[પાછળ] 
ઈંદ્રાસન
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

[સ્થળ : અમરાવતીનું સભામંદિર. મણિજડિત સુવર્ણના સ્તંભોની હારની હાર દેખાય છે. વચ્ચે ઈંદ્રાસન ખાલી પડ્યું છે, અને આગળ વજ્ર પડ્યું છે. યયાતિ અને વૃષપર્વા યુદ્ધમાંથી હરખાતાં, વાત કરતાં કરતાં આવે છે. બંને સશસ્ત્ર છે.]

વૃષપર્વા : આખરે આપણે ઈંદ્રને હરાવ્યો.

યયાતિ : [અભિમાનથી હસીને] મેં દેવોનો કેવો પરાજય કર્યો!

વૃષપર્વા : કેટલી પેઢીએ આખરે વિજય થયો! મારા પૂર્વજોનું આજે વેર વળ્યું.

યયાતિ : [મલકાઈને] હું તો જાણતો હતો કે હું જીતવાનો છું.

વૃષપર્વા : [મંદિર જોઈ અંજાઈને] પણ માનવરાજ! જુઓ, જુઓ તો ખરા આ દેવસભાનું મંદિર!

યયાતિ : શું સુંદર! [ઈંદ્રાસન તરફ જોઈને] આ ઈંદ્રાસન [પ્રશંસામુગ્ધ જોયા કરે છે.] મારી અભિલાષાનું પરમ કેન્દ્ર – [હર્ષથી] ઈંદ્રાસન.

વૃષપર્વા : [હોઠ પીસી] આપણા હાથમાં.. ને પેલું જોયું? [ધીમેથી] વજ્ર-

યયાતિ : મારા ખડગથી જે માત થયું છે તે.

વૃષપર્વા: પાતાળને કંપાવતું ભયંકર શસ્ત્ર એ હવે એ આપણું.

યયાતિ: [મૂછ પર તાવ દઈ] બિચારો ઈંદ્ર! હજુ પણ દેવયાની ગુરુવર્યને તેડીને કેમ નહીં આવી?

વૃષપર્વા : [કાન દઈ] આ કોઈ એના જેવું આવતું જણાય છે. આવા ચપળ, ઉત્સાહી અને સ્વસ્થ પડઘા કોઈ બીજાના પગલાં પાડતાં નથી.

યયાતિ: [હસીને] તમે એના પડઘા સારી રીતે ઓળખો છો!

વૃષપર્વા: યયાતિ! અમારી તો આજે એ આધાર, પ્રેરણા ને ઉદ્ધાર.

યયાતિ : તમે બધાએ જ એમ કહી કહી એને ફટવી મૂકી છે. [હસીને] લ્યો, આવ્યાં.

[દેવયાની સશસ્ત્ર અને ઉતાવળમાં આવે છે.]

વૃષપર્વા : પધારો દેવયાની!

દેવયાની : [ઉત્સાહથી સભામંદિર જોતાં] આ દેવોનું સભામંદિર, આપણી નિરાધારીની શૃંખલાઓ જ્યાં ઘડાતી તે!

યયાતિ : [હોંશથી] પેલું ઇંદ્રાસન જોયું. દેવયાની! એના રંગ તો જો. એના આછા આછા ઓળાઓથી મેઘધનુષ્યની ભભક રચાય છે.

દેવયાની : [ગર્વથી ને ઉગ્રતાથી એકીટસે ઈંદ્રાસન તરફ જોયા કરે છે.] આ ઈંદ્રાસન – અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.

વૃષપર્વા : આચાર્ય ક્યાં છે?

દેવયાની : આવવાની ના પાડે છે.

યયાતિ : કેમ?

દેવયાની : મને એમણે કહ્યું કે, ‘મારે પગ દેવા જેવી વિશુદ્ધ સ્વર્ગભૂમિ હજુ થઈ નથી.’

વૃષપર્વા : ત્યારે એમના વગર હવે શું કરવું તે કોણ કહેશે?

દેવયાની : પણ મારી જોડે આજ્ઞા કહાવી છે.

યયાતિ : આજ્ઞા?

દેયયાની : [તિરસ્કારથી] હા, આજ્ઞા!

વૃષપર્વા : શી?

