[પાછળ] |
અમેરિકાના સ્વાશ્રયી વિદ્યાર્થીઓ સ્વામી શ્રી સત્યદેવ પરિવ્રાજક
[ગાંધીજીની સૂચના અનુસાર દક્ષિણ ભારતમાં જઈ ત્યાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારની ઝૂંબેશ શરૂ કરી પાયાની કામગીરી કરનારા સ્વામી સત્યદેવ પરિવ્રાજક (૧૮૭૯-૧૯૬૧) જ્યારે ૧૯૦૬ની સાલમાં એક વિદ્યાર્થી તરીકે અમેરિકામાં અભ્યાસ કરવા ગયા ત્યારે અમેરિકન ડૉલર મજબૂત ચલણ બન્યો ન હતો અને તેનું મૂલ્ય લગભગ રૂપિયાની સમકક્ષ લેખાતું હતું એટલે આ લખાણમાં તેમણે રૂપિયો અને ડૉલર બન્ને શબ્દ એક જ અર્થમાં વાપર્યા છે.]
માનવ જીવન એ એક ઘોર સંગ્રામ છે. આ જગતમાં આપણે આપણી લડાઈઓ જાતે જ લડતાં શીખવું જોઈએ. એમ કરવાથી જ શારીરિક, માનસિક અને આત્મિક બળ વધે છે. જે માણસો પોતાની લડાઈઓ બીજા પાસે લડાવે છે, જેઓ પોતાનાં કામ અન્યના આધારે સિદ્ધ કરવા માગે છે, તે ભીરૂ અને માનસિક વ્યાધિઓથી ગ્રસિત થઈ જાય છે. આપણા વિદ્યાર્થીઓને સ્વાલંબનનો સિદ્ધાંત શીખવવામાં આવતો નથી. આ કારણથી જ આજે આપણી સમગ્ર જાતિ પોતાના પગ ઉપર ઊભી રહેવાને અશક્ત છે, આપણી દૈનિક આવશ્યકતાઓ પૂર્ણ કરવાને માટે સામાન બહારથી આવે છે. આપણે આપણાં કામ કરવાને માટે બીજાનાં મુખ તરફ જોઈએ છીએ! શાળામાં ભણાવનાર અધ્યાપકો સારી રીતે જાણે છે કે જે વિદ્યાર્થી પોતાના પ્રશ્નનો પોતે નિર્ણય કરતો નથી અને ઇતર વિદ્યાર્થીઓની નકલ માત્ર કરે છે તે અંતે કાંઈપણ કામનો રહેતો નથી, તેની બુદ્ધિ વિકાસ પામતી નથી, તેના આચાર સુધરતા નથી અને તેનામાં મનુષ્યત્વ પણ આવતું નથી. આજે આપણે આ જ પ્રકારની શિક્ષા આપણાં સંતાનોને આપી રહ્યા છીએ કારણ કે આપણી શિક્ષાનો સર્વ આધાર ભિક્ષાવૃત્તિ પર છે. એક વાર સિએટલમાં હું પોસ્ટ ઑફિસમાં મારા કાગળો લેવા ગયો. હું પાછો ફરતો હતો ત્યારે સડક પર છ વર્ષનો એક બાળક વર્તમાનપત્ર વેચતો મારા જોવામાં આવ્યો. જ્યારે હું તેની આગળ થઈને જતો હતો ત્યારે તેણે મને કહ્યું, “મહાશય, આપ વર્તમાનપત્ર ખરીદશો?” “ના, મારે વર્તમાનપત્ર જોઈતું નથી.” મેં ધીમેથી ઉત્તર આપ્યો. “માત્ર એક પૈસો, અધિક નહિ.” તે બાળકે મિષ્ટ સ્વરે કહ્યું. મેં કહ્યું, “નહિ, મને વર્તમાનપત્રની જરૂર નથી.” બાળક – “કૃપા કરીને અવશ્ય ખરીદો; એક પૈસો એ કાંઈ મોટી રકમ નથી.” તે બાળકના આગ્રહથી મેં ગજવામાંથી એક પૈસો કાઢી વર્તમાનપત્ર ખરીદી લીધું અને પૂછ્યું. “શું તારો બાપ ગરીબ છે?” આ સાંભળી તે છોકરો અતિ વિસ્મિત થયો. તે મારી તરફ જોઈને બોલ્યો, “આપે આવો પ્રશ્ન શા માટે કર્યો?” મેં કહ્યું, “તું વર્તમાનપત્ર વેચે છે તેથી.” બાળક – “શું વર્તમાનપત્ર વેચનારા ગરીબ હોય છે?” હું ખશિયાણો પડી જઈને બોલ્યો, “ના, ના, મારો આશય એ છે કે તારી ઉમ્મર આટલી નાની છે, અને અત્યારથી તું વર્તમાનપત્ર વેચીને દ્રવ્ય કમાવવા લાગી ગયો છે!” તેણે આશ્ચર્યચકિત થઈને મારી તરફ જોયું અને પછી અતિ જુસ્સાથી બોલ્યો, “જુઓ, મહાશય, મારો બાપ ગરીબ નથી, પરંતુ હું મારા બાપને આશરે રહેવા માગતો નથી. આજે જે કપડાં મેં પહેર્યા છે તે મેં મારી પોતાની મહેનતથી ખરીદ્યાં છે; અને મારા પોતાના ખર્ચને માટે મારે જે રકમ જોઈએ છે તે હું મારા પોતાના ઉદ્યોગથી કમાઉં છું. મારા પચાસ ડૉલર બેંકમાં જમા છે.” તે બાળકના આ શબ્દોએ મારી ઉપર ઘણી અસર કરી. હું મારા મનમાં બોલ્યો, “અમેરિકાનો આ છ વર્ષનો બાળક પોતાનું જીવન સ્વતંત્રતાપૂર્વક વ્યતીત કરે છે. તેને કોઈને પરવા નથી. તે જાણે છે કે હું મનુષ્ય છું. પરમાત્માએ તેને હાથ પગ આપ્યા છે તેનો યથાર્થ ઉપયોગ તે કરી જાણે છે. એક અમારો પણ દેશ છે કે જ્યાંના છ વર્ષના છોકરાને મુખ ધોવાની શુદ્ધિ પણ હોતી નથી! છ વર્ષના બાળકો તો શું પરંતુ શાળા પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મા-બાપની ઉપર નિર્ભર રહીને વિદ્યાભ્યાસ કરે છે! જો કોઈ મહિનામાં તેમને ખર્ચના પૈસા ન મળી શકે તો તેમનો વિદ્યાભ્યાસ બંધ પડી જાય છે. જેમનાં માબાપ ભણાવી શકતાં નથી, તેઓ વિદ્યાપ્રાપ્તિથી વંચિત રહે છે. બહુ બહુ તો છોકરાઓ ભીખ માગીને ભણે છે. આનું પરિણામ એ આવે છે કે તેમને પોતાના જીવન-સંગ્રામની તૈયારી કરી રાખવાની સંધિ મળતી નથી, તેમને પોતાની જાત ઉપર શ્રદ્ધા રહેતી નથી, તેઓ એમ સમજે છે કે અમે કાંઈપણ કરી શકીએ એમ નથી. કારણ કે તેઓ પોતાનાં કાર્યો પોતે કરવાની ટેવ પાડતા નથી. જ્યારે હું શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાં ડોરાન નામનો એક છોકરો વિદ્યાભ્યાસ કરવાને આવ્યો. તેની પાસે કેવળ બાર આનાના પૈસા હતા. શિકાગો એક એવું શહેર છે કે જ્યાં પગલે પગલે ખર્ચવાને રૂપિયા જોઈએ છે. એક પાઉં ખરીદવાને માટે અઢી આના જોઈએ છે. આઠ આના વિના હજામત થતી નથી. જો વાળ કપાવવા હોય તો દોઢ રૂપિયા વિના ચાલતું નથી. આવા શહેરમાં એક છોકરો બાર આનાના પૈસા લઈને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાને આવ્યો. અમેરિકાની યુનિવર્સિટીમાં નોકરી અપાવનારું એક ખાતું હોય છે. ડોરાને ત્યાં જઈને કામની તપાસ કરી. ત્યાંના અધ્યક્ષે ડોરાનને પૂછ્યું, “તમે હૉટેલમાં વાસણ માંજવાનું કામ કરશો?” ડોરાન ઉત્સાહી છોકરો હતો, તેણે ઝટ કહ્યું, “હા સાહેબ, હું દરેક પ્રકારનું કામ કરવા તૈયાર છું.” આ સાંભળી અધ્યક્ષ અતિ પ્રસન્ન થયો અને તેણે ડોરાનની પીઠ થાબડી. તે દિવસથી ડોરાન માસિક સાઠ રૂપિયાના પગાર અને ભોજનની શરતે હોટૅલમાં વાસણ માંજવાનું કામ કરવા લાગ્યો. ચાર વર્ષ પર્યંત તે વીર છોકરો શિકાગો વિશ્વવિદ્યાલયમાં રહ્યો. તેણે ઘેરથી એક પૈસો પણ મંગાવ્યો નહીં. તે પોતાના હાથે મજૂરી કરી હરેક પ્રકારનાં કષ્ટ સહન કરી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી બી.એ.ની પદવી મેળવી પોતાના ઘેર ગયો. વિચાર કરો કે આ યુવક અને આપણા નવયુવકોમાં કેટલું અંતર છે! ચાર વર્ષની મુશ્કેલીએ ડોરાનને મનુષ્ય બનાવી દીધો. પોતાનો નિર્વાહ કરવાની વિધિ તે જાણી ગયો. મહેનત મજૂરીએ તેનું શરીર હૃષ્ટપુષ્ટ બનાવી દીધું. સુંદર ફૂટડું શરીર અને મજબૂત હાથ પગ ધરાવનાર તથા પોતાની જાત ઉપર જ આધાર રાખનાર તે યુવક જગતની મુશ્કેલીઓને કાંઈ વિસાતમાં ગણતો નથી. તે કોઈપણ કષ્ટથી ભય પામતો નથી. તે એક કસરતી મલ્લની પેઠે સર્વ પ્રકારનાં દુ:ખની સાથે કુસ્તી કરવાને તૈયાર હોય છે. આપણા નવયુવકો શાળા અથવા પાઠશાળામાંથી અભ્યાસ કરીને બહાર પડે છે તે પછી પણ તેમને પોતાનાં માબાપનું શરણ ગ્રહણ કરવું પડે છે. તેઓ પોતે પોતાની આજીવિકા ચલાવી શકતા નથી. તેઓ નોકરીની તપાસમાં આમ તેમ જોડા ફાડ્યા કરે છે. તેઓ કોઈ વાર કોઈની ખુશામત, તો કોઈની આજીજી કરી નોકરીની તપાસ કરે છે. એમ કર્યા છતાં પણ કેટલાંકને તો સફળતા પ્રાપ્ત થતી નથી. પ્રથમ કેટલાક હજાર રૂપિયા ખર્ચી પોતાનાં માબાપનાં શિર પર ઋણ ચઢાવી તેઓ વિદ્યા પ્રાપ્ત કરે છે અને પછી જ્યારે પાઠશાળામાંથી બહાર પડે છે ત્યારે પણ તેઓ સ્વતંત્રતાપૂર્વક આજીવિકા નિભાવવાની શક્તિ ધરાવતા નથી! તેમનાં શરીર નિર્બળ, આંખો કમજોર અને અવયવો રોગિષ્ટ થઈ જાય છે. આપણા દેશના નવયુવકો અને અમેરિકાના નવયુવકોમાં કેટલો બધો ભેદ છે! ૧૯૦૬ના જુન મહિનામાં જ્યારે હું શિકાગોમાં જઈ પહોંચ્યો ત્યારે મારી પાસે ૧૫૦ રૂપિયા હતા. જતાં વેંત મેં યુનિવર્સિટીમાં દાખલ થઈ વિદ્યાધ્યયન કરવા માંડ્યું. શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રતિ ત્રણ માસે ટાઈમ ટેબલ બદલાય છે. પ્રથમ ત્રણ માસને માટે મારી પાસે પૂરતો ખર્ચ હતો, તેથી હું નિશ્ચિંતતા પૂર્વક મારા કામમાં નિમગ્ન થઈ ગયો. વિશ્વવિદ્યાલયની ફી વાર્ષિક ૪૫૦ રૂપિયા છે. પરંતુ મારી ફી પ્રેસિડન્ટ મહોદયે માફ કરી હતી. દોઢસો રૂપિયાથી મેં મારું કામ શરૂ કરી દીધું. પરંતુ મેં એટલો વિચાર ન કર્યો કે આ રકમ ખલાસ થઈ ગયા પછી હું શી રીતે નિર્વાહ કરીશ? મારામાં હિન્દુસ્તાની