[પાછળ] 
મહાન મુસાફર શ્યેન ચાંગ -૨
લેખકઃ મૂળશંકર મો. ભટ્ટ (દક્ષિણામૂર્તિ, ભાવનગર)


શ્યેન ચાંગના સાથીઓ આથી વધારે આગળ જવા માટે તૈયાર જ નહોતા. એક માંદો પડ્યો. બીજો પડવાની તૈયારીમાં હતો. શ્યેન ચાંગ બન્નેને ત્યાં પડતા મૂકીને એકલો આગળ ચાલ્યો. સદ્ભાગ્યે વળી તેને એક ભોમિયો મળી ગયો. તે તેને થોડેક સુધી તો કામમાં આવ્યો, પણ પછી તે ભોમિયો પણ થાક્યો. તેણે તેને આગળ ન જવા માટે ઘણું સમજાવ્યો, પણ શ્યેન ચાંગે તેને દાદ ન દીધી, ને તે તો આગળ વધ્યે જ ગયો.

એક રાતે પેલો ભોમિયો ખૂબ ચિડાયો. શ્યેન ચાંગને તે ભોમિયા ઉપર કંઈ બહુ વિશ્વાસ હતો જ નહિ. બંને જણ પોતાની પથારી પાથરીને સૂતા. મધરાતે પેલો ભોમિયો તલવાર લઈને ધીમે રહીને પોતાની પથારીમાંથી ઊઠ્યો. શ્યેન ચાંગ પણ તૈયાર જ હતો. તે જાણે કંઈ જાણતો નથી તેવી રીતે પોતાની પથારીમાં બેઠો થયો ને પ્રાર્થના કરવા લાગ્યો. ભોમિયો છાનોમાનો જઈને પોતાની પથારીમાં સૂઈ ગયો.

સવારે જાણે કંઈ બન્યું જ નથી એમ બન્ને આગળ ચાલવા લાગ્યા. હવે તેઓ ગોબીના રણના કાંઠે આવી પહોંચ્યા. હવે તેમની નજર સમક્ષ ભયાનક રણ પડતું હતું. તેમાં નથી પાણી, નથી ખોરાક, નથી વસ્તી, નથી ઝાડ કે કોઈ આશરો. તેના ભોમિયાએ અહિથી આગળ વધવાની ના પાડી. એટલે શ્યેન ચાંગે વધારે પંચાત કર્યા વગર તેને પોતાનો ઘોડો અને તેનો પગાર આપીને પાછો વિદાય કરી દીધો, અને પોતે એકલો નીકળી પડ્યો. તેણે પોતાની સાથે પાણીની એક મોટી પખાલ અને રસ્તામાં ચાલે તેટલી ખોરાકી લઈ લીધી હતી. રણમાં આટલો સામાન લઈને ચાલવું એ કંઈ સામાન્ય વાત નહોતી. પણ શ્યેન ચાંગે તો નાનપણથી જ આ માટેની તૈયારીઓ કરવા માંડી હતી. ઉપવાસો કરવા, તરસ્યા રહેવું, દોડવું, કસરત કરવી - એ બધાંનો મહાવરો તેને નાનપણથી જ ચાલુ રાખ્યો હતો.

થોડેક ગયા પછી તે તરસ્યો થયો, અને પાણી પીવા પખાલનું નાકું છોડ્યું. પણ નાકું હાથમાં ન રહેવાથી એકદમ પાણી ઢોળાઈ ગયું, ને લગભગ પોણી પખાલ ખાલી થઈ ગઈ. થયું. હવે ૧૫૦, ૨૦૦ માઇલનો પંથ ચાલીને પાણી વગર જ કાઢવાનો હતો, અને એનો અર્થ એ જ કે રણની વચ્ચે જ તેનો દેહ પડવાનો. પાણી માટે તેણે ઘણી શોધ કરી, અને એમાં તો તે ઊલટો ભૂલો પડ્યો. રસ્તામાં તેની નજર સમક્ષ એક મોટું લશ્કર કૂચ કરતું ચાલ્યું જતું દેખાયું. તેનાં ચકચકિત ભાલાઓ ને બખ્તર જોઈને શ્યેન ચાંગને આશ્ચર્ય થયું. આવા રણમાં આખરે બપોરે આ લશ્કર ક્યાં જતુંહશે? તેપણ એકાએક આ લશ્કર દેખાતું બંધ થઈ ગયું. આવા રણમાં થતા મૃગજળના આ દેખાવો અત્યારે પણ સ્ટીન જેવા પ્રવાસીઓ વર્ણવે છે.

