[પાછળ]
એક સાંજ

લેખકઃ અંબાલાલ પુરાણી

સાંજે ઑફિસથી આવીને મારી પાલિતપુત્રી શાંતિના આવવાની રાહ જોતો હું બારી પાસે આંટા મારતો હતો. શાંતિને નિશાળેથી આવતાં મોડું થયું એટલે મારો જીવ જરા ઊંચો થતો હતો. થોડી વારે એને ઉતાવળી ઉતાવળી બે હાથમાં કાંઈ સંભાળીને લઈ આવતી મેં દૂરથી જોઈ. દાદર ચઢીને ઉપર આવી ત્યારે મેં જોયું કે એના ગાલ લાલ લાલ થઈ ગયા હતા, અને ઝડપથી શ્વાસ લેતી શાંતિ ઘણાં જ ઉત્સાહમાં હતી. એના વાળ જરા અનિયમિત થઈ કપાળ પર આડા અવળા વિખરાયા હતા. એથી એની સુંદરતામાં વધારો થતો હતો.

તેણે વાદળી રંગના લૂગડામાં બે હાથ સંતાડી દઈને સ્મિત કરીને મને લહેંકાતે અવાજે પૂછ્યું: ‘બોલો જોઈએ, મોટાભાઈ મારી પાસે શું છે?’

‘કેમ આજે કાંઈ નવું ઇનામ તારા માસ્તરે નિશાળમાં આપ્યું છે કે શું?’ મેં એને જ મોઢે જવાબ કઢાવવા યુક્તિપૂર્વક પૂછ્યું.

‘જે હોય તે, તમે કહી આપો તો ખરા!’ તેણે ઉત્તર દેવો ઉડાવ્યો. પછી તોફાની આંખો ઝીણી કરીને હસતી હસતી બોલી, ‘આજે તો તમને ખબર પડે જ નહિ ને! કહેતાં હો તો શરત બકીએ.’

મેં ઘણો પ્રયત્ન કર્યો પણ શાંતિ શું લાવી હશે તેની કલ્પના કરી શક્યો નહીં, એટલે જે મનમાં આવે તે મેં બોલવા માંડ્યું.

મેં કહ્યું: ‘જો ઇનામ ન હોય તો રસ્તા ઉપરનો સરસ પથરો હશે.’

‘ખોટું, ખોટું. અલી બા! પથરો તે હોય?’ શાંતિ બોલી.

‘ત્યારે, મગફળી.’ મેં કહ્યું, ‘ચણા, મમરા.’

‘ખોટું, ખોટું. બા!’

‘બોર, ગુલાબ’ – ઘણાં ઘણાં નામ દેતો ગયો તેમ તેમ શાંતિ જોરથી હસતી ગઈ.

એને આટલો બધો નિર્દોષ આનંદ લેતી જોઈને મને ખોટાં નામોની અદ્‌ભુત શોધખોળ કરવાની અને એને વધારે હસાવવાની વૃત્તિ થઈ, પણ એટલામાં ઘરડો નોકર રામો સફાળો ઉપર આવ્યો અને શાંતિ તરફ ફરીને બોલ્યો, ‘શાંતિ બહેન, તું પેલી ચકલી નથી લાવી? શશીબહેન મને બોલાવીને પાંજરું આપી ગઈ છે.’ – અને તેણે પાંજરું આગળ મૂક્યું.

‘જુઓ. મારી રમત બગાડી નાખી.’ શાંતિએ ફરિયાદ કરી અને એણે પોતાના હાથમાં સંતાડેલી વસ્તુ ઉપરથી લૂગડું લઈ લીધું. ‘નહિ તો આજે મોટાભાઈને બરાબર હરાવત.’ તેણે મારા પણ પર વિજયશાળી દૃષ્ટિ ફેંકી.