દેવયાની : ઈંદ્રાસનની કચ્ચરો કરી વીરેવીરને વહેંચી આપો, વજ્રનો ભૂકો કરી ભૂમિમાં ભેળવી દો; સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એકાકારી કરી, દેવ, દાનવ ને માનવને સમાન અને સ્વતંત્ર બનાવી તેમને સહવાસ ને સાહચર્ય આરંભવા કહો.

યયાતિ/ વૃષપર્વા: [ગુસ્સે થઈ/ અધીરાઈથી] શું?

દેવયાની : ગુરુશ્રેષ્ઠની આજ્ઞા સાંભળી?

યયાતિ : પણ આ ઈંદ્રાસનની કચ્ચરો અને વજ્રનો ભૂકો?

વૃષપર્વા: દેવદાનવનું સાહચર્ય?

દેવયાની: [ખેદથી] રાજન! ઈંદ્રાસનનો બહુ મોહ છે?

યયાતિ : પણ આખો અવતાર તો ‘ઈંદ્રાસન, ઈંદ્રાસન’ કરી ગાળ્યો. [ચાવીને] હવે ઈંદ્રાસનનો ભૂકો! ગુરુને પણ ઘરડેઘડપણ ઠીક નવા તુક્કા સૂઝે છે!

દેવયાની : [ખેદથી] માનવ! ધીરા પડો. યુગોના અનુભવથી વિશુદ્ધ એવી શુક્રાચાર્યની દૃષ્ટિમાં દોષ મા જુઓ. અત્યારે તમને આ તમારા શૌર્યનો વિજય લાગે છે; વૃષપર્વાને એના વેરનો વિજય દેખાય છે. ભાર્ગવ આમાં સ્વાતંત્ર્યનું અનંત પ્રતિસ્થાપન ઇચ્છે છે.

યયાતિ: પણ ઈંદ્રાસન, દેવયાની! એની કચ્ચરો કરીશું તો આપણે બેસીશું ક્યાં?

દેવયાની : સપાટી સ્થળ પર, ઐલ! – જ્યાં ઊંચાનીચાના ભેદ ન જડે ત્યાં. આ ઈંદ્રાસન પર આપણે બેસીએ? ના, રાજન ના. ક્રૌર્ય અને જુલમની ગંગાજમનાઓ આ શૃંગેથી નીસરી છે. એના પર બેસનારે – પ્રસાદનો લોભ આપી લાલચ, ભક્તિનું નામ આપી નિરાધારી, કોપ દર્શાવી ભય, એ બધાં પેદા કરી યુગે યુગે વિનાશ પ્રસાર્યો છે.

યયાતિ : પણ આપણે ઈંદ્ર જેવાં ક્યાં છીએ? એ ખરાબ હતો, આપણે કાંઈ છીએ?

દેવયાની : રાજન! ઈંદ્ર ખોટો નથી; ઈંદ્રાસન ખોટું છે. નિરંકુશ સત્તાનું એ સ્થાન પારાવાર દુ:ખનું મૂલ છે. શુક્રાચાર્યનો સંજીવની મંત્ર જે સમજ્યો છે તે નમતો નથી, નમાવતો નથી; તે આસનનો લોભ કરે તો તેની કચ્ચરો કરવા માટે. પિતાજીની આજ્ઞાનો હેતુ ન પારખ્યો? આજે આ ઈંદ્રાસન એક ઈંદ્રને ભયંકર કરી રહ્યું હતું. હવે એની કચ્ચરો વીરેવીરને ભયંકર કરી ત્રણે ભુવનનો નિર્ભય કરશે.

યયાતિ : [કંટાળીને] દેવયાની! તારા પિતાજીની આજ્ઞા કેવળ વેદિયાની છે. મેં જિંદગી બરબાદ કરી આ ઈંદ્રાસન લેવા, ને હવે એનું દાન કરું? વાત લાવી છે! ના, દેવયાની, ઈંદ્રાસન મારું છે. હું એના પર બેસીશ. તારે આવવું હોય તો ચાલ. [દેવયાનીને લઈ જવા મથે છે.]

