[પાછળ]
અમે જોયું ગિર નવી નજરે!
લેખિકાઃ કામિની સંઘવી

‘જંગલમાં તો સિંહ જોવા જ જવું છે ને! બીજું તો શું ગિરમાં હોય?’ યજમાનનો આવો જવાબ સાંભળી અમે યુધિષ્ઠરની જેમ ‘નરો વા કુંજરો વા’ કર્યું.

‘હા, આમ તો એવું જ.’ અમારા અધ્યાહાર જવાબને સંપૂર્ણપણે સમજ્યા વગર જ તેઓ અમારી સાથે આવવા તૈયાર થઈ ગયા. મુશ્કેલી એ હતી કે ગાડી ફાઇવ સીટર અને અમે નાના મોટા મળીને થતાં હતાં સાત જણ. ‘ખેર એ તો એડજસ્ટ કરી લઈશું’ એમ અમે યજમાનનું અને યજમાન અમારું માન રાખવા બોલ્યા.

અમારા સાતમાંથી ત્રણ ચાળીસીને આસપાસ પહોંચેલા, ત્રણ ટીનએજર તથા એક સાત આઠ વરસનું બાળક. અમારા બધામાં સૌથી ઉત્સાહથી થનગનતું હોય તો તે અમારો સૌથી નાનો પ્રવાસી. આગલે દિવસે જ થેપલાં, સુખડી, અથાણાં, નાસ્તા, કેરી, દહીં, બિસ્કીટ વગેરેની વ્યવસ્થા કરી લીધી હતી. ‘આ તો ભાઈ જંગલનો મામલો, કંઈ મળે ના પણ મળે.’ યજમાન આવું બોલે, વળી આશ્વાસન પણ આપે કે, ‘ત્યાં મન્દિરમાં પ્રસાદ તો મળે છે, પણ વખતે આપણને ન ભાવ્યું કે ન ફાવ્યું તો? વળી છોકરા સાથે છે તો આખો દિવસ તેમને કંઈક ને કંઈક તો જોઈએ જ,’

અમે એમની ‘હા’માં હા મિલાવી. કહેવાનું મન થયું કે અમે ત્રણ વાર ગિરમાં જઈ આવ્યા છીએ... પણ પછી એમની ગિરમાં સિંહ દેખાડવાની ધગશ જોઈ માંડી વાળ્યું. આવા યજમાન રોજ થોડા મળે? ખેર, સવારે વહેલા નીકળવું હતું તો ય નીકળતા સવા છ તો ઘરમાં જ થઈ ગયા, ‘જલદી કરો તડકો થશે તો ગિરમાં પહોંચીશું તો સિંહ દેખાશે જ નહીં,’ પણ બૈરાંઓનું કામ તે એમ જલદી થોડું પતે? સાથે બે નવયૌવનાઓ એટલે ખલ્લાસ!

‘હવે ત્યાં જંગલમાં તે કોણ તમને જોવાનું છે? જલદીથી કંઈ પણ પહેરી લો ને? તેની મમ્મીને આવું બોલતા સાંભળી મેં રમૂજ કરી, ‘તે સિંહ હશે ને! તેની સામે આપણો પણ વટ પડવો જોઈએ ને.’ જવાબમાં બન્ને ખિલખિલાટ હસી પડી અને મોટીએ ફરી બીજું ટીશર્ટ હાથમાં લઈ પૂછ્યું, ‘આ પહેરું કે?’ જવાબમાં હું કંઈ બોલું તે પહેલાં પેલું નાનકડું ટેણિયું બોલી પડ્યું, ‘રેડ કલરનું પહેરીશ તો પહેલા લાયન તને જ જોઈને ભડકશે,’ છેવટે તેણે રેડ જ પહેર્યું. સારું છે ડેન્જરનું નિશાન તો હોવું જ જોઈએ જંગલમાં.

ખેર! એમ કરતા અમારો કાફલો કારમાં સાંકડમોકડ ગોઠવાયો અને ગાડી સાડા-છએ ઉપડી. દલખાણિયામાંથી પ્રખ્યાત ગાંઠિયા-પેંડા લીધા. વધુ એક વાર હવા ચેક કરાવી લીધી. તે વખતે ગૅરેજવાળા માણસે સાવચેતીના સૂરે કહ્યું, ‘સ્પેર ટાયર છે ને?  અમને ફાળ પડી... ‘કેમ?’ ‘તે રસ્તા તો બારેમાસ ખરાબ જ રહે છે, વધારાનું ટાયર રાખવું સારું’ ને તેણે સ્પેર ટાયરમાં પણ હવા ચેક કરી આપી. એણે વળી બીવડાવ્યા, ‘તે આ તમારી ગાડીનાં સ્કર્ટીંગ નીચે અડી જાહે,’ એ તો પડશે એવા દેવાશે એમ માની અમે તો ગાડી મારી મૂકી, પણ મનમાં ચિંતા તો થઈ જ આવી, ખરેખર રસ્તો વધારે ખરાબ હશે? આ નવી અને નવીન રીતે સજાવેલી ગાડીમાં કંઈ તોડફોડ તો નહીં થાય ને?’

