[પાછળ] |
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ લેખિકાઃ કામિની સંઘવી
ચકલાં ઉંદર ચૂં ચૂં ચૂં, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ ...’ બાળમંદિરમાં આ કવિતા ભણી, ત્યારે ખબર ન હતી કે મારે એક દિવસ આ ઘૂ ઘૂ કરનારા, એટલે કે ભોળાભટ્ટ પારેવડાં, સાથે પનારો પડવાનો છે. પહેલાં જ કહી દઉં છું પારેવડાંને જરા પણ ભોળા માનવાની ભૂલ કરવા જેવી નથી. એકદમ મસ્તીખોર, ટીખળી અને સમૂહમાં હોય ત્યારે બઘડાટી બોલાવી દે તેવા છે. હા, થોડા નહીં પણ પૂરા ડરપોક, પણ ભોળા તો નહીં જ અને નહીં.
વર્ષો હું માનવનિર્મિત નગરમાં રહી છું. ત્યાંના નાનકડાં નયનરમ્ય રસ્તા, તે આસ્ફાલ્ટની સડકોની આજુબાજુ માર્ગ સુશોભન અર્થે લાલન–પાલન કરીને ઉગાડેલા વૃક્ષો. મોહનથાળના ચોસલા હોય તેવા રૂપકડાં ઘરોના ચોખંડે વળી પાછા ઘાસના મેદાન અને મેદાનની આગળપાછળ વૃક્ષો. વળી, દરેક ઘરના આંગણામાં મકાન નિવાસીની પસંદગીના ફૂલ–છોડ અને ઝાડ–પાન. તેમાં વડ, લીમડો, પીપળા જેવાં દેશી ઘટાદાર વૃક્ષો અને પામ ટ્રી, બોટલ બ્રશ, ગુલમોર જેવાં આછેરા પાનવાળાં વિદેશી વૃક્ષો પણ ખરાં. આંબો, ચીકુ, નાળિયેરથી લઈને ફણસ ઈવન જાબું, દેશી–વિદેશી આમલી જેવાં ફળાઉ ઝાડ. હવે કહો જોઈએ, આવા નગરમાં તો પંખીડાને મજા જ પડી જાય ને. એટલે મારા નગરમાં કબૂતર, કાબર, ચકલાં, હોલા, કાગડાં જેવા ઘર આંગણાના પક્ષીઓ નેપથ્યે અને બુલબુલ, કાળોકોશી, દૈયડ, દરજીડો, પીળક, ચાષ, કલકલિયો વગેરે રંગીન ઝાડી–જંગલના પક્ષીઓનો જ દબદબો. આમ પણ જે સહેલાઈથી મળે તેની માનવ મનને કિંમત શું ? એટલે મારે મન કબૂતરની કિંમત કોડીની ! સમયે કરવટ બદલી, ને મારે તે હર્યુ–ભર્યુ ઘર આંગણું છોડી, ને બિલ્ડિંગ મઢયે મહાનગરે રહેવા આવવાનું થયું. અને તે પણ અવનીને છોડીને ઊંચે આભમાં. હવે ક્યાંથી કાઢવું તે આંગણું ને તે વૃક્ષ–વેલી–વિહંગનો અસબાબ ! ઊંચી ઊંચી ઈમારતોમાં બીજાં પક્ષી ન રહે, પણ કબૂતર તો મજેથી રહે. જાણે ઘરનું સભ્ય. આમ તદ્દન બીકણ બાયલું. જરા નજીક જાવ ત્યાં તો ફરરરર દઈને ઉડે. મને મારા નગરનાં ફૂલછોડ–પંખીઓનો વિરહ અકળાવે. તે હું કબૂતર સાથે દોસ્તી કરવા પ્રયત્ન કરું. પણ મારા તે હર્યા–ભર્યા આંગણા અને રંગીન પંખીડાંને ભૂલવા મારી વેંત એકની અગાસીમાં થોડાં કૂંડા મુકીને તેમાં નાના ફૂલ છોડ જેવા કે ગુલાબ, મોગરાં, જાસૂદ, બારમાસી વગેરે ઉછેરવાં મથું ને પેલી ભોળા (છ્ટ) પારેવાની ટોળી, ચોરની જેમ મારી ગેરહાજરીમાં, આવીને તે ફૂલછોડના જરાક વેંત જેટલાં કૂમળા છોડને પણ ખૂંચવી જાય. અરે, તુલસીને પણ ન છોડે. ઓફિસફૂલનાં ડાળખાં જેવાં નાનકડાં તૃણ તો તેને બહુ વહાલાં. જરાક બિચારા કૂંડામાં ડોકા કાઢે ત્યાં તરત જ તેનો શિરચ્છેદ થયો જ સમજવો. હવે આવા કબૂતરાને હું ભોળા તો કેમ કહું ? અને દોસ્ત પણ શે બનાવું ? મને તો આ પારેવડાં