[પાછળ] |
કાશ્મીરનું અનુપમ સૌંદર્ય લેખકઃ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ (૧૯મી સદીમાં રાજવી કુટુંબમાં જન્મેલા ‘કલાપી’ કેટલાંક કારણોસર માત્ર અંગ્રેજી પાંચમા ધોરણ સુધી ભણી શક્યા હતા પરંતુ તેમનો સાહિત્ય પ્રેમ અદ્ભુત હતો. ઈ.સ. ૧૮૯૧ની સાલમાં તેમણે ૧૮ વર્ષની વયે કાશ્મીરનો પ્રવાસ ખેડ્યો હતો તથા આ પ્રવાસની રોજનીશી રાખી પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર લખી પોતાના અનુભવો મોકલતા રહ્યા હતા. ૧૯ વર્ષની વયે તેમણે કવિતા લખવાનું શરૂ કર્યું. ૨૧ વર્ષની વયે લાઠીના રાજા થયા અને ઈ.સ. ૧૯૦૦માં માત્ર ૨૬ વર્ષની વયે અવસાન પામ્યા. તેમના અવસાન બાદ ઈ.સ. ૧૯૧૨માં તેમના અન્ય ગદ્ય સાહિત્ય સાથે આ પત્રો પણ પુસ્તક તરીકે પ્રગટ થયા. ‘કાશ્મીરનો પ્રવાસ’ પુસ્તક આપણા પ્રવાસ સાહિત્યનું અણમોલ રત્ન છે. તેમણે કરેલાં પ્રકૃતિના સૌંદર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિસભર સુરેખ વર્ણનો તથા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષણો નોંધપાત્ર છે. આ પુસ્તકના કેટલાંક અંશ તેની અસલની જોડણી સાથે અત્રે અપાયા છે.) ડાલ સરોવર અને ચશ્મે શાહી (તા.૦૩-૧૧-૧૮૯૧) અમે ડાલ સરોવરની અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી પર કોમળ નીલા અને જરદ વેલા, તેનાં કુમળાં, સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં, કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ, અને કમળનાં નાનાં, ગોળ, લીલાં અને સુકાઇ ગયેલાં સોનેરી રંગનાં, અડાળીનાં આકારનાં પાનો છવાઇ ગયેલાં હોય છે; તેઓ પર નાના, મોટાં, લાંબા, અને ગોળ, ચળકતાં, આમ તેમ રડતાં, ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટાં પડતાં સુશોભિત જલબિંદુઓ આકાશ પરના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે. આ પાણીનાં ટીપાં અને આ પાન, ઘણે દીવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી રાખ્યો હોય તેવાં, વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુક્તાફળ કાઢી લીધાં હોય તેવાં, અથવા રાતે જોસભર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે તેવાં, નજરે પડે છે. તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પહેલાં કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણ પલ્લવ અથવા શરદ્ ઋતુની ચાંદની સમે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપ વધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઇ ગયેલાં ગાળાવાળાં નેપૂર જેવાં દીસે છે. તેઓમાં સૂર્યનાં સેંકડો બિંબ પડે છે, તેથી પ્રલય સમયના બ્રહ્માંડ જેવાં ભાસે છે. હલેસાંથી પાણીની શીતલ ફરફર ઊડે છે, અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમ તેમ દોડતાં, ઘડીમાં દૃષ્ટિમાં પડતાં અને ઘડીમાં અદૃશ્ય થઇ જતાં, વિચિત્ર આકારનાં અનેક ઇંદ્ર ધનુષો રચાય છે. આથી આ સરોવર પંચરત્નની અખુટ ખાણ, દેવદાનવોએ મંથન કર્યા પહેલાંના ચૌદ રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દિસે છે. આ અલૌકિક તળાવની એક બાજુએ હલતાં અને સ્થિર ગાઢાં કાળાં વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલી, બરફની ઢંકાયેલી, ગંધકના રંગવાળી, નાની મોટી ધાર અને પાણીથી હાલતાં દીસતાં છરેરા, ઊંડી કોતરો, વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક, અંધારી અને વધારે ઉંડી દેખાતી ગુફાવાળી ટેકરીઓવાળા, આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે. આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યનાં ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીનાં પત્રાંથી ઢંકાયેલ હોય, કાચથી છવાયેલ હોય અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળાં અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવનાં કપાળ તેવા દીસે છે. આ તડકો ક્ષણેક્ષણે વધારે-ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પણ પળે પળે બદલાયાં કરે છે. બીજી બાજુએ, કિનારા પર, સુંદર નીલાં, સોટા જેવાં લાંબા સફેદાનાં, લાલ પાંદડાં વાળાં, સુવર્ણમય દીસતાં, ભમરડા આકારનાં, મનોરંજક ચીનારનાં અને એવાં જ બીજાં અતિ સુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશોભિત બગીચા શોભી રહ્યા છે. તેઓની ઉપર તોળાઈ રહેલા, પાછળ ઉભા રહી ચોકી કરતા, દૃષ્ટિમર્યાદા સુધી દીસતી નાટકશાળાની બેઠકો જેવી, દૃષ્ટિને ખેંચી લેતા ટેકરીઓવાળા, બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા છે. એક ખુણા પરના શિખર પર ગરૂડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે. કીનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતળ, સ્ફટિક મણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે. આ બિંબને જોકે હમેશાં પાણીમાંજ રહેવાનું છે તો પણ જળની શીતળતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રૂજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જળના વિશાલ દર્પણ પર લીલી લુઈ પથરાયેલી છે. જો આ જગત્ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોયતો તે આજ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ; ઓ દેવ! આહા! એ પણ એક સમય હતો! કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યા. પહેલાં અમારે ચશ્મેશાઈ જે કીનારાથી આશરે સવા માઈલ દૂર છે, ત્યાં જવાનું હતું. દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતાર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ જ્યાં જહાંગીર કોઇ કોઇ વખતે નૂરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો. તે હાલ ખંડેર જેવો દેખાય છે. અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથીજ તેનાં દર્શન કરી અગાડી વધ્યા. અર્ધા કલાકમાં ચશ્મેશાઈ પહોંચી ગયા. શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે, આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખુણા પાસે એક શીતળ જળનો ચશ્મો છે. આ પાણી ઘણુંજ સ્વાદિષ્ટ અને ઠંડું છે. મને તરશ નહોતી લાગી, નહિ તો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત; તોપણ સૌએ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જોકે હાલ પડતીમાં છે, તો પણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે? શંકરાચાર્યનું મંદિર (તા. ૦૬-૧૧-૧૮૯૧) ચક્રવાકની લાંબી ચીસો કાગાનીંદરમાં કોઇ કોઇ વખતે કાને પડવા લાગી. માંજી લોકોનાં બગાસાં, ટુંકાં ગાયનો અને અવાજ સંભળાવા લાગ્યા. દીપજ્યોતિ જરા નિસ્તેજ થવા લાગી. પડખું ફેરવતી વખતે ટાઢથી બિછાનું જરા ભીનું અને ઠંડું લાગવા માંડ્યું. બહાર ઉજ્જવલ ભાસ નજરે પડવા લાગ્યો. પાણીના ખળભળાટથી કિસ્તીની આવજા શરૂ થઇ ગઇ છે, એમ લાગ્યું. કાગડા, ચકલાં, કાબર અને બીજાં પક્ષીઓ બોલવા લાગ્યાં. ચોકીએ બેઠેલો સિપાઈ એક પછી એક રસોયાને ઉઠાડવા લાગ્યો. તેઓ ઉઠ્યા કે તુરત જ આળસ મરડી કોઈ "હરિ, હરિ", કોઇ "હે! રામ તું" કોઇ "હે! ભગવાન" એમ બોલતા પથારીઓ સંકેલી કામે લાગ્યા; પરભાતીઆં ગાવા લાગ્યા અને ચુલા પાસે તાપવા બેસી ગયા. ધીમે ધીમે, અજવાળું ઓરડામાં આવ્યું એટલે અમે પણ ઉઠ્યા, બે ત્રણ માંજીઓને બોલાવી "ડાક ઘરકું જાકે સબ કાગઝ જલદી લાઓ ઔર તાર હોવે તો વ્હોબી લાના", બીજાને, "બહાર જાકે જલદી ચિરાગ તૈયાર કરો", ત્રીજાને "શિકારા તૈયાર રખો દુપેરકું બહાર ફિરને જાનાં હે", આ પ્રમાણે જુદાં જુદાં કામ બતાવી દીધાં. કમાડ ઉઘાડ્યાં. તેઓ ગયા. અમે બહાર ઓસરીમાં ખુરશીઓ નખાવી, ગરમ કપડાં પહેરી સગડી આસપાસ દાતણ કરવા બેસી ગયા. પૂર્વ દિશાની લાલાશ, પર્વતો પરનો ગુલાબી દીસતો બરફ, નાના પ્રકારના અવાજ કરતાં આમ તેમ ઉડતાં પક્ષીઓ, ઝાકળથી ટપકતાં વૃક્ષો, જરા જરા ઉડેલાં જલકણથી છવાયેલ પુષ્પ, ડાળીઓ પર પથરાઇ ગયેલી પાણીનાં મોતીથી ચળકતી કરોળિયાની જાળ, લીલું ઘાસ અને તે પર પડેલાં પાણીનાં ટીપાં, ધીમે ધીમે વિખરાતો ધુમ્મસ, ડુંગર પર ફરતાં હસ્તિદલ જેવાં દેખાતાં વાદળાં, નિર્મળ થતું આકાશ, શુક્ર અને બીજા વિરલ રહેલા ઝાંખા તારા, પાણી પર ઉડતાં કલકલિયા, ખોરડામાંથી નીકળતા ધુમાડાના થોડાં રહેલા ધુમ્મ્સ સાથે મળી જતા ગોટા, અને પ્રભાત કાળના એવા અનેક સુખકર રમણીય કુદરતી દેખાવો જોઇ આનંદમાં દાતણ પાણી કરી લીધાં. એટલી વારમાં બે ઉંચા ડુંગરો વચ્ચે ખીણમાં ચળકાટ મારતાં, ચોતરફ ફેલાતાં, માણસોના અવાજ સાથે વધતાં જતાં સૂર્યના સોનેરી કીરણો નજરે પડ્યાં અને આમ્રરસથી છકેલ કોકિલાની કીકી જેવાં લાલ વસ્ત્ર ધારણ કરી ભગવાન સૂર્ય દેવતાએ દર્શન દીધાં. સુવર્ણની રેતી જેવો, શરદીમાં વહાલો લાગતો, કમલ વનને વિકસિત કરતો, નદીના પાણીને રંગી નાખતો, બરફના લાલ રંગને ભુસી દેતો તડકો, પૃથ્વી, પહાડ, ઝાડ અને સર્વ વસ્તુ પર પથરાઈ ગયો. સૂર્યનો રથ ઊંચો ચડ્યો. પર્વતો નીચે આવી ગયા, જલની તરંગ પરંપરા ચળકવા લાગી અને ટાઢ જરા ઓછી થઈ તેથી અમે ન્હાવા લાગ્યા. કોઈએ કહ્યું કે કાગળ લઈ માંજી આવ્યો તેથી જલદી કપડાં પહેરી રસોયાને "થાળીને જરા વાર છે" એમ કહી લખવાની ઓરડીમાં દોડી જઈ જલદી જલદી પ્રિય સ્નેહીઓના પ્રિય કુશલ પત્રો વાંચ્યા, અને પછી જમી લીધું. મિત્રોને કાગળના જવાબ જલદી જલદી લખી નાખી, કિસ્તીમાં બેસી માંજી લોકોને કહી દીધું કે: તખ્તે સુલેમાન તરફ શીકારો ચલાવો. તેઓ શીકારો ચલાવ્યા પહેલાં ’ઓ પીર, દસ્તગીર, શહેનશાહ, બાદશાહ’ એવા એવા શબ્દો હલેસાંને એક સરખાં નિયમિત કરવા બોલી કિસ્તી સપાટાબંધ ચલાવવા લાગ્યા. રેસિડન્સિનું મકાન જે અમારા ઉતારાથી બહુ દૂર નહોતું ત્યાં આવી પહોંચ્યા. કિસ્તી ઉભી રાખી એક માંજીએ કહ્યું કે, "સાબ, ઇધરસે ચલનાં પડેગા", એક માંજીને રસ્તો બતાવવા સાથે લઈ તેની પાછળ પાછળ વૃક્ષ ઘટામાં ખાડા ખડીયા કૂદતાં કૂદતાં, એક નાની કેડી પર એક પછી એક આડા અવળા ચાલવા લાગ્યા. થોડા વખતમાં ટેકરીની નજદીક આવી ગયા. શ્રીનગર દરિયાની સપાટીથી ૫૦૦૦ ફીટ ઉંચું છે અને શંકરાચાર્યનું મંદિર ૬૦૦૦ ફીટ ઉંચું છે, તેથી અમારે ૧૦૦૦ ફીટ ઉંચું ચડવાનું હતું. ભાંગી ગયેલાં પગથીયાં પર સંભાળી સંભાળી પણ ઝડપમાં પગ મૂકતા ઉંચા ચડવા લાગ્યા. વાઇસરોયના માન ખાતર આ ટેકરી પર રાતે રોશની થવાની હતી તેથી મજુરો કપાસિયાના કોડીઆંની હારો કરતા હતા અને નાની નાની લાકડીઓ આમ તેમ ખોડતા હતા. આ એક જાતના કાશ્મીરી ઝાડની સોટીઓ દિવાની માફક બળે છે અને તેથી તેને પણ રોશની કરતી વખતે વાપરવામાં આવે છે. ઘડીક ઉભા રહી આ રોશનીની તૈયારી અને નીચેની જમીન પર જરા નજર કરી પાછા ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. પગથિયાં છોડી દઇ એક નાની કેડી પર ચાલવા લાગ્યા. જમણી બાજુએ પથરા, ઝાડ, ડુંગર અને કામ કરતાં દાડિયાં હતાં અને ડાબી બાજુએ વધારે વધારે ઉંડી થતી જતી ખાઇ હતી. લાંબી કાશ્મીરી લાકડીઓ હાથમાં રાખી લીધી હતી અને ખાઇ તરફ વારંવાર નજર કરતા, થાકી જવાથી ઘડીએ ઘડીએ પથરા પર બેસી વિસામો લેતા લેતા શ્રી શંકરાચાર્યના શિવાલય પર પહોંચી ગયા, અને "શંભો હર" કરી નીચે બેઠા. શ્રમથી પસીનો વળી ગયો હતો અને મંદ શીતળ પવનની લહેરી આવતી હતી તેથી જરા વાર વિશ્રાંતિ લઈ મહાદેવના દર્શન કરવા ગયા. મંદિરમાં એક મોટું શિવલિંગ અને બે પર્શિયન લેખ છે. અહિં એક બાવો હતો તેણે કહ્યું કે, "આ જગ્યાએ આર્ય ઉધ્ધારક શ્રી શંકરાચાર્ય અને મંડનમિશ્રનાં પત્નીનો સંવાદ થયો હતો." વળી તેણે કહ્યું કે, "અહીંથી થોડે દૂર ઉગ્ર અંબરનાથ મહાદેવ છે. તેનો એવો મહિમા છે કે કોઈ ભાગ્યશાળી અને પુણ્યવાન જ તેનાં દર્શન કરી શકે છે. ત્યાં હજારો માણસો જાય છે પણ કેટલાક શિવાલયમાં ગયા પછી આંધળાભીંત થઈ જાય છે, અને