[પાછળ] |
જોગનો ધોધ-૨ લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ![]() મ્હૈસુર રાજ્ય સુધરેલું છે. મોટા મોટા એંજિનિયરોએ અહીંની સમૃદ્ધિ વધારવાના પ્રયત્નો કર્યા છે. આખી દુનિયાને ચંદનનું તેલ મ્હૈસુર રાજ્ય જ પૂરું પાડે છે એમ કહીએ તો એમાં ઝાઝી અતિશયોક્તિ નથી. હિંદુસ્તાનની મોટામાં મોટી સોનાની ખાણો મ્હૈસુરમાં જ છે. ભદ્રાવતીના લોખંડના કારખાનાની કીર્તિ વધતી જ જાય છે. અને કૃષ્ણસાગર તળાવ તો માનવી પરાક્રમનો એક સુંદર નમૂનો છે. એ મ્હૈસુર રાજ્યને ગેરસપ્પાનો ધોધ વટાવી ખાવાની બુદ્ધિ નથી સૂઝી એમ તો ન જ બને. પણ હજી એ અમલમાં નથી આવી, એટલું જ. આટલી શક્તિનો ઉપયોગ શો કરવો એ સૂઝ્યું નથી, કે સરહદનો ઝઘડો આડે આવે છે, કે ત્રીજું જ કારણ છે તે હું ભૂલી ગયો છું. પણ એટલું ખરું કે ગેરસપ્પાની શોભા હજી એટલી ને એટલી જ પ્રાકૃતિક, ઉદ્દાત અને અક્ષુણ્ણ રહી છે. ભગિની નિવેદિતાએ કરેલી પ્રખ્યાત તુલનાનું અહીં સ્મરણ થાય છે. કોઈ પણ સ્થાનની રમણીયતા હિંદવાસીને આકર્ષે કે તરત એને એનું ધાર્મિક રૂપાંતર કર્યું જ છે. હિંદનું હૃદય કોઈ અદ્ભુત, રમણીય કે ભવ્ય દૃશ્ય જુએ કે તરત એને થાય છે કે આ તો ગાય વાછરડાને બોલાવે તેમ પરમાત્મા જીવાત્માને બોલાવે છે. નાયગરાનો ધોધ હિંદુસ્તાનમાં ગંગામૈયાના પ્રવાહમાં હોત તો અહીંની જનતાએ એનું કેવું વાતાવરણ કરી મૂક્યું હોત! આમોદપ્રમોદ અને ઉજાણીની ટોળીઓને બદલે અને રેલવેના મુસાફરોને બદલે ધોધની પૂજા કરવા માટે વાર્ષિક અથવા માસિક યાત્રાળુઓનાં ટોળેટોળાં ભેગાં થાત. ભોગવિલાસનાં બધાં સાધન પૂરાં પાડનાર હોટેલોને બદલે ધોધને કાંઠે અથવા ધોધની વચ્ચોવચ પણ ઊભરાતા હૈયાની ભક્તિ ઠાલવવા માટે મોટાં મોટાં મંદિરો હોત. સૃષ્ટિનો વૈભવ જોઈ ભપકાદાર અમનચમન અને મોજમજાને બદલે લોકોએ અહીં તપ કર્યું હોત. અને આવડી પ્રચંડ શક્તિને માણસના ફાયદા માટે અને સુખસગવડ માટે બંદીવાન કરવાનું સૂઝવાને બદલે કુદરત સાથેનું ઐક્ય અનુભવતી મસ્તીમાં ભૈરવજાપ ખાઈ પાણીના પ્રવાહમાં પોતાનો જીવનપ્રવાહ ભેળવી દેવાનું જ સૂઝત. સ્વભાવ ભિન્નતામાં કંઈ બાકી રહે છે! પણ શું કુદરતની ભવ્યતા જોઈ એમાં પોતાનો દેહ છોડી દેવો એમાં આધ્યાત્મિકતા છે? દેહના બંધનો છૂટી જાય, ‘ગમે