[પાછળ] 
બધાં મેડિકલ મિથ્સને હથોડાથી તોડવાં જોઈએ
લેખકઃ હસમુખ ગાંધી
ગ્રંથે ગરબડ કરી, સાચી વસ્તુ નવ કહી. તબીબીશાસ્ત્ર તેની તમામ પ્રગતિ છતાં હજી ઊણું અને અધૂરું છે. તબીબીશાસ્ત્રના પ્રૅક્ટિસનરો અધકચરા અને અર્ધદગ્ધ છે. ચશ્માં ચઢાવીને અને સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને દાક્તરસાહેબ જાણે માનવીના શરીર વિશે પોતે સર્વજ્ઞ હોય એમ એક પછી એક સૂત્રો તથા ઍક્સિયમ્સ ઉચ્ચાર્યે જાય છે. કોઈ કોઈને અહીં પડકારતું નથી. ‘અંધેઅંધ અંધારે મળ્યા, જ્યમ તલ માંહી કોદરા ભળ્યા. સાપને ઘેર પરોણો સાપ મુખ ચાટી ચાલ્યો આપ.’ જનરલ પ્રૅક્ટિસનરો આંખો મીંચીને ફ્લુની દવા ફટકાર્યે જાય છે. જે કન્સલ્ટંટ સાથે એને ઍરેન્જમેન્ટ છે એ કન્સલ્ટંટ વળી બીજી જ ફોર્મ્યુલાને વળગી રહે છે.

પત્રકારો આજે જેમ હોમવર્ક કર્યા વિના ધોયેલા મૂળાની જેમ અખબારોની કચેરીએ જાય છે અને પછી ડહાપણ ડહોળીને બે-ચાર સિલી પીસ ઘસડી કાઢે છે તેમ તબીબો પણ હોમવર્ક કરતા નથી. બધા લેન્સેટ વાંચે છે? તબીબીક્ષેત્રે થતી નીતનવી શોધો વિશે આપણો ભારતીય કન્સલ્ટંટ બ્લિસફૂલી ઈગ્નોરન્ટ હોય છે. ગોખેલાં અર્ધસત્યો તેઓ ઉચ્ચાર્યા કરે છે. ગાડરિયો પ્રવાહ ચાલે છે અહીં. એક ડૉક્ટર કહે કે લાલ ટમેટાં ખાઈએ તો આપણા ગાલ પણ લાલ ટમેટાં જેવા થાય એટલે સૌ લાલ ટમેટાં ઉપર તૂટી પડે છે. બીજો કહે કે કોબી કે ફૂલગોબી (ફ્લાવર) ખાવાથી વજન ઘટે છે એટલે મેદસ્વી સજ્જનો અને સન્નારીઓ કોબી અને ફ્લાવર ઉપર તૂટી પડે છે. દૂધી ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એમ કહી કહીને વર્ષો સુધી બાપડી દૂધીને આપણે થેપલાંમાં અને મૂઠિયાંમાં અને દૂધીચણાની દાળમાં નાખી દીધી હતી. ચુનીલાલ મડિયા કહેતા હતા કે ટુ ઈન વન જેવી આ દૂધીચણાની દાળની શોધ કોઈક અમદાવાદીએ કરી હોવી જોઈએ.

વિટામિન બી કોમ્પ્લેક્સ વિશે એક જમાનામાં પેલાં પાકાં ટમેટાં જેવી જ ઝુંબેશ શરૂ થઈ હતી. બી કોમ્પ્લેક્સને વન્ડર ડ્રગ કહીને દાક્તરો આદુ ખાઈને એની પાછળ લાગેલા. પેનિસિલિન અને સલ્ફા ડ્રગ્ઝ અને ઍન્ટી-બાયોટિક્સે પણ દેકારો મચાવ્યો હતો. ધીરે ધીરે થોડાક શાણા માણસો આગળ આવ્યા. આ શાણા માણસોને ધીકતાં કારખાનાં જેવાં દવાખાનાંનો કસદાર ધંધો કરવામાં રસ ન હતો. તેમણે કહ્યું કે દવાની તમામ ગોળીઓને દરિયામાં નાખી દો. આખો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક મોટું હોક્સ છે. દાક્તરો લાંબાલચક પ્રિસ્ક્રિપ્શન ફટકારે છે અને મેડિકલ સ્ટોરવાળાને તડાકો પડે છે. પેટમાં ઝેર જમા થાય છે. અને રોગ કરતાં તેનો ઇલાજ વધુ જલદ તથા ખતરનાક પુરવાર થાય છે.

