[પાછળ] 
ખરાબ કરવાની કળા -૧
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક

કો ઈ કહેશે કે ખરાબ કરવાની કળા ઉપર લખવાનું શું પ્રયોજન? ખરાબ કરવાથી શો ફાયદો થવાનો હતો? આવા લેખનો ઉપયોગ શો? હું કહું છું કે આવા સવાલો કરનારે આ લેખ વાંચવો જ નહિ. કારણ કે આ લેખ સમજવાને તે અધિકારી નથી. કલા વિષે સીધા સાદા અભિપ્રાયો પણ એ 'પ્રશ્નક' જાણતો નથી. (મને પણ એક નવો શબ્દ બનાવવાનું માન મળી ચૂક્યું!) કેટલી વાર કહીએ કે ભાઈ કલાનું પ્રયોજન કલાથી ભિન્ન હોઈ શકતું નથી, કલાને ફાયદાથી માપવાની નથી. કલાનો ઉપયોગ ન હોઈ શકે. છતાં જે ન સમજે ‘તાન્ પ્રતિ નૈષ યત્નઃ’

અને એક બીજી રીતે વિચારતાં ખરાબ કરવું એ જ જગતનું રહસ્ય છે. જગતમાં મોટા થવું એમાં જ કૃતકૃત્યતા રહેલી છે, એમાં તો કોઈથી ના પડાય એમ નથી. હમણાં જ આપણા એક સાક્ષરે તે સિદ્ધ કર્યું છે. મોટા થવું એટલે બીજી ચીજો અને વ્યક્તિઓ ઉપર સ્વામિત્વ મેળવવું. અને સ્વામિત્વ એટલે ખરાબ કરવાનો હક્ક. મારું છોકરું હોય તેને સારું ખવરાવવાનો ગમે તેને હક્ક છે, મારગનો જનારો પણ તેને સારું આપી શકે; પણ ખરાબ ખવરાવીને માંદો પાડવાનો માત્ર મને જ હક છે. મારા છોકરાને કાંઈ પણ સારું શીખવવાનો ગમે તેને હક છે પણ ખરાબ શીખવવાનો, મારામાં જેટલા દુર્ગુણો હોય તેટલા બધા શીખવવાનો, તેને જગતને માટે નિરુપયોગી બનાવવાનો મને એકલાને જ હક છે. બૈરી હોય, તો તેને સારી રીતે બોલાવવાનો ગમે તેને હક છે, પણ તેને ગાળ દઈને બોલાવવાનો, તેને લાકડી મારવાનો માત્ર તેના સ્વામીને જ હક છે.  મારા કપડાં ધોઈ આપવાનો ગમે તેને હક છે પણ મારા કપડાં ગંદા કરવાનો કે ઘરના વાસણ ચીડાઈને અફાળીને ભાંગી નાખવાનો માત્ર મને જ હક છે. ડાહ્યાં મા-બાપો, બચ્ચાં બહારની બદી ન શીખી જાય પણ પોતાની જ બધી બદી શીખે એટલા માટે છોકરાંને ઘરની બહાર જવા દેતાં નથી. સ્વામિત્વનું ખરું રહસ્ય જ ખરાબ કરવામાં રહેલું છે. બાળક પણ આ વાત બરાબર સમજે છે એટલે રમકડાથી રમવાને બદલે એને ભાંગી નાખે ત્યારે જ તે પરનું સ્વામિત્વ પોતે અનુભવી શકે છે.

આ બાબત ફિલસૂફીમાં હું પહેલી જ વખત લખું છું પણ લોકવ્યવહાર, જે ફિલસૂફી કરતાં હંમેશાં આગળ ગયેલો હોય છે, તેમાં તે પહેલેથી જ સ્વીકારાઈ છે. ‘ધણીનો બળદ કોશે નાથે કે કોહાડે નાથે તેમાં કોઈને શું?’ એ કહેવત એ જ બાબત સિદ્ધ કરી આપે છે. બીજી એક લોકડહાપણની વાર્તામાં આ જ સ્વીકારાયું છેઃ

‘કેમ મિંયા સાહેબ, આ લડકા તમારા હે?’

‘સાલા, મેરા નહિ તો ક્યા તેરા હૈ?’

‘નહિ નહિ, મિંયા સાબ આપકા આપકા, લેકિન શિયાળામાં અચ્છી તરહસે સાલમપાક ખિલાઓ. દેખો કૈસા હો ગયા હે.’

‘મેં ચાહુંગા તો સાલમપાક ખિલાઉંગા, નહિતર માર માર કે સાલા કી ઠૂંસ કાઢુંગા. ઇસમેં તેરા ક્યા!?’

આ સંવાદ આટલો જ હશે કેમકે તે બહુ લાંબો ચાલી શકે તેમ જ નથી, એ તો દરેક વાંચનાર સમજી ગયો હશે. જ્યાં સત્ય તરત જ સીધેસીધું સામે આવી જાય ત્યાં સંવાદને લાંબો કરવાની જરૂર રહેતી નથી.

