[પાછળ] 
મૉનજી રૂદર-૨
લેખકઃ સ્વામી આનંદ



મૉનજી નાયક અને ગામની અનાવલા ન્યાત વચ્ચે, બલ્કે વિશેશે ભીખીબાઈ અને નાતીલાઓ વચ્ચે, આવી મડાગાંઠ પડી ગઈ! અને બેઉ કેમ જાણે એક છોડ્યું ન છૂટે ને તોડ્યું ન તૂટે એવું અવિભાજ્ય જોડકું બની ગયાં! ગજગ્રાહનો અંત ભળાય નહિ.

મૉનજીનાં છોકરાં ગામની નિશાળે ભણે. માસ્તર ગામનો. ગામ વચ્ચે લોકોને બારણે થઈને જતાં નાતીલાં મેણાંટોણાં તરેહવારના બોલ સંભળાવે તે આકરું લાગે, તેથી છોકરાં આડરસ્તે ખેતરમાં થઈને જાય. નાતીલાવે જવાની વાટે વાડ ભરાવી છોકરાંનો રસ્તો બંધ કર્યો.

ભીખીબાઈને ધારિયું ઉઠાવ્યું ને ગઈ. વાડ કાપતી જાય ને નાતીલાવને સંભળાવતી જાયઃ

'આવો પાઘડીબળ્યાવ. આવો મોકાણિયાવ. આવો મને અટકાવવા જેની માએ સૂંઠ ખાધી હોય તે. જોઉં કોણ અટકાવે છે મારાં પોયરાંવને નિહાળે જતાં.'

નાતનું લોક ઘરમાં પેસી ગિયું!

સાંજે નાતપટેલે નિશાળના માસ્તરને બોલાવી મંગાવ્યો.

'મૉનજીનાં પોયરાં નિહાળે આવતાં છે કે?'

'હોવે.'

'મૉનજીને નિયાત બહાર કીધેલો છે. એનાં પોયરાંની નિહાળ બંધ કરો.'

'મારાથી કેમ થાય? સરકારી નિશાળ છે. મને તેવો અખત્યાર ની મલે.'

'ઉપરી અમલદારને લખાણ કરો. લખો, ‘ગામ આખાની વિરોધ જઈને છોકરાંને ન ભણાવી સકું. મૉનજીનાં પોયરાંવને બંધ કરવાની મંજૂરી આપો.’

‘એવું લખાણ ઓ મારાથી ની થાય. મને ઠપકો મલે.’ નાતીલા વિમાસણમાં પડ્યા.

‘વારું. હું કૅ'વ તેમ કરો. મૉનજીનાં પોયરાં આવે તીને જુદે બેહાડો. બધાં જોડે નહિ. અમારાં પોયરાંવની સોડે તીનાં ની બેસી સકે. પડી કે હમઝ?’

‘વરી, તીનાં પોયરાંવને ક્લાસમાં એક ખૂણે દીવાલ ભણી મોં કરાવીને બેહાડવાં. એવાં એ અમારાં પોયરાંવ ભણી જોઈ ન સકે તે રીતે.’

‘ને ભણાવવાં તો નંઈ જ. પડી કે હમઝ? બસ, નિહાળ છૂટતાં લગી બેહાડી જ મૂકવાં. ભણે એની મૅતે માંહોમાંહ પાટી પર, ભણવું હોય તે.’

માસ્તર ચૂપ.

માસ્તર ગામનો. પેલાઓની સામે થવાની હિમ્મત ન મળે. ભણાવવું બંધ કર્યું. ન ભણાવે, ન સવાલ પૂછે. મહેતી બહારગામની. તે તેટલી ક્યારેક ભણાવે.



છોકરાં નિશાળે જાય, પણ ઘેર આવીને રોજ રડે. ‘માસ્તર અમુંને ખૂણે બેહાડતાં છે. ક્લાસમાં બીજાં જોડે બેહવા ની દે. અમારી જોડે કોઈ બોલતું ની મલે. માસ્તર ભણાવે ઓ ની. કૅ'શે, કોરે બેહો, ને માંહોમાંય ભણો. પૂછવા જાયેં તિયારે ઓ જવાબ ની દે.’

