[પાછળ] |
ક.મા મુનશીની માનસપુત્રી : મંજરી
લેખકઃ શંકરપ્રસાદ રાવલ મંજરી એ કોઈ ઐતિહાસિક સ્ત્રી પાત્ર નથી. શ્રી કનૈયાલાલ મુનશીની રસભર કલ્પનાની એ સુંદર ને સરસ પુત્રી છે. કાકને મંજરી સાથે પરણાવીને એમની ઐતિહાસિક નવલકથા ત્રિવેણી (પાટણની પ્રભુતા-ગુજરાતનો નાથ-રાજાધિરાજ)ની વાર્તાનું એમણે એક આદર્શ યુગલ આપ્યું છે. આ યુગલની પ્રેમકથા પણ વિલક્ષણ છે. કાક પ્રેમી છે, સૈનિકના જીવનકલહમાં રાતદિવસ રચ્યોપચ્યો રહેતો યોદ્ધો છે; મંજરી કાશ્મીરી બ્રાહ્મણ પંડિતની પુત્રી છે. એ સંસ્કારગર્વિતા ને જ્ઞાનગર્વિતા છે. એ બન્નેનાં લગ્ન હૃદયગ્રંથિથી ને વિધિથી આખરે જોડાયાં તે પહેલાં કંઈ કંઈ વિવિધ પ્રસંગો બન્યા છે. કાક સદા પ્રેમપિતાસુ ને આતુર હોય છે ત્યારે મંજરી છેવટ સુધી આઘી ને આઘી જ રહે છે, ખસતી જાય છે. મંજરીના પિતા મરી ગયા હતા. એની માતા ખંભાતની અને ધર્મે જૈન હતી. ઉદો મહેતો આ બાલાના અનુપમ સૌંદર્ય પાછળ ગાંડો થઈ ગયો હતો. ઉદાને પરણી લેવાને માતા એના ઉપર જુલમ કરતી હતી. તેમ નહીં તો એણે આરજા(સાધ્વી) બનવાનું જ હતું. મંજરી શું કરે? માતા આગળ એ ત્રાડે છે: “માતા! માતા! તેં મને જન્મ આપ્યો પણ તું મને ઓળખતી નથી. હું – શ્રાવકને – પરણું?” દરેક શબ્દ ઉપર ભાર દેતાં તે બાલા બોલતી સંભળાઈ, “હું-હું? કવિકુલશિરોમણિની આત્મજા-હું-એનું પાણિગ્રહણ કરું?” “એ કોણ છે? ભલે દુનિયાનો માલિક હોય, મારે મન કોણ છે? કહું? મારા પાદ પૂજવાનો પણ તે અધિકારી નથી. મા! મા! રૂદ્રદત્ત વાચસ્પતિની અર્ધાંગના થઈ છતાં તારો ઉદ્ધાર થયો નહીં કે તું આજે શ્રાવક બની ગઈ છે? આજે શ્રાવક સાથે મને પરણાવવા તૈયાર થઈ છે? અને શી પદવીની લાલચે? કવિકુલશિરોમણિ જેવાની છોકરી – મારે મન મહારાજાધિરાજનો હિસાબ નથી તો તારા આજકાલના ધનાઢ્યનો શો હિસાબ?” “હા, મને મારા બાપનું, મારા વર્ણનું, મારા ધર્મનું અભિમાન છે.” “સૃષ્ટિના સર્જનકાલથી પુનિત એવું બ્રહ્મનિષ્ઠ વેદમૂર્તિઓનું લોહી હું કલંકિત કરું? આ ભવે ને તે ભવે ચાંડાલ થઈ રહું? તેના કરતાં કુંવારી મરું તે શું ખોટું? સરસ્વતી રહી તો મને રહેતાં શું પાપ?” “તેમ નહીં રહેવાય!” “કેમ! બધાં તારા જેવા શીરા સારુ શ્રાવક થતાં હશે?” “નહીં માને તો પરમ દિવસે મહારાજ દીક્ષા અપાવશે.” “તારી ને તારા મહારાજોની શી મગદૂર છે?” “તું શું કરશે?” “ત્રિપુરારિએ દાંત આપ્યા છે. ધર્મભ્રષ્ટ થતા પહેલાં જીભ કરડતાં નહીં આવડે?” “મંજરી, જીવ આપવો એ કહેવું સહેલું છે, કરવું કપરું છે, જો હજુ વિચાર કર! મહારાજ જાતે કાલે અહીં આવશે.” “કહેજે કે તસ્દી નહીં લે.” “કેમ?” “નહીં તો એને જોઈ મારી આંખો અપવિત્ર થશે.” “તારા ગર્વનો પાર નથી.” “તારી અધોગતિનો યે પાર નથી રહ્યો એટલે તને એમ જ લાગે તો!” દીકરીએ કહ્યું, “હવે તું સાધ્વી થઈ જા કે જીનશાસનનો ઉદ્ધાર થાય.” “તું આવો આડંબર ક્યાં સુધી રાખે છે તે હું જોઈશ. ને આજે તને ત્રણ દહાડાનો ઉપવાસ ભંગાવ્યો તેથી આટલું જોર આવ્યું છે કે?” “ત્રણ શું – ત્રણ યુગના ઉપવાસ કરાવની! બ્રાહ્મણ રહેવાની.” “ઠીક છે, કાલે આવીશ.” આવી અડિયલ – આડી મંજરીને કાકે બચાવી. એને કાક ઉપર પહેલે જ પ્રસંગે વિશ્વાસ બેઠો. એ બંને ખંભાતથી છાનામાનાં સરકી છૂટ્યાં. હોડીમાં નવ દિવસ એમણે મુસાફરી કરી. રસ્તામાં બંનેએ એકબીજાને પારખ્યાં પણ અતડાઈથી. કાકના હૃદયમાં મંજરી માટે કોઈ છૂપા છતાં સજ્જડ પ્રેમ-સંસ્કાર પડ્યા. મંજરી તો બેદરકાર જ હતી. કાકનાં રીતભાત ને સંસ્કારથી તે સંસ્કારમૂર્તિ ચીઢાતી. એની રસિકતા આગળ કાકભટજી પાણી ભરતા હતા. મંજરી કંઈ કંઈ પ્રશ્નોથી કાકની પરીક્ષા લેતી હતી. કાકને નિસાસો મૂકવો પડ્યો - ક્યાં મંજરી અને ક્યાં હું પોતે? કર્ણાવતી ઊતરીને કાક પોતાના સ્વછંદી મનોરાજ્યમાં રમતી મંજરીને દાદાક મહેતાને ઘેર મૂકી આવ્યો. ત્યાંથી એ રા’પ્રકરણમાં જોડાયો. કાક મંજરીને મનથી પોતાની જ ગણતો હતો. તેણે તે વાત ત્રિભુવનપાળને કરી. પણ એ બેની પાછળ ઉદો ખાઈ પીને મંડ્યો જ રહેતો. પાટણમાં મંજરી એના પિતાના મિત્ર પંડિતજી ગજાનન વાચસ્પતિને ઘેર ઊતરી હતી. કાશ્મીરાદેવી એનું કાક માટે માગુ કરે છે; કારણ કે એનો કન્યાકાલ વીતી ગયો છે. એની પાછળ કામીઓનાં કાવતરાં ચાલુ જ હતાં. મંજરી અહીં ઉદાને જુએ છે ને કેશી રાક્ષસના ભયથી ગભરાયેલી પેલી ઉર્વશી જેવી પંડિતજીના ઘરમાં દોડી આવે છે. કાશ્મીરા એને પોતાને ત્યાં લઈ જાય છે. પંડિતજી અને પંડિતાણી હવે કાકને મંજરી લગ્નદાનમાં આપવાની બાબતમાં એકમત થયાં છે. ખીલતી શશિકલા મંજરીના દિવસો ચાલ્યા જતા હતા. કાક એને પોતાની કરવા ટાંપી રહ્યો હતો. કાશ્મીરા મંજરીને કાક માટે પલાળતી હતી, પણ મંજરી તો બધાંના યે માથાની હતી. મંજરી આ સંબંધમાં કાશ્મીરાદેવી સાથે સંવાદ કરે છે : “બા, મને કોની જોડે સંબંધ હોય? મારા પિતા ગયા પછી સંસારમાં કોઈ મને સમજે એવું દેખાતું નથી. ક્યાં મારા મનોરાજ્યમાં મોંઘા માનેલા વીરો? અને