[પાછળ] 
મોતીલાલ દરજી
લેખકઃ વજુભાઈ દવે

ઢવાણ સિટીમાં હાલ મોતી ચોક નામનો એક ચોક છે એ નામ વઢવાણના રહેવાસી મોતીલાલ દરજી ઉપરથી પડ્યું છે. મોતીભાઈ એક અતિ સામાન્‍ય દરજી કુટુંબમાં જન્મેલા. ચાર ગુજરાતી સુધીનો એમનો અભ્યાસ. બાવાઓને ઘેર એકઠા કરવા, ભજનો ગાવાં અને મંડળીઓ જમાડવામાં આ ત્રીસ વર્ષનો યુવાન પોતાનું જીવન કૃતકૃત્ય થયું માનતો. આધ્યાત્મ વાંચન એ સીવવાના સમય પછી એનો મુખ્ય વ્યવસાય. નીચી દડીનો, સુકલકડી શરીરનો, અભણ જેવો એ દરજી, આ મોતીચોકની સામેની પોતાની નાનકડી હાટડીમાં સંચો ખટખટાવતો. એની હાટડીએ એક પણ એવી ક્ષણ ન જતી કે જ્યારે ત્યાં કોઈને કોઈ યુવાન ન હોય. તે હાટડી અનેક યુવાનોનું વિરામસ્થાન હતી. વિદ્યાર્થીઓ અહીંથી અનેક પ્રેરણાઓ મેળવી જતા. યુવાનો આદર્શો ઘડી જતા. સેવાભાવીઓને સેવાનાં નાનાં નાનાં કાર્યક્ષેત્રો જડતાં. ધંધા વિનાની વિધવાઓને ધંધા મળતા. ખુણે પડેલ કારીગરોને રોજગાર મળતો. આ બધી વાતો ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારત ખાતે પુનરાગમન થયું અને તેમણે દેશમાં લોકજાગૃતિનો જુવાળ ચેતાવી ગાંધીયુગ શરૂ કર્યો તે અગાઉની એટલે કે તા. ૯ જાન્યુઆરી, ૧૯૧૫ અગાઉની છે.

મોતીભાઈ સંચો ખટખટાવે અને કોઈને કોઈ ભગતજનના મુખેથી યોગવાસિષ્ટ રામાયણ કે ભાગવત સાંભળે. એના હાથ અને પગ પણ સંચા જેવા જ જડ બની ગયેલા. એની દુકાનના આંગણે ઉભા હોઈએ ત્યારે યોગવાસિષ્ટ વંચાતું હોય અને એ સાંભળતા હોય. સંચો ઘડઘડાટ ચાલ્યો જતો હોય, પગ ઝપાઝપ ચાલતા હોય, હાથ લુગડા પરથી સરેરાટ કરતો પસાર થતો હોય, ત્યારે પણ મોતીભાઇનું ચિત્ત તો શ્રવણમાંજ લાગેલું લાગે. શ્રવણમાં એ કેટલા એકાગ્ર થતા કે સંચો સંચાનું કામ કર્યે જતો, જ્યારે એનું મુખ ચર્ચામાં ઉતરતું, આંખના ભાવ ભક્તિમાં નીતરતા, કાન શ્રવણમાં મશગુલ રહેતા. વાચનનો એક પણ શબ્દ વિના સમજ્યે એ નહોતા જવા દેતા.

આમ યુવાનીનાં પાંચેક વર્ષ એણે ધાર્મિક વાચન-ચિંતનમાં ગાળ્યાં. એવામાં સ્ત્રીઓ અને બાળકો માટે એણે એક નાનુંશું પુસ્તકાલય પચીસેક પુસ્તકોથી શરૂ કર્યું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અહીંથી ચોપડીઓ વાંચવા લઈ જાય અને મોતીભાઈ તેમને ઇતર વાચનનો શોખ લગાડે. અમને પણ વાચનની સારી એવી ભૂખ. આ વખતે હું પાંચમી અંગ્રેજીમાં હોઈશ. એક વખત લટાર મારતો હું મોતીભાઈની દુકાને જઈ ચઢ્યો અને બે ચોપડી વાંચવા માગી, જે એમણે ઘણી હોંશથી આપી. આ અમારા પ્રથમ પરિચયનો દિવસ. અમારો સંબંધ દિવસો જતાં ગાઢો થયો. આ નાના પુસ્તકાલયને મોટું કરવાના મનોરથ ઘડ્યા અને તે પાર પણ પડ્યા. આ પુસ્તકાલય દ્વારા મોતીભાઈ અનેક યુવકોના પરિચયમાં આવ્યા, અને ઘણાંનું ઘડતર એના દ્વારા જ થયું એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.

દિવસો જતાં મોતીભાઈની દુકાન અમારો વાચનનો અખાડો બની. આ દુકાને બેસી હિંદ અને બ્રિટાનિયા, ગોખલેનું ચરિત્ર ભાગ-૧ એવાં પુસ્તકો અમે વાંચતા અને સ્વદેશસેવાની અનેક પ્રકારની ભાવનાઓ કેળવતા. આવા વાચન ઉપર જેમ જેમ અમે વિશેષ ચઢ્યા તેમ તેમ મોતીભાઈએ ધાર્મિક જીવન ઉપરાંત રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કર્યો; એમની એકાંગી ધાર્મિકતામાં રાષ્ટ્રીય તત્ત્વ ઉમેરાયું એમ કહું તો ચાલે. આજ સુધી એ એકલા ધાર્મિક વિચારોમાં જ પડ્યા રહેતા. હવે તેમના જીવનની અનેક નવી દિશાઓ ખૂલી. અમારું વાચન જેમ જેમ વધતું ગયું, તેમ તેમ એમને એક વસ્તુ સાલવા લાગી, કે આપણે આમ વાંચ્યા જ કરીએ તે ઠીક નથી. કાંઈક કર્તવ્યમાં મૂકીએ તો જ વાચન સાર્થક થયું ગણાય.