એના બે હાથમાં ઘાસના તણખલાના કૃત્રિમ માળા વચ્ચે એક બે દિવસનું ચકલીનું બચ્ચું હતું. એની મીંચેલી આંખો અજવાળું પડતાં તેણે ઉઘાડી અને બીકને લીધે તે ડોક ઊંચી નીચી કરવા લાગ્યું. મને તે બતાવતાં શાંતિએ કહ્યું: ‘હું નિશાળેથી આવતી’તી ત્યારે પેલા છજાવાળા ઘરની નીચે આ બિચારું એકલું માળામાંથી પડી ગયું હતું, તે અમે નિશાળેથી આવતાં દીઠું. જો અમે થોડાં મોડાં પડ્યાં હોત તો બિચારું કોઈના પગમાં આવી ચગદાઈ જાત.’ બહુ દયાભાવભર્યે ચહેરે તે બચ્ચા સામે જોઈ રહી.

‘શાંતિ! તું એને લાવી તો ખરી, પણ એની મા માળામાં એની રાહ નહિ જુએ?’ મેં એને પૂછ્યું. ‘તે અમે એવાં મૂર્ખા નથી તો!’ તેણે પોતાનું ડહાપણ દર્શાવતાં મારી તરફ જોયું. ‘અમે તો એના માળા માટે પહેલી તપાસ કરી, પણ એની મા તો મરી ગઈ છે, એવું છજા નીચે દુકાનવાળો છે એણે અમને કહ્યું. બિચારા મા વગરનાને એમ ને એમ રસ્તા ઉપર કાંઈ રઝળતું મુકાય?’ શાંતિના મુખ ઉપર હું એના મૃદુ ભાવોની સચ્ચાઈ પ્રગટાવતી છાયાઓ જોઈ રહ્યો. એનું કહેવું ખરું છે એમ વિચારી મેં તેને કહ્યું, ‘ના એમ તો ના મુકાય.’

રામો પાંજરું લાવ્યો હતો તેમાં સાચવીને માળા સહિત શાંતિએ એ બચ્ચાને મૂક્યું. મેં એને પૂછ્યું, ‘પણ શાંતિ, આ બચ્ચાની સંભાળ કોણ રાખશે?’

‘કેમ, કોણ રાખશે? હું વળી!’ મારા સવાલથી નવાઈ પામતી હોય તેમ તે બોલી. ‘તું શી રીતે રાખશે? એને દાણા ચણવાની ટેવ પડી નથી લાગતી.

‘એ બધી વાત હું નક્કી કરીને આવી છું. તમારે કશી ફિકર નહિ કરવી પડે. જુઓ, હું એને ખવડાવું છું’ કહી એણે એક કાગળમાં અડધા ફૂટેલા બાજરી અને જારના દાણા કાઢીને હથેળીમાં મૂક્યા પછી બીજા હાથમાં બચ્ચું લઈને તેની ચાંચ આગળ દાણા ધરી, ‘ખા તો  બચુ! પોપટ! ખા તો!’ કહી એને આશ્વાસન આપે એવા કેટલાયે કાલા કાલા બોલ બોલીને તથા એને ગમે તેવાં બીજાં લાડ કરવા લાગી.

હું જોઈ રહ્યો. શાંતિ આપોઆપ વિકાસ પામતી હતી. એના હૃદયમાં સહાનુભૂતિ અને દયાભાવ સ્ફૂરતો જોઈ, પેલી મને વર્ષો પૂર્વેની શાંતિની ભિખારણ મા રૂખી જેમાં મૃત્યુ પામેલી તે હૉસ્પિટલ યાદ આવી અને તે ન્યાયમંદિર પાસે કેવી અસહાય દશામાં પડી હતી તેનું પણ મને સ્મરણ થયું.

ચકલીનું બચ્ચું તદ્દન અનુભવ વિનાનું અને તેથી અણઘડ હતું. એની પાંખો હતી જ નહિ, એટલું જ નહિ, પરંતુ આખે શરીરે રુવાંટી પણ ન હતી અને નરવા લાલ રંગની ચામડી, મોટી આંખો. કઠણ ચાંચ વગેરે જોઈ મેં શાંતિને કહ્યું, ‘તારું આ બચ્ચું બિલકુલ સુંદર દેખાતું નથી, ખરું ને?’

‘એ તો એવું જ હોય ને? એની બિચારાની સંભાળ લેનાર કોણ કે એને બરાબર રાખે? તમે થોડા દહાડામાં જોજો તો ખરા કેવું સરસ થાય છે તે!’ બચ્ચું ખાતું ન હતું એટલે શાંતિ જરા નિરાશ થતી હતી. એટલામાં શાંતિની નજર દાદર તરફ ગઈ. ચપ દઈને એક પળમાં બચ્ચાએ મોઢું દાણામાંથી ભરી લીધું!

