[પાછળ] 
જૂનાગઢની આરઝી હકૂમત
‘સંકલિત’

જૂનાગઢની આરઝી હકૂમત માત્ર એટલે ગુજરાતના નહિ પણ સમગ્ર ભારતના તાજેતરના ઈતિહાસનું સાવ ટૂંકુ પણ અત્યંત તેજસ્વી અને નિર્ણાયક પ્રકરણ. આજે ભલે આરઝી હકૂમતને કોઈ યાદ કરે કે ન કરે, ભલે આ ઘટનાને તુચ્છ પુરવાર ગમે તેટલાં ‘સંશોધન’ અને ‘અભ્યાસ’ થયા કરે પણ આરઝી હકૂમતનું ઐતિહાસિક મહત્વ ક્યારે પણ ઓછું થવાનું નથી. તા. ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ આરઝી હકૂમતની સ્થાપના થઈ હતી.

આરઝી હકૂમતની સ્થાપના થઈ તે અગાઉનો ઘટનાક્રમ જોઈએ. ઈ.સ. ૧૮૦૭માં જુનાગઢના બાબી વંશના નવાબ મોહમ્મદ હમીદખાનજીએ અંગ્રેજોની તાબેદારી સ્વીકારી અને તેમની જોડે કરારનામું કર્યું એટલે તે વખતથી જૂનાગઢ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું એક રક્ષિત-ખંડિયું રાજ્ય બન્યું. ૫૦ વર્ષ પછી ૧૮૫૭નો બળવો થતાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વિદાય આપવામાં આવી અને બ્રિટીશ તાજનું સીધું રાજ આવ્યું. બ્રિટિશ રાજમાં પણ જૂનાગઢનો એક ખંડિયા રાજ્ય તરીકેનો દબદબો યથાવત્ કાયમ રહ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયુ તે પછી ત્રણ વર્ષે ૧૯૪૫ની સાલથી અંગ્રેજોએ ભારત છોડવાની તૈયારી ખરેખર શરૂ કરી. અંગ્રેજ અમલદારોએ તેમની આ ‘બહાદૂરીભરી પીછેહઠ’ દરમિયાન ‘ધીખતી ધરા’ની એટલે કે ભારતીય પ્રજાને બેહાલ કરતા જવાની દેવાની કૂટનીતિ અપનાવી. પોતાની બેહુદી શરતો પર સત્તાપલટો કરાવવા માટે બે વર્ષની વાટાઘાટ બાદ છેવટે તા. ૩-૬-૧૯૪૭ના રોજ વાઈસરોય માઉન્ટબેટને દેશના ભાગલા કરવાનો નિર્ણય લેવાયો હોવાની સત્તાવાર કરવાની જાહેરાત કરી. (વ્થથિત બનેલા યુવાન કવિ વેણીભાઈ પુરોહિતે આ પ્રસંગે કવિતા લખી - ‘હે જૂન ત્રીજી’ અને વાઈસરોયે ભાગલાની કરેલી જાહેરાતને કૌરવોની ભરસભામાં દ્રૌપદી થયેલા ચીરહરણના બનાવ સાથે સરખાવી. જૂઓ http://mavjibhai.com/kavita_two%20files/hejune.htm) ભારતની પ્રજાને છેલ્લો મરણતોલ ફટકો લગાવવાના ઇરાદાથી બ્રિટિશ મહેરબાની પર નભતા રક્ષિત-ખંડિયા રાજા-નવાબોને પણ ફાવે તેમ કરવા માટે આઝાદ કરી દેવામાં આવ્યા!