જીવનના જુદા જુદા પ્રદેશોમાં આ કલા જુદીજુદી રીતે પ્રગટ થાય છે. દાખલા તરીકે તમે એક સુંદર ઘર ભાડે રાખ્યું. કોઈ જગ્યાએ ડાઘોડૂઘી કશું નથી. હવે તમે તેને ધોળાવો નહિ તે પણ તેની ભીંત ખરાબ થાય તો તેમાં તમારી કળા નથી. કોલસાથી ભીંત કાળી કરો તો તેમાં પણ કલાની કોઈ સાહજિકતા નથી. એ તો તમે જાણી જોઈને કર્યું. એમ નહિ. પણ ધારો કે તમે જમીને હીંચકે બેઠા છો અને પાનની મોજ માણતા માણતા સ્વાભાવિક રીતે દિવાલ પર પિચકારી મારો તેમાં કલા છે. તે તમારા મુખનું સ્વાભાવિક ઉચ્ચારણ છે અને તેથી પાછી દિવાલ ખરાબ પણ થાય છે. એ જ રીતે રસ્તાઓ, ફૂટપાથ, દાદર, બસ, રેલ્વે સ્ટેશન, ટ્રેનના ડબ્બાઓ, ખાંચાઓ, ચોક, વગેરે વગેરે પર જ્યાં ત્યાં થૂંકી કલામય રીતે તેને ખરાબ કરવામાં આવે છે.

કેટલીક વસ્તુને પવિત્ર કરવા અથવા પવિત્ર રાખવા માટે પણ ખરાબ કરવી પડે છે. બ્રાહ્મણનું અબોટિયું એટલું બધું પવિત્ર છે કે તેને ચોખ્ખું રાખી શકાય જ નહિ. ઊન માત્ર પવનથી શુદ્ધ થાય છે. ઊનમાં રેશમનો પણ સમાવેશ કરવો જોઈએ. હવે જે વસ્તુ માત્ર પવનથી શુદ્ધ થાય છે તેને જો પાણીથી ધોઈએ તો પછી તે વસ્તુનું મહાત્મ્ય ક્યાં રહ્યું? માટે મહારાજોનાં અબોટિયાં. સંધ્યા કરવાનાં વાસણ, ઠાકોરજીના સિંહાસનો, ઠાકોરજીની ગાદી, ઠાકોરજીને નવરાવીને કોરા કરવાનો અંગુછો, આ બધાં પવિત્ર હોવાના કારણે જ ગંદા રાખવા જોઈએ. જનોઈ પણ તે જ કારણે ગંદી રાખવી જોઈએ. શુ તેને ગળા બહાર કાઢીને સાબુથી ધોઈ શકાય? જનોઈને ગળા બહાર કાઢો તો તમારાથી કોઈ ક્રિયા જ ન થાય તો ધોઈ કેમ શકાય? માટે જનોઈ પવિત્રતાના કારણે ગંદી રહે છે.

આ પવિત્રતા આખા જીવનને અસર કરે છે. મ્યુનિસિપાલિટીમંથી મળતું પાણી કદાચ ચોખ્ખું મળતું હોય તે કબૂલ કરીએ. ચોખ્ખું એટલે સાયન્સની દૃષ્ટિએ ચોખ્ખું. તે ફિલ્ટર કરેલું હોય, અંદર દવા નાખી સારું કરેલું હોય વગેરે. પણ તે પવિત્ર તો જ્યારે ગળણે ગળાય ત્યારે જ બને. ઘણા લોકો પીવામાં, નાહવામાં તેમજ ઢોળવામાં પણ પવિત્ર પાણી જ વાપરે છે. મારા પાડોશી જૈન છે. તેમના પિતાએ ઘર ચણાવ્યું ત્યારે ચણવામાં પણ ગળેલું પાણી જ વાપરેલું. એટલે પાણી ગળવું તો જોઈએ જ. અને પાણીને ગળવા માટે આપણી બુદ્ધિએ એક બહુ વિચિત્ર ઉપાય શોધી કાઢ્યો છે. એક કપડું લઈને નળને જ વીંટી દેવું! ગોળો ગળવા માટે તો કપડું જરા મોટું જોઈએ પણ નળને મોઢે બાંધવા માટે તો નાનામાં નાનું ચીંથરું ચાલે. ઘણાં માણસોના ઘરે તો મેં નળરાજા ગૂંગળાઈ જાય એટલો કપડાંનો ડૂચો જોયો છે. પછી એ ડૂચો કદી ધોવો પડતો નથી, કારણ કે તેમાં અંદરનો કચરો કદી બહાર આવી શકતો નથી અને ધોધમાર પાણીના કારણે બહાર તો કચરો ચોંટવાનો સંભવ જ નથી એટલે જરા પણ મહેનત કર્યા વિના હંમેશ માટે પાણી ગળાઈને જ આવવા દેવા માટે આ સારામાં સારો ઉપાય છે.
 [પાછળ]     [ટોચ]