[પાછળ] 
જોગનો ધોધ-૧
લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

નાયગરાના ધોધનાં કેટલાંયે વર્ણન વાંચવામાં આવ્યાં હતાં. પ્રકૃતિ માતાએ અમેરિકાને આપેલું એ અદ્‌ભુત ઘરેણું છે. દુનિયાભરના લોકો એની યાત્રાએ જાય છે. મોટા મજબૂત પીપમાં બેસી એ ધોધમાંથી પસાર થવાના કેટલાક લોકોએ પ્રયત્ન કર્યા, વગેરેનાં વર્ણનો જેમ જેમ વધારે વાંચીએ તેમ તેમ કુતૂહલ વધતું જાય. અનેક દિશાએ લીધેલાં ચિત્રો અને અક્ષિપટો (Bioscopes) નાયગરાને નજર આગળ પ્રત્યક્ષ કરવા લાગ્યાં. જેમ જેમ નાયગરાનું દર્શન આમ વધવા લાગ્યું તેમ તેમ નાનપણમાં સાંભળેલા એ ગેરસપ્પાના ધોધની માનસપૂજા વધતી ગઈ. પછી જ્યારે જાણ્યું કે નાયગરા તો ફક્ત ૧૬૪ ફૂટ ઊંચાઈએથી પડે છે, જ્યારે ગેરસપ્પાની ઊંચાઈ ૯૬૦ ફૂટ છે ત્યારે તો મારા અભિમાનનો પાર ન રહ્યો. સૌથી મુખ્ય અને દુનિયાનો સૌથી ઊંચો પહાડ હિમાલય હિંદુસ્તાનમાં છે; સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ માટે કોઈ પણ દેશ જરૂર મગરૂર થઈ શકે. સૌથી લાંબી નદી પોતાને ત્યાં જ છે એમ સિદ્ધ કરવા માટે અમેરિકાને બે નદીઓની લંબાઈ ભેગી કરવી પડી છે. મિસોરી અને મિસિસિપી અલગ અલગ ગણીએ તો એમની લંબાઈ કેટલી? જેમ હિંદુસ્તાનનો ઇતિહાસ પૃથ્વીમાં જૂનામાં જૂનો છે તેમ હિંદુસ્તાનની ભૂરચના પણ આખા જગતમાં અદ્‌ભુત છે.

હિંદુસ્તાન શું એક ધોધની બાબતમાં હારી જાય? આખી દુનિયાએ કબૂલ કર્યું હે કે અશોક જેવો બીજો સમ્રાટ થયો નથી. ભૂગોળમાં પણ લોકોએ સ્વીકારવું જોઈએ કે ભવ્યતામાં ગેરસપ્પા (એનું સાચું નામ જોગ છે)ની હારમાં બેસે એવો એકે ધોધ નથી.

કારકળ રાજકીય પરિષદ માટે દક્ષિણ કાનડામાં ગયો હતો ત્યારે આશા બંધાઈ હતી કે અગુબા ઘાટ ચડી શિમોગા થઈને ગેરસપ્પા જોવા જઈશ. પણ તેમ ન બની શક્યું. નિરાશામાં મેં માની લીધું કે, ચિરસંચિત આશા આખરે કાયમની વંચિત થઈ અને મારે ગેરસપ્પાનું દર્શન તો ધ્યાનમાં જ કરવું રહ્યું.
मनसा चिन्तितं कार्यं दैवेनान्यत्र नीयते ।

પણ એટલું તો જાણી લીધું હતું કે જોગ મ્હૈસુર રાજ્યની સરહદ પર છે. ત્યાં જવાના બે રસ્તા છે. ઉપરનો રસ્તો શિમોગા, સાગર થઈને અને બીજો મુખ તરફનો. એમાં બંદર હોન્નાવરથી હોડીમાં બેસી જંગલમાં થઈ ગેરસપ્પાના ગામડા સુધી જવાનું; અને ત્યાંથી ઘાટ ચડવાના. બંને રસ્તે જઈ આવેલા લોકો કહે હે કે એક બાજુની શોભા બીજે ન મળે; એક કરતાં બીજી ઊતરતી એમ તો ન જ કહેવાય. મારે કબૂલ કરવું પડે કે મેં જોગનાં અડધાં દર્શન કર્યાં છે.

