[પાછળ] |
‘ગાંધીવાદ અથવા ગાંધીવિચાર શું છે એ હું પોતે જ જાણતો નથી’ લેખકઃ જય વસાવડા
‘‘ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહિ, અને મારે મારી પાછળ કંઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્વ કે સિદ્ધાંત શોધી કાઢયો છે, એવો મારો દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે, તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નને લાગુ પાડવા મારી ઢબે પ્રયાસ કર્યો છે… એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે, અને એ ભૂલોમાંથી હું શીખ્યો છું. હું સ્વભાવથી સત્યવાદી હતો, પણ અહિંસક નહોતો. એક જૈન મુનિએ એક વાર સાચું જ કહેલું કે સત્યને ખાતર અહિંસાને જતી કરવી પડે તો હું કરી શકું તેવો છું.
જનતા જર્નાદનને દરેક વસ્તુને ચોકઠામાં બેસાડીને જોવી ગમે છે. કારણ કે એમાં દિમાગથી ઝાઝું કષ્ટ આપવું પડતું નથી. જી ફોર ગાંધી, જી ફોર ગ્રોથ. ગાંધીએ કશીક થિયરી શોધીને જાહેરજીવનમાં ઠેકડો લગાવી એનો પ્રચાર કર્યો નથી. સેવા કે સત્તા બેમાંથી કોઇને લક્ષ્ય બનાવીને દોટ મૂકી નથી. એકચ્યુલી, પબ્લિક લાઇફ, પબ્લિક સર્વિસ કે પોલિટિકસને ગાંધીએ પોતાની સત્યશોધ માટેના ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ ગણ્યા છે. આદર્શવાદી જીદ્દી મિજાજ છતાં વિચારો થોપવાને બદલે શોધવા માટે એમણે પ્રવૃત્તિઓમાં ઝૂકાવ્યું છે. પણ આ સમયાંતરે બદલાતા-ઉઘડતા સત્યના સ્વરૂપને ઝીલવાની મથામણને લીધે ગાંધીનો વિકાસ અન્ય ધાર્મિક–રાજકીય ફિલસૂફીઓની જેમ ફકત ‘હોરિઝોન્ટલ’ (પહોળો) નહિ પણ ‘વર્ટિકલ’ (ઉંચો) ય થતો ગયો છે. સમય બદલાયો, એમ એમણે એમના સત્યો અને મૂલ્યોને દર્શાવવાના સાધનો-પ્રક્રિયાઓ પણ બદલાવી. ગાંધીજી વિરોધાભાસોનું પોટલું રહ્યા છે, કારણ કે ગાંધીવાદીઓની જેમ એ કોઇ ઈમેજને વળગી નથી રહ્યા. ૧૯૨૦ના દાયકામાં ગાંધીજી જ્ઞાતિપ્રથાના ટેકેદાર હતા. ચોટલી રાખી જનોઈ પહેરતા. પણ ૧૯૪૫ના ‘હરિજનબંધુ’માં એમણે સ્પષ્ટ લખ્યું કે ‘જન્મથી જ્ઞાતિ વ્યવસ્થા અગેના મારા વિચાર ફર્યા છે અને આ વ્યવસ્થા મને સ્વીકાર્ય લાગતી નથી’. બીજા વિશ્વયુદ્ધ સમયે લશ્કરનો વિરોધ કરનારા ગાંધીજીએ ૧૯૪૭માં કાશ્મીરમાં લશ્કર મોકલવા માટે સંમતિ આપી હતી! (એક રિપોર્ટ મુજબ લશ્કરના ઉડતા વિમાનોને આશીર્વાદ આપ્યા હતા નીચેથી હાથ હલાવીને! રિપોર્ટરનું નામ: રજનીશ ચંદ્રમોહન ઉર્ફે ઓશો!) બહુ ઓછા લોકો એ વાત પચાવી શકશે કે સ્ત્રી-પુરુષ મર્યાદાની બાબતમાં તદ્ન અવૈજ્ઞાનિક અને વાહિયાત વિચારો ધરાવનાર બાપુ ભારતમાં કો-એજયુકેશન સીસ્ટમના ચુસ્ત સમર્થક અને આગ્રહી રહ્યા હતા! એ રૂઢિચુસ્ત કહી શકાય એવા શ્રદ્ધાળુ હતા, અને રેશનાલિસ્ટ કહી શકાય એવા ક્રાંતિકારી પણ હતા! લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં અમલીકરણમાં સરમુખત્યાર હતા! એની વે, સતત બદલાતા બાપુ જડ ગાંધીવાદીઓની તબિયતને માફક આવતા નથી. જગતના સૌથી મોટા સત્ય એવા કાળ (ટાઇમ) દ્વારા ગાંધીજીનું નિર્વાણ થયું, એમ ઓલરેડી આઉટડેટેડ ગાંધીવાદ અને ગાંધીવિચારોનું પણ નિર્વાણ થઈ ચૂકયું છે. આ ગાંધીનિર્વાણના ૬-૬ દાયકા પછીનું બીજું વિસર્જન છે. મહાત્માના નશ્વર દેહને જે રીતે અગ્નિને સોંપી દેવાયો હતો, એમ ટિપિકલ જૂનવાણી ગાંધીવાદના મૃતદેહને પણ હવે ખાખ કરી નાખવાની આ ઘડી છે. નો મિસ અન્ડરસ્ટેન્ડિંગ પ્લીઝ. ગાંધી કોમનમેન કઇ રીતે માત્ર કન્વિકશન એન્ડ કમિટમેન્ટથી – સુપર હીરો બની શકે એની વિશ્વ ઇતિહાસમાં અણમોલ મિસાલ છે. માત્ર એમના સંપર્કથી કેટલાય બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પ્લાઝમા બની ગયા હતા. એટલે જ જે સત્યો પરિવર્તનના મોજાંઓમાં રિફાઇન્ડ થઇ ગયા, એને સાચવીને ઉજાળવાના છે. ચરખા- બ્રહ્મચર્ય- ગ્રામોદ્યોગ- બિનસાંપ્રદાયિકતાના વસૂકી ગયેલા વિચારો ઉપર ઉત્ક્રાંતિનું ઇરેઝર આમ પણ ફરી ગયું છે. ગાંધીજી જીવતા હોત તો સ્વાભાવિકપણે આ સત્યનું દર્શન કરી ચૂકયા હોત. ન્યુ મિલેનિયમની ‘જનરેશન નેકસ્ટ’ (લાડમાં કહીએ તો geNext)ની નવી પેઢીની દંભમુકત પારદર્શકતાના એ દીવાના બની ગયા હોત! (આવા ટ્રાન્સપેરન્ટ અંતેવાસીઓ એમને ન મળ્યા એમાં તો દેશનો દાટ વળી ગયો!) પેકેજીંગ-એડવર્ટાઇઝિંગના આ ગુરૂ ગાંધી એમના સનાતન સાત્વિકતાના સંદેશનું મોડર્ન માર્કેટિંગ કેવી રીતે કરત? દરેક મહાન બ્રાન્ડની જેમ ગાંધીબ્રાન્ડનું પણ સેચ્યુરેશન પોઇન્ટ આવી ગયું છે. હવે એના ‘ફ્રેશ’, ‘અલ્ટ્રા’ ‘પ્રિમિયમ’ વર્ઝન્સ મૂકવાનો સમય પાકી ગયો છે. ‘લગે રહો મુન્નાભાઈ’ની ગાંધીગીરીએ આ ઢાળ ઉતરતી બ્રાન્ડ લાઇફસાઇકલને નવું એક્સટેન્શન આપ્યુ ન હોત તો ગાંધીબાપુ હજુ ટૂચકા અને ઠપકા માટેનો જ મસાલો પૂરો પાડતા હોત! હાર્ડ રિયાલિટી એ છે કે ગાંધીજીનું નામ અને કામ આજે એવા લોકોને જ અપીલ કરે છે, જે ઓલરેડી વૈચારિક રીતે ગાંધીજીથી આકર્ષાયેલા હોય. આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ રાજઘાટ પરની સમાધિ કે