દેવયાની : [ચેતવણી આપતાં] ના, ના રાજન! આ જગતોની પાશગ્રંથિ છે ને કવિ ઉશનસે આ ગ્રંથિ છેદી જગતોને મુક્તિ આપવા જંગ આરંભ્યો છે. હું એના પર કદી નહીં બેસું અને તમે પણ બેસો તે પહેલાં વિચાર કરજો. એની ઉચ્ચતાથી તમને તમ્મર આવશે. એની ભભકથી તમે અંધ બનશો. એની મોહિની તમને જુલમી બનાવશે. એના પર બેસશો તો ઉતરાશે નહીં અને સદાય બેસી રહેવાના લોભથી તમે ક્રોધ અને ક્રૌર્યને ઉત્તેજશો, જંતુમાત્રનાં શક્તિ અને સ્વાતંત્ર્યને ડામવા તત્પર થશો, ભક્તિ કરાવવા ભય પ્રસારશો, ભય પ્રસારવા નિરાધારી પ્રગટાવશો. રાજન! પિતાજીની આજ્ઞા નહીં અવગણો.

યયાતિ : બહુ થયું! બહું થયું ! તું ચોખ્ખું કહેને કે તારા પિતાની ગરજ પતી કે તેં તકરાર કરવા માંડી.

દેવયાનિ : [ગર્વથી] જ્યાં સુધી અભિમાની જુલમીઓ ને અધમ કાયરો છે ત્યાં સુધી એમની ગરજ પતી નથી.

યયાતિ : કહી રહી? ઈંદ્રાસન મેં મારે હાથે મેળવ્યું છે અને હું તે પર બેસીશ, વજ્ર ધરીશ અને ત્રિભુવન મારી ભક્તિ કરશે. ને તું સાથે નહીં બેસશે તો શર્મિષ્ઠાને બોલાવીશ. પણ ભૂલ્યો – ઈંદ્રાણી ઈંદ્રાસનને વરી છે, ઈંદ્રને નહીં.

દેવયાનિ : ત્યારે યયાતિ! તમારા કર્મનાં ફળ તમે ભોગવો. ભાર્ગવની પુત્રી અહીંયા પળવાર પણ નહીં ઊભી રહે.

વૃષપર્વા : કેમ?

દેવયાની : વૃષપર્વા! તમે પણ અત્યારે ભાન ભૂલ્યા છો. આ તો તેનું તે જ. યયાતિ ઈંદ્રાસને બેસી ઈંદ્ર થશે, ઈંદ્ર પાતાળે ચંપાઈ વૃષપર્વા થશે. કવિ ઉશનસ ઈંદ્રને પડખે ઊભા રહી યયાતિનો પરાજય સાધશે.

યયાતિ : યયાતિનો પરાજય!

દેવયાનિ : હા, ઉશનસ ઈંદ્રાસન તોડવા ઉત્સુક છે. જે તેના પર બેસે તે એનો વેરી. વૃષપર્વા! તમે પણ ગુરુવર્યની આજ્ઞા ઉલ્લંઘો છો?

વૃષપર્વા : દેવયાની! મહા મહેનતે મેળવેલું સ્વર્ગ સુરો સાથે વહેંચી લેવા હું તૈયાર નથી.

યયાતિ : જા, દેવયાની! શુક્રાચાર્યને કહેજે કે જે થાય તે કરી લે. ઈંદ્રાસન મેળવ્યું છે તે મારા બાહુબળે. આટલા દહાડા શું કરતા હતા?

દેવયાની : જે આટલા દહાડા કરતા હતા તે જ કરશે – જુલમી ને કાયર બંનેનો વિનાશ. જાઓ, યયાતિ! વૃષપર્વા! તમારો મોહ પૂરો કરો. પણ જોજો ઈંદ્રાસન છે તેટલી બુદ્ધિ પણ નહીં હરી લે. જોજો, હું જાઉં છું.

[જાય છે]

યયાતિ : [હસીને] આવજો! વૃષપર્વા, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.

વૃષપર્વા : [ખંધાઈથી] વારુ, તમે ઈંદ્રાસન લેવાના, ત્યારે મને શું મળવાનું?

યયાતિ : [ગર્વથી] ગભરાશો નહીં. હું તમારું રક્ષણ કરીશ.

વૃષપર્વા : રક્ષણ? મારે મારા પૂર્વજોની ભૂમિ જોઈએ છે. દેવોને પાતાળે મોકલી આપીએ.

યયાતિ : તમે અહીંયા રહેવા માગો છો – આ અમરાવતીમાં?

વૃષપર્વા : આ અમારી પુરાણી જન્મભૂમિ -

યયાતિ : વૃષપર્વા! ભૂમિ જીતે તેની, જન્મે તેની નહિ.

