[પાછળ] 
હું મારી ચાલ નહીં બદલું
લેખકઃ કિશનસિંહ ચાવડા

મારું રાજ્ય મોટું હતું, પણ અમારું રેલ્વેસ્ટેશન નાનું હતું. લોકલ ગાડી માત્ર બે જ મિનિટ ઊભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલગાડીમાં નીકળી જંક્શને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ જતો હતો અને ત્યાંથી અમે મસૂરી જવાના હતા. સ્ટેશન ઉપર એક નાનાશા રાજ્યના ધણી પણ અલ્લાહાબાદ જવા માટે પધાર્યા હતા.

પ્લૅટફૉર્મ ઉપર એમને બેસવા માટે સ્ટેશન માસ્તરની એકની કે ખુરશી બહાર કાઢવામાં આવી હતી અને દરબાર બરાબર જ્યાં એંજિન આવીને ઊભું રહે ત્યાં જ પ્લૅટ્ફૉર્મને છેડે બેઠા હતા. આગળ પાછળ હુકમ ઉઠાવવા હજૂરિયાની હાર વીખરાયેલી ઊભી હતી. એટલામાં તો એક ઘંટો વાગ્યો, સીટી વાગી અને ગાડીએ દૂરથી જ પોતાનું આગમન જાહેર કર્યું. એક હજૂરિયાએ પેલા રાજાસાહેબને નિવેદન કર્યું કે ગાડી આવે છે. એટલે તરત જ હુકમ થયો કે હવે પાન બનાવો. પાન બની રહ્યું અને ગાડી પણ આવી ગઈ. ત્યાં વળી હુકમ થયો કે હુક્કો ભરો. હુક્કો ભરાયો ન ભરાયો ત્યાં ગાડીએ સીટી મારી અને પોતાની ઊપડવાની વાત જાહેર કરી.

સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાછળના ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઊંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઊપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશન માસ્તરે લીલીને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઊતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાંતો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરિયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરિયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે. ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતાં ખાતાં વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે.

મારી ધીરજ ખૂટ્તી હતી. સ્ટેશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઈ ગઈ અને ગાડી પાછી ધીરેથી ઊપડી. મેં દરબારને કહ્યું કે જરા જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે ગાડીને જવું હોય તો જાય પણ હું મારી ચાલ નહીં બદલું. હું દોડીને ડબ્બામાં ચઢી ગયો અને અંદર જઇને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઇને ડબ્બામાંથી સ્ટેશનમાસ્તરને પચ્ચીસ રૂપિયા બક્ષિસ આપ્યા અને એના ઉમંગમાં એણે જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.

(અમાસના તારા)
 [પાછળ]     [ટોચ]