પ્રથમ ગ્રાસે મક્ષિકા તે આનું નામ. રસ્તો ભૂલી ગયા ને ભૂલમાં બગસરા તરફ કાર જવા લાગી. પણ વળી સાતમાંથી એકે બુદ્ધિ ચલાવી તે કોઈને પૂછ્યું એટલે પંદરેક કિલોમિટરનો ફેરો ફરી, ફરી ગિર તરફ ગાડી મારી મૂકી. બસ આવી પહોંચ્યા ગિર. પૂ્ર્વ વન વિભાગ ધારી, સેમરડી ચેકિંગ નાકા. એક જણ પરમિશન કઢાવવા ગયું અને અમે બોર્ડ ઉપર લખાયેલી માહિતી વાંચી અમારું જ્ઞાન વધાર્યું. બે-ત્રણ નાનકડાં ઘરોનાં આંગણામાંની વનસ્પતિ પર બેઠેલાં પક્ષી પર નજર પડતાં જ બોલી પડાયું, ‘બુલબુલ ... ઓહ! કાકોશી પણ છે!’ બસ અમારા મિશનની શુભ શરૂઆત થઈ ગઈ. યજમાનો પણ અમારી સાથે ડોક લંબાવી જોવા લાગ્યા.

અમારો નાનકડો પ્રવાસી જંગલમાં શું શું જોવા મળશે તેનાથી રોમાંચિત હતો અને થોડી થોડી વારે, હાથી, વાઘ, સિંહ, વાંદરા, રીંછ વગેરે જોવા મળશે તેવા ખયાલથી ખુશ થતો હતો. આ જંગલમાં શું જોવા મળે તે સમજાવવાનું મને મન થયું પણ પછી થયું કે અનુભવે જ શીખે તો યોગ્ય છે એથી તેનાં ઉત્સાહમાં વધારો કરવા જ સૂર પુરાવ્યો, ‘જંગલમાં મોર, કોયલ, પોપટ વગેરે પક્ષીઓ પણ જોવા મળશે.’ તે બાળ સહજ આનંદથી ઊછળ્યો. જંગલમાં જવાના એન્ટ્રી પાસ લઈ સાથીદાર આવ્યા એટલે ગાડીને વિધિવત્ રીતે ગેટ ખોલીને પ્રવેશ આપવામાં આવ્યો. ફરી અમે ઉત્સુક થઈને સાંકડમાોકડ ગોઠવાયા.

‘આહા! ગિરમાં આવ્યા... ’ એવા જ ડોકા અને આંખો ખેંચી બહાર અમે સિંહ જોવા દસ હજાર આંખો બીછાવી (તેલુગુ કહેવત). વૈશાખના ક્યાંક સૂકાભઠ્ઠ અને ક્યાંક હજુ પણ લીલા રહેલાં જંગલમાં નજરો દોડાવી... કશું દેખાય છે? યસ... પહેલે ધડાકે ચાર-પાંચ હરણાં નજીકથી ઝાડીમાં ચરતાં દેખાયાં, અમે હર્ષઘેલા. ત્યાં જરાક ગાડી આગળ વધી તે મારી નજરે દૈયડ પડ્યું. ‘ઊભી રાખો દૈયડ છે,’ ત્યાં તો સાથે રહેલા પક્ષીવિદ કહે, ‘ના દૈયડ નથી ધોબીડો છે,’ છેવટે ગાડી ઊભી રાખી, ત્રણના મત મુજબ તે ધોબીડા તરીકે ફાઈનલ કર્યું. પછી તો આગળ જતાં ખરેખર જ દૈયડ દેખાયું અને તે પણ વળી એક-બે નહીં.... જાણે આંગણામાં ચણતાં કબૂતર.... અમે તો થયાં હર્ષઘેલાં અને તેની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે દૈયડને જોતા હતાં તે ઉપરની ડાળે લાંબો કેસરિયો-કથાઈ ઝબકારો થયો અને તરત જ જોરથી બોલી પડાયું, ‘અરે... ત્યાં દૂધરાજ છે.’ પણ એક જગ્યાએ માત્ર એક બે સેકન્ડ બેસી રહેતું દૂધરાજ નિરાંતે તો ક્યાંથી જોઈ શકાય?

