલો. ટાગોરથી અત્યંત પ્રભાવિત થયેલો આનંદ સમરકૂન માત્ર છ જ મહિનામાં બ્રિટિશ શાસન હેઠળના સ્વદેશ શ્રીલંકા પરત જતો રહ્યો. ત્યાં જઈને તેણે ખ્રિસ્તી ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને પોતાનું નામ પણ બદલીને આનંદ સમરકૂન કરી નાખેલું. શ્રીલંકામાં ગીત સાહિત્ય નામની નવી સંગીત પ્રણાલિની શરૂઆત કરનારા આનંદે પોતાના એક પણ ગીતમાં એક શબ્દનો પણ ફેરફાર કરવાના વિરોધમાં એકાવન વર્ષની વયે ઊંઘની ગોળીઓ ગળીને આત્મહત્યા કરી લીધેલી. પરંતુ એ પહેલાં તેણે રચેલું શ્રીલંકા માતા ગીત આઝાદી બાદ શ્રીલંકાનું રાષ્ટ્રગીત બન્યું.

તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે જન ગણ મનની સાથોસાથ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે વંદે માતરમની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં રહેલી ભૂમિકાને માન આપીને એને રાષ્ટ્રગાન જાહેર કરેલું અને એને રાષ્ટ્રગીત જેટલો જ દરજ્જો આપવાની જાહેરાત કરેલી.

ઇતિહાસકારો માને છે કે બંકિમચંદ્રે ઈ. સ. ૧૮૭૬ના અરસામાં હુગલી નદીને કિનારે મલ્લિક ઘાટ પાસે આવેલા ઘરે વંદે માતરમની રચના કરેલી. બંકિમચંદ્રે સંસ્કૃત અને બંગાળી શબ્દો વાપરીને આ ગીત રચેલું. પાછળથી ઈ. સ. ૧૮૮૨માં પ્રકાશિત થયેલી બંકિમચંદ્રની નવલકથા ‘આનંદ મઠ’માં પણ એનો સમાવેશ કરવામાં આવેલો. ‘આનંદ મઠ’ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ફકીર સંન્યાસી રિબેલ્યન પર આધારિત હતી. અંગ્રેજોએ આ નવલકથા પર પ્રતિબંધ મૂકેલો. રચના પછી તરત જ જદુનાથ ભટ્ટાચાર્યને આ રચનાને સંગીતબદ્ધ કરવાનું કામ સોંપાયેલું. અરવિંદ ઘોષે એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ કરેલું.

હે માતા, હું તમને વંદન કરું છું જેવો અનુવાદ ધરાવતું આ ગીત અને ખાસ કરીને એની પ્રથમ લાઇન વંદે માતરમ અંગ્રેજો સામેની લડતમાં તરત જ લોકપ્રિય થઈ ગયાં. તમામ રેલીઓ, જાહેરસભાઓમાં વંદે માતરમનો ઘોષ કરવો લગભગ પ્રથા થઈ પડી. એટલે જ એક તબક્કે અંગ્રેજોએ એના પર પ્રતિબંધ પણ ફટકારેલો. ખુદ રવીન્દ્રનાથ ટાગોરે પણ ઈ. સ. ૧૮૯૬માં કલકત્તા કૉન્ગ્રેસ સેશનમાં વંદે માતરમનું ગાન કરેલું. રાજકીય મંચ પરથી દેશને ધ્યાનમાં રાખીને થયેલું આ ગીતનું એ સૌપ્રથમ ગાન હતું. જ્યારે પહેલી વાર જન ગણ મન ગાનારાં સરલા દેવી ચૌધુરાનીએ પણ ઈ. સ. ૧૯૦૫માં બનારસ ખાતે યોજાયેલા કૉન્ગ્રેસ સેશનમાં વંદે માતરમ ગાયેલું. લાલા લજપતરાયે લાહોરમાં વંદે માતરમ નામની પત્રિકા શરૂ કરેલી. હીરાલાલ સેને ભારતની પહેલી પૉલિટિકલ ફિલ્મ બનાવેલી, જે વંદે માતરમના ઘોષ સાથે પૂરી થયેલી. ઈ. સ. ૧૯૦૭માં મૅડમ ભિકાઈજી કામાએ જર્મનીના સ્ટટગાર્ટ ખાતે ભારતનો સૌપ્રથમ તિરંગો તૈયાર કરીને લહેરાવેલો. લીલો, પીળો અને લાલ એમ ત્રણ રંગોના પટ્ટા ધરાવતા આ તિરંગામાં વચ્ચોવચ દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખેલું હતું. ભારતના સંપૂર્ણ સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા ઉકેલીએ તો ઠેકઠેકાણે વંદે માતરમના આવા રસપ્રદ ઉલ્લેખો જોવા મળે છે

જોકે આપણને આઝાદી મળી ગઈ, વંદે માતરમને યોગ્ય રીતે જ રાષ્ટ્રીય ગાનનો દરજ્જો અપાઈ ગયો. વિશ્વના ભાગ્યે જ બીજા કોઈ દેશમાં આ રીતે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન બન્ને હશે. વળી દેખીતી રીતે જ આપણે સ્વીકારેલી વંદે માતરમની પહેલી બે કડીઓમાં ભારત ભૂમિની જ વાત છે. તેમ છતાં આજે પણ એના પર રાજકારણ થતું રહે છે. ક્યાંક કોઈ આ ગીત ગાવાની ફરજ પાડે છે, તો ક્યાંક એની વિરુદ્ધમાં ફતવા બહાર પડે છે, તો કોઈ એને ગાવાની ના પાડી દે છે.

(‘ગુજરાતી મીડ-ડે’, તા ૧૧-૦૨-૨૦૧૭.)
[પાછળ]     [ટોચ]