[પાછળ]

સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ

લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

પ્રાત:કાળ થયો. સાત વાગ્યા, આઠ વાગ્યા પણ ગાડી આવી નહિ. ચંદ્રકાન્તના પેટમાં ફાળ પડી. ભાડે ગાડી કરી બંગલે ગયો. બંગલે માળી વિના કોઈ મળે નહીં. માળી કહે, “ભાઈ, ગાડીમાં બેસી ચોપાટી પર મળસ્કાના ફરવા ગયા છે.”

ચંદ્રકાન્તે ચોપાટી પર ગાડી દોડાવી. મુંબઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અડધે સુધી સમુદ્ર તટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં રેલ્વે સડકનું ક્રૉસિંગ આવે છે તે ઓળંગતાં ચર્નીરૉડ સ્ટેશન છે. સરસ્વતીચંદ્રની ગાડી ચંદ્રકાન્તને સમુદ્ર તટ પર ઊભેલી મળી. ગાડીવાન કહે, “ભાઈ આગળ પગે ફરવા ગયા છે, પણ ક્યારના પાછા ફર્યા નથી. મને આ ચિઠ્ઠી આપી છે ને કહી ગયા છે કે તારી પાસે રાખી મૂક. ઘેર જઈ ચંદ્રકાન્તને આપવાની છે.”

ચંદ્રકાન્તનો જીવ ઊડી ગયો. ચિઠ્ઠી લઈ વાંચી.

“પ્રિય ચંદ્રકાન્ત,

તું મને શાંત કરીને રાત્રે ગયો હતો. હું શાંત થયો હતો જ, પણ આખી રાત મેં વાડીમાં ફર્યા કર્યુ છે. ઘણા વિચાર કર્યા અને આખર મારો વિચાર ખરો લાગ્યો અને તે કરું છું.

તારી પાસે પેટી છે તે તારી પાસે જ રાખજે, તેમાંના સામાનની યોગ્ય વ્યવસ્થા કરજે, મારે તેનો સંબંધ નથી. પિતાજીને મળજે – સાથેનો પત્ર તેમને આપજે અને યોગ્ય લાગે તે તેમને કહેજે – તેમને દુ:ખ થવા દઈશ નહિ.

મારા વિયોગનો શોક કરીશ નહિ. મૃત્યુ પાછળના અંધકારમાં એકલા પ્રવાસ કરવા પ્રાણી માત્ર નિર્માયેલાં છે. મૃત્યુ પહેલાં જ અંધકારમાં ફરવું એ મૃત્યુ માટે સજ્જ થવા જેવું છે. માયાનો જુઠો પ્રકાશ મૂકી આવા નિમિત્તે હું આ અંધકાર શોધું છું તે રજ પણ શોચનીય નથી.

હું તને નહિ ભૂલું. પ્રસંગે ફરી પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઈશ. હું તને છોડું, પણ હૃદય કેમ છોડશે?

મારો શોધ કરીશ નહિ, ગંગાભાભીને આશ્વાસન આપજે – હું તમને ભૂલી શકનાર નથી.
     રહી ઓછું વત્તું વિષય સહુ જાશે તજી મને,
     તજું હું તેને તો, પ્રિય સુહૃદ, ના દોષ કાંઈએ. 
     જશે મેળે જ્યોત્સના, ઉડુગણ જશે, રાત્રિય જશે. 
     કલેન્દુ સાંઝે એ નિરખી ઊગતાં આથમી જતો.
સ્નેહથી બંધાએલો તું મને છૂટવા ન દેત જાણી સાહસ કરી છુટું છું.
લિ. નામે – સરસ્વતીચંદ્ર – બીજું શું કહું?”

ઊંડો નિ:શ્વાસ મૂકી, કપાળે હાથ દઈ, ઢીલો પડી જઈ ચંદ્રકાન્ત લક્ષ્મીનન્દન પરનો કાગળ વાંચવા લાગ્યો.

“પ્રિય પિતાજી,

આપને સુખનો માર્ગ હું ખુલ્લો કરી આપું તેમાં અપરાધ તો નથી તે છતાં અપરાધ લાગે તો પિતા પાસે ક્ષમા માગતાં પુત્ર નિરાશ નહિ થાય.

ધૂર્તલાલને સૂત્રયંત્રનું સર્વ કામ આપની ઈચ્છા પ્રમાણે બતાવી કાર્યનો સમસ્ત ભાર તેમને સોંપી સર્વ પદાર્થ આપને બતાવી દીધા છે.