પણ આ શું.... હજી તો જરાક આગળ વધ્યા તો બીજા બે-ત્રણ દૂધરાજ જોવા મળ્યાં. માદા જોવા ન મળી પણ નર દૂધરાજ એટલા મનભરી જોયા કે સંતોષ થઈ ગયો. તેની મેટીંગ સિઝન એટલે હમણાં તેનો રંગ લગભગ કેસરી જેવો જ. સફેદ થવાને હજુ વાર.... અમે યજમાનને ભૂલી પક્ષીમાં અટવાયાં... અમે તેમને રસ લેતા કરવાનો પ્રયત્ન કર્યો પણ સવારનું વાતાવરણ, બીજું દિવસે ફરવા જવાનું છે તેવા અજંપાથી ઓછી થયેલી ઊંઘ અને અમે સિંહને પડતા મૂકી પક્ષીમાં અટવાયેલા હોઈ તેમણે પણ નિદ્રાદેવીનું શરણું લીધું. અમે ત્રણ અને અમારો નાનકડો સાથીદાર અમારા કરતાં પણ વધારે ઉત્સાહી. અમે જોતાં તે પક્ષીને રસપૂર્વક જોતો અને વર્ણન કરતો સાંભળી અમે પેલાં ઊંઘતા યજમાનને અવગણી નાનકડા દોસ્તારમાં ધ્યાન પરોવ્યું, અને મજેથી જ્યાં જે પક્ષી દેખાયાં ત્યાં ગાડી ઊભી રાખી ગાડીમાં બેઠે બેઠે જ જોયાં. શક્ય એટલા નજીક વાહન લઈ જવાનો પ્રયત્ન કરતાં. નિયમભંગ કરી ગાડીમાંથી ઉતરી પડવાનું પણ બહુધા મન થયું પણ સેમરડી નાકા પર ગિર ફોરેસ્ટ ઑફિસરે ઉચ્ચારેલા પચ્ચીસ હજાર દંડનાં શબ્દ યાદ આવતાં અમે સમસમીને ગાડીમાં બેસી રહ્યાં.

સોનેરી પીઠ લક્કડખોદ, મોર, ઢેલ, નવરંગ, લીલો કંસારો, ધૂકિયો (ઘુવડ), કોયલ, સમડી, ચાષ, કલકલિયો, ઘંટી ટાંકણો, વગેરે વગેરે પક્ષીઓ નજરે પડતાં ગયાં અને અમારા ‘હાર્ટ લિફ્ટસ અપ’ થતાં ગયાં. પેલા ઊંઘણશી વચ્ચે વચ્ચે અમારી હર્ષભરી ચિચિયારી સાંભળી ઝબકીને પૂછતાં, ‘સિંહ દેખાયો? અમારા પ્રફુલ્લિત ચહેરા તેમને ગેરમાર્ગે દોરતા. અમારી ના સાંભળી તેઓ વળી પાછા નિરાશ વદને નિદ્રાદેવીને શરણે થતાં.

છોડવડીથી બીજી વાર પરમિશન લઈ ત્યાંથી ૧૨ કિલોમિટરનો કનકાઈનો રસ્તો અમે અથી અઢી કલાકમાં કાપ્યો ત્યારે યજમાન કંટાાળ્યા, ‘હવે આપણે અહીં જ સાંજ પાડવાની છે કે શું? હાલો હવે તમારા પંખીડા જોવાઈ ગયાં હોય તો આગળ વધો જરા અને હવે ગાડી ઊભી ના રાખશો, એ તો ચાલુ ગાડીએ પણ પક્ષી દેખાય ને!

અમારા નાનકડો સાથી પણ પક્ષીઓ ઉપરાંત હરણાં, વાંદરા, નીલગાય ( ગિરની ભાષામાં રોજડા), જરખ, જંગલી ભૂંડ, શિયાળ વગેરે જોઈ ખુશખુશાલ. વચ્ચે વોંકળો આવ્યો ત્યારે ગાડીમાંથી ઉતરવું જ પડ્યું. નિયમભંગ? નહીં! પણ આ તો જરૂરી છે, ગાડી ‘ઓવરલોડ’ છે અને પછીનો ટેકરો ચઢે નહીં એટલે ઉતરી શકાય, બસ એ તકનો લાભ લઈ અમે પણ વોંકળામાં છબછિબયાં કર્યા. આજુબાજુનાં ઊંચા ઊંચા ઘાસમાં નજરું દોડાવી, રખેને ‘રમજાના’ બેઠી હોય તો ? (‘અકુપાર’: ધ્રુવ ભટ્ટ), પણ આજે તો અમારો ‘બર્ડ ડે’ જ હતો. અને અમે તો તેથી પણ ખુશ હતા. માત્ર યજમાન હજુ સિંહ ન દેખાયો તે વાત વારંવાર ઉચ્ચારતાં હતા, ‘એમ તો જેટલીય વાર આવ્યા એટલીવાર અચૂક જોયા જ છે. પણ કોણ જાણે આજે કેમ?’ અમે તેમને આનંદમાં રાખવા તેમના સૂરમાં સૂર પૂરાવતાં રહ્યાં.

