[પાછળ] |
કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી જ્યારે કાક મંજરીનું પાણિગ્રહણ કરવામાં ગુંથાયો હતો, ત્યારે કીર્તિદેવ તેના જીવનનું મહાકાર્ય આરંભવા તત્પર થયો હતો. તે મહાન કાર્ય મુંજાલને મળવાનું હતું. સજ્જને તેને અનેકવાર વાર્યો, પણ તે માલવી યોદ્ધો અડગ રહ્યો. તેના જીવનની બે નેમ હતીઃ તેના પિતાની શોધ, અને તેના દેશનું ઐક્ય. એ બે ભાવના માટે તે જીવતો હતો; અને તે સિદ્ધ કરવા જતાં તે અમાનુષી - અચેતન સૃષ્ટિના મહાતત્વ જેવો નિશ્ચલ - સચોટ બની રહેતો. ![]() કીર્તિદેવને આ બધામાં કંઈ અસાધારણતા ન લાગી; પણ માત્ર અસામાન્યતા તેણે પેદા કરેલા વાતાવરણમાં લાગી. જેમ વાતાવરણમાં ગમગીની હોય, સુગંધ હોય, ધાસ્તી હોય તેમ ગુજરાતમાં પગ મૂકતાં મુંજાલના પ્રભાવથી ભરેલું વાતાવરણ તેને સ્પષ્ટ લાગ્યું. ન કળાય એવા ધાકથી, ન સમજાય એવા માનથી, ન જણાય એવી મમતાથી બધા તેની તરફ જોતા. કીર્તિદેવ મહાપુરૂષ હતો; છતાં તેની વય કોમલ હતી. આ કારણથી તેણે આ પ્રભાવ બધો પટ્ટણીઓની નિર્બળતાથી ઉદ્ભવ્યો છે એમ માની લીધું. તેની ભાવનામય દૃષ્ટિ, અણઘડાયેલી કલ્પનાશક્તિ - એ બેથી મુંજાલના પ્રૌઢ વ્યક્તિત્ત્વનો ખરેખરો પ્રભાવ તે પારખી શક્યો નહિ. મુંજાલથી અપરિચિત તે હતો તેથી તેના પ્રભાવમાં જે પ્રતાપી સર્જક શક્તિ હતી તે પણ તે જોઈ શક્યો નહોતો. તે તેને મળ્યો નહોતો; તેના અદ્ભુત વ્યક્તિત્વનો અસહ્ય પ્રતાપ તેણે જોયો નહોતો; નાના ગામડાના માલિકમાંથી પાટણ આજે બાર મંડળ ને બાવન શહેર પર એકહથ્થુ સત્તા કોને લીધે ચલાવતું હતું તેની તેને ખબર નહોતી. પણ જ્યારે સજ્જન મહેતા સાથે તે રાજગઢ આવ્યો ત્યારે તેને પળવાર પાછા હઠવાનું મન થયું; - ડરથી નહિ, પણ માત્ર એવા જ વિચારે કે મુંજાલને મળવાથી તેણે ઉપાડેલા કર્તવ્યને કાંઈ હાનિ તો નહિ પહોંચે. બીજી પળે તે વિચાર અદૃષ્ટ થયો; અને બાણાસુરની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા ઉતરેલા અનિરુદ્ધ સમો કીર્તિદેવ મુંજાલ પાસે ગયો. મુંજાલની માનસિક સ્થિતિ વળી જુદી જ હતી. જ્યારથી તેણે કીર્તિદેવને જોયો ત્યારથી તેના પ્રભાવના ભણકા તેને વાગ્યા હતા; તેની મોહક, બાલિકા સમી મુખમુદ્રા કોણ જાણે કેમ તેના મનમાં રમી રહી હતી; અને તેની ભાવના અને કર્તવ્યો સાંભળી અજાયબી લાગી હતી. આ કારણોથી સજ્જને ફુરસદની વખતે કીર્તિદેવને મળવા મુંજાલ પાસે યાચના કરી કે તેણે તરત તે સ્વીકારી. મુંજાલ મનુષ્યોનો હીરાપારખુ હતોઃ અને પોતાની શક્તિ નવા ઝગમગતા રત્ન પર અજમાવવાનું તેને મન થયું હતું. જ્યારે કીર્તિદેવ આવ્યો ત્યારે મુંજાલ તકીયે બેઠો બેઠો પાન ખાતો હતો. મીઠાશથી ભરપૂર હાસ્યથી મુંજાલે કીર્તિદેવને આવકાર દીધો. "આવો કીર્તિદેવ! સજ્જન મહેતાને તમે ઘણા જીતી લીધા છે; તમારાં ને તમારાં જ વખાણ કર્યા કરે છે." "મંત્રીરાજ! परगुणकथनैः स्वान् गुणान् ख्यापयंतः એવા પણ વિરલા દુનિયામાં પડ્યા છે," નમ્રતાથી કીર્તિદેવે જવાબ વાળ્યો. "મહેતાજી! તમે કીર્તિદેવને ક્યાંથી ઓળખો?" મુંજાલે એકદમ સજ્જન સામું જોઈ પૂછ્યું. સજ્જનમંત્રી ગભરાઈ ગયા; તેમનું મોઢું લાલચોળ થઈ ગયું. "હું" તે જરા ગુંચવાઈ બોલ્યા. "કીર્તિ - હું - ઉબકનો પુત્ર - દત્તક પુત્ર એટલે ઓળખું." "એમ" મુંજાલે ડોકું હલાવી કહ્યું. "તમે તો વણિક છો? તમારાં પણ સદ્ભાગ્ય કે ઉબકરાજ જેવા શિરછત્ર મેળવી શક્યા?" "જી હા! મારાં માબાપ જે હોય તે - તેમણે મને બાલપણથી છોડી દીધો; પણ પરમારે બધી ખોટ પૂરી કરી છે." પણ આ વાત કાંઈ સજ્જનને રુચિ નહિ. તે એકદમ ઊભા થઈ ગયા. તેને કાંઈ માનસિક ગભરામણ થતું હોય એમ લાગ્યું. "મહેતાજી! હું હવે જાઉં છું." "કેમ બેસોની." "ના. મારે મહારાજને મળવું છે; પછી બીજું કામ છે. હું જઈશ." કહી ઉતાવળથી રજા લઈને તે ચાલવા લાગ્યા. મુંજાલની આંખ જરાક ઝીણી થઈ; તેને આ વર્તણૂકની સમજ નહિ પડી. "ઠીક મહેતા! આવજો" તેણે કહ્યું. અને સજ્જન ગયો એટલે કીર્તિદેવ તરફ ફરી તેને જરાક હસીને કહ્યુંઃ "બોલો કીર્તિદેવજી! શું કામ છે?" કીર્તિદેવ અડધી પળ મુંજાલનું વિશાળ ભાલ અને અગમ્ય આંખો જોઈ રહ્યો. તેને લાગ્યું કે તે એક મહારથી જોડે વાગ્યુદ્ધમાં ઉતરતો હતો. "મંત્રીવર્ય! હું બે કામે આવ્યો છું. એક આપનાં દર્શન પામી કૃતાર્થ થવા; બીજું એક યાચના કરી ભિક્ષા મેળવવા" કીર્તિદેવે કહ્યું. તેની તેજસ્વી આંખોમાં કપટ નહોતું, ઊંડાણ નહોતું; માત્ર સરલતા, શ્રદ્ધા હતી. તેનો સ્વર કોમલ હતો. તે સ્વરે, તે નજરે મંત્રીના હૃદયમાં ન સમજાય એવા સૂરો પેદા કર્યા; પણ મુંજાલે તે સાંભળવાની કે સમજવાની તસ્દી લીધી નહિ. તેણે મીઠાશથી જવાબઆપ્યોઃ "બોલો શું કામ છે?" કીર્તિદેવને મંત્રીની મીઠાશથી આશા આવી; તેણે કહ્યું: "કામ તમારા જેવાને સહેલ છે. આપ કરશો?" "ભટ્ટરાજ! તમને સહેલ લાગેઃ પણ ગમે તેવો પણ હું રાજસેવક." પોતાના