ઈ.સ. ૧૯૧૧થી ગાદી પર બેઠેલા જૂનાગઢના નવાબ મહોબતખાન રસુલખાનની આબરૂ આમ પણ લાખોના ખર્ચે કૂતરાઓના જાહેરમાં, ભભકાદાર લગ્ન કરાવનાર વાંગડ તરીકે સાવ તળીયે ગયેલી હતી. માત્ર અંગ્રેજી હકૂમતના કાવાદાવાના એક ભાગ રૂપે જ તેમની ગાદી ટકી રહેલી. અંગ્રેજોની કૃપાદૃષ્ટિ વિના નવાબને એક ઘડી ન ચાલે. વાઈસરોય દ્વારા દેશના ભાગલાની કોઈ વિધિસર જાહેરાત થાય તે પહેલાં જ તેમણે અંગ્રેજ દોરીસંચાર પ્રમાણે તા. ૨૨મી એપ્રિલ, ૧૯૪૭ના રોજ ભાવિ પાકિસ્તાનમાં જોડાવાની પોતાની ઈચ્છા અવિધિસર રીતે જાહેર કરાવેલી. આ ઈચ્છાના અમલ માટે દિવાન અબ્દુલ ખાદીરને રજા આપી તેમના સ્થાને મુસ્લીમ લીગી આગેવાન સર શાહનવાઝ ભુટ્ટો, C.I.E.,(Companion to the Order of the Indian Empire)ને મે ૧૯૪૭માં દિવાન બનાવ્યા. દિવાનસાહેબ શાહનવાઝખાને ભારતના સ્વાતંત્ર્યદિને એટલે કે ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની અધિકૃત જાહેરાત કરીને અંગ્રેજોને સરસ મજાની વિદાયભેટ આપી. આમાં જૂનાગઢની પ્રજાને પૂછવાની જરૂર શું? પોતાની પાસે ગાંઠમાં પૂરા ૨૦૦ સૈનિક પણ ન હોવા છતાં (૧૯૪૧ની વસ્તી ગણતરી પ્રમાણે) ૬,૭૦,૭૧૯ વસ્તી પર રાજ કરી પહેલા નવાબ હવે તો સાર્વભૌમ હતા. પાકિસ્તાનમાં શાસક બનેલી મુસ્લીમ લીગને તો ભારત સામે ઝગડો કરવા માટે જે કોઈ પણ બહાના મળે તે આવકાર્ય હતા. દોડવું હતું ને ઢાળ મળ્યો. ભારત સરકારે પોતાના એક ખાસ પ્રતિનિધિ લોર્ડ ઈસ્મેને કરાંચી મોકલાવી જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની ચાલબાજીમાં ન પડવા જણાવ્યું પણ પાકિસ્તાને તો તા. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવાની વિનંતી પોતે ખુશી ખુશી સ્વીકારી લીધી એવી સત્તાવાર જાહેરાત કરી. આ છે આરઝી હકૂમતની રચનાની પૂર્વભૂમિકા.

પોતાના ભવિષ્ય અંગેના ૧૯૪૭માં ખેલાયેલા આ ગંદા રાજકીય કાવાદાવા જૂનાગઢની પ્રજા દુઃખ, આશ્ચર્ય અને આઘાતની સાથે જોતી રહી. નવી દિલ્હીની ભારત સરકાર આપણા માટે કૈંક કરશે એવી બધી આશા નિષ્ફળ ગઈ અને જ્યારે પાણી માથાની ઉપર વહેવા લાગ્યું ત્યારે હતાશ પ્રજાએ બધા કાયદા-કાનૂન પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો અને પોતાનો મરણીયો આઝાદી જંગ શરૂ કર્યો. આ હેતુથી તા. ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢના વતનીઓની એક જાહેર સભા મુંબઈ માધવબાગમાં મળી. 

આ સભામાં આરઝી હકૂમતની (એટલે કે કામચલાઉ સરકારની) રચના કરવાનો અને જૂનાગઢમાંથી નવાબને તલવારના જોરે હાંકી કાઢી કાઢવાનો નિર્ણય લેવાયો. જિન્દગીભર પત્રકાર તરીકે જોમભેર લખાણો લખતા રહેલા શામળદાસ ગાંધીના હાથમાં યુદ્ધના પ્રતિક તરીકે તલવાર ભેટ અપાઈ અને જૂનાગઢમાંથી નવાબી શાસનનો આજથી અંત આવે છે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો. શામળદાસ ગાંધી આ કામચલાઉ સરકારના વડાપ્રધાન બન્યા. દુર્લભજી ખેતાણી નાયબ વડાપ્રધાન, મણીલાલ દોશી ગૃહપ્રધાન, નરેન્દ્ર નથવાણી કાનૂન અને વ્યવસ્થા પ્રધાન, સુરંગભાઈ વરુ સંરક્ષણ પ્રધાન, અને ભવાનીશંકર ઓઝા નિરાશ્રીત ખાતાના પ્રધાન બન્યા તો રતુભાઈ અદાણી સરકારના સરસેનાપતિ બન્યા. રસિકભાઈ પરીખે લડવૈયાઓ માટે હથિયાર, દારુગોળો લઈ આવવાની જવાબદારી સ્વીકારી તો સનત મહેતા, જશવંત મહેતા વગેરે કાર્યકરોને લશ્કરી ટૂકડીઓને દોરવણી આપવાની જવાબદારી સોંપાઈ. આરઝી હકૂમતે લડવૈયા ભેગા કર્યા અને તેને આઝાદ જૂનાગઢ ફોજનું નામ અપાયું. 