ગુજરાતમાં રેલસંકટ ચાલતું એ જ અરસામાં ગાંધીજી પોતાના મંદવાડના દિવસો બેંગલોરમાં ગાળતા હતા. હું એમને મળવા ગયો હતો. ત્યાંથી મ્હૈસુર રાજ્યમાં ફરતા, ગાંધીજી સાગર સુધી પહોંચ્યા હતા. શ્રી ગંગાધરરાવ અને રાજગોપાલાચારી સાથે હતા. સાગર ગયા પછી ગેરસપ્પા જોવા ન જવું એ તો મારે માટે અશક્ય હતું. મોટરથી એક જ કલાકનો રસ્તો. શિમોગામાં તુંગાને કિનારે ફરવા ગયા હતા ત્યારે મેં ગાંધીજીને આગ્રહ કર્યો હતો કે, "આપ ગેરસપ્પા કેમ ન આવો? લોર્ડ કર્ઝન કેવળ ગેરસપ્પા જોવા આ બાજુ આવેલા. આ બાજુ આવવાનું ફરી ક્યારે થવાનું હતું?" ગાંધીજી બોલ્યા, "મારાથી આટલોયે સ્વચ્છંદ ન કરી શકાય. તમે જરૂર જાઓ. તમે જોઈ આવશો તો વિદ્યાર્થીઓને ભૂગોળનો એકાદ પાઠ ભણાવશો." મેં ફરી દલીલ કરી, "પણ આ દુનિયાનું એ એક અદ્‌ભૂત દૃશ્ય છે. નાયગરા કરતાં જોગ છ ગણો ઊંચો, ૯૬૦ ફૂટ ઉપર થઈને પાણી પડે છે. આપે એક વાર એ જોવો જોઈએ."

"વરસાદનું પાણી આકાશમાંથી પડે છે. એ કેટલે ઊંચેથી પડે છે! મેં મનમાં કહ્યું, 
"स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत् किम्."

હું જાણતો હતો કે સંગીતની પેઠે ગાંધીજીને સૃષ્ટિ-સૌંદર્યનો શોખ ભારે છે. ફરવા જતાં સૂર્યાસ્તની શોભા અથવા વાદળમાંથી ડોકિયું કરતી કોઈ અટૂલી તારાની શોભા તરફ એમણે મારું ધ્યાન કોઈ કાળે ખેંચ્યું નહોતું એમ નથી. પણ પ્રજાની સેવાર્થે ઉપડેલા ગાંધીજી સ્વચ્છંદ શી રીતે કરે? कुलशिखरिणः क्षुद्रा नैते न वा जलराशयः !

આ એક વાત આમ પતી ગઈ એટલે મેં બીજી વાત ગુજારી. "આપ નથી આવતા એટલે મહાદેવભાઈ પણ નથી આવતા. આપ એમને કહો તો જ એ આવે."

"એની ઇચ્છા હોય તો મહાદેવ ભલે તમારી સાથે જાય. મારી ના નથી, પણ એ નહિ આવે, હું જ એનો ગેરસપ્પા છું."

