[પાછળ] |
બા લેખકઃ ધનસુખલાલ કૃ. મહેતા ‘બા?’ બાનો સૌથી નાનો છોકરો વિનાયક કાંઈ વ્યગ્ર થતો હિંમત કરીને બોલી ઉઠ્યો. ‘કેમ? દીકરા!’ બાએ સ્નેહથી ઊભરાતા અવાજે પૂછ્યું. ‘ના! બીજું કાંઈ નહિ, પણ - પણ આજે - આજે ઊર્મિલા અહીં રહેવા આવવાની છે.’ ઝડપથી આટલા શબ્દો બોલી વિનાયક દાદર ચઢીને પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. ‘વિનુ! તેં મને કહ્યું હોત તો હું જ કહેવડાવત ને’ – બોલતાં બોલતાં બાનો અવાજ ધ્રુજ્યો તીવ્ર દુ:ખની લાગણી થઈ હોય તેમ લાગ્યું. પણ વિનાયક તો ચાલ્યો ગયો હતો એટલે વધુ બોલવું નિરર્થક હતું એમ જાણી બા ચૂપ રહ્યાં; પણ હૃદયમાંથી આઘાત ગયો નહિ. બાને ત્રણ છોકરા : સૌથી મોટો ધીરજલાલ, વચલો રમણલાલ અને સૌથી નાનો વિનાયક. એ ત્રણ છોકરા નાના હતા તે વખતે તેમના પિતા ગુજરી ગયા હતા. બાએ ત્રણે છોકરાને એકલે હાથે ઉછેર્યા અને ઉત્તમ કેળવણી પણ આપી. માનો છોકરાઓ પ્રત્યે પ્રેમ તો હોય જ એમાં પતિ તરફનો પ્રેમ પણ પુત્રો તરફ ઢળ્યો. સારા જગતમાં બાને આ ત્રણ પુત્રો સિવાય બીજું કોઈ નહિ એટલે બાએ આખું હૃદય દઈ દીધું. ધીરજલાલ ગ્રેજ્યુએટ થયો અને તરત જ મુંબઈમાં રેલવેની ઓફિસમાં એને સારી જગ્યા મળી. સૂરતનું ઘર ઉઠાવી મુંબઈ જ બધા સાથે રહીએ એ હોંશ બાના હૃદયમાં જન્મી. ડરતાં ડરતાં એણે એ હોંશ ધીરજલાલ અને રતનવહુને કહી પણ ખરી. “બે ઘરનો ખર્ચ કર્યા કરવો પણ ઠીક નહિ.” બાએ કહેલું : ‘અને-અને ધીરુ! હું સાથે હોઉં તો તારે સંસારની બીજી કોઈ જંજાળ નહિ રહે. કેમ, રતનવહુ ?’ રતનવહુ શાંત રહ્યાં પણ સાસુની વાતમાં ટાપશી એણે પૂરી નહિ. ધીરજલાલ પણ જરા કચવાયા હોય એવું લાગ્યું. થોડી વારે એણે પત્નીની સામે જોયું પણ એ ઊંડા, ઘેરા પાણીથી ભરેલા સરોવર જેવા વદન ઉપરથી કોઈ પણ જાતની પ્રેરણા મળી નહિ. બાની સ્નેહભરી આંખ તરફ તો ધીરજલાલથી મીટ માંડવાની પણ હિંમત કરાઈ નહિ. ‘ઠીક છે, જોઈશું,’ આખરે ધીરજલાલ બોલ્યો : ‘હમણાં તો કાંઈ નથી. હું જઈને જરા મુંબઈ ગોઠવાઉં તો ખરો.’ વાત એકદમ અટકી પડી. બાથી કાંઈ વધુ બોલાયું નહીં. ધીરજલાલ નોકરી લે તે પછી કુટુંબે સાથે રહીને શું શું કરવું તે વિશેના બાએ મનમાં ને મનમાં કાંઈ કાંઈ ચોક પૂર્યા હતાં. પરંતુ એ પ્રસંગ પ્રાપ્ત થતાં જ, એક ક્ષણમાં એ બધું ઊડી ગયું છતાં બાએ એ આશા છેક નહિ મૂકી. હજી મુંબઈ જતાં ધીરજલાલ અને એની પત્નીને વાર હતી એ દરમિયાન બાએ આડકતરી રીતે