[પાછળ] 
ખરાબ કરવાની કળા -૨
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક

વે જરા ખરાબ કરવાની કલા જીવનના એક બીજા પ્રદેશમાં જોઈએ. તેમાં મને મુખ્ય ચોપડી બગાડવાની કળા લાગે છે. ચોપડી ક્યાં સુધી વાંચી તેની નિશાની રાખવા પાનું ખૂણા પર વાળવું એ સહેલામાં સહેલી યુક્તિ લાગે છે, તેથી મહેતાજીઓનાં પાઠ્યપુસ્તકોનાં એટલાં બધાં પાનાં વળેલાં હોય છે કે પછી નવી નિશાની કરવા નવો ખૂણો વાળવો પડે છે. અને પાનું ચોખંડું હોવા છતાં તેને વાળી શકાય તેવા બે જ ખૂણા હોય છે તેથી ખૂણા ખૂટી જાય છે, ફાટવા માંડે છે. પણ તે કરતાં વધારે સફળ રીત, પેન્સિલ કે હોલ્ડર મૂકવાની છે. મોટી ચોપડીઓમાં અંદર પેન્સિલ મૂકાય પછી તેના પર ભાર આવવાથી ચોપડીની બાંધણી ફાટવા માંડે છે અને થોડા વખતમાં કર્તાએ ન ધાર્યા હોય તેવા તેના વિભાગો પડી જાય છે.

આ ઉપરથી મને એક બીજી રીત યાદ આવે છે. મારા એક મિત્રને બી.એ. થયા પછી ૧૪ વરસે સરસ્વતીચંદ્ર વાંચવાની મરજી થઈ. તેનો પહેલો ભાગ પોતાની પાસે હતો તે વાંચ્યો. બીજો ભાગ ખાસ 'સ્ત્રીયોપયોગી' હોવાથી પોતે મગાવ્યો - શાલોપયોગી, બાલોપયોગી, વ્યવહારોપયોગી તેમ સ્ત્રીયોપયોગી પણ શબ્દ થાય - અને સ્ત્રીઓ માટે પહેરવેશ જુદો છે, તેમનું સંગીત-ગરબી-રાસ વગેરે જુદું જ છે તેમ આપણે ત્યાં તેમને માટે સાહિત્ય પણ જુદું રાખીએ છીએ. જેમ કેટલીક પુસ્તક પ્રકાશન કંપનીઓ હિંદ અને સંસ્થાનો માટે જુદી આવૃત્તિઓ કાઢે છે તેમ આપણે સ્ત્રીઓ માટે જુદું જ સાહિત્ય કાઢીએ છીએ. અસ્તુ. એ ભાઈ સરસ્વતીચંદ્રના બે ભાગ વાંચ્યા પછી ત્રીજો ભાગ લઈ ગયા અને અંદરનો વાર્તાનો ભાગ વાંચી પાછો આપી ગયા. અને પછી ચોથો લઈ ગયા.

હવે સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ છપાયો ત્યારે તેના વિદ્વાન કર્તાને પુસ્તકોના પદ્મિની હસ્તિની વગેરે પ્રકારો થઈ શકે છે તે વાતની ખબર નહિ. કૌમુદીકારે આ ભાગ પાડવાની નવીન યોજના શરૂ કરેલી, પણ પોતે જ તે યોજનાનો ધીમે ધીમે ક્ષય કરી નાશ કર્યો. પ્રથમ પદ્મિની લખવાને બદલે માત્ર પ. લખ્યો અને પછી આખી પ્રથા જ છોડી દીધી! હવે આ ઉપયોગી વિભાગોની એ વિદ્વાન કર્તાને ખબર નહીં હોવાથી ચોથો ભાગ ઘણો જાડો થઈ ગયો છે. કોણ જાણે એ હસ્તિની વિભાગમાં કદાચ ખપે. તેની લંબાઈ કરતાં જાડાઈ જરાક જ ઓછી છે. હવે મારા મિત્રને આરામ ખુરસીએ બેસીને વાંચવાની ટેવ અને તેમને મુખ્યત્વે રેનૉલ્ડ્ઝનાં નોવેલો વાંચેલાં તે એક હાથમાં ઝાલી, પાનું વંચાતું જાય તેમ તેમ ગોળ ફેરવીને (બેવડ વાળી) પાછળ લઈ જવાનો તેમનો રિવાજ. તેમણે આ જ પ્રયોગ આ ચોથા ભાગ પર કર્યો. તમે સમજી શકશો કે શું થયું હશે. પ્રથમ પીઠ ફાટી ગઈ, અને પછી ચામડી ઉતાર્યા પછી જેમ શરીરની કાપકૂપ થઈ શકે તેમ થોકડીઓ જુદી જુદી થઈ ગઈ. પછી એ મિત્રે થોકડીઓ જ લઈ વાંચી નાખી અને બહુ માગી ત્યારે બિલાડીએ મારી નાખેલા કબૂતર જેવી વીંખાઈ ગયેલી મને પાછી આપી.

એક બીજો પણ આવો જ દાખલો યાદ આવે છે. મારા એક મિત્રનું કોઈ પુસ્તક ખોવાયેલું. ઘણું શોધે પણ જડે નહિ. પછી એક બીજા મિત્રને ત્યાં અમે બંને મળવા ગયેલા. ત્યાં તેનો નોકર એક ચોપડી લઈ કબાટમાં મૂકતો હતો. મારા મિત્રે તરત બૂમ પાડી કેઃ ‘એ ચોપડી મારી છે.’ હવે પુસ્તકનું કામ કશું દેખાતું ન હતું. મેં પૂછ્યુંઃ ‘તમે કેમ જાણ્યું?’ તેમણે કહ્યુંઃ ‘તેનું પૂંઠું જુઓ.’ મારે ઘેર દરેક ચોપડીના પૂંઠા ઉપર ચાના કપ મૂક્યાંનાં દસ બાર કૂંડાળાં હોય જ છે. એ મારી જ ચોપડી છે.' પણ એ ચોપડી ઉઘાડી તો તેમની નહોતી. એ તો અમે બેઠા હતા તે ઘરધણીની જ હતી. ત્યારે મને ખબર પડી કે ચોપડી ખરાબ કરવાની આ પણ એક અદ્‌ભુત કળા છે!

કલાકારો બે પ્રકારના હોય છે. કેટલાક કલા કરે છે ત્યારે બેદરકાર જેવા દેખાય છે. આધુનિક કલાનું એ ખાસ લક્ષણ છે. પ્રશંસાના અર્થમાં બેદરકાર શબ્દ સાહિત્યમાં હમણાં હમણાં જ આવવા લાગ્યો. તે પહેલાં તો તે અવગુણ ગણાતો હતો. ઉપર જણાવ્યા તે કલાકારો પહેલા વર્ગમાં આવે. પણ બીજાથી પણ ચોપડી ખરાબ થઈ શકે છે. બે માં કયા વધારે સારા તે હું નક્કી કરી શક્યો નથી.