શાંતિ ઉત્સાહમાં આવી બોલી ઊઠી, ‘એણે ખાધું! ખાધું! તમે જોયું કે?’

‘હા બહેન! આ તારું બચ્ચું દેખાય છે તેટલું મૂર્ખ નથી. આપણી બધાની નજર બીજે પડે છે એટલે એ લુચ્ચાને ચણવાનો વાંધો લાગતો નથી! એનો દેખાવ મૂર્ખ જેવો છે પણ એ છે ચાલાક! હું ધારું છું કે ભાંગેલા દાણા મૂકીને આપણે દૂર જતા રહીએ તો એકલું પણ ખાશે ખરું.’

‘અરે આપણા હાથમાંથી પણ ખાય છે! એ તો હમણાં એણે ખાધું છે એટલે.’ કહી શાંતિએ એને પાંજરામાં મૂક્યું.

શાંતિનું મન જાણવા માટે મેં એને પૂછ્યું, ‘પણ શાંતિ! બધી કાળજી તું રાખે પણ એક વાતનું આ બિચારાને દુ:ખ તો ખરું જ ને?’

‘તે શું દુ:ખ છે વળી?’

‘માળામાં રહેતું હતું ત્યારે એ સ્વતંત્ર હતું; હવે જોને, તારા પાંજરામાં પુરાવું પડે છે.’

‘પણ એ એના ભલા માટે કે ની?’ શાંતિ ઉતાવળી ઉતાવળી બોલી, ‘વળી, જોડેના ઘરની બિલાડી, એને બહાર રાખીએ તો, કોળિયો જ કરી જાય તો!’ તેણે મારી અક્કલની ખામી જોઈ મારા પર વિસ્મિત દૃષ્ટિ કરી.

‘ના, છૂટું ના મૂકાય, એ ખરું; પણ ત્યારે એની સ્વતંત્રતા તું ક્યાં સુધી છીનવી લેશે?’ મેં શાંતિની પરીક્ષા કરવા પ્રશ્ન કર્યો. ‘એને તું છેવટે છોડી મૂકશે કે નહીં?’

‘ના-આ-ભાઈ !’ શાંતિએ માથું હલાવી લેંઘાતે મીઠે સ્વરે ઉદાસ થઈ ઉત્તર આપ્યો, ‘એને ખાવા-પીવાનું, રહેવાનું આપીશું, એને માટે બધી ગોઠવણ કરીશું, એને રમાડીશું, પછી? એને બહાર છૂટું મૂકવાની ક્યાં જરૂર?’

શાંતિની એ આસક્તિ સમજાય તેવી છે. દુનિયામાં મોટા મોટા માણસો, સુધરેલી ગણાતી પ્રજાઓ, કેળવાયેલા કહેવાતા વકીલો અને મજૂરોને પાળવાનો દાવો કરતા શેઠિયા પણ શાંતિના જેવી જ દલીલ કરતાં નથી હોતા?

‘શાંતિ! હમણાં તો એને તું લાવી છે એટલે તારે એની સંભાળ લેવી જોઈએ, પણ ખાવા-પીવા અને ખેલવા કરતાં પણ એક વસ્તુ મોટી છે તે તું જાણે છે? ગમે તેટલી સગવડવાળી પણ પાંજરાંની જિંદગી તે પાંજરાંની! બહેન! સૌને સ્વતંત્રતા વહાલી હોય – પશુ ને તેમજ માણસોને.’

શાંતિની બુદ્ધિમાં મારા કહેવાનો કાંઈક ભાવાર્થ કદાચ ઉતર્યો હશે એમ મને લાગ્યું. એની વિચારશક્તિ સતેજ થઈ, તેણે પૂછ્યું: ‘મોટાભાઈ! બધો વખત એને રાખીએ તે કાંઈ છેવટે ઉડાવી દેવા માટે?’

