[પાછળ] 
જનક વિદેહી
લેખકઃ નાનાભાઈ ભટ્ટ

આજે જેને આપણે બિહાર પ્રાન્ત કહીએ છીએ તેને પહેલાં લોકો વિદેહ કહેતાં. વિદેહ એ લીલોછમ પ્રદેશ; જાણે આખાયે ભારતખંડની વાડી ન હોય! આખા ભરતખંડમાં જ્યારે ઉના વા વાયા છે અને જીવનનાં નીર સૂકાયાં છે ત્યારે વિદેહની વાડીની શીળી છાંયડીએ સૌને વિસામો આપ્યો છે. ગંગા અને શૌણ નદીનાં નીર વિદેહમાં થઈને વહે છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જેવા મહાપુરુષોનાં જીવનસંદેશ આ પ્રદેશોમાં ઝર્યા છે; અનાથ પિંડક જેવા દાનવીરો વિદેહમાં પાક્યા છે; ચંદ્રગુપ્ત અને અશોક જેવા ચક્રવર્તીઓની આણ આ પ્રદેશ પર ફરી છે; શ્રાવસ્તી અને પાટલીપુત્ર જેવાં જેવા પાટનગરો વિદેહની ભૂમિ પર ઊભા થયાં છે; આજે બિહાર વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થા વિદેહમાં જ પોતાનો ધ્વજ ફરકાવે છે.

જૂના વખતમાં જનક મહારાજ વિદેહમાં રાજ્ય કરે. એમ કહેવાય છે કે જનક મહારાજ જ્ઞાની હતા. તેમણે પરમાત્માને ઓળખી લીધા હતા. હું મોટો રાજા છું અને આટલા મોટા પ્રદેશનો હું ધણી છું, એવું તેમને અભિમાન ન હતું. એ પોતે તો કેમ જાણે પરમાત્માના નમ્ર સેવક હોય એમ રાજ્ય કરે અને રાજ્યની બધી ફિકર ચિંતા પ્રભુને ખોળે મૂકે. સવારથી માંડીને રાત સુધી આખા રાજ્યનો વહીવટ કરે, લશ્કર તપાસે ને મહેસૂલ પર ધ્યાન આપે, દુશ્મનોની બાતમી રાખે અને ચોર વગેરેને દંડ આપે, પ્રજાકલ્યાણના માર્ગો લે અને ચાતુર્વર્ણ્યનું બરાબર સંરક્ષણ કરે. અને છતાંય છેવટ તો આ બધું પરમાત્માને સોંપી પોતે આ સ્વર્ગથી જુદા છે એ વિચારને ઘડીભર પણ વિસરે નહિ. આથી તો લોકો એમને જનક વિદેહી કહેતા.

મિથિલા વિદેહની રાજધાની. મિથિલા નગરીની બરાબર મધ્યમાં જનક મહારાજનો મહેલ અને મહેલની આસપાસ હજારેક સંન્યાસીઓની પર્ણકુટિઓ. મિથિલાની ગાદી પરથી પણ જનક મહારાજને ફકીરીનો શોખ. મહારાજ્યનાં સિંહાસનો છોડીને સાધુસંતોના પગ તળાંસવા એને બહુ ગમે. રાજા જેવો રાજા; છત્ર ચામર ધારણ કરે અને રેશમી વસ્ત્રો પહેરી સિંહાસન પર બેસે ત્યારે ઘડીભર તો ઐશ્વર્ય ભોગવવા માટે ઈન્દ્રે પોતે અવતાર લીધો છે એમ લાગે. પણ આ રાજમહેલની બારીમાંથી, આ સિંહાસન પરથી, આ હિરામાણેકથી જડેલા છત્ર ચામરની પાછળથી પણ જનકની નજર તો પર્ણકુટીમાં ટીંગાડેલાં પેલાં મૃગચર્મ અને કમડંલ ઉપર હતી, કૌપીન અને દંડ તરફ હતી. દરરોજ પ્રભાતમાં રાજમહેલની વાડીમાંથી કોયલ ટહુકે અને પર્ણકુટીઓમાંથી વેદનો ધ્વનિ નીકળે; દરરોજ રાતે મિથિલા આખી પથારીમાં પડે અને પર્ણકુટીઓની અંદર વેદવેદાંતની ચર્ચાઓ ઉપડે.

જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ કથા વાંચે. દરરોજ સાંજે જનક રાજા રાજકાર્યમાંથી પરવારીને સભામંડપમાં આવે અને પેલા સંન્યાસીઓ, ગામના શ્રદ્ધાળુ લોકો તેમજ રાજા જનક પોતે, બધા અષ્ટાવક્રનું ઉપદેશામૃત ગ્રહણ કરે. અષ્ટાવક્ર આમ તો આઠે અંગે વાંકા એટલે અજાણ્યા માણસને તો તેમને જોતાં વેંત જ હસવું આવે, ને આવા વાંકાટેડા માણસમાં કોડી જેટલી પણ અક્કલ હશે કે કેમ તેનો વિચાર થાય. પણ પરમાત્માની પ્રસાદી કોના પર ઉતરે છે એ કોણ કહી શકે?

અષ્ટાવક્ર જન્મથી જ જ્ઞાની હતા; માતાના ગર્ભમાંથી જ તેમને પરમાત્માનું જ્ઞાન થયું હતું. એમના જ્ઞાન પર, એમની નિષ્ઠા પર, એમના ઉપદેશ પર જનક મહારાજ ફીદા હતા. અષ્ટાવક્ર મુનિને પણ જનક રાજા જેવો શ્રોતા બીજે ક્યાં શોધવો? જનક તખ્ત પર બેઠો છતો ફકીર છે એવી અષ્ટાવક્રને ખાતરી થઈ ચૂકી હતી. એટલે તો જનક જેવા રાજાના ગુરુ થવામાં પણ અષ્ટાવક્રને ઓર મજા આવતી. આવા ગુરુશિષ્યો દુનિયા પર પહોંચી ગયા હોય છતાં તેમના હૃદયો એકબીજામાં કેટલાં ચોટી ગયાં હોય છે એ કોણ કહી શકે? हृदयं त्वेव जानाति, प्रीतियोगं परस्परम l

એક વાર સાંજના કથાનો સમય થવા આવ્યો. સભામંડપ બધો સજ્જ હતો; આસનો બધાં પથરાઈ ગયાં હતાં; ગુરુ અષ્ટાવક્રને માટે ઊંચું આસન બિછાવી દેવાયું હતું. આખા મંડપમાં ધૂપ મ્હેંકી રહ્યો હતો. સુંગધી પુષ્પો આસપાસથી પોતાની સુવાસ ફેલાવી રહ્યાં હતાં. શ્રોતાઓ બધા એક પછી એક આવતા હતા.

“કેમ વિરજાનન્દ, કાલની કથા કેવી?”

“હવે મૂકને એ વાત! આપણે તો બધું જ જોઈ લીધું.”

“જોઈ શું લીધું એ તો કહે?”

“એમાં મારે શું કહેવું છે? હું સમજુ છું તે તારા મનમાં નથી શું?”

“પણ કહે ત્યારે ખબર પડે ને?”

“આ વેદવેદાંતની વાતો બધી ઠીક છે; બાકી બધું રામરામ.”

“મને પણ સાચે એમ જ લાગે છે.”

“એટલે જ શાસ્ત્રમાં સંન્યાસ વિના મોક્ષ નથી એમ લખ્યું છે. રાજા ગમે તેવો ડોળ કરે તો પણ એ કાંઈ આપણા જેવા કહેવાય?”

“ના રે, ના. એને વાતો કરવી બ્રહ્મ પરબહ્મની અને વિવેક વૈરાગ્યની; પણ રાગ તો ગળા સુધી ભરેલો. સવારમાં સુગંધી પદાર્થથી નહાવું, તેલ ચોળવાં, રેશમી વસ્ત્રો પહેરવાં, કેટલાયે જીવોની હિંસા કરવી, ભોગ ભોગવવા, રાણીવાસમાં જવું, તિજોરીની દરરોજ તપાસ કરવી,, છત્ર પલંગમાં સૂવું, સોનારૂપાના અલંકારો વાપરવા: આ બધું કરવું અને સાંજે એક કલાક આંખો મીંચીને કથા સાંભળવી.”

