[પાછળ] 
ગુજરાતની એકતા
લેખકઃ રણજિતરામ વાવાભાઈ મહેતા

[સને ૧૯૧૭માં માત્ર ૩૬ વર્ષની યુવાન વયે અકસ્માત અવસાન પામેલા રણજિતરામની સાહિત્ય સેવાની સ્મૃતિમાં અપાતો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આજે પણ પીઢ ગુજરાતી સાહિત્યકારો માટે સર્વોચ્ચ સન્માનનો સૂચક ગણાય છે. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટ્ટણીના અંગત મદદનીશ રણજિતરામે ૧૯૦૪માં ગુજરાતી સાહિત્ય સભા અને ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી. રણજિતરામનો ભાષાપ્રેમ અને સાહિત્યસેવા બેજોડ લેખાય છે. ‘લોકગીત’, ‘લોકકથા’ જેવા અનેક ગુજરાતી શબ્દો તેમણે ઘડી કાઢ્યા હતા. ગુજરાતની એકતા વિશે તેમણે લખેલો એક અભ્યાસપૂર્ણ નિબંધ અત્રે અપાયો છે જે એક સદી જેટલો સમય વીતી ગયા પછી પણ આજની ગુજરાતી પ્રજાની માનસિકતા સાથે એટલો જ સુસંગત છે.]

ગુજરાતીઓને પણ સ્વપ્નાં આવે અને સ્વપ્ન સાચું કરવા તેઓ પ્રવૃત્ત થાય એવા ઉદ્દેશથી આજના વિષયનું આપ સૌની સંમુખ નિરૂપણ કરું છું.

ગુજરાત એટલે માત્ર ભૂગોળની સીમાઓમાં આવેલી જમીન માત્ર નહીં, એ જમીન પર વસતા લોકોનો સમૂહ માત્ર નહીં પણ એ સર્વની સાથે જેઓ ગુજરાતી કહેવાય છે તેમાંના પ્રત્યેક અને તેમના સમગ્ર સમુદાયમાં નિવસતું ચેતન એ ગુજરાત છે. ગુજરાતીઓ ગુજરાતને ચાહે છે અને ગુજરાત ગુજરાતીઓને ચહાય છે. વર્તમાન ગુજરાતીઓનું જ ગુજરાત નથી પણ અતીત અને ભવિષ્યના ગુજરાતીઓનું પણ ગુજરાત છે. આ ગુજરાતમાં એકતા છે? હોય તો કેવી છે? ન હોય તો કેવી રીતે આવે? એકતા શા માટે જોઈએ છે? ગૌરવ માટે? એકતાથી કેવું ગૌરવ પ્રગટે? આવા આવા પ્રશ્નો મારા દિલમાં ઊઠે છે. એમના સંબંધમાં જે કાંઈ મને સૂઝ્યું છે તે આપને નિવેદન કરી આપની ચર્ચાથી અધિક પ્રકાશ મેળવવાની આશા રાખું છું.

પહેલાં ગુજરાતના સ્થૂલ દેહની વાત કરીશ. ભારતવર્ષના પશ્ચિમસ્થ પ્રદેશના એક ભાગને ગુજરાત કહેવામાં આવે છે એ આપને સૌને વિદિત છે. એનું ક્ષેત્રફળ ૬૫,૫૮૯ ચોરસ માઈલ છે. એની વસતિ ૯૮,૨૨,૧૫૧થી સહેજ વધારે છે. (ગુજરાત બહાર ગુજરાતીઓ કેટલા છે તેમની સંખ્યા જાણી શક્યો નથી માટે દિલગીર છું.) ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૬૫,૫૮૯ માઈલ છે. તેમાં બ્રિટિશ ગુજરાત ૧૦,૧૪૩ અને દેશી રાજ્યોવાળું ગુજરાત ૫૫,૨૪૪ અને ફિરંગી ગુજરાત ૨૦૨ માઈલ છે. આમ રાજ્યવહીવટની એકતા નથી. બ્રિટિશ ગુજરાત એક સ્થળે અને એક જથ્થે નથી પણ છૂટુંછવાયું છે. દેશી રાજ્યોમાં કચ્છ (૭,૬૧૬ માઈલ) અને વડોદરા (૮,૧૮૨ માઈલ), કાઠિયાવાડ (૨૦,૮૮૨ માઈલ) અને ખંડસ્થ ગુજરાતનાં દેશી રાજ્યો (૧૮,૫૬૪ માઈલ) છે. એમાં પહેલાં બે વિભાગ બાદ કરો તો પાછલા બે વિભાગમાં નાના-મોટા ભાગોનો સુમાર નથી. રાજ્યવહીવટની જ્યાં જુઓ ત્યાં દીવાલો ચણાવેલી છે. આજની નથી ચણાવેલી પણ સૈકાઓથી છે. તેનો વારસો કેવો ભોગવીએ છીએ તેનું વર્ણન હવે પછી કરવાનો છું.

ઝીણી નજરે જોતાં ભૂગોલની એકતા પણ નથી. દ્વીપકલ્પસ્થ અને ખંડસ્થ ગુજરાતમાં ફેર છે. કચ્છ-કાઠિયાવાડ અને ‘ગુજરાત’ની જમીનમાં, ને હવાપાણીમાં ફેર છે. તેથી વસ્તીના સ્વભાવમાં ફેર છે. કચ્છ-કાઠિયાવાડમાં જે શરીરબળ, સાહસિકતા છે તે ‘ગુજરાત’માં નથી. ‘ગુજરાત’માં જે ઉદ્યોગશીલતા છે તે કચ્છ-કાઠિયાવાડમાં નથી.

ગુજરાતમાં સામાજિક એકતા નથી. કહેવાય છે કે ગુજરાતના જેટલી નાતો ક્યાંયે નથી. રાજ્યવ્યવસ્થાની અંધાધૂંધી-જાનમાલની બિનસલામતી-નાનાંમોટાં રાજ્યો-ગુજરાત બહારથી અવારનવાર પરદેશીઓના નિવાસ માટે થતાં આગમન વગેરે કારણોને લીધે નાતોની પેટાનાતો, પેટાનાતોની પણ પેટાનાતો, તડ વગેરે પડી ગયાં છે. નાગર શ્રીમાળીનું ન ખાય અને શ્રીમાળી નાગરનું ન ખાય, વાણિયો પાટીદારનું ન ખાય અને પાટીદાર વાણિયાનું ન ખાય એવા ખાવા-પીવાના ભેદ અને ઝાલાવાડના ઔદિચ સુરતના ઔદિચને કન્યા ન આપે અને ભરૂચના બ્રહ્મક્ષત્રિય લીંબડીના બ્રહ્મક્ષત્રિયને કન્યા ન આપે; ઈડરના નાગરવાણિયા પુણાના નાગરવાણિયાને કન્યા ન આપે. રાજ્યોની દીવાલોથી સમાજમાં પણ દીવાલો ચણાઈ છે. એમને તોડવા વિક્રમ અને પંચદંડ જાગશે ત્યારે ખરા, પણ અત્યારે ગૂંચવે એવી અનેકતા છે.

ગુજરાતના ભાગ્યમાં ધર્મની એકતા પણ નથી. જેરૂસલેમના મંદિરથી આખું પેલેસ્ટાઈન એક હતું, આખી હિબ્રુ પ્રજા એક હતી એવું દ્વારકા, પ્રભાસ, સિદ્ધપુર કે ડાકોરથી ગુજરાત એક નથી. હિન્દુઓમાં વિવિધ મતમતાંતર, જૈનોમાં પણ ત્રણ ફીરકા, મુસલમાનોમાં ભેદપ્રભેદ, ખ્રિસ્તીઓમાં ‘મિશન’ભેદ. પારસીઓમાં ભેદ નથી એટલું એમનું સૌભાગ્ય છે. કેટલા બધા ધર્મો ગુજરાતમાં ભેગા થયા છે?

ગુજરાતમાં નથી ધર્મની એકતા, નથી સમાજની એકતા, નથી રાજ્યદ્વારી એકતા કે નથી ભૌગોલિક એકતા તો પછી એકતાનો પ્રશ્ન શા માટે ચર્ચવો? એનો ઉત્તર સૂચવતાં પહેલાં એકતાની આવશ્યકતા વિશે દિગ્દર્શન કરીશ. હવે સૂર્યપ્રકાશ જેવી પ્રકટ વાત છે કે બ્રિટિશ અમલ, અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય સાહિત્યના સમાગમથી પુરાણા ભારતવર્ષમાં જાગૃતિ આવી છે. એણે કાંઈ કાંઈ ઊજળા મનોરથો ઘડવા માંડ્યા છે. પોતાના ઉદ્ધાર અને ઉત્કર્ષ માટે એણે નાના પ્રકારે સંચલન કરવા માંડ્યું છે. એ પ્રવૃત્તિમાં એકમને, એક હૃદયે, એક સંકલ્પે, એક નિશ્ચયે, એક બળે ભારતવર્ષના સર્વે ભાગ-વિભાગ સામેલ થાય તો સંચલનમાં વેગ આવશે. સાધ્ય પ્રતિનું પ્રયાણ સુકર અને ઉત્સાહપ્રદ નીવડશે – માર્ગમાં કંટકોથી થતા વ્રણ ઓછા સાલશે અને સંકટમાં સૌ એક હોવાથી યંત્રણા અને મૂંઝવણ ઓછાં પીડશે.

આમ એક થવા માટે ભારતવર્ષના ભાગ-વિભાગોમાં એકતા કરવાની જરૂર છે. અનેક ઝરણાંનાં વહેળીયાં થાય છે, અનેક વહેળીયાંની નાની નદીઓ થાય છે અને અનેક નાની નદીઓની મોટી નદી થાય છે. વરસાદ વરસતો હોય ત્યારે બધી પૃથ્વી તે ઝીલે છે અને જલને પોતાના અંતરમાં ભરે છે. પછી તેમાંથી બહાર કાઢી પોતાની જાતને મનોહર અને ઉપયોગી બનાવે છે. આપણા ભારતવર્ષમાં જે નવું ચેતન વરસે છે તે દેશના પ્રત્યેક ભાગમાં ઝીલાય, અંતરમાં ભરાય અને તેમાંથી ઝરણાં, વહેળીયાં અને નદી રૂપે વહી દેશને ફળદ્રૂપ કરે તો જ ચેતન વરસ્યું કામનું. બાકી એક સ્થળે મજાનો પાક થાય અને બીજે ધ્વંસક દુકાળ રહે, એ શોચનીય સ્થિતિ કહેવાય. શરીરમાં કોઈ પણ અંગ રોગવાળું હોય તો આખું શરીર આરોગ્ય કે કૌવતવાળું ન રહે. ભારતવર્ષના ઉત્કર્ષ માટે ગુજરાતમાં આરોગ્ય અને કૌવત આણવાનું છે. ગુજરાતમાં રોગ હોય તે દૂર કરવાના છે. હવે સ્પષ્ટ થશે કે શા માટે ભેદ-પ્રભેદની દીવાલો તોડવાની જરૂર છે.

એકતાની સાધનાનો વિચાર કરતી વખતે આપણા ભારતવર્ષના અતીત ઇતિહાસ અને યુરોપના ઇતિહાસમાંથી માર્ગદર્શક જે ઉપાયો મળે તેનો પણ વિચાર કરીશું.

એક દેશમાં વસતી પ્રજામાં ઐક્ય ઉદ્ભવે અને સ્વવાલંબનથી પોતાની પ્રગતિ તે સાધતી હોય ત્યારે તે પ્રજા મટી રાષ્ટ્ર (nation) બને છે. રાષ્ટ્રની સ્થિતિ પ્રાપ્ત કરવા અને નિભાવી રાખવા યુરોપનો ઇતિહાસ કેટલાંક સાધનો સૂચવે છે. ગુજરાતના વર્તમાન જીવનમાં એમાંનાં કેટલાં સાધનો હયાત છે, કેટલાં પ્રયાસથી ઊપજાવી શકાય એમ છે અને કેટલાંની જરૂર પડે એમ નથી, તેમનો વિચાર કરીએ.

