[પાછળ] |
પહાડનું બાળક સંકલનઃ અશોક ઝવેરચંદ મેઘાણી [ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં તા. ૨૮ ઑગસ્ટ, ૧૮૯૬ના રોજ થયો હતો. તેમણે પોતાની કોઈ આત્મકથા લખી નથી. એ વિષય પર તેમણે લખ્યું છે કે “મારી જીવનસ્મૃતિ લખું તો parody જેવું બને. જીવનનું ઘણું ઘણું સ્મરવાને બદલે વીસરવા યોગ્ય હોય છે. નબળાં જીવનતત્ત્વોને હિંમતભેર તેમ જ આત્મશ્રદ્ધાભેર મૂકવાની શર્તને આત્મસ્મૃતિનું સાહિત્ય અવલ દરજ્જજે માગી લ્યે છે. એમાં ૯૯.૯ [ટકા] પાલવે નહિ. પૂરા સો ટકા ખપે. જીવનકથા લખવાની મારી હામ નથી.” આમ છતાં તેમણે અલગ અલગ જગ્યાએ પોતાના જીવન વિશે થોડું ઘણું કહ્યું છે. તેમના પુત્ર શ્રી અશોક મેઘાણીએ આ વિવિધ સંસ્મરણોનું એક સંકલન કરી તેમાંથી ’આત્મનિરીક્ષણ’ નામનું સરસ ઈ-પુસ્તક બનાવી પોતાની વેબસાઈટ meghani.com પર મૂક્યું છે. અત્રે એ ઈ-પુસ્તકમાંથી થોડોક અંશ રજૂ કરવામાં આવ્યો છે.] મારા વડવાઓનું વતન બગસરા. એક દિવસ ગરકાંઠાનું ગામડું લેખાતું. આજે તો ગીર જંગલ કપાતું કપાતું ત્યાંથી ઘણું દૂર ગયું છે. હું પહાડનું બાળક છું. મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોર-વાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. [મારા પિતા] બચપણમાં મને તેડીને એ ડુંગરની આસપાસ ફેરવતા. મારી માતા ઘણા જ મધુર કંઠથી રાસડા ગાઈ સંભળાવતાં. દળતાં દળતાં એ ગાતાં તેના પડઘા મને સ્પષ્ટ સ્મરણ ન હોવા છતાં સંભળાય છે. પાંચાળનું ધાવણ તો હું સવા મહિનો જ પી શક્યો; પિતાની બદલી થઈ ગઈ. તો યે પહાડોના સંસ્કાર થોડા થોડા સતત પોષાતા રહ્યા કારણ કે મારા પિતા પોલીસના એક નાના અમલદાર, એટલે થાણે થાણે બદલીઓ થતી, ને લગભગ એ તમામ થાણાં — ચોક ને દાઠા, ચમારડી ને લાખાપાદર — કાં ગીરમાં, કાં પહાડમાં, ભયંકર નદીનેરાંવાળી વંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર સ્થપાયેલાં. હથિયારો, ઘોડેસવારી, ગામડાંના પ્રવાસો, કુદરતની ભયાનકતા અને રમ્યતા, એકાંત, ગ્રામજનતા વગેરે સાથે હું એ રીતે પરિચયમાં આવેલો. બેથી આઠ વર્ષનો હું રાજકોટમાં થયેલો. રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. શ્રીફળ લઈને સદરની તાલુકા સ્કૂલે હું ભણવા બેઠેલો. રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી કેમ કે રાજકોટની પૂર્વેનું એક પણ સ્મરણ છે નહિ. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું. સદરની પોલીસલાઇનમાં એક છેડે બે ઓરડાનાં ઘરમાં પંદર રૂપિયા [ના પગાર] પર દસ માણસોનું કુટુંબ રહેતું હતું. ઘણું ઘણું યાદ આવે છેઃ મરી ગયેલાં ભાઈ-બહેનો, કૌટુંબિક દુઃખ પામેલા દાદા અને મોટા ભાઈઓ, સોળ શેરની બંદૂકડી ઉપાડી પરેડમાં જતા, દૂર-દૂરને નાકે રાત્રે રૉનો ફરતા, આગો ઓલાવવા બળતી ઇમારતો ઉપર ચડતા, સિપાહીગીરી કરતા મારા પિતા, તેમના સાથીઓ, તેમના દ્વેષીઓ અને સંકડામણોમાંથી તેમને ઉગારી લેતા ગોરા સૂટર-સાહેબ યાદ આવે છે. સૂટર-સાહેબ! મારી