પાણી ખૂટ્યું. શ્યેન ચાંગ નિરાશ થઈને આખરે રેતી ઉપર જ સૂઈ ગયો ને મૃત્યુની રાહ જોવા લાગ્યો. સદ્ભાગ્યે એક પ્રભાતે ઠંડો પવન નીકળ્યો ને ઝાકળ પડ્યું. રેતીમાં ઊગેલાં નાનાં ઝાંખરાં ઉપર આ ઝાકળનાં ટીપાં પડ્યાં હતાં. શ્યેન ચાંગ ઘસડાતો ઘસડાતો તે ઝાંખરાં પાસે ગયો ને તેનાં પાંદડાં ચાટવા માંડ્યો. તેની તરસ છીપી. તેનામાં પ્રાણ આવ્યો, તેનામાં ઉત્સાહ આવ્યો, તેને થયું કે હવે હું જરૂર જીવવાનો એટલું જ નહિ પણ હિંદુસ્તાન પહોંચવાનો.

રણ પૂરું થયું, સામે કિલ્લો દેખાયો. વળી પાછી બીજી આફત. તે થોડીવાર છુપાઈ રહ્યો, ને પછી છાનોમાનો પાણીવાળી જગ્યાએ જઈને પાણી ભરવા લાગ્યો. ત્યાં તે પકડાયો. સિપાઈ તેને કિલ્લાના ઉપરી પાસે લઈ ગયો. શ્યેન ચાંગે અહીં પણ પોતાનો પ્રભાવ પાડ્યો, અને તેણે કિલ્લાના સરદાર પાસેથી આગળની ચોકી માટેની ભલામણ લઈ લીધી.

પણ બીજી ચોકીએ પણ તેને પકડવામાં આવ્યો, અને ત્યાંથી પણ તે એ રીતે છૂટ્યો. હવે તેણે આ ચોકીવાળો માર્ગ છોડીને બીજો આડો માર્ગ જ લીધો. પણ આ માર્ગે પેલા રણના જેવી જ મુશ્કેલીએ આવવા લાગી. એ જ લશ્કરો, એ જ મોટાં મૃગજળનાં સરોવરો, એ જ ધગધગતી રેતી. હવે તેનો ઉત્સાહ રહેવો મુશ્કેલ હતો. એકવાર તો એમ થયું કે હવે પાછો પેલી ચોકીએ પહોંચી જાઉં. પણ તરત જ એ વિચારને ખંખેરી નાખ્યો ને આગળ ઊપડ્યો.

હવે તે ગોબી રણના ઉત્તરના ભાગમાં અત્યારે હામી નામે ઓળખાતા શહેર પાસે આવી પહોંચ્યો. ત્યાંથી તે તુર્ફાન નામના તે પ્રાંતના મુખ્ય શહેરમાં ગયો. ત્યાંના રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો, તેનું સુંદર સ્વાગત કર્યું ને તેને પોતાને ત્યાં જ રહી જવા આગ્રહ કર્યો. પણ શ્યેન ચાંગ પીગળ્યો નહિ. રાજાએ તેને અહીંથી ન જવા દેવાની હઠ કરી. શ્યેન ચાંગે જવાની હઠ કરી. રાજહઠ બહુ જ આકરી ગણાય છે. શ્યેન ચાંગના નિશ્ચયમાંથી તેને ફેરવવો, એ તેનાથી ન બન્યું. શ્યેન ચાંગે ઉપવાસ શરૂ કર્યા. ચાર દિવસમાં તો રાજા નમ્યો. છેવટે ઓછામાં ઓછું એક મહિનો શ્યેન ચાંગ અહીં રહે તેમ બન્નેએ સમાધાન કર્યું.

