[પાછળ] |
સાચા શિષ્યના ખોટા ગુરુ લેખકઃ વિનુ મહેતા એકલવ્યને અંગૂઠેથી લોહી વહ્યાં'તાં રાતાં. સદીઓથી તપવે છે સૂરજ તોય નથી સુકાતા! કેવી નજરું કરડી કોની, કેવાં નિશાન પાકાં રોઈ કરુણા, આંખ ઠરી ના, થયાં નેણલાં વાંકાં અણસમજના ઓથારોમાં કૈંક પ્રશ્નો પડઘાતા એકલવ્યને અંગૂઠેથી લોહી વહ્યાં'તાં રાતાં. આરપાર ઊતરતી આંખ્યે ક્યાંથી ઝોકાં લાગ્યાં? વનરામાં એક વાંસ વધ્યો'તો, કોણે કાંટા ભાંગ્યા? પૂછે છે પસ્તાવો, એવાં વગડે વેણ ચવાતાં એકલવ્યને અંગૂઠેથી લોહી વહ્યાં'તાં રાતાં. કેની રે કરુણાએ ઝાડે ફળ લાગ્યાં'તાં મીઠાં? ક્યાંથી આવી કડવાશ્યું, ને કો'થી થયાં અદીઠાં? કોનાં નોખાં, લેખાં, જોખાં, ને વેરા વંચા થાતા? એકલવ્યને અંગૂઠેથી લોહી વહ્યાં'તાં રાતાં. ‘દેવ’ કહે છે દ્રોણ મળે તો, પૂછીએ પાય પખાળી ઊંચા નીચા ઓછાયાની ક્યાં છે સરહદ કાળી? કાંટા ધરમના કોણ કરે છે, ખતવે છે ક્યાં ખાતાં? એકલવ્યને અંગૂઠેથી લોહી વહ્યાં'તાં રાતાં.- ભગુભાઈ રોહડિયા દેશના રક્ષકો જ્યારે ભક્ષકો પુરવાર થઈ રહ્યા છે, ભગવો રંગ જ્યારે ભોગને રવાડે ચડ્યો છે, શિક્ષણ સમાજ (ગુરુઓ) જ્યારે વિદ્યાર્થીઓના (શિષ્યોના) જોરે રૂપિયાને ધીંગાણે ચડી વિદ્યાઉદ્યોગના પોપટિયા ને ધીકતા ત્રણ ત્રણ પાળીનાં કારખાનાં ચલાવી રહ્યો છે અને ધરાર ધાર્મિક ગુરુઓ ભોળા ભક્તોના ખભા પર ગાદીનશીન થઈ ત્યાગના સેતુ વડે ભોગવાદ માણી રહ્યા છે એવી ક-વેળાએ, ગઈ કાલની આપણી પવિત્ર ગુરુપરંપરાને આજના વિકૃત ગુરુવાદની રેશમી ચુંગાલમાં ફસાતા આપણે અબોલ સાક્ષીભાવે જોઈ રહ્યા છીએ!