વૃષપર્વા : [ક્રોધથી] શું કહો છો?

યયાતિ : નહિ સાંભળ્યું, વૃષપર્વા? મેં જીતી તે ભૂમિ મારી.

વૃષપર્વા : પણ મેં નથી જીતી? આજ હજારો વર્ષોનો વિગ્રહ અમે શા માટે આદર્યો?

યયાતિ : તે તમે જાણો, પણ ત્રિભુવન-વિજેતા યયાતિ જ ત્રિભુવનનો નાથ થશે.

વૃષપર્વા : [ખુન્નસથી] એટલે અમારે તો એક ઈંદ્ર ગયો ને બીજો આવ્યો!

યયાતિ : [તિરસ્કારથી ઈંદ્રાસન તરફ ફરી] જોઈએ તો એમ ગણો.

વૃષપર્વા : [એકદમ કૂદી યયાતિને બોચીમાંથી પકડે છે.] મારા જીવતાં તને ઈંદ્ર નહિ થવા દઉં.

[યયાતિ પાછો ફરી બાઝે છે, ક્યાંય સુધી દ્વંદ્વ યુદ્ધ
થાય છે અને યયાતિ વૃષપર્વાને મારી નાખે છે.]

યયાતિ : [ખડખડ હસીને] મારા જીવતાં જ ઈંદ્ર થઈશ. સારું થયું કે દેવયાની ગઈ અને ઉશનસ રિસાયા; નહિ તો આને સજીવન કરત. ઈંદ્રાસન, મારા જીવનના પરમ લક્ષ્ય, આજે તું મારું છે. સદા મારું રહેશે.

[ધીમેથી પાસે જઈ ઈંદ્રાસન પર બેસે છે. ગર્વથી ટટ્ટાર બનીને]

આજ મારું સ્થાન – આજનું અને સદાકાલનું. [મૂછ પર તાલ દઈ] ઈંદ્રાસન! ઈંદ્ર અને વૃષપર્વાના વિજેતાથી તું આજે શોભે છે. તારાં પણ અહોભાગ્ય છે. ત્રણ લોકનો નાથ, હું અહીંયા બેસી જગતોને પાળીશ અને મારાં શાસનો અનંત કાળની પ્રજાઓ ભક્તિભીને હૈયે ઝીલશે. બિચારા શુક્ર! છેક અક્કલ ન ખોઈ હોત તો મારું ગુરુપદ શોભાવત, પણ ડાહ્યા બહુ તો! સેનાપતિ!

સેનાપતિ : [આવે છે અને અંજાઈને પગે લાગે છે] કૃપાનાથ! ઈંદ્રાસનના અધિકારી!

યયાતિ : સેનાપતિ! આજે હું ઈંદ્રનો પણ ઈંદ્ર છું. આ વૃષપર્વ પણ ગયો. તું ઈંદ્રને લઈ આવ. હવે હું એનો રસ્તો કરું.

સેનાપતિ : જેવી ત્રિભુવનના નાથની આજ્ઞા.

[જાય છે]

યયાતિ : [સ્વગત] સ્વચ્છંદે સૃષ્ટિને શાસવી, એક આંગળી જીવનવિધાન કરવું, જીવનની ભક્તિનો અર્ધ્ય લેવો – એ તો મારા જેવા કોઈક ભાગ્યશાળીના જ ભાગ્યમાં હોય. મનુ! ઈલા! પુરુરવા! પિતૃલોકમાંથી જુઓ, આનંદ પામો. પૂર્વજો! તમારુ કુલ તમારા પુત્રે આજે તારી નાખ્યું છે. પિતૃઓ! મારી કીર્તિ, રવિના પ્રકાશ સમી તમારાં કૃત્યો પણ દીપાવશે. બિચારી દેવયાની! એને ન સ્ત્રી થતાં આવડ્યું ને ન ઈંદ્રાણી થતાં આવડ્યું, કોઈ શું કરે? ભિખારીના હાથમાં આખરે તો હાંલ્લું જ રહ્યું – વૃદ્ધ ને જિદ્દી પિતાનું ખોખરું હાંલ્લું.