ક્યાં આ બધા નિર્માલ્ય નિરાધાર વહેંતીયાઓ? કોઈમાં નથી બુદ્ધિ, નથી બળ, નથી આદર્શ; બધાનું લક્ષણ જોઈએ તો અલ્પતા.” જવાબમાં કાશ્મીરા હસી. “મૂર્ખી! કંઈ ભાન છે? પાટણમાં જેવા વીરો છે તેવા બીજે ક્યાંય પણ છે?” “હં!” તિરસ્કારથી મંજરી બોલી, “તમારા પાટણના વીરો અને પંડિતો બધા-” “તેનો તને હિસાબ નથી!” “બા! મારી સાથે વાત કરતાં માથું પાકશે, જવા દો. હું તમારા કાલની નથી. ત્રિભુવન ગજાવનારા મહાકવિઓના કાલની છું; હું પાટણની બ્રાહ્મણી નથી– બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને ખોળામાં છુપાવવાની હોંશ ધારતી બીજી અનસૂયા છું.” “તે તો કોણ જાણે? પણ તું ગાંડી તો છે!” “મારું ગાંડપણ મારે મન ડહાપણ છે.” “પણ તું આમ ને આમ ક્યાં સુધી રહેશે? નથી બાપ, નથી ભાઈ; તારી ઉમ્મરે તો આમ એકલવાયાં ક્યાં સુધી ચાલશે? અનસૂયા થશે તો કોઈ અત્રિ હશે ત્યારે ને?” કાશ્મીરાએ હસતાં હસતાં ઉમેર્યુ. “બા! તે હું જાણું છું. પેલો કાક નહીં હોત તો મારે મરવું પડત. મોહિનીએ જેમ દેવદાનવો ડોલવ્યા તેમ મારા રૂપમાં પણ ભયંકર શક્તિ છે; એટલે લાલસાના સેવકો દુ:ખ દેવા આવશે, દુ:ખ દેશે, રીબાવશે, પણ હું કોને પરણું? કોની જોડે સંબંધ બાંધું? બા! મેં તમને શું કહ્યું? જ્યાં જોઉં છું ત્યાં વહેંતીયાઓ નજરે ચઢે છે. એમાંથી કોની દાસી થાઉં?” ભયંકર કટાક્ષમયતાથી મંજરીએ આમ કહ્યું, તેના શબ્દો કરતાં તેની બોલવાની રીત ગર્વભરી ને હૃદયભેદક હતી. છૂપાઈને સાંભળતા કાક ભટનું હૈયું રડી ઊઠ્યું. મંજરીનાં વચનો ખરાં હતાં; છતાં તેની આશાઓની તે કતલ કરતાં હતાં. કાશ્મીરા મંજરીને કલાવે છે. પણ મંજરીનું ગૌરવ, અંતરના ઊછાળા સાથે, પોતાના મનના માન્યા સ્વામીઓના, આદર્શોના ને સંસાર વિશેના અભિપ્રાયો છૂટથી બેધડક આપે જાય છે. એણે શ્રાવકોને નિંદ્યા. આ બાબતમાં શ્રાવક પિયરની ને શ્રાવક પતિની કાશ્મીરાએ ખોટો ગુસ્સો કર્યો ત્યારે મંજરી તેને કેવી સંભળાવે છે?” “ત્યારે બોલાવો છો શું કામ?” જાણે પોતે મહારાણી હોય અને મંડલેશ્વરની પટ્ટરાણી કોઈક દાસી હોય એવા ગૌરવથી મંજરીએ પૂછ્યું, “મારાથી કેમ પરણાય?” “એ તો એની મેળે સમજાશે. ઘણીઓ આંધળા પાંગળા ધણી સેવે છે, તેનું શું?” “હું પણ સેવું છું જે મારે હૃદય ઊતર્યા છે તે. બીજાને મન તે ધણી નકામા છે.” પણ એના ઉગ્ર આવેશો આગળ કાશ્મીરા દેવી ચમકતી હતી. આ નાની છોકરીના ભયંકર શબ્દો સાંભળી એ લાજી મરતી હતી. એ કુંવારી