બ્રહ્માને ઘેર કોઈની ખોટ નથી. મારી ખોટ પડવાનું આપને કારણ નથી. ધનભાઈથી આપને સર્વ સંતોષનું કારણ મળો એ ઇશ્વર પ્રાર્થના છે. આપનું સમસ્ત દ્રવ્ય તેના કલ્યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો. આપને હું કોઈ પ્રસંગે સાંભરી આવીશ તો એ જ મારે મન દ્વવ્ય છે.

મારે માનસિક વૈરાગ્ય લેવામાં આપની ચિત્તવૃત્તિ પ્રતિકૂળ નહિ થાય થાય એવો નિશ્ચય થવાથી હું તે સ્વીકારું છું અને સંસારસાગરને અદ્રશ્ય તળિયે જઈને બેસું છું. સંન્યસ્તારંભે કોઈને જણાવાની જરૂર નથી લાગતી. જનાર જાઉં છું કહેવા રહે એમ હોતું નથી. ગુમાનબાને આજ સુધીમાં હું નિર્દોષ છતાં મારો દોષ વસ્યો હોય તો ક્ષમા અપાવશો.

મારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું રહેશે. મારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં આપ છેતરાયા એ શલ્ય આપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિંતતા હવે અમર રહો!

પિતાજી હવે મારી ચિંતા કરશો નહીં, મારી પાછળ ખેદ કરશો નહીં, સર્વ કોઈ વહેલું મોડું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. ચંદ્રબા ગઈ તેમ હું જાઉં છું. એ એક દિશામાં ગઈ, હું બીજી દિશામાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી હવે તો
‘સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડ્યા જીવ, દુ:ખી કંઈ, ને સુખી કંઈક!
સહુ એવા તણે કાજે ન રોતાં પાર કંઈ આવે!
કંઈ એવા તણે  કાજે,  પિતાજી રોવું  તે શાને?
હું જેવા કંઈ તણે કાજે,  પિતાજી રોવું  તે શાને?
નહિ જોવું ! નહિ રોવું ! અફળ આંસુ ક્યમ લ્હોવું?
ભૂલી જઈને  જનારાને,  રહેલું ન નંદવું  શાને? 
સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?’
પિતાજી બીજું શું લખું? મારા ગયાથી આપના ઘરમાં હું સિવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે, તેને કહેજો.

લિ. હવે તો આપના ચિત્તમાંથી પણ – આપને સુખી કરવા સારું જ – ખસી જવા ઇચ્છનાર.
સરસ્વતીચંદ્ર.”

બે કાગળો વાંચી શોકસાગરમાં પડી, માથે હાથ દઈ ચંદ્રકાંત સમુદ્ર તટ પરના એક પથ્થર ઉપર બેઠો. સરસ્વતીચંદ્રના ગાડીવાળાને કહ્યું કે “જા અને તારા મોટા શેઠને ખબર કર કે ભાઈ તો ગયા.”  ગાડીવાળો ચમક્યો, “હેં ક્યાં ગયા?”

“તે તો કોણ જાણે. જા, જઈને કહે કે કંઈક પરગામ ગયા.”

“કાગળમાં શું લખ્યું છે?”

“એ જ.” ગાડીવાળો વિચારમાં પડી ઘોડાની લગામ લઈ ગાડી સાથે ચર્નીરૉડ સ્ટેશન આગળનાં ઝાડ પાછળ અદ્રશ્ય થઈ ગયો. ચંદ્રકાંત ઉઠ્યો, ભાડાની ગાડીમાં બેસી સ્ટેશન પર જઈ પોતે તપાસ કરી, પણ કોઈએ પત્તો ન આપ્યો. સ્ટેશન માસ્ટર, ટિકૅટ માસ્ટર સર્વે એની આસપાસ ગુંચળું વળી ભરાયા, મેલ અને પેસેંજર ટ્રેનની ટિકૅટોની જાવક જોઈ, પણ કાંઈ સમજાયું નહીં. નિરાશ બની ચંદ્રકાંત ઘેર ગયો. ત્યાં એકલો શયનગૃહમાં બેઠો, લેખનપીઠ (ટેબલ) પર માથું મૂકી અશ્રુપાત ખાળી ન શકાતાં તેને રોકવો છોડી દીધો. ગંગાને સમાચાર કહ્યા, એક દુ:ખના બે ભાગિયા થયાં અને આખરે આંસુ લ્હોઈ શું કરવું તેના વિચારમાં પડ્યો અને ગંગા આગળ હૃદય ઉઘાડું કરવા માંડ્યું.