આવા આવા ગાર્દ કે આર્ટ ફિલ્મવાળા જેવા તબીબોની એક મોટી ફોજ ઊભી થઈ છે. આમાં પણ કેટલાક ઝંડાધારીઓની હાલત ‘જાનમાં કોઈ પૂછે નહીં ને હું વરની મા’ જેવી હોય છે. તેઓ સામે અંતિમે પહોંચી જાય છે. એક વર્ગ કીધા કરે છે કે ખાંડ, મીઠું (નિમક), દૂધ, ઘી અને તેલ તો પાંચ સફેદ ઝેર છે. માત્ર દહીં (તેઓ કર્ડ્ઝ નહિ બોલે, તેઓ યોગર્ટ કહેશે એને: તેઓ ઍન્જિનને લોકોમોટિવ અને લિફ્ટને એલિવેટર અને કારને લિમૂસિન કહે છે) ખાજો. તેઓ દહીંનો મહિમા સમજાવે છે. આયુર્વેદવાળા વૈદરાજ કહે છે, દિવસમાં દસ લોટા પાણી પીઓ. નૈસર્ગિક ઉપચારવાળા ડૉક્ટર મહેરવાન ભમગરા કહે છે, ‘પાણી તો શું લિક્વિડ માત્ર ત્યાજ્ય છે. કુદરતી ખોરાક ખાઓ, ભાડભૂંજાને ત્યાંથી લાવેલાં ભૂંજેલાં શિંગચણા ખાઓ. ખજૂર અને દહીં ખાઓ. તરસ લાગે ત્યારે કાકડી ચાવી જજો અને સ્ટીમબાથ લેવાનું ચૂકશો મા.’

એક દાક્તર કાયમ કસરતનો મહિમા સમજાવે છે. બીજો કહે છે, ગાંધીજી કહી ગયા છે કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ. ત્રીજો દાક્તર કહે છે, યુ મસ્ટ વોક વિથ ઍન ઈન્ટેન્શન ટુ વોક. મતલબ કે તમે ઉપનગરના રેલવે સ્ટેશનથી તમારે ઘેર ચાલીને જાઓ કે ચર્ચગેટ સ્ટેશને ઊતરીને ફોર્ટમાંની તમારી ઑફિસે જાઓ તેને ટેક્નિકલી વોક ન કહેવાય. આસનોનું અને યોગા (એમ જ)નું એક જબરદસ્ત ઘેલું લાગ્યું છે શહેરી બાવાને. રેગ્યુલર શિક્ષકો સવારે અડધો કલાક માટે એક્ઝિક્યુટિવ્ઝને (બીજા કોને પોસાય? આ સાહેબોને તો તેમની કંપની યોગા માટે પર્‌ક્વિઝિટ્સ આપતી હોય છે.) યોગા શીખવાડે છે. યોગા. રોજ ૪૦ મિનિટ તો કસરત કરવી જ જોઈએ એમ દાક્તરો કહે છે. રોજ પાંચ કિલોમીટર તો ચાલવું જ જોઈએ એમ તબીબો કહે છે.

દૂધ વિશે ખૂબ ઊહાપોહ ચાલે છે. એમ કહેવામાં આવે છે કે દૂધની માનવશરીરને જરૂર નથી. બાળકો કદાચ ભલે (માતાનું દૂધ) પીએ પણ મનુષ્યને દૂધની જરૂર નથી, કારણ કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી કદી અન્ય પ્રાણીનું દૂધ પીતું નથી. આ થિયરીને ઊથલાવી ઊથલાવીને ચકાસવા જેવી છે. તળેલું ન ખવાય, મરચાંવાળું ન ખવાય, રાતે ન ખવાય (રાતે ખાય તે રાક્ષસ કહેવાય), ચા-કૉફી નુકસાન કરે, શરાબને કે સિગારેટને તો હાથ જ ન અડકાડાય: નિષેધોની લાંબીલચક યાદી જોવા મળે છે. વૈદે વૈદે મતિર્ભિન્ના.