આ વિચારથી એમની સાથે સેવાનાં નાનાં નાનાં ક્ષેત્રો અમારા માટે ખુલ્લાં થયાં. દુકાનમાંના પુસ્તકાલય એકલાથી સંતોષ ન માનતાં અમે એક ફરતું પુસ્તકાલય શરૂ કર્યું. એમાં આઠ દશ સ્વયંસેવકો. દરેક જણ પાસે વીસ વીસ પુસ્તકો હોય. આ પુસ્તકો લઈ અમે ગામના વિવિધ લત્તામાં જઈએ, સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય શહેરીઓને વાચન તરફ દોરીએ. આ સમયમાં વઢવાણમાં વાચનનો એટલો બધો શોખ વધ્યો કે ન પૂછો વાત. અમારા દુકાનના પુસ્તકાલયમાંથી આ વર્ષોમાં દરરોજ ૧૦૦-૧૫૦ પુસ્તકો જતાં અને તે ઉપરાંત ફરતાં પુસ્તકાલયોનો ઉપયોગ થતો તે તો જુદો.

સાંજના પાંચ વાગ્યાના ટકોરા વાગે કે મોતીભાઈનો સંચો બંધ થાય. પાંચના ટકોરા પછી એક પણ ટાંકો એ મારતા નહિ. લુગડું જેટલું અધૂરું રહ્યું હોય તેટલું રાખીને જલદી દુકાન બંધ કરીને નદીની રેતમાં દોડતા. આ વખતની વાત છે, કે જ્યારે કાઠિયાવાડમાં અને તેમાં પણ ખુણે પડેલ વઢવાણમાં અખાડાનું નામ તે વખતે ચર્ચામાં નહિ આવેલ, એવે સમયે અખાડાના અનેક મનોરથ મોતીભાઈએ સેવ્યા. શરૂઆતમાં અમે પાંચ જણ. અમે હતા જુવાનો. મોતીભાઈની ઉંમર અમારાથી બમણી. સળેકડી જેવું શરીર, નાનપણથી દરજીનો બેઠાડું ધંધો કરેલો. કદી મેદાની રમત રમેલ નહિ કે રખડેલ નહિ; છતાં હોંશે હોંશે અમારી સાથે કુસ્તીમાં ઉતરે, દોડે, રમતો રમે. અખાડાના સમય દરમિયાન વાતો તો ચાલુ હોય જ. એમની એક જ ભાવના હતી અને તે આ યુવાન સૈન્યનું ઘડતર કરવાની. વખત જતાં પાંચમાંથી અમે પંદર થયા, પચીસ થયા અને પછી તો સાંજ પડ્યે નદીની રેતીમાં પોણોસો પોણોસો જુવાનિયાનું જૂથ જામતું.

આ અખાડા દ્વારા મોતીભાઈ જુવાનોમાં અનેક પ્રકારની ભાવનાઓ પ્રેરી શકયા. ઘણાંના અંગત મિત્ર બન્યા, કોઈના મુરબ્બી બન્યા તો કોઈના માર્ગદર્શક બન્યા, આમ જુદે જુદે પ્રકારે અને જુદા જુદા સંબંધે એ દરેકના સંબંધમાં આવી જતા અને સૌ એમના ઉચ્ચ ચારિત્રમાંથી કાંઈને કાંઈ લઈ જતા. જેમ જેમ અમે નિકટ આવતા ગયા, તેમ તેમ અમે ઘેર રહેવાનો સમય ઓછો કરી નાખ્યો. બે ટંક ઘેર ખાવા સિવાયનો અમારો બધો વખત અમે સૌ (પંદરની ટોળી) સાથે જ ગાળતા. પુસ્તકાલયનું મકાન તે અમારી જાણે કે બોર્ડિંગ હોય તેવું બની ગયું. મોતીભાઈની દુકાન જો કે જાહેર રસ્તા પર હતી છતાં એ અમારા અધ્યયનનો અખાડો બની. સ્વામી રામકૃષ્ણ, વિવેકાનંદ વગેરેના વાંચનમાં એ દુકાનમાં મને જે એકાગ્રતા મળતી તે હજુ જીવનમાં ક્યાંય નથી મળી.

મોતીભાઈ અમને રોજ સવારે ચાર વાગ્યે ઉઠાડે, વાંચવા બેસાડે. કલાકના વાચન પછી અમે ચાર માઈલ રોજ પ્રભાતે દોડીએ. ગમે તેવો શિયાળો હોય તો પણ નારદભાઈની વાવે ઠંડા પાણીમાં તરવાનું અને મોતીભાઈ તો કડકડતી ઠંડીમાં પણ કલાક સુધી પાણીમાં પડ્યા રહીને જ બહાર નીકળતા. ત્યાર પછી પ્રાર્થના અને પછી મોતીભાઈને ઘેર નાસ્તો. મોતીભાઈ જે ભાવનાથી પોતાના નાનાભાઈને ખવડાવે એ ભાવનાથી એ સમયે અમને નાસ્તો કે દૂધ આપતા. રોજ રાત્રે અમારું સમૂહવાંચન થતું અને જીવનની અનેક નવી દિશાઓ ખુલતી. મોતીભાઈ અમારા દરેકના ઘરની અને જીવનની મુશ્‍કેલીઓ જાણતા અને એમના બહોળા અનુભવની વાતો કરી હરેકની મુશ્કેલીઓનો ઉકેલ કરી દરેકને એક ડગલું આગળ લેવા મથતા.

ધીમે ધીમે મોતીભાઈની ભાવનાઓ વધી. તેમણે વિચાર્યું, કે આપણે તો સમાજના સેવકો થવું છે. માટે આપણને ભાષણ કરતાં આવડવાં જોઈએ. આપણે મોટી મોટી સભાઓમાં આપણા વિચારો આપવા પડશે, માટે આપણો અવાજ બુલંદ હોવો જોઈએ. આથી અમે એક ભાષણ કરનારું મંડળ શરૂ કર્યું. અમારા મંડળના સભ્યોમાં અમારી જ મંડળી. અનેક વિષયો અમે ઉથલાવી નાખ્યા. જે વિષય હાથ પર લઈએ તેનો અભ્યાસ કરી લાવવાનો હોય. આથી અભ્યાસ પણ વધ્યો અને વાચન બહોળું થયું. માત્ર એક શ્રોતા હોય તો પણ સમયસર અમારી સભાનું કામકાજ શરૂ થઈ જતું. પણ અમે આવી સભાઓથી સંતોષ ન પામ્યા. અમારે તો બુલંદ અવાજે ભાષણ કરતાં શીખવું જોઈએ એવી મોતીભાઈની માન્યતા.