આજે ભલે આ બધી વાતો બિનમહત્વની લાગે પણ જો તે વખતે આ આરઝી હકૂમતની રચના ન થઈ હોત તો આજે આપણી હાલત શું થાત તેની કલ્પના પણ ધ્રૂજાવી નાખે તેવી છે. પાકિસ્તાન આપણો એક નઠારો પાડોશી દેશ નહિ પણ આપણા આંગણાંની વચ્ચોવચ્ચ ઊગેલું ઝેરી ઝાડ હોત! ગીરનારના પગથિયા ચડવા માટે કે લીલી પરિક્રમામાં જવા માટે આપણને પાસપોર્ટ-વિઝાની જરૂર પડત, બહાઉદ્દીન કોલેજનું જોડાણ સિંધ યુનિવર્સિટી સાથે થતાં આપણા અનેક ગુજરાતી કવિ-ગઝલકારોની પ્રતિભા ખીલતા પહેલા જ કરમાઈ ગઈ હોત, ગુજરાતના લોખંડી મનોબળના પ્રતિક જેવું સોમનાથ પાટણનું મંદિર બાંધી જ શકાયુ ન હોત, ગીરના બધા સિંહો આંતરરાષ્ટીય બજારોમાં પાણીના ભાવે વેચાઈ ગયા હોત, જૂનાગઢ પંથકના લાખો માણસો નિરાશ્રીત બની ગુજરાતભરમાં લાચાર બની ભટકતા હોત.

(બહુ ઓછી જાણીતી બનેલી એક હકીકત એ છે કે જૂનાગઢના પ્રશ્ને નવી દિલ્હીમાં તા.૨૭ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનના અધ્યક્ષપદે એક બેઠક મળી હતી જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મોહનલાલ સક્સેના અને ગોપાલસ્વામી આયંગર વગેરે હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોર્ડ માઉન્ટબેટને એવો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો કે ભારતે વહેલી તકે જૂનાગઢનો પ્રશ્ન યુનોમાં લઈ જવો જોઈએ!! જો આમ નહિ થાય અને જો જૂનાગઢના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો ભલે યુદ્ધમાં પાકિસ્તાન હારશે પણ સાથે સાથે ભારતને એવો મોટો ફટકો પડશે કે તેની પ્રજાની ઓછામાં ઓછી એક આખી પેઢી બરબાદ થઈ જશે. આથી માઉન્ટબેટન સાહેબની શુભ-ઈચ્છા એવી હતી કે એક નાનકડા જૂનાગઢને જતું કરી ભારતે પોતાની પ્રજાની આખી પેઢીને બચાવી લેવી જોઈએ!!! સારા નસીબે આ બ્રિટીશ ડહાપણ કોઈને ગળે ન ઉતર્યું.)

આરઝી હકૂમતની પહેલી ટૂકડી મુંબઈથી તા. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ રાજકોટ પહોંચી અને ત્યાં આવેલા જૂનાગઢના ઉતારાનું મકાન કબજે કરી આરઝી હકૂમતનો ઝંડો લહેરાવ્યો. આ મકાનમાં આરઝી હકૂમતની વિધિસરની કચેરી શરૂ થઈ અને જૂનાગઢનો કબજો મેળવવા ‘આઝાદ જૂનાગઢ ફોજ’ માટે ભરતી શરૂ થઈ. જોતજોતાંમાં ૪,૦૦૦ જેટલા લડવૈયા એકઠા થઈ ગયા. રતુભાઈ અદાણીએ તેમને શસ્ત્રો ચલાવવાની તાલીમ શરૂ કરી. આરઝી હકૂમતના આ પહેલી મનોવૈજ્ઞાનિક સફળતા હતી. સામે જૂનાગઢના નવાબના કટાયેલા જમાના જૂના સૈન્યમાં ૧૭૭ ઘોડેશ્વાર સૈનિક અને પાયદળના માત્ર ૨૪ સૈનિક હતા! આરઝી હકૂમત સામે ટક્કર ઝીલવાની નવાબમાં કોઈ તાકાત જ ન હતી. આરઝી હકૂમત દ્વારા ‘આઝાદ જૂનાગઢ રેડિયો’ પણ શરૂ થયો અને જૂનાગઢની પ્રજાને હથિયાર સાથે કે હથિયાર વિના જૂનાગઢ પર કૂચ લઈ જવાની સતત અપીલ કરવામાં આવી.

