[પાછળ] 
ગુરુદક્ષિણા
લેખકઃ બાલકૃષ્ણ પીતાંબર જોશી

                   સ્થળ: ઘોર જંગલ
                   સમયઃ બપોરનો
(એકલવ્ય ગુરુની પ્રતિમાનું પૂજન કરવામાં લીન છે. એકચિત્તે મૂર્તિનું ધ્યાન ધરે છે. આઘે કૂતરાનો ભયંકર ભસભસાટ સંભળાય છે)

એકલવ્ય: કોણ છે રે? મારા ધ્યાનમાં ભંગ પડે છે! શાન્ત જંગલમાં હું મારી સાધનાનું એકાંત વ્રત કરું છું ત્યાં ગુરુના ધ્યાનમાં કેવો ભંગ પડ્યો? એવી કોની મગદૂર છે?

(કૂતરાનો વિકટ ભસભસાટ અટકાવવા એકલવ્ય ધનુષ્ય વડે કેટલાંક બાણ ફેંકી પાછો ધ્યાનમાં મગ્ન થાય છે. બે જણ પ્રવેશ કરે છે.)

પહેલો જણ: (નેપથ્યમાં) કેવું આશ્ચર્ય! કૂતરાની આવી અવદશા કોણે કરી?

બીજો જણ: ખરેખર, અલ્યા, ભારે અજાયબીની વાત. આવું કોણે કર્યું હશે?

ત્રીજો જણ: આ તરફથી બાણ આવતું મેં જોયું! ચાલો તે તરફ જઈએ.

(ભીમ, દુર્યોધન વગેરે પ્રવેશ કરે છે.)

ભીમ: દુર્યોધન! સહદેવ! જુઓ જોઈએ. પેલી બાજુએ કોણ જણાય છે?

સહદેવ: એ તો કોઈ છોકરો છે. કાંઈ માટીની મૂર્તિ સામે રાખી પૂજા કરતો લાગે છે. એ છોકરાએ જ આ કામ કર્યું જણાય છે.

ભીમ: એને પૂછ કે આ કામ તેં કર્યું?

સહદેવ: હા, પૂછી જોઉં.

ભીમ: ને જો કર્યું હોય તો પછી તેને જોઈ લઈએ.

સહદેવ: હા, વળી.

દુર્યોધન: (પાસે જઈ) અલ્યા છોકરા -

(એકલવ્ય જવાબ આપતો નથી)

ભીમ: અલ્યા એ - છોકરા! હવે જવાબ નહિ આપે તો આ ગદા વડે -

એકલવ્ય: આપની સાથે વાર્તાલાપ કરવાનો મને વખત નથી. આપ ફરી વાર આમ વિના કારણ જંગલની શાંતિમાં ભંગ કરશો તો પેલા કૂતરાની માફક આપ સૌની જીભ પણ બંધ કરી દેવી પડશે.

ભીમ: આટલું બધું ગુમાન?

(ગુસ્સામાં રાતો પીળો થઈ ગદા ઉગામે છે. એકલવ્ય ત્વરાથી હાથમાં ધનુષ-બાણ લે છે. એટલામાં અર્જુન તેમની સામે આવી ઊભો રહે છે.)

અર્જુન: શાંત પડો ભાઈ! નાહક શક્તિનો દુરુપયોગ કરવો ઠીક નથી. તમે ક્ષત્રિય છો.

ભીમ: આ બદમાશ કહે છે કે કૂતરાની માફક અમારી પણ જીભ બંધ કરી દેશે. આટલી બધી એની હિંમત! છોકરા, તને ખબર છે કે તુ કોની આગળ ઊભો રહીને આટલી ધૃષ્ટતા કરે છે? ખબર પડતાં જ આંખો ફાટી જશે.

એકલવ્ય: આપનો પરિચય વાતોમાં જ આપવાની જરૂર નથી. પરિચય તો કાર્ય કરીને બતાવવો જોઈએ.