મોતીભાઈ અમને સવારે પાંચ વાગ્યે નારદભાઈની વાવે લઈ વાવના મંડાણ ઉપર વક્તાને ઉભો રાખે. શ્રોતાઓ અમે ચપટીક હતા. જુદી જુદી દિશામાં દૂર દૂર ખૂબ દૂર-વક્તાનો અવાજ લાંબે પહોંચે ત્યાં સુધી દૂર અમને ઊભા રાખે અને વક્તા જાણે કે પંદર વીસ હજારની મેદની સમક્ષ ભાષણ કરતો હોય તેમ મોટેથી ભાષણ કરે. આવી રીતે ભાષણો કરવાનો સૌને ફરજિયાત વારો આવે અને ઇચ્છા ન હોય તો પણ મોતીભાઈ પરાણે ઉભા કરે. ના પાડીએ તો કહે, અરે મૂર્ખા, આમ શરમાઇશ તો કેમ ચાલશે? આપણે તો સાચે જ મોટી સભાઓ માટે તૈયાર થવાનું છે. કોઈ કોઈ વખત હસવું આવતું અને લાગતું, કે આ કયા રવાડે ચડ્યા છીએ અને મોતીભાઈ આ શા ખેલ રોજ કરાવે છે! પરંતુ એમણે પાડેલ ટેવ ભવિષ્યમાં કામ આવી ગઈ ત્યારે એની કિંમત જણાઈ.

મોતીભાઈ વઢવાણની બહાર ક્યારે પણ જાણીતા ન બન્યા. એમને પ્રસિદ્ધિનો મોહ પણ નહોતો. પણ એટલું કહેવું જોઈએ, કે એમને પોતાની શક્તિ અને અભિલાષા પ્રમાણે કાર્ય મળે, તેઓ પોતા માટે એવું કાર્યક્ષેત્ર પેદા કરી શકે, તે પહેલાં તેઓ ગુજરી ગયા હતા. જો એ વધુ જીવતા રહ્યા હોત તો ખરેખર ગુજરાતના સમર્થ કાર્યકર્તા નીવડ્યા હોત. ગાંધીજીએ ઈ.સ. ૧૯૨૧ની સાલ પછીથી જે જે રચનાત્મક વિચારો દેશને આપ્યા, તે દરેકેદરેક વિચાર જાણે કે મોતીભાઈને પહેલાં સૂઝી ગયો હતો તેમ લાગે છે અને એમના એ વિચારોનું સામ્ય જ્યારે બાપુજીના વિચારો સાથે જોઉં છું ત્યારે ઘડીભર એમ થઈ આવે છે, કે ખરેખર મોતીભાઈ એક મહાન પુરુષ હતા.

‘ઘેર ઘેર જો ગાય પળાય તો જ ઘી દૂધ ખવાય’ એ એક સુત્ર તેમને પોતાના મનનમાંથી જડ્યું હતું અને તેનો અમલ પણ તુર્ત જ કર્યો. કોઈ પણ વિચારોનો જાતે અમલ કર્યા પહેલાં તે બીજાને ઉપદેશ આપતા નહિ. કામધંધો બાજુ પર મૂકીને ઘેર ગાય ન બંધાય ત્યાં સુધી અન્ન હરામ કરીને એ ગાય ખરીદવા નીકળ્યા. ઉનાળાના ધોમ ધખતા દિવસોમાં ઉઘાડે માથે ને ઉઘાડે પગે ગામેગામ ફરી અને આઠમે દિવસે ઘેર ગાય બાંધીને જ એમણે અન્ન લીધું. પોતાની રહેવાની સાંકડી જગ્યામાં ગાયને પોતાના બાળક માફક જ રાખી.

એક શિયાળામાં પોષ માસની કડકડતી ઠંડીના દિવસોમાં ગાય માટે ઠંડીના રક્ષણાર્થે એમનાથી કાંઈ તૈયારી ન થઈ શકી. અનેક પ્રવૃત્તિના લીધે આ કામ રહી ગયું. ગાયને રાત્રે ઠંડીમાં ધ્રુજતી જોઈ મોતીભાઈએ એમનો પોતાનો ખાટલો ખુલ્લા મેદાનમાં ગાય પાસે જ નંખાવ્યો. ઓઢવાનું પાસે ન રાખ્યું. આમ જ્યાં સુધી ગાય માટે કોઢ તૈયાર ન થઈ ત્યાં સુધી એમણે પણ ગાયની સાથે જ ઠંડી સહન કરી. પોતાના ઢોર માટે એમને આટલી પ્રીતિ હતી. ઘેર ગાય બંધાઈ પછી જ તેમણે પોતાના સહવાસમાં જે જે આવે તેને ગાયના મહત્ત્વનો ઉપદેશ આપવા માંડ્યો. દરેક ઘેર ગાય હોવી જ જોઈએ, એવો આગ્રહ તેઓ સૌને કરતા.

એના મગજમાં આવેલ એક પણ સુવિચારને એણે અમલમાં ન મૂક્યો હોય એવું નથી બન્યું. એ વખતે ગાંધીયુગની રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ નહોતી. સામાન્ય શાળાઓથી બાળકોના જીવન રહેંસાય છે એની એને પ્રતીતિ થઈ ગઈ, ત્યારથી જ પોતાનાં બન્ને બાળકોને નિશાળે નહિ મોકલવાનો એમણે નિર્ણય કર્યો ત્યાર પછીથી એમનાં બાળકોને એ રોજ ઘેર શિક્ષણ આપતા. પોતાની સ્ત્રી નિરક્ષર છે એ વસ્તુ જ્યારથી એમને સાલવા લાગી ત્યારથી એમણે તેને પણ શિક્ષણ આપવાનું શરુ કર્યું. આ વખતે એમનો વ્યવસાય ઘણો વધી ગયો હતો છતાં જીવનની મિનિટે મિનિટનો હિસાબ રાખી એ એમની સ્ત્રીના શિક્ષણ માટે રોજ અડધો કલાક કાઢતા અને એક વર્ષમાં પોતાનાં ધર્મપત્નીને વાંચતાં પણ કરી દીધાં.