શબ્દોને ખોટું પાડતું, સત્તાદર્શક હાસ્ય હસીને મુંજાલે કહ્યું. "આપ રાજસેવક નથી; રાજના ભાગ્યવિધાતા છો." "તમારો ખ્યાલ ખોટો છે." "ના મંત્રીવર્ય! એટલું જ નહિ, પણ ભરતખંડનું ભાગ્ય પણ તમારા હાથમાં છે." "મારા હાથમાં!" જરા વિસ્મય પામી મુંજાલે કહ્યું. "હા. મેં ગુર્જર ભૂમિમાં પગ મૂક્યો ત્યારથી તમારા પ્રભાવનો પરચો જોતો અને સાંભળતો હું આવ્યો છું. અને તેથી જ એક યાચના કરું છું." "શી?" "જેમ ગુજરાતનું રાજ્યતંત્ર એક આંગળીએ ધારો છો, તેમ આર્યાવર્તનું રાજ્યતંત્ર પણ ધારો" કીર્તિદેવે કહ્યું. "એટલે?" "મહારાજ! તમારા જેવાએ માત્ર એક રાષ્ટ્રની રાજનીતિ પાછળ જીવન સમર્પવું ન જોઈએ. આખા આર્યાવર્તની રાજનીતિ હાથ કરો; છિન્ન ભિન્ન થઈ ગયેલા રાષ્ટ્રો, કુસંપી બનેલાં રાજ્યોને એકતંતે બાંધો. તમારા જેવાની શક્તિ વિના તે કોઈ કરી શકવાનું નથી." થોડી વાર મુંજાલ જોઈ રહ્યોઃ તેને કીર્તિદેવનું મગજ ભમતું લાગ્યું. "કીર્તિદેવજી! શું અવન્તી ને પાટણની સંધિ વિષે કહો છો? જરા સ્પષ્ટ કહો." "મંત્રીવર્ય! તમે એમ ધારો છો કે હું પાટણ ને અવન્તીની સંધિ યાચવા આવ્યો છું? મહારાજ ઉબક પરમાર તલવારની ધાર વડે સંધિ કરાવે છે; સંધિ યાચતા નથી. ગઈ કાલે એમણે ગૌરવ છોડી માગણી કરી, તે માત્ર મારે લીધે. તે માગણી ફરીથી કરી, માનભંગ થવા અવન્તીને અલ્પતા પમાડવા હું ફરી આવું એવો નથી. પટ્ટણીઓ વિગ્રહ માગશે, તો શું માલવીઓ આપશે નહિ?" "ત્યારે તમે શું માગો છો?" "મહારાજ! માત્ર પાટણ અને અવન્તી વચ્ચે કુસંપ છે એમ નથી. સપાદલક્ષ અને માલવાને વેર છેઃ કાન્યકુબ્જાધિપ ચંદ્રદેવ મહારાજ માલવા અને સપાદલક્ષ બે સાથે લઢે છે; ચેદીરાજ કીર્તિવર્મા વા સાથે વઢે છે; ચિતોડના રાવલની મહેચ્છા દિનપ્રતિદિન વધતી જાય છે. આ બધાનાં વેર સમાવવાં છે. આ બધું કરવા આર્યાવર્તને એક મુત્સદ્દી જોઈએ છે. એ પદવી તમે લેશો?" મુંજાલના મુખ પર એકાગ્ર થયેલી કીર્તિદેવની આંખોમાંથી તેજના તણખા નીકળવા માંડ્યા. જેમ તેની વાચાનો પ્રવાહ વધ્યો, તેમ મુંજાલના પ્રભાવનો ખ્યાલ પણ ઓછો થયો. કીર્તિદેવ એક દેવનો દૂત હોય તેવો લાગતો; તેની નિર્મલ કાંતિ ભભૂકી ઊઠી; તેની એકવડી, સુકોમલ દીસતી કાઠી અણદીઠી રીતે ધ્રૂજવા લાગી. "આ બધી મહેનતનું કાંઈ કારણ?" શાન્તિથી મુંજાલે પૂછ્યું. "કારણ? આર્યાવર્તને માથે ભય ઝઝુમે છે, મંત્રીરાજ!" "કેવા પ્રકારનો?" "મહારાજ! કાલે રાજ્યસભામાં