એક મહિનામાં તો શ્યેન ચાંગે બધાને પોતાની પાછળ ગાંડા કરી મૂક્યા. પોતાના ઉત્સાહથી, ચારિત્ર્યથી અને જ્ઞાનથી તેણે લોકોના હૃદયમાં સ્થાન જમાવી દીધું. મહિના પહેલાં ચીંથરેહાલ ને અધમૂઓ આવેલો આ મુસાફર મહિનાને અંતે રાજા તરફથી અમૂલ્ય ભેટો, સોનું, ચાંદી, કપડાં, સીધુસામાન, માણસો વિગેરેથી લદાઈ ગયો. શ્યેન ચાંગ મુસાફરીમાં જેટલું અનિવાર્ય હતું તેટલું જ લઈને આગળ ચાલ્યો.

રસ્તામાં આટઆટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તેણે આસપાસના પ્રદેશોનું અને લોકોના રીતરિવાજોનું અવલોકન ખૂબ ઊંડું કર્યું હતું. તેના પોતાના પ્રવાસવર્નનના પુસ્તકમાં આપણે ખરા મુસાફરની સાહસવૃત્તિ, ખરા ધાર્મિક સાધુનું શ્રદ્ધાળુ હૃદય, એક વૈજ્ઞાનિકની જિજ્ઞાસાવૃત્તિ - આ બધું જોઈ શકીએ છીએ.

શ્યેન ચાંગ જે રીતે પ્રવાસ કરી રહ્યો હતો, તેની અસર તે જે જે પ્રદેશમાં જતો હતો અને જવાનો હતો, તેમાં આગળ ને આગળ પહોંચતી જતી હતી. જે જે જુદી જુદી જાતનાં રાજ્યોમાંથી તે પસાર થતો તે રાજ્યના રાજાઓ, સરદારો, અને પ્રજા ઉપર તે પોતાના વ્યક્તિત્વથી અજબ છાપ પાડતો હતો. અને જ્યાં જ્યાં સંસ્કૃતિઓ વત્તે અંશે ફેલાયેલી હતી, ત્યાં આ શ્યેન ચાંગ એક દેવ જેવું સ્વાગત પામતો. કેવળ ધર્મનું સાચું જ્ઞાન મેળવવા માટે ચીનથી હિંદુસ્તાન જવા માટે નીકળેલા સાધુને તે જમાનામાં દેવ ન માને તો શું માને? પણ શ્યેન ચાંગ એક સાધુ તરીકેનું તેનું જીવન આ સ્વાગતમાં વીસરી જાય તેમ નહોતું. તેના માનમાં મોટી મિજબાનીઓ ગોઠવાતી, મોટી ભેટો તેની પાસે ધરાતી, ફૂલથી તેને લોકો લાદી દેતા, પણ તે તો કહેતા, "આ બધું બુદ્ધ ભગવાનના ચરણોમાં શોભે. મને આ કંઈ ન ખપે."

આ રીતે ચીનથી નીકળેલો આ મુસાફર ગોબીના રણના ઉત્તરના કાંઠે કાંઠે થઈને અત્યારના ચીનના વાયવ્ય બાજુની સરહદ ઉપરની ભયંકર પર્વતાવલિમાં થઈને તુર્કસ્તાનમાં પહોંચ્યો, અને ત્યાંના 'ખાન'નાં સ્વાગતો, મદદો અને તુર્કી લૂંટારુઓના ત્રાસનો સ્વાદ લેતો લેતો તે સમરકંદ પહોંચ્યો. સમરકંદની જાહોજલાલીનું વર્ણન તે ખૂબ ઉત્સાહમાં આવીને કરે છે. અહીંથી તેને એક હિંદુસ્તાનનો બૌદ્ધ સાધુ મળી ગયો. તેના સંગાથનો લાભ લઈને તે અફઘાનીસ્તાનમાં ઊતર્યો. અને કાબૂલ વિગેરે નગરો જોતો જોતો તે આખરે હિંદુસ્તાનની ભૂમિમાં દાખલ થયો.