ગયા ભવના વેરી–દુશ્મન લાગે. હવે તમે જ કહો, લોક ગમે તેટલાં પારેવડાને ભોળા કહે પણ હું તો કેમ કહી શકું ? નવા ફૂલછોડ વાવું ત્યારે બે–ચાર દિવસ તેની ચોકી કરવામાં જ જાય. પણ જરાક આઘીપાછી થઈ નથી, ને કબૂતરની ટોળી સરરરર કરતી આવે, ને બધું ખેદાન–મેદાન કરી દે. અગાસીમાં કશું તડકે સુકવવા મુકું કે તરત જ દૂર પાળી પર હારમાં ગોઠવાઈ જાય. મારી આમન્યા રાખે. પણ હું અંદર જાઉં તેવા જ બધાં જ્યાફત ઊડાવવા હાજર. હવે અગાસીને ઝીણી જાળી નાંખીને તો બંધ કરાય નહીં ! તો પછી તે આકાશિકા ન રહે ને ! આ કબૂતરનું શું કરવું, તે મારા માટે યક્ષ નહીં, પણ ફૂલ-છોડ-બચાવ પ્રશ્ન થઈ પડ્યો. મારાં ફલેટની અટ્ટાલિકામાંથી સામેનું બિલ્ડિંગ દેખાય. બિલ્ડિંગની અગાશીમાં પાણીની ટાંકી તેટલી ભિનાશ. તે સિવાય બાકીની અગાશી કોરી કટ્ટ. કોણ જાણે તે બિલ્ડીંગનો વોચમેન કાયમ બપોરે પાણી ચડાવવા મોટર ચાલુ કરે ને પછી ટાંકી ભરાઈ જઈ ને પાણી છલકાય છતાં મોટર બંધ કરે નહીં. પાણી નિરર્થ આગાશીમાં વહી જાય. તે પાણીના વ્યયથી મારો જીવ કોચવાય. આટલાં પાણીમાં તો કેટલાં પંખીડાને ઝાડ પાણી–પાણી થાય ? એક વખત એમ જ બપોરે ગેલેરીમાં ઊભી વિહંગાલોકન કરતી હતી, ને સામેના બિલ્ડીંગની પાણીની ટાંકી છલકાઈ. વોચમેનને શોધવા નજર કરી, પણ તે તો કુંભકર્ણનો અવતાર તે તેને તો પાણીનો અવાજ ક્યાંથી સંભળાય ? પાણી વહી જતું હતું, ને મારો જીવ પણ. ત્યાં તો ફરર ફરર પાંખો ફેલાવતી મારી કબૂતરની ટોળી આવી પહોંચી. પાણીનો દદૂડો જ્યાં પડતો હતો, તેથી થોડે દૂર પારેવડાં બેઠાં. ઠંડી જલશીકરોથી પાંખો ભીંજવવા લાગ્યાં. કેટલાંક હતા દારાસિંઘ જેવા હિંમતબાજ તે દદૂડાની નજીક જઈને હિંમતભેર તે નાનકડાં જળપ્રવાહ નીચે ઊભા રહી તે ધોધનાં વારિ ઝીલ્યાં. તો કેટલાંકે દેખાદેખીમાં હિંમતભેર સ્વિમિંગ પૂલમાં ઝંપલાવી તો દીધું પણ પછી થયું હશે, ‘યે અપને બસ કી બાત નહીં,’ તેથી ભીંજાયા ન ભીંજાયા ને તરત બહાર. કેટલાંક ગભરુએ પહેલેથી જ શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ દૂર ઊભા ઊભા જ ઠંડા જળની મજા લેવા માંડી. તો કેટલાંકે પાંખો ફફડાવીને પ્રિયા કે પ્રિયતમને પણ પાણી તરબોળ કર્યાં. મસ્તીએ ચડેલી તે કબૂતરોની ટોળી જોઈને મારો તેમના પ્રત્યેનો બધો રોષ પેલાં અત્યાર સુધી નિરર્થ વહી જતાં પાણી સાથે અર્થ સભર વહી ગયો. કબૂતરોનો પાણી સાથેનો રોમાન્સ મને વગર ભીંજ્યે ભીંજવી ગયો. ત્યારથી પાણીની ટાંકી છલકાય છે, તો હું વોચમેન પર ગુસ્સો નથી કરતી, કારણ તે નિરર્થ પાણીને અર્થ મળી ગયો છે. અને મને હવે આ કબૂતરો પ્રત્યે પ્રેમ તો નથી થયો, પણ તેમને સ્વીકારતી થઈ છું. આખરે તે પણ મારા જેવાં સજીવ જ ને! કુદરતે તેમના જે માટે નિરમ્યું તે જીવી જાણે છે, મારી જેમ જ વળી. (ઓનલાઈન મેગેઝિન ‘ઓપિનિયન’ તા. ૧૭-૬-૨૦૧૩માંથી સાભાર) |
[પાછળ] [ટોચ] |