[પાછળ]
બા ચા પા, ના, ભા, મધ ખા!

લેખકઃ ચંદ્રકાન્ત બક્ષી

ગુજરાતીઓ પાન ખાય છે, ઉત્તર ભારતીયો પાનને મોઢામાં જમાવે છે. ગુજરાતીઓ ચા પીએ છે, ઉત્તર તરફ ચાયની ચુસ્કી લેવાય છે. ચા વિશે ગુજરાતી ભાષામાં જેટલું લખાવું જોઈએ એટલું લખાયું નથી, અને ચા ન પિવાવી જોઈએ, એટલી બધી પિવાય છે. કહેવાય છે કે જેની ચા બગડે છે એનો દિવસ બગડે છે. અમારી પેઢી જ્યારે શિશુપેઢી હતી, અને બાળપોથીથી અમે ગુજરાતી ભાષા વાંચવી શરૂ કરી ત્યારે પહેલો પાઠ બહુ મોટા અક્ષરોમાં છાપ્યો હતો. અને એની પ્રથમ લીટી હતી: બા ચા પા! એ વાક્યની અસર જીવનભર રહી. અને બીજું વાક્ય હતું: ના ભા મધ ખા! બાળક વાંચી શકે એ માટે જોડાક્ષરો વિનાની અને બારાખડીના અમુક જ અક્ષરો વાંચતાં આવડે એવી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે ચાહ શબ્દ ન હતો. અમે ગુજરાતી ભાષામાં પહેલો શબ્દ ‘ચા’ શીખ્યા હતા!

ર૦૦૪નું વર્ષ ચાના આશિકો માટે સંવત્સરીનું વર્ષ છે. બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ટોમસ સલીવાન નામનો એક અમેરિકન પતરાના ડબ્બાઓમાં ચા વેચતો હતો, કે જેથી ચાની પત્તીઓને ભેજ ન લાગે. આ બહું મોંઘું પડતું હતું. એટલે એણે રેશમની સીવેલી નાની પોટલીઓમાં ચા વેચવા માંડી. આશય એ હતો કે આ પોટલી કાપીને ચાની ભૂકી કપમાં નાખવાની, પણ એના ઘરાકો પોટલી જ ગરમ પાણીમાં ડુબાડવા લાગ્યા! એનાથી ચાનો ભીનો ભૂકો સાફ કરવાની, અને વાસણ ધોવાની માથાકૂટ ચાલી ગઈ. અને ટી-બૅગનો જન્મ થયો! ટોમસ સલીવાનને મજા પડી ગઈ, એણે રેશમને બદલે પાતળા ગોઝનો ઉપયોગ પોટલી બનાવવામાં કરવા માંડ્યો, જે ગોઝ રેશમ કરતાં સસ્તું હતું. કિસ્મતે બીજી રીતે પણ યારી આપી. ર૦મી સદીના આરંભે જ્યારે ઈન્ફલ્યૂએન્ઝા અથવા ફલૂનો ઉપદ્રવ વધી ગયો ત્યારે આ ટી-બૅગ ખરેખર લોકપ્રિય બની ગઈ. આનાથી ચેપ ફેલાવાનો ડર બહુ ઓછો હતો. એક અકસ્માતથી જન્મેલી વસ્તુને બીજા અકસ્માતે વિશ્વપ્રિય બનાવી દીધી, અને ટી-બૅગ દુનિયાભરમાં સ્વીકારાઈ ગઈ.

ચા વિશે પ્રકાર પ્રકારની દંતકથાઓ પ્રવર્તે છે. આજથી ૪૦૦૦ વર્ષો પહેલાં ચીનનો સમ્રાટ શેન-નુંગ ઈ.સ. પૂર્વે ર૭૩૭માં એક ઝાડ નીચે બેઠો હતો અને સેવક પીવાનું પાણી ઉકાળી રહ્યો હતો ત્યારે એક પાંદડું પાણીમાં પડ્યું. આ એક જંગલી ચા-વૃક્ષનું પત્તું હતું. સમ્રાટ કવિ અને વનસ્પતિશાસ્ત્રી હતો. આ પાણી પીને એણે તાજગી અનુભવી, દરબારીઓને આ પીવા માટે આદેશ આપ્યો, સમ્રાટને ખુશ કરવા બધા પીવા માંડ્યા અને સન ૬૧૮માં તેંગ વંશ આવતા સુધીમાં આ પીણું જનપ્રિય થઈ ચૂક્યું હતું. એનું નામ હતું: ત્ચા!

ચાનો ઈતિહાસ રસિક અને રોચક છે. કહેવાય છે કે ઝેન બુદ્ધિઝમના સ્થાપક બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મ જાપાન ગયા હતા અને જાપાનમાં એમણે ચાનું ચલણ શરૂ કર્યું. બોધિધર્મે જાપાનની પ્રજાને સમજાવ્યું કે ભગવાન બુદ્ધ સ્વયં એમની ૭ વર્ષની તપસ્યાના પાંચમાં વર્ષે જાગૃત રહેવા માટે એક ચાના વૃક્ષનાં પાંદડાં ચાવી ગયા હતા. નવમી સદીમાં આરબ વેપારીઓએ ઈટલીના વેનિસના ગણરાજ્ય દ્વારા યુરોપમાં ચા દાખલ કરી. ઇંગ્લેન્ડનો રાજા ચાર્લ્સ બીજો પોર્ટુગીઝ રાજકુમારીને પરણ્યો હતો, જે ચા પીવાની શોખીન હતી. (દહેજમાં મુંબઈનો ટાપુ, ઇંડિયા, ચા... આ બધાને કોઈ સંબધ છે?). એક એવો પણ જમાનો હતો જ્યારે શ્રમિકોની ડિમાન્ડ હતી કે એમને પગાર ચાની પત્તીમાં ચૂકવાય!