બહુ સંભાળીને વાંચવાથી પુસ્તકો અદ્‌ભુત રીતે બગડે છે. આવા વાચકોનો ઓછોવત્તો દરેકને અનુભવ હશે. પણ મારે આવા એક મહાન વાચકનો અનુભવ થયેલો. તેઓ મારી સાથે કોલેજમાં ભણતા હતા અને કોલેજની પરીક્ષાઓનો તેમને ઘણો અનુભવ થઈ ગયેલો. તેઓ પાંચ સાત જાતની પેન્સિલો રાખતા. સાધારણ અગત્યનું હોય તેને અમુક રંગથી નિશાની કરતા, તેથી વધારેને માટે બીજો રંગ, તેથી વધારેને માટે ત્રીજો રંગ એમ અગત્યની જુદી જુદી કોટીઓ માટે તેમણે પાંચ-સાત રંગો નક્કી કરેલા. પછી પરીક્ષા પહેલાં એક માસ હોય ત્યારે પહેલા રંગનું વાંચવું, પછી પંદર દિવસે બીજા રંગનું... અને છેક છેલ્લે દિવસે તો સૌથી વધારે અગત્યદર્શક રંગની નિશાનીઓ વાંચી જવી. નિશાનીઓ પણ આડી ઊભી બંને કરતા. વળી માર્જિનમાં N.B., Imp., Very Imp., Most Imp., વગેરે લખતા. (ધ્યાનમાં રાખો, અગત્યનું, ઘણું જ અગત્યનું.) તે ઉપરાંત L.B.H. લખતા. આ છેલ્લી 'લાઘવી' તો ડિક્ષનરીમાં પણ કદાચ ન મળે માટે કહું છું કે તેઓ અર્થ Learn by heart એટલે કે ‘ગોખી મારો’ એવો થાય છે. તે ઉપરાંત બે લીટીઓ વચ્ચે અને માર્જિનમાં શબ્દોના અર્થો કે પ્રોફેસરોએ કહેલું લખી લેતા. ટૂંકમાં ચોપડીના પાનામાં ક્યાંય પણ કોરી જગ્યા રહેવા ન દેતા. એમણે વાંચેલ ચોપડી પછી કોઈ વાંચી ન શકતું. હું માનું છું તેઓ પોતે પણ નહોતા વાંચી શકતા.

પહેલાં મેં કહ્યું કે ખરાબ કરવાનો હક્ક સ્વામિત્વમાં રહેલો છે. પણ ચોપડીઓ સંબંધી એવું નથી. ચોપડી તો ગમે તેની હોય તો પણ ખરાબ કરી શકાય. અરે તેની તો ચોરી પણ કરી શકાય, અંદરનાં પાનાં કે ચિત્રો ફાડી લઈ શકાય. કહેવત છે કે ‘પાળે તેનો ધરમ અને ચોરે તેની ચોપડી.’ અને તેથી ચોપડીઓ ખરાબ કરવાની કળા ઘણી જ વિકાસ પામી છે.

હવે કેટલાક બહુ ધ્યાનપૂર્વક વાંચનારા અને સ્વતંત્ર વિચાર કરનારા ગમે તેની ચોપડી હોય તેમાં પોતાના વિચારો માર્જિનમાં લખે. તેથી તેમના પછી વાંચનારાને તે વિચારો વાંચવા હોય કે ન હોય તો પણ વાંચવા પડે છે. આનો એક દાખલો મને હંમેશ યાદ રહેશે. મારા એક મિત્ર કોઈ નવલકથા લાયબ્રેરીમાંથી લઈને વાંચતા હતા અને હું જઈ ચઢ્યો. તેમાં અમુક જગ્યાએ કોઈ વાંચનારે લખેલું કે ‘વાર્તાકાર ગધેડો છે.’ તેની નીચે પછીના વાંચનારે લખેલું કે ‘આ લખનાર ગધેડો છે.’ વાક્ય દ્વિઅર્થી છે પણ તેમાં ગંમત પડે તેમ છે. મારો મિત્ર લખવા જતો હતો કે ‘બંને ગધેડા છે.’ પણ મેં ના પાડી અને તેને સમજાવ્યો કે આમ કરવાથી માણસની સંખ્યા ઘટતી જશે અને જગતમાં ગધેડાની સંખ્યા વધતી જશે. એ મિત્ર મારું માની ગયો અને ‘એ વાત એટલેથી રહી.’ પણ ચોપડી ખરાબ કરવાની આ પણ એક મશહૂર કળા છે.

ખરાબ કરવાની કળામાં સૌથી અદ્‌ભુત મોઢું બગાડવાની કળા છે. જેમ નવલકથા લખવાની કલા, કલા છે તે ઉપરાંત પૈસાની પ્રાપ્તિ પણ કરાવે છે, તેમ આ કલાથી પણ પૈસો મળે છે. અમેરિકામાં થોડા વરસ ઉપર સૌથી કદરૂપી બાઈને એક ઇનામ મળેલું હતું. અને આ કલા આપણે ધારીએ તે કરતાં વધારે વપરાય છે. કેટલીક કલા જેમ અજ્ઞાત હોય છે તેમ આના કલાકારો હજી આ વાત જાણતા નથી.