પ્રજા એક જાતિની (race) હોય, એક દેશમાં વસતી હોય, એક ધર્મ પાળતી હોય, એક ભાષા બોલતી હોય, એક જ જાતના સમાજમાં સંઘટિત હોય, એક જ રાજ્યછત્ર નીચે હોય, એક જાતના સાહિત્ય અને કલાના પ્રભાવ નીચે હોય, એક સંકલનવાળા ઇતિહાસસ્થ પરાક્રમોથી ઉદ્રેકવાળી હોય, એક પ્રકારના વેપાર-ઉદ્યોગમાં મશગુલ હોય, ‘અમારો દેશ’ ફલાણો અને તેમાં વસનારા અમે ફલાણા – અમારે લીધે દેશનાં શ્રેય, કીર્તિ, ઉત્કર્ષ, પ્રભાવ અને દેશને માટે અમારાં શ્રમ, અભ્યાસ, સંપન્નતા, ત્યાગ, સાહસ, સામર્થ્ય એવી અનુપમ નીતિની ભાવનાથી ભરેલી હોય તો તે પ્રજા રાષ્ટ્ર થાય છે. ઇતિહાસ કહે છે કે આ સર્વ સ્થિતિ હોય ત્યાં જ રાષ્ટ્ર હોય એવું કાંઈ નથી. એમાંની એક સ્થિતિ પ્રબળ હોય તો બસ છે. બીજી સ્થિતિઓ એકમાંથી આવી રહે છે અને કદાચ ન આવે તો નુકસાન થતું નથી.

ગુજરાતની વસ્તી એક જાતિની છે? નથી. જે શાસ્ત્રીય અને ઐતિહાસિક શોધખોળ અત્યાર લગી થઈ છે તે પરથી એ સિદ્ધ થયું છે. ઊંચાઈ, બાંધો (પાતળો કે જાડો), રંગ (ચામડી, વાળ અને આંખનો), મોં અને ખોપરીનો આકાર, નાકનો ઘાટ, વાળની કુમાશ વગેરે સરખાં હોય તો માણસો એક જાતિના ગણાય છે અને ફેર હોય તો ભિન્ન જાતિનાં. અનેક જાતિનો વસવાટ થાય તો અરસપરસના લગ્નસંબંધથી આ બાબતોમાં ફેર પડી જાય છે. ઘણી વેળાએ દેશની આબોહવા અને લોકોની રહેણીકરણીથી પણ ફેર પડી જાય છે. ગુજરાતમાં એવું થતું જોવામાં આવે છે. ઘણા પરદેશીઓ ગુજરાતમાં આવી વસ્યા છે અને ગુજરાતીઓ જેવા થયા છે. ગુજરાતીઓ ઘણા પરદેશમાં જઈ વસ્યા છે અને પરદેશી જેવા થઈ ગયા છે (જેમ કે કાશીમાં, પુણામાં, મદ્રાસમાં વ.). અલબત્ત બન્ને જાતિમાં કેટલું સામ્ય હોય તો આવા ફેરફાર જલદી થાય છે અને ભેદ જતા રહે છે.

આજ લગભગ બારસો વરસથી પારસીઓ ગુજરાતમાં વસે છે છતાં ગુજરાતી નથી થયા અને એમની પૂર્વે આશરે પાંચસો વર્ષ ઉપર આવેલા શક અને અન્ય લોકો આજે તદ્દન હિન્દુ થઈ ગયા છે. આનું મોટું કારણ એ છે કે જ્યારે તેઓ આવ્યા ત્યારે હિન્દુ સમાજમાં પરદેશીઓને સ્થાન મળતું હતું પણ પારસીઓ આવ્યા ત્યારે તે રિવાજ તદ્દન બંધ પડ્યો હતો. સાથે બીજી મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવાની છે કે પારસીઓ મુસલમાનોથી પોતાના ધર્મનું રક્ષણ કરવા હિન્દુસ્તાનમાં આવ્યા હતા. આમ છતાં પણ જાતિની વિવિધતા રાષ્ટ્રીય એકતા સાધવામાં અંતરાયરૂપ થઈ પડતી નથી એવો આ જમાનામાં ઘણા દેશોનો અનુભવ છે. ઘણી વાર ધર્મ, સંસ્કારિતા, આબોહવા, લગ્નસંબંધ વગેરેને લીધે એ વિવિધતા ઓગળી જાય છે. ગુજરાતમાં જેટલી બ્રાહ્મણોની નાતો છે તેમને માનવશાસ્ત્ર(anthropology)ની દૃષ્ટિએ તપાસવામાં આવે તો જાતિની ભિન્નતા પુષ્કળ જણાશે છતાં દરેક બ્રાહ્મણ ચુસ્ત, કર્મકાંડી હિન્દુ નથી એમ કોણ કહેશે? બેલ્જીયમમાં બે જુદી જાતિઓ વસે છે છતાં દેશ પ્રત્યેના પ્રેમને લીધે એકરાગ છે.

ગુજરાત એક દેશ છે છતાં સર્વે ગુજરાતીઓના દિલમાં હજુ તે એ સ્થાન પામી શક્યો નથી. ગુજરાતીઓ એટલે જેમની જન્મભાષા ગુજરાતી છે તેઓ. કચ્છમાં-કાઠિયાવાડમાં-‘ગુજરાત’માં અને લાટમાં ગુજરાતી ભાષા બોલાય છે, છતાં કચ્છીઓ પોતાને ગુજરાતી ગણતા નથી, કાઠિયાવાડીઓ પોતાને ગુજરાતી ગણતા નથી, સુરતી ભરૂચીઓ પોતાને ગુજરાતી ગણતા નથી. ગુજરાત એટલે આબુથી મહી લગીનો અને ધોળકાથી ગોધરા લગીનો દેશ. એક વખતે એ વાત સાચી હતી પણ હવે ભાષાને ધોરણ તરીકે લેખી આપણે આપણું રાષ્ટ્ર કરવું હોય તો એ ભેદ કાઢી નાંખવા જોઈએ અને ગુજરાતીઓ છીએ એવી પ્રતીતિ સૌને થવી જોઈએ. કરાંચીમાં ગુજરાતીઓ કચ્છીઓ તરીકે ઓળખાય છે. મુંબઈ ઈલાકા બહાર નાત પ્રમાણે ઓળખાય છે. દક્ષિણી, બંગાળી કે પંજાબી પેઠે ગુજરાતીઓ તરીકે નહીં. આનાં બે કારણો છે; રાજ્યદ્વારી પ્રતિષ્ઠા એ લોકોએ મેળવી છે તે આપણે નથી મેળવી અને એમનામાં પ્રાન્તિક રાષ્ટ્રભાવના જેવી જાગૃત છે તેવી આપણામાં નથી.

બીજા પ્રાન્તોની સાથે આપણે મોભાથી સામેલ થઈ ભારતવર્ષનો ઉત્કર્ષ સાધવો હોય તો ગુજરાત માટેની લાગણી પોષવાની ઘણી જ અગત્ય છે. જેમને દેશ નથી કે દેશ માટે લાગણી નથી તેમનામાં રાષ્ટ્રત્વ નથી. આ લાગણી કેળવવામાં અત્યારે બે મોટાં સાધનો ઉપસ્થિત થયાં છે. કૉલેજોમાં જુદા જુદા પ્રદેશના વિદ્યાર્થીઓ ભેગા મળે છે ત્યારે ભિન્નતા એકતાનું રૂપ લે છે. લોકો પરદેશમાં વેપાર-રોજગાર માટે એકઠા થાય છે ત્યારે પણ આવો ભાવ ઊપજે છે. આ સિવાય એ ભાવના જાગૃત કરી પોષવા માટે વિચારપૂર્વક હિલચાલ થવી જોઈએ. સાહિત્ય પરિષદ એવી એક હિલચાલ છે પણ હજુ તે ગુજરાતમાં સર્વત્ર ફરી વળી નથી. કેળવણી પરિષદની નવી હિલચાલ ઑક્ટોબરમાં અમદાવાદમાં શરૂ થવાની છે. જુદી જુદી નાતોની પરિષદો ગુજરાતનું ઐક્ય પ્રગટાવે છે. આમ હજું ઘણું કરવાની જરૂર છે. હજુ ઘણી જાતજાતની પરિષદો, સાહિત્યસભાઓ, ગુર્જરસભાઓ, સેવામંડળો અને કેળવણીમંડળો જેવી ઘણી સંસ્થાઓ સ્થપાવાની જરૂર છે. અમે ગુજરાતીઓ છીએ એવી જ્વલંત લાગણી પ્રદીપ્ત થવી જોઈએ.

ગુજરાતમાં જેટલા જુદા ધર્મો છે એટલા કોઈ સ્થળે નહીં હોય. એક બૌદ્ધ ધર્મ સિવાય દુનિયાના સર્વે મોટા ધર્મો ગુજરાતમાં પ્રચલિત છે જેમ કે હિન્દુ-જૈન-પારસી-મુસલમાન-ખ્રિસ્તી વગેરે. આમ ધર્મની એકતા નથી. એક કાળ એવો હતો કે ધર્મની એકતા હોય તો જ રાષ્ટ્રનું ચેતન જળવાતું અને પોષાતું. પણ હવે રાષ્ટ્રભાવના પોષનારાં બીજાં એટલાં બધાં બળો ઉત્પન્ન થતાં જાય છે કે ધર્મની ભિન્નતા અંતરાયરૂપ નીવડતી નથી. ઇંગ્લૅન્ડમાં રોમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ વસે છે છતાં સ્વદેશ પરની પ્રીતિ બન્નેની સરખી છે. બંગાળમાં હિન્દુ અને મુસલમાનો છે. છતાં બન્ને વચ્ચે સારો એખલાસ છે. પણ ધર્મો પરસ્પરના વિરોધી હોય ત્યારે પંચાતી પડે છે. આપણે ત્યાં છે એવું જ. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ પરસ્પરના વિરોધી અને વિઘાતક છે. જૈન અને પારસી ધર્મ હિન્દુ જેવા એકમાર્ગી છે, તેમની સાથેનો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો વિરોધ પણ જેવો તેવો નથી. સત્યનું મૂલ સ્થાન ઈશ્વર હોવાથી વિરોધો શમાવનાર પ્રયત્નોની પ્રેરણા પણ ત્યાંથી આવે છે. હિન્દુ અને જૈન ધર્મનો, હિન્દુ અને ઇસ્લામ ધર્મનો, હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો, હિન્દુ, જૈન, પારસી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મોનો એકરાગ અને એકમેળ કરવા પ્રયત્નો થયા હતા અને થતા જાય છે. અકબર અને કબીર, રામમોહનરાય અને કેશવચંદ્રસેન, દયાનંદ સરસ્વતી, રાજચંદ્ર, મેડમ બ્લાવટ્સ્કી અને મિસિસ બેસંટે એ ઉદ્દેશ સાધવા કરેલા પ્રયત્નો મશહૂર છે. આ ઉપરાંત દેશ માટેનો પ્રેમ, સરખી કેળવણી અને તેમાંથી જન્મતી સરખી સંસ્કારિતા, એક ભાષા અને સાહિત્યનો પરિચય, એકરાજ્યવ્યવસ્થા, સરખી આર્થિક વ્યવસ્થા ધર્મોના વિરોધો શાંત પમાડી દે છે.

આ ધર્મો ધારે તો ગુજરાતની એકતા એમના વિરોધો છતાં સાધી શકે. દરેક ધર્મના સેવકો ગુજરાતમાં છિન્નભિન્ન વેરાયેલા હોય છે. ધર્મને લીધે એમના મેળાવડા, ઉત્સવો વગેરે થાય ત્યારે સ્થળે સ્થળેથી એકત્ર થઈ હરિભજન કરતી વખતે અમે ગુજરાતીઓ છીએ એવી ભાવના ધારે તો કેળવી શકે. શંકરજયંતી સ્થળે સ્થળે ઊજવાય ત્યારે માત્ર અદ્વૈતવાદનું સમર્થન થાય કે બ્રાહ્મણોની એકતા અનુભવાય એમ નહીં પણ સાથે ગુજરાતની અને ગુજરાતીઓની એકતા પણ અનુભવાય. આવું જ વૈષ્ણવ અને જૈન અને આર્ય સમાજની પરિષદોના સંબંધમાં બની શકે. ધર્મનાં મંદિરો બંધાય ત્યારે માત્ર ધાર્મિક લાગણીનો આવિર્ભાવ થાય એટલું જ નહીં પરંતુ સાથે ગુજરાતનું રાષ્ટ્રીય ચેતન પ્રગટ કરવું જોઈએ. સ્થાપત્યની કલા તેની છાપથી અંકિત હોવી જોઈએ. મંદિરોની ક્રિયાઓ (ડાકોરનું મંદિર ગુજરાતીઓની લક્ષ્મી અને ભક્તિના પ્રમાણમાં ભવ્ય નથી; ત્યાં થતી ક્રિયાઓમાં સૌંદર્ય, પ્રતાપ, રહસ્ય નથી એ ગુજરાતીઓને ઓછું લજ્જાસ્પદ છે?) અને સદાવ્રતો ગુજરાતને જેબ આપે, ગૌરવ વધારે, સુખી કરે, બળ આપે એવાં થવાં જોઈએ. કોઈ મંદિરથી કે ધાર્મિક ક્રિયાઓથી ગુજરાતીઓને પોતાના અથવા પરદેશમાં શરમાવું પડે તો ગુજરાતને લાંછન લાગે માટે એવી વસ્તુઓ ફેરવવી જોઈએ.

ધર્મોમાં અવારનવાર સંમાર્જન થતું રહે એટલે કે ચડેલા મળ ઉતારી નાંખવામાં આવે અને ચેતનપ્રદ સ્વચ્છતા અને કૌવત લાવવામાં આવે તો આ પ્રજાનું કલ્યાણ થાય છે. અસંમાર્જિત ધર્મથી માણસની બુદ્ધિ અને હૃદય ગુલામ થઈ જાય છે. જે દેશના માણસોનાં બુદ્ધિ-હૃદય ગુલામ હોય તેમનો ઉત્કર્ષ સંભવતો નથી અને તેમના ધર્મનો પણ હ્રાસ થાય છે. આ સંસારમાંથી, મોક્ષ અપાવવો, સ્વર્ગ અપાવવું એ ધર્મનો ઉદ્દેશ છે તો આ સંસારનાં જ બંધનો એનાથી વધારે દૃઢ ન થવાં જોઈએ. બુદ્ધિ અને હૃદય સ્વતંત્ર રીતે વિકાસ પામતાં રહે તો ધર્મને, દેશને, રાષ્ટ્રને સૌને લાભ છે.

આપણે ત્યાં ઘણી જ આછી આછી રીતે ધર્મમાં વળી ગયેલાં બંધનો છૂટતાં જાય છે. જ્યારે તે જલદી છૂટશે, લોકોનાં બુદ્ધિ અને હૃદય ખરેખરી મુક્તિ અનુભવશે ત્યારે ધર્મનો ખરો ઉદ્દેશ સિદ્ધ થશે. ધર્મોની વચ્ચે રહેલી આકસ્મિક ભિન્નતા દૂર થશે અને એક રાષ્ટ્ર તરીકે સંઘમાં હરિસેવા કરીશું. પ્રભુની સેવામાં ભેદભાવ ભૂલી જઈશું; ઐક્ય અનુભવશું અને ઐક્યથી મળતા સામર્થ્યથી સુખી થઈશું. આપણા દેશબંધુઓ સાથે ચેતનમય સમાગમમાં આવવાથી એકબીજાની શક્તિ ખીલશે અને ઉન્નત શ્રેય પ્રાપ્ત કરવા આત્માની વાંછનાઓ પ્રગટ થશે. વીર-પુણ્યશાળી-પ્રતિભાશાળી સ્ત્રીપુરુષો અને તેમના પરાક્રમ, ભક્તિ, પ્રતિભા, સેવાનાં યશોગાન ગવાશે એટલું જ નહીં પણ એમને પ્રેરણા કરનાર ભાવનાઓની પૂજા થશે. પરિણામે રાષ્ટ્રના સમગ્ર જીવનમાં એ ભાવનાઓ ઓતપ્રોત ભળી જશે. રાષ્ટ્રનો આત્મા ખીલશે અને એક જમાનાની ભાવના, એક જમાનાનાં સ્વપ્નાં બીજા જમાનામાં કૃત્યો રૂપે પ્રગટ થશે.

ધર્મની સાથે સંકલિત પ્રશ્ન સત્યાન્વેષણ અને સત્યપ્રાપ્તિનો છે; પણ તેનો વિચાર હાલ મુલતવી રાખી આગળ ઉપર કહીશું.

ધર્મને જ્વલંત રાખવા અમુક વર્ગ નિયત હોય છે. કાળે જતાં તે વર્ગ બધી સત્તા પોતાને આધીન કરી બેસે છે. પોતે અધર્મી થઈ સમગ્ર સમાજને ધર્મહીન કરી નાખે છે. સાચી એકતા લાવી લાભ મેળવવો હોય તો આવી બ્રાહ્મણાદિની સત્તા તોડી ધર્મનો ઉદ્દેશ સાચવી શકે એવા વર્ગને તે સત્તા સુપ્રત કરવી પડશે. બ્રાહ્મણોએ એક કાળે હિન્દુસમાજને એક – અખંડ બનાવ્યો હતો. આજે ધારે તો હજુ તે જ કર્તવ્ય કરી શકે એમ છે. એમનામાં બુદ્ધિ છે. મોટાં કાર્યો માટે આવશ્યક નિષ્ઠા-ત્યાગ-દૂરંદેશી છે. પણ ગુજરાતના બ્રાહ્મણો, ગોરજીઓ, દસ્તૂરો, મુલ્લાઓ, પાદરીઓમાં એ યોગ્યતા છે, એ લાગણી છે?

આપણો સમાજ છિન્નભિન્ન અને અલગ લાગે છે છતાં તેનાં અંતરમાં એકતા છે. પારસીઓ અને પરદેશી મુસલમાનોને બાદ કરો તો બાકીના લોક હિન્દુઓમાંથી પરધર્મોમાં ગયેલા છે. એટલે મૂળનું હિન્દુપણું એમનામાંથી નાબૂદ થયું નથી. હજુ સામાજિક રીતરિવાજો હિન્દુઓના તેઓ પાળે છે – પારસીઓમાં પણ ઘણા એવા હિન્દુ રીતરિવાજોનો પ્રવેશ છે. અને ખ્રિસ્તીઓ યુરોપીયનથી તદ્દન છૂટા રહે તો એમનામાં પણ તે પ્રવેશ પામે. સૌનો સાથે વસવાટ છે. હિન્દુઓની સંખ્યા વધારે છે; તેમનો ઇતિહાસ પુરાણ છે; પોતાના જમાનાને અનુકૂળ તેમની સમાજવ્યવસ્થા બહુ નિપુણતાથી કરાયેલી હતી અને તેમની બુદ્ધિ એકપક્ષી નહીં; પણ સર્વગ્રાહી ઘડાયેલી હોવાથી હિન્દુઓનો પ્રભાવ બીજા સૌ ઉપર પડ્યો છે અને હજુ પડ્યા કરશે. માત્ર હિન્દુઓએ નવા જમાનાને અનુકૂળ પોતાનું જીવન ઘડવું પડશે. સમુદ્ર પર પરપોટા ઊઠે તેમ આપણા સમાજમાં ગતિ આવી છે. ઉદ્ધારના પ્રશ્નો ચર્ચાવા માંડ્યા છે, તેમનાં નિરાકરણો સૂઝે છે તેમ અમલ પણ થવા લાગ્યો છે. જુદી જુદી નાતોની પરિષદ મળે છે. નાતથી ગુજરાતની એકતા સધાતી હતી. કચ્છની જૈન કન્યા સુરતમાં પરણી શકે, ઇડરનો બ્રાહ્મણ દમણના બ્રાહ્મણની કન્યાને વરી શકે તો ગુજરાત એક છે એવું લાગતું એ ખરું. પણ જુદી જુદી નાતોની નિરાળી નિરાળી પરિષદો ભરાવાથી, એક અલગપણાની અને તેથી પરસ્પર સંદેહ, તિરસ્કારની લાગણી જામવાની દહેશત પણ જબરી છે. સમર્થ નિર્મળ સ્પર્ધાને સ્થાને અસૂયા અને શત્રુતા વધવાનો ભય રહે છે. છતાં એ હિલચાલોથી શ્રીમંત નાતોની ખાસ નિશાળો, ‘બૉર્ડિંગો’, વિદ્યોત્તેજક ફંડો, વનિતાવિશ્રામો, મહિલામંડળો વગેરે સ્થપાય તેથી નુકસાન નથી. એથી દેશના થરેથરમાં, ખૂણેખૂણામાં ચેતન પ્રસરશે. હયાત સંસ્થાઓ દ્વારા એ ચેતનનું પ્રસારણ સત્વર થશે. અલબત્ત બે બાબતો સાથે ધ્યાનમાં રાખવી પડશે. ચેતન, ઉત્કર્ષ પોતાને માટે કે પોતાની નાત માટે નથી પણ ગુજરાત માટે છે અને ચેતનવંતો ગુજરાત ભારતવર્ષ માટે છે. આ નવી હિલચાલો અને સંસ્થાઓમાં આ ભાવના નથી એ શોક અને સંતાપની કથા છે. પણ હજુ શરૂઆત છે.

સૈકાઓની ઘોર નિદ્રામાંથી હિન્દુસમાજ સળવળે છે. આ રાષ્ટ્રપરાઙ્‌મુખ પ્રવૃત્તિઓને રાષ્ટ્રાભિમુખ કરવાની પ્રવૃત્તિઓ પણ ઉદ્ભવી છે. નાતોનાં ચોપાનિયાં એક ધોરણ પર ચલાવવા જ્ઞાતિપત્ર-તંત્રી સંમેલન બે વર્ષ થયાં મળે છે. જ્ઞાતિમંડળોનો સમગ્ર મેળાવડો કરી જ્ઞાતિઓની દૃષ્ટિમર્યાદા અંતિમ સાધ્ય પ્રત્યે લઈ જવા આ સાલ અમદાવાદમાં શરૂઆત થઈ છે. બૉર્ડિંગો વધતી જાય છે એટલે તે સર્વેને સાંકળી, નિશાળ અને તેમનો સંબંધ નિકટ કરી વિદ્યાપ્રાપ્તિની સાથે વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય બાંધી શકાય એવી સંસ્થા તેમાંથી ઉપજાવવાનો વિચાર ભાવનગરમાં જન્મ પામ્યો છે. નાતો દેશનું અંગ છે અને દેશની ઉન્નતિ માટે તેમની ઉન્નતિ છે; દેશમાં વસતી બીજી નાતોની ઉન્નતિ પણ દેશની ઉન્નતિ માટે આવશ્યક છે અને તે નાતોને સહાયની જરૂર હોય તો આપવાની ફરજ છે, અને નાતની ઉન્નતિની સાથે દેશની ઉન્નતિ અને ગૌરવ વધારે એવી સંસ્થા સ્થાપવામાં પણ નાતોએ લક્ષ આપવું પડશે. એક નાત ચાર ઠેકાણે બૉર્ડિંગો કાઢે તો ગુજરાતમાં એક કૉલેજ કે પ્રયોગશાળા કે સંગ્રહસ્થાન તેણે સ્થાપવું જોઈએ. જૈન, લોહાણા, ભાટીયા, કપોળ જેવી ધનાઢ્ય કોમો આ બાબતમાં પછાત રહી છે એ દેશપ્રેમની ન્યૂનતાને લીધે છે.

એક મત એવો છે કે નાતોનું આવી બન્યું છે. નાતો તૂટશે ત્યારે શી સ્થિતિ થશે? યુરોપમાં ધનથી અને સત્તાથી જેવા વર્ગો બંધાયા છે તેવા વર્ગો થશે? અથવા ભૂતકાળની ભાવના સજીવન થઈ ચાર વર્ણ થશે? અથવા નાની નાની નાતો ભેગી થઈ સમગ્ર હિંદમાં તેમની મોટી નાત થશે? આખા હિન્દુસ્તાનના બ્રાહ્મણોની એક નાત, આખા હિન્દુસ્તાનના કણબીઓની એક નાત વગેરે જે થવાનું હોય તે થાઓ. ભવિષ્યના ભીતરમાં જોવાનું સામર્થ્ય મારામાં નથી. પણ પ્રાંતિક રાષ્ટ્રભાવના ઉચિત અને આવશ્યક હોય તો પ્રાંત બહારની નાતો સાથે સેળભેળ થવા કરતાં પોતાના જ પ્રાંતમાં સરખા સંસ્કાર, સરખા આચારવિચાર, સરખી કેળવણી વગેરે વાળી જે જે નાતો હોય તે એકત્ર થાય તો પ્રાંતને વિશેષ લાભ થશે.