બાલ્યાવસ્થાનું એ એક પ્રિય સ્મરણ… મારા પિતા મને સાંભરશે ત્યાં સુધી મને સૂટર નહિ વિસરાય. એજન્સી પોલીસનો કડપ, દમામ, એની શિસ્ત, અને ખૂની કાઠિયાવાડી ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરવાની ખુમારી પાનાર સૂટર સાહેબ! સૂટરની વિદાય : પોલીસની ટી-પાર્ટી : એક પછી એક નિરક્ષર પોલીસ પાસે સૂટરે કવિતા ગવરાવી : કોઈએ ગાયું ‘છજાં જાળિયાં’ ને કોઈએ ગાયું ‘ભેખ રે ઉતારો!’ મને યાદ છે છ વર્ષની વયની એ કૂણી સ્મૃતિ. [૧૯૩૬માં] એ તમામ વાતાવરણથી હું જ્યારે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની કથા દોરી રહ્યો હતો, સૂટર-સાહેબની સ્મૃતિઓમાંથી એક પ્રિય પાત્ર ખડું કરી રહ્મો હતો, ત્યારે મને ખબર નહોતી કે સૂટર જીવતા છે. સ્વપ્ન પણ નહોતું કે બુઢ્ઢી પાંપણોના નેત્રભાર પર છાજલી કરીને જૂના અવશેષોની ઝાંખી કરવા સૂટર કાઠિયાવાડમાં આવી ચડશે. કૉનોટ-હૉલ! [બ્રિટિશ] સલ્તનતની સત્તાનું આ સૌરાષ્ટ્રી પ્રતિષ્ઠા-મંદિર જ્યાં સાવજ સરીખા કંઈક મહારાજા-મહારાણાઓના ટાંટિયા ધ્રૂજ્યા હશે, બોલવા જતાં ગેંગેંફેંફેં થયું હશે. આંહીં દબદબાભર્યા રાજવી દરબારો ભરાતા. મુંબઈનો ગવર્નર આંહીં આવતો. [એની] સવારીઓ બતાવવા શિક્ષકો અમને નિશાળમાંથી બારોબાર લઈ જતા. અમે તાળીઓ પાડી હશે, ગવર્નરોનાં શોભા-શણગારો પણ બન્યા હશું, પણ મને મીઠામાં મીઠું સ્મરણ છે મીઠાઈના પડાનું. આ કૉનોટ-હૉલમાં મોટી તસવીરોમાં બેઠેલા અડીખમ ઠાકોરો જે દરબારમાં બકરી જેવા ગરીબ બની તાબેદારીની વિધિ ભજવતા હશે, તે દરબાર કેવો જોવા જેવો હશે! એ તો ન જોઈ શકાયું, પણ મારું બાળમન બહુ હરખાતું કે અમુક ઠાકોર-સાહેબ એક મિનિટ મોડા પડતાં તેમની ચાર કે છ ઘોડાળી ગાડીને એક અદના એજન્સી-પોલીસે જ્યુબિલી બાગના દરવાજા બહાર રોકી પાડેલી. ફલાણાએ ફલાણાની પટકી પાડી, એ વાત જ બાલમાનસ માટે પૂરતી આકર્ષક બની જતી હશે. માતાપિતા કે મોટેરા ભાઈઓ-બહેનો રોજ ઊઠીને નાના બાળકની પટકી પાડતાં હોય છે તેનાં જખમના વૈરની લાગણીને બાળક આ રીતે, પારકાના તેજોવધના બનાવોથી, તૃપ્ત કરતું હશે. મને યાદ આવે છે ગીરનાકા પરનું એ લાખાપાદર આઉટપોસ્ટ. આ સંસ્કારહીન અને કોઈએ નહિ ઘડેલા શૈશવનું એ પ્રકૃતિ-પારણું હતું. રેલવે તો તે કાળે ત્રીસ માઇલ વેગળી, શાકપાંદડું જ્યાં સોગંદ ખાવાય ન જડે, પાણી જ્યાં ગીર-ઝાડવાંનાં ઝેરી મૂળિયાંનાં ગળેલાં પીવા મળે, વસ્તી જ્યાં કાઠિયાઈ છોતાં બની ગયેલી; દોષિત નોકરને સજારૂપે મોકલવા વપરાતા એવા લાખાપાદર થાણાનું આકર્ષણ મારાં બાળચક્ષુઓમાં ઊલટા જ પ્રકારનું હતું. અગિયાર વર્ષના બાળકને જેણે માવતરથી ઉતરડીને વીસ માઇલ વેગળો અભ્યાસ માટે ફગાવી દીધો હતો, પારકા ઘરનો ટુકડો રોટલા અને છાલિયું પણ નહિ એટલી છાશનો ઓશિયાળો કરી મૂક્યો હતો… તે જ આ લાખાપાદર થાણું એ પરઘરાવલંબી બાળકને માંદગીના કે લાંબી-ટૂંકી રજાના દહાડા આવતાં ગાય વાછરુને ખેંચે તેમ ખેંચતું. પાણીના પ્રવાહની વચ્ચે આવતાં કદી બેસી જનારા ટટ્ટુ પર – અગર ઊઠતાં