બાકીના અમે દુન્યવી આદર્શવાળા રહ્યા. ચર્મચક્ષુથી પહાડ પરનો ધોધ જોયા વગર અમને તૃપ્તિ થાય એમ ન હતું. એટલે જમ્યા પહેલાં જ સાગરથી અમે ઊપડ્યા અને મોટરની મદદથી જંગલ પસાર કરવા લાગ્યા. પહાડ કોતરીને રેલવેવાળા ભોંયરું કે બોગદું બનાવે છે ત્યારે આપણને ખૂબ આશ્ચર્ય થાય છે. પણ મુંબઈની વસ્તી કરતાં પણ ગીચ એવાં સહ્યાદ્રિનાં જંગલોમાંથી રસ્તો તૈયાર કરવો એ એથીયે વધારે મુશ્કેલીનું કામ હે. અહીં તમારું ડાઇનેમાઇટ (સુરંગ) નહિ ચાલે. થડ તોડ્યા પછી પણ એક એક ઝાડ ડાળોની જાળમાંથી મુક્ત કરવું એ તો હિંદુ-મુસલમાનના ઝગડા પતાવવા જેટલું અઘરું કામ છે. ખંડાળા ઘાટના ઊંડા ભોંયરામાં અધવચ ગયા પછી જે ભયાનક રમણીયતા માણસ અનુભવે છે તેવી જ સ્થિતિ આ જંગલોમાં અનુભવાય છે. આવાં જંગલોમાં શોભે એવાં પ્રાણી તો હાથી, વાઘ અને અજગર. આમાં માણસ એવો તો તુચ્છ પ્રાણી દેખાય છે કે, અહીં ક્યાંથી આવી રહ્યો છે એમ જ થાય.

ખેર અમે જંગલ વટાવીને શરાવતીને કિનારે આવ્યા. આ તરફ એને ભારંગી પણ કહે છે. ભારંગી એટલે બારગંગે. ગંગા નદી કરતાં બાર ગણું માહાત્મ્ય આ નદીનું છે એમ અહીંના લોકો માનતા હોય તો આપણે એમની જોડે કજિયો નહિ કરીએ. દરેક બાળકને પોતાની મા જ સર્વશ્રેષ્ઠ લાગે ને! વરસાદ ઝીણો ઝીણો પડતો હતો. અહીં ગગનભેદી મહાવૃક્ષો પણ હતાં, અને નાનાં મોટાં ઝાંખરાં પણ હતાં. અમર ઘાસ પણ હતું, અને જમીન તેમ જ ઝાડોની ઘરડી છાલ પર ઊગતી લીલ પણ હતી. સામા કાંઠા ઉપર નાનાં મોટાં ઝાડો નદીનું પાણી કેટલું ઠંડું છે અથવા ઊંડું છે એ તપાસવા માટે પોતાના પાંદડાંવાળા હાથ પાણીમાં નાખતાં હતાં. અને ધુમ્મસનાં કેટલાંક વાદળાં આળસુ પોઠિયાની પેઠે આમતેમ રખડતાં હતાં.

નદી જોઈ કે સવાલ ઊઠે છે, કે આ નદી ક્યાંથી આવી અને ક્યાં જાય છે. મને તો હંમેશ નદી ક્યાંથી આવી છે એ જ સવાલ પ્રથમ ઊઠે છે. ઘણાને પણ એમ થતું હશે. એનું કારણ શું? નદી ક્યાં જાય છે એ તપાસવું સહેલું છે. નદીમાં પડતું મૂકવું એ અનાયાસે આપણને સાથે લઈ જાય. હિંમત ન ચાલે તો એકાદ ઝાડનું થડ કોતરીને સાથે રાખો એટલે બસ. પણ ક્યાંથી આવે છે એ તપાસવા માટે પ્રતીપ ગતિએ જવું જોઈએ. એ તો ઋષિઓ જ કરી શકે. ભારંગી કે શરાવતીનાં પાણી પહાડમાંથી આવે છે કે વાદળમાંથી એવી શંકા ઉપજાવે એવું તે દિવસનું દૃશ્ય હતું.

