[પાછળ]
નર્મદનો જમાનો

લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ

ઘોર અંધારી રાત જામી છે. ચોમાસાનાં ઘાડાં વાદળાં થર પર થર લાગાવીને આખા આકાશમાં પથરાઈ રહ્યાં છે ને તારાના ઝાંખા પ્રકાશને પણ આવરી રહ્યાં છે. દેશમાં હજુ સુધરાઈ દાખલ થઈ નથી, એટલે સરિયામ રસ્તા પર પણ રોશનીનું નામ નથી. રસ્તા પણ કાચા ને ખાડાખડિયાવાળા છે. સૂરત શહેરના આવા રસ્તા પર થઈને એક કિશોર હાથમાં ફાનસ લઈને ઝડપભેર ચાલ્યો જાય છે. વાતાવરણમાં બધે ભૂતપ્રેતના ભણકારા વાગી રહ્યા છે, એટલે દેખીતી હિંમત ધારણ કરેલી હોવા છતાં એનું હૈયું થડક થડક થઈ રહ્યું છે, ને જેમતેમ કરીને હેમખેમ ઘેર પહોંચવાની ઈચ્છા એનાં ત્વરિત પગલામાં દેખાઈ આવે છે. એવામાં પાછળથી અવાજ સંભળાય છે ‘જરા ઊભા રહો તો!’ કોઈ સ્ત્રી જેવું લાગે છે. કિશોર ચમકે છે. એનો જીવ તાળવે ચોંટી જાય છે. ‘માર્યા! કોઈ ડાકણ થયેલી સુવાવડી જ મળી!’ ગાત્ર શિથિલ થઈ જાય છે. જેમ તેમ હામ ભીડીને મનમાં ગાયત્રીમંત્ર જપતો તે અવાજની દિશામાં જાય છે. ત્યાં તો ઓટલા એક યુવતી સોડમાં કોડિયું લઈને ઊભી છે,

‘મારું કોડિયું હોલવાઈ ગયું છે. જરા સળગાવી દ્યો ને તમારા ફાનસે.’ બાઈની સોડની આડશે ઊભો રહી કિશોર પોતાનું ફાનસ ખોલે છે ને તેનું કોડિયું સળગાવી આપે છે. એવામાં ક્યાંયે નહોતો ત્યાંથી પવનનો એક સપાટો આવે છે ને બંનેના દીવા ગુલ થઈ જાય છે. અત્યાર સુધી માંડ માંડ હિંમત ધરી ઊભેલો કિશોર હવે છળી ઊઠે છે ને જીવ લઈને નાસી જાય છે. આજે અતિ સામાન્ય થઈ ગયેલી દીવાસળી દેશમાં દાખલ નહોતી થઈ તે જમાનાનું આ દૃશ્ય. (વાંચો ‘નંદશંકર જીવનચરિત્ર’, પૃ.૨૮-૯, લેખકઃ વિનાયક મહેતા)

એક બીજું દૃશ્ય જુઓ. નર્મદા નદી પરનો નવો પુલ તૈયાર થઈ ગયો છે. આવો પુલ બાંધી રેવામાને કોઈ અભડાવે એ લોકોને મંજૂર નથી, એટલે એમણે જબરો વિરોધ કર્યો છે. પણ આ નાસ્તિક સરકાર આગળ એમનું કંઈ ચાલ્યું નથી.