સંસ્કાર ભરેલા હતા, તેથી હું ભાગ્યને ભરોસે રહ્યો. મેં મનમાં ધાર્યુ કે આ રૂપિયા પૂરા થયા પછી ઇશ્વર કાર્યસિદ્ધિને માટે કોઈને કોઈ માર્ગ બતાવશે જ. મેં ઉદ્યોગ તો સર્વથા છોડી દીધો. જ્યારે ત્રણ મહિના પૂરા થવા આવ્યા અને રૂપિયા ખૂટી પડવાની અણી પર આવ્યા ત્યારે મને અત્યંત ચિંતા થવા લાગી. હું આમતેમ ભ્રમણ કરી લોકોને નોકરીના સંબંધમાં પૂછપરછ કરવા લાગ્યો; પરંતુ તેથી કાંઈ પણ વળ્યું નહીં. એક દિવસ મારા એક મિત્રે મને સલાહ આપી કે નોકરી અપાવનારા ખાતામાં જઈને તપાસ કરો. તેના કહેવાથી હું તે ખાતાના અધ્યક્ષની પાસે ગયો. મને જોઈને તે અધ્યક્ષ બોલ્યો, “તમે હૉટેલમાં વાસણ માંજવાનું કામ કરશો?” તેના શબ્દો મને વજ્રપાત સમાન લાગ્યા. હું માથું ખંજવાળવા લાગ્યો, કારણ કે મારા કુળમાં કોઈએ કદી પણ આવું કામ કર્યુ નહોતું. અધ્યક્ષે જ્યારે મને ચૂપ દીઠો ત્યારે તે સ્મિત કરીને બોલ્યો, “તમારા દેશમાં તો વાસણ માંજવાનારાની જુદી જાતિ છે કેમ?” “હા સાહેબ.” મેં ધીમેથી ઉત્તર આપ્યો. અધ્યક્ષ – “હવે અહીંયા અમેરિકામાં તમારે સર્વ પ્રકારની મજૂરીને પ્રેમની દૃષ્ટિએ જોવી જોઈએ.” મેં કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ, હું ગૂપચૂપ મારા ઓરડામાં ચાલ્યો ગયો. જ્યારે બે દિવસ વ્યતીત થઈ ગયા અને કોઈએ પણ મારી ખબર ન લીધી તેમજ પેટમાં કુરકુરીયાં બોલવા લાગ્યાં ત્યારે હું પુન: તે અધ્યક્ષની પાસે ગયો. મને જોઈને તેણે જરાક સ્મિત કર્યુ. જ્યારે મેં નોકરીના સંબંધમાં પૂછ્યું ત્યારે તેણે અતિ સ્નેહથી મને મજૂરીની મહત્તા સમજાવી અને હૉટેલમાં કામ કરવા મોકલી દીધો. સાંજનો સમય હતો. લોકો હૉટેલમાં આવજાવ કરી રહ્યા હતા. હૉટેલની સ્વામિની સર્વ કામ ઉપર જાતે દેખરેખ રાખતી હતી. રસોડાની પાસેના ઓરડામાં એક નાનો સરખો હોજ હતો. તેમાં બે નળ લાગેલા હતા; એક ગરમ પાણીનો અને બીજો ઠંડા પાણીનો. તેની પાસે એક ઊંચું સ્થાન વાસણ ધોવાને માટે બનાવવામાં આવ્યું હતું. તેની પાસે ઊભો ઊભો હું વાસણ ધોઈ રહ્યો હતો. નોકરો વાસણ લાવી લાવીને તે સ્થાન પર મૂક્યા કરતા હતા. એક મોટા વાસણમાં ગરમ પાણી અને સાબુ નાખેલો હતો. તેમાં હું સર્વ વાસણો નાખી દેતો હતો અને તે ધોઈને બહાર મૂકી દેતો. પાસે જ એક બીજા વાસણમાં ગરમ પાણી અને સાબુ નાખેલો હતો, તેમાં બીજી વાર વાસણ ધોવામાં આવતાં અને પછી તેને ટુવાલથી લૂછી નાખી અભરાઈ પર મૂકી દેવામાં આવતાં. આ સાયંકાળ હું કદી પણ વિસરીશ નહીં. તે દિવસે જ મેં અમેરિકાની વ્યાવહારિક ધર્મની શાળામાં પ્રવેશ કર્યો. મારી આંખો ખુલી ગઈ. મને પ્રતીત થવા