હોડીમાં બેસી અમે સામે કાંઠે ગયા. કાંઠા પરની જમીનમાંથી કેટલાંયે બાળક-ઝરણાં કૂદી કૂદીને નદીમાં પડતાં હતાં. તે પરથી અમે સહેજે અનુમાન બાંધી શક્યા કે આગલે દિવસે વરસાદ પડી નદીનું પાણી ખૂબ વધ્યું હતું. આજે તે લગભગ ૫ ફૂટ ઊતર્યું હતું. હોડી અમને નીચે ઉતારી બાકીના લોકોને લેવા પાછી ગઈ. શાંત પાણીમાં હોડી ડબ ડબ અવાજ કરતી જાય અને આવે એ દૃશ્ય કેટલું મજાનું! અને આપણાં પ્રિયજનોને હોડી જ્યારે પોતાના પેટમાં સ્થાન આપી ઊંડા પાણીના પૃષ્ઠ ઉપરથી ખેંચીને લઈ આવે છે ત્યારે ચિંતાનું કશું કારણ ન હોવા છતાં મનને બીક લાગ્યા વગર રહેતી નથી. રાજગોપાલાચારી પોતાના દીકરા અને દીકરીને સાથે લઈ હોડીમાં બેસાડવા જતા હતા ત્યારે મેં એમ કહ્યું હતું કે, એક કુટુંબના બધા જ લોકો એકસામટા એક હોડીમાં બેસે એ બરાબર નથી એમ પૂર્વજે કહ્યું છે. કાં તો પિતા અમારી સાથે આવે અથવા પુત્ર, બંને નહિ. સાથીઓ એ રિવાજની ચર્ચા કરવા લાગ્યા. કોઈને એમાં પ્રતિષ્ઠાની બૂ આવી, કોઈને બીજું કાંઈ સૂઝ્યું. સર્વનાશનો સંભવ ટાળવા માટે એ નિયમ છે એટલુંયે કોઈના ધ્યાનમાં ન આવ્યું. મારે એ અર્થ સ્પષ્ટ કરીને વાતાવરણ વિષણ્ણ કરવું નહોતું. એટલે પૂર્વજોની નિંદા સાંભળતો સાંભળતો હું પેલી પાર પહોંચ્યો. હોડી "મંઝધાર" પહોંચી ત્યારે મંત્ર બોલી આચમન કરવું હું ભૂલ્યો નહિ. નદીના દર્શન સાથે સ્નાન, પાન અને દાનનો વિધિ થવો જ જોઈએ. તો જ નદીનો પૂરો સાક્ષાત્કાર કર્યો કહેવાય.

બીજી ટુકડી આવી પહોંચી અને અમે જમણી બાજુને રસ્તે ચાલ્યા. નદીનો એ ડાબો કાંઠો હતો. રસ્તા પરના મોટાં મોટાં ઝાડો મસીદના થાંભલા જેવાં સીધાં ઊંચાં જતાં જોઈને અમને આનંદ થયો. અમારી ટોળી એટલી મોટી હતી કે, એ નિર્જન અરણ્યમાં જોતજોતામાં અમારો વાર્તા-વિનોદ અને અમારું અટ્ટહાસ્ય ચારે કોર ફેલાયું. પણ કેટલી વાર?

અમે કંઈક દૂર ગયા અને નદીએ પોતાનો ગંભીર ધ્વનિ શરૂ કર્યો. એ અવાજને શાની ઉપમા અપાય! એટલો ગંભીર અવાજ બીજે સાંભળ્યો હોય તો ને! મેઘગર્જના ભીષણ હોય છે ખરી; અને તે આખું આકાશ વ્યાપે છે એ પણ ખરું. પણ તે સતત નથી હોતી. અહીં તો તમે સાંભળી સાંભળીને થાકો તોય અવાજ તો થોભે જ નહિ. અહીં શું વાદળાં તૂટે છે, તોપો ફૂટે છે, કે નદી પોતાનું ધ્યાન-મૌન છોડી મહારુદ્રનો સ્તવરાજ બોલે છે?