તા. ૨૫મી ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ આ વિજય કૂચ શરૂ થઈ અને નવાબની પીછેહઠ શરૂ થઈ. આઝાદ જૂનાગઢ ફોજે જૂનાગઢની હદમાં પ્રવેશ કરી એક જ દિવસમાં ૧૧ ગામો કબજે કર્યા. સ્થાનિક પ્રજાના પ્રચંડ સહયોગના કારણે થોડા જ સમયમાં બીજા ૩૬ ગામ આ ફોજે કબજે કર્યા. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત કરાયા. તે પછી કુતિયાણામાં બખેડો ઊભો થયો. કુતિયાણાની વસ્તીમાં તે વખતે મુસ્લીમ વસ્તી અંદાજે ૧૩,૦૦૦ હતી જ્યારે હિન્દુ વસ્તી માંડ હજારેક માણસની હતી. ત્યાંના બે સ્થાનિક મુસ્લીમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે જાહેર કર્યું કે અમારે જૂનાગઢનો નવાબ પણ નથી જોઈતો અને આરઝી હકૂમત પણ નથી જોઈતી. અમે તો અમારા ગામમાં ‘આઝાદ કુતિયાણા સરકાર’ ચલાવશું! આ માથાભારે માણસોએ જીદ પકડી રાખતા તેમને ઘેરી લેવામાં આવ્યા. ઘેરાઈ ગયા છતાં આ બન્ને શખ્શોએ હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલ, તમંચા વગેરેથી લડવાનું ચાલુ રાખ્યું આથી તેમને નછૂટકે ઠાર કરવા પડ્યા. આરઝી હકૂમતની કૂચમાં ખરેખરી લડાઈનો આ પહેલો અને છેલ્લો બનાવ હતો. બાકી બધે સ્થળેથી નવાબના માણસો આરઝી હકુમતથી ડરીને જ ભાગી ગયા. કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભારતીય લશ્કરની એક ટૂકડીએ દરિયાકાંઠાના વિસ્તારો માંગરોળ અને બાબરિયાવાડનો કબજો. ૧લી નવેમ્બર, ૧૯૪૭થી સંભાળી લીધો.

થોડા દિવસમાં જ જૂનાગઢ શહેર સિવાયનું આખું જૂનાગઢ રાજ્ય આરઝી હકૂમતના અંકુશમાં આવી ગયું હતું. જૂનાગઢ ચારે બાજુથી ઘેરાઈ ગયું હતું અને બહારનો સંપર્ક સાવ કપાઈ જતાં શહેરમાં અનાજ, દૂધ, શાકભાજી વગેરે જીવન જરૂરિયાતની વસ્તુની કારમી અછત ઊભી થઈ.  તમામ વેપાર-ધંધા ઠપ થઈ ગયા. માત્ર હિન્દુ વસ્તી નહિ પણ તમામ મુસ્લીમ વસ્તીમાં પણ નવાબ સામે આકરો રોષ ફેલાયો. ગભરાઈ ગયેલા નવાબે પાકિસ્તાનની લશ્કરી મદદ મેળવવા પોતાના પોલિસ અધિકારી કે. એમ. નકવીને લેખિત વિનંતી સાથે કરાંચી મોકલાવ્યા. ખંધુ પાકિસ્તાન એમ પોતાના સૈનિકોને મરવા માટે થોડું જૂનાગઢ મોકલે? એને આ મૂરખ નવાબની કંઈ પડી નહોતી. ફક્ત ભારત સાથે કજીયા કરવા બહાના જોઈતા હતા. નકવી સાહેબ કરાંચીમાં રોકાઈ ગયા અને નધણિયાતા નવાબ રખડી પડ્યા. છેવટે એક રાતે અંધારાનો લાભ લઈ રૂા. સવા કરોડથી વધુ રોકડ રકમ, ઉપાડાય તેટલું ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો, માનીતા કૂતરાઓ અને આ બધાની તબિયતની સંભાળ રાખવા બે તબીબનો રસાલો લઈ પાકિસ્તાન જતા રહ્યા. આ વખતે એક અનોખી વાત પણ બની. નવાબ સાહેબ પોતાના પરિવાર સાથે વિમાનમાં તો બેઠા પણ બેઠા પછી તેમને ખબર પડી કે એક બેગમ સાહેબ ઉતાવળમાં પોતાના એક શાહજાદાને લેવાનું ભૂલી ગયા છે! માનવતા વિહોણા નવાબે આ એ બેગમને વિમાનમાંથી ઉતારી નાખ્યા અને પોતે કાફલો લઈ રવાના થઈ ગયા. આ લાચાર બેગમ સાહેબ બિચારા રડતા રડતા અથડાતા કૂટાતા કેશોદથી દીવ ગયા અને ત્યાં પોર્ટુગીઝના હાકેમના આશરે જઈને રહ્યા. 