ઈ.સ. ૧૯૧૬થી હિંદભરમાં હોમરુલ આંદાલનનો સમય આવ્યો. સ્વદેશીનું વાતાવરણ ચોમેર ફેલાયું હતું. એની અસર વઢવાણમાં સૌથી પ્રથમ મોતીભાઈ ઉપર થઈ. સ્વદેશી માલની એક દુકાન કાઢવાનો એમણે વિચાર કર્યો, પણ અમે તો હતા વિદ્યાર્થી. અમારી પાસે એક પાઈ પણ નહિ. અમે તો માત્ર મહેનત કરીએ. સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવા થોડીક થાપણ રોકવી જોઈએ તે કોણ રોકે?

પોતાના દરજીકામના વ્યવસાયમાં મોતીભાઈએ જે કાંઈ રોકડ કરેલ, તેમાંથી પાંચસોકની થાપણ સ્વદેશી ભંડાર વસાવવામાં રોકવાનો એનો વિચાર જ્યારે અમને એણે દર્શાવ્યો ત્યારે અમારા આનંદનો પાર ન રહ્યો. સ્વદેશી કાગળો, પેન્સિલો, કાપડ વગેરેનો એક ભંડાર મોતીભાઈની દુકાને જ અમે ખોલ્યો અને દિવસો જતાં એ સારી રીતે વિકસ્યો. આખા દિવસમાં મોતીભાઈની દુકાને નહિ નહિ તો બસો માણસ આવી જતા હશે. કોઈ સિલાઈ અને ખરીદીની ઘરાકી નિમિત્તે, કોઈ પુસ્તકો માટે, તો કોઈ કામ લેવા માટે. આ બધાને એ સ્વદેશી માલની ખરીદીનો આગ્રહ કરે. કોઈને ઉપદેશ આપવાનું ન ચૂકે. ઘામાં આવે તેની પાસે વ્રત લેવરાવી લે અને આમ અનેકને સાંજ પડતાં 'મૂંડે'. જે કામ ભલભલી સભાથી ન થઈ શકે તે પ્રચારકામ આ દરજી સંચે બેઠો બેઠો કરતો.

આ વખતે મિલનું સૂતર ને હાથવણાટનું કાપડ પહેલા નંબરનું ગણાતું. બગસરા અને અમરેલીનો આવો માલ અમે મગાવતા અને ખૂબ ખપાવતા. પણ મોતીભાઈને આ માલ સાચો સ્વદેશી ન લાગ્યો. એને રેંટિયાની ખાદી જ શુદ્ધ સ્વદેશી લાગી. આ અરસામાં પૂ. બાપુજી સાથે અમારો સંબંધ થઈ ગયો, અને તેઓશ્રીને પણ તે સમયે રેંટિયાનો અખતરો કરવાનો વિચાર આવેલ. મોતીભાઈ અને બાપુજીનો સુયોગ થયો અને મોતીભાઈએ આ અરસામાં કેટલુંક સૂતર કંતાવીને બાપુજીને મોકલ્યું પણ ખરું. આમ ગૌસેવા અને રાષ્ટ્રીય શિક્ષણ સાથે મોતીભાઈની સ્વદેશી ભાવના પણ ખીલી અને એમણે તેને ખૂબ વિકસાવી.

મોતીભાઈના પિતા વૈષ્ણવ ધર્મ પાળતા. ઘરના ધાર્મિક વાતાવરણની તેમની ઉપર સારી અસર હતી. એમનું શરૂઆતનું જીવન કેવળ ધાર્મિક હતું; પરંતુ જ્યારથી રાષ્ટ્રીય ભાવનાનું આ તત્ત્વ એમના આ જીવનમાં ભળ્યું ત્યારથી એમના ધાર્મિક જીવને પણ પલટો ખાધો. અંત્યજોની હડધૂત સ્થિતિને એ હિંદુસંસારના કલંકરૂપ માનવા લાગ્યા. એમની દુકાન શહેરના મધ્ય ભાગમાં હોવા છતાં એ લોકો એમને ત્યાં આવતા. તેઓ પોતે અંત્યજોને છૂટથી અડકતા અને ચૂસ્ત વેપારીઓનો ખોફ વહોરી લેતા.

બાળલગ્નની હાનિ તો એમણે પોતાના જીવનમાં જ અનુભવેલી. એટલે એમનાં બાળકોને પચ્ચીસ વર્ષ પહેલાં નહિ પરણાવવાનો નિશ્ચય કરેલો. દરજીની નાતમાં બાળલગ્નનો રિવાજ સાધારણ રીતે ઘર કરી ગયેલ છે. મોતીભાઈના પિતાની એમની જ્ઞાતિમાં આબરુ સારી. એટલે એમના પિતાને તો મોતીભાઈના પુત્રોને જલદી પરણાવી નાખવાની ભારે હોંશ. એમના ઉત્સાહ સામે થતાં મોતીભાઈને ઘણું સહન કરવું પડેલ; છતાં આ કૌટુંબિક પ્રશ્ન ઉકેલવામાં એમણે વ્યાવહારિક દક્ષતા પણ સારી બતાવી; જેના પરિણામે એમના પિતાનો અને એમનો સંબંધ સારી રીતે સચવાઈ રહ્યો, અને એ પોતે પોતાનો નિશ્ચય પાળી શક્યા. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મોતીભાઈ એક સુધારક પણ હતા.

