[પાછળ] |
મહાન મુસાફર શ્યેન ચાંગ
-૧ લેખકઃ મૂળશંકર મો. ભટ્ટ (દક્ષિણામૂર્તિ, ભાવનગર) ![]() હિંદુસ્તાન અને ચીન વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ બૌદ્ધધર્મના આગમન પહેલાં પણ ઘણા કાળથી ચાલ્યો આવે છે. ચીન અને હિંદુસ્તાન એ બન્ને ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓવાળા દેશો હોવા છતાં બન્નેમાં કેટલુંક સામ્ય છે, અને તે સામ્યને લીધે જ એશિયાઈ સંસ્કૃતિથી સ્વતંત્ર અને અતિ પ્રાચીન એવી સંસ્કૃતિ તરીકે સ્થાન પામેલી છે. પણ આ સાંસ્કૃતિક સંબંધ બૌદ્ધકાળમાં જેટલો બંધાયો અને વિકાસ પામ્યો, તેટલો તે પહેલાં કે તે પછી પણ નથી પામ્યો. બૌદ્ધધર્મ જેટલી ઝડપથી હિંદમાં પ્રચાર પામ્યો, તેટલી જ ઝડપથી હિંદની બહાર પણ તે ફેલાવા લાગ્યો. હિંદમાંથી કેટલાય બૌદ્ધધર્મપ્રચારકો હિંદના ખૂણે-ખૂણે અને તેની આગળ સિલોન, જાવા, સુમાત્રા, ટીબેટ અને ઠેઠ ચીન સુધી પહોંચી ગયા. અશોકે તો તે ધર્મપ્રચારમાં પોતાની રાજસત્તા અને વ્યક્તિત્વ બન્નેનું બળ મૂક્યું. અશોકના પુત્ર અને પુત્રી સિલોનમાં બૌદ્ધધર્મનો ઝંડો લઈને ગયા, એ કથા તો જાણીતી છે. પણ સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી વસ્તુ તો એ હતી કે આ ધર્મપ્રચારની રીત પણ ખૂબ જ ધાર્મિક હતી, તેમાં ધર્મપરિવર્તન માટેનાં દમન કે ઢોંગ નહોતાં અને એને લીધે જ એ પ્રચાર વધારે વ્યાપક બન્યો. આ ધર્મપ્રચારકોમાંથી જે સાધુઓ ટીબેટ અને ચીનમાં પહોંચ્યા હશે, તેમનાં વૃત્તાંતો આપણને લગભગ મળતાં નથી. જે જે મળે છે, તેમાં ચમત્કારિક કથાઓનું મિશ્રણ એવી રીતે થઈ ગયું છે કે તેમાંથી ઐતિહાસિક સત્ય શોધવું મુશ્કેલ થઈ પડે છે. હિંદમાંથી ચીનમાં ગયેલા આવા એક સાધુનું નામ મોખરે છે, અને તે કશ્યપ માતંગ. આ સાધુએ ચીનમાં જઈને બૌદ્ધધર્મનાં અનેક પાલી ને સંસ્કૃત ભાષાનાં પુસ્તકોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો અને બૌદ્ધધર્મનો સાચો પરિચય ત્યાંના લોકોને આપ્યો. આ કશ્યપ માતંગ સંબંધે બહુ જ થોડી માહિતી મળે છે. આ મુનિ કાશ્મીરમાં રહેતા હતા, અને સિદ્ધ પુરૂષ તરીકે તેમની હિંદમાં ભારે નામના હતી. એમ કહેવાય છે કે તેમને એક રાતે સ્વપ્ન આવ્યું કે પોતે ભોજન કરે છે અને તેમની આસપાસ અન્ન વગર ભૂખ્યા માણસો તડફડે છે. આ સ્વપ્નનો અર્થ તેમણે એ કર્યો કે મારી પાસે પડેલું જ્ઞાન બીજા કોઈને ઉપયોગમાં આવતું નથી. પોતાના જ્ઞાનના પ્રચાર માટે તેમણે નિશ્ચય કર્યો કે ચીનમાં જવું. ચીન સમૃદ્ધ દેશ હતો. પણ વેપારી-સમૃદ્ધિ કરતાં પણ આધ્યાત્મિક-સમૃદ્ધિ વધારે મહાન છે એમ કશ્યપ મુનિ માનતા હતા, અને એટલે ત્યાં ધર્મના સાચા અર્થનો પ્રચાર કરવા તે ઊપડ્યા. પોતાની સાથે બૌધધર્મના ઉત્તમોત્તમ ગ્રંથો લીધા, અને વચ્ચે મળતા વેપારીઓના માલ સાથે તે પુસ્તકોને ફેરવતાં-ફેરવતાં તે તુર્કસ્તાન અને ચીનમાં પહોંચ્યા. ચીનમાં ત્યાંના રાજ્યે આગળથી તેમના સ્વાગત માટે તૈયારી કરવા માંડી, અને તેમની સાથે ઘોડા તથા શ્વેત છત્ર સાથે રાજસેવકોને મોકલ્યા. કશ્યપ માતંગ ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલા હતા અને ઠેઠ હિંદથી પગે ચાલીને જ ચીન સુધી પહોંચ્યા હતા. પણ જ્યારે તેમની પાસે આ ઘોડો તથા છત્ર ધરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હું પ્રભુ નથી કે ઘોડા પર બેસીને આવું. હું તો પ્રભુનો દાસ છું, એટલે પગે ચાલીને જ આવીશ. આગળ ચાલતાં એક સ્થળ એવું આવ્યું કે જ્યાં કશ્યપ માતંગનું મન ઠર્યું, અને તેમણે નક્કી કર્યું કે અહીં જ મારે મારું થાણું નાખવું. રાજ્યના માણસોએ તેમને કહ્યું કે ‘રાજા આપની રાહ જુએ છે’ ત્યારે તેણે કહ્યું કે ‘તમારા રાજાના હુકમથી હું અહીં નથી આવ્યો. હું તો મારા રાજાના હુકમથી આવ્યો છું. તમારા રાજાને મારું કામ હોય તો અહીં આવી શકે છે.’ અહીં તેણે એક વિહાર સ્થાપ્યો (ચીનના હોનાન પ્રાંતમાં લો નદીના કાંઠે) અને તે વિહારનું નામ પોતાના સામાન મૂકવાના સફેદ ઘોડા ઉપરથી શ્વેત-અશ્વવિહાર (પેઈ માસુ) પાડ્યું. જે ઘોડાએ આ પ્રવાસમાં સાથી રહીને પોતાનો પ્રાણ આપ્યો તેના નામ સાથે આ વિહારનું નામ જોડાય એ જ બરાબર છે ને! આ સાધુ સંબંધે આથી વિશેષ માહિતી મળતી નથી. ફક્ત તેમનું નામ ચીનના બૌદ્ધધર્મના ઇતિહાસમાં અમર છે. પણ આ જ્ઞાત અને બીજા અજ્ઞાત પ્રચારકોએ જે બીજું કામ કર્યું તે એ કે ત્યાંના લોકોની હિંદી સંસ્કૃતિ અને બૌદ્ધધર્મના સાચા જ્ઞાન માટેની ભૂખ ઉઘાડી, અને આ સંસ્કૃતિના અને ધર્મના મૂળ ઝરણ સુધી પહોંચવા માટે ત્યાંના કેટલાય સાધુઓને ઊભા કર્યા. આમાંના ત્રણેક સાધુઓની કથા અત્યારે પણ ખૂબ પ્રેરણાદાયક છે. એક ફાહિયાન અને બીજા શ્યેન ચાંગ અને ઈત્સીંગ. ફાહિયાન ચોથા સૈકામાં થઈ ગયો. ફાહિયાનનું મૂળ નામ કુંગ હતું. પણ જ્યારે તેણે બૌદ્ધધર્મની દિક્ષા લીધી ત્યારે તેનું નામ ફાહિયાન (ફા=ધર્મ - હિયાન=આચાર્ય) પડ્યું. તેણે ચીનમાં બૌદ્ધધર્મનાં જેટલાં પુસ્તકો મળ્યાં તેનો અભ્યાસ કરવા માંડ્યો, પણ પિટક ગ્રંથોનો અભ્યાસ કરતાં કરતાં માલૂમ પડ્યું કે આ ચીની ભાષાંતર ખૂબ જ અશુદ્ધ અને અધૂરું છે. વિનય પિટકનો ગ્રંથ એ બૌદ્ધધર્મનો