તે ભોગે જીવીશ જ’ એ જાતની પામર જીવનાશા માણસ છોડી દે, એમાં આધ્યાત્મિક પ્રગતિ છે એ વિષે શંકા નથી. પણ એ સ્થાયી વૃત્તિ હોવી જોઈએ. ક્ષણિક ઉન્માદનો કાંઈ જ અર્થ નથી. ફના થવાની ઇચ્છા એ દરેક માણસમાં કોક વખત આવે જ છે. ઇશ્કની એ એક વિકૃતિ છે. એમાં અમુક આધ્યાત્મિક તત્ત્વોની ઝાંખી જોઈ એના પર ફિદા થવું એ મનુષ્યજીવનની મહત્તાને શોભતું નથી. બુદ્ધ ભગવાને પોતાની અચૂક નજરે એને વિભાવતૃષ્ણાનું નામ આપી ધિક્કારી કાઢી છે. વિભાવ એટલે નાશ. ભગવાન મનુએ પણ એ જ વસ્તુ સ્પષ્ટ શબ્દમાં કહી છે, नाभिनन्देत मरणम् नाभिनन्देत जीवितम् ॥ ગેરસપ્પાના ધોધ જેવા રોમહર્ષણ દૃશ્ય આગળ યંત્રોનો, શક્તિનાં હોર્સપાવરનો, વીજળીના પ્રકાશનો અને કારખાનાંઓનો વિચાર કરવો એ આત્માને ભૂલી જઈ બાહ્ય વૈભવનું ધ્યાન કરવા બરાબર છે, એ વિષે શંકા નથી. પણ આસપાસનો મુલક દુષ્કાળથી પીડાતો હોય, લોકો અનેક રોગોના ભોગ થઈ પડ્યા હોય અને પ્રજાનું એ દુઃખ દૂર કરવાનો ઉપાય આ ધોધનાં પાણી બીજી રીતે વાપરવાથી થતો હોય તો તે વખતે આપણો કેવો આગ્રહ હોય! સૃષ્ટિસૌંદર્યના રસિયા એવા આપણા ચિત્તના આહ્લાદક સાધનને - ધોધને - એમ ને એમ રાખીએ કે આપદગ્રસ્ત એવા આપણા ભાઈઓને દુઃખમુક્ત કરવા માટે એનો ભોગ આપીએ? અનાજ પૂરતું મળતું ન હોય એવે વખતે અને ઠેકાણે અનાજની ખેતી છોડીને ગુલાબની ખેતી કરીએ તો તેથી આપણો હૃદયવિકાસ થશે ખરો? ગુલાબમાં કાવ્ય છે, અનાજમાં કારુણ્ય છે. બેમાંથી કયું પસંદ કરીએ? ઇંગ્લેંડના પ્રાચીન રાજાએ અનેક ગામડાંઓ ઉજ્જડ કરી મૃગયા માટે એક મહાન ઉપવન તૈયાર કર્યું. એ મરદાની રમતનો રસિયો હતો એ વિષે શંકા નથી. પણ એને પ્રજાસેવક ગણાય કે નહિ એ સવાલ છે. કળા સામે સેવાનો સવાલ આવીને ઊભો રહે, કાવ્ય કે કારુણ્ય કઈ વૃત્તિ પોષવી એ નક્કી કરવાનું હોય, ત્યારે નિર્ણય કઈ કસોટી પર કસીને આપવો? રોમ બળતું હોય અને નીરો ફિડલ વગાડવા બેસે અને મિથિલા બળતી હોય ને જનક રાજા આધ્યાત્મિક ચર્ચા કરતા હોય એ બન્નેમાં ફરક છે. પ્રજાસેવામાં જેટલું થઈ શકે તેટલું કર્યા પછી નાહકની ચિંતામાં હૈયું બાળવા કરતાં હૈયામાં અંતર્યામીનું સ્મરણ દૃઢ કરવાનો પ્રયત્ન આર્યવૃત્તિને સૂચવે છે. મુઠ્ઠીભર લોકોના વિલાસ કે ઐશ્વર્ય માટે કુદરતની શક્તિનો ઉપયોગ કરવો અને પ્રાકૃતિક સૌંદર્યનો નાશ કરવો એ અધર્મ છે. પણ પ્રાણીઓના આર્તિનાશનથી થતો હૃદયવિકાસ છોડી પ્રકૃતિના વિભૂતિદર્શનમાંથી તે શોધવાની ઇચ્છા રાખવી એ ઇષ્ટ છે કે કેમ એ વિચારવા જેવું છે. પેલા રિસાયેલા ભાઈ પોતાના કલ્પેલા અપમાનની બળતરામાં સામેના દૃશ્યને ભૂલી ગયા હતા, અને હું મારા તાત્વિક કલ્પનાવિહારમાં શૂન્ય નજરે સામે જોતો હતો. બન્ને અભાગિયા હતા, કેમ કે કલ્પના કે બળતરા ચલાવવાને પાછળથી ગમે તેટલો વખત મળત પણ ધુમ્મસનું પડળ ફરી ઘેરાયું; હવે ધોધ ફરી દેખાવાનો હતો? રાજાજીએ કહ્યું, ‘ઉનાળામાં જ્યારે ધોધ પડે છે ત્યારે તુષાર ઉપર જાતજાતનાં ઇંદ્રધનુષ દેખાય છે. તે વખતે શોભા સાવ જુદી જ હોય છે.' અને ચાંદની રાતમાં પણ કંઈ મનુષ્ય નથી નીકળતા એમ નથી. મ્હૈસુરનો સર્વસંગ્રહ (ગૅઝેટિયર) લખે છે કે, ઘાસના મોટા મોટા ભારા સળગાવી ધોધમાં છોડી દેવાથી અંધારી રાત્રીએ આખી ખીણ સળગી ઊઠી હોય એમ દેખાય છે. કેટલાક લોકોએ રાત્રે આતશબાજીનાં અનેક બાણ છોડીને પણ અહીં અદ્ભુત આનંદ મેળવ્યો છે. ઉત્પાતિયો માનવી શું શું ન કરે? મને તો એવું કશું ન ગમે. કુદરત જે ખોરાક પીરસે તેની સ્વાભાવિક રુચિ અનુભવવામાં જ સારી રસિકતા છે. માનવી-મસાલા ઉમેરવાથી સ્વાદ અને પાચનશક્તિ બન્ને બગડી જાય. હવે અમે બંગલાની અંદર પહોંચ્યા. સાથે ખાવાનું આણ્યું હતું તે ઉદરસ્થ કર્યું. અહીંનું પાણી તો પીવાય નહિ, તરત મૅલેરિયા તાવ લાગુ પડે. ઘણાખરાઓએ તો ગરમ ગરમ કૉફી પીને જ તરસ છિપાવી. મેં તો તે દિવસે ચાતકની પેઠે વરસાદનાં થોડાંક ટીપાં મેળવીને જ સંતોષ માન્યો. ધોધનું ફરી એક વાર દર્શન કરી અમે પાછા ફર્યા. હવે તો બધી રીતે સ્પષ્ટ થયું કે ધોધ ત્રણ નથી પણ ચાર છે. ડાબી બાજુનો પહેલો મોટો ધોધ તે રાજા. એની પડખે જમણી બાજુથી આક્રોશ કરતો અને એને આવીને મળનારો રોઅરર (Roarer) તે મારો રુદ્ર. માથા પર ફુવારાની ધોળી જટા ફૂલેલી બતાવનાર તે રૉકેટ. તેને હવે વીરભદ્ર કહ્યા વગર છૂટકો નથી. અને છેલ્લે આવતાં બાજુના ધોધનું તન્વંગી પાર્વતી એ જ નામ મેં કાયમ કર્યું. અંગ્રેજોએ રુદ્રને Roarer નામ આપ્યું છે, વીરભદ્રને Rocket, અને પાર્વતીનું નામ Lady પાડ્યું છે. હવે અમે પાછા ચાલ્યા. પગે જળો બાઝવાની બીક હતી. અહીંના