[સેનાપતિ ઈંદ્રને લઈને આવે છે. ઈંદ્ર તેજસ્વી, સબલ ને શાંત છે. એની આંખો ગર્વથી ઘેરાયેલી છે. એને માથે મુકુટ નથી, એના હાથમાં શસ્ત્ર નથી; કાને, કોટે ને હાથે અલંકારો છે, એનાં ચીનાંશુક્રનાં વસ્ત્ર પર માનવરક્તના ડાઘા છે.]

સેનાપતિ : ત્રિભુવનના નાથનો જય!

યયાતિ : [થોડી વાર ઈંદ્ર સામું આડંબરથી જોઈને] ઈંદ્ર ! તારું સ્વર્ગનું સામ્રાજ્ય તો ગયું. બોલ હવે શું જોઈએ? નહુષનો પુત્ર જેવો શૂરવીર છે તેવો ઉદાર પણ છે.

ઈંદ્ર : માનવરાજ! હું હાર્યો. માનવ ધારે તો દેવને જીતે એ આજે હું શીખ્યો. ગઈ ગુજરી હવે વીસરી જાઓ. તો દેવમાનવનો સહચાર આરંભીએ.

યયાતિ : સહચાર? ઈંદ્ર! તારા ગર્વનો પાર નથી. સહચાર! તારો અને તારા દેવોનો! ગાંડા, સેવા કરી જીવ જશે.

ઈંદ્ર : [શાંતિથી] દેવો કોઈને સેવતા નથી.

યયાતિ : તો સેવા કરતાં શીખવું પડશે. બોલ શું કહે છે?

ઈંદ્ર : તમે શું કહો છો?

યયાતિ [રોફથી] : જા, તારા દેવોને લઈને તું પાતાળમાં જઈને રહે. વૃષપર્વા તો આ મૂઓ એટલે ત્યાં જગા છે. હું તારું રક્ષણ કરીશ, તું મારી સેવા કરજે.

ઈંદ્ર : સેવા કરી અમે કોઈનું સંરક્ષણ યાચતા નથી, કે અમને અમારા સિવાય બીજાનું સંરક્ષણ સ્વીકાર્ય નથી.

યયાતિ : આ ઠાલા બોલો બોલી મને તપાવ નહીં. ઈંદ્ર! એમાં સાર નથી.

ઈંદ્ર : અમે હાર્યા છીએ – હવે કશામાં અમને સાર દેખાતો જ નથી.

યયાતિ : [અધીરાઈથી] હું તમને -

ઈંદ્ર : તમે અમને મારી શકવાના નથી.

યયાતિ : [ડોળા કાઢી] આ ઈંદ્રાસન મારું છે.

ઈંદ્ર : [દૃઢતાથી] એ આસન જે બેસે તેનું છે.

યયાતિ : [ઉગ્રતાથી] મૂર્ખ! હવે આ વજ્ર પણ મારું છે.

ઈંદ્ર : [શાંતિથી] જે નિર્ભય હોય તેનું શસ્ત્ર.

યયાતિ : [ક્રોધથી] હું ડરું છું? ઈંદ્ર, લે!

[ઈંદ્રાસન પરથી ઊઠી વજ્ર ઊગી ઉગામે છે.]

ઈંદ્ર : દુષ્ટ! અવિચારી માનવ! નિર્ભયને વજ્ર છેડતું નથી. [યયાતિના હાથમાંથી વજ્ર લઈ લે છે. યયાતિ ડરતો, ગભરાતો ઈંદ્રાસનને પડખે ભરાય છે.] યયાતિ! મેં શું કહ્યું હતું? જે નિર્ભય હોય તેનું શસ્ત્ર. અભિમાની પામર! અમે તારાથી કે તારા સૈન્યથી હાર્યા એમ માને છે મૂર્ખ?!

[યયાતિ ગભરાતો ગભરાતો પગે લાગે છે.]

અમે હાર્યા પરમ યુયુત્સુ ઉશનસની અડગ શક્તિ ને નિ:સ્વાર્થ સ્વાતંત્ર્યથી -

યયાતિ : એમ? ક્ષમા કરો દેવેન્દ્ર!

ઈંદ્ર : તારા જેવા માટે સ્વર્ગ સારું નથી.

[વજ્ર પછાડે છે. ભયંકર ગગડાટ ને વિદ્યુતના ચમકાર પ્રસરી રહે છે. કાંઈ દેખાતું નથી. માત્ર યયાતિની ચીસો સંભળાય છે.]

[પડદો પડે છે.]

 [પાછળ]     [ટોચ]