“તું કહે છે તે બરાબર છે. ક્યાં આ ભોગવિલાસ ને ક્યાં આપણી વેદાંતની કથા! પણ મને એક વાતની ઘડ બેસતી નથી.”

“શાની?”

“કહું? જીભ તો ઊપડતી નથી; કહે તો કહું.”

“કહે ને, અહીં કોણ સાંભળે છે?”

“આમ આવું છે તો પણ ગુરુ અષ્ટાવક્રને રાજા તરફ કેમ પક્ષપાત છે?”

“લે, એમાં શું પૂછે છે?”

“ના, ના કહેતો ખરો.”

“ગુરુ અષ્ટાવક્ર મનુષ્ય છે કે પશુ છે? તેમને યે મનુષ્યનું હૈયું છે કે પશુનું?”

“એમ કેમ બોલે છે?”

“હું ઠીક બોલું છું, અષ્ટાવક્ર ગુરુને રહેવું જનકના મહેલમાં; જનક રાજા આપે તે ખાવું; જનક રાજા આપે ત્યાં સૂવું અને જનક રાજાને ત્યાં કથા વાંચવી. પછી તેને જનક રાજા તરફ પક્ષપાત ન થાય તો શું મારા તારા તરફ થાય? તારી પાસે મહેલ છે? તારી પાસે ભોગના પદાર્થો છે? તારી પાસે પાલખીઓ છે? તારી પાસે વા ઢોળનારી દાસીઓ છે? તારી પાસે સૂવાનો છત્રપલંગ છે? આ બધું તારી પાસે હોય તો તેમને તારા તરફ પણ પક્ષપાત થાય. આજે તારી લંગોટી તરફ પક્ષપાત કરે કે આ ખડની ઝૂંપડી તરફ પક્ષપાત કરે કે આ તારા ગાંઠા ગાંઠાવાળા દંડ તરફ પક્ષપાત કરે?”

“આ તું શું બોલે છે?”

“હું ઠીક બોલું છું. તું તો છોકરું કહેવાય. આ વાત તો અમે કે’દાડાના જાણીએ છીએ, પણ શું કરીએ?”

“તો પછી જ્યાં આવો પક્ષપાત હોય ત્યાં આપણે શા માટે રહીએ?”

“તો પછી ક્યાં જવું?”

“આખી પૃથ્વી પડી છે.”

“આખી પૃથ્વીમાંથી કોઈ એક જગા તો લેવી જ પડશે; તો છો ને આ જ રહે! બીજે વળી નવું નિહાળવું ના!”

વાતચીત ચાલતી હતી દરમ્યાન બધા સંન્યાસીઓ તો ચિકાર ભરાઈ ગયા; ગામમાં પણ થોડાંક ગૃહસ્થો હાજર હતા. બરાબર વખત થયો એટલામાં બહાર દરવાજે પાલખી આવી અને અષ્ટાવક્ર મુનિ પાલખીમાંથી હેઠા ઊતરી સભા મંડપમાં પધાર્યા. અષ્ટાવક્ર પધાર્યા એટલે શ્રોતાજનોએ ઊભા થઈ નમસ્કાર કર્યા, અને મુનિ પોતાની લાકડી હેઠળ મૂકી આસન પર બેઠા એટલે સૌ બેસી ગયા.

કથાનો સમય શરૂ થઈ ગયો હતો. મુનિએ એક દૃષ્ટિ આખા સભા મંડપ પર ફેરવી દીધી. સૌ શ્રોતાઓ આવી ગયા હતા; માત્ર જનક મહારાજનું સ્થાન ખાલી હતું.

“મહારાજ, કથા શરૂ કરવાની કૃપા કરો.” નિત્યાનંદ બોલ્યા.

“વખત તો થઈ ગયો છે પણ જનક આવ્યા નથી.”

“એ તો આવશે. એમને તો રાજકાજ હોય એટલે ક્યાંથી આવે?” એક સંન્યાસીએ ટકોર કરી.