ભીમ: કાર્યમાં? અર્જુન, છોડ, મને રોકીશ નહિ. આઘો ખસી જા વચમાંથી. કાર્ય કરી એને પરિચય કરાવી દઉં કે આપણે ક્ષત્રિય છીએ!

એકલવ્ય: હા, ક્ષત્રિય, ક્ષત્રિય, ક્ષત્રિય! પાછી એની એ જ વાત, પેલી જૂની વાત!

દુર્યોધન: અમે કૌરવ-પાંડવ રાજકુમાર છીએ, કાંઈ જેવા તેવા ક્ષત્રિય નથી!

એકલવ્ય: જાતિ કે કુળનો પરિચય મારે જોઈતો નથી. મારે તો અસ્ત્રવિદ્યાનો પરિચય જોઈએ છે.

અર્જુન: ગુમાની છોકરા! ગુરુકૃપાથી અમારું અસ્ત્રવિદ્યાનું જ્ઞાન પણ જેવું જોઈએ એવું જ છે. ઇચ્છા હોય તો તે પણ બતાવી દેવામાં અમે પાછા નહિ પડીએ.

એકલવ્ય: તે મને ખબર છે. પણ અર્જુન, તમારા જે ગુરુદેવ છે તેમણે જ મને પણ અસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપ્યું છે. જુઓ, જોવું હોય તો. સામે કોની મૂર્તિ રાખીને મેં અભ્યાસ કર્યો છે તે!

દુર્યોધન: ખરેખર! આ તો સાક્ષાત ગુરુદેવની જ પ્રતિમા.

ભીમ: તું જ પેલો ભીલકુમાર કે?

એકલવ્ય: હા, ક્ષત્રિય રાજકુમાર! હું તે જ એકલવ્ય. તે દહાડાની વાત યાદ આવે છે, જે દિવસે મારી નાતજાતનો પરિચય સાંભળી આપ સૌ ટીકા કરતા હતા તે?

ભીમ: ટીકા શું? પણ તિરસ્કાર અને તે તારી નીચ ધૃષ્ટતા પર.

એકલવ્ય: આજે એથી પણ વિશેષ ધૃષ્ટતા જોવી હોય તો જોઈ લેજો. જોઉં છું કે ક્યો ક્ષત્રિયજાયો કૂતરાના મોંમાંથી બાણ કાઢી શકે છે? તમે કેવી ધનુર્વિદ્યા શીખ્યા છો તે આજે બતાવી આપો; જોઉં તો ખરો!

અર્જુન: હમણાં જ બધા કૂતરાને શોધી કાઢી તેના મોંમાંથી બાણ ખેંચી કાઢીએ છીએ. ચાલો, એની ધૃષ્ટતાનું યોગ્ય પ્રાયશ્ચિત આપીએ.

(સર્વે જાય છે)

એકલવ્ય: (મૂર્તિ તરફ જોઈ) હે મારા મૌન ગુરુદેવ! મારા અંતરનું નૈવેદ્ય આપે ગૃહણ કર્યું છે! આજે આપના આશીર્વાદથી મારું જીવન સફળ થયું છે. આ માટીની મૂર્તિમાંથી આપ જતા રહેશો તો પણ આપના આ પૂજારીને પારધી નીચ નિષાદ કહી પગની ઠોકરે તો નહિ જ ઉડાવી શકો.

(દ્રોણ, અર્જુન વગેરે પ્રવેશ કરે છે.)

દ્રોણ: હં અ, આ છોકરો? એ જ કે નિષાદકુમાર?

એકલવ્ય: હા ગુરુદેવ! હું તે ભીલ પારધીનો પુત્ર.

દ્રોણ: હું ગુરુદેવ શી રીતે, છોકરા?

એકલવ્ય: હાસ્તો; તેમ ન હોત તો આપનો આશીર્વાદ મારા મસ્તક પર વિજયની પુષ્પવૃષ્ટિ કેવી કરે?

દ્રોણ: પણ મેં તો તને પારધીનો છોકરો કહીને પાછો કાઢ્યો હતો ને?