હિંદુસ્તાન દેશ તો તેને પોતાની ભૂમિ હોય એવો લાગ્યો. અલબત્ત આ કાળમાં બૌદ્ધ અને બ્રાહ્મણ સંપ્રદાયો વચ્ચેનો ઝગડો શરૂ થઈ ગયો હતો. એટલું જ નહિ, પણ બૌદ્ધધર્મ ધીમે ધીમે ઝાંખો પડતો જતો હતો, અને બ્રાહ્મણ ધર્મ જોરમાં આવતો જતો હતો. તો પણ શ્યેન ચાંગનું સ્વાગત બધી જગ્યાએ બહુ જ સુંદર થયું.

પહેલાં કાશ્મીરમાં જ ત્યાંના રાજાએ આ સાધુના માનમાં મોટો સમારંભ કર્યો. તેને હાથી પર બેસાડવામાં આવ્યો, અને રાજા પોતે તેની પાછળ ચાલતો હતો. આ કાશ્મીરમાં શ્યેન ચાંગ બે વરસ રહ્યો. એક વિદ્વાન સાધુ પાસે રહીને તેણે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો, અને કેટલાંક પુસ્તકો ભેગા ગર્યાં.

ત્યાંથી તે ગંગા યમુનાના મેદાનોમાં ઊતરી પડ્યો. ગોબીના રણ અને તુર્કસ્થાનના પહાડોવાળી ભૂમિથી થાકેલાં નયનો, ભૂખ, તરસ, લૂંટારુઓ, તથા તુર્ક સરદારોના ત્રાસથી થાકેલું મન આ લીલો હરિયાળો અને સંસ્કૃતિથી છલોછલ ભરેલો પ્રદેશ જોઈને ઠર્યાં. એક પછી એક વિદ્યાપીઠો, બૌદ્ધવિહારો, આશ્રમો, રાજધાનીઓ જોતો જોતો તે ફરવા લાગ્યો. તે જ્યાં જતો ત્યાં તેનો એક સ્વજન જેવો સત્કાર થતો, એક મહાત્મા જેવો તેને આદર મળતો. ચીનથી ફરતો ફરતો કેવળ ધર્મના અભ્યાસ માટે આવેલો આ મહાત્મા કોને આદરને પાત્ર ન થાય? પણ શ્યેન ચાંગ આ માન-અકરમની મિજલસોમાં ન પડી રહ્યો. તેણે તો પોતાનું ધ્યેય ઘડીકેય ધ્યાન બહાર રાખ્યું ન હતું. જ્યાં જ્યાં કોઈ વિદ્વાન મળે ત્યાં તે બેસી જતો. જેટલું મેળવાય તેટલું મેળવી લેતો, અને બૌદ્ધ ગ્રંથો જેટલા મળે તેટલા ભેગા કરી લેતો એટલું જ નહિ, પણ હિંદુસ્તાનની તે વખતની રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિનો તેણે ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો. અત્યારે પણ આ શ્યેન ચાંગના પ્રવાસ પુસ્તકની કિંમત સમ્રાટ હર્ષ સમયના હિંદની સ્થિતિ જાણવા માટે અમૂલ્ય ગણાય છે. હિંદની તે વખતની સ્થિતિનું બયાન જ્યારે આપણે શ્યેન ચાંગના પ્રવાસવર્ણનમાં વાંચીએ છીએ, ત્યારે હિંદની એ ભવ્ય સંસ્કૃતિ નજર સમક્ષ ખડી થાય છે. ‘લોકો સાદા, સ્વચ્છ અને પ્રમાણિક હતા. લેવડદેવડના વ્યવહારમાં નિષ્કપટ હતા અને ન્યાય તોળવામાં બહુ વિવેકવાળા હતા. * * આપેલું વચન હંમેશા પાળતા. રાજ્ય વ્યવહારમાં સરળતા તથા લોકોમાં નમ્રતા અને મીઠાશ જોવામાં આવતી. ગુના ઓછા બનતા. પૂરી તપાસ કરી ગુનેગારને સજા થતી. કોઈને દેહાંતદંડ તો થતો જ નહિ. વિ. વિ.’ ('પૂર્વરંગ'માંથી)