ઈશ્ર્વરે માનવીને અદ્ભુત શરીર આપ્યું છે. માનવી આ શરીર ઉપર ભયંકર જુલમ કરે છે છતાં આપણો દેહ એ બધું જીરવી જાણે છે. માનવી બે કપ ચા પીએ તો શું તે મરી જાય? કૅફિન અને ટેનિન તેને કરડી ખાય? માનવી રોજ ઘરમાં અને ઑફિસમાં અને કારખાનામાં ૫૦૦ વખત આમથી તેમ ચાલતો હોય તો એટલી કસરત કાફી નથી? મેડિકલ મિથ્સ વિશે તો મોટો બૃહન્નિબંધ લખી શકાય. ઘણીવાર તો દવા લો તો જે રોગ દસ દિવસમાં મટે છે એ જ રોગ તમે દવા ન લો તો પાંચ દિવસમાં મટી જાય છે.

નેચરોપથીવાળા કહે છે, ઉપવાસ કરો, ઉપવાસથી તમામ રોગો મટી જાય છે. ઍલોપથીવાળા કહે છે (ગંભીર મુખમુદ્રા સાથે), ‘સવારે ઊઠતાંવેંત, મિસ્ટર ગાંધી, તાબડતોબ કશુંક ખાઈ લેજો, નહિતર તમારી હોજરી સંકોચાઈ જશે.’ રાતે ૧૧ વાગ્યે ડિનર લીધા પછી સવારે છ વાગ્યે સાત કલાકનો પેલો ફાસ્ટ તોડવો જ જોઈએ. રિયલી? ચરબી વધી જાય તો કેલરીને કોન્ટ્રોલમાં રાખો એમ તબીબો કહે છે. ઓછું ખાવાથી વજન ઘટે એમ ક્યો તબીબ છાતી ઠોકીને કહી શકે તેમ છે? ઘણા લોકોનાં શરીરનું મેટાબોલીઝમ જ એવું હોય છે કે તેઓ ગમે એટલું ખાય તો પણ તેમનું પેટ કે વજન વધે જ નહિ. બીજા કેટલાક લોકો માત્ર મોળી છાશ (મલાઈ ઉતાર્યા પછીના દૂધની હોંકે) અને તાંદળજાની ભાજી ખાય તથા સિરિયલ માત્ર છોડી દે તો પણ તેમનું વજન વધતું જ જાય છે.

મુદ્દે, નવી નવી થિયરીઓ નીકળતી જાય, નવા નવા તબીબી ચેલાઓ એમાં મૂંડાતા જાય, નવી નવી ગ્રંથ ગરબડો ચાલ્યા કરે અને સામાન્ય માનવી બાપડો મૂંઝાઈ જાય. કાકડીના કટકા એ ભૂલથી નિમકમાં બોળી દે અને પછી તેની આંખ સામે બોંતેર પોઇન્ટની બેનર હેડલાઈન દેખાય: ‘સોલ્ટ ઇઝ વ્હાઈટ પોઈઝન. સોડિયમ ઇઝ હાર્મફુલ ટુ યોર હેલ્થ.’ કાકડીનો કટકો એ બાપડો પાણીના ગ્લાસમાં ઝબકોળી દે અને તેને નિમકરહિત બનાવી દે. રોટલી ઉપર ઘી ચોપડે ગૃહિણી ત્યારે ગૃહસ્થજી ખિજાય છે હવે: ‘સો વાર તને કીધું કે રોટલી ઉપર આટલું બધું ઘી ન ચોપડ.’ કોલેસ્ટોરલની ચિંતામાં ગૃહસ્થજી દુ:ખી દુ:ખી રહે છે. ક્યારેક તેઓ મેથીની ભાજીનું થેપલું ખાય તો તેઓ એને કોરા કાગળ ઉપર દાબીને (એમાંથી તેલ શોષાવડાવીને) પછી બીતા બીતા ખાય છે. મોં કટાણું કરીને. જાણે ઝેર ન ખાતા હોય. કેળાં ખવાય નહીં, વજન વધે, બટાટા તો જોવાય પણ નહીં: નકરી ચરબી.