એમની અનેક પ્રકારે ખુશામત કરી. બાના વહાલસોયા હૈયાએ હદ વિનાનું વહાલ એમના ઉપર ઠાલવ્યું. પણ જમાનો બદલાતો જતો હતો. ‘સાસુ’ જાતના ભયંકર પ્રાણીએ ‘વહુ’ નામના પ્રમાણમાં નિર્બળ પ્રાણી ઉપર અનેક વર્ષો સુધી, અનેક પેઢી સુધી, દારુણ દુ:ખ વરસાવ્યાં હતાં એટલે આ સાસુ વર્ગમાં બા જેવા કોઈ અપવાદ હોય છે એ સત્યનું ધીરજલાલ તેમ જ રતનવહુને ભાન થયું નહિ. રશિયાનો ઝાર પોતે ખરાબ માણસ ન હતો પણ ‘ઝાર’ની સંસ્થા ખરાબ હતી. એટલે એના જેવા સારા માણસનું બલિદાન પણ આપવામાં આવ્યું. બા સાસુ વર્ગમાં આવી શકે એમ ન હતું છતાં પણ આગલી પેઢીઓનાં પાપ, અન્ય સાસુઓના જુલમોનું પ્રાયશ્ચિત્ત બાને કરવું પડ્યું. બાના બધા સારા ગુણ, બાનાં વહાલ, બાના મોંની મીઠાશ, આ સર્વ બાહ્ય આડંબર છે અને ઉંદરને મારતા પહેલાં બિલાડી રમત રમે છે તેવી રમત છે તેવું અજાણ્યે પણ ધીરજલાલ અને તેના પત્નીને થયું. ‘સ્વતંત્રતા’ શબ્દ જ માણસોને એવો ભૂરકી નાખનાર છે કે એને લઈને આવી પડતાં અનેક દુ:ખોનો કોઈ વિચાર જ કરતું નથી. માનવજીવનમાં, કૌટુંબિક જીવનમાં દરેક પ્રસંગે સ્વતંત્રતા સુખદાયક છે એમ નથી; છતાં પણ સ્વતંત્ર થવું એ દરેક મનુષ્યનો જીવનસિદ્ધ હક છે એ સિદ્ધાંતની જડ બહુ ઊંડી છે. જે વસ્તુસ્થિતિ હોય તે વસ્તુસ્થિતિ બહુ સારી હોય, અનેક પ્રકારે સરળતાવાળી અને સંતોષકારક હોય છતાં એમાંથી છૂટીને કોઈ જુદી જ વસ્તુસ્થિતિ વધુ સારી જ હશે, વધુ સરળતાવાળી અને સંતોષકારક થશે જ એ મનોદશા મનુષ્ય છોડી શકતા નથી. ધીરજલાલના કુંવારા જીવનમાં તેમ જ ટૂંકા-પરણેલા જીવનમાં એણે કોઈ પણ પ્રકારની સાંસારિક વ્યથા અનુભવી ન હતી. બા તરફથી કે ભાઈઓ તરફથી એને કે રતનવહુને કોઈ પણ પ્રકારના ક્લેશનું કારણ મળ્યું ન હતું. છતાં મુંબઈ જવાનો પ્રસંગ ઊભો થતાં એ પતિપત્નીના હૃદયમાં એક તરફથી ‘સાસુ’ની ભયંકર આકૃતિ ખડી થઈ અને બીજી તરફથી સ્વતંત્રતાની દેવી કોઈ અવનવાં આભૂષણો અને અલંકારોથી સજ્જ થઇ તેમને આકર્ષવા લાગી. ધીરજલાલ અને રતનવહુ મુંબઈ ગયાં. બા અને બીજા બે પુત્રો સૂરત જ રહ્યાં. બાનું હૃદય હજી પરાજય કબૂલ કરી શક્યું ન હતું. મુંબઈમાં એ વર-વહુને બાની ગૃહવ્યવસ્થા, મીઠાશ, ગમે તેવા અશાંતિ ઉપજાવનાર પ્રસંગોને પણ કુનેહથી નભાવી લેવાની શક્તિ, વગેરેની ગેરહાજરી સાલ્યા વગર નહિ રહે એવું એ ભોળી સ્ત્રીને લાગ્યા કરતું. પણ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ આશા નષ્ટ થતી ગઈ. મુંબઈથી કાગળો આવતા તેમાં મુંબઈનાં હવાપાણી ખરાબ છે, જગ્યાની તંગી પણ ઘણી છે, અને છોકરાઓની કેળવણી ઘણી ખર્ચાળ છે એવી બાબતો સારા પ્રમાણમાં જણાવવામાં આવતી. ધીમે ધીમે આ બાબતો કાગળમાં વારંવાર વાંચ્યાથી બાને તેમ જ બે પુત્રોને ભાન થયું કે હવે મુંબઈની આશા રાખવી વ્યર્થ છે. એમણે એ વાત જ પડતી મૂકી. બે પુત્રો તો યૌવનના તાનમાં સામાન્ય રીતે બને છે તેમ આ વાત – આ વેદના ભૂલી જ ગયા. પણ બાના હૃદયમાં થયેલ જખમ રૂઝાયો નહિ. ભવિષ્યમાં આવા પ્રસંગ પુન: ઉપસ્થિત ન થાય એટલા માટે બાએ પોતાના બે પુત્રો ઉપર વધુ સ્નેહ ઢોળ્યો. બાના મોંની મીઠાશ વધુ મીઠી થતી ગઈ, પુત્રો પ્રત્યે બાના હૈયાની કોમળતા વધુ કુમળી થતી ગઈ. * * * બાના બીજા પુત્ર રમણલાલનું લગ્ન થયું. તેની પત્ની કમલા ઘેર પણ આવી. નવી વહુને અચ્છો અચ્છો વાના કરવામાં અને નવા પરણેલા પતિપત્નીના હૈયાં રીઝવવામાં બાએ જરાયે કચાશ ન રાખી. રમણલાલને કેળવણી ખાતામાં નોકરી મળી અને શરૂઆતમાં સૂરતમાં જ રહેવાનું થયું એટલે બાને પરમ સંતોષ થયો. સ્વર્ગ બે વેંત જ ઓછું રહ્યું. ઘરનું નાનામાં નાનુ કામ પણ બા જ કરી લેતાં હતાં પણ સ્વર્ગ કોઈનું કાયમ રહ્યું હોય તેવું સાંભળ્યું છે? રમણલાલની બદલી કામચલાઉ અમદાવાદ થઈ. અમદાવાદ જવાની તૈયારી રમણલાલ અને કમલા કરવા લાગ્યાં. બાએ બીતાં બીતાં સાથે જવાની ઇચ્છા દર્શાવી. વિનાયકની કેળવણી રમણલાલની આંખ નીચે અપાય તો સારું એવી દલીલ તેમણે રજુ કરી. પણ કામચલાઉ ફેરબદલી થતાં આખું ઘર ઉપાડીને લઈ જવું એ આર્થિક દૃષ્ટિએ મૂર્ખાઈ છે એમ રમણલાલે કહ્યું. વિનોદમાં રમણલાલે એમ પણ કહ્યું કે ધીરજલાલ અને પોતાની કેળવણી પણ બાની આંખ આગળ જ થઇ હતી ને! પરિણામે રમણલાલ અને કમલા અમદાવાદ ઉપડી ગયાં. મોટા ઘરમાં બા અને વિનાયક એકલા એટલે ઘર ખાવા ધાવા લાગ્યું. કામચલાઉને બદલે કાયમની નોકરી જ એ તરફની થઈ પણ બાને રમણલાલનું તેડું આવ્યું નહિ. ધીરજલાલની પાસે તો ફરિયાદ કરવી એ નકામું જ હતું અને પુત્રની ફરિયાદ કરવી એ વિચાર પણ બાના હેતાળ હૈયાને ખરાબ લાગતો હતો. છતાં બા કો'ક વખત વિનાયક આગળ આ વાત બોલતી. પણ વિનાયક યુવાન હોઈ યુવાવસ્થામાં કુદરતી રહેલ સ્વાર્થ, અન્યના દુ:ખ પ્રત્યે બેદરકારી વગેરે લાગણીઓથી રંગાયેલો હતો. રમણલાલ-કમલાના કાર્યથી એને ખાસ અસંતોષ થયો નહિ. એમણે કશો ગુનો કર્યો એમ તેની બુદ્ધિને જણાયું નહિ. બાને ચૂપ રહ્યા સિવાય અન્ય કોઈ માર્ગ નહોતો. મનુષ્ય વિચિત્ર પ્રકૃતિનું પ્રાણી છે. અન્ય પ્રાણીઓ એક વખત છેતરાય પણ બીજી વેળા એ જ રીતે નહિ છેતરાય. મનુષ્ય બધા પ્રાણીથી વધુ બુદ્ધિમાન પ્રાણી હોવાને કારણે એક ને એક રીતે અનેક વેળા છેતરાય છે, છતાં આશાવાદી જ રહે છે. યુવાવસ્થામાં એને ક્ષણભર તીવ્ર નિરાશા થાય છે પણ તરત જ એ ઝખમ રૂઝાય છે અને નિરાશા આશામાં ફેરવાય જાય છે. વૃદ્ધોના નિરાશાના જખમો જલ્દી રૂઝાતા નથી છતાં આશા છોડાતી તો નથી જ. બાએ પતિ ખોયો ત્યારે ત્રણ પુત્રો ઉપર આશા બાંધી, ધીરજલાલ રતનવહુ મુંબઈ જતાં રહ્યાં ત્યારે બે પુત્રોને પોતાનો સ્નેહ આપ્યો. રમણલાલ અને કમલા અમદાવાદ જતાં બા પાસે રહ્યો એકલો વિનાયક. વૃદ્ધોની કાળજી અને કંજૂસાઈથી સંગ્રહેલ મમતા અને વાત્સલ્ય બાએ વિનાયક આગળ ધર્યા. પણ યૌવન-મદમાં ઘૂમતાં યુવક-યુવતીઓને આવા વાત્સલ્યની કોઈ કિંમત નથી, એની પરવા નથી, એની જરૂર પણ નથી હોતી. ઊલટું સ્નેહીઓ તરફથી મળતી મમતા, સ્નેહ, વાત્સલ્ય વગેરેની ભેટ મેળવવાનો પોતાનો કુદરતી હક્ક છે એમ તેઓ માને છે અને એ ભેટ સ્વીકારવાથી પોતે એ ભેટ ધરનાર મનુષ્યો ઉપર ઉપકાર કરે છે એવું ધારી લે છે. થોડા વર્ષો વહી ગયા. વિનાયક વકીલ થયો અને પછી મુન્સફ થયો. સૂરતમાં જ કન્યા મળી લગ્ન ધામધૂમથી થયાં. સૌથી નાની વહુ ઊર્મિલા ગ્રેજ્યુએટ થયેલ હતી એટલે બાનો હર્ષ માતો નહોતો. પહેલી બે વહુઓ ઓછું ભણેલી અને આ ત્રીજી તો ગ્રેજ્યુએટ હતી એટલે સ્વાભાવિક રીતે અભિમાન તો થાય જ. તે ઉપરાંત બાના હૃદયના ખૂણામાં એવો પણ વિચાર ખરો કે પહેલી બે વહુઓના જેવું વર્તન ત્રીજી નહિ બતાવે. વળી હવે કોઈની કેળવણી પણ બગડે તેમ ન હતું. સૂરતમાં બાની કોઈને જરૂર પણ ન હતી. તેમણે વિનાયકને જે લાડ લડાવ્યાં તેટલાં લાડ બહુ થોડા પુત્રોએ મા તરફ્થી મેળવ્યાં હશે. ઊર્મિલાએ સાસુ પાસેથી વિવાહ અને લગ્ન વચ્ચેની મુદતમાં જેટલું હેત મેળવ્યું હતું તેટલું હેત તો કદાચ કોઈ પણ પુત્રવધુએ સાસુ પાસેથી મેળવ્યું જ નહિ હોય! બા પણ જાણતી હતી કે આ તેની છેલ્લી રમત અને છેલ્લી તક છે. આમાં પરાજય મળ્યેથી જીવનમાં બીજી આશા તેની પાસે ન હતી. * * * લગ્ન થઈ ગયાને ચારેક દિવસ થઈ ગયા હતા. ધીરજલાલ અને રતનવહુ તો રજા ટૂંકી હતી એવું બહાનું કાઢી મુંબઈ રવાના પણ થઈ ગયાં હતાં અને લગ્ન પછીના દિવસોની માથાકૂટ એ રીતે એમણે માથા ઉપરથી કાઢી જ નાંખી હતી. લગ્ન દરમિયાન