[પાછળ] |
આઝાદીના પ્રથમ દિવસે... લેખકઃ ગણેશ વાસુદેવ માવળંકર (૧૮૮૮-૧૯૫૬) (અંગત રોજનીશીમાંથી) ગુરુવાર, તા. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ સવારે નિત્યવિધિ આટોપીને ડૉ. કેળવકરને ઘેર (૧૧, અકબર રૉડ) જઈ આવ્યો. ડાબા હાથની મારી આંગળી હજી સાજી થઈ નથી. મને ડાયાબિટિસ છે, એટલે એની ઉપેક્ષા ન કરવી અને જખમ ધોઈને પાટો મારવો (dressing) એ કામ કોઈ જાણકાર ડૉક્ટર પાસે કરાવવું સારું એમ સમજીને એમને ત્યાં ગયો હતો. કોઈ પણ પ્રકારે ચિંતાનું કારણ નથી એવો અભિપ્રાય એમણે આપ્યો. ઘેર આવીને સ્નાન વગેરે આટોપ્યા બાદ કામ પર ચઢ્યો. કાગળો લખાવ્યા. શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી, યશવંત પંડ્યા આવ્યા હતા. વિશ્વવિદ્યાલય કમિટી, અમદાવાદ. મ્યુનિસિપાલિટી વગેરે ઠીક ઠીક વિષયો વાતોમાં નીકળ્યા. પંડિત દિનાનાથ દિનેશ પણ મળવા આવેલા. બીજા પણ કેટલાક. વાયુપ્રવચનનો મુસદ્દો ગઈ કાલે સુધાર્યો હતો તે ફરી ટાઈપ થઈને આવ્યો તે સુધારીને A.I.R. પર મોકલી આપ્યો. થોડું ઓફિસનું કામ પણ થયું. બાકી રહેલી રોજનીશી લખી. જમ્યા બાદ થોડો વખત બાકીનું રોજનીશી-લેખન અને બીજું પરચુરણ કામ. ૨-૪૫ થી ૪ સુધી કૉન્સ્ટિટ્યુશન ક્લબમાં પાર્ટીની સભા. પંડિત જવાહરલાલ નહેરુને પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને આજે રાતે સભ્યોએ જે સોગંદ (Pledge) લેવાના એનો મુસદ્દો ચર્ચાયો. આ મુસદ્દામાં ઈશ્વરનો આભાર માનનારા શબ્દો મૂકવા એવી શ્રી કામતની દરખાસ્ત હતી. મને એ ઠીક લાગી. એના જવાબમાં પંડિતજીએ કહ્યું કે, આજ દિન સુધી રાજકીય બાબતોમાં ઘણી પ્રતિજ્ઞાઓ ઘડાઈ, ગાંધીજીએ ઘડી, તો પણ એમાં ઈશ્વર વિષેનો ઉલ્લેખ નહોતો. રાજકીય બાબતમાં ધાર્મિક ઉલ્લેખ આણવામાં ગૂંચવાડો થવાનો સંભવ છે, એટલે એવું નહિ કરવું. આ વિચારસરણી મને બરાબર ન લાગી, પણ છેવટે સર રાધાકૃષ્ણનની સૂચના માન્ય થઈ, અને થોડો ફેરફાર થયો. ખેર! અહીં શ્રી શંકરરાવ દેવ, કાકાસાહેબ ગાડગીળ, પંડિતજી વગેરે અનેક જૂના – નવા લોકોની મુલાકાત થઈ. ત્યાંથી શ્રી સત્યનારાયણ સિંહ – અમારા પક્ષના દંડક (Whip)ની ખબર કાઢવા ગયો. ત્યાં આજની સભા બાબતમાંની ખટપટ વિશે જાણ્યું શ્રી (..............)ને થતું હતું કે હું જ નેતા થવો જોઈએ! મને તો નવાઈ અને દુ:ખ પણ થયાં. આજ સુધી જેમણે સેવાધર્મનું આચરણ કરીને ત્યાગ કર્યો, એમની આવી હીન વૃત્તિ! માનપાન માટે અધીરા થઈને પરસ્પર અદેખાઈ અને અવિશ્વાસ રાખવાની વૃત્તિ શા સારું? આવું વલણ આપણા સ્વરાજ્ય માટે ભારે મોટું અપશુકન અને ભયરૂપ હોવાનું મને લાગે છે. ત્યાર પછી શ્રી જગજીવનરામની તબિયતના સમાચાર માટે વિલિંગ્ડન નર્સિંગ હોમમાં જઈ આવ્યો, ને પછી ઘેર. બાકી રોજનીશી પૂરી કરી. થોડો વખત ફરવા જઈ આવ્યો. વરસાદનાં થોડાં ઝાપટાં પડવાથી સારું લાગ્યું. સાંજે ડૉક્ટર કેળવકરે આવીને આંગળીનું dressing ફરી કરી આપ્યું. સમયસર ભોજન વગેરે આટોપીને છાપાં-વાંચન, વાતો-ગપાટાં વગેરે. ભગવાનની પૂજા – આરતી કરીને પછી અ.સૌ.એ અમારી ચારેની (સરદાર, રાજકુમારી, મણિબહેન અને હું) આરતી ઉતારી અને કંકુમતિલક કરીને નાળિયેર આપ્યાં તથા સૂતરની આંટીઓ પહેરાવી. ત્યાર બાદ અમે બધાં કાઉન્સિલ હાઉસમાંની બંધારણ સમિતિની ઐતિહાસિક બેઠકમાં જવાને રાતે ૧૦ વાગે નીકળ્યાં. ત્યાં તો લોકોની ભારે મોટી ભીડ જામી હતી. અપૂર્વ ઉત્સાહ હતો. બંધારણ સભાના સ્થળે અનેક જૂના પરિચિતો મળ્યા. કેટલીક નવી ઓળખાણો પણ થઈ. મુલાકાતો ને વાતચીત. પ્રથમ પ્રમુખના ખંડમાં જઈને મારા અધિકાર પત્રો (Credentials) એમના કારકુનને આપ્યા અને પછી ત્યાંના દફતર (roll)માં મારી સહી કરી. મોડી (પ્રાચીન મરાઠી) કે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં સહી કરવી એનો વિચાર કરી રાખેલો. સ્વતંત્ર ભારતના બંધારણ અને વિધાનસભાના દફતરમાં હું અંગ્રેજીમાં સહી કરું એ યોગ્ય નહોતું. વિચાર કર્યા પછી ઠરાવ્યું કે દેવનાગરીમાં એટલે કે બાળબોધ લિપિમાં જ સહી કરવી. એટલે પ્રાંતીયતાનો એમાં લવલેશ પણ અવકાશ નહિ રહે અને ભારતીય ભાવના વળી પ્રગટ થશે. એટલે એ પ્રમાણે બાળબોધ અગર તો દેવનાગરી લિપિમાં સહી કરી. બેઠકનું કામ ૧૦:૪૫ને બદલે ૧૦:૫૫ના અરસામાં શરૂ થયું! દરેક ચીજ આપણે સમયસર કરીએ એને હું સ્વરાજ્યનો આત્મા ગણવા લાગ્યો છું તેથી મને આ ચીજને કારણે થોડું દુ:ખ થયું. ‘વંદે માતરમ’થી કાર્યક્રમની શરૂઆત થઈ. ગાવામાં ભાવના કરતાં ગાવાની કળા જ વધારે બતાવવાનો પ્રયાસ જણાયો. શ્રી સૌ. સુચેતા કૃપાલાની અને એમની સાથેની બંગાળી મંડળીએ આ ગીત ગાયું, પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદે હિંદુસ્તાનીમાં ને અંગ્રેજીમાં ભાષણ કર્યુ. તેઓ બોલ્યા એમ કહેવા કરતાં તેમણે એમનું ભાષણ વાંચ્યું (એમ કહેવું વધુ યોગ્ય લેખાય). બેઠકોમાં આ રીતે ભાષણો વાંચવાનું મને તો ઠીક નથી લાગતું, એની અસર નથી થતી. વળી, આખું ભાષણ મને સંભળાયું પણ નહીં. બંધારણ સભા (Consembly)માં મારી બેઠક છેક આગલી હરોળ (Front Bench)માં શ્રી રાજાજીની જગ્યાએ રાખી હતી. અધ્યક્ષના ભાષણ બાદ, હિન્દુસ્તાનની સ્વાતંત્ર્યસિદ્ધિ માટે જેમણે લડત કરી અને શહીદ થયા, જેમણે ત્યાગ કર્યો, એ બધાને અંજલી અર્પવા આખું સભાગૃહ, પ્રેક્ષકો પણ, બધા લોકો બે મિનિટ સુધી શાંતિથી ઊભા રહ્યા અને પછી સભ્યોએ જે સોગંદ લેવાના હતા તેનો પાઠ પંડિતજીએ (શ્રી જવાહરલાલે) ઠરાવના રૂપે સભાગૃહ સમક્ષ રજૂ કર્યો એ આ પ્રમાણે હતો. “At this solemn moment, when the people of India, through suffering and sacrifice, have secured freedom, I, [Ganesh Vasudeo Mavalnkar], a member of the Constituent Assembly of India, do dedicate myself, in all humility, to the service of India and her people to the end that this ancient land attain her rightful and honored place in the word and make her full and willing contribution to the promotion of world pence and the welfare of mankind.’ મુસ્લીમ લીગના આગેવાન શ્રી ખલીકુઝમાને આ ઠરાવને ટેકો આપ્યો. અને સર્વપલ્લી રાધાકૃષ્ણને એમાં સાથ પૂર્યો. સર સર્વપલ્લી રાધાકૃષ્ણનું ભાષણ જરા વધુ લાંબું થયું. બરાબર ૧૨ વાગ્યે ટકોરા પડતા થંભી ગયા ત્યારે અધ્યક્ષ ઊભા થયા અને સહુએ ઊભા રહી અધ્યક્ષ થોડું થોડું બોલાવડાવે એ રીતે ધીરે ધીરે સમૂહમાં સોગંદ લીધા. એટલામાં પંડિત ગોવિંદ માલવીયાએ ‘शंख दमो प्रतापवान’ એ મુજબ શંખ ફૂક્યો, સહુને અપૂર્વ ઉત્સાહ આવ્યો અને ‘મહાત્મા ગાંધી કી જય’ના પોકારો થયા. થોડી વારે શાંતિ પથરાયા પછી સોગંધવિધિનું કામ પૂરું થયું. બંધારણ સભાએ પોતાને હસ્તક ભારતની રાજ્ય વ્યવસ્થાનાં સૂત્રો લીધાં છે અને લોર્ડ માઉન્ટબેટનને ગર્વનર જનરલ નીમ્યા છે એવો ઠરાવ શ્રી પંડિતજીએ એમને જણાવવો એવો પ્રસ્તાવ બધાએ પછી માન્ય કર્યો અને બાદમાં ફરી શ્રી સૌ. સુચેતા કૃપાલાનીએ ‘सारे जहाँ से अच्छा’ અને ‘जन गण मन अधिनायक जय है’ એ ગીતો ગાયાં. એ પહેલાં ભારતની સ્ત્રીઓ વતી શ્રી સૌ. હંસા મહેતાના