આ નિશાળવાળા કિસ્સાએ ભીખીબાઈને તથા મૉનજી નાયકને વ્યાકૂળ કરી મૂક્યાં. મૉનજીની વત્સલા એવી તો ઉત્કટ, કે ત્રણ દિવસ ભાગ્યે બેમાંથી એકે કોળિયો અન્ન ખાધું. ઘરમાં બાળકો નિમાણાં ફરે. રમવા ભણવા ક્યાંયે જવાવાટ ન મળે!

માણસ ઉપર આગ વીજળી જળરેલ કે ધરતીકંપના અકસ્માતોની આસમાની ગુજરે. રાજા બાદશાહોની સુલતાની હેઠળ હાથીના પગ તળે છૂંદાવું પડે. એમાં તો એક આંચકે મરી પરવારવાનું. પણ જૂનાં ન્યાતબંધારણો ના જાલિમ દોર હેઠળ માણસોને પ્રાણથી અદકાં બાળક બૈરાં સહિત જે કારમાં અપમાન નામોશી હેઠળ રાતદિવસ રિબાવું પડતું, તેની વેદના તો જેને વીતી હોય તે જ જાણે.

વખત જતે ડિપોટી નિશાળ તપાસવા આવ્યો. તેની આગળ જીએ ફરિયાદ કરી. ડિપોટીએ માસ્તરને ધમકાવ્યોઃ

‘તમે સરકારી પગાર ખાઓ છો. ઢેડાં દૂબળાં ગમે તે આવે તમારે ભણાવવાં પડશે.’

નાતીલાઓના હાથ હેઠા પડ્યા.

હવે નાતીલા પૂરા ભઠ્યા. એમના રોશે માઝા મૂકી. ગામના નાવીને બોલાવ્યોઃ

‘મૉનજીની હજામત ની કરવાની. નિયાતની હાંમ્ભે પડેલો. નિયાતે કાપી મૂકેલો છે. ખબરદાર! એણી ગમ ગિયો તો.’

મૉનજીની દાઢી વધી. તે કાળે હાથે હજામતનો ચાલ હજુન પડ્યો નહોતો. મૂછ પણ જેનો બાપ મરી જાય તે જ બોડાવે. તે સિવાય મોટી નામોશી લેખાતી.

નાતીલાવના આ છેલ્લા પગલે મૉનજીને ઊંડો ઉદ્વેગ ઉપજાવ્યો. વિશાદથી અંતર છવાઈ ગયું. મૉનજી કરતાંય બાઈનું વધુ. ઘરનાં છોકરાં પણ સૂતકના ઓળા ઊતર્યા હોય, ઘરમાં કોઈ માંદુ મરણપથારીએ હોય, કંઈક બહુજ અશુભ થયું કે થવાનું હોય, તેમ મૂંગા નિમાણાં ફરે.

મૉનજીને ઉદવાદા, પારડી, તેમ જ ગામડામાં સગવડ હતી જ પણ પોતાના ગામનો નાવી ન કરે, ને બીજે જઈને ક્ષૌર કરાવવું પડે એ કલ્પના જ એવી અસહ્ય હતી કે થોડા દિવસ ડૂમો હૈયામાં ને હૈયામાં ગોપવ્યે રાખ્યા પછી એક દિવસ બંધ તૂટ્યા જ; અને બાઈ પોયરાંની હાજરીમાં પાડોશીના ઘર લગી સંભળાય તેમ પોકે પોકે રડ્યા!

હદ આવી ગઈ હતી.