નાતો પર પ્રહાર કરવા કરતાં રાષ્ટ્રજીવનના પોષણ માટે એટલી બધી સંસ્થાઓ અને હિલચાલો ઊભી કરવી જોઈએ કે જેથી નાતોના ભેદ-પ્રભેદ એમની મેળે નાશ પામે.

સંસારનું બીજ ગૃહ છે. જ્યાં ગૃહ નથી ત્યાં પ્રજા નથી, પ્રજા નથી ત્યાં રાષ્ટ્ર નથી. ગુજરાતના ગૌરવ વિશે જે જે કલ્પના, જે જે સ્વપ્નાં આવે તેમનો સત્કાર ગુજરાતનાં ગૃહોમાં થાય ત્યારે જ તેમને સિદ્ધ થવાનો અવસર મળશે. જ્યાં લગી ગુજરાતની સુંદરીઓ રાષ્ટ્રજીવનમાં રસ લેશે નહીં, તેમાં નિમગ્ન થશે નહીં ત્યાં લગી આપણા સર્વે પ્રયત્નો અપૂર્ણ છે. સુંદરીઓ લગ્નસંબંધથી ગુજરાતની ભૌગોલિક એકતા સાધી શકશે. પોતાનાં સંતાનોની કેળવણીથી નવો જમાનો વહેલો લાવી શકશે. માટે આપણા રાષ્ટ્રજીવનનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન આપણી સ્ત્રીઓની કેળવણીનો છે. ગુજરાત એની પાછળ જેટલું ધન ખર્ચી શકે તેટલું થોડું છે, જેટલો પરિશ્રમ લઈ શકે તેટલો થોડો છે. નાતો હજુ આ દિશામાં બિલકુલ ગતિ નથી કરતી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાની સંતતિના આચાર-વિચાર ઘડવાની, રાષ્ટ્રજીવનની ખીલવણી કરવાની, એમાં આવતા દોષોનું નિવારણ કરવાની અથવા એની ઉન્નત ભાવનાઓની પ્રેરણા કરવાની શક્તિ સ્ત્રીઓ કેળવણીથી જ મેળવી શકશે.

મુંબઈ, સુરત અને અમદાવાદમાં વનિતાવિશ્રામો છે, સુરત અને અમદાવાદમાં મહિલા વિદ્યાલયો છે. ગાયકવાડી રાજ્યમાં ફરજિયાત કેળવણી છે તે બસ નથી. કાઠિયાવાડ જેવા વિશાળ પ્રદેશમાં ભાવનગર, ગોંડળ અને રાજકોટની કન્યા હાઈસ્કૂલો ગોકળગાય કરતાં ધીમે પગલે ચાલે છે. કચ્છ તો હજુ ક્યાંનું ક્યાં પાછળ છે. આ સર્વ સ્થળે સતત અને આગ્રહી પ્રવૃત્તિ થવાની જરૂર છે. વડોદરા સિવાયના ગુજરાતમાં ૯૪૩ કન્યાઓ અંગ્રેજી શીખતી હતી અને ૪૦,૭૦૮ કન્યાઓ ગુજરાતી શીખતી હતી. છેલ્લી વસતિગણના પ્રમાણે દર હજારે ૨૦૧ પુરુષને લખતાં-વાંચતાં આવડતું હોય છે ત્યારે ૨૬ સ્ત્રીઓને લખતાં-વાંચતાં આવડતું હોય છે. ગુજરાતમાં ૪૬,૮૭,૩૧૦ સ્ત્રીઓ હતી, તેમાંથી ૮૯,૪૪૬ને ગુજરાતી લખતાં-વાંચતાં આવડે છે. અને ૨,૦૯૭ને અંગ્રેજી લખતાં-વાંચતાં આવડે છે. આ આપણી દશા છે. એક પણ માતા અભણ રહેવી ન જોઈએ. ગુજરાતી સ્ત્રીઓ સુશિક્ષિત થશે તો ગુજરાતની એકતા અને ગૌરવ જોતજોતામાં વધશે.

સુભાગ્યે ગુજરાતમાં એક ભાષાનો વ્યવહાર છે. કચ્છી જુદી છે, છતાં ગુજરાતીનો કચ્છે સ્વીકાર કર્યો છે. હાલારી-સોરઠી, ગોહેલવાડી-ઝાલાવાડી, અમદાવાદી-ચરોતરી, સુરતી એવી બોલીઓ છે, પણ કાળે કરીને તેમનો નાશ છે. શિક્ષણમાં, સાહિત્યમાં એક ભાષાનું સ્થાન છે. કોઈ પણ પ્રજાનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ જાણવાનું માપ તેમની ભાષા છે. ભાષાના વિકાસ ઉપરથી તે પ્રજાની અવધારણશક્તિ, અંતર્દૃષ્ટિ, કલ્પના, અમૂર્તવિચારણા (Abstraction), સામાન્ય વિચારણા (Generalization) વગેરે કેટલાં ખીલ્યાં છે તે જણાય છે. તે પ્રજાના માનસિક વિકાસનું માપ ભાષા છે. વિચાર-લાગણીઓ-અનુભવો, આહ્લાદ-ભય-સહનતા, પરાક્રમો વગેરે એકથી બીજે મોકલવાની ભાષાની શક્તિને લીધે એક જ દેશમાં સ્થળે સ્થળે વસતા વતનીઓ એકતા અનુભવે છે. એમને એમ લાગે છે કે અમે એક જ વંશના છીએ. પરદેશમાં પોતાની જન્મભાષા ઈતરને મુખે સાંભળી કોને આવો અનુભવ નથી થયો?

મનુષ્યોના ચારિત્ર્યના વિકાસમાં અને સંસ્કૃતિની પ્રગતિ કરવામાં ભાષાનો પ્રભાવ જેવો તેવો પડતો નથી. સર્વે પેઢીઓ ભાષાથી સંકલિત થાય છે. ભાષા જે દેશમાં બોલાતી હોય તે દેશમાં પૂર્વે થઈ ગયેલા વતનીઓનો વારસો ભાષાથી વિદ્યમાન વતનીઓને મળે છે અને તેઓ એવો જ વારસો પોતાના અનુજોને આપી જાય છે. પૂર્વજોનું ઋણ ચઢે છે અને અનુજો આપણે આધારે છે, તેનું ભાન થાય છે. જીવનનો હેતુ આથી ગંભીર બને છે. ભાષા પર મમત્ત્વ જાગે છે. તેનાં સંસ્મરણો, ઇતિહાસ અને ભાગ્યમાં તેઓ તલ્લીન થાય છે. પોતાની જાતિ, પોતાના દેશ, પોતાના રાષ્ટ્ર (Nation) પર તેને પ્રેમ થાય છે અને આખરે આ લાગણી જ્યારે દેશની સ્પષ્ટ અને આગ્રહી ભક્તિમાં જામે છે, ત્યારે સ્વદેશાભિમાન ખરેખરું રોમેરોમમાં, રગેરગમાં નિવસે છે.

બોહીમીઆમાં જર્મન ભાષાને બદલે દેશ જ ઝૅક ભાષાનો ઉપયોગ રાજ્યસભા, ન્યાયાલય, ઉપહારગૃહોમાં વગેરે સ્થળે થવાથી પ્રજામાં જાગેલા ચેતનનો દાખલો ઇતિહાસમાં મોજૂદ છે. અંગ્રેજ સરકારે દેશી ભાષાઓને ઉત્તેજન આપવાથી આપણા ભારતવર્ષના જુદા જુદા વિભાગોમાં થયેલી જાગૃતિ કોને વિદિત નથી? બંગાળી ભાષા બંગાળીઓનું પ્રાણ અને ધન છે. ગુજરાતી છે? હાલમાં ધીમે ધીમે ગુજરાતી ભાષાનું સન્માન વધતું જાય છે તોપણ હજુ એવા ઘણા વિદ્વાન ગુજરાતીઓ છે કે જેઓ ગુજરાતીમાં બોલી શકતા નથી તો પછી લખવાની તો વાત જ ક્યાં રહી? ઘણા ગુજરાતીઓ મિત્રોને, પિતાઓને, પુત્રોને કાગળ પરભાષામાં લખે છે. નાતના મેળાવડામાં નાતની અભણ સ્ત્રીઓની સમક્ષ, નાતના અલ્પશિક્ષિત બાળકોની સમક્ષ ગુજરાતીમાં નહીં બોલી શકવાથી અંગ્રેજીમાં બોલનારા ગુજરાતીઓ નથી એમ નથી. ગુજરાત કેળવણી પરિષદ, સાહિત્ય પરિષદ આદિનો વ્યવહાર ગુજરાતીમાં રહે છે તે ભવિષ્યના ઊજળા ભાગ્યનાં ચિહ્ન છે.

પણ હજુ ઘણું કરવાનું છે. નિશાળોમાં ગુજરાતી બરાબર શીખવાડાતું નથી. હાઈસ્કૂલો અને કૉલેજમાં બિલકુલ શીખવાડાતું નથી. ત્યાં ગુજરાતી ભાષા ઉપર પ્રેમ બતાવવો એ ગુનો ગણાય છે. યુનિવર્સિટીમાં હજુ એને સ્થાન નથી. બંગાળીઓ એને મૅટ્રિક્યુલેશન અને કૉલેજની ઇન્ટર પરીક્ષા સુધી ઐચ્છિક સ્થાન અપાવી શક્યા છે. વૈદક જ્ઞાન બંગાળી મારફત અપાવવા મહેનત કરે છે. આપણે ત્યાં એવી વાત છેડી જ શી રીતે શકાય? ગયે વર્ષે લીંબડીમાં કાઠિયાવાડના હેડમાસ્તરોનું સંમેલન રાજ્ય તરફથી થયું હતું. ત્યાં અંગ્રેજીને બદલે ગુજરાતી મારફત શિક્ષણ આપવાનો પ્રશ્ન ચર્ચાયો હતો. અંગ્રેજી કાચું રહી જાય એવી બીકથી ગુજરાતીનો નિષેધ કરવાનો નિર્ણય થયો હતો. ગાયકવાડી રાજ્યમાં ગુજરાતી કૉલેજ પ્રયોગ તરીકે શરૂ થઈ ને આકસ્મિક કારણોથી એકદમ સફળ ન થઈ, એટલે એ પ્રશ્ન ઘણાં વર્ષો માટે દૂર ખસ્યો.

ગુજરાતી ભાષા જે સ્થિતિમાં છે તેમાંથી ખીલવવામાં આવે તો ગુજરાતની એકતા જલદી થશે અને ગુજરાતની પ્રતિષ્ઠા વધશે. ભાષા માત્ર ભાષાના સ્વરૂપમાં રહે ત્યાં લગી શુક્રવાર વળતો નથી. ભાષામાં સાહિત્ય વિપુલ, વિવિધ, ઉદાત્ત અને સમૃદ્ધ હોય તો જ તે શક્ય બને. The Literature of a nation reveals its innermost thoughts, deepest yearnings and highest ideals. (Smith : The soul of Germany p.2.) શુદ્ધ શોધખોળથી સત્યની પ્રીતિ આવે છે અને જે પ્રજામાં સત્ય પર પ્રીતિ છે, સત્ય પ્રાપ્ત કરવા આગ્રહ, મહેચ્છા, શ્રમ, ત્યાગ, સાધન, બુદ્ધિબળ છે. તે પ્રજાનું કલ્યાણ ઉત્તમ જ હોય છે. ઈશ્વરદત્ત શક્તિઓનો હ્રાસ ન કરવો પણ જગતના કલ્યાણ અર્થે તે વાપરવી–કલ્યાણ માટે કાર્યમાં મચવું, એવી પ્રજ્વલિત વાંછના આવા વાતાવરણમાં જાગે છે. કલાવિધાયક કલાની સૃષ્ટિ સૃજે છે. એથી એને પરમ આનંદ અને શાંતિ મળે છે. સૌંદર્યની ભક્તિ એની પાસે કલાની સૃષ્ટિ કરાવે છે. દેશવત્સલ દેશજન પરના કલ્યાણ અર્થે વર્તે છે; પોતાના સ્વાર્થ માટે નહીં, પણ સમભાવ અને આવેશ દેશવત્સલતાને લીધે એનામાં હોય છે, તેથી જોખમ, હાનિ, દુ:ખ, વૈભવપરાઙ્‌મુખતા વગેરે ખેડવાને તૈયાર થાય છે, અને જે નવાં સત્યો, જૂના સત્યોના જે નવા પ્રયોગો તે શોધી જગતને ચરણે ધરે છે તેથી પોતાના દેશનું ગૌરવ વધારે છે. ડૉ. સર રવીન્દ્રનાથ ઠાકુર અને પ્રો. જગદીશ ચંદ્ર વસુએ ભારતવર્ષનું અને બંગાળનું ગૌરવ વધાર્યું છે, એટલું જ નહિ પણ હિન્દુસ્તાનની એકતાની લાગણીને પોષી છે, સમગ્ર હિન્દુસ્તાન એમને માટે મગરૂર છે અને એઓ અમારા છે એવી લાગણીવાળું છે.