શંકરનાં દર્શન કરી શકતા નથી. હાલ તો ત્યાં બરફ જામી ગએલો છે. આ અંબરનાથનું મંદિર અશોકના દીકરાએ ચણાવેલું છે." આ ઊંચા સ્થાનથી આખું શ્રીનગર અને ઘણે દૂર સુધીના સુંદર પ્રદેશો નજરે પડે છે. જો કે શહેરનાં દુર્દશામાં આવી પડેલાં જેવાં ઘર જોવાથી થોડોજ આનંદ મળે છે. પણ ઇશ્વરી કુદરત, ઈંદ્રજાળની માફક આંખને ખેંચી લે છે અને જાગતાં છતાં સ્વપ્નાવસ્થાનું ભાન કરાવે છે. એક બાજુએ નાનાં નાનાં દેખાતાં સફેદાનાં વૃક્ષોની આડી અવળી હારો, ચિનારના ઝાડની ઠેકાણે ઠેકાણે ઘટા, અહીં તહીં પથરાયેલાં લીલાં અને ભુરાં, ચોરસ, ત્રિકોણી, ગોળ અને એવા અનેક આકારનાં મેદાનો અને ભાજી પાલાથી ભરપૂર ખેતરો, તેમાં ફરતાં વેંતિયાં માણસ જેવા દીસતા ખેડુતો, ડાલ સરોવર, તેમાં તરતી નાની મોટી વનસ્પતિ, કીનારા પરના બગીચા, વાદળાંથી વધારે કાળો દેખાતો પરિમહેલ, શહેરમાંની આડી અવળી આસમાની પાણીની સડકો, ઘર બહાર નીકળતા ધુમાડાના ચાલ્યા જતા, ઊંચે ચડતા, વિખરાઇ જતાં થાંભલા, ઘાસથી છવાએલાં છાપરાં અને બીજી બાજુએ ખીણમાં ધીમે ધીમે સર્પાકારે ચાલી આવતી જેલમ નદી, મુસાફરી બંગલા, વાદળાં અને બરફથી ઢંકાયેલી, દૃષ્ટિ મર્યાદા સુધી લાંબી લાંબી ચાલી જતી, ઊંચી નીચી ધાર અને અણીવાળી લીલી અને કાળી ટેકરીઓ વાળી પર્વત પરંપરા અને તેની ઝાડીમાં જુદા જુદા અવાજ કરી ઉડતાં ચંડુલાદી પક્ષિઓ, દૃષ્ટિએ પડે છે. આ તે પૃથ્વિ! સ્વર્ગ! કે કૈલાસ છે! તેનો સંકલ્પ વિકલ્પ કરાવે છે. ચારે દિશામાં આવા જ અદ્ભૂત, દૃષ્ટિને આલ્હાદન આપતા, સૌંદર્યના વિશાળ ભંડાર આવી રહેલા છે. તેથી ક્યાંથી આંખ ફેરવી ક્યાં જોવું તે સુજતું નથી. આ ઋતુમાં પણ આ દેખાવ આટલું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે તો ખેતરોને કેસર અને ઘીચ વનસ્પતિથી, દરેક વૃક્ષને ચળકતાં નવપલ્લવ અને ફળોથી, દરેક ઝરણને નિર્મળ, શીત, ખળખળતા જળથી, દરેક મેદાનને લીલા ઘાસથી અને દરેક પર્વતને પુષ્પ, પાન અને ફળના નવરંગી ગાલીચાથી ભરી દેતી વસંતમાં આ પ્રદેશો હૃદય પર શું અસર નહિ કરતા હોય! સર્વદા ધન્ય છે આવી અનુપમ લીલાને સૃજનારની લીલાને, આવા અકળ, અમાનુષી, અતીગહન, ઇશ્વરી ચમત્કારના રમણીય ભંડારનું પ્રેમ, આનંદ અને આશ્ચર્ય સહિત અવલોકન કરી, મહાદેવનાં ફરીથી દર્શન કરી, ચિત્તવૃત્તિને ત્યાંજ છોડી પાછા વળ્યા. આ વખતે નીચે ઉતરવું હતું તેથી મહેનત ઓછી હતી પણ સંભાળ ઘણીજ રાખવી પડતી હતી કેમકે પગ લપસ્યો કે, ‘રામ રામ’. ખાઇ પડખે ઘણી જ ઊંડી; તેમાં પડ્યા તો પાવળું પાણી પણ માગવાનો વખત મળે નહિ. ઢાળ ઘણો છે તેની સંભાળ રાખ્યા છતાં પગ લપસી પડતો હતો અને પાછા ઉભા થતાં પણ જરા મુશ્કેલી પડતી હતી. કેટલાક ખાઈ સામે નજર કરવાને પણ હિમ્મત ધરી શકતા નહોતા. ધીમે ધીમે બધા સાજા સમા ઇશ્વર કૃપાથી નીચે ઉતર્યા અને ‘હાશ’ કરી કિસ્તીમાં બેસી ગયા. ઉતારે પહોંચ્યા તેટલી વારમાં રાત્રી આવી પહોંચી તેથી વાળુ કરી થાક્યાપાક્યા જલદી બીછાનામાં પડ્યા અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. જેલમ નદીનો પ્રવાહ (તા. ૧૧-૧૧-૧૮૯૧) પર્વત પરની આડી અવળી સડકપર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા બંધ થયા. તેઓની જગ્યાએ મયૂરપિચ્છ જેવાં ચળકતાં સરુનાં અસંખ્ય વૃક્ષો અને બીજા જુદા જુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઇ ગયા છે, સ્લેટના પર્વતોની દીવાલો અને ઘીટ વૃક્ષ ઘટા ડાબી બાજુપર ઝૂમી રહી છે. જમણી બાજુએ ઊંડી ખીણમાં જેલમ નદી વહે છે. આ જેલમ જેમાં બારામુલ્લાં સુધી કિસ્તી ચાલી શકે છે અને જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે તેમાંથી પહેલાં મુગ્ધાના નૂપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાલાના રથના ઘુઘરા જેવો, પછી મદમત્ત ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા વાંસની ઝાડીમાં ફુંકતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સાથે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલુમાંથી શંકર જટા પર અને શિવ મસ્તક પરથી મેરુ પર્વત પર પડતી ભાગીરથીના ઘુઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અને ઇંદ્ર ધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઉછળતા, નીચે જતાં, ફેલાઇ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્પન્ન કરતો ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો, પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઇ રહેતો, વૃક્ષ વેલી અને પથ્થરોને ધ્રૂજાવતો, પાતાળ ફાડી નાખવા યત્ન કરતો, કાશ્મિરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણ વિવર બંધ કરતો, ફોડી નાંખતો, નદીના ઉકળતા, ઉછળતા, પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દીશામાં ફેલાય છે; સૃષ્ટિના સંધિબંધ તોડી નાખવા ઇચ્છતો હોય તેમ દેખાય છે અને બીજા દરેક અવાજને દબાવી દે છે. તેથી પક્ષીઓ મુંગા હોય, વૃક્ષો હલતાં અને ઘસાતાં છતાં અવાજ ન કરતાં હોય અને પવન સાચવી સાચવીને સંચરતો હોય તેમ ભાસે છે. આથી યુદ્ધમાં ગયેલા પતિઓને માટે શોક કરવાથી પડતાં અનેક સહસ્ત્ર સુંદરીઓના અશ્રુ જેવાં, વરસાદની અખંડ હેલી જેવાં, અને વસંતમાં ઉંચી ચડી વિખરાઇ જતી, શ્રીમંતના જલયંત્રમાંથી નીકળતી જલધારા જેવાં જલ બિંદુઓ અહર્નિશ ચોપાસ છંટાયા કરે છે. ગંગા, શંકરે મસ્તકપર ધરી અને મને શામાટે નહિ એવી રીસથી જેલમ જાણે પર્વતો પરથી નીચે સૃષ્ટિ પર અને સૃષ્ટિ પરથી નીચે પાતાળમાં શંકર પાસે જઇ પ્રલય કરવા માગતી હોય તેવી દેખાય છે. ડાબી અને જમણી તરફના ઊંચા ડુંગરો અને ઝાડીમાંથી તે નદીનાંજ બચ્ચાં જેવા અસંખ્ય ધોધ વહી આવતા, માતુશ્રીને મળતા અને અવાજમાં વધારો કરતા નજરે પડે છે. આ અદ્ભૂત જલના સુંદર દેખાવ સિવાય આંખ અને મનને હરી લેનાર, ઊંચા નીચા, લીલા અને ભુરા, બરફથી ઢંકાયેલા અને બરફ વિનાના, ગોળ અને અણીવાળા શિખરોવાળા, પાણીનાં ઝરણ અને પુષ્પલતાવાળા, છરેરા અને ઊંડી ગુફાવાળા, દૃષ્ટિમર્યાદાથી પણ વિશેષ લંબાઈ અને પહોળાઇવાળા પર્વતો, તેઓની રમણીયતા, તેઓની કલ્પી ન શકાય તેવી ઉંચાઈ અને તેઓ પરના અસંખ્ય નાના પ્રકારના રંગનું ગૌરવ કાંઈ મન પર ઓછી અસર કરે તેવાં નથી. નદી કિનારાના પર્વતો (તા.૧૨-૧૧-૧૮૯૧) આ રસ્તો ઘણોજ વિકટ છે. એક બાજુએ ઊંચા પર્વતો અને બીજી બાજુએ એક હજારથી વધારે ફીટ ઊંડી, જેલમના ઘુઘવાટથી ગાજી રહેલી ખાઇ આવી રહેલી છે. કેટલાએક પર્વતો કાળા સખત પથ્થરના છે, કેટલાએક સ્લેટના છે અને કેટલાએક માટીના છે. આ દરેક પર્વત પર સરખાં જ સુશોભિત વૃક્ષો આવી રહેલાં છે, ઉંચાઈમાં પણ ઘણાખરાં સરખાંજ. ગિરના જેવા કાળા કાગડાના વિચિત્ર જાતના અવાજ, કોઇ કોઇ કુંજમાં મધ્યાન્હ સમયે છુપી રહી મધુર ગાયન કરતાં ચંડુલોના સુસ્વર અને વર્ષાની શાંત રાત્રિનું ભાન કરાવતી તમરાંની ધ્વનિ દરેક પર્વત પર સંભળાય છે. સામે ટેકરીઓ પર ચરતાં ઢોર અને પહાડી બકરાં અને ફરતાં જંગલી માણસો દરેક જગ્યાએથી નજરે પડે છે અને નાના મોટાં ઝરણ, ખળખળીયાં અને ધોધથી દરેક પહાડ સુશોભિત દીસે છે; પણ ધૂળના પર્વતો તો નિરંતર ભીના જ રહે છે; પાસેથી પસાર થતી દરેક વસ્તુને શીતળ કરી દે છે અને ઝાડની અતિ ઘીચ કુંજ ગલીઓથી છવાએલા છે. આ પર્વતો પર અસંખ્ય ગડગડિયા નાના મોટા પથ્થરો ચોંટી રહેલા છે. સખત વરસાદના ઝપાટાથી આ પથ્થરો ધૂળની સાથે નીચે સડક પર અને સડક પરથી નીચે ખાઈમાં ઠેઠ જેલમ સુધી ધસી પડે છે, આના સપાટામાં જે કોઈ પ્રાણી અથવા ચીજ આવી જાય છે તેનો તત્કાળ નાશ થાય છે અને તે ફરીથી દૃષ્ટિએ પડતી નથી. આવાં અકસ્માતોથી ઘણી વખત ઘણાં જીવનું નુકશાન થાય છે. ચોમાસામાં ધરતીકંપ, વાવાઝોડું, વંટોળીયા અથવા ઝપાટાની વખતે જ આવા અકસ્માતો બને તેમ નથી, પણ ધુળ અને નાના ગોળ પથરા હંમેશા ખર્યા જ કરે છે. આમ થવાથી કેટલાક મજૂરો સડક સાફ કરવા દરરોજ કામે લાગેલા જ હોય છે અને રસ્તે ચાલતી ગાડીને દબાઇ, દટાઇ, છુંદાઇ અથવા ઘસડાઈ જવાની નિરંતર ધાસ્તી રહે છે. પથ્થરનું દરેક ચોસલું હમણા આવી પડશે એમ દેખાય છે. આમાંથી બચવાનો એક્કે ઉપાય નથી કેમ કે આવા પર્વતો ઘણા લાંબા છે અને સડક હંમેશા તેની અડોઅડ જ ચાલી જાય છે. એ જીવને હાનિ કર્તા છે પણ આંખને આનંદ આપે છે; મૃત્યુ જેવા ભયંકર છે પણ મનને રીઝવે છે; રોગથી પણ વિશેષ દુઃખ આપનાર થઇ પડે તેવા છે, પણ વિચારોને પ્રફુલ્લ કરે છે; ત્યાંનું રહેઠાણ મૃત્યુનું સહોદર છે પણ મનને તે છોડી જવું ગમતું નથી અને આ દેખાવો માંસાહારી પશુઓ, એકાંત, બરફ અને ઝાડીથી વિકરાળ છે પણ સર્વ રમણીય વસ્તુઓમાં શ્રેષ્ઠ, દૃષ્ટવ્યમાં સર્વોપરિ અને સર્વ આલ્હાદક સુખકર, શાંત કરનારી અને શીત ચીજોમાં ઉત્તમ છે. જેલમ : ત્રીજા દિવસના અનુભવો (તા.૧૩-૧૧-૧૮૯૧) ચા પીધો કે તુરત ગાડીમાં બેશી રસ્તે પડ્યા. કાશ્મીરના આ સુંદર દેખાવો વિશે હું શું લખું? દરેક જગ્યા એ સરખી જ રમણીયતા દેખાય છે. જેલમ નદી પડખે ધસી આવતી હતી તેની આસપાસ ભવ્ય દેખાવો જોઈ દૃષ્ટિ કદી તૃપ્ત થતી જ નથી. આવા પ્રદેશોમાં આમ તેમ સડક પર ચાલતાં અમો કોઇ કોઇ ઠેકાણે પ્રતિધ્વનિ સાંભળવા પીસ્તોલના અવાજ કરતા હતા. આ અવાજ દરેક ડુગરમાં અને ખાઈમાં ગાજી રહેતા. અવાજ સાંભળી કોઇ કોઇ વખતે ઉંડી ખીણમાં દીપડા જેવા કેટલાં જાનવર ઘીચ ઝાડીમાંથી બહાર નીકળી આવતા, દુરબીનથી અમે તેઓને જોયાં તો પણ ખાઈ એટલી ઉંડી છે કે અમે તેની જાત ઓળખી શક્યા નહિ. આમાંના કેટલાંક પીળાં અને વાંદરાના આકારના હતાં બપોરે અમે દુમેલ આવી પહોંચ્યા. આ જગ્યાએ એક પુલ છે. તેની નીચે જેલમ નદી વહે છે. તેનું પુર એટલું જોસવાળુ છે કે આ પુલની વચમાં એકે થાંભલો બની શક્યો નથી. આ ઝૂલાપુલની પાસે જ મુસાફરો માટે ત્રણચાર ઓરડીઓ છે. આ પૂલ અને ઓરડીઓ કાશ્મીરના સ્વર્ગવાસી મહરાજાની યાદગીરી માટે ચણાવેલાં છે. ઓરડીમાં ઊતરવાને બદલે અમે પુલ અને ઓરડીઓને પડખે એક ચણાવેલ ઓટો છે ત્યાંજ બેઠા કેમકે એની પાસે એક નાજુક ગુલાબના પુષ્પોની વાડી છે અને નીચે જ જેલમનું સ્વચ્છ અને શીતળ જળ વહેતું દેખાય છે. આ ગુલાબના ફુલ ઘણાં જ ખુશબોદાર અને મોટાં છે. કોહાલા ગામ અર્ધું કાશ્મીરની હદમાં છે અને અર્ધું પંજાબની હદમાં આવેલું છે. વચમાં એક ઝૂલાપૂલ આવેલો છે. આ પૂલ ઉપર ઊભા રહી નીચે વહી જતું જેલમનું પાણી નીહાળવા જેવું છે. કાચનો રસ વહી જતો હોય તેવોજ આબેહૂબ આભાસ થાય છે. કેમકે આટલા ભાગમાં પથ્થર ન હોવાથી પાણી ઉછળતું નથી અને તેથી ફીણ દેખાતાં નથી પણ નિર્મળ જળ એકસરખું સરખી સપાટીમાં ઝપાટાબંધ ચાલ્યું જાય છે; કાશ્મીર અને પંજાબની હદ વચ્ચે પાટીયાં જાણે છોકરાંને રમવાનાં નાનાં વહાણ હોય અને જાણે ફૂંકથી ચાલ્યાં જતાં હોય અથવા કાચ પરથી લપસી પડતાં હોય તેવાં દેખાય છે. આ પૂલ પર એક વખતે એકથી વધારે ગાડી ચલાવવાનો હુકમ નથી અને દરેક ગાડી, એક્કા, ખચ્ચર, પોઠીયા અને કરાંચી માટે દાણ તરીકે અમુક રકમ આપવી પડે છે. પૂલને બન્ને છેડે અકેકી કોટડી છે. તેમાં સીપાઇઓ દિવસ આખો રહે છે. આ પૂલ ઓળંગ્યો. કાશ્મીર છોડ્યું પણ તેનું સૌંદર્ય અને શીતલતા હજી તજ્યાં નહોતાં. તેની શીતલતા અને આંખ આગળથી સૌન્દર્ય પણ તજવાનો વખત હવે નજદીક આવી ગયો; પણ હૃદયમાં ચીતરાઇ, જડાઇ અને કોતરાઇ ગયેલી છાપ હૃદયમાંથી કદાપિ યાવત્ચંદ્રદિવાકરૌ જીવવાનું હોય તો પણ કદી ભુંસાઇ, ઉખડી અથવા ઘસાઈ જવાની નથી! સવાર થયું, ચાલવાની તૈયારી કરી. એકા અને ગાડીમાં સામાન ભર્યો., ચા પીધો, પણ આકાશ વાદળથી છવાઈ ગયું. જેલમના પાણીની સપાટી પર, ડુંગર ઉપર અને દરેક ખીણમાં કાળાં ઘટ વાદળાં આમતેમ દોડવાં લાગ્યાં, અંધારું વધારે ઘાડું થવા લાગ્યું, ડુંગર પર મયૂરો જલધરની ઘરઘર ગર્જના સાંભળી ટેહું ટેહું કરવા લાગ્યા, સૂર્ય ક્યાંઇ આકાશમાં સંતાઇ ગયો. અંધારી કોટડીમાં સગડીથી જ અજવાળું હતું, ઝાડની ઘટા શ્યામ થઇ ગઇ, પર્વતો