વઢવાણમાં પાણીની સામાન્ય રીતે તંગી રહે છે. ગામડાનો અને વઢવાણ કેમ્પનો વ્યવહાર ‘સીટી’ સાથે ઘણો. ભર ઉનાળામાં વટેમાર્ગુઓને વઢવાણ આવતાં સીમાડામાં પાણીની ઘણી તંગી ભોગવવી પડતી. મોતીભાઈને આ વસ્તુ ખૂબ સાલતી. એની પાસે પૈસા તો હતા નહિ કે નવાણ ગળાવી શકે. એવા વગદાર સંબંધીઓ નહોતા કે એવી ઓળખાણો નહોતી કે જેથી પૈસા મેળવી નવાણો ગળાવી શકે. પ્રચારકામ એમને આવડતું નહોતું અગર તો સેવાનાં કાર્યોમાં ભીખ માગવાની એને શરમ હતી, એટલે એની નજર એના સાથીઓ પર પડી. અખાડાના પઠ્ઠા જુવાનો એની પડખે હતા એટલે મજુરોની એને જરૂર ન હતી. પાવડા, સુંડલા, અને બે-ત્રણ કોશ વગેરે એ એક સવારે લઈ આવ્યા અને અમને કહ્યું કે ચાલો - કાનેટીનો કૂવો ખોદવા. એ કૂવાનાં પાણી ઉંડા ઉતર્યા છે, અને વટેમાર્ગુઓને એ બાજુ પાણીની ભારે તકલીફ પડે છે. મોતીભાઈનું વેણ અમારે તો હુકમ સમાન હતું. એ અમારા સેનાપતિ, અમે એના સૈનિકો. અમે તો કોદાળીઓ-પાવડા-સુંડલા વગેરે ઓજારો લઈ ઉપડ્યા. રજાનો દિવસ હતો. ઘેર કોઈએ કાંઈ વાત ન કરી કે ક્યાં જઈએ છીએ. જિંદગીમાં કદી ખોદેલું નહિ. તેમાં વળી કૂવો ક્યાંથી ખોદ્યો હોય? છતાં તરસ્યાને પાણી મળશે એ એક જ ભાવનાથી કછોટા વાળીવાળીને અમે આખો દિવસ જે ઉત્સાહથી કૂવો ખોદ્યો તે પ્રસંગ જિંદગીમાં કદી ભૂલાતો નથી. સાંજ પડ્યે અમે બે હાથ જેટલો કૂવો ખોદી નાખ્યો અને ઈશ્વરને કરવું, ને અમારું સદ્ભાગ્ય (પીનારનું પણ!) તે એક ઝરણું ફૂટ્યું અને એ નપાણીયો કૂવો સાંજ પડ્યે કોપરા જેવા મીઠા પાણીથી ભરાઈ ગયો.

મોતીભાઈના અને અમારા જીવનની આ ધન્ય ક્ષણ! અમારા આનંદનો પાર ન હતો. આખા દિવસની સખત મજુરી પછી દાળિયા અને ગોળ ઉપર ઝપટ મારી ઝાલર ટાણે અમે જ્યાં ઘર તરફ વળીએ ત્યાં તો ઘેરઘેર અમારા પરાક્રમની વાર્તા ફેલાઈ ચૂકી હતી; પણ અમારાં લગભગ દરેકનાં મોટેરાં અમારા આ સાહસથી ખીજાયેલાં. મોતીભાઈના સહવાસ પછીથી અમે દરેક અમારા વડિલોની દૃષ્ટિએ બગડી ગયેલા હતા. એટલે સૌને મોતીભાઈ ઉપર થોડી થોડી દાઝ તો હતી જ. તેમાં આ બન્યું, એમાં બધાય દુઃખીયા થયા ભેગા. ઝાઝા દહાડાની દાઝ આજે તો મોતીભાઈ ઉપર કાઢવાનો સૌએ નિશ્ચય કર્યો. ગામના જુવાનિયાને આમ આ દરજી બગાડે તે કેમ પાલવે? એક ભાઈ કે જેનો છોકરો અમારી સાથે જ હતો અને તે રાંપની ધાર કઢાવવા જતો હતો ત્યાં તે ભાઈએ અમારી ટોળી ગામ ભણી વળવાના સમાચાર સાંભળ્યા, એટલે તે લુહારને ત્યાંથી પોતાના પુત્રને લઈ દરવાજા તરફ પરભાર્યા વળ્યા. અમારા ચીડાયેલા કેટલાક અન્ય વડીલો પણ સાથે. વડીલોનું ટોળું આવ્યું દરવાજે અને અમે પણ પેઠા દરવાજામાં. મોતીભાઈ ઉપર ગાળોનો વરસાદ વરસ્યો-અમે તો એમને ત્યાંના ત્યાં જ મૂકીને રસ્તો માપ્યો. મોતીભાઈ અને એક અમારા જોડીદાર, બન્ને જણા રહ્યાં એકલા. વડીલોએ એમનો લીધો ઉધડો. પેલા રાંપવાળા ભાઈને એવો ક્રોધ ચઢ્યો કે રાંપ ઉગામીને તાડુકયા, કે અલ્યા ‘ચુંકણ’ એક વેણ હવે જો કાઢ્યું છે તો એક ઘા ને બે કટકા કરી નાખીશ. મોતીભાઈ અડગ રહ્યા. એના મુખની એક પણ રેખા ન બદલાઈ. એ બોલ્યાઃ તમારે જે કરવું હોય તે ભલે કરજો. તમારા છોકરા મારી સાથે પોતાની ઈચ્છાથી આવશે ત્યાં સુધી તેમને હું અટકાવનાર નથી. પેલા ભાઈ આ સાંભળીને વધુ ક્રોધિત થઈને ઘા કરવા જતા હતા ત્યાં પાછળથી અન્ય લોકોએ એનો હાથ થોભી લીધો અને ટોળું વિખરાયું.

આ પ્રસંગથી અમને બહુ બળ મળ્યું. મોતીભાઈની ખરી કસોટી થઈ ગઈ. એ મોતી સાચું હતું-ફટકીયું ન હતું. એની આસપાસ જુવાનિયાનું જૂથ વધુ જામ્યું, અને નવાણો ગાળવાનું અમારું કામ ચાલુ રહ્યું. ત્યાર પછી તો માળોદના મારગનો કૂવો અને ફાઠસરનો કૂવો એમ બે કૂવા અમે ગાળ્યા. ‘કેમ્પ’ને રસ્તે નદીમાં બે ચાર સુંદર વીરડા ગાળ્યા. આ દરેક ઠેકાણે વટેમાર્ગુઓને તૃષા છીપાવતા અમે જ્યારે જોતા ત્યારે અમને ઓર આનંદ થતો.