પોરબંદરના કીર્તિમંદિરમાં પ્રશંસાના પુષ્પો લખી જાય, એ નરી ફોર્માલિટી છે. ટ્રેડિશન છે, ફેશન છે! બેંગકોકના મસાજ પાર્લર જેટલા વિદેશી પ્રવાસીઓને ખેંચે છે, એટલાને ગુજરાતમાં ગાંધીનો ચાર્મ ખેંચી શકતો નથી. જેન્નેક્સટના ‘પોટરમૅનિયાક’ (હેરી પોટરના ફેન) કિડસ જેટલા ગિઝમોફ્રીક છે, એટલા ગાંધીક્રેઝી નથી. જો ગુજરાતી ભાષાની જેમ ગાંધીજીને લુપ્ત થતા બચાવવા હોય તો કશુંક ટનાટન, કશુંક ધનાધન એકદમ હટકે થવું જોઈએ. નહિ તો, અમદાવાદમાં ઇન્કમટેકસ પરનું ગાંધીજીનું પૂતળું માત્ર રસ્તો બતાવવાના લેન્ડમાર્કમાં જ લોકોને યાદ રહે છે. બાકી આશ્રમ રોડ પરના રિક્ષાવાળાઓ એની સામે આવેલ ગુજરાત વિદ્યાપીઠ કે નવજીવન પ્રકાશનનું નામ સુદ્ધાં જાણતા નથી! ના જી, આશ્રમોમાં કીર્તનો કર્યે ને પરાણે ભેગા થયેલા પંચાવન જણ સામે ફોટો ફંકશન જેવા ઘસાયેલા ભાષણો કર્યે કશો શક્કરવાર વળવાનો નથી. ડીવીડીના યુગમાં તાવડી-વાજાંની રેકર્ડ ન ચાલે. પ્રસ્તુત હૈ મહાત્મા બ્રાન્ડ કા નવનિર્માણ, એક નયે આકર્ષક ઔર અલગ અંદાજ મેં! * * * લેટસ સ્ટાર્ટ ફ્રોમ એ ફોર અમદાવાદ. કદાચ પૃથ્વીલોક પર ગાંધીજી સાથે ‘ડાયરેકટ ડાયલિંગ’ ધરાવતા સૌથી વધુ સ્મારકો આ શહેરમાં આવેલા છે. ભૂતકાળમાં ખુદ બાપુએ જ એમના અઢળક નવતર આઇડિયાઝને અહીં ઘાટ આપ્યો હતો. હવે સમય આવી ગયો છે કે આજે જર્જરિત બની ગયેલા એ કોન્સેપ્ટસને બદલે ફરી એક વાર કંઇક નવું, કંઇક અનોખું કરી બતાવીએ! જેમ પૂનાના ઓશો કોમ્યુનને સમયની સંગાથે ઇન્ટરનેશનલ વિઝિટર્સને ધ્યાનમાં લઈ રિસોર્ટમાં ફેરવી નખાયું, એમ ઔપચારિકતાનો અખાડો બનતા જતા ગાંધી આશ્રમને ડિઝનીલેન્ડ જેવા થીમ પાર્કમાં ફેરવી નાંખીએ તો કેવું! (બજેટની ચિંતા ન કરશો, ગુજરાતના દરેક શહેરમાં જૂની પેઢીના ‘સાદા’ ગાંધીવાદીઓ પોશ એરિયાના પ્રાઇમ લોકેશનમાં જમ્બો પ્રોપર્ટીઝ ધરાવે છે!) જેમાં ફન રાઇડસ હોય, આદિત્ય બિરલા ગ્રુપે ૨૦૦૭માં સાયન્સ સિટીમાં કરેલું એવું (આજે “શાશ્વત ગાંધી” નામે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન સામે એક સ્ટોર પણ છે.) ડિજીટલ યુગને છાજે તેવું ઇન્ટરએકિટવ એકિઝબિશન હોય. ટચ મેનુવાળા સ્ક્રીન પર ગાંધીજી ને લગતી ટ્રિવિયલ ઇન્ફોર્મેશન (ખાટીમીઠી), ફિલ્મ ક્લિપ્સ, ફોટો ગેલેરી પાસ થતી રહે. ગાંધીજીના જીવનના મહત્વના બનાવોની મલ્ટીમિડિયા ‘બોટ રાઈડ’ કરાવી શકાય. આઇમેક્સ મૂવી બનાવાય, ને ઉપરાંત ગાંધીયુગના સાહિત્ય, સંગીત, રહેણીકહેણી, ખોરાકપોશાક, વગેરેનું