[પાછળ]
ગંગામૈયા
લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ગંગા કશું જ ન કરત અને એકલા ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. ભીષ્મની ટેક, ભીષ્મની નિઃસ્પૃહતા, ભીષ્મનું બ્રહ્મચર્ય અને ભીષ્મનું તત્ત્વજ્ઞાન એ આર્યજાતિ માટે હંમેશનું આદરપાત્ર ધ્યેય બની ચૂક્યું છે. એવા મહાપુરુષની માતા તરીકે આપણે ગંગાને ઓળખીએ છીએ.

નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે. નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક તો રહે જ નહિ. મેઘરાજા દગો દે ત્યારે નદીમાતા આપણો પાક પકવે. નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા. નદીને કાંઠે કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. નદી મોટી હોય અને એનો પ્રવાહ ધીરગંભીર હોય ત્યારે કાંઠા ઉપર રહેનાર લોકોની જાહોજલાલી એ નદીને જ આભારી હોય છે. સાચે જ નદી જનસમાજની માતા છે. શહેરમાં શેરીએ શેરીએ આપણે ફરતા હોઈએ અને એકાદ ખૂણા તરફથી નદીનું દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે! શહેરનું મેલું વાતાવરણ ક્યાં? અને નદીનું પ્રસન્ન દર્શન ક્યાં? તરત જ ફેર જણાઈ આવે છે. નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. જો ગુરુને વંદન ઘટે છે તો નદીને પણ વંદન પણ કરવું ઘટે છે.

આ તો થઈ સામાન્ય નદીની વાત. પણ ગંગામૈયા તો આર્યજાતિની માતા છે. આર્યોનાં મોટાં મોટાં સામ્રાજ્યો એ નદીને કિનારે જ સ્થપાયા છે. કુરુપાંચાલ દેશનો અંગવંગાદિ દેશો સાથે ગંગાએ જ સંયોગ કર્યો છે. આજે પણ હિન્દુસ્તાનની આબાદી ગંગાને કિનારે જ વધારેમાં વધારે છે.

ગંગાનું જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે પાકથી ઊભરાતાં ખેતરો જ ધ્યાનમાં નથી આવતાં, અને માલથી લદાયેલાં વહાણો જ ધ્યાનમાં નથી આવતાં, પણ વ્યાસ અને વાલ્મિકીનાં કવનો, બુદ્ધ અને મહાવીરના વિહારો, અશોક, સમુદ્રગુપ્ત કે હર્ષ જેવા સમ્રાટોનાં પરાક્રમો અને તુલસીદાસ કે કબીર જેવા સંતજનોનાં ભજનો – એ બધાં યાદ આવે છે. ગંગાનું દર્શન એટલે શૈત્યપાવનત્વનું પ્રત્યક્ષ દર્શન.

પણ ગંગાનું દર્શન કંઈ એકવિધ નથી. ગંગોત્રી પાસેના હિમાચ્છાદિત પ્રદેશમાંનું એનું રમતિયાળ કન્યારૂપ, ઉત્તરકાશી તરફનું ચીડ દેવદારના કાવ્યમય પ્રદેશનું મુગ્ધાસ્વરૂપ, દેવપ્રયાગના પહાડી અને સાંકડા પ્રદેશમાં ચમકીલી અલકનન્દા સાથેની તેની રમત, લક્ષ્મણઝૂલાની કરાલ દંષ્ટ્રામાંથી છૂટ્યા પછી હરદ્વાર પાસેનું એનું અનેક ધારે સ્વછંદવિહરણ, કાનપુરને ઘસીને જતો એનો ઈતિહાસ પ્રસિદ્ધ પ્રવાહ, પ્રયાગના વિશાળ પટ ઉપરનો એનો કાલિન્દી સાથેનો ત્રિવેણીસંગમ – દરેકની શોભા કંઈક જુદી જુદી જ છે. એક દૃશ્ય જોવાથી બીજાની કલ્પના ન આવી શકે. દરેકનું સૌંદર્ય જુદું, દરેકનું માહાત્મ્ય જુદું.

પ્રયાગથી ગંગા જુદું જ સ્વરૂપ પકડે છે. ગંગોત્રીથી પ્રયાગ સુધી ગંગા વર્ધમાન છતાં એકરૂપ ગણાય.  પણ પ્રયાગ પાસે એને યમુના મળે છે. યમુનાનું તો પહેલેથી જ બેવડું કાઠું છે. તે ખેલે છે, કૂદે છે, પણ રમતિયાળ નથી દેખાતી. ગંગા શકુન્તલા જેવી તપસ્વી કન્યા દેખાય છે, જ્યારે કાળી યમુના દ્રૌપદી જેવી માનિની રાજકન્યા દેખાય છે. શર્મિષ્ઠા અને દેવયાનીની વાર્તા સાંભળીએ ત્યારે પણ પ્રયાગ પાસેના ગંગા અને યમુનાના મહામુશ્કેલીથી ભળતા શુક્લ-કૃષ્ણ પ્રવાહ યાદ આવે છે. હિન્દુસ્તાનમાં અસંખ્ય નદીઓ છે અને સંગમો પણ પાર વિનાના છે. આપણા પૂર્વજોએ આ બધા સંગમોમાં ગંગા-યમુનાનો આ સંયોગ સૌથી વધારે પસંદ કર્યો છે, અને તેથી જ તેનું પ્રયાગરાજ એવું ગૌરવભર્યું નામ રાખ્યું છે. હિન્દુસ્તાનમાં મુસલમાનો આવ્યા પછી જેમ હિન્દુસ્તાનના ઈતિહાસનું રૂપ બદલાયું તેવી જ રીતે દિલ્હી, આગ્રા અને મથુરા-વૃંદાવન પાસેથી આવતા યમુનાના પ્રવાહને લીધે ગંગાનું સ્વરૂપ પણ સાવ બદલાઈ ગયું છે.