લોકોએ અમને બધાને ચેતવણી તો આપી જ હતી કે ચેતીને ચાલજો. જળો ચોંટશે તો ખબરે નહિ પડે અને લોહી ચુસાશે. મેં કહ્યું, તેની ચિંતા નહિ કરતા. અંગ્રેજોને ઓળખતા થયા છીએ તો જળોથી નહિ ચેતીએ? છતાં લગભગ એકએકના પગે એકેક જળો તો ચોટી જ ગઈ. મારા શરીરમાં લોહીનું ઝાઝું આકર્ષણ નહિ હોવાથી કે મારું લોહી કડવું હોવાથી કે કાકદૃષ્ટિથી હું જોઈ જોઈને ચાલતો હતો તેથી, કોણ જાણે હું તો બચી ગયો હતો. અમે થોડાક આગળ ચાલ્યા પણ મણિબહેનથી રહેવાયું નહીં. ‘જરા રહો. ફરી એક વાર બની શકે તો ધોધનાં દર્શન કરી આવું.’ ‘પણ ધુમ્મસ ઊઘડે જ નહિ તો?’ ‘ન ઊઘડે તો કંઈ નહિ, પાછા આવીશું. પણ એક વાર જોવા તો દો.’ પાછા આવતાં રસ્તાને એક ફાંટો ફંટાયો હતો એ રસ્તે જઈને કેટલાકોએ પાર્વતીનું નજીકથી દર્શન કર્યું અન્ જમીન લપસણી હોવાથી પાર્વતીને ‘વંદેમાતરમ્’ કહી સાષ્ટાંગ પ્રણિપાત પણ કર્યો ! જતાં જે રસ્તે અજ્ઞાત અને અનનુભૂત દશાનું કાવ્ય અનુભવ્યું હતું તે જ રસ્તે પાછા વળતાં સંસ્મરણોનું સ્મૃતિકાવ્ય અમે અનુભવવા લાગ્યા. જો કે એ ને એ જ દૃશ્યો ઊલટી દિશાથી જોવામાં નવીનતા ઓછી ન હતી. જે ઝાડો વિષે, જતાં અમે વાતો કરી હતી એ જ ઝાડો પાછાં આવતાં ધ્યાન ખેંચે જ એટલે એ ઓળખીતા ભાઈઓને 'કેમ છો' કરીને પૂછ્યા વગર તો આગળ શી રીતે જવાય? અને ઝાડ ઝાડ વચ્ચે પ્રેમનો પુલ બાંધનાર વેલાઓ? એમની નમ્રતાને નમન કર્યા વગર આગળ જવાય જ કેમ? અમે ધીમે ધીમે નદીના કાંઠા સુધી આવી પહોંચ્યા. હવે એ ને એ જ શાંત પ્રવાહ ઉપર થઈને પાછા જવું હતું. ધુમ્મસનાં વાદળાં વિખેરાયાં હતાં. નદીનાં શાંત પાણી ધીમે ધીમે ધોધ તરફ જતાં જોઈ મારા મનમાં બલિદાન માટે જતા ઘેટાનાં ઝુંડનું ચિત્ર ખડું થયું. મેં એ પાણીને કહ્યું કે, ‘આવડું મોટું અધઃપતન તમારા ભાગ્યમાં લખાયેલું છે એનો ખ્યાલ સરખો તમને નથી, તેથી જ આટલા સ્વસ્થ ચિત્તે તમે આગળ વધો છો. અથવા નહિ–હું જ ભૂલું છું. તમે જીવનધર્મી છો, તમને મરણનો શો ભો! प्रायः कन्दुकपातेन पतत्यार्यः पतन्नपि । જેટલી ઊંચાઈએથી પડશો તેટલાં જ ઊંચાં ઊછળશો. તમારી દયા ખાનાર હું કોણ?’ શરાવતીના પવિત્ર પાણીનો સ્પર્શ કરવા મેં મારો હાથ લંબાવ્યો ત્યાં પાણી ખળખળ હસીને બોલ્યાં, ‘नहि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति’. હોડી આ કાંઠે આવી ગઈ અને અમને સૂઝ્યું કે મોટર આ બાજુ જરા નીચે દોડાવીએ તો એ જ ધોધની ફરી જમણી જાત્રા પણ થશે. અમે જઈ આવ્યા એ બાજુને મ્હૈસુર-બાજુ કહે છે અને જમણી બાજુએ જવા ઊપડ્યા એ મુંબઈ-બાજુ તરીકે ઓળખાય છે. કેમ કે જોગ બે રાજ્યની સરહદ ઉપર છે. અહીં તો અમે સાવ નજીક આવી ગયા. મોટા મોટા ખડક વચ્ચે થઈને હું દોડવા લાગ્યો. બે વરસના માંદા તરીકે મારી ખ્યાતિ ઠીક ઠીક ફેલાયેલી હતી. એટલે મને દોડતો જોઈ રાજાજીને આશ્ચર્ય થયું. કોકે કહ્યું ‘એ તો મહારાષ્ટ્રના માવળા છે અને હિમાલયના યાત્રી પણ ખરા જ. માછલાને પાણી તેમ મરાઠાઓને ડુંગર.' મારે ક્યાં આ વચનો સાંભળવા થોભવું હતું? હું તો દોડતો દોડતો રાજા ધોધને પડખે પેલી પ્રખ્યાત કરાડ છે ત્યાં જઈ પહોંચ્યો, અને તેના પર સાષ્ટાંગ આડો થઈ નીચે પાતાળમાં જોવા લાગ્યો. અહીં ઊભા ઊભા નીચે જોવાય જ નહિ. ચક્કર આવીને માણસ પડી જ જાય. કાનમાં ચારે ધોધના અવાજ એટલા ભરાઈ ગયા હતા કે બીજું કંઈ સાંભળવા જેટલી જગ્યા જ રહી નહોતી. જેમ ધોધનાં પાણી ઉપરથી નીચે ખીણમાં પડી ફરી ઊંચે ઊછળતાં હતાં તેમ કાનમાંથી અવાજ પણ પાછા ઊછળતા હોવા જોઈએ. મારું પ્રથમ ધ્યાન ખેંચ્યું રાજાના ગંડસ્થળ પરથી લટકતા મોતીના હારે અને જળપ્રલયમાંથી લોકોને બચાવવા જેમ વીર તારાઓ ભૂસકો મારે તેમ આ ધોધમાં યુક્તિથી ઘૂસી જનાર પક્ષીઓએ. શું આ પક્ષીઓને આ ધોધની ભીષણ ભવ્યતાનો ખ્યાલ જ નથી આવતો કે ઈશ્વરે એમના હૈયામાં એટલી હિંમત પ્રેરી છે? મને લાગે છે કે આગંતુક પક્ષીઓ તો આટલી હિંમત નહિ કરે. આ જોગવાસીઓ અહીં જ જન્મેલાં, ધોધના પડળની સુરક્ષિતતામાં ઊછરેલાં. સિંહનાં બચ્ચાં સિંહણથી ન ડરે. સાગરનાં માછલાં મોજાંઓમાં માણે. તેવી જ રીતે આ જોગપુત્રો જોગ સાથે રમતા હશે. રાજા ધોધ મ્હૈસુર-બાજુએ દૂરથી જોયો હતો ત્યારે એની અસર જુદી થતી હતી. અહીં તો જાણે હાથીના ગંડસ્થળ ઉપર જ સૂતા હોઈએ એટલા નજીક અમે હતા. ઉપરનાં પાણી ધોધ તરફ એવાં તો ખેંચાતાં હતાં કે જાણે કોઈ મહાપ્રજા જાણે અજાણે, મને-કમને મહાન ક્રાંતિ તરફ ધસતી હોય! મહાપ્રજા જ્યારે સામાજિક અને રાજકીય સુધારાઓના વેગમાં તણાય છે ત્યારે આગળ શું આવવાનું છે એનો એને ખ્યાલ નથી હોતો. અને ખ્યાલ હોય તોય, ‘આપણી બાબતમાં એ સાચું નહિ ઠરે, આપણે જેમ તેમ બચી જઈશું,’ એવી આંધળી આશા રાખે છે. દરમ્યાન સુધારાનો કેફ વધતો જ જાય છે. અંતે જહાલ લોકો સંયમ સૂચવે છે, જ્યારે મૉડરેટ લોકો આંધળા થઈ બેજવાબદાર લોકો સાથે ભળી જાય છે અને પછી ઇચ્છે તોય પાછા ફરી શકતા નથી. અથવા પોતે પાછા ફરે તોય શું? ધનુષ્યમાંથી છૂટેલું બાણ કોઈ કાળે પાછું ખેંચાયું છે? જે અટળ ન હોય તે ક્રાંતિ શાની? ધોધનાં પાણી નીચે ક્યાં પહોંચે છે એ જોવું કે જાણવું અશક્ય હતું. કેમ કે ઊછળતા પાણીનાં મોટાં મોટાં વાદળાં ધોધના પગને વીંટળાઈ વળ્યાં હતાં. શું એ પાણીનો ગાંડો ઉત્સવ! જાણે મહાદેવ સંહારકારી નૃત્ય જ નાચી રહ્યા છે અને સામેનો રુદ્ર એને તાલ દે છે. પણ રોમાંચકારી શોભાનો પરમ ઉત્કર્ષ તો પેલો વીરભદ્ર જ બતાવે છે. તમને લાગે જ નહિ કે અહીં પાણી પડે છે. અહીં પાણી ઊડે છે. મોટી મોટી તોપમાંથી ગોળાને જોરે કોરા લોટના ફુવારા ઊડતા હોય એવો એ દેખાવ હતો. એ દેખાવનું વર્ણન શબ્દમાં આવી જ ન શકે. કેમ કે શબ્દો શાંતિ અને વ્યવસ્થા વચ્ચે ઊછરેલા છે. અમે પડ્યા પડ્યા અહીંથી આ દૃશ્ય ધરાઈને જોયું. અથવા સાચું કહીએ તો ગમે તેટલા પડ્યા હોઈએ તોય ધરાવું અશક્ય છે એની ખાતરી થાય ત્યાં સુધી જોયું. અમે ઊઠીને પાછા ફર્યા. પાછા ફરવું સહેલું નહોતું. એકાદ જણ ઊઠે જ નહિ. એને ખેંચી લાવવા બીજો જાય એ પોતે જ નયનોત્સવમાં ચોંટી જાય. પહેલો પસ્તાય અને ઊઠે તોય બોલાવવા પાછો ગયેલો ઊઠે નહિ. અને જ્યાં બન્ને માંડ સંયમ કરી પાછા ફરે ત્યાં બન્ને ઉપર ચિઢાઈને વઢવા આવેલા ત્રીજા ભાઈ એક ઘડીક માટે આંખોને તૃપ્ત કરવા ત્યાં ઊભા રહે અને પેલા બે જણા સંયમને જરાક મોળો કરે. બે જણનાં મનમાં થાય : આટલા ચિડાયેલા સમાજ-નિયંતા ભાઈ જેટલી છૂટ લે છે એટલી આપણે લઈએ તો તેમાં કશું ખોટું નથી. આપણે ક્યાં એમના કરતાં વધારે સંયમી હોવાનો દાવો કરીએ છીએ? મને થયું કે એ પેલા ખડક પર પહોંચું તો રાજાના પાણીમાં પગ બોળી શકું પણ નદીનાં પાણી સહેજ વધતાં હતાં. એમાં એ ખડક નાનો સરખો બેટ થયો હતો એટલે રાજાજીએ મને વાર્યો. મને થયું કે એમનું નહિ માનું તો બેવડી ઉદ્ધતાઈ થાય. રાજાજીની આજ્ઞા કેમ ઉથાપાય? અને રાજાને માથે પગ કેમ મુકાય? અમે પાછા