‘હવે કેવું દૃશ્ય આવશે’, ‘હવે કેવું દૃશ્ય આવશે’ એવા કુતૂહલથી અમે આંખો ફાડીને ચારે કોર જોતા જોતા મુસાફરખાના સુધી પહોંચ્યા. જ્યાંથી ધોધનું દર્શન સૌથી સરસ થાય છે ત્યાં જ મ્હૈસુર રાજ્ય તરફથી એ અતિથિશાળા બાંધેલી છે. અમે નિરીક્ષણના ઓટલા પર જઈ પહોંચ્યા. પણ શું? સર્વવ્યાપી ધુમ્મસ વગર કાંઈ જ દેખાય નહિ. અને ધોધ તો ગંભીર અવાજે આખી ખીણને ગજવતો જ જાય. ખરે બપોરે પણ સૂરજનું દર્શન ન થાય. જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ, ધુમ્મસ ને ધુમ્મસ. ધુમ્મસના ગોટેગોટા જાણે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ મચાવે છે અને જોગ પોતાના તાલનો એને જોગ આપે છે. આટલી આશાએ આવ્યા પછી આવો તમાશો અમને કોઈ કાળે મળ્યો ન હતો. મિનિટો જતી જાય અને અમારી નિરાશા સાથે ધુમ્મસ પણ વધતું જ જાય. આખરે અમે મૌન તોડી માંહે માંહે વાતો કરવા લાગ્યા. વાતો માટે કાંઈ ખાસ વિષય નહોતો પણ નિરાશાનું પોલાણ ભરી કાઢવા માટે કંઈક જોઈતું હતું એટલું જ.

ઇંદ્રદેવ કોપ્યો છે કે વરુણદેવ રિસાયો છે એનો હું વિચાર કરતો હતો એટલામાં વાયુદેવે મદદ કરી અને એક ક્ષણને માટે - ફક્ત એક જ ક્ષણને માટે - ધુમ્મસનો એ જાડો પડદો દૂર થયો અને જિંદગી આખી જેને માટે તલસતો હતો તે અદ્‌ભુત દૃશ્ય નજરે પડ્યું. મહાદેવના માથા પર ગંગા અવતરે તેમ એક મોટો ધોધ, નીચેની કરાડમાંથી બહાર નીકળી આવેલા હાથી જેવા પથરા પર પડી, પાણીનો લોટ બનાવી બધી દિશાએ સેર છોડે છે.

ના. એ દૃશ્યનું વર્ણન થાય જ નહિ. આશ્ચર્યમગ્ન થઈ હું બોલી ઊઠ્યોઃ


नमः पुरस्तादथ पृष्टतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥


તરત જ સામો હાથી જેવો પથરો માથા પરથી ધોધની જટા ખંખેરતો બોલ્યોઃ

सुदुर्दर्शम् इद रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥


ધુમ્મસનો પડદો ફરી પહેલાંની જેમ જામ્યો અને અમે જોયું તે સ્વપ્નું હતું કે માયા હતી કે મતિનો ભ્રમ હતો એવી અમારી સ્થિતિ થઈ ગઈ! આવડી વિસ્તીર્ણ ખીણ, પેલું પહોળું પાત્ર, તે ભયાનક ઊંડાણ અને એની વચ્ચે પાણીનો નહીં પણ લોટનો–અરે મેંદાનો–પેલો અદ્ભુત ધોધ, આખું દૃશ્ય કલ્પનાતીત હતું. આપણે નરી આંખે જોઈએ છીએ એ સાચેસાચું જ છે એવી પ્રતીતિ દૃઢ થાય એ પહેલાં જ ધુમ્મસનો ક્ષીરસાગર ફરી ફેલાયો અને અમે સામેનાં કાવ્ય સાથે એમાં ડૂબી ગયાં.

હવે કોઈ કોઈની સાથે બોલે નહીં. જે જોયું એના પર વિચાર કરવા લાગ્યા. કાંઈ ન હતું તેમાંથી આવડી ઊંચી અને ઊંડી સૃષ્ટિ ક્યાંથી પેદા થઈ અને જોતજોતામાં ફરી ક્યાં અલોપ થઈ, એ જ આશ્ચર્યે અમને ઘેરી લીધા.

મનમાં થયું કે ભલે એક ક્ષણને માટે પણ જે જોવા આવ્યા હતા તે જોયું. અદ્ભુત રીતે જોયું. એક ક્ષણને માટે જે દર્શન થયું એના સ્મરણમાં અને ધ્યાનમાં ગમે તેટલી અનેક ઘડીઓ પસાર કરી શકાય.