જર્મનીએ વિદ્યા, પંડિતતા, વિજ્ઞાન, શોધખોળ વગેરેને જે ઉત્તેજન આપ્યું હતું તેથી માત્ર ૪૦ વર્ષમાં તેનો ઉદય થયો હતો. જ્યાં જ્યાં વિપુલ ધન હોય ત્યાં ત્યાં આ સર્વેને ઉત્તેજન આપવું જોઈએ, નહીંતર ધનોપાર્જનમાં ભવિષ્ય ભૂલી જવાય છે, વિચાર સૂકાઈ જાય છે અને પ્રગતિ અટકી જાય છે. વળી આ જમાનો જુદો છે. વિજ્ઞાન અજબ ફેરફારો કરી શકે છે. એક શહેર વેપારનું મોટું મથક હોય છતાં આગગાડીથી તેનો વેપાર ઘટી બીજા શહેરમાં બીજા શહેરમાં વધી શકે છે. એક મોટું બંદર હોય છતાં આગગાડી અને સ્ટીમરથી તેનો વેપાર ઓછો થઈ શકે છે. માટે આકસ્મિક સંજોગોથી જે વેપાર-ઉદ્યોગ એક સ્થળે કે એક જાતના હાથમાં આવ્યા તે નિરંતર ત્યાં જ રહેશે, એનો આ વિજ્ઞાનના યુગમાં ભરોસો નથી. માટે વિદ્વતા અને શોધખોળને ઉત્તેજન આપવું જોઈએ. વિદ્વતા દેશને એક બનાવે છે અને ગૌરવ અપાવે છે.

ગુજરાતી સાહિત્ય ખેડાય છે પણ હજુ ઘણું ઘણું કરવાનું બાકી છે. કહેવાય છે કે જીવનમાં જે હોય તે સાહિત્યમાં આવે છે. સાહિત્ય માત્ર જીવનનું પ્રતિબિમ્બ છે. એમ હશે, છતાં કહેવું જોઈએ કે આપણા વર્તમાન જીવનનાં ઘણાં સ્વરૂપો હજુ આપણા સાહિત્યમાં પ્રતિબિમ્બિત નથી થયાં. સાહિત્યનાં સર્જનને અંગે પ્રજાની બુદ્ધિ અને હૃદયનો વિકાસ મહત્ત્વનો છે. જેમ બુદ્ધિ વધારે ખીલેલી, પ્રખર, સંસ્કારી તેમ સાહિત્ય પણ એવું જ સર્જાય. આજના જમાનામાં પ્રજામાં જે ચેતન આવતું જાય છે તેને લીધે સાહિત્ય પરંપરા અથવા સંકેત રૂપે ન રહેતાં આત્માની ગંભીરતમ વૃત્તિઓ, પ્રકૃતિ અને મનુષ્યનાં વર્ણનો, સૌંદર્યના અન્વેષણોથી જીવતું જાગતું થઈ જાય છે. કીર્તિ, પ્રતિષ્ઠા, પ્રગતિ પ્રાપ્ત કરવા થતાં સ્વપ્નાં સાહિત્યમાં પ્રતિબિમ્બિત થાય અને સાહિત્ય દ્વારા અનેકને પ્રેરણા કરે છે. પ્રગતિનું પહેલું લક્ષણ બુદ્ધિની મુક્તિ છે.

આપણા દેશમાં ગયા જમાનામાં બુદ્ધિ શાસ્ત્રની, રૂઢિની અને રાજ્યદ્વારી સ્થિતિની દાસ થઈ રહી હતી. પ્રત્યેકને માટે સત્યની લહાણી તેના ‘અધિકાર’ પ્રમાણે કરવામાં આવી હતી. પણ તેથી વધારે સ્વતંત્ર વિચાર કરવાનો તેનો અધિકાર નહોતો. એટલે બુદ્ધિ નિશ્ચલ થઈ અને કટાઈ ગઈ હતી. પરંતુ અંગ્રેજી વિદ્યાએ આપણી બુદ્ધિનો દાસત્વમાંથી મોક્ષ કીધો છે. તેથી જ આપણા દિલમાં આજે પ્રગતિની, ઉન્નતિની, ગૌરવની વાંછનાઓ ઊછળવા લાગી છે. પણ હજુ જોઈએ તે પ્રમાણમાં બુદ્ધિનું દાસત્વ ગયું નથી. એક રીતે આપણે ઊલમાંથી ચૂલમાં ગયા છીએ. આપણે આપણાં શાસ્ત્રો અને રૂઢિનું દાસત્વ મૂક્યું છે તો યુરોપનાં શાસ્ત્ર, વિદ્યા, રૂઢિના દાસ થયાં છીએ. સ્વતંત્ર રીતે વિચાર અને આચાર કરવા બહુ જ ઓછા તત્પર છીએ. ઓછામાં પૂરું ગુજરાતના ૫/૬ ભાગમાં નાનાં-મોટાં દેશી રાજ્યો છે. ત્યાં એક પુરુષનું સંપૂર્ણ શાસન હોવાથી બુદ્ધિનું દાસત્વ પૂરેપૂરું છે. જે સ્થિતિ હોય છે તેમાં ન્યૂનતા જોઈ શકાતી નથી કે તેથી વધારે સારી કલ્પી શકાતી નથી. રાષ્ટ્ર નહીં, પણ શાસન કરનાર વ્યક્તિ જીવનનું કેન્દ્ર બને છે. તેથી સત્યના અન્વેષણ કરતાં તે વ્યક્તિને ખુશ રાખવાનું જ કર્તવ્ય પ્રાપ્ત થાય છે, તેને ઠગવા પોતાની જાતને ઠગવી પડે છે અને પ્રતારણામાંથી બુદ્ધિ ઉપર અનેક મળ ચડે છે. બ્રિટિશ રાજ્યમાં જે સ્વતંત્રતા હતી તે હવે ઓછી થવા લાગી છે. જ્યાં જ્યાં એ સ્વતંત્રતા પ્રકટ થવાના પ્રસંગો છે ત્યાં ત્યાં અંકુશો મુકાતા જાય છે. સત્ય કથન કરતાં પ્રિય કથન માટે અંગ્રેજ અમલદારો વિશેષ આતુર છે. પ્રામાણિક મતભેદ અને સ્વતંત્ર વિચાર એમને રુચતા નથી પરંતુ એમના વિચારના દાસ થવાથી તેઓ પ્રસન્ન થઈ શકે છે. આ વસ્તુસ્થિતિ વધારે જામે તો આપણી બુદ્ધિની ખીલવણી બહુ જ ઓછી થશે. પણ બ્રિટિશ પ્રજાએ બુદ્ધિના મોક્ષ માટે ઘણા આત્મભોગો આપ્યા છે અને એના વડે જ આજનાં ગૌરવ, પ્રભાવ અને સત્તા મેળવ્યાં છે. એટલે બુદ્ધિનું દાસત્વ એ પ્રજા અહીં ચિરકાળ ટકવા દેશે નહીં.

આવા પ્રસંગોમાં સાહિત્યસેવકોનું કર્તવ્ય વિકટ થાય છે તેમ વધારે આગ્રહ અને અભિનિવેશની અપેક્ષા રાખે છે. સાધ્યનું દર્શન પણ જેટલું સ્પષ્ટ અને સમૃદ્ધ થવું જોઈએ તેટલું જ સાધનોનું. ભૂતકાળમાં નજર નાંખી, કલ્પનાના પ્રભાવે વર્તમાનકાળની ન્યૂનતા-દોષો-સ્ખલનો દર્શાવી ભવિષ્યની આશાઓ-વાંછનાઓ-ભાવનાઓની ઝાંખી કરાવી શકાય. જે પ્રાંતિક રાષ્ટ્રજીવન આપણું લક્ષ્ય છે તે સાહિત્યસૃષ્ટિમાં અનેક સ્થળે આવિર્ભાવ પામી શકે. વાર્તાઓમાં, કાવ્યોમાં, નાટકોમાં સમાલોચનામાં, કલાની ચર્ચામાં, નીતિશાસ્ત્રમાં, રાજ્યશાસ્ત્ર કે અર્થશાસ્ત્રની ચર્ચામાં, ઇતિહાસ વગેરે વગેરેમાં રાષ્ટ્રનાં સ્વપ્નાં-દર્શનો (Visions), અભિલાષાઓ-વૃત્તિઓ પ્રગટે છે. ગુજરાતના પરમ સૌભાગ્યમાં ગૌરવ અને પૌરુષભરી શ્રદ્ધા જાગે છે. ગુજરાતની પ્રત્યેક વસ્તુ માટે પૂજ્યભાવ જાગે છે. દાસત્વની લાગણીમાંથી મુક્ત થઈ, છાતી ઠોકી રાષ્ટ્રજન કહી શકે છે ‘હું ગુજરાતી છું’. ગુજરાતી થવામાં એનું ગૌરવ છે, પ્રતિષ્ઠાહાનિ નથી. આને માટે અતીત અને વર્તમાન ગુજરાતના જીવનમાં જે જે પ્રેરણા આપે એવા પ્રસંગો હોય તે સાહિત્ય દ્વારા પ્રજાના જીવનમાં એકરસ કરી દેવા જોઈએ. આ જમાનામાં વિદ્યા, કલા, ચિંતન, ઇતિહાસના પ્રદેશોમાં ગુજરાતીઓની સિદ્ધિઓ નહીં જેવી છે, છતાં ભૂતકાળમાં જે જે છે તે જાણી પ્રકટ કરવી જોઈએ. સાહિત્ય પરિષદે પોતાનું એક લક્ષ્ય આ પ્રકારનું રાખ્યું છે. તેના અહેવાલો એ દિશાના થયેલા કાળનો ખ્યાલ આપશે. ઉપર નિર્દિષ્ટ કરેલા પ્રસંગો ન હોય તો કલ્પનાથી તે ઊભા કરી રાષ્ટ્રનું ચેતન જગાડવું અને પોષવું. ગુજરાતીઓમાં કેવી કેવી શક્તિઓ છે તેનું અન્વેષણ અને નિરૂપણ પ્રગતિને સહાયક થઈ પડશે.

અંગ્રેજી વિદ્યાને લીધે આપણા અનેક ભેદોમાં એક નવો ભેદ ઉમેરાયો છે. તે ભેદ અંગ્રેજી ભણેલા અને નહીં ભણેલા વચ્ચેનો છે. બંનેની દિશાઓ, સંસ્કારો-વાંછનાઓ-ભાવનાઓ, જીવનપ્રવાહ તદ્દન નિરાળા છે. પરંતુ વર્તમાન સાહિત્યકારો એ નિરાળાપણું કાઢી નાંખશે. રાષ્ટ્ર માટે એકતા જરૂરી છે, એકતા સમભાવ વિના નથી. સર્વે ગુજરાતીઓ અમારા છે અને એમના અમે છીએ. અલગપણું એકતાનું વિરોધી છે, શિક્ષણના ફેલાવાથી, સાહિત્યની વિવિધ સૃષ્ટિથી અલગપણું નિર્મૂલ થઈ શકશે અને રાષ્ટ્રના જીવનમાં સરખો પ્રવાહ વહેશે. સ્વામી અખંડાનંદે સસ્તા ગ્રંથો છપાવી આ અલગપણું દૂર કરવાનો જે પ્રશંસનીય ઉદ્યમ આદર્યો છે તે માટે એમને ધન્યવાદ ઘટે છે.