અંતે અમારા નિશ્ચિત થયેલા ડેસ્ટિનેશન કનકાઈ પર પહોંચ્યા. પ્રસાદ તથા સાથે લાવેલું ભાથું આરોગ્યું. પરંતુ અમારો ચેપ પેલા નાનકડા બાળકને બરાબરનો લાગ્યો હતો તેથી જમતાં જમતાં પણ તે વિહંગ અવલોકન કરતો રહ્યો, ‘પેલું કબૂતર .... કાગડો ... કોયલ ... કાબર ....’ તો ક્યારેક બુલબુલને ઓળખી ગયો, એથી અમારું દિલ પણ બાગબાગ. છેવટે તેની મમ્મીએ અંગ્રેજીમાં ડારો દીધો ત્યારે કમને તેણે થોડું ખાધું. પછી તો અમે પણ જરા અફસોસભેર તેને ‘ખવડાવવા’માં રસ દાખવ્યો. જમવાનું પૂરું થતાં જ યજમાને આરામ કરવાનું સૂચન કર્યું, પણ અમારું મન તો નદી તરફ જવાનું હતું એટલે તેમને, ‘તમે આરામ કરો અમે જરા નદીએ જઈ આવીએ,’ કહી નદી ભણી ઉપડ્યાં.

આ વખતે પેલી બે નવયૌવનાઓ પણ જોડાઈ તેથી વધુ ખુશ થતાં થતાં ગિરની નદીની સહેલે ઉપડ્યાં. નદીનાં પટ પર આવેલાં ઝાડવામાં ઘણાં નવા પક્ષી પેલા બાળકને તથા યૌવનાને દેખાડી અમે અમારું અતિજ્ઞાન છતું કર્યું. પણ અફસોસ પેલા બાળક સિવાય કોઈએ વધારે રસ અમારામાં કે પક્ષીઓમાં દાખવ્યો નહીં.

ખેર, સમરડીથી કનકાઈ સુધીનો રસ્તો એટલો ખરાબ કે ગાડીમાં પાંચ જણ હોત તો વધારે ઉછળીને વાગતે. અહીં તો બધાં સાંકડમોકડ સમાયેલા એટલે પછડાવાનો સવાલ જ ન આવ્યો. ફરી સેમરડી નાકા પર આવ્યા ત્યારે ફોરેસ્ટ ઑફિસરને ફરિયાદ થઈ ગઈ, ‘થોડા રસ્તા સારા બનાવો તો?’ ‘રસ્તા તો આવા જ રહેવાના ગિરમાં! શું છે કે જેને ખરેખર ગિરમાં આવવાનો રસ છે તે તો આવવાના જ, વધારામાં જંગલને પિકનિક પૉઇન્ટ સમજી આવતા લોકોથી જંગલ બચે પણ ખરું.’ અમે અમારો કાન પકડયો. કયા કયા પક્ષી જોયાં તે જણાવ્યું તો ખુશ થઈને ઑફિસર બોલ્યા, ‘ગિરમાં સિંહ ન હોત તો ગિર પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાતું હોત.’ અમે તેમનાં આ વિધાનને સો ટકા સત્ય ગણાવ્યું. પણ અમને તો અમારા પ્રવાસની ફળશ્રુતિ ત્યારે અનુભવાઈ જ્યારે અમારાં નાનકડા સાથીદારે ઘરે જઈ તેમના નાનકડાં કૅમેરામાં પાડેલા પક્ષીઓનાં ફોટા તેના પપ્પાને દેખાડવા માંડ્યા, અને સોનેરી પીઠ લક્કડખોદ દેખાડીને પૂછ્યું પણ, ‘આવું ગોલ્ડન-રેડ કલરનું બર્ડ તમે ક્યારેય જોયું છે?’ અમે યજમાનને એટલું કહેવાની લાલચને રોકી ના શક્યા, ‘ગિરમાં ફક્ત સિંહ જ છે એવું નથી.’

પણ તે સમજ્યા કે નહીં તે રામ જાણે....

(વિપુલ કલ્યાણી સંપાદિત ઓનલાઈન ‘ઓપિનીયન’ સામાયિકના ૨૬-૩-૨૦૧૩ના અંકમાંથી સાભાર)
[પાછળ]     [ટોચ]