કાર્બોહાઈડ્રેટ અને ફેટ અને પ્રોટીન ભણી જોઈને આપણો (જેનું મન કન્ડિશન્ડ કરી દેવામાં આવે છે તેવો) ગૃહસ્થ થરથરી ઊઠે છે. ત્યાં ૧૩૦ જેટલું બ્લડપ્રેશર થાય એટલે દાક્તર એને કહે છે: ‘રોજ નિકાર્ડિયા રિટાર્ડ લેજો. એક્કેય દિવસ પાડતા નહિ.’ ઊંચા બ્લડપ્રેશરથી તો હાર્ટને અસર થાય. દવાની ગોળીઓ ખાવાથી હાડકાંની અંદરનો મૂલ્યવાન માવો (મેરો) ધીરે ધીરે ખતમ થાય છે. ઘી-તેલ નહિ લેવાથી શરીરની સ્નિગ્ધતા ચાલી જાય છે. ‘તૈલાભ્યંગ સ્વપ્ને નવ ઇચ્છે, છે લૂખું ઋષિનું ગાત્ર’ એમ મહાકવિ પ્રેમાનંદે કૃષ્ણના ફ્રેન્ડ સુદામા વિશે કહ્યું હતું. તેલ નહિ ચોળવાથી જો દેહ શુષ્ક બની જાય તો ઘી-તેલ-દૂધ નહીં લેવાથી શું થાય?

‘ઘરડા કેવા ડાહ્યા હતા, મન ફાવે ત્યારે ગોળનું દડબું ઉડાવી જતા’, એમ ઉમાશંકર જોષીના બટુની મા ગોરાણી કહે છે. એ એક સામાન્ય માન્યતા છે કે ખાંડ નુકસાન કરે અને ગોળ બહુ સારો. વાસ્તવમાં તો માનવીએ નોર્મલ જીવન જીવવું જોઈએ. ફફડાટ વિનાનું. મોરારજી દેસાઈની ભાષામાં કહીએ તો, નિર્ભય. ભલાદમી, ખાઓ, પીઓ અને મજા કરો. અમારા મિત્ર મનુભાઈ કહે છે કે કોઈ પણ રોગમાં કેપીએમની ગોળી કામયાબ નીવડે છે: ખાઓ, પીઓ, મોજ કરો. ભેળ ખવાય, પાણીપૂરી ખવાય, ગુલાબજાંબુ ખાઈ શકાય, દૂધ પીવાનું ટેસથી, રોટલી ઉપર ઘી ચોપડો અને ખીચડીમાં પણ તમતમારે ખાડો પાડીને ચાર ચમચી ઘી ફટકારી દો.

અમારા વૈદરાજ કહે છે, ઘી ન ખાવું એના કરતાં ઘી ખાઈને પછી સ્વાભાવિક મહેનત વડે તેને પચાવી જવું તે વધારે સારું છે. શરીર પાતળું છે? કશો વાંધો નથી. તમે જો લાઈવ ઈલેક્ટ્રિક વાયરની જેમ ચપળતાથી અને તેજીથી શરીરનું ખાસ્સું મેનૂવરિંગ કરી શકતા હો તો કૃશતા એ કાંઈ ગુનો નથી. શરીર સ્થૂળ છે?  મેદસ્વી છે?ડોન્ટ વરી. ક્રેશ ડાયેટ કરીને એને ઘટાડવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે ખવાય એટલું ખાજો. બહુ વધારે ન ખાવું. અકરાંતિયા ન થવું અને સગવડ હોય તો થોડુંક હરવું-ફરવું. બાકી લહેર કરોને યાર. ચિંતા ન કરશો. માપીને ખાવું, આપણને ડાહ્યો કહે છે. બે ભાગ જેટલું પેટ ખોરાકથી ભરવું, એક ભાગ પાણીથી ભરવો અને એક (ચોથો) ભાગ ખાલી રાખવો, તેઓ ઠાવકું મોં રાખીને કહે છે. એક કોળિયો ૪૦ વાર ચાવવો જેથી એમાં સેલિવા ભળે. લાળ ભળે એમ કહીએ તો ચીતરી ચઢે છે. દિવસમાં બે જ વાર ભાણે બેસીને ખાઈ લેવું, દાદીમા કહે છે. દિવસમાં પાંચ વાર કટકે કટકે ખાવું, ચશ્મિસ્ટ દાક્તર કહે છે. શિખામણ એવી જણસ છે, જ્યોતીન્દ્ર હ. દવે નામના મશ્કરા સજ્જને કહ્યું છે, જે આપવાનું સૌને ગમે છે, લેવાનું કોઈને નથી રુચતું.