આજે ચા એક આંતરરાષ્ટ્રીય પીણું બની ગઈ છે. હિંદુસ્તાન અને ચીનમાં ચા સૌથી વધારે પિવાય છે એવું એક અનુમાન છે. અને હિંદુસ્તાનમાં ચા પીવામાં પ્રથમ નંબર ગુજરાતનો હોય એવી સંભાવના મજબૂત છે. અને ગુજરાતમાં પણ કાઠિયાવાડ તરફ ગરમ ચા, અને એમાં શરબત બને એટલી ખાંડ નાખીને, રકાબી ભરીને, ચૂસી ચૂસીને ચાની મજા લૂંટવાની વાત છે. તિબ્બતમાં ચાની અંદર નિમક અને માખણ નખાય છે, તો ઇંગ્લેન્ડમાં વ્હાઈટ-ટીનું પ્રલચન છે. આપણે સૂંઘી સૂંઘીને ચા ખરીદીએ છીએ, અને એની મુલાયમ, માદક ફ્લેવર માટે વધારેમાં વધારે પૈસા આપીએ છીએ! અને પછી એમાં ચાનો ગરમ મસાલો નાખીએ છીએ! ઉચ્ચ ક્વૉલિટીની ચાની મુલાયમ રાજસિક ખુશ્બૂ અને ઉચ્ચ ક્વૉલિટીના મસાલાની તીવ્ર તામસિક વાસને કુશ્તી કરાવીને આપણે ગુજરાતીઓ ચાના સબડકા લેતા લેતા મહાઆનંદયોગમાં ડૂબતા જઈએ છીએ. ગુજરાતીઓની ચા એક માદક પીણું છે.

ચાનું વિશ્વ હવે ફેલાઈ ચૂક્યું છે. જાતજાતની જ્ઞાનવર્ધક જાહેરખબરો વાંચવા મળતી રહે છે. લંડનના ‘ડેઈલી એક્સપ્રેસ’માં જૂન ર, ર૦૦૩ના અંકમાં ચાથી શું શું લાભાલાભ થઈ શકે એ વિશે એક લેખ હતો. દિવસના ૩ કપ ચા પીઓ તો કૅન્સરનો પ્રતિકાર કરી શકો છો. અંગ્રેજો કહે છે એમ ‘ડેઈલી કપ્પા’થી હૃદયરોગ સામે લડી શકાય છે. હર્બલ ટી છે. ઉકાળેલા પાણીમાં ચાની પત્તી બફાતી રહે છે. પિપરમિન્ટ ટી મળે છે. ગ્રીન ટી છે. એક વાર એક ચાઈનીઝ હોટેલમાં જમ્યા પછી ગોલ્ડન (કે ગ્રીન) ટી પીધી હતી, હિંદી લેખક કમલેશ્ર્વર અને હું સાથે હતા. એ માઉથવૉશ જેવી હતી. જમ્યા પછી મોઢાને ખુશ્બૂદાર બનાવતી હતી. બહુ જ નાના કપોમાં બહુ જ મોટી કીટલીમાંથી ચા રેડતા જવાની, અને ધીરે ધીરે પીતા જવાનું. એ ચા રેડાતી હોય ત્યારે એમાં સોનેરી, પહેલદાર ચમક દેખાતી! થાક્યા હો તો કેફીનવાળી ચા પી શકાય છે. ચા તમારા શરીરને ‘ડી-ટોક્ષીફાય’ કરે છે! અને માટે લિવર અને કિડની માટે સારી છે, એવું નવા ઉત્સાહી ડૉક્ટરો કહે છે.

ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીતા નથી. નરસિંહ મહેતા ચા પીધા વિના પ્રભાતિયાં ગાતા હશે એ વિચાર જ ક્રાંતિકારી છે! ચા માટે બે શબ્દો મશહૂર છે: ટી અને ચા, અને આ બંને શબ્દોનું ગોત્ર ચીની છે. યુરોપની ભાષાઓમાં ‘ટી’ શબ્દ આવ્યો છે, એશિયાની ભાષાઓમાં ‘ચા’ શબ્દ સ્વીકારાયો છે. દક્ષિણ ચીનની કેન્ટોનીઝ ભાષામાં (કેન્ટોન નગર, જે હવે ગેંગઝાઉ નામથી ઓળખાય છે.) ‘ત્ચા’ શબ્દ હતો. આ ત્ચા શબ્દ કેન્ટોનથી કલકત્તા આવ્યો, અને પૂરા એશિયામાં ફેલાઈ ગયો. જાપાન, રશિયા, ઈરાન, હિંદુસ્તાનમાં ચા છે. ચીનની આમાંય ભાષાનો ‘ટ્ટી’ શબ્દ ૧૭મી સદીમાં ડચ જહાજીઓ જાવા લઈ ગયા, અને ત્યાંથી એ શબ્દ યુરોપમાં ગયો, અને યુરોપના દેશોએ ટી સ્વીકારી લીધું. હિંદુસ્તાનમાં ત્ચા શબ્દમાંથી ચા, ચાય, ચાહ શબ્દો પ્રકટતા થયા. આજકાલ હિંદુસ્તાનમાં કૉફી-બ્રેક અને હાઈ-ટી બંને ચાલે છે.
[પાછળ]     [ટોચ]