‘તો પછી તેં એના પર શો ઉપકાર કર્યો ગણાય? તું એના હિતનો વિચાર ન કરે અને તને ગમે તેટલા ખાતર જ એને પાળે, સંભાળે, એની પાછળ મહેનત કરે, પણ એ તો તને ગમે છે તેથી કે ની? બચ્ચાના હિતનો વિચાર તારે ન કરવો જોઈએ?’

મેં શાંતિને એના ગજા ઉપરાંતના વિચાર તરફ દોરી હતી. છતાં બાળકો આવી બાબતો ઉપર વિચાર કરવાને લાયક નથી હોતા એવું હું નથી માનતો. એટલે ઘણીયે વાર શાંતિને એના ગજા ઉપરાંતના વિચારોમાં હું દોરી જાઉં છું. કેટલાક સંસ્કારો એને પરિણામે રહે તો રહે; અને કદાચ ન રહે, તો પણ દરેક બાબત ઉપર વિચાર કરવાની ટેવ પડે એ જ હું મોટી વસ્તું ગણું છું. એને એવી ટેવ પડે એટલા ખાતર આવી નજીવી જણાતી બાબતોને હું ગંભીર બનાવી એના ખીલતા માનસમાં સંસ્કારનાં બીજ મારી શક્તિ પ્રમાણે નાખું છું. થોડી વારે લાંબા વિચારને અંતે કોઈ નિર્ણય પર આવી હોય તેમ ગંભીર થઈને શાંતિ મારી પાસે આવી અને મને પૂછ્યું: ‘હેં મોટાભાઈ! આપણે એને પાંજરામાં રાખીએ તેથી એ દુ:ખી થતું હશે ખરું?’

‘એ બરાબર ખાતરીથી ન કહી શકાય.’ મેં પણ ગંભીર થઈને ઉત્તર આપ્યો, ‘એણે પાંજરા બહારનું સ્વતંત્ર જીવન ક્યાં જોયું છે? એટલે કદાચ એ પાંજરામાં સંતોષ માને એ બનવા જોગ છે.’

‘પણ આપણે એને છૂટું મૂકીએ અને સ્વતંત્ર જીવનનો અનુભવ પણ લેવા દઈએ તો?’ તેણે કહ્યું. ‘તો સારું’ મેં કહ્યું, ‘પણ પછી ઊડી જાય અને આવે નહિ તો?’ મેં ફરીથી શાંતિની પરીક્ષા માંડી.

‘તો એ ખાય ક્યાં?’ શાંતિને હવે બચ્ચાની ચિંતા હતી.

મેં કહ્યું, ‘બેટા, સ્વતંત્રતા એ એવી ચીજ છે કે તે મળતાં ખાવાનું મેળવવામાં પણ તકલીફ નથી પડતી. અને ધારો કે સ્વતંત્રતામાં ભય હોય, મુશ્કેલી હોય, જીવનું પણ જોખમ હોય, તો પણ કોણ જાણે શી એની લગની છે કે પશુઓ, માણસો અને મોટી નાની પ્રજાઓ પાંજરાના બંધનમાં પડી રહેવા કરતાં જીવને જોખમે પણ સ્વતંત્ર થવું બહેતર ગણે છે.’

‘તો પછી એ પાછું નહિ આવે?’ દુ:ખી અવાજે મને શાંતિએ પૂછ્યું. એની શોકપીડિત મુદ્રા મધુર દેખાતી હતી, પણ એનો દૂરનો ભય ટાળવા મેં એને આશ્વાસન આપ્યું, ‘બહેન, આજે ને આજે તો એને નથી છોડી મૂકવું ને? નકામી અત્યારથી શા માટે ચિંતા કરે છે? મોટું થાય, પોતાનું રક્ષણ કરે એવું થાય, ઉડતાં આવડે, નિર્ભય બને અને પોતાના...’ - એમ કહેતાં હું વિચારમાં પડી અટકી ગયો. મારી નજર બારીની બહાર ગઈ. નીચે રસ્તામાં જતો વિનાયક બારીમાં ઊભેલી શાંતિને જોતો જોતો જતો હતો. છેક દૂર રસ્તે વળ્યો ત્યાં પહોંચતાં સુધી એણે ડોક વાંકી કરી કરી ચાર વખત શાંતિ તરફ જોયું. મને બોલતતો અટકી ગયેલો જોઈ શાંતિએ પૂછ્યું, ‘કેમ મોટાભાઈ! અટકી ગયા? તમે કહેતા હતા કે આ બચ્ચાને પોતાના...’

