[પાછળ] |
ગ્રામલક્ષ્મી
લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ
આગળ મૃત્યુ અને આસપાસ અંધકાર! અશ્વિન મક્કમપણે પગલાં ભરતો હતો. તારાના મકાન આગળ તે સહજ અટક્યો. તારાની મેડીમાંથી આવતો આછો પ્રકાશ હમણાં જ હોલવાઈ ગયો. અશ્વિન પણ પોતાનો પ્રકાશ હોલવી નાંખવા જ જતો હતો ને? જે પ્રકાશ કોઈને તેજ આપતો નથી, જે પ્રકાશ અંધકારની રેખાઓને વધારે બિહામણી બનાવે છે, એ પ્રકાશ ભલે હોલવાઈ જાય!
પછી? પછી શું? અપૂર્વ શાંતિ! સંપૂર્ણ અભાન! અનંત નિદ્રા! એનું જ નામ સુખ ને? એ શાંતિમાં દુનિયાની દઝાડતી ઝાળ અડકશે નહિ. એ અભાનમાં સ્નેહીના સ્નેહ અને વૈરીઓના વેર ભૂલી જવાશે. એ નિદ્રામાં નહિ પોષણની ચિંતા કે નહિ બેકારીનાં અપમાન. એવું સુખ ક્યાં મળે? એથી વધારે સુખ કોણ માગે? મૃત્યુ તેને વડ સુધી ખેંચી લાવ્યું. સંધ્યાકાળે મિત્રોના આમંત્રણે અહીં ન આવેલો અશ્વિન મધ્યરાત્રે મૃત્યુનો બોલાવ્યો વડ નીચે આવ્યો. મહાતપસ્વી વૃક્ષરાજ સમાધિમાંથી જાગ્યો નહિ, તો ય એક ચીબરી તેની ઘટામાંથી ચિચિયારી પાડતી ઊડી ગઈ. અનેક રમતોના એ સાક્ષીને - વડને - અશ્વિને મનોમન પ્રણામ કર્યા. વડથી થોડે દૂર એક મોટું તળાવ હતું. એનો કિનારો પણ અશ્વિનની કિશોર વયની રમતોનો દૃષ્ટા હતો. મૃત્યુ અશ્વિનને એ તળાવના કિનારા સુધી દોરી લાવ્યું. ઘેરાં કાળાં પાણીમાં તારાઓ તેજનાં ટપકાં પાડતા હતા. કિનારા ઉપર ઊભેલાં વૃક્ષ પાણીની કાળાશને ઘેરી બનાવતાં હતાં. અશ્વિનને દોરી લાવવા મૃત્યુ ક્યાં સુધી ચાલ્યું ગયું? ઓ જાય! પેલા પાણીમાં ઊતરી જાય! અશ્વિન એકી ટશે તે બાજુએ જોઈ રહ્યો. પાણીમાં અદૃશ્ય થતા મૃત્યુએ પાછળ આવવાની ઈશારત કરી, અને તે અલોપ થઈ ગયું. ‘એ જ માર્ગ!’ અશ્વિન બોલ્યો. પરંતુ તેને સહજ થરકાટ થયો. તે તદ્દન એકલો પડી ગયો. મોત કરતાં પણ શાંતિ વધારે ભયાનક હોય છે એમ એક ક્ષણભર તેને લાગ્યું. પાંદડું પણ હાલતું ન હોતું. તમરાં પણ ટી-ટી-ટી અવાજ કરતાં અટકી પડ્યાં હતાં. ‘બધાં શું કહેશે?’ અશ્વિનના ભય પામતા હૃદયે પ્રશ્ન કર્યો. દૂરના એક વૃક્ષમાંથી ઘુવડ ગર્જ્યોઃ ઘુ... ઘુ... ઘુ... ‘બધાં શું કહેશે એની યે પરવા પછી ક્યાં રહેવાની? જીવતર માનવીને બીકણ બનાવે છે. એ ભલે જાય!’ તળાવની પાળ ઉપર તે બેઠો. એ પાળની નીચેનાં પાણી ઊંડાં હતાં. ઘણાં ઊંડાં નહિ, પરંતુ ડૂબવા બેઠેલા મનુષ્ય ધારે તો ખોબા પાણીમાં પણ ડૂબી શકે. પરંતુ ડૂબતાં ગૂંગળાટ થશે તે? અશ્વિન જરા હસ્યો, જીવનભરના ગૂંગળાટ કરતાં ચારપાંચ ક્ષણનો ગૂંગળાટ શું વધારે ભયપ્રદ હતો? એ મૂંઝવણ મટાડવા તો અહીં તે મૃત્યુની પાછળ પાછળ આવ્યો હતો. ‘પણ... પણ... માતા, પિતા, પત્ની...’ એ વિચાર કરતાં જ અશ્વિનનું મન ડોલી ગયું. સ્નેહીઓનાં સ્નેહબંધન છૂટવાં સહેલાં નથી. અશ્વિનના હૃદયમાં વિકળતા ઉત્પન્ન થઈ. જેમ જેમ તે વધારે વિચારમાં ઊતરતો ગયો તેમ તેમ તેને જીવનનું ખેંચાણ વધારે જોરથી ખેંચતું લાગ્યું. સરવર કિનારે ઠંડી હતી છતાં અશ્વિનને પરસેવો વળ્યો. જેમ જીવવું સહેલું નથી તેમ મરવું પણ સહેલું તો નથી જ. કાળમીંઢ સરખા પાણીથી ભય પામતી તેની દૃષ્ટિએ ઊંચે આકાશ તરફ જોયું. ત્યાં તો તારાઓ આંખ મીંચામણાં કરી એક દુર્બળ માનવીની અસ્થિરતાને હસતા હતા. જાણે તેઓ અંદર અંદર વાત ન કરતા હોય! ‘નિરૂપયોગી જીવનને જોરથી પકડી બેઠેલો પેલો કંજુસ માનવી! જીવનધન ઉપર બેઠેલો નાગ! એક તારો અંતરીક્ષમાંથી ઉત્પન્ન થઈ, એક તેજરેખા દોરી, ભસ્મ બની ગયો. ‘જેનું જીવતર પ્રકાશ આપે એને જ જીવવાનો અધિકાર... જે સતત પ્રકાશ ન આપે તે ખરતા તારાની માફક મૃત્યુને ભેટતાં એક ક્ષણ અજવાળે તો પણ તેનું જીવ્યું સાર્થક! ...આ માનવી તો હસીને મરી પણ શકતો નથી... એ જીવીને શું કરશે?’ તારાઓ આંખમીંચકારા કરતા વાતોએ વળગ્યા. માનવ માનવીનો તિરસ્કાર સહન ન કરી શકે! તે કુદરતના તિરસ્કારને પણ શા માટે સહી લે? અશ્વિને નિશ્ચય કરી દીધો. જે માટે તે અહીં આવ્યો હતો તે સિદ્ધ કરવામાં થતી વાર તેની અપાત્રતામાં વધારો કરતી હતી. તેને ધોતિયાના છેડા વડે પગ બાંધ્યા. હાથ બાંધવાની જરૂર પણ તેને લાગી. તેને તરતાં આવડતું હતું. પાણીમાં પડ્યા પછી તરવાની વૃત્તિ થઈ આવે તો? પણ પોતાને જ હાથે હાથ કેમ બંધાય? એ ગડમથલમાં તો આખી રાત વીતી જાય. ‘હા! મરતાં મરતાં પણ દુર્બળતા! બહાદુરીથી મરી પણ ન શકાય! હું તો વગર બંધને જ પ્રાણ છોડીશ.’ અશ્વિને પગનું બંધન છોડી નાખ્યું. સ્થિરતાથી તેણે આગળ પગલું ભર્યું. પાણી કાંઈ દૂર ન હોતું. પાસે ઊંડાણ ઓછું જ હોય. સહજ પાણીમાં ચાલીને ઊંડાણ ખોળવાનું હતું. પાણીમાં તેણે પગ મૂક્યો, અને સરવરમાં ન્હાતા તારલાઓ હિલોળે ચઢ્યા. ક્ષણભરમાં તેણે આખું જીવન યાદ કર્યું. નોકરી ન આપનાર સાહેબ અને તેને હસનાર તેના સુખી પડોસીઓ પ્રત્યે પણ અત્યારે ક્ષમાની કુમળી લાગણી અનુભવી. એકધારી શાંતિમાં તે પગલાં મૂકતો હતો. ‘આ જ સ્થળે મૃત્યુએ પાણીમાં પ્રવેશ કર્યો હતો. હું પણ ત્યાં જ પહોંચી જાઉં.’ તેણે બે-ત્રણ ડગલાં આગળ ભર્યાં. જળ કમાનો બનાવી અશ્વિને આવકાર આપતું હતું. તેણે ચારે પાસ નજર નાખી અને હમણાં જ અલોપ થવાની સૃષ્ટિને તેણે એક વાર ફરીથી જોઈ લીધી. સૃષ્ટિ પણ માનવીના - અલ્પ માનવીના - આ કાર્યને ગંભીરતાથી જોઈ રહી હતી. આકાશના તારાઓ પણ જરા ઝાંખા બની ગયા હતા. મૃત્યુને સ્વસ્થતાથી ભેટતા યુવકે મગરુરીથી મૃત્યુપ્રવેશના સ્થાન તરફ જોયું. ત્યાં શું ચમકતું હતું? એ સ્થળ તો ખાલી નથી! ત્યાં તો કાંઈ ચમકે છે! કોઈ સૌંદર્યનો ટુકડો રૂપેરી પ્રકાશમાં આછું આછું નાચે છે! એ શું હતું? કુમુદનું પુષ્પ! જળ ઉપર ખીલીને તરતું ડોલતું એ સરસૌંદર્ય ચમકતું પણ હતું! શાથી? તળાવ ઉપરની ઘટા પાછળ ચંદ્રોદય થયો. તેનું એક કિરણ વૃક્ષોની ડાળીઓ વિંધી, પોયણા ઉપર હસતું હસતું પડી, પોયણાને હસાવતું હતું. પૃથ્વીને પૃથ્વીપાર રહેલા પદાર્થો સાથે સાંધતી પ્રકાશદોરીઓ કોણ ઝાલતું હશે? ઉપર ચઢતા ચંદ્રમાં કોઈ અદ્ભુત પુરુષનો તેને ભાસ થયો. જીવનવિહિન ચંદ્ર! એમાં પુરુષ કેવો? કદાચ મૃત જીવ ચંદ્ર બની જતો હોય તો? શીતળ પવનની લહરી તેને કંપાવી ગઈ. ચંદ્રતેજ ઝીલતા સરવરનાં પાણી ચમક ચમક થવા લાગ્યાં. અને એ પાણી ઉપરનું પોયણું તારાની પાંદડીઓ સમું લહરી સાથે નાચવા લાગ્યું. આખી સરવરની સૃષ્ટિ આમ જ નાચતી હતી. વૃક્ષોને પાને પાને તેજ રસાયાં. ઘટાઓની ઘેરી કાળી રેખાઓ બદલાઈ ગઈ, અને ડાળીઓની ચાળણીઓમાંથી ગાળી-ગાળીને તેજ પીતાં વૃક્ષો પ્રફુલ્લ બની હસી રહ્યાં. અને પેલો દૂરથી ડોકિયાં કરતો વડ? એ પણ ઝગ ઝગ હસી રહ્યો હતો. મધ્યાહ્નના પ્રખર તાપમાં ઘેરી છાયા ફેલાવતા ગંભીર વડને ચંદ્રની ચાંદની હસાવી શકી. ‘હું યે કેમ ન હસું?’ અશ્વિન હસ્યો. સૃષ્ટિએ તે હાસ્યનું પ્રતિબિંબ પાડ્યું. સૃષ્ટિ રૂપાળી તો છે જ. જીવન એવું રૂપાળું કેમ નહિ હોય? કુસુમ ખડ ખડ હસી પડ્યું. જાણે તે કહેતું ન હોયઃ ‘કોણે કહ્યું કે જીવન રૂપાળું નથી?’ અશ્વિન કુમુદને નીહાળી રહ્યો. કુમુદ ઉપર કોઈ આકૃતિ રચાતી હતી. કોઈ સ્ત્રી હતી કે શું? ખરે, અશ્વિને કુમુદમાંથી એક મહા સ્વરૂપવાન, મહા દેદીપ્યમાન સ્ત્રી પ્રગટ થતી જોઈ. એનામાં કુસુમની મૃદુતા હતી, તારાનો ઉલ્લાસ હતો અને કમળલક્ષ્મીનું વાત્સલ્ય હતું. કમળ? ...લક્ષ્મી? ...