[પાછળ] 
...હવે મારી સાથે કોઈ નથી
લેખકઃ દિનકર જોષી

ગાંધીજીના સમગ્ર જીવનનો અભ્યાસ કરીએ ત્યારે એક વાત ઊડીને આંખે વળગે છે. દેશના સ્વાતંત્ર્ય કરતાં પણ કોમી ઐક્ય ગાંધીજીને મન મહત્ત્વનું હતું. પોતાના આ પરમ ઉદ્દેશમાં ગાંધીજી સફળ ન થયા. કોમી એકતાના ભોગે દેશને સ્વરાજ્ય મળ્યું. દેશના મોટા ભાગના મુસલમાનોએ વિભાજનનું સમર્થન કર્યું. ૧૯૪૬ની વચગાળાની સરકારમાં સરદાર તથા જવાહરલાલ જેવા નેતાઓએ પણ તંગ આવીને ગાંધીજીને જાણ સુદ્ધાં કર્યા વિના વિભાજન માટે સંમતિ આપી દીધી.

મારા મૃત્યુ પછી જ દેશનું વિભાજન થશે એવું કહેનારા ગાંધીજીએ વિભાજનને સહેજે જ સ્વીકારી લીધું. વિભાજનના વિરોધીઓએ ત્યારે ગાંધીજીને કહ્યું પણ ખરું : ‘બાપુ! આ મુદ્દે તમે ઉપવાસ કેમ નથી કરતા?’ અત્યંત હતાશાથી ત્યારે તેમણે ઉત્તર વાળ્યો : ‘હવે હું કોની સામે ઉપવાસ કરું? મારી સાથે કોઈ નથી.’

હિંદુ અને મુસ્લિમ બંને એક જ પ્રજા છે એવો ગાંધીજીનો જીવનમંત્ર વહેવારિક સત્યે ઊણો ઊતર્યો હતો. ઝીણાનો દ્વિરાષ્ટ્ર-સિદ્ધાંત તત્પૂરતો યથાર્થ ઠર્યો હતો. કાળાંતરે ઝીણા પણ ખોટા ઠર્યા અને ધર્મના નામે રચાયેલા પાકિસ્તાનના પણ બે ટુકડા થઈ ગયા. પણ આની સામે પ્રતિપ્રશ્ન પણ ઉઠાવી શકાય તેમ છે કે દ્વિરાષ્ટ્રનો અસ્વીકાર કરનારા ગાંધીજીની વાત આપણે આ સાડા છ દાયકા જેટલા સમયમાં યથાર્થ ઠેરવી છે ખરી? પોતાને એકસો દસ ટકા સેક્યુલર કહેવડાવતો એકેય બુદ્ધિજીવી છાતી ઠોકીને આ પ્રશ્નનો ઉત્તર હકારમાં આપી શકે એમ છે?

કૃષ્ણથી માંડીને ગાંધીજી સુધી અનેક વિભૂતિઓએ પોતાના જીવનઆદર્શો વહેવારમાં મૂકવા અત્યંત નિષ્ઠાપૂર્વક મથામણો કરી છે. એમના જીવનકાળ દરમિયાન કોઈનેય સફળતા મળી હોય એવું કહી શકાય એમ નથી. ગાંધીજી પણ પૂરા સફળ થયા છે એવું ન કહેવાય. આમ છતાં આ પુગપુરુષો નિષ્ફળ ગયા છે એવું કહેવામાં શાણપણ નથી. માણસજાતે આ યુગપુરુષોનાં વાણી અને વર્તન પાસે જઈને પોતાના અસ્તિત્વને બચાવી લીધા સિવાય બીજો કોઈ માર્ગ નથી.

શ્રીકૃષ્ણ અને ગાંધી બંન્નેના અંતિમ વર્ષોમાં ઊડીને આંખે વળગે એવું અદ્ભુત સામ્ય છે. મહાયુદ્ધ પછી છેલ્લાં છત્રીસ વર્ષો કૃષ્ણ દ્વારકામાં લગભગ એકાકી અને ઉવેખાયેલી અવસ્થામાં રહ્યા છે. યાદવ આપ્તજનો સૂરા અને સુંદરી વચ્ચે વિવેકભાન ભૂલીને ડૂબી ગયા હતા અને આસપાસનો કલહ વધતો જતો હતો. કૃષ્ણ આ જોતા હતા પણ રોકી શક્યા નહીં. કૃષ્ણ જેવા યુગપુરુષનાં સંતાનોએ પેટે તાંસળી બાંધીને દેવર્ષિ નારદ વગેરેની મશ્કરી કરી અને ફળસ્વરૂપે શાપિત થયા. કૃષ્ણે દ્વારકામાં મદ્યનિષેધ દાખલ તો કરાવ્યો પણ એનો અમલ કરાવી શક્યા નહિ. આ સહુ સ્વજનોએ કૃષ્ણની નજર ચૂકાવીને મદ્યપાન, દ્યૂત વગેરે દુર્ગુણોને મોકળું મેદાન આપ્યું અને કૃષ્ણ આ જાણતા હોવા છતાં લાચાર બની ગયા. છેલ્લે, આ સ્વજનો કૃષ્ણની નજર સામે જ પરસ્પર લડ્યા, ગાંડાતુર થઈને પરસ્પરને બચકાં ભર્યા અને પરસ્પરનો નાશ કર્યો. આ બધું છતી આંખે જોઈ રહેલા કૃષ્ણને એક પશુ સમજીને કોઈ પારધિએ વીંધી નાખ્યા.

ગાંધીજીના અંતિમ વર્ષો પણ આવાં જ દુઃખમય રહ્યાં. જે ગાંધીએ સ્વરાજનું નાવ કાંઠે લાવી દીધું હતું એ ગાંધીને એમના આપ્તજન જેવા જવાહર, સરદાર કે મૌલાના આઝાદ આ સહુએ એક યા બીજા પ્રકારે છેતર્યાં જ છે. ગાંધી દેશના વિભાજનની વિરુદ્ધ હતા એટલે એમને લગભગ અંધારામાં રાખીને આ સર્વોચ્ચ નેતાગીરીએ વાઈસરોય લોર્ડ માઉંટબેટન સાથે કુલડીમાં ગોળ ભાંગી નાખ્યો. જે ગાંધી કરોડો દેશવાસીઓને પોતાની સાથે રાખી શકતા હતા, જરૂર પડ્યે સામા પ્રવાહે તરીને પણ પ્રવાહનું વહેણ બદલી નાખતા હતા એ ગાંધી લાચાર થઈ ગયા. દેશના મોટાભાગના હિંદુઓએ કહ્યું - ‘ગાંધી મુસ્લિમ તરફી છે.’ એ જ રીતે દેશના મોટાભાગના મુસલમાનોએ કહ્યુંઃ ‘ગાંધી જ પાકિસ્તાનની રચનાના વિરોધી છે.’ આટલું અધૂરું હોય એમ ગાંધી અત્યંત હતાશ અવસ્થામાં, કૃષ્ણની જેમ જ ટગર ટગર જોઈ રહ્યા અને કલકત્તા હોય કે નોઆખલી, અમૃતસર હોય કે લાહોર, સર્વત્ર સ્વજનોને પરસ્પર રહેંસી નાખતા જોઈ રહ્યા અને આ દૃષ્ય પૂરું થાય એ પહેલાં જ એક હત્યારાએ એમને વીંધી નાખ્યા!

