[પાછળ] 
મૉનજી રૂદર-૧
લેખકઃ સ્વામી આનંદ

ગુજરાતની માથાભારે કોમો બે. પાટીદાર અને અનાવલા. પહેલો પટેલ, ગામેતી, ઘૂંટેલો મુત્સદ્દી; બીજો ભદ્ર. બેવ જમીનમાલિક. ધારાળાં-દૂબળાંને રોળવી ખાઈ પોતાની એંટ ઈજતમાં ખુવાર થનારા. બળે પણ વટ ન મૂકે. 

પાટીદારનું લોહી ખેડૂતનું. ચરોતરનો પાટીદાર પશુપાલનમાં એક્કો. જમીન જોડે અનહદ અનુરાગ. શેઢાના મહુડાની, કે મહુડાની ડાળીની માલિકી માટેય ધારિયાં ઉછાળે, માથું વાઢે, દેવતા મૂકે. ખંધો અને કાતિલ. 

અનાવલા સુરત જિલ્લામાં. તાપીથી વાપી સુધી. વધુ ચોક્કસપણે કહેવું હોય તો તાપી ઉત્તરકાંઠાના વરિયાવથી દમણગંગા દક્ષિણકાંઠા નજીકના વલવાડા સુધી. તેવાજ શિરજોર ને શેખીખોર. એમનોય ધંધો ખેતીવાડી. પણ નરા ધણિયામા. ખેતીવાડી ને ખજૂરાંઘાસિયાંમાં દૂબળાં ધોળિયાંને રોળવે. જાતે ઘોડીડમણી, ફેરોફટકો કે સાંજ પડ્યે દૂબળાંને ભાતાં (દૂબળાં ખેતમજૂરોને રોજ મજૂરી તરીકે ભરી અપાતી ટિપરી પવાલું જાડી ડાંગર કે નાગલી કોદરા) ભરી આપવા ઉપરાંત ખેતીમાં ભાગ્યે કદી બાવડું વીંઝે.

ચરોતરના પાટીદાર લેવા-પાતશા. બીજા બધા કણબી. તેમાંય એમનાં છ ગામ શિરમૉડ. કુળવાનોનો ગઢ. તેટલાં ગામમાં જ દીકરી દેવાય. આવા કુળની એક ગુરુકુળ ભણેલી સંસ્કારી કન્યા છ ગામ બહારના જુવાન જોડે ધરાર પરણી. મોસાળિયાંવે, બલ્કે સગી માયે પણ, પચ્ચીસ વરસ દીકરીનું મોં ન જોયું!

અનાવલા ચાહે તેવા તોય ભ્રામણનું લોહી. નાહવું-ધોવું, ટીલાં-ટપકાં, પોથીપુરાણના સંસ્કાર. બુદ્ધિ જાડી, છતાં વિદ્વાનમાં ખપવા મથે. ગામ છોડે તે નોકરીઓ કરે. બી.બી.ટાપ્ટી રેલવેમાં એક કાળે તારમાસ્તરની નોકરીઓ એમની મૉનોપૉલી હતી.

કુળની એંટ એવી જ. સુરત બાજુના તેટલા દેસઈ; પારડી-વલસાડ બાજુનાને ભાઠેલા કહે. પાર(નદી)ની પેલીમેર દીકરી ન દે. વાંકડાની દોલત પર જીવવામાં નાનમ નહિ. બલ્કે વધુમાં વધુ વાંકડો ઓકાવવામાં ખાનદાની સમજે! વેવાઈ-વાંકડાની વાટાઘાટો, ઘારી-દૂધપાકનાં જમણ, કે પોંક-ઊંધિયાંની મિજલસોમાંથી કદી પરવાર નહિ. નનામી અરજીઓ કરવાના વ્યસની, બાખાબોલા ને આખા.

ચડાઉ ધનેડું. જીભ બારેવાટ; સાંકળ મિજાગરું કશું ન મળે. પિતરાઈ-પડોશીની ખેધે પડ્યો મેલે નહિ.

ઉમરસાડી પારનું ગામ. અનાવલાનો ગઢ. પારડીથી આથમણે ચાર માઈલ દરિયાકાંઠો. પાર(નદી)ની પેલી પારનું, એટલે દેસઈને દફતરે નહિ. પણ દરજ્જે દુય્યમ છતાં ‘વાછરડાંના ટોળામાં હરેડી ગાય શિરજોર’ તેમ અહીંના પરગણા આખામાં માથાભારે તરીકે નામચીન.