મૂળા, મોગરી ને દહીં રાતે ખાવાં નહીં. એમ એક વૈદ કહે છે. કેમ? ખાટા ઘચરકા આવે. આંખે ત્રિફળા, દાંતે લૂણ એ ઘર વૈદ કદી ના જાય, વૈદરાજ કહે છે. દાંતે રોજ લૂણ ઘસો તો તમારા પેઢિયાં (ગમ્સ) ખવાઈ ન જાય? ઍન એપલ એ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. સફરજનને આપણે ઉપરોક્ત લાલ ટમેટાંની જેમ ખૂબ જ ચડાવી માર્યું છે. દાદીમા કહે છે, સિઝનમાં દસ વખત મોટ્ટાં પાક્કાંપચ કાળાં જાંબું ખાજો, જઠરમાંથી સંધોય કચરો નીકળી જશે. લીલી હળદર છૂટથી ખાવી, જમતાં પહેલાં આદુ ખાઈએ તો તે ઍપિટાઈઝરની ગરજ સારે છે, સાંજે ચાર વાગ્યા પછી ચા નો પીવાય, ચા પીવાથી ભૂખ મરી જાય વગેરે અનેક સૂત્રો આપણે માથે ઠોકવામાં આવ્યાં છે. ખાલી પેટે ચા ન પીવી, કશુંક ખાઈને પછી માથે ચા પીવી, એક દાક્તર કહે છે. બીજો કહે છે, સવારે ઊઠીને પ્રથમ એક મોટ્ટો ગ્લાસ ભરીને પાણી પી જવું અને પછી જ ચા પીવી. એક દાક્તર કહે છે, બહુ ઘસી ઘસીને લોખંડના ઊલિયાથી તમે ઊલ ન ઉતારશો: જીભ ઉપરના ટેસ્ટબડ્ઝ નાશ પામશે. બીજો દાક્તર કહે છે, બરાબર ઘસીને ઊલ ઉતારવી.

કોન્ટેક્ટ લેન્સ પહેરવા કે નહીં? અહીં પણ બે થિયરી. એમાં પાછાં પેલાં ઍક્યુપંકચરવાળા અને હોમિયોપથીવાળાઓએ (કાલી ફોસ અને નેટમ મૂર: ૬૦૦નો પાવર હોંકે) ઉપાડો લીધો છે. અખબારી તંત્રીઓએ આ સૌને હાટડીઓ ઉઘાડી આપી છે. સૌનો જુદો સ્લોટ. સૌ પોતાના ધંધામાં બરકત લાવવા માટે અખબારી કટારો ચલાવે. એમાં તેઓ ડહાપણ ડહોળે, ગ્રંથ ગરબડ કરે અને વાચકોને ઊંઠા ભણાવે. મૂંઝાયેલો વાચક શું કરે? દાક્તરના કન્સલ્ટિંગ રૂમ્સ ભણી હડી કાઢે: ‘મૈં ભાગી તુમ્હારી ઑર, બચા લે મુઝે, બાબુ, બચાલે મુઝે, બાબુ, બચા લે મુઝે બાબુ રે.’ દાક્તરબાબુ એ જીવડાને કે એ જીવડીને બચાવી લેશે? મેડિકલ મિથ્સ પાર વિનાનાં છે. એક તૂટે ને તેર બંધાય છે. ડાંડા (ખાર)ને દરિયાકિનારે વહેલી સવારે દરિયામાં ચોમેર જાળ બિછાવીને માછીમારો પાણી ઉપર જોરથી ડાંગ મારે, ડા ગે માર્યાં માછલાં ભડકે અને કૂદાકૂદ કરે. ફસાય બાપડાં જાળમાં. દાક્તરો દરદીને ભડકાવે છે અને દરદીઓ એ પછી દાક્તરોના રીંછ-આશ્ર્લેષમાં જકડાઈ જાય છે.