એટલામાં ધોળી જટાવાળો પેલો પથરો ફરીથી બોલ્યોઃ
 व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपम् इदं प्रपश्य ॥ ધુમ્મસનું પડળ દૂર થયું અને હવે તો આ છેડેથી પેલા છેડા સુધી બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું. સામી બાજુથી છેક ડાબા છેડા પર રાજા ધોધ અર્ધચંદ્રાકાર પથરા પરથી નીચે ભુસ્કો મારતો હતો. એનાં પાણી વરસાદના કાદવને લીધે કૉફીના રંગનાં થયા હતા. પણ વધારેમાં વધારે પાણી રાજાને જ મળે. છાતી ફુલાવતો ફુલાવતો જ્યારે એ સીધો સોંસરો નીચે પડે છે ત્યારે કુદરતની શક્તિ કેટલી અમાપ છે તેનો ખ્યાલ આવે છે. રાજા ધોધનો વિસ્તાર પણ કંઈ નાનો નથી. અને એની બંને બાજુઓ ઉપર મોટાં મોટાં મોતીના કેટલાંયે હારો લટકતા દોડે છે. સાચે જ એ ધોધ રાજા નામને લાયક છે.

એની પડખેના જે ધોધનું દર્શન મને સૌથી પહેલવહેલું થયું હતું તે ખરું જોતાં ત્રીજો હતો. એ વીરભદ્ર. વચલો એક ધોધ આ બાજુથી સ્પષ્ટ દેખાતો જ નથી. એ પગથિયે પગથિયે બરાડતો આખરે રાજામાં ભળી જાય છે.

છેક જમણી બાજુ એક નાનકડો ધોધ છે. એની કેડ કાંઈક પાતળી છે એટલે એનું નામ મેં પાર્વતી પાડ્યું. ધરાઈ ધરાઈને જોયા પછી અમારી વાતો ફરીથી ચાલી. પોતે જે કંઈ જોયું હોય તે બીજાને બતાવવાની હોંશ ન હોય તો તે માણસ, માણસ નથી. માણસ સંચારશીલ છે, સંવાદશીલ છે; પોતે જે અનુભવ્યું, તે જ બીજાઓ પણ અનુભવે છે–અનુભવી શકે છે–એવી ખાતરી કર્યા વગર એને પરમ સંતોષ થતો નથી. રાજાજીએ ધ્યાન ખેંચ્યું, ‘આ નીચે તો જુઓ! આ ઠંડી વરાળના ગોટેગોટા કેવા ઉપર કૂદી આવે છે?’ દેવદાસ કહે, ‘એ પેલાં પક્ષીઓ જુઓ! કેવાં નિર્ભય થઈને ઊડે છે?’ મણિબહેને એવું કાંઈક ઉમેર્યું અને લક્ષ્મીએ પોતાના અણ્ણાને તામિલ ભાષામાં ઘણું ઘણું સમજાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અમારી સાથે એક ભાઈ હતા તે રસ્તામાં વગર કારણે ચિડાયા હતા. અમે જ્યારે આ સ્વર્ગીય દૃશ્યના આનંદમાં ગાંડાતૂર થયા હતા ત્યારે પેલા ભાઈને પોતાનું માની લીધેલું અપમાન જ વાગોળવું હતું. ચંદ્રશંકરે એની એ સ્થિતિ તરફ મારું ધ્યાન ખેંચ્યું. હું મનમાં બોલ્યોઃ


पत्रं नैव यदा करीरविटपे दोषो वसंतस्य किम् ।
नोलूकोप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् ॥


આ જગતમાં નિરાશા, ગેરસમજ, અપ્રતિષ્ઠા, કે વિયોગ એ સાચાં દુઃખો નથી. પણ અહંકાર એ જ મોટામાં મોટું દુઃખ છે. અહંકારની વિકૃતિ મોટા ધન્વંતરિ પણ દૂર ન કરી શકે.