“શું કરું? અ...હં...હં...હં...! ગયા જ! સરસ્વતીચંદ્ર, આ શું સૂઝ્યું? શેઠના ઉપર રોષ ચઢે પણ મારા ઉપર શું? ગરીબ બિચારી કુસુમસુંદરીની શી વલે થશે? હું ક્યાં શોધું? અપ્તરંગી માણસનો ભરોસો જ નહિ, હેં?”

વાએ વાત ચલાવી અને ઘડીમાં સર્વ સમાચાર લોક વિદિત થઈ ગયા. એટલામાં લક્ષ્મીનંદનનો ગુમાસ્તો ચંદ્રકાંતને બોલાવવા આવ્યો. ચંદ્રકાંતે શેઠ ઉપરનો કાગળ ફરી વાંચી જોયો. “આપનું સમસ્ત દ્રવ્ય તેના (ધનનંદનના) કલ્યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો.” એ શબ્દો જોયા. કાગળ શેઠને તુરત તો ન જ આપવો એ વિચાર કરી ઉઠ્યો અને શેઠને ઘેર ગયો.

ગાડીવાને શેઠને સમાચાર કહ્યા તે વખતે ગુમાન અને ધુર્તલાલ પાસે બેઠાં હતાં. સમાચાર સાંભળી ગુમાન ઝંખવાણી પડી ગઈ અને શેઠ બ્હેબાકળા બની ગયા. ધૂર્તલાલે ગુમાનના કાનમાં સૂચના કરી, “જોજે, કાંઈ ગોટો વાળી ન ગયો હોય! – પાકો છે.” ગુમાનને જોર આવ્યું ને બોલી ઊઠી, “ઘરમાં બધી તપાસ કરાવો.” શેઠ બોલ્યા, “ઘરમાં શાની તપાસ કરાવે – પરગામ જાય તેમાં ઘરની શી તપાસ કરાવે?”

“જુઓ, ભાઈ કાંઈ કીકલા નથી. આ તો બધાંને ડરાવવાનો વેશ કાઢ્યો. કોણ જાણે ક્યાં ભરાઈ પેઠા હશે અને આપણી પાસે શોધાશોધ કરાવી મૂકશે. બે લાખ રૂપિયાનો ધણી નાસી જાય નહીં. ભલું હશે તો સસરાને કે વહુને મળવા ગયા હશે, પણ ઘરમાં ગોટો ન ઘાલ્યો હોય તેની તપાસ પહેલી કરો. આ તો મારા ભાઈને તમે ઘાલ્યો તે કાઢવાની યુક્તિ, પણ આપણે ય એટલું સમજીએ. નાકે છી ગંધાતી નથી.”

રાતીચોળ આંખ કરી શેઠ શેઠાણીના ભણી જોઈ રહ્યા અને આખરે બોલ્યા, “જો, આજ હું તારો નથી. હોં! તારા પેટમાં ન બળે પણ મને તો બળે.”

આ નાટક ભજવાતું હતું અને કણકની પેઠે શેઠને કાંઈક નરમ કરી દેવામાં ગુમાન ફાવી શકી એટલામાં ચંદ્રકાન્ત આવ્યો.

શેઠ ઉઠ્યા અને એકાંત ખંડમાં ચંદ્રકાંતને લઈ ગયા. ગુમાન પાછળ આવી. શેઠે તેને બારણે કાઢી બારણે સાંકળ દઈ પાછા આવી ચંદ્રકાંત પાસે બેઠા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. પુત્રના ગુણ સાંભરી આવ્યા. ધૂર્તલાલને તથા પોતાને હવાલો સોંપી દેવામાં તેણે જે ઉતાવળ કરી હતી તે સાંભરી આવી, પોતે તેને કઠણ વચન કહ્યાં એમ એમને લાગવા સાલવા માંડ્યું.

“ચંદ્રકાંત, તું બધું જાણતો હઈશ – હા – તારા મોં ઉપરથી લાગે છે – તને ખબર હશે – મને કહે – આ એને શું સૂઝ્યું? એના વિના હું ઝેર ખાઈશ, હોં!” શેઠે ટેબલ ઉપર માથુ કુટ્યું.