હસ્તે બંધારણ સભાને રાષ્ટ્રીય ધ્વજ ભેટ આપવા અંગેનો નાનકડો સમારંભ થયો. આમ, ૧૨-૩૦ પહેલાં જ કામ આટોપાયું પરંતુ બહાર તો લોકોની એટલી બધી અજોડ ભીડ જામી હતી કે, બહાર પડવું જ અશક્ય! બહાર આવ્યા પછી પણ મોટર શોધી કાઢવામાં ઠીક ઠીક વખત ગયો અને ૧:૧૦ વાગે અમે મુકામ પર પાછા આવ્યા. ભારતના ઈતિહાસમાં અજોડ એવો આ દિવસ જોવા માટે અમે જીવંત રહ્યા અને જીવંત રહીનેય પ્રત્યક્ષ નજરોનજર એ જોવાનો યોગ મળ્યો એ માટે પ્રભુનો પાડ કેટલો અને કયા શબ્દોમાં માનવો? સર્વશક્તિમાન ઈશ્વરની આ કેટલી કૃપા! ઠીક. શુક્રવાર, તા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ગામમાં (જૂની દિલ્હી) હૌઝ કાઝી (એને હવે કમલા પાર્ક કહે છે) સ્થાન પર ધ્વજવંદન માટે ૬-૩૦ વાગ્યે પહોંચવાનું, તેથી ૫-૩૦ વાગે ઊઠ્યો. નિત્યવિધિ આટોપીને બરાબર છ વાગ્યે નીકળ્યો. ગામમાં લોકોનો ઉત્સાહ અનેરો ને અજોડ દેખાયો. બધા ધર્મોના ને જમાતના લોકો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં જાણે હરીફાઈ કરી રહ્યા હોય એમ જોવા મળ્યું. એમાં એક જ વાતનો કાંકરો જણાયો. જૂની મસ્જિદોની સામે, ગરીબ મુસલમાન સ્ત્રી-પુરૂષો, બાળકો વગેરે અલવર, ભરતપુર અને ગુરગાંવ જિલ્લાઓમાંથી જીવ બચાવવા સારું અહીં આવીને ઊભરાયા હતા, તેમને સેંકડો સંખ્યામાં જોયા! આ દૃશ્ય જોઈને કાળજુ હચમચી ઊઠ્યું, આંખમાં દુ:ખાશ્રુ આવ્યાં! સ્વતંત્રનો ઉત્સાહ આનંદનાં આંસું લાવતો હતો, તો કોમવાદી અંધ એવી દીવાલોને કારણે દીન – ગરીબોને શું ભોગવવું પડે છે તે પ્રત્યક્ષ જોઈને સ્થાનિક મુસલમાનો રોષે ભરાય અગર સ્વાતંત્રની બાબતમાં એમને ઉત્સાહ ન લાગે એવું થાય તો તે કુદરતી ન કહી શકાય વારું? હું મુસલમાન હોત તો મારું મન તો વધારે કડવાશભર્યુ થાત. ખેર! ઈશ્વર અમને સહુને સદબુદ્ધિ આપો! ધ્વજવંદનને સ્થળે હું હિંદીમાં જ ચાર શબ્દ બોલ્યો. બરાબર ૭ વાગે મુકામ પર આવીને ચા-પાણી, સ્નાન વગેરે આટોપીને ૭-૫૦ના અરસામાં વાઈસરૉય સાહેબના મહેલમાંના દરબાર હૉલમાં ગયો. અહીં પ્રથમ એમની સોગંદવિધિ થઈ. સોગંદ લેવડાવવાનું કામ ફેડરલ કોર્ટના નવા ચીફ જસ્ટિસ સર હરિલાલ કણિયાએ કર્યુ. સુરતી પાઘડી પહેરીને તેઓ આવ્યા હતા, એ જોઈને આનંદ થયો. ત્યારબાદ વાઈસરૉય સાહેબે પ્રધાનમંડળને સોગંદ લેવડાવ્યાં એ વિધિ થઈ. આ કાર્યક્રમ કંટાળાજનક લાગ્યો. એ સમારંભ આટોપીને ૯.