જે કૃષ્ણના દેહ ઉપર જન્મથી જ જેણે વારંવાર હુમલા કર્યા હતા અને છતાં કૃષ્ણનો વાળ સુદ્ધાં વાંકો નહોતો થયો એ કૃષ્ણ ઉપર અહીં નિબિડ અંધકાર વચ્ચે મૃત્યુએ જે આક્રમણ કર્યું, એ મહાકાળ કેટલો નિર્મમ છે એનો જ સંકેત છે. સમગ્ર કુળને પરવારી ચૂકેલા કૃષ્ણ અશ્વસ્થ વૃક્ષની છાયા હેઠળ એક આદિવાસી શિકારીના તીરનો ભોગ બન્યા. કોઈ પ્રકાંડ ધનુર્ધર કે પ્રચંડ યોદ્ધાના હાથે આ શસ્ત્રઘાત નહોતો થયો. અંધકારના ઓળા હેઠળ, પશુના માંસની શોધમાં નીકળેલા એક વનવાસી ભીલે કૃષ્ણને વૃક્ષ હેઠળ બેઠેલું પશુ સમજીને એનો ઘાત કર્યો! યુગાંતરો સુધી જે કર્મો અવિસ્મરણીય રહેવાં સર્જાયા હતાં એ કર્મોના કર્તાનો આમ વિલય થયો!

ગાંધીના જીવનના પાછલાં વર્ષો પણ આવી જ એક કરુણાંતિકા છે. ૧૯૪૨ના ઓગસ્ટ મહિનામાં હિંદ છોડોનું રણશિંગુ ફૂંક્યા પછી એમની ધરપકડ થઈ ત્યારે ગાંધી અડીખમ યોદ્ધા હતા પણ મે ૧૯૪૪માં જ્યારે એ જેલમાંથી છૂટ્યા ત્યારે પરિસ્થિતિ સાવેસાવ બદલાઈ ચૂકી હતી. છેલ્લાં પચ્ચીસ વરસથી એમનો જમણો હાથ બનીને રહેલા મહાદેવભાઈ અને છેલ્લા સાડા છ દાયકાથી એમનો પડછાયો બનીને રહેલા કસ્તુરબાએ જેલમાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. ગાંધીજી જેલમાં ગયા ત્યારે આ બંને સાથીઓ એમની શક્તિ બનીને એમની સાથે હતા પણ જ્યારે જેલમુક્ત થયા ત્યારે ગાંધી શક્તિવિહોણા થઈ ચૂક્યા હતા.

મહાદેવભાઈ અને કસ્તુરબા, બંનેના મૃત્યુને ગાંધીએ પ્રકૃતિ સહજ સ્વીકારીને એનો મનોમન સ્વીકાર કરી લીધો હતો પણ એ પછી બહારની દુનિયામાં છેલ્લાં ત્રણ વરસમાં જે બન્યું એ કદાચ એમના માટે અસહ્ય હતું. જે સિદ્ધાંતો કે જે આદર્શો માટે એમણે આજીવન પોતાના પ્રાણને હોડમાં મૂક્યા હતા એ બધા જ સિદ્ધાંતો અને આદર્શો એમની નજર સામે જ એમના સાથીઓ અને દેશવાસીઓ ભડભડ સળગાવી રહ્યા હતા. એક સાંધે ત્યાં તેર તૂટે એવી અત્યંત વિષમ પરિસ્થિતિ ચારેય બાજુ ફરી વળી હતી. કોમવાદે માઝા મૂકી હતી અને દેશ આખો મદ્ય પીધેલા યાદવોની જેમ પરસ્પરના સંહારમાં ઊંડો અને ઊંડો ઊતરી રહ્યો હતો. હિંદુઓ માનતા હતા કે ગાંધી અકારણ જ મુસલમાનોની તરફેણ કરે છે અને એમના આ પક્ષઘાતી વલણને કારણે જ પાકિસ્તાનની માગણી બળવત્તર બનતી હતી તથા મહંમદ અલી ઝીણા દિવસે દિવસે વધુ ને વધુ માથે ચડી રહ્યા હતા. આના પરિણામે હિંદુઓનો એક વિશાળ વર્ગ ગાંધીની વિરુદ્ધ થયો હતો. સામા પક્ષે મુસલમાનો એવું ગળા સુધી માનતા હતા કે પાકિસ્તાનની રચનાને આડે માત્ર ગાંધી જ આવે છે. ગાંધી વિભાજનની વિરુદ્ધ હતા અને દેશ કોઈપણ ભોગે અખંડ જ રહેવો જોઈએ એવી એમની દૃઢ માન્યતા હતી. એમના આ આગ્રહને કારણે મુસલમાનોમાં ગાંધીજી અપ્રિય બન્યા હતા. આ દિવસો દરમિયાન એમને રોજે રોજ મળતા સેંકડો પત્રોમાંથી પંચાણુ ટકા એમનો વિરોધ કરતા અને એમને વખોડી કાઢતા હતા.