દાક્તરો આજકાલ બીપીની બહુ વાતો કરે છે. બીપીની દવાઓ દરદીની આર્ટરીઝને પહોળી કરી નાખે છે. દરેક વ્યક્તિદીઠ ટેમ્પરેચર, બ્લડપ્રેશર જુદું જુદું હોય છે. કોઈકને ૧૪૦ જેટલા બ્લડપ્રેશરથી અકળામણ થાય. કોઈક વળી બીપી ૨૫૦ પોઇન્ટ હોય તોય આરામથી ઊડે. ધે વુડ બી ક્રુઝિંગ ઍટ હાઈ ઑલ્ટિટયૂડ. કોલેસ્ટેરોલ ઊંચું હોય એવી ઘણી વ્યક્તિઓ ૧૦૦ વર્ષની ઉંમર સુધી જીવે છે. બીજી તરફ જેનું એકદમ નીચું કોલેસ્ટેરોલ હોય એવી વ્યક્તિઓ નાની વયે મૃત્યુ પામે છે. કોલેસ્ટેરોલની નીચી સપાટી કાંઈ મોર્ટેલિટી રેટ્સને સુધારતી નથી.

અધકચરી તબીબી કલ્પનાઓને પ્રતાપે શું આખા દેશના લોકોના સૈકાઓના ડાયેટને બદલી નાખવો જરૂરી છે? વધુ ખોરાક ન લેવો એમ કહેવામાં આવે છે પણ તમારી જીભ જ એક્સેસ ખોરાકને પાછો ફેંકી દે છે. બે કે ત્રણ કે ચાર પેંડા ખાઓ એટલે તરત જ ડિમિનિશિંગ રિટર્ન્સ આવશે. પેઇન-કિલર્સ કે દર્દશામક ટીકડીઓ ખૂબ નુકસાન કરે છે. કેટલીક તો તમારા બોન મેરોને નુકસાન કરે છે. આથી દર્દશામક ટીકડીઓ ખોટા દાવા કરે છે. ભારતમાં અબજો રૂપિયાની દવાઓનું ઉત્પાદન થાય છે. આ બધી દવાઓને દરિયામાં ફેંકી દેવામાં આવે તો તેથી નાગરિકોનું કશું નુકસાન નહીં થાય.

કુલ હજારો ડ્રગ કંપનીઓની હજારો દવાઓ આજે બજારમાં છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશને)એ કહ્યું છે કે આમાંથી માત્ર ૨૬૭ દવાઓ ખપની છે. હિપ્પોક્રેટિકનો ઓથ કહે છે: આઇ શેલ ઍબ્સ્ટેઇન ફોમ ઓલ ઇન્ટેન્શનલ રોંગ ડુઇંગ ઍન્ડ હાર્મ સ્પેશિયલી ફ્રોમ ઍબ્યુઝિંગ ધ બોડીઝ ઑફ મેન ઑર વુમન, બોન્ડ ઑર ફ્રી. દાક્તરો આઈ સ્વેર બાય ઍપોલો, ધ ફિઝિશિયન એમ કહીને શપથ લેવાનું શરૂ કરે છે, પણ ધન્વન્તરિ હોય કે ચરક હોય, સ્વાસ્થ્યનો કોઈ અધિષ્ઠાતા આ તબીબોના રેબિડ કોમર્શિયાલાઈઝેશનને આજે ખાળી શકે એમ નથી. હિપ્પોક્રેટિક ઓથમાં તબીબો કહે છે, આઈ વિલ કીપ પ્યોર ઍન્ડ હોલી બોથ માય લાઈફ ઍન્ડ હાર્ટ. આ શપથને આજે ઘણા લોકો મજાકમાં હિપોક્રસીનો (દંભનો) ઓથ કહે છે.

યાદ રાખો, દુનિયાનો કોઈ દાક્તર તમને ઉત્તમ સ્વાસ્થ્ય આપી શકતો નથી. ‘ગુરુ થા તારો તું જ,’ અખાએ કહ્યું છે. દરેક માણસે પોતાનો જ દાક્તર થવાનું છે. હેલ્થ કંઈ બજારમાંથી કે ફેરિયાઓની રેંકડીમાંની વિકાઉ કૉમોડિટી નથી. હેલ્થ ખરીદી શકાતી નથી.
 [પાછળ]     [ટોચ]