સ્ત્રીઓની ઉન્નતિ-તેમની કેળવણી-કુરિવાજ-વિધવાની દશા વગેરેના વિચારો મોતીભાઈને આવ્યા તે સાથે જ એ દિશામાં ૫ણ ઉપરનાં કાર્યોની સાથોસાથ એમણે કેટલાંક કામો ઉપાડ્યાં. પુસ્તકાલયમાંયી સ્ત્રીઓને ખાસ ઉપયોગી પુસ્તકો અલગ કરી નવાં ખરીદી સ્ત્રી-પુસ્તકાલય શરૂ કર્યું. કાલાં ટાણે વાંચનવર્ગ ખોલ્યા. ખાસ સ્ત્રીઓ માટે ૫ણ ફરતાં પુસ્તકાલય કર્યાં;અમે વિધવાઓને ઉદ્યમ મળે એટલા માટે મોજાં સીવવાં, હાથ રૂમાલ, ટેબલક્લોથ વગેરે બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. આ ઉદ્યોગ માટે જરૂરી બધાં સાધનો એ લાવતા, બહેનોને આપતા અને સ્ત્રીઓ એમની દુકાનેથી કામ લઈ જતી અને દિવસના રોટલા જેટલું નિરાંતે કમાતી અને એને આશીર્વાદ આપતી. બહેનોને મોતીભાઈ પાસેથી કામ મળતું એટલું જ નહિ પણ એ ઉપરાંત બીજું ઘણું મળતું. ભણેલી હોય તેને પુસ્તકો મળતાં, અભણને ભણી લેવાની પ્રેરણા મળતી. એ ઉપરાંત કાંઈ ને કાંઈ ઉપદેશ મળ્યે જ રહેતો-આથી ઘણી બહેનેનાં જીવન સુધરતાં. મોતીભાઈનો સ્વભાવ જ એવો હતો કે તેના પરિચયમાં જે કોઈ આવે તેને તે ઘડીકમાં અસર કરતા અને એક વખત એના પરિચયમાં આવેલ માણસ બીજી વખત એની પાસે આવ્યા વિના રહેતો નહિ.

બાપુજી, એની બેઝેંટ, દાદાભાઈ નવરોજજી, ગોખલે વગેરે દેશનેતાઓનાં જીવનચરિત્રો અમે સાથે જ વાંચી ગયા. મોતીભાઈએ નિશ્ચય કર્યો કે જીવતા નેતાઓમાંથી બને તેટલાને આપણે વઢવાણમાં ઉતારવા. બન્યું એવું કે ગોખલેજીના સ્મારક ફંડ માટે તા. ૧લી ડિસેમ્બર, ૧૯૧૫ના રોજ મહાત્માજી રાજકોટ જતા હતા. અમને આ વાતની ખબર પડી. મોતીભાઈએ અમને કહ્યું, કે આપણે વઢવાણમાં મહાપુરુષોને લાવવાનું વ્રત લીધેલ છે અને તેના અમલ તરીકે બાપુજીને ઉતારવાનો આ લાગ સારો છે. મહાત્માજીને વઢવાણમાં આવવાનું નોતરું આપવાનો અમે નિશ્ચય કર્યો. આ વખતે એક વાત ધ્યાનમાં રાખવાની છે. અમે બધાય હતા વિદ્યાર્થી. કોઈની અલેડ જુવાનોથી વધુ આબરુ નહિ. મોતીભાઈ પણ અમારી મંડળીના, તે વખતના મોટા ગણાતા આગેવાન શહેરીઓ સાથેનો અમારો કોઈ ખાસ સંબંધ નહિ. મતલબ કે, અમારો કોઈ બોજ પ્રજા ઉપર નહિ. કશાયનો ખ્યાલ કર્યા વિના મહાત્માજી જેવાને વઢવાણમાં નોતરવાનો નિશ્ચય અમારી મંડળીએ કર્યો. બાપુજી રાજકોટ જતા હતા તે વખતે જંક્શન સ્ટેશને અમે મળ્યા. તેમના જીવનની ઘણી વાતો વાંચેલી. એમનાં પ્રત્યક્ષ દર્શન કરી ધન્ય અને કૃતકૃત્ય થયા. મહાત્માજી સાથેનો આ પ્રથમ પરિચય. મોતીભાઈ અને બાપુજી વચ્ચે વાતો ચાલી. મોતીભાઈએ રાજકોટથી વળતાં વઢવાણ ઉતરવાનું નોતરું આપ્યુ. બાપુજી સમજ્યા, કે ગોખલે સ્મારકમાં મને કાંઈક મળે એવું હશે માટે જ આ જુવાનિયા મને લઈ જતા હશે. એ લાલચે એમણે તો પટ દઈને હા પાડી દીધી અને અને અમે તો અમારી કશીય જવાબદારી સમજ્યા વિના મહાત્માજી વઢવાણને પાવન કરશે એ એક જ વિચારથી ખૂબ ઉલ્લાસમાં આવી જઇ અમારી જાતને ધન્ય થયેલી માની વઢવાણ તરફ વળ્યા. મોતીભાઈનો ઉત્સાહ અજબ હતો. તે દિવસથી તે બાપુજી વળતી વખતે વઢવાણ આવ્યા ત્યાં સુધી અમે ઉજાગરા કર્યા. હાથે લખી લખીને જાહેરનામાં શહેરમાં ચોડ્યા અને મહાત્માજીની પધરામણીની તૈયારીઓ કરી. ગામના કેટલાંકે અમને કોઈ પણ તૈયારી વિના અને કોઈને પૂછ્યા વિના મહાત્માજી જેવાને નોતરું આપી આવવા માટે મોતીભાઈને ઠપકો પણ દીધો.