સ્પેનની ગરુડપુરાણી ગોધા-લડાઈનો અલમસ્ત આખલો જેમ લાલ લુગડું ભાળીને ભૂરાયો થાય - કંઈક એ જ અદાએ ભગવું લુગડું ભાળીને આપણાં ભોળા ભગત-ભગતાણિયું અજાણ્યાં ચરણોમાં આળોટવા માંડે છે. પછી ઈ ગુરુ જીવનભર ભોળા ભગતોનાં લીલાંછમ ખેતરો ચરીચરીને પોતે એક રજવાડું બની ઈ રાંક (બુદ્ધિએ રાંક, રેઢું ને રીઢું) ભગતના પરિવાર ઉપર એકચક્રી અને કદી ન આથમે એવું પંચતારકી રાજ કરે છે. માથું ખાલી ને ખીસું ભારી એ આજના ધાર્મિક ચેલકાઓની નવજાત ઓળખ છે. ગુરુ શબ્દ સાચો છે-પવિત્ર છે, પરંતુ સાચો ગુરુ ક્યાં? સદ્ગુરુનાં લક્ષણો શ્રીમદ શંકરાચાર્યના શબ્દો દ્વારા જાણીએ. ‘જે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અતિશય શાંત, સમદૃષ્ટિવાળા, મમતારહિત, અહંકાર વિનાના, સુખ-દુઃખ, રાગ-દ્વેષ વગેરે જોડકાં વિનાના, પરિગ્રહ રહિત, કોઈની દરકાર વિનાના, પવિત્ર, ચતુર અને દયારૂપ અમૃતના સાગર હોય તે જ ગુરુ તરીકે યોગ્ય છે.’ આ ગુણોમાંનો એક પણ ગુણ ન હોય તેને ‘સદ્ગુરુ’ નહીં ‘કરુગુરુ’ કહેવાય! (કોઈનું કરી નાખનાર.) સ્વામી સચ્ચિદાનંદજીના શબ્દોમાં આપણે વિકૃત ગુરુવાદને ઓળખીએ - ‘વિકૃત ગુરુવાદે પ્રજાનું શોષણ કરી ગાઢ અંધકાર પ્રસરાવ્યો છે. આવા ગુરુઓ પગ ધોવડાવીને ભક્તોને પિવડાવવા, એંઠવાડ ખવડાવવા તથા ગુરુને તન-મન-ધન સર્વસ્વ અર્પણ કરવાની આધ્યાત્મિકતાનો તણાય એટલો તંબુ તાણી ભગવાનની જગ્યાએ પોતે તથા પાછળથી પોતાના વંશને ગોઠવી દઈ સદીઓ સુધી અનુયાયીઓને અંધકારની લહાણી આપ્યા કરે છે. કોઈ પણ માણસને કોઈ બીજા માણસની આગળ વારંવાર લાંબા દંડવત્ કરતો જોઉં છું ત્યારે આઘાત લાગે છે. આ માનસિક સ્વસ્થતાની નિશાની નથી! પોતાની મેળે જ ભગવાન બની બેસનાર આવા પામર માણસો ઉપર પરમાત્મા ફિટકાર વરસાવતો હશે!’ મારા આદરણીય મિત્ર અને નિર્દંભ પ્રવચનકાર શ્રી હરિભાઈ કોઠારીએ લોસ એન્જલીસમાં (અમેરિકા) પોતાના પ્રવચન દરમિયાન ઉચ્ચારેલા આક્રોશી ઉદ્ગારો આપણે તેમના જ શબ્દોમાં જોઈએ, ‘કોઈના પગ ધોઈએ એની ગંદકી પીવા કરતા તો શરાબ પીવો હું વધુ પસંદ કરું!’ કરુણા તો ત્યાં છે કે આંધળી ગુરુભક્તિમાં અને વિકૃત ગુરુવાદમાં સપડાયેલો આપણો દયનીય સમાજ આવું બધું વાંચતો નથી અને જે વાંચે છે એ અંધ ભક્ત પોતાની ઉપર શ્રદ્ધા દ્વારા રૂઢિચુસ્ત અને પરંપરાગ્રસ્ત આચાર-વિચાર છોડવા તૈયાર નથી. એક પણ સાચા અને માનવીય ધર્મને કે ધર્મપુરુષને દુભવવાનો આ લેખ દ્વારા કુ-હેતુ નથી... પરંતુ સત્ય અને વાસ્તવિકતાના સમજપૂર્વક સ્વીકારનો નિરામય અને સહજ પ્રયાસ છે! જો બ્રહ્મચર્ય આટલું સ્વીકૃત હતે તો સહજ સેક્સ આટલી તિરસ્કૃત ન હતે. માતૃત્વ આટલું પૂજનીય ન હતે! આ દેશમાં નહિ પકડાયેલા કેશવાનંદોની સંખ્યા અસંખ્ય છે. ગુરુઓના નામે ગુરુતા કરતાં લઘુતા અને અપ્રામાણિકતાઓ અકળ છે. કોઈની અજાણી કંઠી બાંધતા પહેલાં તમારી જાતની જાણીતી કંઠી બાંધવી વધુ સારી છે. એથી ભગવાન ભલે ન મળે પણ તમે ખુદ તો તમને અચુક મળશો! આ લેખની પૂર્ણાહુતી પહેલાં ચાલો થોડા ઉપરના ગીતમાં ઊતરીએ... અરે! ગઈકાલની પવિત્ર ગુરુપરંપરાના એ દ્રોણાચાર્યના (‘તું’કારો મનમાં ઊઠે છે!) એકલવ્યી વ્યવહારમાં પણ પક્ષપાત અને અન્યાયની ગુરુ-શિષ્ય પરંપરાની બૂ આવે છે, હા, દુર્ગંધ આવે છે. દ્રોણનો એક પણ ખુલાસો સાંભળવાની પણ એ ગુરુ લાયકાત નથી ધરાવતો! કર્ણ અને પરશુરામ સંબંધો પણ લગભગ એ જ અધમ કક્ષાનાં દૃષ્ટાંતો છે. ચાર ચોપડી ભણેલો એક ગામડાનો રૂખડિયો ચારણ આ જવાબરહિત સવાલગીતનો રચયિતા છે, આ અભણ ગીત ભણેલાને ભૂ (પાણી) પાઈ દે તેવું ટંકારી ગીતડું છે. પૃથ્વીની ઉત્પત્તિથી તે આજ સુધી સબળોએ નબળાને, હોંશિયારીએ (લુચ્ચાઈએ) સરળતાને અને ભદ્ર સમાજે શૂદ્ર સમાજ ઉપર માત્ર લૂંટ, હા, ધોળા દિવસે બેરહમ પિંઢારી લૂંટ જ ચલાવી છે. અભણ એકલવ્યના ભણેલા અંગૂઠાનાં લોહી, યુગોથી તપતા નિષ્ઠાવાન સૂરજથી પણ આ ક્ષણ સુધી નથી સુકાયા! આ દેશના દોષિત-દ્રોણો હજુ પણ એકલવ્યોના તેજસ્વી અંગૂઠા કાપી રહ્યા છે. પછી ભલે એ ધર્મ, સમાજ કે રાજનીતિનું કોઈ પણ ક્ષેત્ર હોય! અરે! એ દ્રોણ આજે સામે મળે તો એને એકલવ્યે પૂછવું જોઈએ કે ‘તું’ ગુરુ મોટો કે તારો શિષ્ય મોટો? ‘તું’ અપરાધી કે તારો શિષ્ય અપરાધી? અંગૂઠાની દક્ષિણા એ ધરમ હતો કે અ-ધરમ? ... ખબર નહિ, પણ એકલવ્યના અન્યાયો અને દ્રૌપદીઓની ચીસો કદાચ આ ગરીબ, ભૂખ્યા અને નિરક્ષર દેશના દુર્ભાગીઓને સતાવતી હશે! અને એટલે જ કદાચ આપણા ન્યાયાસનો કુંભકર્ણી નીંદર ખેંચી રહ્યાં હશે!... ખેર, એકલવ્યના અંગૂઠા વિનાનો આ નિર્માલ્ય દેશ દ્રોણાચાર્યો સમા ગુરુઓને (સત્તાધીશોને) ક્યારે એમની અસલ જગ્યાએ પધરાવશે...?! આ ગીત મને પૂ. મોરારીબાપુ પાસેથી મળ્યું છે... તો એમનો આભાર માનું છું. (વાણી તારા પાણી) |
[પાછળ] [ટોચ] |