“જનકને તે કથા પહેલી કે રાજ્ય પહેલું?” બીજો જણ જરા ચીઢાઈને બોલ્યો.

“મોડા થાય તો નહિ, પણ કંઈ અગત્યનું કામ આવી ગયું હશે એટલે રોકાઈ જવું પડ્યું હશે. હમણાં આવવા જોઈએ.” અષ્ટાવક્ર બોલ્યા.

“પણ આપણે તો ચલાવીએ. રાજા તો ગૃહસ્થ માણસ કહેવાય. એને ઓછી જ કથાની પડી છે. આ તો કથા અમારા જેવા સંન્યાસીઓ માટે છે. રાજાને તો કથા એટલે નવરાનો ટેલટપ્પો. સાચી કથા સાંભળવી હોય તો રાજ છોડી સંન્યાસ લે નહિ?”

“મહારાજ, આપ શરૂ કરો. જનક રાજા આવશે.” એક બોલ્યો.

“મહારાજ, જે કથાના અધિકારીઓ છે તે તો બધા આવી ગયા છે.” બીજો બોલ્યો.

“મહારાજ, અમારામાંથી કોઈ મોડો થાય ત્યારે તો આપ રાહ નથી જોતા.” ત્રીજો બોલ્યો.

“મહારાજ, જનક રાજા માટે કથાનો અલાયદો વખત રાખો અને આ વખતે તો અમ સંન્યાસીઓની જ કથા રાખો તો કેમ?” ચોથે પ્રશ્ન કર્યો.

આમ એક પછી એક કથા શરૂ કરવાનો આગ્રહ કરવા લાગ્યા એવામાં તો બહાર નેકી પોકારવામાં આવી અને જનક મહારાજ સભામંડપમાં દાખલ થયા. મુનિના સિંહાસન પાસે આવીને સાષ્ટાંગ નમસ્કાર કરીને જનક આસન પર બેઠા. મંગળાચરણ શરૂ થયું. ધીર ગંભીર સ્વરે શ્રોતાઓ મંગળાચરણમાં જોડાયા. વેદના મંત્રો આખા સભામંડપમાં ઘૂમી રહ્યા અને વાતાવરણ પ્રસન્ન ગંભીર થઈ રહ્યું. એવામાં બહારથી બૂમ પડી : “દોડો, દોડો, રાજમહેલમાં આગ લાગી છે, દોડો રે દોડો.”

અષ્ટાવક્રે કથા શરૂ કરી.

“દોડો રે દોડો, રાજમહેલમાં આગ લાગી. પર્ણકુટિઓને હમણાં પકડશે.” ફરી કીકીઆરી થઈ.

કથા સહેજ આગળ ચાલી, પણ કથાના શબ્દો કેટલાયે બહેરા કાન પર પડતા હતા. સંન્યાસીઓના કાન પર તો આગનું નવું વેદાંત અથડાવા લાગ્યું.

“મેં મારું મૃગચર્મ બહાર સૂકવ્યું છે.” એક કહે.

“મને કાલે જ હજી રાજાએ નવું કૌપીન આપ્યું છે.” બીજો કહે.

“મેં તો હજી હમણાં જ કુટિનું બારણું જૂનું થયું હતું તે સુધરાવ્યું છે.” ત્રીજો કહે.

“ચાલો, ચાલો આગ લાગી છે ને બેસી શું રહ્યા છો? બધું સળગી જશે તો કોણ દાદો અપાવશે? કથા તો રોજ ચાલે છે.” ચોથો ભભક્યો.

કથા તો શરૂ જ હતી.

“હવે ચાલને, જોઈ આ કથા. આગ વખતે કથા હોય?” પાંચમો ઊંચો થયો.

“દોડો રે દોડો, દક્ષિણ દિશાની પર્ણકુટિઓ પર તણખા પડવા લાગ્યા છે. દોડો, દોડો.” બૂમરાણ વધ્યું.