‘હા બહેન!’ તુરત મારા મનમાં રમતા વિચારોને સંકેલી લઈને મેં શાંતિને કહ્યું, ‘જોને બહેન! પંખીને પંખીઓમાં ગમે – દરેકને પોતાની જાતમાં રહેવું, પોતાની જાતના જોડે જિંદગી ગાળવી ગમે, ખરુંને?’

શાંતિ મારા કથાનો પૂરો ભાવ તો ન સમજી શકી, પરંતુ પંખીઓ ટોળે રહેવું પસંદ કરે એટલું તેના મનમાં ઊતર્યુ જણાયું. પાંજરું લટકાવી પાણી વગેરે અંદર મૂકવા માટે અને રાત્રે બચ્ચાને સલામત રાખવા માટે ગોઠવણ કરવા તે ચાલી ગઈ.

એકલો પડ્યો એટલે મારા મનની વિચારમાળા પાછી શરૂ થઈ. ઘરડો થતાં માણસ પોતાની વિચારમાળામાં જીવે છે એમ મને લાગે છે. નિરાધાર બચ્ચાની સંભાળ શાંતિને કેવી સ્વાભાવિક લાગે છે? નમાયા બાળકની માતા થવા એની ઉત્સુકતા જોઈ મને ઘણો સંતોષ થયો અને એ નિરાધાર ચકલીને ઉડાવી દેવાનો બોધ આપતાં મારા પોતાના મનમાં શાંતિને વિશે જ જે વિચારધારા ચાલી હતી તે જોતાં, મને પણ શાંતિ જેવી જ દુ:ખની લાગણી પ્રથમ તો થઈ,  એ મારે કબૂલ કરવું જોઈએ. એનું બચ્ચું ઊડી જાય એ શાંતિને નથી ગમતું, તો શાંતિ પરઘેર જાય એ મને ક્યાંથી ગમે?

વિચારને અંતે મારા જ મનને હું બોધ આપું છું. ‘શાંતિને જ્ઞાનભરી સલાહ આપનાર વડીલ શ્રી વાસુદેવ! પરોપદેશે પંડિતાઈ છોડો. ચકલીના બચ્ચા કરતાં તો શાંતિ સ્વતંત્રતા માટે વધારે લાયક છે એટલું સ્વીકારો અને તમને ગમે કે ન ગમે એ વિચાર દૂર રાખીને, એના કલ્યાણનો, એના ભાવિનો વિચાર પ્રથમ કરો.’

પછી ઉમેરું છું – ‘તારી વૃદ્ધાવસ્થામાં સંભાળ લેવા સારું પાલિતપુત્રીની સ્વતંત્રતા લઈ લેવી એ કાંઈ યોગ્ય છે?’ અને હું પોતે જ તેનો ઉત્તર આપું છું: ‘ના, ના! મેં ક્યાં હજી સુધી એની સ્વતંત્રતા લેવા પ્રયત્ન કર્યો છે?

મારું સમગ્ર અંત:કરણ એકાગ્ર થઈ પ્રાર્થના કરે છે: ‘જ્યારે આ બાળા પોતાની સ્વતંત્રતા લઈ શકે એવી થાય ત્યારે, એને બોધ દેનાર મને તે બોધ મારા વર્તનમાં ઉતારી એના વડીલ થવાની યોગ્યતા, હે પ્રભો ! તું મને આપજે.’

વિચારમાળામાં ઊંડા ઊતરતાં મને વિનાયક અને શાંતિ વચ્ચે કોઈ ગૂઢ હેતુ સાંકળ-રૂપે કાર્ય કરી રહેલો દેખાયો. એને જોઈને જીવનની ગહનતા નિહાળી હું એકલો એકલો સ્મિત કરું છું અને મારાથી બબડી જવાયું: ‘લખ્યા લેખ કદી મિથ્યા થાય છે? જગત આખાનો એ રાહ છે. શાંતિ અપવાદ થશે એમ શા માટે કલ્પવું કે ઇચ્છવું?’
[પાછળ]     [ટોચ]