ગુરુદેવ ટાગોરે કે એવા જ કોઈ મનીશીએ ક્યાંક એવી મતલબનું લખ્યું છે કે માનવીની માનવતાની ગરિમા ઉપર જ્યારે ઉપરાઉપરી વસમા આઘાત થાય. એના જીવનનું હીર-ખમીર તમામ હૈયાબળ જ્યારે ખવાઈચવાઈ જવા કરે, એનો અંતરાત્મા ડઘાઈ કચડાઈ દુણાઈ ભૂંજાઈ જતો હોય, કુળ કિનારા, આભધરતી બધું એકાકાર થઈ ગયેલું ભળાય, ત્યારે આત્મતત્ત્વના ગંભીર ઊંડાણોમાં સૂતેલો માનવાત્મા ઉધડકીને ઊઠે છે; અને પોતાનું તમામ બળ 'એકજોર' કરીને એના દેહ આત્માને ગ્રસી જવા કરતી ઘોર વિપદ સામે મંડાય છે. એનું તમામ તેજ ઓજ અને ગૌરવ એકટીપે આવીને મરણિયો મોરચો લડી કાઢવા ધસે છે. અને અંતે શત્રુદળને જેર કરી, તમામ વિપદની સાડાસાતીને પગતળે છૂંદી, મહામહિમામય એવો માનવ છ ફૂટ ઊંચો ઊભો રહે છે! આવા મહામાનવ તરીકે જનમવાની ઝંખના દેવો પણ સદાય સેવતા હોય છે એવું શાસ્ત્રપુરાણોયે ગાયું.

વહેલી સવારે ઊઠીને ભીખીબાઈએ ઝટપટ ઘરકામ, વાસીદાંવલોણાં, છાણગોઠાથી પરવારી લીધું. છોકરાંઓને પેજ પિવડાવી ન્યાહરી કરાવી નિશાળે ભેજી દઈ જાણે કશું પ્રયોજન ઉદ્ભવ્યું હોય એમ તૈયાર થઈ ગયાં. સવારનો પહોર. છાપરાં આંગણાં ઓટલાઓ પર ગામમાં બધે શિયાળાના સૂરજનું કુમળું તડકું આવી ચૂક્યું હતું. ઊઠી દાતણપાણી કરવા ઓટલે બેઠેલા ઘરડેરાઓને રસ્તે જતું આવતું લોક ‘છૉ ભલા, છૈયેં ભલા’ કરતું હતું.

ભીખીબાઈએ બારણા બહાર આવીને આડોશીપાડોશી સૌ સાંભળે તેમ મોટેથી કહ્યુંઃ

‘આણીગમ બહાર આવો તો ઓટલા પર, વજીના જીજા! આ નાવી આવેલા છે. હજામત કરાવી લેવ.’

પાડોશીઓએ કાન માંડ્યા. ઓટલે બેઠા દાતણ કરવાવાળાઓએ આંખો વકાસી જોવા માંડ્યું. ‘મૉનજીની હજામત કરવા નાવી આઈવો સું? દેખાતો કાં ની મલે? બારણે તો ભીખી એખલી ઊભેલી છે. કેથે ઊભો રાઈખો ઑહે.’

મૉનજી નાયક બહાર આવ્યા.

‘કાંય કૅ'તી છે?’

‘બેહો. હજામત કરાવવી છે ને?’

‘નાવી કિયાં છે? તેં કૅ'યું, નાવી આવેલો જે?’

‘હું પોત્તે કેવી ઊભેલી છૅ'વ જે. હું જાતે તમારી દાઢી બોડા.’

‘કેવી વાત કરતી છે?’

‘ખાસ્સી. લાખ રૂપિયાની. સુનામહોર જેવી!’

‘કાંય લાજસરમ?’

‘લાજસરમ નાતીલાવને. ભાઠલા ફાટ્ટીમૂવાવને. મને કાંયની સરમ? કોઈ પરાયાની તો નથી બોડતી ને? નિયાતજાત ગામપરગામનાં પાંચહેં મનેખ વચ્ચે ઢોલતાસાં વગડાવીને મારા બાપે હાથ પકડાવ્યો છે. પારા પોત્તિકા માંટીની દાઢી બોડવાની મને કાંયની સરમ? કોય વાતે ઘરમાં ની જવા દઉં. આંય ઓટલે બેહાડીને જ તમારી દાઢી બોડા. આ બધું તિયાર રાખેલું જે. બેહો.’



હાથ પકડી જોરથી બેસાડ્યા. ને સાબુપાણી લઈ દાઢી ભીંજવવા માંડી. ચોળતી જાય અને મોઢેથી વાગ્બાણો વરસાવતી જાય. એના હૈયામાં આજે ધગધગતો સીસારસ રેડાયો હતો!