“બધા શું બેસી રહ્યા છો? સાંભળતા નથી? ભલે મુનિજી વાંચ્યા કરે અને જનક રાજા સાંભળ્યા કરે.” નિત્યાનંદે ત્રાડ મારી અને સંન્યાસીઓનો સાગર ઉછળીને દરવાજા બહાર ઉલટ્યો.

આખા આલેશાન મંડપમાં એક જ શ્રોતા બાકી!

“મહારાજ, રાજમહેલને આગ લાગી છે તો આપ પણ પધારો ને?” અષ્ટાવક્રે કથા બંધ રાખીને પ્રસંગ કાઢ્યો, રાજાએ મૌન રાખ્યું.

“મહારાજ, આપને કહું છું. રાજમહેલને આગ લાગી છે એટલે આપ પધારો. કથા આજે બંધ રાખીએ.” ફરીથી અષ્ટાવક્ર બોલ્યા.

“મહારાજ, આપ કથા ચલાવો.” જનકે કહ્યું.

“પણ આપનો મહેલ સળગે છે તે?”

“પ્રભુ આપ આગળ ચલાવો. હું જંજાળી માણસ રહ્યો. આ આખા રાજ્યની ઉપાધિ હું આજે વહી રહ્યો છું. તેમાંથી આ કથા સાંભળવા આવું છું ત્યારે મારું રાજ્ય પરમાત્માને ચરણે મૂકીને આવું છું. પ્રભુ, અત્યારે આપની બેઠેલો જનક આ વિદેહનો રાજા નથી; અત્યારે તો તે એક ફકીર છે. આટલો વખત તો હું પરમાત્મા પર નિર્ભર છું અને એ વિચારની કસોટી કરવા માટે પરમાત્મા જે પ્રસંગો ઊભા કરે તે બધા મારે સહી લેવાના.”

“પણ મહારાજ, મિથિલા સળગે છે તે?” અષ્ટાવક્રે પૂછ્યું

“કોની મિથિલા?” જનકે પ્રશ્ન કર્યો.

“જનકની મિથિલા.” અષ્ટાવક્રે કહ્યું.

“આપ જ આમ કહેશો ત્યારે મારે ક્યાં જવું? સાગર માઝા મૂકે ત્યારે માણસ ક્યાં જાય? મિથિલા તો કોઈની થઈ નથી અને થવાની નથી, એમ તો આપ જ મને શીખવો છો ને? ‘મિથિલા મારી’ ‘મિથિલા મારી’ એવું અભિમાન ગાળવાનો તો આપ જ ઉપદેશ આપો છો ને? મિથિલા તો મારા નાથની, પરમ કૃપાળુ પરમાત્માની છે.” જનક ગદ્ગદ્ કંઠે બોલ્યા.

“પણ તારે સંભાળવી ન જોઈએ?”

“પ્રભુ, સંભાળવી જોઈએ, પણ મિથિલાને સંભાળું એટલો જ મારા આત્માને પણ સંભાળું. રોજ આખો દિવસ મિથિલાને સંભાળું છું પણ કથા સાંભળવા આવું છું ત્યારે એ મિથિલાને જગતના નાથને સોંપીને આવું છું. એટલે અત્યારે મારે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપ કથા આગળ ચલાવો.” જનકે જવાબ આપ્યો.

મુનિ અને જનક વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યાં તો પેલા સંન્યાસીઓ એક પછી એક સભામંડપમાં દાખલ થવા લાગ્યા.

“કેમ નિત્યાનંદ,  આગ ઓલવાઈ ગઈ?” અષ્ટાવક્રે પૂછ્યું.

નિત્યાનંદે મોઢું નીચું ઘાલ્યું.

“કેમ વિરજાનંદ, કેટલોક ભાગ સળગી ગયો?” ફરી અષ્ટાવક્રે સવાલ કર્યો.

“મહારાજ, આગ દીઠી ત્યારે તો બહુ મોટા ભડકા હતા પણ જઈને જોયું ત્યાં તો ખડનું તણખલું પણ દાઝેલું નહિ.” વિરજાનંદે જવાબ આપ્યો.

મહારાજ, એક શંકા થઈ છે. આજ્ઞા કરો તો પૂછું.” વિશુદ્ધાનંદ બોલ્યા.