ધારો કે કોઈનું મોઢું સારું છે, અથવા છેવટ ખરાબ તો નથી જ. પણ તે તેને બગાડી શકે છે. એક બહુ જ સારી યુક્તિ એ છે કે કોઈપણ વસ્તુ જોવી હોય ત્યારે આંખો બંધ કરવી અને મોં પહોળું કરવું. કેમ જાણે મોંથી જ જોતા હોઈએ. થોડી વાર એમ કરશો એટલે એ ટેવ પડી જશે, નજીકમાં નજીક ચીજ કે દૂરમાં દૂર ચીજ જોવાને પણ આવો ચહેરો કરવો પડશે, તેથી કરચલીઓ અને મોંના સ્નાયુઓ એવી રીતે ગોઠવાશે કે પછી મોં એવું જ રહ્યા કરશે. અહીં મોં શબ્દ જરા સમજીને વાંચશો. મોં એટલે ખાવાનું અને બોલવાનું કાણું એ અર્થ પણ ખરો, અને ચહેરો એ અર્થ પણ ખરો; જ્યાં જે હોય ત્યાં તે યથાયોગ્ય સમજી લેવાનો.

હોશિયારીથી પણ મોઢું બગડે છે. એક માણસ સાથે વાત કરતાં કરતાં તમે તેને હોશિયારીમાં કેવો બનાવો છો તે સૂચવવા પડખે ઊભેલા બીજા કોઈ માણસ તરફ મિત્રભાવે જોતા જાઓ, એક ગાલ ઊંચો કરીને અને તે બાજુની આંખના ઉપલા પેઢાને નીચે કરીને જરા જરા આંખ ઝીણી કરતા જાઓ; થોડા જ દિવસોમાં, કાંઈ પણ કારણ સિવાય, સ્નાયુઓ એમ જ હાલવા માંડશે, આંખ ઝીણી થવા લાગશે અને પછી ઊંઘમાં પણ મોઢું વાંકું અને આંખ ઝીણી રહ્યા કરશે.

અતિશય લાગણીથી પણ મોઢું બગડે છે. કોઈ કહે છે કે, ‘બારેજડી ગાડી બપોરે ૨॥ વાગે પહોંચશે,’ અને તે જ વખતે તમને જો ઘણી જ લાગણી થઈ જાય કે તમે તો આ ટ્રેનમાં અને આ રસ્તે આવતાં જતાં ઘરડા થઈ ગયા, આ આજકાલનો માણસ તમારાથી મતભેદ કરી જુદો વખત બતાવે છે, લોકોને કાંઈ અક્કલ નથી. દુનિયામાં સાચું કહેનારને કોઈ માનતું નથી, એનાં કર્યા એ ભોગવે એમાં આપણે શું, -એ બધી લાગણી તમને થઈ આવે, તેથી જિંદગીનો કંટાળો આવે, તમે નિરાશ થઈ માથા પર હાથ ફેરવવા માંડો, બંને આંખો ઝીણી કરી નાખો, જેમ કૂતરાં એક બીજા પાસે મોઢું લાવીને અહિંસાથી લડતી વખતે નાક ઉપર કરચલી ચડાવી દે, તેમ તમે પણ નાક પર કરચલી ચડાવી દો, તો પછી દુકાનનું પાટિયું દેખી, કે માખી દેખીને પણ તમને લાગણીઓ થઈ આવવાની, અને થોડા માસમાં કે દિવસમાં આખું મોઢું એવું જ થઈ જવાનું.

આ કલા ઘણી વિસ્તરેલી છે પણ રેખાચિત્રો સિવાય તે સ્ફુટ કરી શકાય તેમ નથી. માટે બરાબર મોઢાં ચીતરી આપનાર કોઈ સ્વૈરવિહારી ચિતારો મળે ત્યાં સુધીને માટે આ વિભાગ મુલતવી રાખવો પડશે.
 [પાછળ]     [ટોચ]