શ્યેન ચાંગ નાલંદાની વિખ્યાત વિદ્યાપીઠમાં ત્યાંના આચાર્ય શીલભદ્ર પાસે ઘણો વખત રહ્યો. અને ત્યાં રહીને તેણે નાલંદા વિદ્યાપીઠની ઊંચી પદવી પણ પ્રાપ્ત કરી. તેના પ્રવાસવર્ણનમાં નાલંદા વિદ્યાપીઠનું વર્ણન ખૂબ જ રસિક, સંપૂર્ણ અને આબેહૂબ છે. અહીંથી તે હિંદના દક્ષિણ ભાગમાં પણ પાછો ફરવા માટે નીકળી પડ્યો. દક્ષિણમાં લગભગ નાશિક સુધી તે ગયેલો. ત્યાંથી પાછો ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, સિંધ વિગેરે સ્થળોએ ફરતો ફરતો પાછો નાલંદા આવી પહોંચ્યો. કાઠિયાવાડમાં વલ્લભીનું વર્ણન તે ઘણા વિસ્તારથી કરે છે.

હવે તેનું મન અહીં તૃપ્ત થઈ ગયું હતું. પોતે મેળવેલો જ્ઞાનભંડાર પોતાના લોકોને આપવા માટે તે અધીરો બન્યો હતો. ત્યાં તો આસામના રાજાએ આગ્રહ કરીને તેને પોતાની પાસે બોલાવી લીધો. એક તરફથી નાલંદાના સાધુઓ શ્યેન ચાંગને છોડવા રાજી નહોતા, બીજી બાજુથી શ્યેન ચાંગ પોતાના વતનમાં જવા અધીરો થયો. ત્યાં વળી આસામના રાજાએ તેને પ્રેમથી બાંધ્યો. આસામનો રાજા કુમાર ભ્રાહ્મણ હતો, પણ બૌદ્ધધર્મના આવા સાધુની સેવા કરવામાં તત્પર હતો.

ત્યાં વળી નવી આફત આવી. કનોજના સમ્રાટ હર્ષવર્ધનને થયું કે આ ચીની બૌદ્ધ સાધુને મેં કેટલીયેવાર બોલાવ્યો ને મારે ત્યાં ન આવ્યો, અને મારા મંડલિક કુમારને ત્યાં પહોંચી ગયો. તેણે કુમારને કહેવરાવ્યું, ‘શ્યેન ચાંગને મારી પાસે મોકલો.’ કુમારે જવાબ આપ્યો ‘તેમને નહિ મોકલી શકું. કહો તો મારું માથું ઉતારી દઉં.’ હર્ષે કહેવરાવ્યુંઃ ‘તો ભલે માથું ઉતારીને મોકલો.’ કુમાર આની પાછળ રહેલો હર્ષનો મીઠો ઠપકો ને તેની આતુરતા સમજી ગયો. પોતે જ શ્યેન ચાંગને હર્ષવર્ધન પાસે તેડી આવ્યો. એક પરદેશી બૌદ્ધ સાધુ માટે આટલી ભવ્ય હરીફાઈ!