“શી?”

“આપે તો આ માયા નથી કરી?”

“વિશુદ્ધાનંદ, એમ છે. તમને સૌને ઘણા વખત થયાં તમારા સંન્યાસનું અભિમાન આવ્યું છે એ હું જોઈ રહ્યો છું. તમે જનકના મહેલ કરતાં તમારી પર્ણકુટિને વધારે પવિત્ર માનો છો; એના વૈભવ કરતાં તમારા ત્યાગને ઉંચો માનો છો; એનાં સાધનો કરતાં તમારી લંગોટીને શ્રેષ્ઠ માનો છો; એની ઉપાધિ કરતાં તમારા સંન્યાસને મોટો માનો છો.” અષ્ટાવક્ર બોલ્યા.

“જી, હા, એ તો છે જ.”

એ સાચું નથી. સંન્યાસ ગૃહસ્થાશ્રમ કરતાં મોટો છે એમ માનવાને બદલે સંન્યાસીની વૃત્તિ એ ગૃહસ્થના રાગદ્વેષ કરતાં ઉચ્ચ છે એમ માનવું ઘટે છે. પવિત્રતા, અપવિત્રતા મહેલમાં કે પર્ણકુટિમાં નથી પણ એ મહેલ કે પર્ણકુટિમાં રહેનાર માણસના અંતરમાં છે. વૈભવના સાધનોમાં હલકાઈ છે અને લંગોટીમાં ઉચ્ચતા છે એમ ન સમજો. જ્યાં હો ત્યાં લંગોટીવૃત્તિ રાખો એટલે બસ છે. તમને તમારી લંગોટીમાં પણ લંગોટીવૃત્તિ ક્યાં છે? તમારા કમંડળને કોઈ વાર કોઈની ભૂલથી કાણું પડી જાય છે ત્યારે જનક રાજાને કરોડો રૂપિયા જાય તોયે જેવું નથી થતું તેવું દુ:ખ તમને થાય છે. હજી કાલે જ તમારી લંગોટી ઉંદર કરડી ગયો તે ખાતર તો તમે ઉંદરોનો યજ્ઞ કરવાની વાતો કરતા હતા!” અષ્ટાવક્રે લગાવ્યે રાખ્યું.

“મહારાજ, આપ કહો છો તે સમજાય છે.” નિત્યાનંદ બોલ્યા.

“આજે જ જનક રાજા સભામાં મોડા થયા ત્યારે તમને કેવી ઉતાવળ થઈ ગઈ? તમને થઈ ગયું કે કથા સાંભળવાનો અધિકાર તો તમારો જ છે. તમે જનક રાજા ઉપર કેટલાયે કટાક્ષો કર્યા. આ શું બતાવે છે?” અષ્ટાવક્ર બોલ્યા.

“જી, બરાબર છે.”

“જૂઓ, ખરો અધિકાર તમારો કે જનકનો? તમે બધા આખી દુનિયાનો ત્યાગ કરી બહાર નિકળ્યા છો પણ લંગોટી સળગશે એવા ભયથી નાઠા. તમે દુનિયા આખી છોડી પણ લંગોટી ન છોડી શક્યા, એ સમજાય છે? જનક રાજા આખા વિદેહના રાજા, પણ કથા વખતે એ આખા વિદેહનો ત્યાગ કરી બેઠા અને મિથિલા પરમાત્માને સોંપી. સંન્યાસ તમારો મોટો કે જનકનો? સંન્યાસ તમારો સાચો કે જનકનો? કથાનો અધિકાર સાચો તમારો કે જનકનો?” અષ્ટાવક્ર બોલ્યા.

સંન્યાસીઓ મૂંગે મોઢે સાંભળી રહ્યા.

કથા પૂરી થઈ. અષ્ટાવક્ર મુનિ પોતાને આસને પધાર્યા. જનક રાજા મહેલમાં ગયા. સંન્યાસીઓ બધા પોતપોતાની પર્ણકુટિઓ તરફ વળ્યા.

(આખ્યાયિકાઓ)

 [પાછળ]     [ટોચ]