પેલા ભાઈની અનેક જાતની મૂંઝવણો અને વિકૃતિઓ હું જાણતો હતો. તેથી ગેરસપ્પાના ધોધ આગળ પણ એને ચાર ક્ષણ આપ્યા વગર મારાથી રહેવાયું નહિ. મેં એને ગેરસપ્પાની થોડીક માહિતી આપી અને એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો.

રાજા જોગ પાછળની બખોલમાં અસંખ્ય પક્ષીઓ રહે છે, અને દૂર દૂરના ખેતરોમાંથી વીણી લાવેલા "ઉચ્છિષ્ટ" દાણા સંઘરે છે. એ સંગ્રહ એટલો મોટો હોય છે કે સરકાર તરફથી એની હરાજી થાય છે, એમ એક વાર કોકની પાસેથી સાંભળેલું. મધમાખોનું મધ લૂંટનાર માનવપ્રાણી પક્ષીઓનો સંગ્રહ પણ લૂંટે એમાં નવાઈ શી? જે સંગ્રહ કરે તે લૂંટાય એવી સૃષ્ટિની જ વ્યવસ્થા દેખાય છેઃ
परिग्रहो भयायैव ।

ફરી પડળ ફેલાયું અને મને અંતર્મુખ થઈ વિચારમાં ડૂબી જવાની તક મળી. આવા ભવ્ય દેખાવોનું રહસ્ય શું? ભૂગોળવેત્તાઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ ઝટ કહી દેશે કે અહીંનો પહાડ નિસ્‌ કોટિના પથરાનાં પડનો બનેલો છે. ખીણમાંથી એક કરાડ તૂટી હશે તેથી આસપાસની માટી ધોવાઈ ગઈ. એક વાર ધોધ શરૂ થયો એટલે નીચલી જમીનને વધુ ને વધુ ઊંડી ખોદતો જાય અને જ્યાંથી ધોધ શરૂ થાય છે તે ખૂણાને ઘસતો જાય.

ઉપરનું એ કપાળ જો સખત પથરાનું હોય તો ઊંચાઈ હજારો વર્ષ સુધી ટકે. ધોધથી સમુદ્ર બહુ દૂર નહિ હોવાથી નદીનો આગળનો ભાગ સાફ થઈ ગયો છે અને ધોધની ઊંચાઈ કાયમની રહે છે. આ તો ધોધનું જડ રહસ્ય થયું. કોઈ આધુનિક યાંત્રિકને પૂછો તો તે કહેશે એકલા ગેરસપ્પાના ધોધમાં એટલું પ્રચંડ સામર્થ્ય છે કે મ્હૈસુર અને કાનડા બન્ને જિલ્લાને જોઈએ એટલી શક્તિ એ પૂરી પાડી શકે. પછી તમે એમાંથી વીજળી લો, કારખાનાં ચલાવો, દરેક શહેરોને અને ગામડાને પ્રકાશિત કરો, અને તમારા મુલકના કે બીજા મુલકના ગમે તેટલા માણસોને મજૂરી વગરના બનાવી ભૂખે મારો.

જે કંઈ કુદરત પાસેથી લાભ મળે તે પૃથ્વીનાં બધાં જ બાળકો અંદર અંદર સમજીને વહેંચી લઈએ અને જીવનયાત્રાનો બોજો હળવો કરીએ, એવી બુદ્ધિ માણસને સૂઝે ત્યારની વાત જુદી છે. પણ આજે તો માણસના હાથમાં જો કોઈ પણ જાતની શક્તિ આવી ગઈ કે તરત જ એ બીજા માણસો ઉપર સરસાઈ ભોગવવા જ મથે છે. પછી એ સરસાઈ મારીને મળતી હોય, ગુલામ બનાવીને મળતી હોય કે અર્ધપેટે રાખીને મળતી હોય.

(‘લોકમાતા’)
 [પાછળ]     [ટોચ]