ઊંચા ટેકરા,   નીચી ખાડી
અકૂણું ગામ તે ઉમ્મરસાડી!
આવા ગામમાં કૌરવકુળમાં ભક્ત વિદુરજી સમા મૉનજી રૂદરજી નાયક ઊંચા શીલચરિત્રવાળા અનાવિલ ભ્રામણ. સનાતની રહેણી. નાનામોટા હરકોઈ જોડે બોલવેચાલવે. વાતવહેવારમાં રોમેરોમ ગૃહસ્થાઈના ગુણ. સજ્જનતા સામાને ભીંજવી મૂકે. કુટુંબ-વત્સલ તેવા જ કથાકીર્તનના અનુરાગી. પિતરાઈ નાતીલા ચોરેચૌટે કે પાડોશીને ઓટલે બેઠા ન્યાતજાત, વેવાઈ વાંકડા કે વરાનાં જમણની ચોવટ કરતા હોય, ત્યારે મૉનજી નાયક ભારત ભાગવતની કથા ગાગરિયા ભટના જોમઉમંગથી કરતા હોય. ઊંચું સંગીત, બુલંદ અવાજ, શ્રોતાઓને ડોલાવે.

ઘેર ખેતી, પણ જમીન જૂજ. જોડધંધો દૂધ-ઘીનો. ઘેર ભેંસો રાખે ને ઉદવાડે દૂધ ભરે. ઉપરાંત ગામડાં ફરી ઘી ભેળું કરે, તે વેચે. ખાડી ઓળંગીને દરિયાકાંઠાની વાટે ઉદવાડું ત્રણ માઈલ. પારસી લોકની કાશી. વસ્તી ધર્મપરાયણ ને આચારચુસ્ત. મૉનજી નાયકનો નેક વહેવાર અને ઈમાનદારી પણ એવાં અણિશુદ્ધ, કે વસ્તી આખી આફરીન. નાનાંમોટાં બાળકબૂઢાં સૌને ગળા લગીનો વિશ્વાસ. ઘરાકીને ઓટ નહિ. મહેનતનો રોટલો. ગરીબીનો ગૃહસ્થાશ્રમ.

ઘરની બાઈ ગામની દીકરી. તાતી ગજવેલ ને તળપદું ખમીર. ભલા ભૂપને હડપચી ઝાલીને ધુણાવે. કોઈથી ગાંજી ન જાય. ભાવતી ભોંની વેલ. જણ્યાં તેટલાં જોગવ્યાં. કાળી મહેનત ને કારમી વિપદવાળા અરધી સદી લાંબા ગૃહસ્થાશ્રમમાં પડ્યું વાસણ કદી ખખડવા ન દીધું. પતિ પોયરાંનું પાવરહાઉસ થઈને જીવી; ને પંચાશી ઉંમરે ૧૧ ફરજંદ ને ૧૧૦ પોતરાં-દોતરાંની લીલી નાઘેર મેલીને મૂઈ! વસ્તાર એને બધો જી કહેતો; ને બાપને જીજા.મૉનજી નાયક મૂળે શિવમાર્ગી; ને સનાતની રહેણીના, એટલે દીકરીઓ अष्टवर्षाને કાયદે પરણાવેલી. એવી એક અંબા પાંચમે વરસે પરણાવેલી ને સાત વરસે દુખાણી. વરસ વહ્યાં ને મોટી થઈ. વત્સલ પિતાથી દીકરીનું દુખ દેખ્યું જાય નહિ.

એ જ અરસામાં ઋશિ દયાનંદના અનુરાગી બન્યા. કથાભાગવત કાયમ રહ્યાં; પણ શિક્ષણ, સમાજસુધાર, સ્ત્રી-સન્માન, વગેરેનો ઝોક સક્રિય બન્યો, ઘરમાં જરાતરા વાત કીધી ન કીધી, ને ચીખલીનો એક યોગ્ય નાતીલો જોઈને દીકરી પરણાવી દીધી!

ગામ વકાસી રહ્યું. અનાવલા ન્યાત બધી તળે ઉપર. જોતજોતામાં નાતીલાઓ તમામનો રોશ હૂહૂકાર કરીને ભભૂકી ઊઠ્યો!

ન્યાત મળી. તેડાગર ગયો. આરોપીને નાતપંચ સમક્ષ ઊભો કરવામાં આવ્યો, પ્રમુખે ચાર્જશીટ સંભળાવ્યું. આરોપી મૌન.