નવાબ ભાગી ગયા પછી દિવાન સાહેબ સર શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢને ટકાવી રાખવા ખૂબ કોશિશ કરી જોઈ. તેમને આખા કાઠિયાવાડના મુસ્લીમોનો ટેકો મળશે એવી આશા હતી પરંતુ કાઠિયાવાડ તો ઠીક ખૂદ જૂનાગઢના મુસ્લીમોનો પણ તલભાર ટેકો ન મળ્યો. તેની વાત કોઈ સાંભળવા જ તૈયાર ન હતું. છેવટે તેમણે શરણાગતિ સ્વીકારવાનો નિર્ણય લીધો. જૂનાગઢનું ભારત સાથે જોડાણ કરવાની વાટાઘાટ કરવા કેપ્ટન હાર્વે જોન્સને તા. ૭મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢથી રાજકોટ મોકલાવ્યા. આરઝી હકૂમત અને ભારત સરકારના પ્રતિનિધિ સાથે બે દિવસની મંત્રણાને અંતે કેપ્ટન જોન્સ ભારતના પ્રતિનિધિઓને લઈને બધી વિધિ પાર પાડવા જૂનાગઢ પાછા આવ્યા ત્યારે બધાને ખબર પડી કે શાહનવાઝ ભુટ્ટો તો આગલી રાતે જ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા! છેવટે તા. ૯મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ સાંજે ૬ વાગ્યે જૂનાગઢના અધિકારી કેપ્ટન હાર્વે જોન્સે ભારતીય સૈન્યના બ્રિગેડીયર ગુરુદયાલસિંહની હાજરીમાં ભારત સરકારના પ્રતિનિધિ અને રિજિયોનલ કમિશનર શ્રી એન. એમ. બુચ, આઈ.સી.એસ., સમક્ષ શરણાગતિ સ્વીકારી જૂનાગઢનો શાંતિપૂર્ણ કબજો સોંપ્યો.

પાછળથી આરઝી હકૂમતે ભાગેડુ નવાબ અને દિવાન બન્નેની કચેરીમાં તપાસ કરતાં તે બન્નેનો મહમદઅલી ઝીણા સાથેનો પત્રવ્યવહાર હાથ લાગ્યો તેમાં આ આખું કાવતરું કેવી વ્યવસ્થિત રીતે ઘડાયું હતું તેની વિગતો મળી આવી હતી. મહમદઅલી સાહેબે જૂનાગઢને લશ્કરી મદદ મોકલવા અંગે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે ‘Veraval is not far from Karachi’. દિવાન સાહેબ શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાન પર લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘I consider that no sacrifice is too great to preserve the prestige, honour and rule of His Highness (i.e. Nawab) and to protect Islam and the Muslims of Kathiawar’.

જૂનાગઢમાં બધી સ્થિતિ સામાન્ય થયા બાદ તા.૨૦મી ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ ભારતમાં એકીકરણ અંગે જૂનાગઢની પ્રજાની ઈચ્છા જાણવા લોકમત લેવાયો. કુલ ૧,૯૦,૮૭૦ મતદાતામાંથી માત્ર ૮ મતદારોએ પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. બાકીના બધા મત ભારતની તરફેણમાં પડ્યા અને એ રીતે જૂનાગઢનું વિલિનીકરણ થતાં આરઝી હકૂમતનો છ-એક મહિનાની ટૂંકી પણ તેજસ્વી કામગીરી સાથે અંત આવ્યો.
 [પાછળ]     [ટોચ]