બહુ જ પ્રમાણભૂત અને મુખ્ય ગ્રંથ છે. આ પુસ્તકના સાચા પાઠો તો તેની મૂળ પાલી ભાષામાં કે સંસ્કૃત ભાષાની આવૃત્તિમાં જ મળી શકે. ફાહિયાનને થયું કે આને માટે ભારતવર્ષમાં જ મારે જવું જોઈશે, અને ત્યાંથી વિનય પિટકની સંપૂર્ણ અને શુદ્ધ નકલ ચીનમાં લાવીને તેનું ભાષાંતર ચીનની પ્રજા પાસે મૂકવું જોઈશે. અને એ જ ઉદ્દેશને સંકલ્પ બનાવીને તે હિંદ જવા માટે ઊપડ્યો. આ મુસાફર મધ્ય એશિયા વીંધીને પૂર્વ તુર્કસ્તાનમાં થઈને પેશાવરને રસ્તે હિંદમાં આવ્યો, અને ઉત્તર હિંદમાં આવેલાં સંસ્કૃતિનાં કેંદ્રો તથા બધાં શહેરોમાં અને વિદ્યાપીઠોમાં ફર્યો. જે મહાન આચાર્યો હતા, તેમની પાસે રહીને મૂળ ગ્રંથનો અભ્યાસ કર્યો, અને કુલ ૧૫ વર્ષ સુધી આ પ્રમાણે મુસાફરી કરીને સમુદ્રના રસ્તે સિલોનથી જાવા, સુમાત્રા થઈને પાછો ચીનમાં પહોંચી ગયો. ફાહિયાને પોતે પોતાના પ્રવાસનું વર્ણન લખ્યું જ નથી. તેના મિત્રોને કરેલી વાતચીત ઉપરથી જ તેની નોંધ લેવાઈ છે. ફાહિયાને પોતાના પ્રવાસમાં જેટલી ધર્મને લગતી માહિતીઓ હતી તેનું જ વર્ણન મહત્ત્વનું ગણ્યું છે. પોતાના પ્રવાસમાં પડેલાં કષ્ટો સંબંધે તે ક્યાંય ઉલ્લેખ કરતો જ નથી. પણ આપણે અત્યારે પણ હાથમાં દંડ લઈને અને પુસ્તકોનો ભારો બાંધીને ગોબીના રણમાં કે મધ્ય એશિયાના પ્રદેશોમાં ભટકતો એક મુસાફર આપણી દૃષ્ટિ સમક્ષ કલ્પી શકીએ છીએ. આ પછી પણ ૩૦૦ વરસે એક એવો જ મહાન પ્રવાસી ચીનમાંથી હિંદ આવવા નીકળ્યો. અને તે શ્યેન ચાંગ. (આ નામનો ઉચ્ચાર અનેક રીતે થાય છે. હ્યુઆન સંગ, યુઆન ત્સંગ, હુએન સંગે, યુઆન સ્વાન વિગેરે. શ્યેન ચાંગ એ ઉચ્ચાર એ ચાઈનીઝ ભાષાનો થતો ઉચ્ચાર છે, અને તે જ અંતે સ્વીકારાયો છે. તેના નામની અંગ્રેજી જોડણી અગાઉ Hiuen Tsang કરવામાં આવતી હતી જે હવે Xuanzang કરવામાં આવે છે.) શ્યેન ચાંગ એ ચીનના ઇતિહાસમાં એક ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ લેખાય છે. અને એટલે જ લોકોના સ્વભાવ પ્રમાણે તે વ્યક્તિની આસપાસ પણ ચમત્કારિક વાર્તાઓનાં પડો વીંટળાયેલાં છે. એટલું જ નહિ પણ હજુ ચીનના કોઈ કોઈ બૌદ્ધમંદિરમાં શ્યેન ચાંગની મૂર્તિ જોવામાં આવે છે, અને એની પૂજા પણ કરવામાં આવે છે. શ્યેન ચાંગનો જન્મ ઇ.