કન્યા છે છતાં કેવું કેવું બોલે છે? “હું ક્યાં વાત ઉડાવું છું? તમે કહો છો કે હું એકલી છું. ખરું જોતાં તો મારો સંસાર ભરચક છે. તમે કહો છો કે મારે પરણવું જોઈએ. ખરું કહું તો હું પરણેલી છું.” “શું બકે છે?” “ખરી વાત. તમને પરણે જે સુખ મળે છે તેથી વધારે મારા નાથો મને આપે છે.” કાશ્મીરા ચમકી! આ તે કંઈ કુંવારી કે બીજી દ્રુપદતનયા? “નાથો! તું ભાનમાં છે કે નહીં?” કહી એકદમ હિંચકો ઊભો રાખી મંજરીને ચક્રમ ધારી કાશ્મીરા હેઠળ ઊતરી, ડોળા ફાડી તેની સામું જોઈ રહી. “ભાનમાં છું. ગભરાશો નહીં. મારે નાથ ઘણા છે. પાંચાળી કરતાં યે વધારે.” મંજરી આમ કુંવારી છતાં કોઈ દૃઢ શાંતિમાં કોઈ સનાતન નવોઢાનાં નિર્દોષ અને સાત્વિક સુખો લેતી હતી. એના પતિઓ રસ-રાજવી કાલિદાસ ને પૃથ્વી નક્ષત્રિય કરનાર ભાર્ગવ પરશુરામ છે. એના સંસારોમાં છોકરાંની લીલીછમ વાડીઓ છે. ઊંચા રસની અમોલી લૂંટો છે, સમરાંગણના વીરખેલન છે, કાવ્યની મહાસરિતાઓ છે, ઊંચા ઊંચા વ્યોમના વિહારો છે. આ બધા આગળ મંજરી સારું કાક શા માટે? શી લાયકાતથી? કાશ્મીરા તો એ ભટકતા ભટજી પાછળ નાહક ગાંડાં થઈ ગયાં છે! કાશ્મીરા આ અદ્ભુત બાળાને શું કરે? એના ઉપર એ વારી જાય છે. એને એ હેતથી હૈયામાં લે છે. પ્રેમથી જોરથી ભેટે છે. કાક માટે મંજરી છેલ્લે શું કહે છે? “પહેલાં સંસ્કાર અને શુદ્ધતા જોઈએ. જો ભૂદેવો જ સંસ્કાર કે શુદ્ધતાથી ભષ્ટ થાય તો પૃથ્વી રસતાલ જાય.” કાશ્મીરા : “એટલે તારે મન કાક સંસ્કારી યે નથી ને શુદ્ધ નથી, નહીં? ઠીક છે, કહેવા દે તેને?” “કહેજો.” નરવીર કાકને આવી કુમારી માનિનીના મહાગર્વનું મર્દન કરવાનું હતું. મંજરીના પાત્રને એના કલાવિધાયક આમ સમર્થ રીતે ખીલવે છે. સંજોગોના દબાણ હેઠળ છેવટે મંજરી કાક સાથે લગ્ન કબૂલ રાખે છે, પણ મંજરીને માથે દુ:ખના વાદળ ઝઝૂમી રહ્યાં છે. ઉદો એને ઉપાડી જવા હજી કારસ્તાન કરી જ રહ્યો છે. બીજી વાર કાક વળી એને બચાવે છે. એનું અભિમાન હજી ઓસર્યુ નથી. એ જોતી હતી કે કાક ક્યારે એને એના દાદાને ત્યાં જૂનાગઢ મૂકી આવે. એણે આનંદરાત્રિને જાણી નથી. પ્રેમાતુર કાકને તે ‘शुनीमन्वेति श्वा’ કહી એવો ટાઢો ડામ આપે છે કે કાક થીજી જાય છે. પણ કાળક્રમે મંજરીનો હૃદયપલટો થાય છે. જ્યારે ઉદો એને વિમલ મહેતાના અપાસરામાંના ભોંયરામાં પૂરે છે ત્યારે એના કેદખાનાના સાથી કીર્તિદેવ સાથે આ પંડિતાણી સંસ્કૃતમાં વાતો કરી પોતાના સૌભાગ્યનાથની ઓળખ આપે