રતનવહુ અને કમલાએ પોતે છોકરાના પક્ષ તરફનાં ખાસ મહેમાન છે એ મહાન સત્ય છોકરીવાળાને સમજાવવા કોઈ કોઈ વાર યત્ન કર્યા હતા પણ બાએ વચમાં પડી સમાધાન કરાવી દીધું હતું. વળી પરણનાર પોતે જ આ બાબતમાં વહુના પક્ષનો હતો એટલે ઝાઝી તકરાર થઈ શકી પણ નહિ. શુભ પ્રસંગનો આનંદ અનુભવ્યા પછી જે ગ્લાનિ અનુભવાય છે તે ગ્લાનિમાંથી બા હજી પૂરેપૂરાં છૂટી શક્યા ન હતાં. તે પહેલાં તો વિનાયકે બાને જણાવી દીધું કે ‘આજે ઊર્મિલા અહીં રહેવા આવવાની છે!’ દુ:ખકર પ્રસંગ આવવાનો હોય તો તેની આગાહી મનુષ્યને થયા વિના રહેતી નથી. સાધારણ રીતે પણ પોતાના સ્નેહીજનની ઉપરની પોતાની માલિકીમાં કોઈ ત્રાહિત વ્યક્તિ ભાગ પડાવવા આવે એટલે મનુષ્યને દુ:ખ થયા વિના રહે જ નહિ. વિનાયકના શબ્દો સાંભળી બાનું હૈયું અનેક દુ:ખની આગાહી અનુભવવા લાગ્યું. વેદનાના ભણકારા સ્પષ્ટ સંભળાવા લાગ્યા. ઊર્મિલાના અને પોતાના સંબંધમાં કોઈ પણ જાતની કડવાશ ઊભી નથી થઈ -–પોતે ઊભી જ નથી થવા દીધી એટલું જ નહિ પણ એવી કડવાશની ગંધ સરખી પણ આવવા નથી દીધી એવું બાએ પોતાના હૃદય સાથે વિચાર કરીને માની લીધું અને એ માન્યતાથી હૈયું કાંઈક શાંત થયું. હજી તો વિનાયકની નોકરી સૂરતમાં જ છે એટલે તો ચિંતા જ નથી. પણ પરગામમાં પણ ગ્રેજ્યુએટ થયેલ યુવતીને વગર પગારનું આવું ખાતરીવાળું માણસ ભારે તો ન જ પડે પણ ઊલટું આવશ્યક ગણાય એમ બાને લાગ્યું એટલે પોતે નાહક ખિન્ન થાય છે એમ મનને ઠસાવ્યું. ઊર્મિલાને ઘેર બોલાવવાનું કહેવાનું પોતે જ કરી લીધું એને બદલે વિનાયકે મને જ કહ્યું હોત તો કેવું સારું થાત એવો વિચાર બાને આવ્યો. કેટકેટલી વાર પોતે કાંઈ કેટલો આનંદ પોતાન પુત્રના સારાને માટે, જરા વિચાર પણ કર્યા વગર જતો કર્યો હતો તેનો ખયાલ બાને આવ્યો. છતાં આવા નાના કાર્યનો યશ – તે કરવાનો સંતોષ વિનાયકથી પોતાને નહિ અપાયો એ વિચાર માત્રથી બાનું હૈયું વીંધાયું પણ એવા એવા વિચારોથી – એવા એવા પશ્ચાતાપથી વસ્તુસ્થિતિ સુધરતી નથી એવું બા સારી રીતે જાણતી હતી એટલે એણે મનને વાળી લીધું. ઊર્મિલા પોતાને ત્યાં રાતે આવવાની હતી તે પ્રસંગે જરા થોડી બરફી અને બે ફૂલના હાર હોય તો ઠીક, નવી વહુને સારું લાગશે એમ બાને લાગ્યું. પણ બજારમાંથી લાવે કોણ? એવી વાત ચાકર માણસને તો કહેવાય નહિ. બાએ વિચાર કરીને, હિંમત એકઠી કરીને કમલાને કહ્યું : ‘કમલાગવરી, ઊર્મિલા આજથી અહીં રહેવા આવવાની છે.’ ‘પરણ્યા એટલે આવવાનાં જ ને,’ બા તરફ મોં પણ ફેરવ્યા વિના કમલા બોલી : ‘નહીં તો પરણત શું કામ?’ ‘હા એ તો ખરું પણ – પણ – મને એમ કે જરા થોડી બરફી અને ફુલનો હાર મંગાવીએ તો ઠીક.’ બા બોલી. ‘શેને માટે? અમારી વખતે તો આવું કશું કર્યું ન હતું!’ કમલાએ કહ્યું. ‘હા વહુ, એ તો હું જાણું છું પણ હવે જમાનો બદલાયો છે એટલે આટલું કરીએ તો જુવાન છોકરાંઓને ઠીક લાગે.’ બાએ ધીમેથી કહ્યું. ‘તે તમારે જે કરવું હોય તે ખુશીથી કરો ને, હું થોડી ના કહું છું?’ કમલા બોલી : ‘પણ મને એવા નવા રિવાજ દાખલ કરવા ગમતા નથી.’ ‘તમે જરા પાસેથી જઈને લઈ આવશો?’ દલીલમાં ઊતરવું નિરર્થક લાગ્યાથી બાએ વિનંતી કરી. ‘હા હા હા! કોણ હું લઈ આવું?’ કમલા કટાક્ષમાં હસતી બોલી : ‘મને તો કશા ઓરતા નથી. અરે, અત્યારે વખત પણ ક્યાં છે? સાંજ પડવા આવી છે અને અમે આજે રાતે નવની ટ્રેનમાં તો અમદાવાદ જવાનાં, હજી તો મારે વાવાકાકાને અને લાલામામાને મળવા જવું છે. કોઈ ચાકરની પાસે મંગાવી લ્યોને; બાકી અમસ્થી માથાકૂટ કરો છો – એમાં કોઈ તમને સરપાવ આપી દેવાનું નથી.’ કમલાના છેલ્લા વાક્યમાં બાને નગ્ન સત્ય લાગ્યું. છતાં એ સ્વીકારવા એનું હૈયું કબૂલ થયું નહિ. સ્નેહી ગમે તેવું મરણપથારીએ પડ્યું હોય છતાં દાક્તર જો એમ કહે કે હવે આશા નથી તો તે સત્ય સાંભળવા કોઈ તૈયાર નથી હોતું. આમાં પણ બા વસ્તુસ્થિતિ જાણતી હતી છતાં તે સ્વીકારવા તૈયાર થઈ નહિ. કમલા પાસેથી બા ખસી ગઈ અને કોઈનું ધ્યાન પહોંચે નહિ તેમ ઘરમાંથી નીકળી માળીની દુકાનેથી હાર અને બરફીવાળાને ત્યાંથી બરફીની ટોપલી લઈ આવીને બાએ પોતાના ઓરડામાં સંતાડી દીધાં. વાળુ કાંઈ ઉતાવળથી થયું. રમણલાલ અને કમલા ‘આવજો, આવજો, શરીર સાચવજો, કાગળ પત્તર લખતાં રહેજો’ વગેરે વાક્યોના ધ્વનિ સાથે અમદાવાદ જવા ઊપડી ગયાં. ઘરમાં બા અને વિનાયક બે એકલાં જ રહ્યાં. વિનાયકનું હૈયું પણ લાગણીઓના આવેશથી વ્યગ્ર બની ગયું હતું એટલે તેનાથી શાંત બેસી રહેવાયું નહિ. કશું બહાનું કાઢીને વિનાયક કોઇ પડોશીને ત્યાં ‘પાંચ મિનિટ જઈ આવું છું,’ કરીને ચાલ્યો ગયો. ઘરની શાન્તિ બાને સાલવા લાગી. કાંઈક કુતૂહલ વૃત્તિથી પ્રેરાઈને આજુબાજુની પડોશણો બાને મળવા આવી પણ બાથી એમની જોડે છૂટથી બોલાયું નહિ એટલે પડોશણો નિરાશ થઈ. ‘હજી વહુ આવ્યાં નથી?’ એક પડોશણે પૂછ્યું. ‘ના, આવશે, શી ઉતાવળ છે?’ બાએ લાગણી વિનાના અવાજે કહ્યું. પડોશણો ગઈ. બા ઉતાવળે જઈને વિનુભાઈના ઓરડામાં થોડી છેલ્લી ગોઠવણ અને સાફસૂફી કરી આવી. એક ખૂણામાં ઘીનો દીવો પણ એણે સળગાવી દીધો અને બે-ચાર અગરબત્તીઓ પણ ચેતવીને મૂકી દીધી. બારણું ખખડ્યું. બાના હૈયામાં આઘાત થયો. પુત્રને લેવા યમરાજા આવતો હોય એવી ભ્રમણા થઈ. ‘રોઈ પડું, રોઈ પડું’ એવું હૈયું ગળગળું થઈ ગયું. ઊભરો દબાવી બાએ મમતાભર્યા સાદે કહ્યું :‘આવ, ઊર્મિલા આવ, અચકાય છે શાની? ઘર તો બેટા, તારું જ છે ને?’ બા ઊભી થઈને દાદર સુધી ગઈ. ઊર્મિલાનો હાથ પકડી તેને ખંડમાં લઈ આવી અને ખુરશી પર બેસાડી. ઊર્મિલા ગ્રેજ્યુએટ હતી. તે અને વિનાયક લગ્ન પહેલાં અનેક વાર મળ્યાં હતાં છતાં નવજીવનના આરંભની ઘટિકા પાસે આવતી જતી હતી એટલે તે પણ જરા વ્યગ્ર હતી, અસ્વસ્થ હતી. શિયાળો હતો છતાં મુખ ઉપર પ્રસ્વેદ જણાતો હતો. તે લૂછવા માટે રૂમાલનો ઉપયોગ કરવાનું પણ એને સૂઝતું ન હતું. થોડી વાર સાસુ અને વહુ સામસામું જોઇ રહ્યાં, પણ આ પ્રકારની શાન્તિ બાથી સહન થઈ નહિ, એટલે એણે કહ્યું :‘પાણી બાણી પીવું છે?’ ‘ના - નાજી,’ ઊર્મિલાએ ઉત્તર દીધો. ‘ઊર્મિ, હું તારી મા છું એ જ પ્રમાણે મને ગણજે, જરા અંતર નહિ રાખીશ.’ બાએ ધ્રુજતા હોઠ દબાવીને કહ્યું : ‘મારે તો તું અને વિનાયક એ બે જ હવે રહ્યાં છો.’ ‘હંઅ, હા.’ ઊર્મિલાએ નીચું જોઈ જવાબ વાળ્યો. નાની વહુના હૈયામાં પ્રવેશ કરવાનો સાસુએ પ્રયાસ કર્યો પણ એમાં અસલની સાસુઓની સંસ્થા અંતરાય રૂપ થઈ પડી. એક પણ શબ્દ બોલ્યા વિના સાસુ અને વહુ એકેકેના હૈયાના વિચાર જાણવા લાગ્યાં. પોતાના લાડકવાયા પુત્રનું હરણ કરવા આ અજાણી ત્રાહિત છોકરી આવી છે, એને વિજય જ મળવાનો છે, પોતે પોતાનું સર્વસ્વ અર્પી દેવા તૈયાર છે છતાં પણ સામેથી વિષ્ટિની ઈચ્છા બતાવવામાં આવતી નથી એ બધું બાના હૈયાએ પારખી લીધું. જેમ જેમ આ પ્રકારના વિચાર બાનું હૈયું સ્વીકારતું ગયું તેમ તેમ બાનાં ગાત્ર શિથિલ થતાં ગયાં. ‘શું કરું? શું બોલું? કે જેથી હજી પણ વહુ મારા પ્રત્યે આકર્ષાય?’ એ વિચારમાં બાની જીભ જ બંધ થઈ ગઈ. ઊર્મિલાને સાસુનો પરિચય સારો થયો હતો અને તે પરિચયમાં સાસુનો દોષ કાઢવા જેવું કશું જ જણાયું ન હતું. છતાં પણ ‘સાસુ તે સાસુ જ.’ આ વિચારે અન્ય બધા વિચારોને કાઢી ઊર્મિલાના યુવાન મગજને ઘેરી લીધું. સાસુઓને હાથીની પેઠે બે પ્રકારના દાંત હોય છે – દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એ દૃષ્ટાંતે ઊર્મિલાની બીજી બધી લાગણીઓને દબાવી દીધી. એવામાં વિનાયક આવ્યો. ’ઓહો ! ઊર્મિલા આવી ગઈ!’ તે બોલ્યો : ‘બા તમારે મને કહેવડાવવું તો હતું ને!’ ‘ભાઈ, ક્યાં કહેવડાવું?’ બાએ ઉત્તર આપ્યો : ‘તમે ક્યાં જાઓ છો તે મને કહ્યું ન હતું ને.’ ‘ઓહોહોહો અગિયાર વાગી ગયા!’ ઘડિયાળ સામું જોઈને વિનાયક પોતાના ઓરડામાં જવા દાદર ઉપર ચડવા લાગ્યો. બાએ ધીમેથી ઊર્મિલાનો હાથ દબાવી કહ્યું : ‘ઊર્મિ, જાઓ. આ જરા લેતાં જાઓ.’ બા દોડી. સંતાડીને સાચવી મૂકેલી બરફીની ટોપલી અને હાર ઊર્મિલાના હાથમાં આપ્યાં. વિનાયક રમણા ઉપર ઊભો હતો તેણે એ જોયાં. ક્ષણભર બા પ્રત્યે વહાલની ઊર્મિ જાગૃત થઈ. બાનો ઉપકાર માનવા જતો હતો એટલામાં એ અટકી ગયો. ઊર્મિલાની આંખ વિનાયકને જોઈ રહી, ક્ષણભર વિનાયક ઊર્મિલાને જોઈ રહ્યો. પછી બાની સામું જોયું, તેનું ચિત્ત ચગડોળે ચડ્યું, અલ્પ સમયમાં, પોતે બાના ખોળામાં હતો ત્યારથી માંડીને આવડો મોટો થયો ત્યાં સુધીનું પોતાનું જીવન તેની આંખ આગળથી પસાર થઈ ગયું. પણ તરત જ ઊર્મિલાની આકૃતિ પાછી બળ કરીને તેની આગળ આવી. ભૂતકાળના મનુષ્યોના સંયુક્ત કુટુંબની જીવનકથા સિનેમા ફિલ્મની પેઠે તેણે પળભરમાં જોઈ. ઊર્મિલા દાદર તરફ વળી, વિનાયક રમણા ઉપર ઊભો ઊભો બા તરફ વળ્યો : ‘બા અમે કાલથી લાઈન્સમાં રહેવા જવાનાં છીએ. માઠું ન લગાડશો પણ – પણ નોકરી પ્રમાણે મોભાસર તો રહેવું જોઈએ ને’ વિનાયક માને છરી ભોંકતો હોય એવી વેદના અનુભવતો બોલ્યો : ‘તમારે દેવદર્શન અને એવું બધું જોઈએ એટલે ત્યાં નહિ ફાવે, અને એ આઘુંય ક્યાં છે!’ વિનાયક આટલું બોલી ધડધડાટ દાદર ચઢી ગયો. ઊર્મિલા થોડી ધીમેથી ઉપર ચઢી, ઉપલા ઓરડાનાં બારણાં બંધ થવાનો અવાજ સૂના ઘરમાં ગાજી ઊઠ્યો. બરફીની ટોપલીએ બાંધેલ દોરો અને ટોપલી પરથી કાઢેલો કાગળ બાના હાથમાં હતાં તે એમ ને એમ જ રહી ગયાં : ખંડની દીવાલો ફરતી હોય તેમ બાની આંખને લાગવા માંડ્યુ. શિયાળાની કડકડતી ઠંડીમાં બાના શરીરને ઝોબો આવી ગયો. અત્યાર સુધી સાચવી રાખેલ શરીર સહસા શિથિલ થઈ ગયું. ક્ષણવારમાં બાનું વય દશ વર્ષ વધી ગયું હોય તેમ જણાયું. ઘરમાં મૃત્યુ સમી શાન્તિ પ્રસરી રહી. એવી જ શાન્તિ બાના અચાનક વૃદ્ધ થઈ ગયેલા હૈયામાં વ્યાપી રહી. વૃદ્ધ ડોશીના પગ ધ્રુજ્યા. હાથમાંની બરફીની ટોપલીનો દોરો અને કાગળ જમીન ઉપર પડ્યાં. બા પણ ત્યાં જ ફસડાઈ પડી. |
[પાછળ] [ટોચ] |