તેને પેલી આર્ય કથા યાદ આવી. કમળમાંથી લક્ષ્મીનો ઉદ્ભવ! પણ આ તો કુમુદ છે - પોયણું છે! એમાંથી લક્ષ્મી કેમ જન્મે? કેમ ન જન્મે? કમળ પણ પંકમાંથી થાય અને પોયણું પણ પંકમાંથી થાય. બન્ને પંકજ! એકમાંથી લક્ષ્મી જન્મે તો બીજામાંથી... ‘ગ્રામલક્ષ્મી!’ એકાએક તેનાથી બોલાઈ ગયું. પોયણા ઉપર વિરાજેલી દિવ્ય મૂર્તિએ એ નામનો જાણે સ્વીકાર કર્યો હોય એમ અશ્વિનને લાગ્યું. કોણ કહે છે કે ગામડાં કુરૂપ છે? ચાંદનીમાં ગામડું નંદનવનસમુ સુન્દર બની જાય છે. ગામડાની વૃક્ષરાજી, ગામડાંનાં સરોવરો, ગામડાંની બહાર ક્યાં જોવા મળે એમ છે? શહેરના કૃત્રિમ બગીચા, અટપટા ફુવારા, સાંકડાં સ્થળ, અને સૂકી જમીન - એમાં કયું સૌંદર્ય રહેલું હશે? શહેરનિવાસી ઈજનેર બનવાના સ્વપ્ન સેવી રહેલા અશ્વિને ગ્રામસૌંદર્ય નજરે નજર જોયું અને અનુભવ્યું. રાતની ચાંદનીએ બતાવેલું સૌંદર્ય દિવસે ન ખેંચી લવાય? ‘ગામડાંમાં રહે તો બધું યે થાય!’ સંગીતસરખો અવાજ તેને કાને પડ્યો. એ શું ગ્રામલક્ષ્મી બોલ્યાં? વિચારમાંથી જાગી તેને પોયણા ભણી જોયું. લક્ષ્મીની વરદ મૂર્તિ હજી ત્યાં જ હતી. ‘ગામડામાં રહું તો મારું ભાવિ સંકોચાઈ જાય!’ અશ્વિનના મનમાં શંકા ઊપજી. ‘કાદવમાંથી કુમુદ અને કુમુદમાંથી લક્ષ્મી એ ગ્રામ્ય પ્રકૃતિની ઘટના, એ પ્રકૃતિને તારી બનાવ. ભાવિ આ આકાશ સરખું વિશાળ બનશે.’ પ્રકૃતિમાંથી તેણે એ શબ્દો સાંભળ્યા. એ શબ્દો તેણે ગોખ્યા. ‘પણ... પણ... મારું પોષણ...?’ તેના હૃદયમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. ‘માગ પોષણ ભૂમિ પાસે! ભૂમિ કોઈને ભૂખે નહિ મારે!’ કોઈએ જવાબ આપ્યો. ‘એ કેમ બને?’ ‘જમીનમાં પોષણના ભંડાર ભર્યા છે. હાથ હલાવ એટલે એ ભંડાર આપોઆપ ખૂલી જશે.’ અશ્વિન સ્થિર બની ગયો. તે કોઈ આકાશવાણી સાંભળતો હોય એમ સ્તબ્ધ બની ગયો. દેવી સાચો આદેશ આપતી હતી. આ ગ્રામલક્ષ્મીનો ભર્યો ભર્યો વૈભવ છોડી શહેરના લૂખા, સૂકા, આડંબરભર્યા ચળકાટવાળા વાતાવરણમાં જનાર ભણેલાઓ શું મોટી ભૂલ નથી કરતા? ‘હું તો અહીં જ રહીશ. પંકજમાંથી પંકજ સર્જીશ, અને પંકજે પંકજે ગ્રામલક્ષ્મી પધરાવીશ.’ અશ્વિને નિશ્ચય કર્યો. દૂરથી પાછો ઘુવડનો આછો ઘૂઘવાટ તેણે સાંભળ્યો. ‘પણ હું તો અહીં મૃત્યુ પાછળ આવ્યો હતો!’ તેને યાદ આવ્યું. ‘ભૂલા પડ્યા કે શું અશ્વિનભાઈ!’ પાછળથી કોઈ માનવીનો અવાજ આવતાં તે મૃત્યુને પણ ભૂલ્યો. ‘ના.’ અશ્વિનથી બોલાઈ ગયું. તેણે બોલતાં બોલતાં પોયણા તરફ જોયું. માનવીનો અવાજ અડકતાં ગ્રામલક્ષ્મી હસતાં હસતાં પોયણામાં ઊતરી અદૃશ્ય થઈ ગયાં. |
[પાછળ] [ટોચ] |