છે. એને છોડાવવા કાક જાય છે ત્યારે આ હઠીલી યુવતી એના કારાવાસના સાથી વગર આવવાની ના પાડે છે. કાકને એ મહાજોખમમાં હડસેલે છે. મુંજાલની સાથે કાક ને કીર્તિદેવનું વિનાશક યુદ્ધ થાય છે ત્યારે એ વીરાંગના તરવાર સામે પડી! એ વખતનો મુંજાલનો અને એનો સંવાદ એનો હૃદયવિકાસ કેટલા બધા ગર્વથી રજૂ કરે છે? “કોણ છે તું?” “હું! કાકભટ્ટની અર્ધાંગના.” “તું અહીંયા ક્યાંથી?” “મારા સૌભાગ્યનાથની સાથે.” મુંજાલ પુત્ર પ્રાપ્ત થવાથી પુત્રવાન થયો હતો. મંજરી ઓગળી આદ્ર થવા માંડે છે ત્યારે કાકને વળી ગર્વ ધરવાનો વારો આવે છે. કોઈ કવિએ બરાબર જ કહ્યું છે : ‘મીઠું નક્કી સુખ કંઈ હશે પ્રેમીનાં રૂસણાંમાં.’ મંજરી કાકનાં આ રૂસણાંનાં સુખ આપણે હજી ઉત્સુકતાથી જોઈએ, સાંભળીએ તેવાં છે. કાકને એણે કૂતરો કહ્યો હતો. હવે એ જ હંસની એ હંસી બની હતી. આ દંપતીના હૃદયવિકાસના ક્રમ એક પછી એક ઝીણવટથી કાક મંજરી સંબંધનાં પ્રકરણોમાં જોવા જેવા છે. જુનાગઢમાં માતામહના ઘેરથી એ કારાગૃહમાંના પતિની મુક્તિ કરવા ગઈ ત્યાંથી બંને વનમાં ને ગામડામાં સજોડે સંચર્યાં. ગિરનારનું સિંહનાદ ભર્યુ ને વનનું મોંઘું સૌંદર્ય સંસારના આ વિરલ દંપતીને પૂરપ્રેમથી સત્કારી કહ્યું હતું, પણ પતિ આડો હતો, એનામાં ઊર્મિ ન હોતી. પ્રવાસમાં નાજુક મંજરીનો પગ કપાયો હતો. કાકે પાટા બાંધ્યા, પણ એ નિર્વિકારી શાંતિમાં હતો. મંજરી જોગમાયા બની. આ આર્યધર્મની અભિમાની સંસ્કારી આર્યાએ પતિની લાતથી પૂજા કરી! એ ભયંકર કટાક્ષથી કહે છે : “તમે તે માણસ છો કે રાક્ષસ?” * * * “આ શું કહો છો? તમને આંખો નથી? શા માટે રીબાવો છો? હું ક્યારનીય તલસુ છું. મારો જીવ જાય છે, તમને હૃદય છે કે નહિ? ભટ્ટજી! ભટ્ટજી!” કહીને મંજરી ડૂસકેડૂસકે રોવા લાગી. આ પછી આપણે શું જોઈએ છીએ? બંને આત્માઓ પૂર અદ્વૈતમાં ભીડાયા છે. આગળ જતાં ઉષા આ યુગલને દૃષ્ટિ ભરીભરીને નિરખે છે. નવલત્રિવેણીનાં યુગલોમાં શ્રેષ્ઠ રાણક ને રા’ સાથે આપણે મંજરી ને કાકને જોઈએ છીએ. પાટણથી પત્ની અને રાજપ્રેમ સાથે પ્રસ્થાન કરતા કાકને આપણે જોઈએ છીએ. પેલી મંજરી હવે કાશ્મીરાને ત્યાં શું કહેતી સંભળાય છે? “હા, બધા વહેંતીયા જ છે એક સિવાય.” “એક કોણ? બોલ!” “ઉદો, નવઘણ, ખેંગાર ને કાળભૈરવ એ ચારનો વિજેતા હોય તે.” “હજી કોઈ રહી ગયું છે? ”કાશ્મીરાએ હસતાં પૂછ્યું. “હા, ને પેલી કવિકુલશિરોમણી એ પાંચનો વિજેતા.” “લુચ્ચી! હરામખોર! શરમ નથી