ચંદ્રકાંતે શેઠને ટાઢા પાડ્યા. ડોશીવાળો લેખ કેમ થયો, તે લેખ કરવામાં સરસ્વતીચંદ્રે કેવી હરકત કરી હતી અને લેખની બાબતમાં તે કેવો અજાણ્યો હતો, શેઠના જ વચનથી તેના મનમાં કેટલું ઓછું આવ્યું હતું, ઈત્યાદિ સર્વ વાત કહી. વાત કરતાં કરતાં સરસ્વતીચંદ્રવાળો કાગળ હવે આપવો કે નહિ તે વિચાર કર્યો. ન આપવો તે અપ્રામાણિક લાગ્યું, આપ્યા પછી માગવો તે ઠીક ન લાગ્યું. આપતાં હરકત એ કે ચિત્ત ફરી જતાં શેઠ એ કાગળને ફારગતીરૂપ ગણી દે અને વહુની રીસ અને સાસુનો સંતોષ થઈ જાય – તેનું શું કરવું એ વિચાર પણ થયો. અંતે ‘જોઈ લઈશું’ કરી કાગળ શેઠના હાથમાં મૂક્યો.

ભોજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચીને મુંજને થયો હતો તેવો જ વિકાર શેઠને થયો. ખરી વાત જાણ્યાથી, પુત્રની નિર્મળ વૃત્તિ અનુભવ્યાથી આંખમાં ખરખર આંસુ ચાલવા માંડ્યાં, ગુમાન અને ધૂર્તલાલ ઉપર તિરસ્કાર અને ધિક્કારની વૃત્તિ થઈ અને કાગળ એક બાજુ મૂકી દઈ દીન વદનથી ચંદ્રકાંતને કહેવા લાગ્યા, “ચંદ્રકાંત, ભાઈને બતાવ, તું જાણે છે – ગમે તે કર, ભાઈને આણ, નહિ ચાલે.” ચંદ્રકાંતે કહ્યું, “કદી પગે ન ચાલનારો, આપની શ્રીમંતાઈના વૈભવમાં વસનારો – તે આજ સાધારણ વેશે નિરાધાર એકલો અપ્રસિદ્ધ કોણ જાણે ક્યાં ભટકતો હશે? સભાઓ ગજાવનાર, વિદ્ધાનોનો માનીતો, મારા જેવા કેટલાંય નિરાધારનો આધાર, તે આજે ક્યાં હશે? શેઠ, એને ધ્રુવજીના જેવું થયું. અરેરે, કુમુદસુંદરી જાણશે ત્યારે તેને શું થશે! શેઠ, આપના ઘરમાંથી દીવો હોલવાઈ ગયો, પણ આપને શું?

એક વાત આપને કહેવા જેવી છે. એક બાબુ અને તેની સ્ત્રીને ઘણી પ્રીતિ હતી. એકબીજાથી તેમનાં ચિત્ત જુદાં જ ન હતાં. તેમના ઘરમાં એક થાંભલા પર ચકલીનો એક માળો હતો. તેમાં ચકલો ચકલી રહે અને આનંદ કરે. ચકલીએ ઈંડા મૂક્યાં અને બચ્ચાં થયાં તેની બે જણ સંભાળ રાખે. એક દિવસ ચકલી મરી ગઈ. ચકલે બીજી ચકલી આણી, બે જણાંએ મળી બચ્ચાંને ધકેલી કાઢ્યાં અને ઉડવા સરખું ન શીખેલાં બચ્ચાં જમીન પર પડી મરી જાત પણ પેલી સ્ત્રીએ ઝીલી લીધાં. તેમનો વિચાર કરી પોતે રોવા લાગી.