તમે પેલો અર્ધ નગ્ન મ્લેચ્છ જોયો; એ અહિયાં તો એકલો છે. કાશ્મીર પાસે એની જાતના અબજ યોદ્ધા છે; તે બધા આર્યાવર્તને ભસ્મીભૂત કરવા એકે પગે થઈ રહ્યા છે; તેમનાં ભયંકર રણશીંગડાં - તેમની ભયાનક હાક ઉત્તર પ્રદેશોમાં ગાજે છે. તમે પણ ભૂલ્યા મંત્રીવીર, ગીઝનીના સુલતાને કરેલો પાટણ અને દેવપાટણનો વિનાશ. કાલે તો જયદેવ મહારાજે એક પાપીને પંચાંગ પોશાક આપ્યો; તેના પૌત્રો તમારાં ને મારાં છોકરાનાં દિલ પર એક કાપડનો કકડો રહેવા નહિ દે." "એટલે આપણાં રાજ્યો વચ્ચે સંધિ કરાવી એ અરિદળો સંહારવાં છે? એ મ્લેચ્છોને પાછા હાંકી કહાડવા છે?" "હા, મુંજાલ મહેતા! અને તે તમારા વિના કોઈ કરી શકે તેમ નથી." મુંજાલ વિચાર કરતો હતો; તેની પ્રભાવશાળી આંખો કીર્તિદેવ પર ઠરી રહી હતીઃ તે મનમાં આ બાલયોદ્ધાની પ્રશંસા કરી રહ્યો હતો. તે થોડી વારે બોલ્યોઃ "કીર્તિદેવજી! તમારી વાત સાચી છે; પણ મારાથી કે ગુજરાતથી એમાંનું કાંઈ નહિ બને." "કેમ?" ચમકીને કીર્તિદેવે પૂછ્યું. "તમે બાલક છો; નહિ સમજો. આવી સ્પષ્ટ રીતે કોઈએ અત્યાર સુધી કહ્યું નહોતું; પણ ચાર વર્ષ પર અમારો એક જતિ હતો તે પણ એમ જ કહેતો હતો" મુંજાલે કહ્યું. "શું?" "મને તેના બોલો યાદ આવે છે." કહી મુંજાલે ઝીણી આંખો કરી તેના શબ્દો સંભાર્યા. "તે કહી ગયો હતો તમારા મંત્રીઓની મહેનત ધૂળમાં મળશે; તમારા દીકરા દીકરી ગીઝનીનાં બઝારમાં વેચાશે; એ સ્પષ્ટ સાંભરે છે." "તેની વાત સાચી છે. માટે જ કહું છું કે મારું કહ્યું માનો." "કીર્તિદેવ!" ડોકું ધુણાવી મુંજાલે કહ્યું. "તમારી વાત સાચી ભલે હોય; પણ દરેક સત્ય વાત શક્ય નથી હોતી." "શક્ય ન હોય તો થવી જોઈએ." "ત્યારે દુનિયાનો છેડો આવે" મુંજાલે કહ્યું. "શક્ય વસ્તુ ન હોય તો હાથમાં ન સ્હાવી એ મારું સૂત્ર છે." "પણ તમે બધું શક્ય કરી શકો તેમ છો. તમે મહાઅમાત્ય થયા ત્યારે ગુજરાત કેવું હતું? અને આજે કેવું છે?" "પણ હું મહાઆમાત્ય હતો તે છતાં, ખબર છે?- મારી પીડા હું જાણું છું, કીર્તિદેવજી! તમે માગણી કરી મારું ગૌરવ વધાર્યું છે; જો હું એક મહારાજ્યનો મંત્રી હોત; મારા તાબામાં દસ હજાર સામંત હોત તો હું તે સ્વીકારત. તે નથી, એટલે - લાચાર." કહી મુંજાલ મુંગો રહ્યો. કીર્તિદેવે તેને અજબ રીતે પીગળાવ્યો હતો. "તમે બધું કરી શકશો. મેં ઘણાખરા રાજાઓને સમજાવ્યા છે; તે બધા તમારું માનશે." "એક ચલ્લું નહિ માને. ભય વિના પ્રીતિ સાંભળી છે? તમારા વિચારના તેજમાં તમને આંખે અંધારાં આવ્યાં છે. કુસંપ કરતાં સંપ કરવો વધારે કઠણ છે." "તે તો મેં કાલે જ જોયું. તમારે ઘેર બેઠે સંપ આવ્યો પણ તમે સ્વીકાર્યો નહિ. નહિ તો તમારી પીઠે આજે પાટણ અને અવન્તી બે હોત." "કીર્તિદેવ! શબ્દોની શોભાtથી હું છેતરાતો નથી. હું અને પાટણ ઉબક પરમારના ગુલામ થઈ રહેત; પાટણના ઊગતા ગૌરવનો અસ્ત થાત." "એમ જ બધા માને તો કોઈ ભેળા મળી યવનોની સામે થાય જ નહિ." "જેણે તમને ભેગા થવાનું વચન આપ્યું હશે તેનો મુદ્દો હું સમજું છું." "શો?" યવનોને હરાવી દરેક જણ ચક્રવર્તી થવાની આશા રાખતો હશે." મુંજાલે કહ્યું. "ત્યારે એ આશાએ તમે કેમ જોડાતા નથી?" "ગુજરાત હજી નાનું છે; તે હજી હમણાં જ પગભર થાય છે. તે એવી આશા રાખે તો મૂર્ખ ઠરે. યવનો તો કોણ જાણે ક્યારે હારે - પણ આવતે વર્ષે અમારું નખ્ખોદ વળી જાય." નિરાશાભર્યા હૃદયથી કીર્તિદેવ જોઈ રહ્યો. મુંજાલે આગળ ચલાવ્યું. "તમારા જેવા નિઃસ્વાર્થી માણસ આગળ સત્ય બોલતાં મને શી હરકત? મહા મહેનતે મેં મારી ઝૂંપડી ઉભી કરી છે; આર્યાવર્તનો મહેલ ચણવા જાઉં તો એ ઝુંપડી ચગદાઈ જાય. સમજ્યા? તમને જે મહેલ બાંધવાની હોંશ છે - તે તમે ભલે બાંધો; મુંજાલ તો એની મઢુલી જ સંભાળશે." "એટલે મારાં સ્વપ્નો તો નષ્ટ થવાનાં?" દિલગીરીભર્યા અવાજે કીર્તિદેવે કહ્યું. "ત્યારે તમારાં સ્વપ્ન ખાતર, શું હું મારાં સિદ્ધ થયેલાં સ્વપ્નો નષ્ટ કરું?" "ત્યારે એક નાના રાજ્યની મહત્ત્વકાંક્ષા સાચવવા આર્યવર્તનું સત્યાનાશ વાળી દેવું, એમાં તમારૂં મુત્સદ્દીપણું?" નિરાશાએ ડંખેલા હૃદયથી કીર્તિદેવે કહ્યું - કહેવાઈ ગયું. મુંજાલે ગૌરવથી ઉંચું જોયું; તેને લાગ્યું કે કીર્તિદેવની નિઃસ્વાર્થ બુદ્ધિ જોઈ તેણે અણધારેલી ભલમનસાઈ દેખાડી હતી. તેની આંખો નિશ્ચલ થઈ. "તેનો જવાબ લેવાનો તમારો અધિકાર નથી." શાન્તિથી તેણે કહ્યું: "હું છું ત્યાં સુધી મારું મુત્સદ્દીપણું ગમે તેવું હશે તો પણ - ચાલશે." "અને મારું ચાલશે ત્યાં સુધી નહિ ચાલવા દઉં." સત્તાથી કીર્તિદેવે કહ્યું. મુંજાલ તિરસ્કારભર્યું હસ્યો: "એવું મને કહેનારા મળ્યા છે. અને" - "અને તમે તે બધાનો પરાજય કર્યો છે." કીર્તિદેવે ઉમેર્યું. નિરાશાથી તેના મગજમાં ગુસ્સો પેદા થયો હતો. "તમે એમ ધારો છો કે આર્યાવર્તના ભવિષ્યને આડે આવતાં તમે ફાવશો? મંત્રીરાજ! તમને ડરાવતો