[પાછળ] |
ખરી મા લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવાઈભર્યું પાડ્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાડ લડાવવા જીવી નહિ; તેને ચાર વર્ષનો મૂકી તે સ્વર્ગ વાસી થઈ અને ત્યાર પછી બે વર્ષ વીતી ગયાં, છતાં તેની માતા પાછી આવી નહિ.
‘મા ક્યાં ગઈ ?’ એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેતું : ‘એ તો પ્રભુના ધામમાં ગઈ.’ કોઈ કહેતું : ‘મામાને ઘેર ગઈ.’ કોઈ કહે : ‘એ તો જાત્રા કરવા ગઈ છે.’ નોકર કહેતો : ‘એ તો મરી ગઈ.’ ‘પણ મને લીધા વગર એ કેમ ગઈ ?’ કુસુમાયુધની એ આંસુભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. એક વર્ષ સુધી એ ફરિયાદ કરી કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો : ‘પણ મા પાછી તો આવશે જ ને ?’ એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. ક્વચિત આંખ ઉપર લૂગડું ઢાંકી દેતું, અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું : ‘હા, હા, આવશે હોં ! જાઓ, રમો.’ એટલો જવાબ બાળકના અંગેઅંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. ચારપાંચ દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પુછાતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસનાં સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈ વાર લવી ઊઠતો : ‘મા ! મા !’ તેના પિતા ઝબકીને જાગી ઊઠતા અને તેના શરીરે હાથ ફેરવતા. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખું લૂગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારી ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પછી બધાંની માફક નાસી નહિ જાય ? એ વિચારે તેને ગભરાવ્યો, સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે બે-ત્રણ પેટીઓ પોતાના સૂવાના ઓરડામાં ગોઠવાવી, તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહિ જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું : ‘તમે અહીં રહેશો કે જતાં રહેશો ?’ પેલી યુવતીને હસવું આવ્યું. તેણે સામે પ્રશ્ન કર્યો : ‘તમને શું ગમશે ? હું રહું કે જાઉં તે ?’ ‘અહીં રહો તે જ ગમે.’ કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહિ કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડાં રમકડાં આપ્યાં, સારાં કપડાં પહેરાવ્યાં, માથું ઓળી આપ્યું. પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે ? કેમ આવી હશે ? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી. પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી ? આડું કેમ જોયા કરતી હતી ? આછું આછું હસતી કેમ હતી ? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું ? મા પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી ? કુસુમાયુધથી રહેવાયું નહિ એટલે સૂતાં પહેલાં તેણે પૂછ્યું : ‘તમે મારા સગાં થાઓ કે નહિ ?’ ‘હા’ ‘શા સગાં થાઓ ?’ યુવતી સહજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહિ પડી હોય કે શું ? તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો : ‘હું તમારી મા થાઉં.’ ‘મા ?’ કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતાં બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાઝી પડું. પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહિ. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો. મા કહેવરાવવા માગતી સ્ત્રી જરા હસી; પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય ? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી ? કુસુમાયુધે શંકા પૂછી : ‘તમે મારાં ખરાં મા થાઓ ?’ બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે; તે જાણીને જ તેણે પોતાનાં લગ્ન થવાં દીધાં હતાં. પરંતુ બાળઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપરમાને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો એની તેને પૂરી ખબર નહોતી. છતાં તેણે જવાબ આપ્યો : ‘હા ભાઈ ! હું તમારી ખરી મા થાઉં, હો !’ ‘ત્યારે તમે મને ‘તું’ કહીને કેમ બોલાવતાં નથી ?’ ‘એમ કરીશ.’ ‘અને હું તમને શું કહું ?’ ‘બહેન કહેજો.’ મા કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈ કંઈ કોડ તેને પૂરવાના હતા. ‘મા’ કે ‘બા’ શબ્દ તો બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો. બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મહેણાં મારે છે. ક્વચિત તેનો હળવો તિરસ્કાર પણ કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ અને પત્નીસુખ ભોગવતા પુરુષો આ વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસારસુખ વગર ચાલશે અને તેમણે ચલાવવું જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસારસુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. પરંતુ પત્નીસહ સંસારસુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કારવૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ હક તમારો નથી. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો અને તેનાં લગ્ન થયાં. પુરુષ સમજણો હતો; તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું. અને ઘરમાં આવી માતૃભાવભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો. ‘કુસુમાયુધ હવે ઊઠશો કે ? સાત વાગી ગયા.’ ધીમેથી તે બાળકને જગાડતી. ‘હવે માથામાં ધુપેલ નાખવું જોઈએ.’ બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો. ‘હવે નાહી લ્યો.’ કુસુમાયુધ નાહી લેતો. ‘ભાઈ હવે ઊઠી જાઓ. બે કરતાં વધારે રોટલી ન ખવાય’, માતાની આજ્ઞા પાળી બાળક ઊઠી જતો. ‘બહુ દોડવું નહિ, હોં !’ બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા. ‘અને ચીસ પાડીને બોલાય જ નહિ.’ બાળકના અણુઅણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે મહેનત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો; પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી : ‘મા આવી હોય ?’ આકાશમાં ઊડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેનાં કપડાંમાં સ્વચ્છતા આવી; તેની ગતિમાં સ્થિરતા આવી; ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણભરી શાંતિનો એણે સહુને અનુભવ કરાવ્યો; અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લગ્યો. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. ‘આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને ?’ અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો, ડૉક્ટરે કુસુમાયુધને જોઈ મત આપ્યો : ‘કાંઈ ખાસ વિક્રિયા નથી. કૉડલીવર આપો.’ માએ કૉડલીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો. ‘ભાઈ ! આટલી દવા પી લ્યો; પછી રમવા જાઓ.’ મા કહેતી. ‘બહેન ! એ તો નથી ભાવતી.’ ‘ન ભાવે તોય એ તો પીવી પડે.’ ‘કેમ ?’ ‘ડોક્ટરસાહેબે કહ્યું છે.’ ‘એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?’ ‘હાસ્તો !’ ‘તે બધાંયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?’ ‘મોટાં કહે તે પ્રમાણે નાનાંએ કરવું જ જોઈએ.’ ‘ન કરીએ તો ?’ ‘માંદા પડાય.’ ‘હું માંદો પડ્યો છું ?’ ‘હા; જરાક.’ ‘દવા ન પીઉં તો ?’ ‘તો મરી જવાય.’ અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહિ. બાળઉછેર વિષે તેણે ઘણું વાંચ્યું હતું એટલે ધમકાવવા કરતાં વાદવિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત ક્વચિત જ થતી; પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જોકે બાળકનો મત એ વિષે જુદો જ હતો. ‘મરી જવાય તો શું ખોટું ?’ શાન્ત બની કૉડલીવર પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. ‘મા મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું.’ તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભુલાઈ જવા આવેલી વાત યાદ આવી. ‘હું પણ મરી જાઉં તો માને મળાય, નહિ ?’ તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણભૂત લાગ્યો. કૉડલીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો. ‘ભાઈ ! તમને શું થાય છે ?’ નિત્યનિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. ‘કાંઈ નહિ, બહેન !’ કુસુમાયુધે જવાબ આપ્યો. ‘અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે !’ ‘મને ખબર નથી.’ ‘અને આ શરીર ઉપર રૂંવાં ઊભાં થઈ ગયાં છે !’ ‘જરા ટાઢ વાય છે.’ ‘ત્યારે તમે નહાયા શું કરવા ?’ ‘નહાયા સિવાય જમાય નહિ, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય ?’ કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહનિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતાં બાળક વધારે કંપી ઊઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઊઠતા હતા. તેણે બૂમ પાડી : ‘અરે બાઈ ! જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો ?’ નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું : ‘બા સાહેબ ! શરીર તો ધીકી ઊઠ્યું છે !’ ‘આમ એકદમ શાથી થયું ?’ ‘હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગ્યું હતું.’ ‘ત્યારે તેં નવરાવ્યો શું કામ ?’ ‘મારા મનમાં કે અમસ્તું જ હશે.’ ‘જા, જા, પથારી પાથરી ભાઈને સુવાડી દે. બરાબર ઓઢાડજે. હું ડૉક્ટરને બોલાવું છું.’ ‘પણ બહેન ! મારી નિશાળનું શું ?’ નોકરબાઈના હાથમાં ઉંચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઊઠી : ‘મોઈ નિશાળ ! આવા તાવમાં જવાય ? જઈને સૂઈ જાઓ, ભાઈ, હું આવું છું હો.’ નોકરબાઈ બાળકને ઊંચકી લઈ ગઈ. માતા બબડી ઊઠી : ‘ભાડૂતી માણસો ! એમને શી કાળજી ? શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યો જ શું કામ ? પણ નોકરને શું ?’ થોડી વારમાં ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચ્યા. ભાડૂતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડૉકટરને કહી. સૂવા મથતા બાળકની આંખોનાં પોપચાં ડોક્ટરે ખેંચી ઉઘાડ્યાં; તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું; બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવાડ્યું, અને તેની છાતી, પેટ તથા વાંસામાં તડિંગ તડિંગ આંગળાં ઠોકાયાં. ઊથલાઊથલી પૂરી કરી ડૉક્ટરે દવા લખી આપી; અને જરૂર પડ્યે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમતેમ તરફડતો હતો. માતાએ ડૉક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિપત્ની બાળકની પાસેથી ઊઠ્યાં નહિ. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું. બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટરો હુકમ આપતી વખતે હુકમ પળાવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકાં ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહિ. રાતના બાર વાગતાં સુધી તેણે વગર આંખ મીંચ્યે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયો. માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી : ‘ઓ મા !’ અપરમા પથારીમાંથી એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાન્તમાં ફરી બાળક લવી ઊઠ્યો : ‘મા !’ ‘ઓ દીકરા !’ એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહિ; તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું : ‘કેમ ભાઈ ! શું છે ?’ બાળકે આંખ ઉઘાડી અને અપરમા સામે જોયું. ‘તમે નહિ.’ કહી બાળકે આંખ મીંચી દીધી. ‘બૂમ પાડી ને ?’ ‘એ તો માને બૂમ પાડી.’ આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું. ‘તે હું જ મા છું ને !’ માતાએ કહ્યું. બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું. ‘હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.’ અપરમાનું હૃદય ધડકી ઊઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો : ‘હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી ?’ તેણે કહ્યું : ‘તે હું જ વળી ખરી મા છું.’ ‘ખરી મા મને તું કહેતી હતી : તમે નહિ.’ ‘મેં ક્યારે તને ‘તમે’ કહીને બોલાવ્યો ?’ માતા જૂઠું બોલી. ‘પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને ?’ ‘તે હું આવી, જોતો નથી ?’ ‘કેમ ?’ ‘ઓ દીકરા, તારે માટે !’ અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાંપીને ખરી મા જ સૂએ. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો : તેના દેહને બાળતો અગ્નિ શાન્ત પડી ગયો. હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. હવે તે માની અમૃતભરી સૉડ પામ્યો હતો. |
[પાછળ] [ટોચ] |