લાગ્યું કે કોઈ મનુષ્ય માત્ર ‘ધર્મ, ધર્મ’ એવી બૂમ પાડવાથી ધાર્મિક બનતો નથી, પરંતુ ધાર્મિકતાનો સંબંધ મનુષ્યના વ્યાવહારિક જીવનની સાથે છે. મજૂરી ગમે તે પ્રકારની હોય, પરંતુ જો તે પ્રામાણિક રીતે કરવામાં આવે તો તેનો કરનારો નીચ બની જતો નથી. ખરેખર નીચ કામ તો તે લોકો જ કરે છે કે જે બીજાઓએ પેદા કરેલું ધન ઉડાવે છે, અને પોતાને ઉચ્ચ વર્ણનો માને છે. તે લોકો નિર્લજ્જ છે કે જે વાસણ માંજનાર મજૂરને ઘૃણાની દૃષ્ટિથી જુએ છે. કામ-મજૂરી મનુષ્યને નીચ બનાવી શકતી નથી. નીચ તે જ છે કે જેનું અંત:કરણ મલિન છે, જેને મોટા હોવાનો ઘમંડ છે, અને જે ઇશ્વરનાં પુત્ર પુત્રીઓથી અભડાઈ જાય છે. તે સાયંકાળને હું કદી પણ ભૂલી શકું એમ નથી. તે સાયંકાળે મેં મજૂરીની મહત્તા જાણી. મને ઉચ્ચ વર્ણનું જે જૂઠું અભિમાન હતું તે દૂર થઈ ગયું. હું મારા દેશના મજૂરીનો ધંધો કરનારા પ્રત્યે પ્રેમ કરવા લાગ્યો અને મેં પ્રભુની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે હું તેમના ઉદ્ધારને માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ. ચાર પાંચ દિવસ પછી મારા એક અધ્યાપકે મને પુસ્તકાલયમાં કામ આપ્યું. ત્યાં મારે કબાટમાંથી પુસ્તકો કાઢી તે ઉપરની ધૂળ ખંખેરી નાખી, તેને ટુવાલ વડે લૂછી પાછાં કબાટમાં મૂકી દેવા પડતાં હતાં. આ કામ માટે મને દરરોજના સાડાસાત રૂપિયા મળતા હતા. દસ દિવસ સુધી મેં આ કામ કર્યું અને ત્યાર પછી મારો નિર્વાહ થવા લાગ્યો. યાદ રાખજો કે જો હું પ્રથમ કામ ન કરત તો અધ્યાપકો મને કદી પણ બીજું કામ સોંપત નહીં. અમેરિકાના લોકો મજૂરીની મહત્તા જાણે છે. જે માણસ મજૂરી પ્રત્યે ઘૃણા ધરાવે છે તેને તેઓ અત્યંત પતિત માને છે. તેમની આ માન્યતા સત્ય છે, કારણ કે જેટલું ધન પેદા થાય છે તે સર્વ મજૂરીથી પેદા થાય છે. જે દેશમાં મજૂરી પ્રત્યે ઘૃણા ધરાવવામાં આવે છે તે દેશના લોકો કદી પણ વ્યવસાયી, ઉદ્યોગી અને સાહસિક બની શકતા નથી. અમેરિકાની ઉન્નતિનું એક મહાન કારણ એ છે કે તે દેશમાં મજૂરી પ્રત્યે ઘૃણા ધરાવવામાં આવતી નથી, ઇશ્વરે આપણને કામ કરવા માટે હાથ આપ્યા છે. કામ કરવાથી તે કાંઈ ઘસાઈ જતા નથી, પરંતુ ઉલટા મજબૂત અને સુંદર બને છે. પરંતુ આપણા દેશમાં મજૂરી કરનાર પ્રત્યે ઘૃણા ધરાવવામાં આવે છે. આપણા દેશની અધોગતિનું એ જ કારણ છે. અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ અનેક પ્રકારનાં કામો કરીને દ્રવ્ય પેદા કરે છે. ઘણા જણ તો ઘરોને ગરમ રાખવાનું કામ કરે છે. અમેરિકા એક હિમમય અને શીતપ્રધાન દેશ છે; શિયાળામાં