સ. ૬૦૩માં થયો હતો. તે મધ્ય ચીનમાં આવેલા હોનાન પ્રાંતમાં એક વિદ્વાન સાધુને ત્યાં જન્મ્યો હતો. નાનપણથી જ તેની બુદ્ધિની તીવ્રતા અને તેની પ્રતિભા જોઈને તેના મોટાભાઈએ તેને એ જ મઠમાં પોતાની જ દેખરેખ નીચે કેળવણી આપવા માંડી. પોતાની કેળવણીના વર્ષો દરમ્યાન બૌદ્ધધર્મના ગ્રંથોનો અભ્યાસ કરતી વખેતે તેના મનમાં અનેક શંકાઓ ઊભી થવા લાગી હતી. ઘણાં પુસ્તકોમાં સિદ્ધાંતોની ચર્ચામાં ને નિરૂપણમાં તેને અસંગતિઓ દેખાયા કરતી હતી. આ સંબંધે તે પોતાના પ્રાંતના અને બીજા પ્રાંતના ધર્મગુરુઓ સાથે ચર્ચાઓ કરતો પણ તેના મનનું સમાધાન થતું ન હતું. તેણે આખરે મનમાં નક્કી કર્યું કે આ માટે તો ભારતવર્ષમાં જ જવું એ યોગ્ય છે. પણ તે વખતે ચીનમાં મોટો વિગ્રહ ફાટી નીકળેલો હતો. તેણે ચીનના રાજાની હિંદમાં જવા માટેની પરવાનગી માગી પણ રાજાએ તેને ચોખ્ખી ના પાડી. તેને બીજા ઘણાએ સમજાવ્યો કે અત્યારના સમયમાં હિંદ તરફ જવાનું સાહસ કરવું તે મરવા માટેની તૈયારી કરવા જેવું જ છે. શ્યેન ચાંગ એટલેથી અટકી જાય તેમ નહોતો. તે જુવાન હતો, તેની દૃષ્ટિ સમક્ષ પશ્ચિમના પ્રદેશો સ્વપ્નની જેમ ભમતા હતા. તેની સમક્ષ મુશ્કેલીઓના કાંટા-ઝાંખરાને બદલે બુદ્ધની જન્મભૂમિ નાલંદા અને તક્ષશિલાના મહાવિદ્યાલયો ને વિહારો તરવરતા હતા. શ્યેન ચાંગ રાતોરાત એક તેના મિત્ર સાધુની મદદ લઈને ભાગ્યો. ભાગતો ભાગતો ક્વા-ચાઉ નામના સ્થળ સુધી આવી પહોંચ્યો. અહીં તેનો થાકેલો ઘોડો મરી ગયો. અહીંથી તેના પ્રવાસનો તેને ખરો ખ્યાલ આવવા માંડ્યો. અહીં ચીનની સરહદની આકરામાં આકરી ચોકીઓ હતી. વેરાન રણો આવતાં હતાં, તે પણ કદાચ વટાવી ગયા તો ઝનૂની તુર્ક જાતિના લોકોનો પ્રદેશ આવતો હતો. તે જરા આ બધાનો ખ્યાલ કરીને નિરાશ થયો. અધૂરામાં પૂરું ચીનના બાદશાહનો મનાઈ હુકમ તેની પાછળ પાછળ આવી પહોંચ્યો. ક્વા-ચાઉના ગવર્નરે શ્યેન ચાંગને પોતાની પાસે બોલાવ્યો. શ્યેન ચાંગે પોતાના દિલ પર ચડી ગયેલી નિરાશાને ખંખેરી નાખી. તે ગવર્નર પાસે ગયો. શ્યેન ચાંગનું વ્યક્તિત્વ અતિશય પ્રભાવશાળી હતું. તેના મુખ પર એક જાતનું તેજ ઝળકતું હતું. ઊંચો, પડછંદ અને રૂવાબદાર મુખવાળો આ સાધુ જયારે ક્વા-ચાઉના હાકેમ પાસે આવીને ખડો થયો, ત્યારે તે ઘડીભર અંજાઈ ગયો. તેના માણસો તો તેના ઉપર મુગ્ધ જ થઈ ગયા. ગવર્નર તેને કઈ રીતે મનાઈહુકમ આપી શકે? ‘મને જવા દો. હું મારા સ્વાર્થ માટે કે કોઈ કાવતરા માટે નથી જતો. હું ધર્મના કામ માટે જાઉં છું.’ શ્યેન ચાંગની વાણીમાં જ કંઈ એવું જોર હતું કે આ લશ્કરી મગજના માણસ ઉપર તેનો જાદુઈ પ્રભાવ પડ્યો. એટલું જ નહિ, પણ આખી છાવણીમાં ચાર દિવસમાં તો શ્યેન ચાંગ એ જ એક વ્યક્તિ હોય એમ થઈ ગયું. હાકેમે તેને કહ્યું, ‘તમે જેમ બને તેમ જલદી અહીંથી આગળ ઊપડી જાઓ. હું મારી હાકેમ તરીકેની આંખો તમે ભાગી જાઓ ત્યાં સુધી બંધ રાખીશ.’ |
[પાછળ] [ટોચ] |