શરૂઆતનો પહેલો જ દિવસ છે. ધમ ધમ કરતી ગાડી પુલ પરથી ચાલી આવે છે. હજારો માણસની ગંજાવર મેદની એ જોવાને મળી છે. એવામાં એકાએક એંજિન અધવચ અટકી પડે છે. આ જોઈ લોકો મોટો હર્ષનાદ કરી મૂકે છે. ‘હાશ રેવામાનું સત રહ્યું ખરું! પણ ત્યાં તો એમના હર્ષનાદને પણ દાબી દે એવો પ્રચંડ વિજયનાદ સામેથી સંભળાય છે. અટકી પડેલું એંજિન એકદમ સરસરાટ ચાલવા માંડે છે ને લોકો ઊભાં હતાં ત્યાં ગર્વનર આવી પહોંચે છે. તેમને હવે પોતાનો મત બદલવો પડે છે. ‘આ તો કોઈ દેવ છે! ચાલો આપણે એની પૂજા કરીએ!’ પળવાર પહેલાં જે રેવામાતાની પવિત્રતાને અભડાવનારો રાક્ષસ ગણાયો હતો તે હવે પોતાની સફળતાથી દેવ બની જાય છે. લોકો તેને વંદન કરે છે. કેટલાંક તેને ફૂલ ચઢાવે છે. કેટલાંક તેને કંકુ ચાંલ્લા કરે છે. તો કેટલાંક વળી બજારમાંથી શ્રીફળ લાવી તેની આગળ મૂકે છે. (Mary Carpenter: ‘Six Month in India’, 1868, I, 27-8)

નર્મદ જન્મ સમયનાં આ બંને દૃશ્યો – કલ્પી કાઢેલાં નહિ પણ ખરેખર બનેલાં બનાવના ચિત્રો – શાનમાં ઘણું સમજાવી દે એવાં – એ જમાનાનું સાચું સ્વરૂપ સૂચવી દે એવાં છે. દેશમાં એ વખતે દીવાસળી નહોતી એટલું જ નહિ, પણ દેશની દુર્દશા બતાવે એવી જ્ઞાનદીવાસળી પણ એ વખતે નહોતી. એ દીવાસળી એક પરદેશી પ્રજાએ આપી, ને તેના ઘસારા માત્રથી પાર વિનાની અવ્યવસ્થાથી ભરપૂર એવું આખું દૃશ્ય એકાએક પ્રકટ થઈ ગયું!

લોકો અત્યાર સુધી ચમકથી કે ગંધકના બરૂથી પણ પોતાના કોડિયાં પેટાવી એના આછા અજવાળામાં પોતાનું જીવન જેમતેમ ગુજારતાં હતાં ત્યાં તો ઓચિંતો ઝળહળતો જ્ઞાન પ્રકાશ આવ્યો. તેણે પોતાના ઘરની સઘળી અંધાધૂંધીનું પળવારમાં ભાન કરાવી દીધું. ‘અરેરે! આપણે બધાં આવી કંગાળ પામર દશામાં જીવન વીતાવી રહ્યાં છીએ? આ તે કંઈ જીવન છે? ચાલો, ચાલો આપણી આ નામોશી આપણે દૂર કરીએ. જીવનમાં કંઈક ઠીકઠાક કરીએ. માણસની કંઈ હારમાં આવીએ. સાવ આમ ને આમ તે શેં જીવાય?’ – આ પ્રકારની લાગણી એણે પ્રજાના ચિત્તમાં પેદા કરી, પોતાની અધમાવસ્થાનું ભાન કરાવી, એક પ્રકારનો દૈવી અસંતોષ જન્માવી, ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા આ નવી જ્ઞાનદીવાસળીએ લોક હૃદયમાં ચેતાવી.

આગગાડીવાળું બીજું દ્રશ્ય પણ આવું જ સૂચક છે. વિજાતીય સંસ્કારનો ધસારો એંજિનની જેમ આપણી ભણી આવી રહ્યો છે. પ્રજાને તે રુચતો નથી. તે શ્રદ્ધા રાખે છે કે સૈકાઓથી પોતે જેને પૂજી છે તે પોતાની સંસ્કૃતિ જ પોતાના અલૌકિક બળ વડે આ નવા સંસ્કારને થંભાવી દેશે. ઘડીભર એમની શ્રદ્ધા પણ ફળતી લાગે છે. એમના મુખ ઉપર ક્ષણવાર વિજયનો ઉલ્લાસ પણ સ્ફુરે છે. પણ ત્યાં તો જબરા હર્ષનાદ સાથે તે ઘૂસ્યો આવે છે. ધસારો હજુ ચાલુ જ છે. એંજિનની પેઠે અંતિમ વિજય શું એ ધસ્યા આવતા પરસંસ્કારનો જ થશે? શું આપણે દીન બનીને એને વંદન કરવાનું જ રહેશે? ભાવિનું નિર્માણ શું હશે એ કોણ કહી શકે? પણ એ પરસંસ્કારના ધસારાથી આપણા દેશમાં ભયંકર સંઘર્ષણ ઉત્પન્ન થયું છે ને લાંબા સમય સુધી તે ચાલવાનું છે એ તો આજની ઘડીએ પણ સ્પષ્ટ છે.