આટલું અધૂરું હોય એમ, દેશ આખો જાણે વિભાજન કરીને પણ સ્વાતંત્ર્ય મેળવી લેવા અધીરો બન્યો હતો. ગાંધીનો જમણો અને ડાબો હાથ ગણાતા સરદાર અને જવાહર સુદ્ધાં, ગાંધીની મરજી વિરુદ્ધ અને કંઈક અંશે ગાંધીને જાણ ન થાય એવી ગુપ્તતાથી વિભાજન માટે તૈયાર થઈ ચૂક્યા હતા. ગાંધીએ જ્યારે આ જાણ્યું ત્યારે એમને કેવી કળ ચડી ગઈ હશે એ કલ્પના કરવી અઘરી નથી. વાઈસરોય માઉંટબેટને જ્યારે ગાંધીને કહ્યું કે વિભાજનના મુદ્દે તમારા સાથીઓ પણ હવે તમારી સાથે નથી ત્યારે ગાંધીએ વળતો જવાબ વાળેલો કે એવું હોય તો દેશ મારી સાથે છે. પણ આ ગણતરીમાંય ગાંધી ખોટા પડ્યા. થોડા જ સમયમાં એમને પ્રતીતિ થઈ ગઈ કે દેશ પણ એમની સાથે નહોતો. હિંદુઓ અને મુસલમાનો ક્યારેય સાથે રહી શકે નહિ એ ઝીણાનો સિદ્ધાંત વિજયી નીવડ્યો હતો. મુસલમાનોને પોતાની અલગ માતૃભૂમિ જોઈતી હતી અને થાકેલા હિંદુઓને એમનાથી છૂટકારો મેળવીને કાયમી શાંતિ જોઈતી હતી. ગાંધી એકલા પડી ગયા. વિભાજનના વિરોધમાં સરહદના ગાંધી બાદશાહ ખાન એમની જોડે હતા. બાદશાહ ખાન, જેમની સાત પેઢીએ જરૂર પડ્યે શત્રુઓનાં મસ્તકો ઉતારી લેવાનું શીખવ્યું હતું એ બાદશાહ ખાન કોંગ્રેસ કારોબારીની સભામાં આંસુ સારતા રહ્યા અને અસહાય ગાંધી જોતા રહ્યા!

દેશ આખો ગાંડોતૂર થઈ ચૂક્યો હતો. નોઆખલી, બિહાર, પંજાબ અને દિલ્હી... જેઓ ગઈકાલે પડોશીઓ હતા એ સહુ આજે શત્રુઓ બન્યા. ભયંકર અવિશ્વાસ અને અણગમાની ખાઈઓ ખોદાઈ ચૂકી હતી. ગાંધીની નજર સામે જ આ ખાઈઓમાં આબાલવૃદ્ધ - સ્ત્રી-પુરુષ સહુના મૃતદેહોનો ઢગલો થતો રહ્યો! જે રીતે કૃષ્ણ જોતા રહ્યા અને યાદવ પરિવારે પરસ્પરનો નાશ કર્યો એમ અહીં ગાંધી જોતા રહ્યા અને લાખો દેશવાસીઓ પરસ્પરનું લોહી ચૂસવા માંડ્યા. ગાંધીનું સત્ય અત્યંત કુરુપ થઈ ગયું અને એમની અહિંસા મરણ પથારીએ પડી.

