[પાછળ] |
ગુજરાતનો જ્ઞાતિધર્મ લેખકઃ ઈન્દુલાલ યાજ્ઞિક
(ચેતવણીઃઆ લેખ વાંચતા પહેલા તે વાંચવો કે નહિ તેનો બરાબર વિચાર કરજો. દેવદર્શન કે કથાવાર્તાના સંસ્કારથી લોકો ઘરમાં દેવપૂજા અને ભજનકીર્તન કરતાં. તેની સાથે પોતપોતાની ન્યાતજાત પ્રમાણે રૂઢિગત રીતે આચાર પાળવા તે પ્રવૃત્ત થતાં. મધ્યકાળથી જે અનેક ન્યાતો અને પેટા ન્યાતોમાં સમાજ વહેંચાઈ ગયો હતો તે દરેકના નાના વર્તુળમાં ચાલતા આવેલા જન્મથી મરણ સુધીનાં હરેક પ્રસંગ માટે ફરમાવેલાં વિધિ અને નિષેધ વિગતવાર પાળવાનો વ્યવહારધર્મ સર્વોપરી ગણાતો, જ્ઞાતિધર્મના નિષેધ ઘણા કડક હતા. મુખ્ય વર્ણો વચ્ચે રોટીવહેવાર તેમ જ બેટીવહેવારની કડક મનાઈ હતી. ઊંચી ન્યાતવાળાનું નીચી ન્યાતવાળા જમી શકતા પણ ઊલટા વહેવારની બંધી હતી. નાની પેટા ન્યાતો વચ્ચે જમણની છૂટ હતી ત્યાં પણ કન્યાવહેવાર તો નિષિદ્ધ અને સખત દંડને પાત્ર ગણાતો. આમ, જે આર્યજનો એક જ મંદિર ને કથામાં સમાનભાવે મળતા તેમની વચ્ચે નિત્યજીવનમાં ન્યાતવાર લોખંડી દીવાલો જડી દેવામાં આવી હતી. આ અમાનુષી નિષેધનો ભંગ કરનાર ફાવે તેવો વેદાંતી કે ઈશ્વરભક્ત હોય તો યે ‘નાસ્તિક’ ગણાતો અને તેને ન્યાતબહાર અર્થાત્ સારા સમાજની બહાર ધકેલીને ન્યાતના પટેલો સર્વે પર શાસન ચલાવતા. તે જ પ્રમાણે દરેક ન્યાતના અંતર્ગત રિવાજોનું પાલન પણ એવી જ ધાકધમકીના જોરે થતું. જન્મ અને મરણ, લગ્ન અને સીમંત વગેરે દરેક પ્રસંગ માટે પરંપરાગત વિધિ અને જમણ સર્વેને કરવાં જ પડતા. કન્યાને રજસ્વલા થતાં પહેલાં પરણાવી જ પડતી અને તે વયે નિશાળેથી ઉઠાડી લેવી પડતી. અંગ્રેજી (સરકારના) કાયદાથી વિધવાના પરણવાની છૂટ મળેલી પણ તેનો વિચાર સરખો ઊજળીયાતોમાં અક્ષમ્ય ગણાતો. પુરુષ વિધુર થાય ત્યારે રામના એકપત્નીવ્રતના આદેશને કોરે મૂકી સ્ત્રીની સ્મશાનયાત્રા દરમિયાન જ નવો વિવાહ ઘણુંખરું ગોઠવાતો. પણ ગમે તેવડી નાની બાળકી વિધવા થાય તો યે તેને તો પિયરીયા અને સાસરીયાના મહેણાં-ટોણાં ખાઈ પતિના શોકમાં ને ઈશ્વરના ચિંતનમાં જ એકાકી જીવન ગાળવાની ફરજ પડતી. તે જ રીતે મરણને અંગે ઉત્તરક્રિયા અને રૂઢિગત ન્યાતો કરવાની મરનારનાં કુટુંબીઓની ફરજ ગણાતી. આજ પ્રકારે લગ્ન, સીમંત ને જનોઈને અંગે કરવાની ન્યાતોની સંખ્યા ને જમણના પ્રકાર પણ રૂઢિથી નિશ્ચિત થયા હતા. દાખલા તરીકે મારી ન્યાતમાં (વડનગરા નાગરમાં) મરણ પ્રસંગે પિતૃતર્પણની બધી વિધિઓ કરવા ઉપરાંત મધ્યમ શ્રેણીના માણસોએ ફરજિયાત સાત જમણ કર તરીકે આપવાં પડતાં જેની વિગત આ પ્રણાણે છેઃ ૧. મરણના ૧૧મા દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બટુક કુમાર - કુમારિકાઓને જમણ. ૨. મરણના ૧૨મા દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બટુક કુમાર - કુમારિકાઓને જમણ. ૩. ૧૩મા દિવસે ઉપર ઘીનું એટલે કે છૂટા ચૂરમા ઉપર ઘી રેડીને જમણ. ૪. વરસી વાળે ત્યારે શેર લોટે શેર ઘીના સમેટાના લાડુ. ૫. દૂધપૌંઆ-દૂધપૂરી અને ઘસોટાનું જમણ. ૬. ઉપર ઘીનું જમણ અને ૭. દોહીતરની નાત.