બમણા રમણીય, શાંત અને ગંભીર દીસવા લાગ્યા. થોડાં જ વખતમાં ટપટપ ટપટપ વરસાદના મોટાં મોટાં બિંદુઓ પડવા લાગ્યાં, થોડાં જ વખતમાં મેઘવૃષ્ટિ વધારે જોસથી થવા લાગી, થોડાં જ વખતમાં વૃક્ષો અને નેવાં વરસવા લાગ્યાં, થોડાં જ વખતમાં પશુપક્ષીઓ અને માણસો શાંત થઇ જવાથી માત્ર આકાશમાંથી પડતી ધારાનો જ તડાતડાટ સંભળાવા લાગ્યો અને આકાશ, પૃથ્વી અને વાદળ ફાડી નાખે તેવી ગર્જના અને મોટાં કડાકા થવા લાગ્યા પણ વરસાદ વધારે થતો હતો અને વાદળાં પણ વધારે જ ઘટ જામતાં હતાં. થોડા જ વખતમાં ડુંગર પરથી ખળખળીયા ચાલવા લાગ્યાં; અને થોડાં જ વખતમાં સૃષ્ટિ જલમય થઈ ગઈ. પાણીના ફોરાં પાણી પર જ પડવાથી તે પાછાં ઉછળતાં હતાં તેથી હજારો ભાલાની અણીઓ જાણે પૃથ્વીમાંથી બહાર નીકળી પાછી તેમાં સમાઈ જતી હોય તેમ દેખાવા લાગ્યું, પાણી આકાશમાંથી પડતું હતું, પહાડ પરથી ઉતરતું હતું, વૃક્ષો પરથી ખરતું હતું, છાપરા પરથી રડતું હતું, નેવાં પરથી ટપકતું હતું અને જાણે પૃથ્વીમાંથી પણ ઉછળતું અથવા બહાર બહાર નીસરી આવતું હોય તેમ દીસવા લાગ્યું. આ વરસાદની હેલી હવે સાત આઠ અથવા ત્રણ ચાર દિવસ સુધી અટકવાની નથી એમ ધારી ગાડી અને એક્કા છોડાવી ચાલવાની આશામાં નિરાશ થઇ પણ આવા સુંદર પ્રદેશમાં આવા સુંદર વરસાદનું અવલોકન કરવાનો વખત મળ્યો તેથી કૃતાર્થ થયેલા માની નિરાંત કરી, રામનું નામ લઈ, ઓસરીમાં આંટા મારવા લાગ્યા. અડધી કલાકમાં આકાશમાંથી પાણી પડતું બંધ થયું તેથી પવનની મંદ લહેરોથી જરા જરા હલતાં કુંજોનાં પાંદડાંમાંથી જ પાણી ટપકવા લાગ્યું. જરા વારમાં તે પણ બંધ થયું. જરા વારમાં અજવાળું થવા લાગ્યું અને વાદળું વિખરાવા લાગ્યું. જરા વારમાં ફળી પરનું પાણી રડી ગયું, જરા વારમાં પશ્ચિમાં દિશામાં મોટું (અનેક) ચળકતા રંગવાળું ઇંદ્રધનુષ નજરે પડ્યું. જરા વારમાં તે ઝાંખું થયું, અને સૂર્યનાં લાંબાં કિરણો ભીની જમીન, ભીના પર્વતો, ભીની વેલી, ભીનાં ઝાડ, ભીનાં છાપરાં અને ભીની ખીણોમાં પ્રસરવા લાગ્યાં. સૃષ્ટિસૌંદર્ય ઓર જ થઈ રહ્યું. તિર્યગ્વર્ગમાં મહોત્સવ પ્રસરી રહ્યો. મેઘજલબિંદુને જરા જરા ધ્રુજી ખેરવી નાખતા એના નાજુકા રોપાની આસપાસ કાંઇક મધુરું લવતો પેલો ઘેલો ભોગી ભૃંગ ભમતો ભમતો વિસ્મિત કરતો મકરંદ ભર્યો રસદ્રવતા સુગંધી પુષ્પની સ્નિગ્ધ પાંખડીમાં શિથિલ થઈ ભરાઈ બેઠો, ચોંટી ગયો અને પેલી પોપટીઆ રંગની લાલચુ ચપળ ફુદડી એક બ્હેકી રહેલી વેલી લતામાં અટવાતી અટવાતી કોઇ કંપતા ફૂલડામાં લપાઈ ગઈ! ફળિયામાં સૌ ફરવા લાગ્યા, કોઇ સિસોટી વગાડવા લાગ્યું, કોઇ એક જ પર્વતના કોઇ સુંદર ભાગપર દૃષ્ટિ અચલ રાખી ઉભું થઈ રહ્યું; કોઈ ગાવા લાગ્યું, આ પ્રમાણે સૂર્યના એ ચળકાટથી દરેકનાં હૃદયમાં અજવાળું થઈ ગયું. જેલમ કિનારે છેલ્લો દિવસ (તા. ૧૪-૧૧-૧૮૯૧) સવારમાં સૂર્યોદય પહેલાં કોહાલા છોડ્યું. રાતે જરાક વર્ષાદ આવી ગયો હતો તેથી અને ઝાકળથી પૃથ્વી ભીનાશવાળી હતી. શુક્રનો તારો પ્રભાતકાલ સૂચવતો ચળકી રહ્યો હતો, સપ્તઋષિ મંડલ પર્વતોની ખીણોમાં કોઇ વખતે લટકતું નજરે પડતું હતું, કાશ્મિરમાં આ સાતે ઋષિઓ આખી રાત દર્શન દેતા હતા, ઝળઝળીયું થયું, ઝુંપડામાં અહીં તહીં ઝબકતા કાશ્મિરી લાકડીઓના દીવા ઓળખાયા ને આકાશ પરના તારાની સાથે ઝાંખા પડવા લાગ્યા. કોઈ વખતે એકાદ તારો ખરી પડતો હતો. એક ઊંડી ગુફામાંથી પાણીનો ધોધ પડતો હતો. તેના પર વાદળાં જાણે સ્નાન કરવા આવ્યાં હોય તેમ છવાઇ ગયાં હતાં, પાણીની સાથે ગુફામાંથી બહાર નીકળતાં અથવા રેડાતાં હોય તેમ દીસતાં હતાં, પાંખોવાળા હાથીઓ જેવાં ભાસતાં હતાં અને મંદગતીથી આમ તેમ ફરતાં હતાં, એક અતિ ઊંડી ખીણની વચમાં એક મગરના જેવું મોટું વાદળું લટકતું હતું, લાંબુ થતું જતું હતું, થોડા વખતમાં મોટા અજગર જેવું ભાસવા લાગ્યું અને થોડા વખતમાં ટેકરી આડી આવી જવાથી અદૃશ્ય થઇ ગયું. નાનાં મોટાં વાદળાં દેવના વીમાનો જેવાં ચોતરફ આમતેમ દોડતાં હતાં, રાક્ષસોની માફક કદ અને આકાર બદલતાં હતાં, પ્રભાત સંધ્યા રાગને શોભાવતાં હતાં અને શોભતાં હતાં. હરિણ અને તેનાં બચ્ચાં જંગલમાં ફરવા લાગ્યાં હતાં અને ગાડીથી ચમકી, ચપળ, બીકણ, વિશાલ નેત્રોથી આમતેમ જોઇ કુદીકુદી ભાગી જતાં હતાં, પક્ષીઓ માળામાંથી બહાર નીસરી સૂર્યને આમંત્રણ આપતાં હતાં અને કેટલાંક આકાશમાં ભ્રમણ કરતાં હતાં. માણસો હજી ઊઠ્યાં નહોતાં પણ અમારા જેવા વટેમાર્ગુ, પોતાના સ્નેહિઓની વાતો કરતા, નિસાસા મેલતા, બગાસા ખાતા, વિચિત્ર રીતે કાંઇક ગણગણતા, ઊંટનાં અને પોઠિયાનાં ટોળાં સાથે ચાલ્યા જતા દેખાતા હતા. ખરેખાત "જેની આંખમાં કમળો હોય તે સર્વ પીળું ભાળે." અમે અમારા મિત્રોને મળવાને આતુર છીએ તેથી આ વટેમાર્ગુ પણ તેવા જ લાગે તેમાં કાંઇ નવાઈ નથી. કોઈ વખતે ચડાણ ઘણું હોવાથી ઘોડા અટકતા હતા. આમ અમે ચાલ્યા જતા હતા તેમ તેમ અજવાળું વધતું જતું હતું, અમારી ગાડી સૂર્યનાં દર્શન કરવા ઊંચી ચડતી હતી, પૂર્વ દિશામાં લાલ કિરણો દેખાયાં, તારા આકાશમાં ક્યાંઇ ઉડી જવા લાગ્યા, થોડા વખતમાં અમારી નીચે દૂર પૂર્વ દિશામાં સૂર્ય દેવતા દૃષ્ટિએ પડવા લાગ્યા, થોડા વખતમાં ઝાકળ વિખરાઇ ગૈ, થોડા વખતમાં વાદળાં ઉડી ગયાં, થોડા વખતમાં દરેક વસ્તુ સફેદ થઇ ગઇ અને સ્પષ્ટ દૃષ્ટિએ પડવા લાગી, તેથી જાણે અનેક વસ્તુઓ સૂર્યોદય સાથે જ ઉત્પન્ન થઈ હોય તેમ ભાસવા લાગ્યું; ઝાડ છુટાં પડી ગયાં હોય તેમ દિસવા લાગ્યું. થોડા વખતમાં ટાઢ ઓછી થઈ અને સૂર્ય ગરમ થવા લાગ્યો, થોડા વખતમાં રૂંછાવાળા કોટ ઉતાર્યા અને અમે જરા પાળા ચાલવા લાગ્યા. દાતણ કરવાનો સમય થઇ ગયો પણ કોઈ અજાણ્યા ઝાડનું દાતણ કરતાં વખતે હરકત થાય તેથી કોઇ ડાળખી તોડતું નહીં; આખરે દાડમી નજરે પડી તેથી તેનું દાતણ કરી અગાડી ચાલ્યા. અર્ધ ચંદ્ર અને ચક્કર જેવા આકારમાં આવી રહેલા પર્વતોમાં ઊંચી ચડતી સડક પર ગાડી ધીમે ધીમે ચાલી જતી હતી. આ પ્રદેશમાં ઝાડ અને સૌથી વધારે સરુની ઘટા ઘણી સુંદર છે. કેટલાંક વન બળી ગયેલાં દિસતાં હતાં, તેનાં ઝાડ ભુખરાં અને પાંદડા વિનાનાં હતાં. આવાં કેટલાંક ઠુંઠાં પડી ગયેલાં હતાં અને કેટલાંક ઉભાં અને આડાં ઉભેલાં હતાં, જાણે કેમ ભગવાં વસ્ત્રવાળા જોગી આસન કરી સમાધીસ્થ થયાં હોય! કેટલેક સ્થાને ઘણીજ લીલી વૃક્ષ ઘટામાં પાણીના ધોધ પડતા હતા. ડાબી બાજુ જેલમ નદી દૂર જતી અને નાની થતી દેખાતી હતી કેમકે અમે ઘણાજ ઊંચા ચડતા હતા. કાશ્મીર જતી વખતે જ્યારે એવા ઊંચા પર્વત પરથી એવી ઊંડી ખાઈમાં ચાલી જતી તે જેલમને પ્રથમ જોઈ હતી ત્યારે આ જેલમ છે એમ કોઈએ ધાર્યું નહોતું. જેલમ માતાએ સંઘાત છોડ્યો. અરે! તેણે એક માની માફક શ્રીનગરમાં અને શ્રીનગરથી કોહાલા સુધી અમારી સંભાળ લીધી, તેના ખોળામાં અમને રમાડ્યા, તેના પયથી અમારૂં પોષણ કીધું, હાલરડાં ગાઇ અમને આનંદ આપ્યો, ઘુઘરો વગાડી રીઝવ્યા, નવી નવી વસ્તુઓ દૃષ્ટિ આગળ ધરી તૃપ્ત કીધા, આખરે સીતાની માફક પૃથ્વીમાં સમાઇ ગઇ, તેના પ્રથમના ઇરાદા પ્રમાણે બલિરાજા પાસે ચાલી ગઇ, વજ્ર જેવા, આ સ્વર્ગના પાષાણોને ફાડી લોપ થઇ ગઈ, પર્વતોને આડા ધરી સંતાઇ ગઇ, કોણ જાણે ક્યાંઇ દૃષ્ટિ મર્યાદા બહાર દોડી ગઈ; હવે તેનાં ફરી દર્શન ક્યારે થશે! તેના વિના ઘાડ, સુંદર, રમણીય, વિશાલ અને નવપલ્લવ વૃક્ષો અને વેલી પણ શૂન્ય દીસવા લાગ્યાં, તેના વિના મોટી મોટી ખીણો સૂની ભાસવા લાગી, તેના વિના મહાન પર્વતો અને બરફથી ઢંકાયેલા શિખરો પણ અલંકાર વિહીન દેખાવા લાગ્યા, જેલમ માતા ગઇ; ગઇ જ! (તા.૧૫-૧૧-૧૮૯૧) અમારી કાશ્મીરની ટુંકી મુસાફરી ઇશ્વર કૃપાથી ખુશી આનંદમાં પુરી થઇ. કાશ્મીર એ સ્વર્ગ છે અને ત્યાં જવું એ મુશ્કેલ પણ છે. તે દેશનું યથાસ્થિત વર્ણન લખવું એ એક કવિનું કામ છે. તે કૈલાસ જેવું છે કે ગમે તેવો કવિ તેને માટે ગમે તેવાં વિશેષણો અને ગમે તેવા અલંકારો લખે તો પણ તેમાં અતિશ્યોક્તિ થવાની જ નથી. |
[પાછળ] [ટોચ] |