‘મૂઆ લખ્ખોદિયા નાતીલાવ ખેધે પડેલા છે. બધા ગામ પર શિરજોરી ચલાવી રહ્યા છે. નાવી, દૂબળા, માંગેલા, ગામ બધાને આંતરી મેલેલું. મોંકાણિયાવે દુઃખના ઝાડ ઉગાઇડાં. જાણે આવહે ભીખલી ને તિનો મરદ બેવ નાક ઘહતાં. વાટ જોયા કરજો. મોંબળ્યાંવ. ભીખલી રેહે ઊંચે માથે ગામ વચ્ચે તમું સઉવેનાં નાક પર ટીચીને.’

(જતાંઆવતાં ગામલોકને) ‘જાવ, જઈને કૅ'વ પેલા નાતપટેલિયા લખ્ખોદિયાને. ફાટ્ટીમૂવો, જીવતાંનો જાનૈયો ને મૂવાંનો ખાંધિયો, હમ્મેસનો. તિને જઈને કો' કે ભીખલી એનાં માટી-પોયરાંવને લઈને તારી છાતી પર રૅ'હે રૅ'હે ને રૅ'હે. મૂઓ નિયાત આખીને કઠોડે ચડાવતો છે. "પોરીના બાલ લેવડાવો" એમ તેં જ નિયાતને કૅ'યલું? કે બીજા કોયેં? મારી પોરીની હું મુખત્યાર. ફાવે તિયાં દઉં. તીમાં તું કોણ થતો છે વચમાં આવનારો, ને હુકમ દેનારો?’

‘કાંયે નો ચાઈલું તિયારે કૅ’, "તિના ઘરનો નાવી બંધ કરાવું." ગામના નાવીને દમ દઈને બંધ કરાઈવો. કાંય મને તો બંધ કરાવવાની છાતી ની મલે ને? તીને કૅ'યેં આવ હવે, મારા માંટીની દાઢી બોડતી મને બંધ કરવા! ભાઠલા ફાટ્ટીમૂવા બધા તિની હામાં હા ભણીને અમારી પૂઠે પઈડા છે!'

વળી કહેઃ ‘મારા માટીની કાંય?- આજે આંય ઓટલે બેહીને નિયાત બધીની ઈજત બોડવી છેંવ! આવો, અટકાવો મને, જિની છાતી હોય તે!’

પડોશનું લોક સૌ ડઘાઈ ગયું. ઓટલે બેઠેલા મરદ મુછાળા ઘરમાં ભરાઈ ગયા! રસ્તે જતુંઆવતું લોક અટકીને લગાર તાકી રહે, ને પછી ચાલ્યું જાય. ગામ બધામાં કળાહોળઃ

‘ભીખીબાઈ મૉનજીને ઓટલે બેહાડીને તિની દાઢી બોડતી છે! કાળકા ભવાનીનો અવતાર છે જો! તિણે ગામના ભાઠલાવ બધાનું નાક ચાર આંગળ ભરીને કાપી લીધું!’

દાઢી બોડી, કાચમાં મોઢું દેખાડીને જ ઘરમાં ગઈ!

પછી તો ઘણી વાર બોડેલી. થોડા મહિના પછી ગામનો નાવી પોતે જ હિમ્મત કરીને આવવા લાગ્યો, અને ભાઠલાવે શરમના માર્યા એને અટકાવ્યો ધમકાવ્યો નહિ.



શરુમાં ત્યારની પ્રથા મુજબ દીકરાદીકરીનાં બાળલગ્નો કરેલાં. પણ આર્યસમાજના સંપર્ક પછી સમાજસુધાર અને સ્ત્રી-શિક્ષણના આગ્રહી બન્યા. પછીની દીકરીઓ બધીને સિનિયર ટ્રેન્ડ શિક્ષિકાઓ સુધીનું શિક્ષણ આપી મહેતીઓ કરીને જ મોટી ઉંમરે પરણાવી. એટલે સુધી કે એક કાળે આખા પંથકમાં જ્યાં જાઓ ત્યાં મૉનજી કુટુંબની બહેન દીકરીઓ જ શિક્ષિકાઓ તરીકે જોવા મળતી!

દીકરાઓ માટે પણ વાડાબંધી તોડીને મળી ત્યાંથી કન્યાઓ લીધી. લક્ષ્મીબહેનના લગનમાં નાતીલા આવે નહીં, એટલે કોળી કણબી સૌને નોતર્યાં. પ્રેમીબહેનનાં લગન અવસરે નાતજાતના આંતરા વગર અનાવલા, ઉજળિયાત, પારસી, દખણી, ધોડિયા, દૂબળા, વારણિયા (ઢોલી) તમામ ઇશ્ટમિત્રોને એક પંગતે બેસાડીને જમાડેલા!

દીકરી દેવામાં કહેવાતા કુળવાનોને પોતે થઈને જ ટાળે. કહેશે, 'કટાયેલા વાસણમાં મારે છોકરીને નથી નાખવી.'

વત્સલતા એવી ગાઢ કે ઘરમાં સાત દીકરીનો ઘાઘરિયો વસ્તાર, તોય એ ટાંડામાંની એક જમના મૂઈ તેનોય વરસ દિવસ સોગ પાળ્યો. લોક ટીકા કરે, ‘આવડી સેના ઘરમાં બેઠી છે તોય એક મૂઈ તેનો સોગ? તેમાં વળી એક પોરીનું પુનર્લગન કીધું. આટલી આ બધીને કોણ પરણશે?’

તો કહેશેઃ

'દીકરીનો બાપ હું. તમને કાંયનો ભાર લાગે? રાંડીને લેનારો નીકળ્યો, તો કુંવારીને લેનારો નહિ નીકળે? ઘાસિયાં, ઘોડા ને પેટિયાં ચાકરનો ભાર વળી કેવો? ને પરણવા તો જે કાચું ખાતો ઓહે (રાંધનારી નહિ હોય) તે આપમેળે આવહે ને લઈ જહે. કોઈ ને કોઈ માઈનો જણ્યો તિને સારું રોજ મા'ધેવને લોટો પાણી રેડતો જ ઑહે.'

ભૂતપ્રેત વહેમના કટ્ટર વિરોધી. છોકરાંથી ‘બીક લાગે છે’ એમ એમની પાસે કહેવાય જ નહિ. કહેશે, ‘શેનાથી બિહાય છે? દેખડાવ.’ એટલી એક જ બાબતમાં ઉગ્ર બની જતા. ફટકારવાની હદ લગી જતા.

અનાવલાઓની શેખી અને નનામું લખવાની ટેવ, એ બે ટેવોને કોમની મોટી એબ અને ચરિત્રદોશ તરીકે ઓળખાવતા. લગનમરણના વરા વાંકડાના રિવાજો પર બહુ કશ્ટાતા. એ જ અનાવલાઓની પાયમાલીનો ઇતિહાસ છે એમ કહેતા. તમામ ભ્રામણ કોમની પડતી ઉપર તેવા જ અકળાતા.

છ છાંડ્યા ચાર રાંડ્યા ત્રણનું ન જાણ્યું નામ,
ટીલું તાણ્યું, ટપણું ખોસ્યું, ભ્રામણ તારું નામ!

આવા ભ્રામણને કોણ માને?

નાટક સિનેમા કદી ન જોતા. ફોટા પડાવવાનો બહુ અણગમો. ખાદી પહેરતા, ને ગાંધીજીને બહુ માનતા. એક વાર ગાંધીજી નવસારી કે એવે ક્યાંક પડોશમાં આવેલા, ત્યારે કુટુંબ આખાને લઈને ગાંધીજીના દર્શન કરવા ગયેલા.

૧૦

૧૯૩૭માં ૭૩ ઉંમરે કમળાના વ્યાધિમાં બે માસની માંદગી વેઠીને ગુજર્યા. મરણદિન અગાઉ ઘરબહાર પોતાના જિગરજાન આંબાવાડિયામાં પહેલપ્રથમ વાવેલા આંબા તળે ખાટલો નંખાવેલો. આંબાને સંબોધીને કહેતાઃ

'ઉંમર આખી કલ્પવૃક્ષ ગણીને તમને ઉધેર્યા છે. મારા વંશવેલાને પાલવજો.'

ઉદવાડાવાળા ગણપતરાવ દાક્તર આવે. તેમને પૂછેઃ 'નક્કી કહો. હવે કેટલા દિવસ રિયા?'

'આઠદસ.'

બરાબર એ જ પ્રમાણે સિધાવ્યા. મરવા આગમચ નાગરજી વગેરે ઘરનાં મોટેરાં ફરજંદને બોલાવ્યાં. કહેઃ

'આપણો વસ્તાર ખાંડીએ ગણાય એવડો. બધાં પહોંચે તાં લગણ રાખી નો મેલતાં. તરત ફેંસલો કરજો.'

મરણને દિવસે ગામમાં જ બીજા બે નાતીલાનાં મરણ થયાં. ત્રણેયની સ્મશાનયાત્રાઓ નીકળી, પણ મૉનજી નાયકને આંગણે નાતપરનાત ગામ બધું ઊમટ્યું. વસનજી ભગવાનજી ન્યાત પટેલ. જિંદગી આખી મૉનજીના શત્રુદળનો અગ્રણી. પણ આજે સૌ પહેલો પહોંચ્યો! કહે,

‘સિંહ ગયો, નર ગયો. ગામમાં એકલો એ જ ખરો ભડવીર હતો. ધંન એની ટેકને ને એના બિરુદને, ધંન એની જણનારીને!’

જાતેપોતે નનામી બાંધી, અને ખાંધ પણ આપી!

મસાણે મનખો માય નહિ.

૧૧

આ મહાપુરુષના દર્શન સમાગમનું ભાગ્ય તો મને ન લાધ્યું, પણ ૧૯૪૫માં મારા પરમસ્નેહી સ્વ. છોટુભાઈ દેસાઈએ એમની દીકરી આ જૂના બિહશ્કૃત કુટુંબમાં ભારે ખુશીપૂર્વક ચાહીચલવીને દીધી, ત્યારે હું આ કુટુંબના સમાગમમાં આવ્યો; અને ત્યારે જ પોતાની આખાઈ માટે નામચીન એવી અનાવલા કોમોમાં આવડું સૌજન્ય અને સંસ્કારિતા હોઈ શકે, એ મને જોવા મળ્યું.

મૉનજી નાયક તો ત્યારે દેવ થઈ ગયેલા. પણ જી હયાત. અને હું પારડી ઉદવાડા નજીક વાપી ગામમાં રહેતો. તેથી એકથી વધુ વેળા તેમનાં દર્શન કરવા ભાગ્યશાળી થયેલો. મોટું હાડ, ભારે શરીર, ઊઠતાં મુશ્કેલી પડતી. એમની ઉધેરેલી આંબાવાડીમાં દીકરાઓએ મકાનો કરેલાં ત્યાં રહેતાં.

આ અરસામાં એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી નાગરજીએ જીનાં છેલ્લાં દર્શન-સમાગમ અર્થે કુટુંબમેળો ગોઠવ્યો, અને બહુ પ્રેમપૂર્વક મને પણ સૌ સાથે અઠવાડિયું રહેવા નોતર્યો. હું ખુશી-ખુશી ગયો, અને ચારપાંચ દિવસ રોકાયો.

પૃથ્વીના પેટાળમાં હીરા પાકે ને દરિયાની છીપે સાચાં મોતી પાકે, તેમ દુઃખ ઉદ્વેગ અને વિપદોની ઝડી હેઠળ જ સાચી માણસાઈ અને સજ્જનતાની કુમાશ કઈ રીતે પાકે છે, એનું સચોટ દર્શન આ કુટુંબમેળા દરમ્યાન મને થયું. એ પુણ્યપર્વની સ્મૃતિ રૂપે, તે વખતે કરેલી નોંધોને આધારે એ મહાનુભાવ દંપતીની વિભૂતિને ભક્તિભાવે આ અલ્પ અર્ધ્ય અર્પીને કૃતાર્થ થાઉં છું.

(૧૯૬૫)
 [પાછળ]     [ટોચ]