બચ્ચાંને છાતી સરસાં ધરી રાખે ને રૂવે. એટલામાં બાબુ આવ્યો. સ્ત્રીને રોવાનું કારણ પૂછ્યું. તેણે ન કહ્યું. ઘણું કર્યુ ત્યારે બચ્ચાં બતાવ્યાં, તેમનો ઈતિહાસ કહ્યો, અને બોલી – આ પક્ષીઓમાં બન્યું તેવું જ માણસમાં કેમ ના બને? દેહનો ભરોસો નથી અને તમારી આજે મારા પર પ્રીતિ છે પણ મારા પછી આ કુમળાં બાળકનું શું થશે તે વિચારથી મને રોવું આવે છે. ધણીએ ઘણું આશ્વાસન કર્યુ પણ સ્ત્રીને વિશ્વાસ ન જ આવ્યો. પળેપળ જાય તેમ સ્ત્રી રોતી જાય અને આંસુ તો આંખમાં માય નહિ! ‘હાય હાય! આ બાળકનું શું થશે?’ એ જ વિચાર ભરાયો. આખરે ધણીએ કહ્યું કે ન કરે નારાયણ ને એવો સમય આવે તો છોકરાને કહેજે કે આ થાંભલા આગળ મને આણી આ વાત સંભારી આપે – શું તારી પ્રીતિ ભૂલાય એવી છે?

દિવસ ગયા અને બાઈ ભાગ્યશાળી તે સૌભાગ્યવતી ગુજરી ગઈ. બાબુ ફરી પરણ્યો. પ્રથમ સ્ત્રીથી એક છોકરો ને છોકરી હતાં. નવી સ્ત્રીએ હળવે હળવે કાન ભંભેરવા માંડ્યા. નવી તો ફરિયાદ કરે – છોકરાંનું ખોટું બોલે, પણ નમાયાં બાળક – તેમનાથી માનું ખોટું કેમ બોલાય, ફરિયાદ કેમ થાય? આખરે નવીએ બાપને ભરવ્યો અને કહે કે આ છોકરાંઓ ભેગાં મારાથી નહિ રહેવાય – ગમે તો એ કે ગમે તો હું.

ખરૂં! સ્ત્રી હોય એટલાં નમાયાં છોકરાં હોય? છોકરાંનું ગમે તે થાઓ! સ્ત્રી ક્યાં જાય? બાબુએ બાળકોને બોલાવી કહ્યું કે મારે હવે તમે નહિ – બસ જાઓ.

છોકરાંનાં મ્હોં દયામણાં થયાં પણ દયા કોને આવે? ‘બાપા ક્યાં જઈએ?’ કરી વ્હીલે મ્હોંએ પૂછ્યું. બાપા કોના? રાક્ષસે કહ્યું – ‘મને શું પૂછો છો? જાઓ ગમે ત્યાં, પડો ખાડામાં.’

રોતાં રોતાં નિરાધાર છોકરાં બારણા આગળ આવ્યાં. દૈત્યને દયા જ ન આવી. એટલામાં છોકરી જરા ડાહલી હતી, તેને માનું કહ્યું સાંભરી આવ્યું અને ભાઈને રોતી રોતી કહે, ‘ભાઈ, ચાલ આટલું માનું કહ્યું કરીએ.’ બે જણાં પાછાં આવ્યાં.

‘કેમ પાછાં આવ્યાં? જાઓ.’ બાપે ઘાંટો કાઢ્યો.

બ્હીતી બ્હીતી થરથરતી બાળકી બોલી, ‘બાપા, અમે જઈએ છીએ પણ માએ કહ્યું હતું કે આ વખત આવે તો બાપાને એક વાત કહેજો, તે કહીએ તો સાંભળશો?’

દૈત્યને દયા આવી અને સાંભળવા હા કહી.

છોકરાંએ ચકલીની વાત અને મા રોઈ હતી તે કહી બતાવ્યું. બાપનું અંત:કરણ ઓગળ્યું, ભૂતકાળ સાંભરી આવ્યો, આપેલું વચન મન આગળ તરી આવ્યું. છોકરાંને રોતો રોતો બાઝી પડ્યો અને ઘરમાં રાખ્યાં.

શેઠ આપને પણ આ બાબુના જેવું થયું છે, પણ સરસ્વતીચંદ્રને ચંદ્રલક્ષ્મીએ કાંઈ કહી મૂક્યું નથી. તે બિચારા ગયા અને મનાવવાનો અવકાશ પણ તમારે નથી. આપના મનમાં એમ આવ્યું કે એ પૈસાને લીધે આપનો સગો છે! હવે એ સગપણ નથી. આપ એને મન બાપ છો. આપને મન એ પુત્ર નથી. હોય, એમ જ હોય તો શેઠ, આપના ઘરમાંથી એ ગયો તેની કાંઈ ફિકર કરશો નહિ. એને સોંપેલી અને બીજી વસ્તુઓ ઘરમાં સંભાળજો, ઘરમાંથી કાંઈ ગયું લાગે તો મને કહેજો, હું ભરી આપીશ. શેઠજી, જાઉં છું. આપ મોટા માણસ છો, વધારે ઓછું બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો, રજા લઉં છું.” બોલતાં બોલતાં ચંદ્રકાંતે પાઘડી પહેરી. ઉઠ્યો અને ચાલવા માંડ્યું.