સાહિત્ય પ્રત્યે આ દૃષ્ટિ થશે ત્યારે માત્ર ભાષાંતરમાં થતો કાળક્ષેપ વિશેષ ઉપયોગી કાર્ય કરશે. રાજસ્થાન, બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હીના ઇતિહાસની વાતો રચાશે, તેની સાથે ગુજરાતના ઇતિહાસની પણ. ગુજરાતના ઇતિહાસના અનેક પ્રસંગો રંગભૂમિ ઉપર ભજવાશે અને તેમના વિશે રચાયેલાં કાવ્યો ગુજરાતમાં નવું ચેતન પ્રેરશે. રાષ્ટ્રીય ભાવના જાગૃત રાખવા ઇતિહાસ અને સામાન્ય લોકજીવનમાંથી પ્રસંગો લેવામાં આવશે, પ્રાચીન લોકકથા અને પરંપરા નવા સંજોગોને અનુકૂળ રૂપાન્તર પામશે. રાષ્ટ્રીય સંસ્કારિતા (culture) અને રાષ્ટ્રીય સાહિત્યના નિર્માણ અને ભોગ માટેની લાગણીથી એક પણ જન અસ્પૃષ્ટ નહીં રહે.

સમયના અભાવે વિશેષ ઉદાહરણોથી આ વિષયનું નિરૂપણ થઈ શકતું નથી. પણ સાહિત્યસેવા એકતાની સાધક છે. દમણમાં લખાયેલું પુસ્તક દ્વારકામાં વંચાય છે અને તે લખાયું ત્યારે જ નહીં પણ અત્યાર પછી વર્ષો લગી. સાહિત્યની સૃષ્ટિમાં જે વર્ણનો, જે પ્રસંગો, જે વિચારો, જે ભાવનાઓ, જે પાત્રાલેખનો હોય તે સર્વમાં પોતાપણું લાગવાથી પર જેવું રહેતું નથી.

સાહિત્યની રાષ્ટ્રીય ખીલવણીની સાથે કલાની ખીલવણી આવશ્યક છે. ચિત્ર-સંગીત-સ્થાપત્ય-મૂર્તિવિધાન વગેરે વગેરેમાં રાષ્ટ્રીય ભાવનાથી સંચલન થવું જોઈએ. ગુજરાતનાં પરાક્રમો, ગુજરાતનાં સંકટો, ગુજરાતની વાંછનાઓ, ગુજરાતનાં સ્વપ્નાંઓ, ગુજરાતના વતનીઓ, ગુજરાતના ભૂપ્રદેશ ચિત્રકલાથી નિર્મિત થાય; સંગીતમાં રાષ્ટ્રનો આત્મા પ્રકટે; સ્થાપત્ય અને મૂર્તિવિધાન પ્રજાના નવજીવનમાંથી ઉદ્ભવે અને માત્ર નકલરૂપે ન જન્મે તો જ રાષ્ટ્રજીવનને પોષણ મળે. આપણાં દેશી રાજ્યો અને શ્રીમંતો આ દૃષ્ટિથી આ કળાઓને ઉત્તેજન અને આશ્રય આપતા નથી તો પછી સામાન્ય વર્ગ પાસેથી તેમની અપેક્ષા કેવી?

રાષ્ટ્રભાવનાનું વાસ્તવિક અધિષ્ઠાન લોકોની કલ્પનામાં છે. કલાના આવિર્ભાવ કલ્પનાથી થાય છે. આમ હોવાથી ઘણીવાર એવું બને છે કે રાજવંશો અથવા વિગ્રહોના વૃત્તાંતોમાં નહીં પરંતુ કલાવિધાનમાં રાષ્ટ્રનો સત્ય ઇતિહાસ પ્રતીત થાય છે. વિગ્રહો અને રાજવંશની તવારીખ લોકોનાં દરદોની તવારીખ છે. પરંતુ એક મહાકાવ્યની રચના, એક અનુપમ સુંદર સ્થાનનું કલાવિધાન, ચિત્રપરંપરાનો સતત વહેતો જન્મપ્રવાહ, સંગીતની વિવિધ અને આત્મસ્પર્શી સૃષ્ટિ પર જ લોકોના આત્માનો આવિર્ભાવ હોવાથી તેમની ખરી તવારીખ જણાવે છે. અનુપમ કલાસૃષ્ટિ સમગ્ર પ્રજાના જીવનમાંથી જન્મી પ્રજાનાં થરેથરમાં – શ્રીમંતથી માંડી અકિંચનપર્યંત, મહેલોથી માંડી ગુફાઓ પર્યંત, વિદ્વાનથી માંડી અજાણ પર્યંત, સુખીથી માંડી દુ:ખી પર્યંત, વૃદ્ધથી માંડી શિશુ પર્યંત સર્વનો આદર પામી શકે છે તો રાષ્ટ્રની એકતા આણી શકે છે.

કલા વિના પ્રજા અંધ અને મૂક રહે છે. રાષ્ટ્રની રચનામાં કલાની સહાય નાની સૂની નથી. રાષ્ટ્રીય સ્વભાવ અને રાષ્ટ્રીય ગતિનું દર્શન આવી કલામાં થાય છે. રાષ્ટ્રની અસ્ફૂટ શક્તિઓ કલાથી ખીલે છે અને રાષ્ટ્રના પ્રફુલ્લ વિકાસમાં મદદ કરે છે. જે વાતાવરણમાં, જે સંજોગોમાં લોકો વસતા હોય તેને અનુલક્ષી કલાવિધાન હોવાથી મમત્વ જાગે છે અને મમત્વને અંગે રહેલી અસ્મિતા, એ રાષ્ટ્રજીવનનું મુખ્ય પોષક અંગ છે.

ગુજરાતની કલા હજુ આ સ્થિતિ પ્રાપ્ત કરી શકી નથી. ગુજરાતમાં હજુ રાષ્ટ્રનું એવું ચેતન નથી કે, જેનાથી કલાના વિધાનને પણ વેગ મળે. પણ એકતાની, રાષ્ટ્રોન્નતિની આકાંક્ષા જાગે તો આ દિશામાં પણ ફેર પડશે.

સાહિત્ય અને કલાના નિર્માણને અંગે મહત્ત્વનો પ્રશ્ન સત્યાન્વેષણનો અને વિદ્યાપ્રાપ્તિનો છે. ગુજરાત વેપારમાં આગળ છે, ઉદ્યોગમાં આગળ છે. ગુજરાતમાં અનેક દેશી રાજ્યો છે, એટલે પ્રજાના ઉત્કર્ષના અનેક પ્રયોગો અજમાવવાનાં સાધનોથી એ સંપન્ન છે. ગુજરાતના જીવનમાં વેગ છે છતાં વિચાર ઘણો ઓછો છે. વેપાર અને ઉદ્યોગના અર્થશાસ્ત્રની ચર્ચા કરનાર કેટલા ગુજરાતીઓ છે? મદ્રાસ અને બંગાળની સરખામણીમાં રાજ્યશાસ્ત્રની મીમાંસા કરનાર કેટલા ગુજરાતીઓ છે? અનેક નાની-મોટી નાતોથી વસેલા ગુજરાતમાં સમાજશાસ્ત્રના કેટલા પંડિતો છે? મોટા મોટા જગદ્‌ધર્મોવાળા ગુજરાતમાં તત્ત્વના ચિંતકો કેટલા છે? નવા વિચાર, પંડિતો માટેની પ્રેરણા છે? ઉત્તેજન છે? આશ્રય છે? સાયન્સના ફેલાવા માટે પ્રો. ગજ્જર આ જ કેટલાંક વર્ષથી મહેનત કરે છે પણ ગુજરાતે તે માટે શું કર્યું? અલબત્ત અમદાવાદ અને મુંબઈની સાયન્સ ઇન્સ્ટિટ્યુટને ધનાઢ્ય ગુજરાતીઓનું દ્રવ્ય મળ્યું છે, પણ રાષ્ટ્રીય દૃષ્ટિએ ઉપયોગી એવી કઈ સંસ્થા જન્મી છે?

બોહિમીઆમાં રાષ્ટ્રીય સંગ્રહસ્થાનની સ્થાપના થવાથી બોહિમીઆમાં વિજ્ઞાનનો પ્રચાર વધ્યો. પ્રજાનો સ્વભાવ ફેરવાઈ ગયો. શિલ્પની, વિજ્ઞાનની, ખેતીવાડીની અને ઉદ્યોગની બીજી સંસ્થાઓ એને લીધે સ્થપાઈ અને સમગ્ર રાજ્યમાં સ્લાવ સાહિત્યના અભ્યાસને વેગ મળ્યો. આથી બુદ્ધિની વીર્યવાન પ્રવૃત્તિ ચાલી, કાર્ય કરવાનું સામર્થ્ય અને પૌરુષ આવ્યાં અને વૈજ્ઞાનિક ચોક્સાઈ વધી.

વિચારનું પ્રાધાન્ય હોય છે ત્યારે પ્રતિભા લેખકો અને વિચારકોને વેગ આપે છે અને સમાજના શિષ્ટ વર્ગને સૌંદર્ય અને સત્યતા, પ્રેમ અને પ્રશંસાથી અનુપ્રેરિત કરે છે એથી રાષ્ટ્રનો આત્મા ઉન્નત થાય છે. આપણે ત્યાં સરસ્વતીચંદ્રનો દાખલો મોજૂદ છે. કલા દ્વારા ગુજરાતનું ઐક્ય હોવું જોઈએ તે આવી રીતે નથી.

ઉદ્યોગ-હુન્નર અને વેપાર માટે આપણું ગુજરાત મશહૂર છે. એ કાર્યોમાં આપણે જેટલા મશગૂલ છીએ તેટલા બીજા કોઈ કાર્યમાં નથી. એ કાર્યો માટે આપણામાં સ્વભાવસિદ્ધ યોગ્યતા છે. પણ એ કાર્યવિશારદતાને લીધે જે ઊંચી અસ્મિતા આપણામાં હોવી જોઈએ તે નથી. એથી આખું ગુજરાત ઐક્યભાવ અનુભવતું હોય એવું પણ નથી. આપણે ઉદ્યોગ-વેપાર માત્ર આપણા (એટલે વ્યક્તિઓના) લાભને માટે કરીએ છીએ. સમસ્ત દેશના હિતની ખાતર, આપણા દેશનાં સુખ, કીર્તિ, ગૌરવ વધારવા ખાતર, આપણા દેશનું પરાવલંબન કમી કરવા ખાતર, એથી પ્રાપ્ત થતી લક્ષ્મીથી વિદ્વતા પોષવા ખાતર, એ લક્ષ્મીથી નવા નવા ઉદ્યોગો અને વેપારો ખેડવા ખાતર આપણી જોઈએ તેવા પ્રમાણમાં પ્રવૃત્તિ નથી. જો હોત તો ગુજરાત પ્રાંતની આખી પ્રજા એક ભાવથી, એક વિચારથી, એક વર્તનથી, એક આગ્રહથી, એક નિષ્ઠાથી, એક આદર્શથી પ્રણુદિત હોત, સ્થૂલ રીતે ગુજરાતે પોતાની એકતા સાધી હોત.