૩૦ વાગ્યાનાં અરસામાં અમે બંધારણસભાના સ્થળે પહોંચ્યા. ૧૦ વાગ્યે બેઠક શરૂ થવાની હતી, પણ તે ૧૦-૧૦ વાગ્યે શરૂ થઈ. સવારની વાઈસરૉયની સોંગદવિધિ પણ ૮ મિનિટ મોડી શરૂ થયેલી! આ બેઠકમાં જુદા જુદા દેશો તરફથી આવેલા સંદેશાઓ અધ્યક્ષે વાંચી બતાવ્યા. પછી લોર્ડ માઉન્ટર્બટનનું ભાષણ અને બાદમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદનું ભાષણ. અધ્યક્ષનું ભાષણ લાંબું હતું, અને ગર્વનર જનરલના ભાષણના જવાબરૂપે નહિ પણ સ્વતંત્ર ભાષણ જ હતું એ! રાજ્યની સત્તા ને હકૂમત ચલાવનાર સંસ્થાને શોભે એના કરતાં કોગ્રેસના ભાષણ પ્રમાણે જ વધારે લાગતું હતું. ઠીક. પછી બંધારણસભાના ગૃહ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ૧૧-૩૦ વાગ્યાના સુમારે અમે ઘેર પાછા આવ્યા. પછી રોજનીશી લેખન, પરચૂરણ વાંચન વગેરે. ભોજનોત્તર વિશ્રાંતિ. ગઈ કાલના ઉજાગરાના કારણે ચાર વાગ્યા સુધી ઊંઘ આવી, પછી પરચૂરણ કામો. ડૉ. કેળવકરે આવીને મારી આંગળી પર પાટો બાંધી આપ્યો. નવાં સ્લીપરે ડાબા પગ ઈજા કરી ત્યાં પણ દવા લગાડવી પડી. ‘छिद्रेध्वनर्था बहुलि भवन्ति’. પછી ચા-પાણી, શૌચ આટોપીને ઈંડિયા ગેટ પાસેના મેદાનમાં થનારા ધ્વજવંદન માટે ગયો. સમારંભ ૬ વાગ્યાનો હતો. અમે ૫-૩૦ના અરસામાં નીકળ્યા હતા. પાસ, બેઠકોના નંબર વગેરે હોવાથી મુશ્કેલી નહિ પડે એમ લાગતું હતું, પણ લોકોની ભીડ ભયંકર હતી! બધા માર્ગો અટવાઈ પડેલા. જેમ તેમ અમે અંદર પહોંચ્યા, પણ ચારેબાજુએથી લોકોના ધક્કા જ વાગતા હતા. વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નહિ. લાલા સર શ્રીરામ, સર શાંતિસ્વરૂપ ભટનાગર વગેરે મોટા મોટા લોકો અમારી જોડે જ હતા. જેમ તેમ કરીને જીવ બચાવતાં બહાર પડ્યાં! અને લગભગ ત્રણ ફ્લાંગ દૂર રહીને, રાષ્ટ્રધ્વજ ફરકાવેલો જોઈને અને એને અપાયેલી ૩૧ તોપોની સલામી સાંભળીને અમે નીકળ્યા. ગર્વનર જનરલ અને એમનાં પત્નીનું સરઘસ પણ જોયું. બન્ને જણ બિચારાં ઊભાં રહીને એકસરખાં સલામ કરતાં કરતાં ‘જયહિંદ’ બોલી રહ્યાં હતાં. “कालाय: तस्मै नम:” જે ધ્વજ રાજદ્રોહી તરીકે ઠર્યો હતો, જેનાં સરઘસો ગેરકાયદેસર ઠરીને લાઠીમાર, બંદૂક ને ગોળીબાર ને અશ્રુવાયુ (Tear Gas) વગેરેથી તોડી પડાયાં હતાં, તે ધ્વજને સ્વરાજ્ય - સ્વાતંત્ર્યના ધ્વજ તરીકે અમે