બે દિવસ સુધી તો અમારી સાથે કોઈ ન ભળ્યું. કેટલાંકે વિરોધ દર્શાવ્યો. ગામના કોઈ સહકાર નહિ આપે તો આપણામાંથી કોઈને ઘેર મહાત્માજીને ઉતારી આપણી મંડળીમાંથી જે બે પાંચ રૂપિયા થશે તે ભેટ ધરી તેમને વિદાય આપીશું એમ નક્કી કર્યું, પણ મહાત્માજીને વઢવાણ લાવવા એ તો નક્કી. મહાત્માજીને આવવાને એક જ દિવસ બાકી રહ્યો અને મહાજનના વેપારીઓને થયું કે આ છોકરાઓ તો પહેલાં જ નોતરું દઈ આવ્યા છે અને ગામમાંથી એ કોરેકાંટ જશે તો આપણી આબરુ જશે. મહાજને પૂર્ણ સહકાર આપ્યો. નગરશેઠને ત્યાં બાપુજીને ઉતારો મળ્યો. સ્ટેટે ફંડમાં સારી રકમ આપી. મહાજને થેલી આપીને બાપુજીને નવાજ્યા. આખા ગામે પૂર્ણ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું.

બાપુજીએ મોતીભાઈના પુસ્તકાલયની મુલાકાત પણ લીધી. તે વખતે અમે એ સંસ્થાને ‘ફ્રી લાયબ્રેરી’ કહેતા. આ અંગ્રેજી નામ તરફ તરત બાપુજીનું ધ્યાન ગયું. તેમણે બે ત્રણ નામોનો વિચાર કરી છેવટે આ પુસ્તકાલય માટે ‘ધર્મપુસ્તકાલય’ નામ પસંદ કર્યું. ત્યારથી એ જ નામે એ પુસ્તકાલય ઓળખાય છે. બાપુજીએ ત્યાંની ‘મુલાકાતપોથી’માં જે લખ્યું હતું તે બરાબર યાદ નથી, પણ તેના કાર્યકર્તાઓ માટે તેમણે સંતોષ જાહેર કર્યો હતો એટલો ખ્યાલ છે.

મોતીભાઈની શુભેચ્છા સર્વ રીતે ફળી. એણે કરેલ નિશ્ચય પાર પડ્યો. આ પ્રસંગથી મહાત્માજી અને મોતીભાઈનો પરિચય વધ્યો. ત્યાર પછી તો મોતીભાઈ અમદાવાદ જઈ બાપુજીના આશ્રમમાં પણ રહી આવેલા અને એમનો સંબંધ વધેલો. એ સંબંધને લીધે જ બાપુજીએ દેવદાસભાઈને વઢવાણ હવાફેર માટે મોકલેલા. આશ્રમમાં તે વર્ષે માતાના સખત વા હતા ત્યારે આશ્રમમાં ઘણા માંદા પડી ગયેલા અને સેવા કરનારની જરૂર હતી; તેની ખબર વઢવાણ પડતાં મોતીભાઈ તેમના બે-ચાર સાથીઓને લઈને આશ્રમ પહોંચેલા. એ વખતે માંદાની શુશ્રુષા બાપુજીને ખૂબ સંતોષ થાય તેવી રીતે કરેલી.

મોતીભાઈનું જીવન તપસ્વી તો હતું જ. બાપુજીના પરિચયમાં આવ્યા તે પહેલાં તે સત્યાગ્રહી હતા. પરંતુ આશ્રમમાં રહી ગયા એ પછી તો વઢવાણમાં ગૃહજીવન ગાળતાં છતાં એણે ખરું આશ્રમજીવન શરૂ કરી દીધું. બ્રહ્મચર્ય-અપરિગ્રહ-અસ્તેય વગેરે આશ્રમના પાંચે વ્રત એણે લીધાં અને તેનું સખત પાલન એ કરતા. જીવનના છેલ્લા મહિનાઓમાં આ વ્રતો સાથે અલૂણાવ્રત પણ લીધું હતું. પાંચ ચીજ ઉપરાંત છઠ્ઠી ચીજ એ કદી ખાતા નહિ. એટલે સુધી કે શાકમાં તેલ આવે તો તે પણ ચીજ ગણતા. આમ ધીરે ધીરે એમના જીવનને એમણે ખૂબ તપસ્વી બનાવ્યું. છતાં ગૃહકાર્ય અને અન્ય વ્યવસાય હંમેશની મુજબ ચાલ્યો જતો. તેમનાં આવાં વ્રતોથી તેમના દૈનિક કાર્યમાં કશીય આંચ આવતી નહિં, બલ્કે કેટલીક વખત એમને સ્ફૂર્તિ વિશેષ જણાતી.

વીરમગામની લાઈનદોરી

પહેલાં કાઠિયાવાડના ટ્રેનના દરેક ઉતારુઓનાં સામાનનાં પોટલાં વીરમગામ સ્ટેશને તપાસાતાં. આથી ઉતારુઓની હાલાકીનો પાર ન હતો. મોતીભાઈને આ વાત ખૂબ જ સાલતી. હું આગળ કહી ગયો છું તેમ મોતીભાઈના મનમાં એક વિચાર ઘોળાયા પછી તે તેનો અમલ કર્યે જ રહેતા. એમની ક્રિયાશક્તિ ઘણી હતી. વીરમગામના ઉતારુઓના દુઃખો એમને અસહ્ય થઈ પડ્યાં અને ત્યાં સત્યાગ્રહની લડત શરૂ કરવી જોઈએ, એમ એમને પ્રથમ સૂઝ્યું. એમણે આ વાત બાપુજીને જણાવી અને એનું મહત્ત્વ તેમને ગળે ઉતાર્યું. બાપુજીએ મોતીભાઈને જણાવ્યું, કે એ પ્રશ્ન હું ઉપાડું તો ખરો પણ તમે સત્યાગ્રહમાં જોડાવા તૈયાર છો? મોતીભાઈએ કુરબાન થવાની ઇન્તેજારી બતાવી. બાપુજીએ પ્રશ્ન ઉપાડ્યો, લાગતા-વળગતા સરકારી અમલદારો સાથે પત્રવ્યવહાર શરૂ કર્યાં અને વિના લડતે પોટલાં તપાસવાનું બંધ થયું. આમ એક સત્યાગ્રહનું ક્ષેત્ર એમના જીવનમાં બાકી રહી જતું હતું તે પણ મોતીભાઈએ જોઈ લીધું.