ઇંગ્લૅન્ડના વેપારીઓ હિન્દુસ્તાનમાં રાજ્યકર્તા થયા તેવાં પરાક્રમ કરવાની વૃત્તિ ગુજરાતી વેપારીઓને કદી થઈ હશે? રાષ્ટ્રજીવનથી તદ્દન પરાંઙ્‌મુખ હોવાથી ક્યાંથી થાય? પણ વેપાર-ઉદ્યોગ યુરોપ-અમેરિકાની પ્રજાઓને કેવી રીતે એક કરે છે; એમની એકતા સાધી દેશપરદેશ કેવા સર કરે છે અને પોતાના દેશનાં કીર્તિગૌરવ વધારે છે, એનો ખ્યાલ ગુજરાતમાં પ્રસરે તો ગુજરાત હિન્દુસ્તાનના વેપાર-ઉદ્યોગના પ્રદેશમાં ઘણી મોટી સેવા કરી શકે અને એ સેવાની પ્રતિષ્ઠા મેળવે, પણ પારસી માત્ર પારસી જ રહે, ખોજા માત્ર ખોજા રહે, મેમણ માત્ર મેમણ રહે, વોરા માત્ર વોરા રહે, ભાટીઆ માત્ર ભાટીઆ રહે, કપોળ માત્ર કપોળ રહે, બ્રાહ્મણ માત્ર બ્રાહ્મણ રહે, પાટીદાર માત્ર પાટીદાર રહે અને ગુજરાતી ન થાય ત્યાં લગી જે એકતા આવવી જોઈએ તે આવતી નથી.

દુર્ભાગ્યે ગુજરાતનો ઇતિહાસ એક સંકલનવાળો ઇતિહાસ નથી અને જે છે તેનું સંકલિત નિરૂપણ થયું નથી. યાદવોના સમયથી આજ લગી ગુજરાતે અનેક આસમાની-સુલતાની જોઈ છે. હિન્દુ, મુસલમાન, હિન્દુ(મરાઠા), અંગ્રેજના વિગ્રહો, પરાક્રમોથી બનેલો ગુજરાતનો ઇતિહાસ આકર્ષક અને ઉત્તેજક લાગતો નથી. મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીએ બંગાળના ગૌરવ વિશે જેવું ભાષણ વર્ધમાનના બંગાળી સાહિત્યસંમેલનના પ્રમુખપદેથી આપ્યું હતું, તેવો લેખ ગુજરાતના ગૌરવ માટે લખવાની સામગ્રી મોજૂદ નથી એમ નથી, પણ ગુજરાતનું ગૌરવ ગાવું એ પાપ ગણાય છે. એ વિચાર હાસ્પાસ્પદ લેખાય છે. આવી સ્થિતિમાં ગૌરવથી અનુપ્રાણિત એકતા કેવી રીતે અનુભવાય?

બંગાળ પોતાના રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, વિવેકાનંદ, બંકિમચંદ્ર, સર રવીન્દ્રનાથ, પ્રો. જગદીશચંદ્ર વસુ, ડો. રાજેન્દ્રલાલ મિત્ર, સર રાજેન્દ્ર મુકરજી, સુરેન્દ્રનાથ, અવનીન્દ્રનાથ ઠાકુર, સુરેશ વિશ્વાસ વગેરેથી મગરૂર થઈ બીજા પ્રાંતોને પણ મગરૂર બનાવે છે. પણ ગુજરાત દયાનંદ સરસ્વતી, કરસનદાસ મૂળજી, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મહેતા, સર મંચેરજી ભાવનગરી, નર્મદાશંકર, ગોવર્ધનરામ, કલાપી, પ્રેમચંદ રાયચંદ, મહાત્મા ગાંધી, અબ્દુલ કરીમ જમાલ, મહમદઅલ્લી ઝીણા, અખંડાનંદ, મોતીભાઈ અમીન, નૃસિંહપ્રસાદ, શિવગૌરી ગજ્જર, પ્રો. ગજ્જર, રણછોડલાલ છોટાલાલ, જમનાબાઈ સક્કઈ, ગોંડળનાં રાણી નંદકુંવરબા, કાનજી હીંડોચા, રાજચંદ્ર, વીરચંદ ગાંધી, કેપ્ટન જોરાવરસિંહ, જમશેદજી નસરવાનજી ટાટા, માધવલાલ દેસાઈ વગેરે માટે જ્યાં મગરૂર નથી ત્યાં બીજા પ્રાંતોને ગુજરાત માટે મગરૂર કરવાની તો આશા જ કેવી? જ્યારે વર્તમાનકાળના વીર પુરુષો અને સ્ત્રીઓ આવી રીતે અસમ્માનિત હોય તો ભૂતકાળના સિદ્ધરાજો, હેમચંદ્રો, વસ્તુપાળો, વિમળશાહો, પ્રેમાનંદો, મહમ્મદ બેગડાઓ, તાનારીરીઓ, હીરવિજયસુરીઓ, મેહરજી રાણાઓ, અમરજી દીવાનોનો તો બિચારાઓનો હિસાબ ક્યાં? ગુજરાતને પોતામાં, પોતાના ભૂત-વર્તમાનમાં શ્રદ્ધા નથી, તેમને માટે આદર નથી. ગુજરાતને કોઈ પ્રબળ મહેચ્છા નથી તો પછી ઇતિહાસથી જે એકતા આવવી જોઈએ તે ક્યાંથી આવે?

ઉપર જોઈ ગયા કે એકતા આણનારાં જુદાં જુદાં બળો ગુજરાતમાં મોળાં છે તો પછી છાતી ઠોકીને સર્વે કહે કે ‘અમે ગુજરાતી છીએ’ – ‘અમે ગુજરાતને પ્રતિષ્ઠાસંપન્ન, કીર્તિમંત, શક્તિશાળી, પ્રભાવી, પ્રતાપી કરીશું’ એવી ભાવના જાગૃત થવાને વાર છે. ગુજરાત માટેના અભિમાનથી (Patriotism) એકતા આવી શકે પણ તેની પ્રેરક શક્તિઓ હજુ નિદ્રાવશ છે. હજુ કોઈ ગુજરાતી એમ કહેશે નહીં ‘Not through him should Gujarat come to shame.’ તેમ કોઈએ છાતી ઠોકીને હજુ એમ પણ નથી કહ્યું કે – ‘પ્રેમાનંદે ગુજરાતી ભાષાને સર્વોપરી કરવાની વાંછના કરી છે તેમ ગુજરાત સર્વોપરી, સર્વનું અગ્રણી થાઓ.’ રા. રા. મહમદઅલ્લી ઝીણા કહે છે કે મનુષ્યના જીવનમાં પ્રેમનું, ધર્મનું અને સ્વદેશપ્રેમનું દર્શન (Vision) થાય છે, પણ ગુજરાતને હજુ આ એકે દર્શન થયું નથી. થયું હોય તો ગુજરાત છિન્નભિન્ન ન હોત. ગરવી અને ગુણવંતી ગુજરાતની કવિતાઓ ગણાય છે, પણ ભૂગોળના વર્ણનથી ગંભીર અને ભવ્ય સ્વદેશગૌરવનું દર્શન હજુ કોઈને થયું નથી.

પોતાની જિંદગીને સાર્થક કરવા ગુજરાતીઓ પુણ્યદાન કરે છે, તીર્થયાત્રા કરે છે, કષ્ટ વેઠે છે, પોતાનાં સુખસગવડ સાચવવા, પોતાનો વૈભવ માણવા, સત્તા ભોગવવા પ્રયત્ન કરે છે, પરંતુ ગુજરાતનું અસ્તિત્વ સાર્થક કરવા, ગુજરાતને વૈભવશાળી, સત્તાવાન, સુખી, પ્રતાપી, સમર્થ કરવા કોઈ પ્રયત્ન કરતું નથી. બધા ભેદભાવોને, બધા અણરાગોને, જમાનાથી ઘડાઈ ગયેલી બધી જુદાઈને ભાંગી નાંખે, ઓગાળી નાંખે, એકરસ કરી દે, એવું સ્વદેશપ્રેમનું બળ જોઈએ એવા પૂરમાં નથી.

રાજ્યછત્ર એક હોવું જોઈએ તે પણ નથી. અનેક વાર મેં કહ્યું છે કે આપણા જેવો કોઈ પણ કમનસીબ દેશ નહીં હોય, કારણકે રાજ્યદ્વારી દીવાલો ઠેરઠેર ચણાયેલી છે, અને આપણી એકતાને બાધક નીવડે છે. ડેલહાઉસીએ બીજાં રાજ્યો ખાલસા કર્યાં ત્યારે ગુજરાતનાં દેશી રાજ્યોને પણ ખાલસા કર્યાં હોત તો આ દીવાલો રહી ન હોત અને ગુજરાતની એકતાને આજે ખંડિત કરતી ન હોત.

એક રાજ્યતંત્ર હોય છે ત્યારે રાજ્યવ્યવહાર, ધારાવ્યવહાર, રાજ્યસેવા, લોકસેવાના સરખા પ્રસંગો પ્રાપ્ત થવાથી એકતા પોષાય છે. જામનગર કે મોરબીમાં ગમે તેટલો જુલમ થતો હોય પણ તેનું સચીનના કે રાધનપુરના કે અમરેલીના કે અમદાવાદ-ગોધરાના લોકોને સ્નાનસૂતક લાગતું નથી. કચ્છમાં ગમે તેટલું અંધેર હોય તો તેની દરકાર ભરૂચ, નડિયાદ કે રાજકોટના લોકોને થોડી જ પડી છે? ગાયકવાડી રાજ્યમાં કેળવણી વધારે ફેલાતી હોય તો તેનો લાભ થોડો જ ઈડરની રૈયતને મળવાનો છે? આમ સૌ સૌના સ્વાર્થ જુદા થાય છે. બ્રિટિશ ગુજરાત અને દેશી રાજ્યોવાળું ગુજરાત તદ્દન નોખાં પડી જાય છે. બન્નેને એકબીજા માટે લાગણી કે દરકાર નથી. ગુજરાતના સાર્વજનિક જીવનની જે કોઈ હિલચાલ થશે તે માત્ર બ્રિટિશ ગુજરાતનાં સુખદુ:ખ પરત્વે ચળવળ કરી કૃતકૃત્ય થશે અને દેશી રાજ્યોનાં સુખદુ:ખ પરત્વે ઉદાસીન રહેશે. પહેલી કેળવણી પરિષદનો કાર્યવ્યવહાર આ કથનનું સમર્થન કરશે.

ગુજરાતમાં અલાયદી રાજ્યદ્વારી પ્રાંતિક પરિષદ અસ્તિત્વમાં આવશે – એવું થોડાક વખતમાં થવાનો સંભવ લાગે છે તો તે પણ ગુજરાતના ૫/૬ ભાગની એવી જ ઉપેક્ષા કરશે. આમ ભેદ છે તેમાં બ્રિટિશ સરકારે બીજી રીતે વધારે કર્યો છે. ગુજરાત મુંબઈ ઈલાકાની સરકારને તાબે છે, પરંતુ ગુજરાતમાં આવેલું વડોદરા રાજ્ય તેને નહીં પરંતુ હિંદી સરકારને તાબે છે. આથી એવું થાય છે કે સર્વે સરકારી રિપોર્ટોમાંથી વડોદરાની હકીકત બાતલ રાખવામાં આવે છે. વસતિપત્રક, કેળવણીના રિપોર્ટો વગેરે વગેરેના અભ્યાસીઓને આથી કેવી મુશ્કેલી થાય છે તેનો ખ્યાલ તેઓ સિવાય બીજાને આવવો કઠણ છે. વળી આ ભેદો હોવાથી મહારાષ્ટ્ર, સિંધ આદિમાં જેટલી સરકારી નોકરીઓ છે તેટલી નાનકડા બ્રિટિશ ગુજરાતમાં નથી, એટલે સરકારી નોકરીમાં ગુજરાતીઓની સંખ્યા ઓછી રહે છે અને એથી એમના દેશની રાજ્યપ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. એક તો આપણાં લોકોનો ઉછેર સાંકડો છે, નાતો અને પોળો અને ગામોની બહાર જેમની દૃષ્ટિ નહીં જ – એવા લોકો આ કૃત્રિમ દીવાલો ભેદી એક થઈ સૌના સુખદુ:ખમાં ભાગ લે એ આશા હાલ તો નિરાશા જ છે. રાજ્યતંત્ર એક હોય ત્યારે રાજસેવાના પ્રસંગો સૌને સરખા પ્રાપ્ત થવાથી ઐક્યનો અનુભવ થાય છે તેમ દેશની અને રાજાની સત્તા જાળવવા, દેશનું રક્ષણ કરવા લશ્કરી નોકરીની અનુકૂળતા હોય છે તો છાવણીઓમાં અને રણક્ષેત્રોમાં પણ દેશના જુદાજુદા ભાગ-વિભાગો એકત્ર થઈ એક રાષ્ટ્ર થાય છે. વડોદરા, ભાવનગર, જૂનાગઢ, જામનગરમાં લશ્કર છે. એમાં ગુજરાતના અમુક વર્ગના – ‘કાંટીઆ’ વર્ણના જૂજ ભાગનો પ્રવેશ છે-ગુજરાતના સર્વે વતનીઓનો નથી એટલે એકતા પામવાનું એ ક્ષેત્ર પણ ગુજરાતને ખપનું નથી થયું.