તે કાળે ગામડાં હજુ ઓગણીસમી સદીની બહાર નીકળ્યાં નહોતાં. ત્યારની ઉજળિયાત કોમો એટલે પીંઢારા લૂંટારા બહારવટિયાની ધાકે ઘરમાં ઘર ને તેમાં ઘર કરી એકબીજાની કોટે બાઝીને ભોંયરે કોઢારે વસાવનારા, અને પોતાની પંચકોશી દસકોશીની પેલીમેરની દુનિયાને ‘પરદેશ’ ગણી આંખે અંધારી ચડાવીને જીવનારા ઘરઘુસિયા લોકોનાં સંગઠન. ન્યાતજાતોનાં પંચ એનો જ નમૂનો.

બપોર આખી મૉનજી નાયકને માથે માછલાં ધોવાયાં. બહુ ભીંસે ત્યારે આરોપીનો જવાબ એક જ વાક્યઃ

'મેં કર્યું તે સમજી વિચારીને કર્યું. પરમેશ્વરને માથે રાખીને કર્યું. ધર્મ ગણીને કર્યું. મને એનો પસ્તાવો નથી.'

સભામાં સોપો પડી ગયો. પંચ ખસિયાણું.

પછી ચાલી રનિંગ કૉમેન્ટરીઃ

'હાય, હાય! હડહડતો કળજુગ જ આવ્યો કે બીજું કાંય? આમ જુઓ તો પોથી પારાયણ, ભારતભાગવત, મોટો ધર્માત્મા. પણ એને જ ઊઠીને નિયાતનું નાક કાપ્યું! અનાવિલની નિયાતને કોળીદૂબળાંની હરોળમાં મૂકી જો!'

ન્યાત પટેલે (પ્રમુખ) પંચ જોડે ઘડી વાર ગુસપુસ કરી પંચનો ફેંસલો સંભળાવ્યોઃ

'મૉનજી નાયક નિયાત બહાર. એની જોડે જે કોઈ કશો વહેવાર કરે, બોલેચાલે, તેનો ૨૦૦ રૂ. દંડ!'

વળતી સવારથી જ અમલ ચાલુ થયો. સગુંવહાલું, નાતીલું, સૌ ન્યાતના ફરમાન આગળ અલ્લાની ગાય.ન્યાતની ખફગી નાગફણિયા થોરની જેમ તાબડતોડ વાગી. ઘરની પોરી પાડોશી નાતીલાને ઘેર કશુંક પૂછવા ગઈઃ

‘વજી! તારે ઘેર જતી રે'. આંય નો આવતાં. તારી જીને કે'જે ઇચ્છીના ઘરનાં ના કે'તા છે!’

જીને ચાટી ગઈ. મન કરે, પાધરી જ પેલા નિયાત-પટેલિયાને ઘેર જાઉં, અને એની સાત પેઢી લગીની વહી વાંચી આવું.

પણ જીજાનું મોં જોયું ને ગમ ખાઈ ગઈ.

જરા વાર થઈ, ને નાતીલાવનું ટોળું આવ્યુંઃ

‘પોરીને બહાર આણો.’

‘સાસરે ગઈ.’

‘નાતરે ગઈ!’

‘તિયાંથી લાવી મંગાવો. બાલ લેવડાવો.’

ટોળું મૉનજી પર હુમલો કરવાને ઇરાદે આવેલું. પણ ભીખીબાઈ વાઘણની જેમ કૂદીને બહાર આવી. ધણીની આડે ઊભી રહી, ભાઠેલાવને પડકાર્યાઃ

‘કોણ મારી પોરીને લાવવા કે'તું છે? તું કિયાંનો બાદશા હાકેમ ગવંડર આવેલો જોઉં, મારી પોરીની પંચાત કરવાવાળો? મારી પોરીની મુખ્તાર હું ને તીનો બાપ. તું કોણ થતો છે?’

ટોળું વધુ કશું કર્યે વીખરાઈ ગયું.

‘આ નાતીલાવ પૂઠે પઈડા છે, ને તમે કાં કાંય ની બોલતા?’

‘એમ ઊકળ્યે કેમ પાલવશે, વજીની જી? આ તો હજી પહેલી પૂણી છે. હજુ તો આ જ આંખે આભના તારા ભાળવા પડવાના છે. ગામભાગોળે જ પગ થાકશે, તો પૂરો પંથ કે'ણી મે'તે કપાવાનો?’

કહીને ગાવા લાગ્યાઃ
મહા કશ્ટ પામ્યા વિના કૃષ્ણ કોણે મળ્યા
ચારે જુગના જુઓ સાધુ શોધી;
વહાલ વૈશ્ણવ વિશે વિરલાને હોય બહુ
પીડનારા જ ભક્તિવિરોધી.
*
હરિજન હેતેં મળશે,
ઓલ્યા દુરિજન દુખડાં દેશે જી!
 [પાછળ]     [ટોચ]