ગાંધીજી વિભાજનના વિરોધી હતા અને કોંગ્રેસના મોટા ભાગના એમના સાથીઓ વિભાજનના તરફદાર થઈ ચૂક્યા હતા. ભૂતકાળમાં પોતાની ધારણાનો સ્વીકાર કરાવવા માટે ગાંધીજી અવારનવાર ઉપવાસનું શસ્ત્ર ઉગામતા. વિભાજનનો વિરોધ કરવા માટે પણ એમણે ઉપવાસનો આશરો કેમ ન લીધો એવા પ્રશ્નના ઉત્તરમાં એમણે કહ્યું છે - ‘હવે મારે કોની સામે લડવું અને શાને અર્થે?’ એમના આ શબ્દોમાં અસીમ એકલતાના જ દર્શન થાય છે - જાણે અર્જુનનો જ આ વિષાદ!

આ સમયગાળામાં જ અશોક મહેતા અને અરુણા અસફઅલી જેવા સમાજવાદી યુવાનો સાથેની ચર્ચામાં ગાંધીજીએ પોતાની હતાશા આ શબ્દોમાં વ્યક્ત કરી છે - ‘ના, તમે મારી સાથે નથી. કોંગ્રેસ પણ મારી સાથે નથી. એટલે મારે તો એકલે હાથે જ મારું કામ કરવાનું રહે છે.’

અન્ય એક સહકાર્યકર્તાને લખેલા પત્રમાં એમણે પોતાનું અંતર આ શબ્દોમાં ઠાલવ્યું છે - ‘આજે મારું કોણ સાંભળે છે?’ મહાભારતના સર્જક વ્યાસની જ મનોવ્યથા - न कश्चित शृणोति मे - જાણે અહીં પડઘાતી હોય એમ લાગે છે.

એમની આ અહિંસા આઝાદી પછી ફરી એકવાર કસોટીએ પણ ચડી. પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું અને આ આક્રમણ સામે કાશ્મીરનું રક્ષણ હિંદી સૈન્યોએ વળતાં શસ્ત્રો ઉપાડીને જ કરવું પડ્યું, ખુદ ગાંધીએ કાશ્મીર મોરચે લડવા જઈ રહેલા સેનાપતિને આશીર્વાદ આપ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી કે ફાસીવાદી દળોનો સામનો અહિંસાથી કરવાની એબીસીનિયા, ચેકોસ્લોવેકિયા કે અન્ય દેશોને સલાહ આપનારા ગાંધીએ કાશ્મીરમાં તો હિંદી સૈન્યોને શસ્ત્રો દ્વારા વિજય પ્રાપ્ત કરવાના જ આશીર્વાદ આપ્યા. જો કે આમ કરતી વખતે હિંદી સૈન્યના સરસેનાપતિ જનરલ કરીઅપ્પાને એમણે કહ્યું છે કે લશ્કરી દળોમાં અહિંસાની ભાવના ફેલાય એવું તમારે કરવું જોઈએ. આવું શી રીતે થઈ શકે એવી કરીઅપ્પાની પૃચ્છાના જવાબમાં એમણે કહ્યું કે આજે તો મને એવી ખબર નથી પણ હું એનો જવાબ શોધી રહ્યો છું.

અને કૃષ્ણની જેમ જ, જે ગાંધી લડાઈના અત્યંત કપરા તબક્કાઓ વચ્ચે પણ સંખ્યાબંધ હુમલાઓ પછી મૃત્યુના મોઢામાંથી ઉગરી ગયા હતા એ જ ગાંધી એમના પોતાના એક સ્વજનના હાથે જ ગોળીઓથી વીંધાઈ ગયા. ગાંધીના કુટુંબમાં હવે, માત્ર એમનાં ચાર સંતાનો અને એ ચાર સંતાનોના સંતાનો જ માત્ર નહોતા. ગાંધી હવે વિશ્વપુરુષ બની ચૂક્યા હતા. આખું હિંદુસ્તાન અને અવિશ્વાસના પાયા પર પેદા થયેલું પાકિસ્તાન સુદ્ધાં એમનો પરિવાર જ હતો. આવા એક પરિવારજને જ એમની જીવનયાત્રા સમાપ્ત કરી નાખી.

(પ્રબુદ્ધ જીવન)
 [પાછળ]     [ટોચ]