રણક્ષેત્ર જેમ પરાક્રમ પ્રાપ્ત કરવાનું, પોતાની પ્રજા અને પોતાના દેશને કીર્તિવંત કરવાનું સ્થળ છે તેમ એ પરાક્રમ કરનારી શક્તિ કેળવવા સાર્વજનિક ક્રીડાવિનોદોની વ્યવસ્થા પણ જરૂરની છે. ક્રીડાક્ષેત્રમાં સૌ પોતાના ભેદભાવ- નાતના, ગામના, પરગણાના, ધર્મના, જાતિના, સંસ્કારના ભેદભાવ ભૂલી જાય છે. ક્રીડાવિનોદોનો સમાજ અવારનવાર ગુજરાતનાં જુદા જુદાં સ્થાનોમાં ભરાય તો ભૌગોલિક એકતા સધાવા ઉપરાંત પરાક્રમ અને યશ માટે સર્વત્ર એકસરખી સાર્વજનિક આકાંક્ષા જન્મે અને એ આકાંક્ષા ક્રીડાકુશળતા અને બળની પ્રાપ્તિમાં પરિણમે તો ગુજરાતનો એકભાવ ખંડિત નહીં રહે. પરંતુ ગુજરાતમાં મર્દાની કે વિનોદી વૃત્તિ પણ નથી. નાતો જમાડવા, વરઘોડા કાઢવા, નાનાં છોકરાંઓને પરણાવવાં અને રાતદિવસ વૈતરું કરવામાંથી ગુજરાતીઓને ક્યારે ફુરસદ મળે છે કે આવા દંગલો, ‘મૅચ’, ‘ટુર્નામેન્ટ’ કે ‘રેઈસ’નો વિચાર સરખો પણ કરે.

પરંતુ આવી એકતા બે રીતે આવી શકે-પાટનગરથી અને આગેવાનોથી. ગુજરાતનું પાટનગર અમદાવાદ ગણાય છે પરંતુ જે માનદૃષ્ટિ બંગાળીઓની કલકત્તા પ્રત્યે છે, દક્ષિણીઓની પુણા પ્રત્યે છે, હિન્દુઓની કાશી પ્રત્યે છે, થિયોસોફીવાળાઓની અડ્યાર પ્રત્યે છે, તેવી દૃષ્ટિ કોઈ ગુજરાતીની અમદાવાદ પ્રત્યે નથી. સમસ્ત દેશી રાજ્યોને એની સાથે લેવાદેવા નથી. અમદાવાદના જાડા સંસ્કારોને લીધે સુરત-ભરૂચમાં એ હાંસીને પાત્ર રહેલું છે. ગુજરાતના બુદ્ધિમાન કે પ્રતિભાશાળી કે વ્યવહારનિપુણ પુત્રો અમદાવાદ તરફ આકર્ષાતા નથી. વાનપ્રસ્થ થયેલા અધિકારીઓ પણ ત્યાં નિવૃત્તિનિવાસ કરતા નથી. દેશમાં કોઈપણ પ્રશ્ન ઊઠે ત્યારે અમદાવાદ શું કરશે અથવા શું ધારે છે, એવો પ્રશ્ન કોઈ ગુજરાતીને ઊઠતો નથી. અમદાવાદમાં મિલો છે એટલું જાણીતું છે પણ અમદાવાદ પ્રજાજીવનનું તીર્થ છે જેવું કોઈ જાણતું નથી. આજ મહાત્મા ગાંધી ત્યાં વિરાજે છે એટલે એ અતીર્થ તીર્થ જેવું થયું છે. ગુજરાત નર્મદાશંકરના નામથી જેવું ભાવમય થાય છે અને તેનું સુરત જોવા ઉત્સુક થાય છે તેમ દલપતરામ, ભોળાનાથ કે હરિલાલનું અમદાવાદ જોવા કોઈ ઉત્સુક થતું નથી.

અમદાવાદનું મોટું પ્રતિસ્પર્ધી મુંબઈ છે. ગુજરાતનું ખરું પાટનગર મુંબઈ જ છે – અમદાવાદ નથી, ગુજરાતી આગેવાનોનું એ જ નિવાસસ્થાન છે. ગુજરાતની સમૃદ્ધિ પણ ત્યાં જ છે. ગુજરાતનો પ્રજામત પ્રકટ કરનાર અને ઘડનાર વર્તમાનપત્રો મુંબઈમાંથી નીકળે છે, અમદાવાદમાંથી નહીં. દેશી રાજ્યોની વસ્તીનો મોટો અને સમૃદ્ધ સમૂહ પણ ત્યાં જ જઈ વસ્યો છે. મુંબઈના ગુજરાતીઓની સમૃદ્ધિ મુંબઈ અને પુણાના વૈભવો અને દેશોદયસાધક પ્રવૃત્તિઓનું પોષણ કરે છે. ભારતવર્ષના વેપારમાં જો કોઈ પણ નગરનું અગ્રસ્થાન હોય તો તે મુંબઈનું છે અને તેનું કારણ ગુજરાતીઓ છે. ભારતવર્ષની રાજ્યનીતિ ઉપર વિનીત (Moderate) પક્ષનો જે પ્રભાવ છે તે પણ મુંબઈને લીધે છે અને તે પ્રભાવનો યશ વ્યવહારકુશળ, દુરંદેશી ગુજરાતીઓનો છે. અત્યારની સ્થિતિ જોતાં મુંબઈ ગુજરાતનું પાટનગર જેવું છે, અમદાવાદ નથી. પણ મુંબઈ ગુજરાતની બહાર છે અને ત્યાંની પચરંગી પ્રજાને લીધે તે કોઈ પ્રજાનું નહીં પણ વિશ્વનું નગર છે. મુંબઈના ગુજરાતીઓમાં ગુજરાતીભાવ નથી, ગુજરાત માટે મમતા નથી, ગુજરાતીપણા માટે અભિમાન નથી, ગુજરાતીઓના ઉત્કર્ષ માટે વાંછના નથી. જ્યાં લગી આ સ્થિતિ ફેરવાઈ નથી, અમદાવાદ અને મુંબઈ અન્યોન્યના પૂરક થઈ ગુજરાતનાં પાટનગર બનશે નહીં ત્યાં લગી ગુજરાતનું ગૌરવ નથી. મુંબઈ ગુજરાત બહાર છે પણ તેને ગુજરાતમાં લાવવું અઘરું નથી. મુંબઈ અને ગુજરાતની વચ્ચે થાણા જિલ્લો છે અને તે દક્ષિણીઓથી વસેલો છે પણ ગુજરાતના બાહોશ વેપારીઓ અને ઉદ્યમી ખેડૂતોથી તેને ગુજરાતનો ભાગ બનાવવાનું શક્ય છે. જો આમ સળંગ વ્યવહાર થઈ જાય તો પછી કેટલોક લાભ થયા વિના ન રહે.

ગોખલેના મૃત્યુ વખતે આખા હિન્દે પોતાની એકતા અનુભવી હતી. સર રવીન્દ્રનાથ ઠાકુરને નોબલ પારિતોષિક મળ્યું ત્યારે સમગ્ર હિન્દે ગર્વાનંદથી એકતા અનુભવી હતી. ટિળક પર ઊતરેલા અધિકારીકોપ પ્રસંગે પણ એવું જ થયેલું. પણ આવી રીતે ગુજરાતીઓ એકતા સાધે અથવા ગુજરાતને અનુભવાવે એવા ગુજરાતમાં આગેવાન નથી, અને તેમાં ખાસ કરીને અમદાવાદમાં તો નથી જ.

ગુજરાતની મ્યુનિસિપાલિટીઓ અને લોકલ બૉર્ડોના ધારાસભામાં પ્રતિનિધિઓ, મુંબઈગરા ગુજરાતી વકીલ બૅરિસ્ટરો, ધારાસભાના સરકારનિયુક્ત ગુજરાતી સભાસદો, મુંબઈના વેપારીઓ આ બધા મુંબઈ બહાર વસે છે? ના. દેશી રાજ્યોમાં પણ જેની પ્રતિષ્ઠા હોય તેવા ગુજરાતી પુરુષો અમદાવાદમાં નહીં, પણ મુંબઈમાં છે.

જેવા આગેવાનો તેવું તેમની પ્રજાનું માન. સોબતે અસર જેવું છે. ગુજરાતના ગૌરવની અહોનિશ ચિંતા કરતા હોય અને તેની સિદ્ધિ લાવવા પ્રયત્નશીલ હોય એવા આગેવાનો ક્યાં છે? ગુજરાતના ગૌરવનું દર્શન છે કોઈને? ભવિષ્ય સરળ કરવા કોઈ પણ પ્રકારની ચળવળ છે? દ્રવ્યપ્રાપ્તિ જે ગુજરાતમાં થાય છે તે દ્વારા સત્તાપ્રાપ્તિ મેળવવા આકાંક્ષા છે? હિંમત-નિશ્ચય-કળ, ગણતરી-ડહાપણ-સાહસ-ત્યાગ વગર આગેવાનો કઈ રીતે ગુજરાતની એકતા સાધી શકશે? ગુજરાતના બુદ્ધિપ્રભાવ, સૌંદર્યજ્ઞતા, વીરત્વ, ધનપ્રાપ્તિત્વ, ડહાપણ, વ્યવહારકુશળતા વગેરેની સંકલના કરી તે સૌ દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ કરનારા આગેવાનો ક્યાં છે? ગુજરાત હજુ પોતાના આગેવાનની રાહ જુએ છે – ગુજરાતનું હૃદય સંચલિત કરે, પોતાની હિમ્મત, ઉદ્યોગ, નિશ્ચય અને સતત કાર્યથી ગુજરાતની બુદ્ધિને પણ ઉત્તેજિત કરે એવા આગેવાનની રાહ જુએ છે.

આમ ગુજરાતની છિન્નભિન્નતાનું આપણે દર્શન કર્યું. એને એક કરે એવાં કેટલાંક તત્ત્વોનો પણ નિર્દેશ કર્યો. વિશેષ હકીકતથી, ઐતિહાસિક સિંહાવલોકનથી આ કાર્ય અધિક સારું થઈ શક્યું હોત. જે દૃષ્ટિથી આ લેખ લખવામાં આવ્યો છે તે દૃષ્ટિ, તેથી વધારે સન્માન પામી હોત. છતાં આ લાગણીના લેખનું સ્થાન પણ ગુજરાતમાં જેવું તેવું નહીં રહે એવું લાગવાથી યથાશક્તિ આ ‘ફૂલની પાંખડી’ ગુજરાત સમક્ષ ધરી છે અને ગુજરાતમાં વિચાર થવા માંડશે – ગુજરાતમાં આવી લાગણી જન્મશે તો એની સાર્થકતા છે.

ગુજરાત હિન્દુસ્તાનનું સારામાં સારું અંગ થાઓ – એની શક્તિઓ, સમૃદ્ધિઓ અને પ્રસંગોને ઉચિત એનું ગૌરવ થાઓ અને એની પ્રતિષ્ઠા હિન્દુસ્તાનમાં સર્વત્ર સ્થપાઓ અને હિન્દુસ્તાનની ઊંચામાં ઊંચી સેવા કરવા આવું ગુજરાત શક્તિમાન થાઓ, એ જ આ ઘોષણાનો ઉદ્દેશ છે.

(મૂળ લેખનો આ પાઠ નજીવા સંપાદન સાથે અત્રે મૂકાયો છે. રણજિતરામ ગદ્યસંચય ભાગ-૨, પૃષ્ઠ ૨૮૪-૩૦૬)
 [પાછળ]     [ટોચ]