નથી; પણ ખરી વાત કહું છું. હું થોડે દિવસે અવન્તી જઇશ. સમય આવે મારી ઈચ્છા સિદ્ધ કરીશ. દેશ દેશના રાજાઓના સૈન્યો વડે મ્લેચ્છોનો સંહાર કરાવીશ. અને જીવતો રહીશ તો બતાવીશ કે सत्यमेव जयते - નહિ, કે તમારી ટૂંકી બુદ્ધિની સ્વાર્થી રાજ્યનીતિ - તો ખાત્રી કરી દઈશ કે ગુજરાત એ આર્યાવર્તનું અંગ નથી, પણ સ્વાર્થી શ્રાવક ધનાઢ્યોનું ધન સંચય કરવાનું ચૌટું જ છે. ઉબકરાજ કહે છે તેમ પાટણ માત્ર અવન્તીનું મંડલ થવાને જ યોગ્ય છે." કહેતાં કહેતાં કીર્તિદેવ ઉભો થઈ ગયો. તેની જાજ્વલ્યમાન કાન્તિ દેવ જેવી દીપી રહી. આ ઉમળકાનો ઉછળતો સાગર મુંજાલના શાન્ત ગૌરવ પર અથડાયો અને વિખેરાઈ ગયો. "તમારી આશાઓ સિદ્ધ ન થઈ તો?" "તો હું જગતને કહીશ કે જ્યારે બધાં રાજ્યો સંધિ કરવા તૈયાર હતાં - જ્યારે બધાના સંપથી યવનોનો સંહાર થાત અને ભરતખંડ બચી જાત - ત્યારે એક મંત્રીએ તેમ ન થવા દીધું. જ્યારે તમારાં રાજ્યોનો વિનાશ થશે - તમારું પાટણ પાધર થશે - ત્યારે કહીશ કે આ બધો પ્રતાપ એક મંત્રીનો - એક સ્વાર્થપરાયણ મુત્સદ્દીનો. તમારો જતિ કહી ગયો તેમ જ્યારે તમારા દીકરા દીકરીઓ ગીઝનીમાં વેચાશે - ત્યારે તમારાં કર્તવ્યનું પરિણામ શું છે, તે સમજશો." જુસ્સાથી કીર્તિદેવના અંગેઅંગ ધ્રૂજતાં હતાં. "કીર્તિદેવ!" એક પળ વાર થોભી મુંજાલે સખ્તાઈથી કહ્યું. "તમે ઉશ્કેરાઈ ગયા છો, એટલે વધારે વાત કરવામાં માલ નથી. તમે અવન્તી ક્યારે જાઓ છો?" "આવતી અમાવાસ્યાએ." "મારું માનો તો આજે જ વિદાય થાઓ." "કેમ?" "કારણ જાણવાની જરૂર નથી." "શું મહાઅમાત્ય તરીકે શાસન કરો છો?" હું અવન્તીનો સંધિવિગ્રહક છું, હોં." ગૌર્વથી કીર્તિદેવે કહ્યું. "હું શાસન નથી કરતો, શીખામણ આપું છું. માટે જેમ વહેલા પાટણ છોડો તેમ સારું." "ડરાવો છો?" ગુસ્સે થઈ કીર્તિદેવે પૂછ્યું. "જેની પાસે શક્તિ કે સત્તા ન હોય તે ડરાવે; મારી પાસે બન્ને છે. જય સોમનાથ આવજો." શાંતિથી મુંજાલે કહ્યું અને તે ઉભો થઈ ગયો. કીર્તિદેવ નીકળ્યો; તેના મનમાં નિશ્ચયાત્મક બુદ્ધિનો પ્રવેશ થયો હતો; તેનું હૈયું ગુસ્સાથી, નિરાશાથી બળી રહ્યું હતું. તેના ગયા પછી તેની પાછળ મુંજાલ જોઈ રહ્યો; અને આખરે બબડ્યોઃ "શું છોકરો! શું પ્રભાવ! આવો પુત્ર હોય તો ઈકોતેર પેઢી તારે. શું બોલવાની છટા - ભયંકર! એને અહિયાં રહેવા નહિ દેવો જોઈએ. (‘ગુજરાતનો નાથ’ પ્રકરણ ત્રીજું) |
[પાછળ] [ટોચ] |