શેઠે હાથ પકડી તેને બેસાડ્યો.

“ચંદ્રકાંત, ચંદ્રકાંત આમ શું કરે છે? મને એનો પત્તો આપ. તેં મારું ખસી ગયેલું કાળજું ઠેકાણે આણ્યું છે. હવે પુત્ર વિયોગથી ફરી ખસશે તો પછી ઠેકાણે નહીં આવે, હોં.”

“શેઠ, ઘરમાં છે ઠેકાણે લાવનાર. હું ખરેખર કહું છું કે મને ભાઈની ખબર નથી. મને ખબર હોત તો હું આમ જવા ન દેત. હું મારી મેળે હવે એને શોધાશે એટલું શોધીશ, એના જેવો થઈને આથડીશ, મરજી પડે તે કરીશ. એમાં કોઈને શું? આપ હવે આનંદ કરો – ઘરમાંથી કાંટો ગયો. એની કનવા કાઢી નાખો. મારું હૈયું ભરાઈ આવ્યું છે-બસ હવે મને જવા દો.” શેઠનો હાથ તરછોડી નાખી બારણું ફડાક ઉઘાડી ચાલતો થયો. ગુમાન બારણામાં પેઠી.

શેઠ ઘેલા જેવા બની લવતા હતા, “દુ:ખી હું તેથી કોને શું? હેં શું એમજ? શું તું દુ:ખી તેનું મને કાંઈ નહીં? દુ:ખી હું તેથી કોને શું? હેં નહિ જોવું – નહિ રોવું – અફળ આંસુ શીદને લ્હોવું? પિતાજી રોવું તે શાને? ભૂલી જઈને જનારને - દુ:ખી હું તેથી કોને શું? હેં – મારો જ વાંકસ્તો - ચંદ્રકાંત, મારો ભાઈ મને આણી આપ.” જુએ તો ચંદ્રકાંત ન મળે.

“ભાઈ ભાઈ!”

ગુમાન પાસે આવી ઊભી, “ભાઈ તો ગયા.” ગુમાનને દેખતાં જ શેઠ ઉઠ્યા અને એક બે લાતો એવી મૂકી કે ગરબડતી આઘે જઈ બારણા ઉપર અથડાઈ પડી. “હાં હાં,” કરતો ધૂર્તલાલ અને બીજાં માણસો અંદર આવ્યાં.

હાથથી વાત ગઈ જાણી ભાઈ બહેન શેઠની સર્વ વૃત્તિને અનુકૂળ થઈ ગયાં અને સરસ્વતીચંદ્રની શોધ બાબત શેઠની સર્વ આજ્ઞાઓ દેખીતી પળાવા લાગી. પવનના ઝપાટા આગળ નમી જઈ ઝપાટો પાછો વળતાં ઊભું થતા ઘાસની વૃત્તિ સર્વેએ અનુસરી. તુરત સહુ શેઠને વશ થઈ ગયાં. દિવસ જવા માંડ્યો. માણસો ઉપર માણસો શોધમાં રોકાવા છતાં અને દ્રવ્યનો વ્યય નિરંકુશ થવા છતાં પત્તો ન લાગ્યો, અને એવી રીતનાં ઘણાં કારણોથી શેઠ હળવે હળવે શાંત થયા અને ગુમાન નિર્ભય બનવા લાગી. શેઠ જે માણસોને મોકલતા તેમને દ્રવ્ય આપી, લાલચ આપી, સમજાવી, છેતરી શેઠની ઇચ્છાનો અમલ કરવામાં શિથિલ કરી દેતી અને શેઠને કાને એમજ જતું કે અદ્‌ભુત શોધ નિષ્ફળ જાય છે.

ચંદ્રકાંતે પણ શોધ કરવામાં બાકી રાખી નહીં. પોતાનો ઉભરો નરમ પડતાં શેઠ પર દયા આવી, પણ તેના ઘરનો તાલ જોઈ પોતાની જ શોધ ઉપર આધાર રાખ્યો.
(સરસ્વતીચંદ્ર – ભાગ ૧)

[પાછળ]     [ટોચ]