એકલવ્ય: હાજી, પણ આપનો તે તિરસ્કાર પૂજામાં મગ્ન થયેલા મારા ભક્તિભીના હૃદયમાંથી આપને દૂર કાઢી ન શક્યો. હું આપનાં ચરણોમાં સ્થાન ન પામી શક્યો એ વાત ખરી; પરંતુ આપ તો મારા હૃદયપદ્માસન પર બિરાજમાન જ રહેલા છો. આટલા બધા દિવસથી માત્ર આપનું ધ્યાન ધરીને જ હું તપશ્ચર્યા કર્યા કરું છું. આપની આ માટીની પ્રતિમામાં દરેક પળે આપનો પ્રભાવ અનુભવું છું. આપની મૂર્તિ તરફ તાકી તાકીને જોયા કરું છું ત્યારે મને જણાય છે કે આપનો આશીર્વાદ ધનુષ્યબાણના મુખમાં ઊતરી આવી મને કૃતાર્થ કરે છે.

દ્રોણ: એકલવ્ય! સાચું કહે, તું કોની પાસે આવી અપૂર્વ ધનુર્વિદ્યા શીખ્યો?

એકલવ્ય: પ્રભુ: હું ભીલ, પારધી બાળક છું. છતાં જૂઠું બોલતાં મને આવડતું નથી. આપ જ મારા દેવતા. આપના જ આશીર્વાદથી આજે કૃતાર્થ થયો છું.

દ્રોણ: મારા આશીર્વાદથી જ જો કૃતાર્થ થયો હોય તો આજે ગુરુદક્ષિણા આપી દે.

એકલવ્ય: અહો! એવું મારું સદ્ભાગ્ય ક્યાંથી? પ્રભુ, આપ કદાચ જાણતા હશો કે લાંબી બરફ જેવી ઠંડી રાતોની રાતો આ ઉઘાડા શરીર પર વીતી ગઈ છે, ઉનાળાના પ્રખર સૂર્ય આ મસ્તક પર પોતાના ધગધગતાં કિરણો વરસાવી ગયો છે, વાઘ-વરુ, સિંહ જેવાં વિકરાળ હિંસક પ્રાણીઓ દાંત પહોળા કરી આ નિર્જન વનમાં મારા શરીરનું લોહી પીવા તલપાપડ થઈ આવ્યા જ કરે છે; મારી આજુબાજુ ભયંકર વિષધર ભુજંગો ફેણ ફૂંફાડા માર્યા કરે છે, છતાં એક પળવાર પણ મારી તપશ્ચર્યાનો ભંગ થયો નથી. એ તપશ્ચર્યાને જ ખાતર મેં ઘરબાર છોડ્યાં છે, માતાની ગોદ છોડી છે, પિતાના અપૂર્વ આશીર્વાદનો લાભ જતો કર્યો છે! છતાં આપના શરણનું ધ્યાન એક ક્ષણવાર પણ મેં છોડ્યું નથી.

દ્રોણ: વાહ વાહ! ઘણું સરસ! હવે કહે શી દક્ષિણા આપે છે?

એકલવ્ય: એ જ જે માગો તે પ્રભુ, આ દેહ, પ્રાણ, સર્વસ્વ!

દ્રોણ: એટલું બધું?

એકલવ્ય: હા ગુરુદેવ! મારા હૃદયમાં જરા પણ કપટભાવ નથી.

દ્રોણ: ધન્ય છે તને! ઠીક ત્યારે આપ, જોઉં, તારા જમણા હાથનો અંગૂઠો કાપી આપ.

એકલવ્ય: હેં ગુરુદેવ?

દ્રોણ: કેમ! આમ ધ્રૂજી ઊઠે છે?

એકલવ્ય: ધ્રૂજું છું? ધ્રુજું છું કેમ, ગુરુદેવ? અનાર્ય પ્રત્યે આર્યોની અમાનુષી નિષ્ઠુરતા જોઈને એમ થાય છે કે આ હૃદય ફાટી જશે! તેટલા જ કારણથી મારું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું છે.

દ્રોણ: બસ ત્યારે, હું જાઉં છું.