પ્રયાગ પછી ગંગા કુલવધુની પેઠે ગંભીર અને સૌભાગ્યવતી દેખાય છે. હવે પછી એને મોટી મોટી નદીઓ મળતી જાય છે. યમુનાનાં જળ મથુરા-વૃન્દાવનથી શ્રીકૃષ્ણનાં સ્મરણાં અર્પે છે, જ્યારે અયોધ્યાથી આવતી સરયૂ આદર્શ રાજા રામનાં પ્રતાપી પણ કરુણ જીવનના સંભારણાં લાવે છે. દક્ષિણ તરફથી આવતી ચંબલ નદી રંતિદેવનાં યજ્ઞયાગની વાતો કરે છે, જ્યારે શોણભદ્ર મહાન કોલાહલ કરતો ગજગ્રાહના દારુણ યુદ્ધની ઝાંખી કરાવે છે. આવી રીતે પુષ્ટ થયેલી ગંગા પાટલિપુત્ર પાસે મગધ સામ્રાજ્ય જેવી વિસ્તીર્ણ થઈ જાય છે. તો પણ ગંડકી પોતાનો અમૂલ્ય કરભાર લઈ આવતાં અચકાઈ તો નથી જ. બિહારની પ્રાચીન ભૂમિમાંથી આગળ વધતાં ગંગા ક્યાં જવું તેનાં જાણે વિચારમાં પડી જાય છે. આવડો પ્રચંડ વારિરાશિ પોતાના અમોઘ વેગથી પૂર્વ તરફ ધસતો હોય તેને દક્ષિણ તરફ વાળવો એ શું સહેલી વાત છે? છતાં તે તેમ વળ્યો છે. બે સમ્રાટો અથવા બે જગતગુરુઓ જેમ એકાએક એકબીજાને મળતા નથી તેમ ગંગા અને બ્રહ્મપુત્રાનું થયેલું દેખાય છે. બ્રહ્મપુત્રા હિમાલયની પેલી પારનું બધું પાણી લઈને આસામમાંથી પશ્ચિમ તરફ આવે છે અને ગંગા આ બાજુથી પૂર્વ તરફ જાય છે, તેમનો સામસામો મેળાપ કેમ થાય? કોણ કોને પ્રથમ નમે અથવા કોણ કોને મારગ આપે? આખરે બન્નેએ નક્કી કર્યું કે બન્નેએ દાક્ષિણ્ય કેળવી સરિત્પતિના દર્શને જવું અને ભક્તિનમ્ર થઈ જતાં જતાં જ્યાં બને ત્યાં રસ્તામાં એકબીજાને મળી લેવું.

આમ ગોલંદો પાસે જ્યારે ગંગા અને બ્રહ્મપુત્રાનાં વિશાળ જળ ભેગાં થાય છે ત્યારે સાગર આથી જુદો હોતો હશે કે કેમ એવી શંકા ઊપજે છે. વિજય પ્રાપ્ત કર્યા પછી ઘડાયેલી સેના પણ જેમ અવ્યવસ્થિત થઈ જાય છે અને વિજયી વીરો ફાવે તેમ ફરે છે તેમ હવે પછી આ મહાન નદીઓનું પણ થાય છે. અનેક મુખે તે સાગરને જઈ મળે છે. દરેક પ્રવાહનું જુદું જુદું નામ છે અને કોઈ કોઈ પ્રવાહને તો એક કરતાં વધારે નામો છે. ગંગા અને બ્રહ્મપુત્રા એક થઈ પદ્માનું નામ ધારણ કરે છે. એ જ આગળ જતાં મેઘનાને નામે ઓળખાય છે.

આ અનેકમુખી ગંગા ક્યાં જાય છે? સુંદર વનનાં નેતરનાં ઝુંડ ઊગાડવા કે સગરપુત્રોની વાસના તૃપ્ત કરી તેમનો ઉદ્ધાર કરવા? આજે જઈને જોશો તો જૂના કાવ્યમાંથી અહીં કશું રહ્યું નથી. જ્યાં જુઓ ત્યાં છે શણના ગૂણિયાં બનાવનારી મિલો અને એવાં જ બીજાં ભમરાળાં કારખાનાં. જ્યાંથી હિંદી કારીગરીની અસંખ્ય વસ્તુઓ હિંદી વહાણમાં લંકા અથવા જાવાદ્વીપ સુધી જતી ત્યાંથી જ હવે વિલાયતી અને જાપાની આગબોટો પરદેશી કારખાનામાં બનેલો કચરો માલ હિંદુસ્તાનનાં બજારોમાં ભરી દેવા માટે આવતી દેખાય છે.

ગંગામૈયા પહેલાંની પેઠે આપણને સમૃદ્ધિઓ અર્પે છે, પણ આપણા નબળા હાથ તે ઝીલી શકતા નથી. ગંગામૈયા! આ દૃશ્ય જોવાનું તારા નસીબમાં હજી ક્યાં સુધી હશે?
[પાછળ]     [ટોચ]