વળ્યા. ભક્તિ, વિસ્મય, માનવીજીવનની ક્ષણભંગુરતા, દૃશ્યની ભવ્યતા, આ ક્ષણની ધન્યતા એમ કેટલીયે વૃત્તિનાં વાદળાં હૈયામાં ભરાયાં હતાં અને ત્યાંથી પેલા વીરભદ્રની પેઠે માથામાં પોતાનાં બાણ છોડતાં હતાં. વિચારની આ આતશબાજી અદ્ભુત હોય છે. હૃદયમાંથી બાણ છૂટે અને સોંસરું માથા સુધી પહોંચી ત્યાં ફૂટે ત્યારે સ્વસ્થ શરીર કેવું અસ્વસ્થ થઈ જાય છે એનો અનુભવ જેણે કર્યો હોય એ જ એનો ચમત્કાર જાણે. આ ઠેકાણે મંદિર કેમ નથી? આપણા લોકોનાં મંદિરો એટલે જન્મભૂમિનાં કાવ્યમય સ્થાનો. અમુક શિખર ઉત્તુંગ છે? ત્યાં કોઈ ઋષિ ધ્યાન ધરવા જઈ બેઠા જ છે અને ભક્તોએ ત્યાં એક મંદિર બાંધ્યું જ છે. પછી એ પૂના પાસેનું પર્વતી હોય, ચંપાનગરી પાસેનું પાવાગઢ હોય, જૂનાગઢ પાસેનું ગિરનાર હોય, કે હિમાલય પાસેનું કૈલાસશિખર હોય. દક્ષિણ તરફ દોડનારી નદી અમુક ઠેકાણે ઉત્તરવાહિની થઈ છે? ચાલો ત્યાં ગોઠવો એક તીર્થ. કરોડો લોકો આવે અને પાવન થઈ જાય. મોટી મોટી બે નદીઓ એકબીજાને મળે છે? તો એ પ્રયાગ ઉપર આપણા સંતોએ પોતાની સરસ્વતી વહેવડાવી જ છે. બધી યાત્રાઓ પૂરી થઈ અને સમુદ્ર સુધી આવી પહોંચ્યા? ત્યાં ભક્તોએ જગન્નાથને અથવા સેતુબંધ મહાદેવને બેસાડ્યા જ છે. જ્યાં જમીનનો અંત દેખાયો ત્યાં કાં તો કન્યાકુમારી હોય અથવા દેવેન્દ્ર હોય. લાંબા લાંબા રણમાં એકાદ સરોવર દેખાય તો એ નારાયણનું જ સરોવર છે, એની પૂજા થવી જ જોઈએ. આપણા સંત કવિઓએ તીર્થસ્થળો ક્યાં ક્યાં કલ્પ્યાં છે એ શોધવા જઈએ તો હિંદુસ્તાનની આખી ભૂગોળ પૂરી કરવી પડશે. મુસલમાન સંતોએ, અને રોમન કેથોલિક પાદરીઓએ પણ આપણા દેશમાં એવી જ રીતે અદ્ભુત કાવ્યમય સ્થાનો પસંદ કર્યાં છે અને ત્યાં પૂજા પ્રાર્થનાની સગવડ કરી છે. ત્યારે આ ધોધ પાસે મંદિર કેમ નથી? શું જીવનરાશિનો આવડો મોટો અધઃપાત જોઈએ મુનિઓ ખિન્ન થયા હશે? શું ભૈરવઘાટીની માફક અહીં દેહ છોડી દેવાનો કેફ પેદા થશે એ ખ્યાલથી લોકસંગ્રહકાર મુનિઓએ લોકયાત્રા માટે આ સ્થાન નાપસંદ કર્યું હશે? અથવા મગજને ભરી દેનાર અખંડ અને ભીષણ ગર્જના ધ્યાનને અનુકૂળ નથી એમ સમજીને ઉપાસકો અહીંથી વિમુખ થયા હશે? અથવા આ ધોધ પોતે જ અભયબ્રહ્મની મૂર્તિ છે, એની પડખે ધ્યાન ખેંચે એવી કઈ મૂર્તિ ઊભી કરવી એ મુંઝવણમાં તેઓ નિવૃત્ત થયા હશે? કોણ કહી શકે? આપણા પૂર્વજોએ અહીં મંદિર ન બાંધ્યું એનું મને જરાય દુઃખ નથી પણ એમણે આ સ્થાન પર સૂઝેલા ભાવોનું એકાદ તાંડવસ્તોત્ર તો જરૂર લખવું જોઈતું હતું. પાર્થિવ મૂર્તિ જ્યાં કામ ન આવે ત્યાં વાઙ્મયી મૂર્તિ ઉદ્દીપક થઈ શકે છે. આ બધી શોભા અમે ધોધને માથેથી જોતા હતા. હોન્નાવર તરફથી આવનાર લોકો ઉત્તર કાનડા જિલ્લાના મહાકાંતારમાં થઈને જ્યારે આવે છે ત્યારે એમને નીચેથી આ ધોધનું આ-પાદ-મસ્તક દર્શન થતું હશે. કયું સારું એ અનુભવ્યા વગર કોણ કહી શકે? અને અનુભવ્યા પછીયે શું? કુદરતની જુદી જુદી વિભૂતિઓમાં કોઈ કાળે સરખામણી થઈ છે? હિમાલયની ભવ્યતા, સાગરની ગંભીરતા અને રણની ભીષણતા અને આકાશની નમ્ર અનંતતા વચ્ચે કોણ સરખામણી કે પસંદગી કરી શકે? એટલે એક વાર હોન્નાવરને રસ્તે જોગને દર્શને આવવું જ જોઈએ. અને દરિયાઈ કાફલાનો અનુભવ લઈને કુશળ થયેલા પેલા લશ્કરી અમલદારો ધોધનું માપ લેવા આવ્યા હતા અને પારણામાં લટકતા ધોધ પાછળ પહોંચી ગયા હતા, તેમને કેવો અનુભવ થયો હશે? જોગિયાં પક્ષીઓએ એમનું કેવું સ્વાગત કર્યું હશે? ધોધના પડદામાંથી બહારનો અંદર ફેલાતો પ્રકાશ એમને કેવો દેખાયો હશે? અને અંધારી રાત્રીએ ધોધ પાછળ જો ઘાસ સળગાવીને મોટો પ્રકાશ કર્યો હોય તો આખી ખીણમાં કેવી ગંધર્વનગરી પેદા થાય એની કલ્પના થઈ છે? જ્યારે અહીં વીજળીનું કારખાનું થશે ત્યારે કેટલાક કલ્પનાશૂરો જરૂર આ ધોધ પાછળ વીજળીની બત્તીઓની હાર ગોઠવવાના અને દુનિયાએ ન જોયેલી એવી ઇંદ્રજાળ પાથરવાના. તે વખતે આખી ખીણ એક મહાન રંગભૂમિ થશે અને ચારે ખંડના ભૂદેવો એ જોવા અવતરશે. પણ તે વખતે કોઈને ઈશ્વરનું સ્મરણ થશે ખરું? માણસે પોતાની બુદ્ધિશક્તિ ઈશ્વરને ઓળખવાને માટે વાપરવાને બદલે ઈશ્વરને ભૂલી જવાની યુક્તિઓ અને પદ્ધતિઓ શોધવામાં જ વાપરી છે. વખતે એમ પણ હોય કે બુદ્ધિ બધી રીતે હાર્યા પછી ઈશ્વરને વધારે સારી રીતે સમજી શકાશે. દરેક વસ્તુનો અંત આવે છે એટલે અમારી આ જોગયાત્રાનો અંત આવ્યો. અત્યંત પવિત્ર અને મીઠાં સ્મરણો સાથે અમે પાછા ફર્યાં. પણ ફરી એક વાર અહીં આવવાની વાસના તો રહી જ ગઈ. એટલે पुनरागमनाय એવા શબ્દોથી જ અમે આ અસાધારણ વિભૂતિની વિદાય લઈ શક્યાં. (‘લોકમાતા’) |
[પાછળ] [ટોચ] |