ત્યાં પુષ્કળ બરફ પડે છે. તે દેશમાં મકાનોનાં ભોંયરામાં મોટી મોટી ભઠ્ઠીઓ સળગાવવામાં આવે છે, તે દ્વારા મકાનોને ગરમ રાખવામાં આવે છે. એક વખત મારે પણ આ કામ કરવું પડ્યું હતું. મકાનની નીચે એક મોટી ભઠ્ઠી રહે છે, તેમાં કોયલા બાળવામાં આવે છે. પ્રાત:કાળમાં પાંચ વાગે ઊઠી તેમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. ભઠ્ઠીમાં મોટા મોટા નળ રાખવામાં આવેલા હોય છે, તે ત્યાંથી નીકળીને મકાનના જુદા જુદા ઓરડામાં ચાલ્યા જાય છે. હવા આવવાને માટે એક મોટું બાકોરું રાખવામાં આવેલું હોય છે. બહાર શીતળ હવા ભઠ્ઠીમાં જઈ ઉષ્ણ બનીને એ નળો દ્વારા ઓરડામાં જાય છે અને સર્વ ઓરડાઓમાં મનુષ્ય કપડાં ખોલીને બેસી શકે છે. વિદ્યાર્થીઓ બે ત્રણ કલાક કામ કરી પોતાના ખાન-પાન અને નિવાસનો ખર્ચ કાઢી લે છે. તેમને બીજે ત્રીજે દિવસે ઘર પણ વાળવું પડે છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કરતા આ સિવાય બીજાં પણ ઘણાં કામ કરે છે. ઘણાં વિદ્યાર્થીઓ પ્રત્યેક શનિવારને દિવસે મોટી મોટી દુકાનોમાં જઈ ગુમાસ્તાનું કામ કરે છે. શનિવારના દિવસે દુકાનોમાં ઘણી ભીડ રહે છે. તે દિવસે મજૂરીનો ધંધો કરનાર લોકોને પગાર વહેંચાય છે. આથી તે દિવસે દુકાનદારોને અધિક કાર્યકર્તાઓની આવશક્યતા પડે છે. વિદ્યાર્થીઓ એક દિવસ કામ કરી નવ દસ રૂપિયા કમાઈ લે છે. આ પ્રકારે તેઓ એક મહિનામાં ચાર શનિવાર કામ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ રેલ્વે કંપનીઓમાં કામ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ જાહેરખબર વહેંચવાનું કામ કરીને રૂપિયા કમાય છે. ધારો કે એક દુકાનદારે કાપડની એક નવી દુકાન ખોલી છે અને તે પોતાની જાહેર ખબર વહેંચવા માગે છે. તે દુકાનદાર પાસેથી રોજના છ રૂપિયા લઈ વિદ્યાર્થીઓ શનિવાર અને રવિવાર એ બે દિવસ પોતાનો સમય કાઢી જાહેર ખબર વહેંચે છે. તેઓ જાહેર ખબર લઈ ઘેર ઘેર ભ્રમણ કરે છે અને ઘરોની ખાનગી કાગળો નાખવાની પેટીમાં એક એક જાહેર ખબર નાખે છે. આ પ્રકારે દુકાનદારની નવી દુકાનની સૂચના લોકોને મળી જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ ઑફિસોમાં કારકૂનનું કામ કરે છે. ત્યાં તેઓ નિત્ય ચાર પાંચ કલાક કામ કરી માસિક પચ્ચીસ ત્રીસ રૂપિયા મેળવી લે છે. કેટલાક વિદ્યાર્થીઓ ટાઈપરાઈટર યંત્ર ખરીદી તે દ્વારા ધન કમાય છે. આ પ્રકારે ઘણી જાતનાં નાનાં–મોટાં કામો કરી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પોતાના નિર્વાહ જેટલો ખર્ચ મેળવી લે છે. [અમેરિકાનો પ્રવાસ] |
[પાછળ] [ટોચ] |