મ્યુઝિયમ પ્લસ સ્ક્રીનિંગ થઇ શકે! અને ત્યાં એક આગવું ‘ગાંધી-ગ્રામ’ બને, જ્યાં ગાંધીયન લાઈફસ્ટાઇલ સાથે રહેવાનો યંગસ્ટર્સને નોવેલ એકસપિરિયન્સ મળે! કોટેજમાં રહેવાનું.. નેચરોપથી- પ્રાર્થના - સ્વાવલંબન – વાંચનમનન – બાગાયત – હસ્તકલા - ધ્યાન વગેરેના પ્રયોગો સાથેની પ્રવૃત્તિ કરીને ગાંધીના આત્માને પોતાના દેહમાં ઢંઢોળવાનો! અને અમદાવાદ / પોરબંદરમાં એક સુપરસ્ટાઇલિશ ‘સેલિબ્રિટી હોલ ઓફ ફેમ’ બને તો? સલમાન કે ઐશ્વર્યાના ‘મેડમ તુસાદ’ના લંડનના મ્યુઝિયમમાં મીણના પૂતળાં મૂકાય તો કેવું ગામ ગાંડુ થાય છે! અને જે તે સ્થળ / શહેરને મફતમાં વિશ્વસ્તરીય પબ્લિસિટી મળતાં પ્રવાસનની આવક વધે છે! તો આ ગાંધીમૂલ્યોને શોભે એવું કશુંક કરી બતાવ્યું હોય, જીવનની કોઈ ઘટનામાં એવો નિર્ણય લીધો હોય કે એવી કૃતિ સર્જી હોય એમને એ વર્ષ પૂરતું કે કાયમી એમાં સ્થાન મળે. મીણના પૂતળા ન બનાવવા હોય તો ઉત્તમોત્તમ ચિત્રો બનાવવાના, જાયન્ટ કટઆઉટસ રાખવાના, શિલ્પ બનાવવાના વોટએવર! પણ મેડમ તુસાદ વેકસ મ્યુઝિયમ સ્ટાઇલમાં એ જ સેલિબ્રિટીને બોલાવી, તેના હાથે પોતાની પ્રતિકૃતિનું ઉદ્ધાટન કરાવવાનું! પર્યાવરણના નોબલ પ્રાઇઝ માટે રાજેન્દ્ર પચૌરી પણ તેમાં હોય, અને ‘માઇટી હાર્ટ’ જેવી ગાંધીમય ફિલ્મ કરવા માટે હોલીવૂડ હાર્ટથ્રોબ એન્જેલીના જોલી પણ હોય! એ બધા જ ગ્લોબલ ટુરિઝમ માટે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ઓટોમેટિકલી બની ગયા! ગાંધી જેવી મેગા બ્રાન્ડ સાથે જોડાવાનું સન્માન હજુ ય વિશ્વમાં મૂઠ્ઠી ઉંચેરું મહાત્મ્ય ધરાવે છે! ગોંડલના ‘ઉદ્યોગ ભારતી’એ જેની શરૂઆત કરી એવા ઇકો ફ્રેન્ડલી કોસ્ચ્યુમ ખાદીના ફેશન શો ફરતા ફરતા ગુજરાતના વિવિધ શહેરો (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, એટસેટરા) પણ કરી શકાય ને! ‘લેકમે ઇન્ડિયા ફેશન વીક’ની માફક દર વર્ષે ગુજરાતમાં ખાદી ફેશન વીક થાય! ગાંધીજી પહેરતા એવા ઓછા અને આછાં વસ્ત્રો જ એફટીવી પર આમે ય ઘૂમ મચાવે છે. આ વાર્ષિક ફેશનોત્સવ શુષ્ક નહિ, ગ્લેમરસ હોય, (ખાદીની બિકીની કેમ ના હોય! ખાદીના અંત:વસ્ત્રો તો ઉલટા વધુ હેલ્થ ફ્રેન્ડલી છે!) ભારત અને વિશ્વના ટોચના ડિઝાઇનર્સ અને રેમ્પ મોડલને એમાં આમંત્રણ આપવાનું રેમ્પ મોડલ્સ ગર્લ્સના લચકતા કેટવોક, સાથે શાકાહાર અને ‘ગ્રીન લાઇફ હર્બલ લાઇફ’ના ફૂડ ઝોન / ફેસ્ટિવલ સ્ટોલ્સ! નવી નવી થીમ, ભરપુર મિડિયા કવરેજ એન્ડ ઇન્કમ ફ્રોમ ટુરિઝમ! અને દર વર્ષે દાંડીકૂચના દિવસે ગુજરાતના નગરોમાં ‘માર્ચ ફોર મહાત્મા’ ગોઠવાય. અનિલ અંબાણી કે બિપાશા બાસુ મુંબઇ મેરેથોનમાં દોડે, એમ એ દિવસે નાગરિકો – આમંત્રિત સેલિબ્રિટીઓ ગાંધીના પોસ્ટર્સ લઈ સાથે મળીને દોડે, જલસા કરે. ગામના ગાંધીયન મોન્યુમેન્ટસને કવર કરે.. અને હા, એન.આઈ.ડી. જેવી ગુજરાત બેઝ્ડ સંસ્થાની મદદથી એકની એક બેઠેલી / ઉભેલી પોઝિશનમાં મૂકાતા ‘રૂટિન’ પૂતળાઓને બદલે જુદી જ ડિઝાઈનના સ્ટેચ્યૂ પણ ગાંધી રોડસ પર મૂકાવા જોઈએ! એમ તો આઇ.આઇ.એમ., ઇરમા કે નિરમા જેવી ગુજરાતમાં જ આવેલી સંસ્થાઓ ‘લીડરશિપ એન્ડ ગાંધીયન ટ્રિકસ’ કે ‘મેનેજમેન્ટ એન્ડ ગાંધીયન ઇથોસ’ના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરીને ગાંધીના નવા એકેડેમિક અર્થઘટનો ફેલાવી શકે! અને ગાંધીજીનું ફેવરિટ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ કરણ જોહરની ફિલ્મમાં રિમિકસ થઈને આજે ય મોબાઈલ રિંગટોન્સમાં હોટ ફેવરિટ હોય, તો પછી ‘વૈષ્ણવજન’ કે ‘શૂરા જાગજો રે’નું ધમ્માલ રિમિકસ કેમ નહિ? ગાંધીજી સાથે સંકળાયેલ ગુજરાતના લોકેશન્સને સાંકળી લેતી ‘લારા ક્રોફટ’ની ટ્રેન્ઝર હન્ટ જેવી ભૂલભૂલૈયા વિડિયો ગેઇમ તો કોઈક બનાવો યારો! જગતભરમાં જમાનો એનિમેશન, ગ્રાફિક નોવેલ અને કોમિકસનો છે. કદી મુન્નાભાઈ સ્ટાઇલમાં આજના સોશ્યલ પ્રોબ્લેમ્સ સોલ્વ કરતાં ‘જી-મેન’ના ફયુચરાસ્ટિક કોમિકસનો વિચાર ‘સત્યના પ્રયોગો’ રિપ્રિન્ટ કરતાં કરતાં કોઈને આવ્યો છે? એફએમ રેડિયો પર ગાંધી માટેની ઊંચા ઇનામોવાળી એસએમએસ સ્લોગન કોન્ટેસ્ટ પણ થાય ને! ઓવર લાગે છે આવું બધું? મજાકની વાત નથી. માસ અપીલ ઉભી કરવા અને ઝાઝા લોકો સુધી પહોંચવા ગાંધીજી પણ ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારતા, અને જાતભાતના કેમ્પેઈન – સ્લોગન - નુસખાઓ વિચારતા! ઓડિયન્સ કાળક્રમે ફરી ગયું છે. માહોલ અને ટેસ્ટ બદલાયા છે. ‘ગાંધી એટલે કંટાળો’નું સમીકરણ આજે નહિ ઉલટાવો, તો એક શાશ્વત પ્રતિભા પ્રતિમા બનીને મૂરઝાઈ જશે! ઇટ્સ ટાઇમ ટુ રિ-ઇન્વેન્ટ બિગેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ ફ્રોમ ગુજરાત - ગાંધી ! આ વર્તમાનનું સત્ય છે, જેને મોકળા મને સ્વીકારવાનું સાહસ અમને ગાંધીજીએ જ શીખવ્યું છે! (૨૦૦૮માં લખેલો લેખ, જરા-તરા અપડેટ સાથે) (Source : https://planetjv.wordpress.com/2012/10/02/genext-અને-ગાંધીબાપુ-મહાત્મા/) |
[પાછળ] [ટોચ] |