વંદન કરીએ તો એ સ્વાભાવિક જ હતું, પણ એને અંગ્રેજ લોકો પણ સલામી આપે છે એ કેટલી મોટી ક્રાંતિ! બધાં સરકારી મકાનો પરથી યુનિયન જૅક ઊતારી લેવાયો અને એને સ્થાને રાષ્ટ્રધ્વજ આવ્યો! ઉપરછલ્લી રીતે તો હવે બ્રિટિશ દબાણ રહ્યું નથી એવો ભાસ થાય છે, લાગે છે. જનસમુદાયમાં એક જાતની નિર્ભયતા અને વિશ્વાસ જણાતાં હતાં. લોકો ગેરશિસ્ત હતા, પણ એક દિવસ પૂરતું તો ગાંડપણનો – બેહોશ બનવાનો હક્ક જ હતો, અગર એ ક્ષમ્ય હતું એમ કહીએ તો પણ ચાલે. આ બધા પ્રેમને યોગ્ય વળાંક આપીને આ શક્તિને રાષ્ટ્રકાર્ય તરફ વળવાનું કામ મહત્વનું પણ ખૂબ કઠણ એવું છે. પગે ચાલીને જ ઘેર આવ્યા. પછી રોજનીશી-લેખન ને વાંચન. ભોજન બાદ મોટરમાંથી શહેરમાં ફરવા ગયા. રોશની અને લોકોની કતારો ને ભીડનાં અદ્વિતીય દર્શન થઈ રહ્યાં હતાં. લોકગંગા ઘૂઘવતી વહી રહી હતી. જુદા જુદા પ્રકારના પહેરવેશના, રંગના કપડાં પહેનાર વિવિધ જાતિના, ધર્મના લોકો – સ્ત્રી, પુરૂષો, બાળકો – પગે ચાલીને અને હાથમાં આવે તે વાહન સાથે જઈ રહ્યાં હતાં, આ દ્રશ્ય અનેરું હતું. ત્યાંથી પાછા આવીને બાદમાં ૧૦ વાગે ગવર્નર જનરલ (હવે વાઈસરૉય નહિ) સાહેબને ત્યાં Reception માટે ગયો હતો. ખૂબ લોકો હતા. ત્યાં જનારા બધા લોકો શિષ્ટ અને શિક્ષિત, પણ સર્વત્ર ગેરશિસ્ત દેખાઈ! અંદર ગયા પછી કાંઈક ઠીક હતું. લોર્ડ અને લેડી માઉન્ટબેટન અને પંડિતજી સાથે હસ્તાંદોલન કરીને, આવેલા નિમંત્રિતોમાં જેટલા ઓળખીતા દેખાયા તેમની જોડે વાતચીત કરીને ૧૧.૧૫ વાગ્યે ઘરે પાછો આવ્યો. ગર્વનર જનરલના પ્રાઈવેટ સેક્રેટરી મિ. એબલ મળ્યા હતા. આવતીકાલે તેઓ અહીંથી સ્વગૃહે પ્રયાણ કરશે. ભારે કાવતરાબાજ અને મુસલમાન તરફી માણસ. ‘એક અંગ્રેજ ગર્વનર જનરલ પરના લોકોના આટલા ભારે પ્રેમનાં દર્શન સાંજે ધ્વજવંદન વખતે થતાં મને આનંદ થયો’ એમ એમણે કહ્યું. ‘એમાં લોકોનો કૉંગ્રેસ પરનો વિશ્વાસ અને પ્રેમ વ્યક્ત થાય છે, કૉંગ્રેસે જેમને માન્ય રાખ્યા તેઓ લોકોને પણ માન્ય છે – આ એનું રહસ્ય છે’ એવું મેં એમને (મિ. એબલને) કહ્યું. આજે વલ્લભભાઈ સાથેની વાતચીતમાં ‘ગુજરાત સભા’નો Famine Relief Fund અને Epidemic Relief Fund અમદાવાદ જિલ્લા પૂરતો નહિ રાખતાં સમગ્ર ગુજરાત માટે રાખવો અને એ બાબતમાં એ ટ્રસ્ટનો દસ્તાવેજ પણ કરવો એમ અમે નક્કી કર્યુ. |
[પાછળ] [ટોચ] |