તેમ જ બેસતાં અસવારના શિશુ-શરીરને શીર્ષાસનની તાલીમ આપતા ઉસ્તાદ સરીખા અઢાર-વંકા ઊંટની પીઠ પર – બેસીને આ પરજીવી બાળક એક પછી એક ગામડાં પાર કરીને આવતો… ત્યાં તો આઘેરી ધરતી પર ઘટાદાર વૃક્ષોની હરિયાળીના એક વિસ્તીર્ણ કૂંડાળાની વચ્ચે સૂકા જમીન-ટુકડા પર ઊભેલાં થોડાંક ચૂનાબંધ ખોરડાં દેખાય, શેલ નદીના જળઘુઘવાટ સંભળાય, ઊંટ કે ઘોડું લગભગ ઊંધે માથે ઊતરે એવા એ નદી પાર કરવાના ઊંટવઢ આરામાં પગ મહામહેનતે પેંગડામાં રહે અને કંઈક ઊંટિયાઓને લપસાવી ભાંગી નાખનારી એ શેલ ભયંકર છતાં રમ્ય ભાસે. એ પહાડ-ભેદંતી નદીઓનાં ઊંડા ધરા ને એ ડુંગરની એકાંત ખોપો મારાં બાળપણનાં સંગી હતાં. નદીની ભેખડ પરના અમારા નિવાસોની નાની નાની બારીઓમાં થઈને હૂહૂ! હૂહૂ! ભૂતનાદ કરતા પવન-સૂસવાટાએ મારી નિંદરું ઉડાવી દઈને પહાડોના સંદેશા સંભળાવ્યા છે. ફાગણી પુનમના હુતાશણીના ભડકા ફરતા ગોવાળીડા જુવાનો — અરે, ઘરડાખખ ખેડુ દુહાગીરો પણ — સામસામા દુહાસંગ્રામ માંડતા તેનો હું બાલભોક્તા હતો. પહાડનો હું બાળજીવડો, પહાડના ટેટાટીંબરું અને ગુંદાં-મેવાની માફક જ પહાડની પેદાશરૂપ આ દુહાસોરઠાવાળી કવિતાનો પણ રસિયો હતો. તે પછી તો [એ રસ સક્રિય રીતે સજીવન થતાં] ઘણાં વર્ષનો ગાળો પડયો... અને ભીતરની ભોંયમાં જૂનાં રસનાં ઝરણાં વહ્યાં કરતા હશે તેની જાણ પણ ક્યાં હતી? વેકેશન ખૂટી જતાં ફરી પાછા ઘોડી કે ઊંટ પર લપસણી બિહામણી તો યે શિશુહૃદય-સોહામણી શેલને સામે પાર [પહોંચીને], સપાટ ખૂમચા જેવી ભોમકા પર વહેતું વાહન, પાછળ ફરી-ફરીને કેટલીયે વાર નિહાળેલાં એ ચૂનાબંધ ખોરડાં, ફરી પાછાં માર્ગે આવતાં રંક અને રોટીવિહોણાં એ ગામડાં, ત્યાં ભેટતી અને છાનો દિલાસો દેતી પહોળા પટવાળી, સુજલા-સુફલા સોરઠી શેત્રુંજી. ઊતરીને ખોબે ખોબે પાણી પીતો, પગ ઝબોળીને ટાઢો થતો ને સાંજે તો શરૂ થઈ જતી પારકા ટૂંબા ખાઈને રોટલો પામતી ઓશિયાળી વિદ્યાર્થી-અવસ્થા. રે! પાયામાં જોઉં તો કશો જ નક્કર કુલસંસ્કાર, નગરસંસ્કાર, રક્તસંસ્કાર, ધર્મસંસ્કાર નથી જડતો. જડે છે આ શેત્રુંજી, સાતલ્લી અને શેલ સમી નદીઓનાં નીર-સમીરણ મારફતનાં થોડાં નિસર્ગ-લાલન; પણ આ માનવજીવન એટલેથી થોડું ઘાટમાં આવે છે? બહુ બહુ અણઘડ્યું રહી ગયું. મોટો દુર્મેળ મચી ગયો. આજ સાંભરે છે એ શૈશવના નિસર્ગાાશ્રયો એ કારણે કે શિશુકાળની નધણિયાતી, લાલનવિહોણી અને ગૃહકલહથી મૂંગી મૂરઝાતી લાગણીઓને કોમલ શીતળ સ્પર્શ કેવળ આ ગીરપ્રકૃતિ પાસેથી જ મળતો. બી.એ.માં ભણતો હતો ત્યાર વેળાનું આ લાખાપાદર રાત્રિ ને દિવસ બહારવટિયા રામ વાળાને ભણકારે ધ્રૂજતું હતું. હું મારાં થોથાં વાંચવામાં પડયો હતો ત્યારે બેઠી દડીના અને એકવડિયા છતાં કસાયેલ બદનના પિતા બહારવટિયા સામેના બંદોબસ્ત નિમિત્તે ઘોડાની પીઠ પર ભટકતા હતા. બાપુ ઘેરે આવે ત્યારે જ એમને જીવતા જાણી એમની ઊંચે શ્વાસે સાંભળેલી ‘આજ તો રામ વાળો [બહારવટિયો] મળ્યો હતો’વાળી વાતો… અને ૧૯૧૪-૧૯૧૫નાં વર્ષો યાદ આવે છે. |
[પાછળ] [ટોચ] |