સામાજિક, રાજકીય અને ધાર્મિક, એમ ત્રણે દિશામાં એમની પ્રવૃત્તિ વધતી ગઈ, તેમ તેમ એમને અવકાશ ઓછો મળવા લાગ્યો. એમને થયું, કે જો મારે હવે વધુ કામ કરવું હોય તો અને જીવનની ક્ષણો સેવાનાં ક્ષેત્રમાં વધુ વીતાવવી હોય તો જરૂરિયાતો ઓછી કરવી જોઇએ, ઘરનું ખર્ચ કમી કરી નાખવું જોઈએ, જેથી કમાવાની યિંતા ઓછી રહે, તેની પાછળ ઓછો વખત ગાળવો પડે. આથી તેમણે નિશ્ચય કર્યો, કે એક દિવસમાં આઠ કે દશ આનાનું કામ થાય એટલે પછી સીવવાનું છોડી દઈને સેવાના કાર્યોમાં વખત વીતાવવો. સીવવાની એમની ચાલાકી એવી હતી, કે સાંજ પડ્યે એ અઢી રૂપિયાની કમાણી કરી શકતા. આ ઝડપે આઠ દશ આનાનું કામ તો એ બહુ થોડા વખતમાં પૂરું કરી નાખતા અને બાકીનો વખત સામાજિક સેવાનાં કાર્યોમાં ગાળતા. કમાણી ઓછી કરી એટલે એમણે ઘરના ઘણા જરૂરી ખર્ચ ઉપર પણ કાપ મૂક્યો.

વિ.સં. ૧૯૭૩ના પ્લેગનો ઝપાટો જેમ આખા ગુજરાત-કાઠિયાવાડમાં લાગ્યો, તેમ વઢવાણમાં પણ લાગ્યો. વઢવાણની શેરીઓ અને બજારો નિર્જન બન્યાં. સૌ પોતાની જિંદગી બચાવવા જ્યાં ફાવ્યું ત્યાં નાઠાં. મોતીભાઈને અમે વઢવાણ બહાર નીકળવા ખૂબ વિનવ્યા, તો જવાબ મળ્યો: ગાંડિયાઓ, મોત કોઠીમાં પૂરાયે પણ કોઈને મૂકનાર નથી. મૃત્યુ આવવાનું હશે તો ગમે ત્યાં જઈશ ત્યાં આવશે, તો અહીં જ રહી ગામમાં બાકી રહેલ નિરાધારોની સેવા કાં ન કરવી?”

અમે તો સગાંવહાલાં સાથે વઢવાણની બહાર નીકળ્યા. મોતીભાઈ ગામમાં જ રહ્યા. માંદાની માવજત કરે અને ઇશ્વરભજન કરે. સેવા કરતાં કરતાં એને ચેપ લાગ્યો, મરણપથારીએ પડ્યા અને ઇશ્વરને કરવું ને તે આ આફતમાંથી બચી ગયા, પરંતુ સહેજ ઠીક થયું તો ખુલ્લામાં જ આવી બેસવા લાગ્યા. પરોઢિયે પ્રાર્થના તો ચૂકાય જ કેમ? આમ પરોઢિયાની ખુલી હવાથી તેમના નબળા શરીરને ન્યુમોનિયા લાગ્યો અને તેમનું મૃત્યુ થયું. સમાજસેવાના એમના ટૂંકા જીવનમાં એમણે કેટલીય દિશાઓ ખેડી નાખી. પોતાના પૂર્વજન્મનાં અધૂરાં રહેલ કાર્યો બહુ ઝડપથી જાણે પૂરાં કરવાને જ એમનો અવતાર ન હોય તેમ ખૂબ ઝડપથી ઘણી દિશાઓમાં એમણે માથું માર્યું. જાહેરજીવનમાં પડ્યા, પણ તેવાં કામો માટે ભીખ માગવાનું એમને ખાસ ન રુચતું. ખાસ મિત્રો સિવાય એ ક્યાંય વેણ ન નાખતા, અને તોય ન છૂટકે જ. ચાલે ત્યાં સુધી તો પોતે ગરીબ હતા છતાં પણ વધુ ગરીબ બનીને પોતાના ઘરનાં પૈસા જ ઘણે ભાગે ખરચતા.

એમની નિયમિતતા તો ઘણી જ હતી. ઘરાકને જે સમયે કપડું આપવાનું કહેલ હોય તે સમયે આપ્યું જ હોય. પાંચના ટકોરા થતાં કામ નહિ કરવું તે નક્કી કર્યાં પછી પાંચ વાગતાં કામ મૂકી જ દીધુ હોય. સભાનો સમય થતાં ફલાણા ભાઈ આવ્યા કે ન આવ્યા તેની રાહ જોયા વિના જે હોય તેનાથી સભા શરૂ કરી જ હોય.

સંખ્યાબળથી તે કદી મલકાતા નહિ અને ઓછી સંખ્યાથી હિંમત હારતા નહિ. કેટલાંક કામની શરૂઆતમાં અમે ત્રણે ચાર જણ જ હોઈએ તો પણ મોતીભાઈનો ઉત્સાહ-ઉલ્લાસ-આનંદ તો એવાં ને એવા જ હોય. આવે વખતે અમને બહુ નવાઈ લાગતી. મોતીભાઈનો દેહ આજે આ દુનિયામાં નથી, છતાં એના ગાઢ પરિચયમાં આવેલ એના કેટલાક મિત્રોમાં, એના બાળક સમાન એમણે સ્થાપેલ ‘ધર્મપુસ્તકાલય'માં અને એની હાટડી સામેના એમના નામ પાછળ વઢવાણે એમના સ્મરણચિહ્ન તરીકે જાળવી રાખેલ મોતીચોકમાં એ હજુય જીવતા છે, એમ હું માનું છું.

(‘પ્રસ્થાન’, શ્રાવણ-ભાદ્રપદ અંક, વિ.સં. ૧૯૮૬)
 [પાછળ]     [ટોચ]