આ તો સાધારણ માણસે કરવાનું. સારી સ્થિતિના ગૃહસ્થો તો મરણ પ્રસંગે આ ઉપરાંત વધુ ન્યાતો જેમ કે આંબાગાળો-રસલેચો, ત્રિપક્ષી, પુણ્યની નાત, છ માસી, ઋષિપંચમીની નાત, દૂધપાક-પૂરી અને ધનુર્માસ, શિયાળામાં લાડુ ને ખીચડીનું જમણ વગેરે કરે. બટુકને જનોઈ દેવાને પ્રસંગે ઉપર ઘીની ત્રણ ન્યાત કરવાનો કર હતો. લગ્નપ્રસંગે વરપક્ષવાળાએ બે ઉપર ઘીના અને એક વરોઠીનું એમ ત્રણ જમણ આપવા પડતા. કન્યા પક્ષવાળાને એક ઉપર ઘીની ને એક સગાંની એમ બે ઉપરાંત માંડવાને દિવસે બપોરે ખીચડી શિરામણની ને રાતે લાકડશાઈ લાડુ ને ઘીની એમ ત્રણ બીજી એટલે કે પાંચ ન્યાત જમાડવી પડતી હતી. વહુને સીમંત આવે ત્યારે ઉપર ઘીનાં ચાર જમણ આપવાં પડતાં અને વહુને ભારે વસ્ત્ર ને આભૂષણથી સુસજ્જ કરી તેનો વરઘોડો કાઢવામાં આવતો. જો વહુને ભરપૂર શણગાર સજાવ્યા હોય તો તે વાઘ કહેવાતી અને ઓછાં ઘરેણાં પહેરાવ્યા હોય તો તે બકરી કહેવાતી હતી! આવા શસ્ત્રોક્ત પ્રસંગો ઉપરાંત અનેક અન્ય લૌકિક રીત-રિવાજો પણ હતા. દાખલા તરીકે છઠ્ઠી- બાળકના જન્મના છઠ્ઠે દિવસે પૂજનવિધિ, બાળાંબળીયા- બારમા દિવસે બાળકને કપડાં-ઘરેણાં પહેરાવવાનો રિવાજ, ઝોળીપોળી- બાળકને પહેલી વખતે ઘોડિયામાં સુવાડતી વખતની રીત,  ગાગરબેડિયાં- લગ્ન વખતે કુંભારને ત્યાંથી ગાગર લાવવાની રીત, માંગવસન અને જાણું-મોજાણું- કન્યાને પલ્લું આપવા વખતની રીત, છાનાં મોજાણાં અને તંબોળાતંબોળી- વરને કન્યાપક્ષ તરફથી માન આપવાની રીત, ન્હાણીયાજાણીયાં વગેરે વગેરે. આવા જાત જાતના રિવાજો પળાતા ને ઘણી વખતે આવા પ્રસંગે સગાંને ભોજન અપાતું. આવા બધાં ભોજન-પ્રસંગોમાં જમતા-જમાડતા ને બીજી અનેક શુષ્ક અને રસિલી વિશિષ્ટ રીતોમાં ભાગ લેતા બધા જ્ઞાતિજનોના માનસની આસપાસ જ્ઞાતિભક્તિનો અને જ્ઞાતિ અભિમાનનો મજબૂત કિલ્લો રચાતો હતો. બધી જ જ્ઞાતિનાં સ્ત્રીપુરુષોમાં જીવનનો લહાવો અને મોભો, લગ્ન ને મરણની વિધિ અને ભોજનમાં કેન્દ્રિત થતાં. ન્યાતની કોઈ મહત્વની રૂઢિનો ભંગ કરનારને ન્યાતબહાર મૂકવાની ધમકી કાળાપાણી કે મોતની સજાથી પણ આકરી લાગતી. તેથી તે દંડ આપી કે પ્રાયશ્ચિત કરીને ન્યાતમાં જ રહેવાનું પસંદ કરતા. શાસ્ત્રપુરાણોના અનેક સિદ્ધાંતો અને આદેશોને નેવે મૂકીને હિન્દુ સમાજે ન્યાતોની લોખંડી કિલ્લેબંદી રચી હતી; અસંખ્ય રીત-રિવાજોના પૂંજરૂપ જ્ઞાતિધર્મ અપનાવ્યો હતો. (આત્મકથા, પહેલી આવૃત્તિ, ૧૯૫૫, પૃષ્ઠ ૩૪-૩૭) |
[પાછળ] [ટોચ] |