આવતી? તારી બધી પંડિતાઈ ગઈ ક્યાં?” “સમાઈ ગઈ, બધી ત્યાં.” કહી મંજરીએ જે હોડીમાં મંડલેશ્વર, કીર્તિદેવ ને કાક બેઠા હતા તે તરફ આંગળી કરી. “નફ્ફટ!” કાશ્મીરાએ કહ્યું. “તમે બનાવી, પરણાવી શું કામ?” હવે “રાજાધિરાજ”માં પ્રૌઢ અને વિકસેલી મંજરીને આપણે જોઈશું? લાટની એ લક્ષ્મીસમી સદાના સૈનિક પતિના ગૃહાસ્થાશ્રમનો અજેય ગઢ છે. એ ભટ્ટરાજ આ સિંહણસમી ધર્મપત્નીના ઉપર ગૃહસ્થાશ્રમનો બધો યે ભાર નાંખી નિશ્ચિત છતાં પૂર્ણ પ્રેમભર સાહસોની સેનાઓમાં નિર્ભય ભમે છે ને વિજય મેળવે છે. મંજરી હેમચંદ્રાચાર્ય જેવાને યે ગુણ ગૌરવથી નમાવી શકી છે. મંડનમિશ્રની સાધ્વી પત્ની સરસ્વતી આપણને આ મંજરી સાથે ખસુસ કરીને યાદ આવે છે. લાટમાં એ સુખી છે. એનો સંસાર ફળ્યો છે. હવે તો મહાશ્વેતા ને વૌસરીની એ પ્રેમલ ને ગર્વિલી માતા બની છે. લાટે બળવો કર્યો. મંજરી બાળકો અને માણસો સાથે ભૃગુપુરના ગઢમાં પતિની વાટ જોતાં જોતાં ભૂખે મરવા માંડી. આ સમયમાં એનાં હૃદય મંથનો ફરી ફરી યાદ કરવા જેવાં છે – મનન કરવા જેવાં છે. કોણ પ્રિયતર? પતિ કે બાળકો? આ કોયડો એનું હૃદય ઊકેલવા મથી રહ્યું છે. પ્રેમાનંદે વનમાં જતી દમયંતી પાસે બે બાળકો દુ:ખી દિલે તજાવ્યાં છે; ત્યારે શ્રી મુનશીએ મંજરી પાસે મરવા જતા પહેલાં બે બાળકો તજાવ્યાં છે. કરુણરસનો અવધિ અહીં રેલાઈ રહ્યો છે! પતિ વિહોણી, બાલ વિહોણી, નાથ નામની જપમાળા જપતી જપતી મંજરી સંનેપાતે ચઢી છે. મરણ ઘડી સુધી એણે એના પતિની આબરુને આબાદ સાચવી છે. મોડો, ઘણો મોડો છતાં આખરે એનો સૌભાગ્યપતિ આવ્યો, “નાથ!” કહેતી એ પત્ની એને મંજરી-સૂના જગતમાં હડસેલી સ્વર્ગમાં ચાલી ગઈ! મૃત્યુ પછી પત્નીને સ્મશાન યાત્રાએ લઈ જતાં જતાં પણ એના પતિને તો લઢવાનું છે. એક ચેહ ભગુકચ્છના વિશાળ દશાશ્વમેઘના ઓવારે ભડભડ બળી રહી છે. પવિત્ર નર્મદા નદી પોતાનામાં પ્રતિબિંબ દ્વારા કુમળી છતાં સખ્ત, મનોહર છતાં મોંઘી, પવિત્ર માટીની ને ઉન્નત આત્માની મંજરીને પોતાના ઉરમાં સમાવી રહી છે. મંજરીના અકાળ મરણ માટે આપણને પૂર્ણ ને ગાઢ શોક થાય છે. આપણે એને સહજ આંસુની અંજલી આપીએ છીએ. એને ભૂલાય કેમ? મંજરીનું સ્ત્રી પાત્ર વિરલ છે. ગુજરાતી સ્ત્રી જાતિને જોઈ વળો – ભૂતની ને વર્તમાનની. આના જેવી બીજી કોઈ મંજરી આપણને લાધશે? મુનશીની આ વિરલ માનસ પુત્રી અને સ્ત્રીરત્નને માનનો અર્ધ્ય દરેક વાંચકના હૃદયથી આપમેળે અપાઈ જાય છે. |
[પાછળ] [ટોચ] |