એકલવ્ય: ના પ્રભુ! જાઓ નહિ, જાઓ નહિ; મારી લાંબી તપશ્ચર્યા વ્યર્થ જાય. કાંઈ ફિકર નહિ. ગુરુ માની રાત દિવસ આ અનાર્યનો ભક્તિભર્યો અર્ધ્ય જે આપના ચરણોમાં ધર્યો છે તે વ્યર્થ ન થવો જોઈએ. લો, લઈ લો, દીન શિષ્યનું પહેલું અને છેલ્લું નૈવેદ્ય. ગુરુદક્ષિણા સ્વીકારી લો. (અંગૂઠો કાપી દ્રોણાચાર્યના ચરણમાં ધરે છે.)

દ્રોણ: ખરેખર વત્સ, તને ધન્ય છે!

ભીમ: હેં એ? આ શું?

દુર્યોધન: ધનુર્વિદ્યાની કુશળતામાં અર્જુનને સર્વશ્રેષ્ઠ બનાવવાને માટે જ ગુરુદેવનો આ પ્રયત્ન લાગે છે!

દ્રોણ: ચાલો જતા રહો તમે. બહુ લડવાડીઆ છો. અહીંથી ચાલ્યા જાઓ. મારું મન હમણાં ઉદ્વેગમાં છે; મને પજવશો નહિ.

દુર્યોધન: હું તો હજીએ કહું છું કે ગુરુદેવનો અત્યારનો વ્યવહાર મને વ્યાજબી લાગતો નથી.

(જાય છે)

અર્જુન: ગુરુદેવ, રાજશાસનની પદ્ધતિ મુજબ આપે અપરાધીને શિક્ષા કરી છે તેમાં આટલા ગમગીન શા માટે થાઓ છો?

દ્રોણ: હજુ સમજ ન પડી, અર્જુન? આ ભારતવર્ષમાં આજ અનાર્યોનું સ્થાન ક્યાં છે? કોઈક અંધારી પર્વતોની ગુફાઓમાં, કોઈ ઘોર જંગલમાં, વાઘ સિંહના ભૂખ્યાં જડબાં સામે જ ને? પરંતુ યાદ રાખજે, અર્જુન, કે અનાર્યો જ ભારતના મૂળ હકદાર વતનીઓ છે.

અર્જુન: જી! ગુરુદેવ!

દ્રોણ: માટે આજ તમારી જાતિ, કુળ, જન્મ એ સર્વનું માન દૂર કરી જન્મથી નીચ ગણાતા આ ભીલકુમાર પાસેથી ભક્તિ, કોમ અને આત્મત્યાગનો અવનવો પાઠ શીખો. એવું શિક્ષણ, એવો બોધ કોઈ પણ ગૌરવશાળી કુલીન બ્રાહ્મણ ગુરુ પણ તમને આપી શકે તેમ નથી. વત્સ એકલવ્ય!

એકલવ્ય: જી! ગુરુદેવ!

દ્રોણ: તારી આટલા દિવસની તપશ્ચર્યા નિષ્ફળ માની નિરાશ ન થઈશ. તુચ્છ લોહીતરસ્યા ક્ષત્રિયધર્મના બદલામાં આ આત્મત્યાગ વડે તેં જે પવિત્ર બ્રહ્મત્વનો મહિમા પ્રાપ્ત કર્યો છે તેથી તું આ દેશમાં આદર્શ રૂપે પૂજાઈશ. આર્ય જાતિ કદાચ તને દેવમંદિરમાં પ્રવેશ કરવાની રજા નહિ આપે; તો પણ આ બ્રાહ્મણનું વચન છે કે તું સર્વે પવિત્ર આર્યોના હૃદયમંદિરમાં બિરાજમાન રહીશ. ધન્ય છે તારી તપશ્ચર્યાને!

અર્જુન: મને ક્ષમા કરો કુમાર એકલવ્ય! મને ખબર ન હતી કે જંગલની અંધારી ગુફામાં આવો પારસમણિ ઢંકાઈ રહ્યો હશે. મને આલિંગન આપો.
 [પાછળ]     [ટોચ]