હર્ષવર્ધન પાસેથી શ્યેન ચાંગને છૂટવું આકરું થઈ પડ્યું. આજકાલ કરતાં હર્ષે તેને છોડ્યો જ નહિ. મોટા મોટા વિદ્વાનોની સભામાં ચ્યેન ચાંગના વ્યાખ્યાનો થાય, ચર્ચાઓ થાય, અને ઘણે દૂરથી લોકો આ પ્રચંડકાય, ભવ્ય ગોરી મૂર્તિને જોવા ને સાંભળવા આવતા. શ્યેન ચાંગની આ કીર્તિની ઈર્ષા આવે એવા થોડા તો નીકળે ને! હર્ષને આની ગંધ આવી. તેણે સખત હુકમ કાઢ્યો કે ‘આ સાધુનો વાળ પણ વાંકો થયો છે, તો બહુ આકરું થઈ પડશે.’ કેટલાક સાધુઓએ હીનયાન અને મહાયાનમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે તેની ચર્ચાનું આહ્વાન શ્યેન ચાંગને આપ્યું. શ્યેન ચાંગે તે ઉપાડી લીધું. દિવસોના દિવસો સુધી એક બાજુ એકલો શ્યેન ચાંગ અને બીજી બાજુ મોટી મંડળી વચ્ચે ચર્ચા થઈ. આખરે ચર્ચાના મંડપમાં આગ લાગી, કે કોઈએ લગાડી, ને ચર્ચા પૂરી ન થઈ. સમ્રાટ હર્ષની બહેન રાજ્યશ્રી આ બધામાં ખૂબ રસ લેતી.

હવે તો શ્યેન ચાંગે બહુ આગ્રહપૂર્વક સ્વદેશ જવાની રજા માગી. હર્ષે તથા કુમારે તેને અહીં જ રહેવા ખૂબ આગ્રહ કર્યો. પણ શ્યેન ચાંગે કહ્યુંઃ ‘મારા દેશબાંધવો માટે હું આટલાં કષ્ટો વેઠીને આવ્યો, ને હવે અહીં રહી જાઉં, એના જેવો બીજો દ્રોહ કયો?’ આખરે તે જવા માટે તૈયાર થયો. તેના ઉપર ભેટોનો વરસાદ વરસ્યો. શ્યેન ચાંગે ફક્ત પ્રવાસમાં ઉપયોગી ચીજો અને બૌદ્ધ ગ્રંથો, બુદ્ધ ભગવાનના અવશેષો, એટલું જ લીધું. હર્ષના માણસો તેને હિંદની સરહદ સુધી વળાવવા આવ્યા.

પાછો તે એકલો ચાલી નીકળ્યો. હિંદમાં આટલાં વર્ષો પૂર્ણ સુખમાં ગાળ્યા પછી પણ શ્યેન ચાંગ પોતાના માર્ગની મુશ્કેલીઓ માટે તૈયાર જ હતો. આ વખતે તેણે ટૂંકો રસ્તો લીધો. યારકંદ થઈને પામીરના ઉચ્ચ પ્રદેશોમાં થઈને અનેક મુશ્કેલીઓ પાર કરતો કરતો પાછો પોતાના દેશમાં આવી પહોંચ્યો. ૧૬ વર્ષના લાંબા ગાળા પછી, શ્યેન ચાંગ પોતાના વતનમાં પ્રવેશ કરે છે. રાતે છાનોમાનો ભાગેલો આ ગુનેગાર જ્યારે ‘પશ્ચિમના દેશો’માંથી આટલાં ગ્રંથો અને ધર્મચિહ્નો લઈને પાછો ફરે છે ત્યારે ચીનનો બાદશાહ તેના ઉપર આફ્રિન થાય છે. લોકો ગાંડા ગાંડા થઈ ગયા છે. ચીને કદી ન જોયેલો એવો ભવ્ય સત્કાર આ સાધુનો અને તેના સામાનનો થાય છે.

પણ શ્યેન ચાંગ આનાથી અંજાઈ જાય તેમ ન હતું. તે તો પાછો પોતાના એકાંત મઠમાં ભરાઈ ગયો. જે પોતાની પાસે આવે તેને તે ભણાવતો, અને બાકીના વખતમાં આ બધા સાથે આણેલા ગ્રંથોનાં ભાષાંતરો કરતો. કેટલાય હિંદી સાધુઓ પણ તેની સાથે અભ્યાસ કરવા માટે આવવા લાગ્યા.

૬૫ વર્ષની ઉંમરે ઇ.સ. ૬૬૪માં આ મહાત્મા અને મુસાફર એવા શ્યેન ચાંગે દેહ છોડ્યો. યાત્રાળુઓની વંશાવલિમાં આ ચીની સાધુ તેજસ્વી મૂર્તિ છે.
 [પાછળ]     [ટોચ]