અંગ્રેજોના આગમનથી અને એમનાં સાહિત્યસંસ્કૃતિના સમાગમથી આપણે ત્યાં જે નવયુગ શરૂ થયો છે તેને કેટલાક કેવળ સુખથી ભરપૂર એવા સુવર્ણયુગ તરીકે ઓળખાવવા યત્ન કરે છે, તો કેટલાક વળી કેવળ દુ:ખથી–નિર્ધનતા, પરાધીનતા, નીતિ શિથિલતા આદિ અનેક અનર્થોમાંથી પરિણમતાં દુ:ખથી–ભરપૂર કથીરયુગ તરીકે ઓળખાવવા યત્ન કરે છે. પણ ખરી રીતે નથી તે કે કેવળ સુખપૂર્ણ સુવર્ણયુગ કે નથી તે કેવળ દુ:ખપૂર્ણ કથીરયુગ. ખરી રીતે તો એ છે કેવળ મંથનયુગ, વલોવાટની વ્યથાનો તેમ માખણની મીઠાશનો ઉભયનો એકીસાથે અનુભવ કરાવતો એવો ઉગ્ર મંથનયુગ.

ભારતનો ઇતિહાસ વિશાળ છે, પણ સંસ્કૃતિનું આવું જબરૂ સંઘટ્ટન એણે જવલ્લે જ જોયું હશે. આ સંઘટ્ટને એના જીવનના ક્ષેત્રેક્ષેત્રમાં ક્ષોભ પ્રગટાવ્યો છે, ને એના અંગેઅંગમાં ઉથલ-પાથલ આદરી દીધી છે. પુરાણકીર્તિત સાગરમંથને જેમ વિષ ને અમૃત બંને આપ્યાં હતાં, તેમ આ નવયુગે શરૂ કરેલા જીવનસાગરના મંથને પણ ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારની વસ્તુઓ આપવા માંડી છે. ઉદાહરણ તરીકે એણે આણેલી જ્ઞાનદીવાસળીએ વર્તમાન જીવનની પામરતાનું જ્ઞાન આપ્યું. તે પામરતા દૂર કરવાની પ્રેરણા કરી ઉત્સાહ આપ્યો, પણ સાથે સાથે તે પામરતાનાં દર્શનનો ક્લેશ અને એ ક્લેશને સતત યત્ને પણ તે ટાળી ન ટાળતાં જન્મતો સંતાપ એ બન્ને એણે આપણને આપ્યા છે. અલબત્ત, આ ક્લેશ ને સંતાપ અનિવાર્ય છે તથા એકંદરે ઉન્નતિપ્રેરક ને તેથી હિતાવહ છે, છતાં આ નવયુગની એ પણ એક અવિસ્મરણીય બાજુ છે એ વાત હવે આપણને દિને દિને વધુ વધુ સ્પષ્ટ થતી જાય છે.

આજ સુધી આપણે નવા જમાનાને શાંતિનો જમાનો માનતાં હતાં, પણ હવે આપણને પ્રતીત થવા લાગ્યું છે કે આ જમાનાની શાંતિ કેવળ બાહ્ય શાંતિ જ છે, ને અંતરમાં તો એણે એવી તીવ્ર અશાંતિ ઉપજાવી છે કે જેવી ભૂતકાળમાં કોઈ પણ જમાનાએ ન ઉપજાવી હોય. સંસારમાં સર્વત્ર એણે મૂલ્યપરિવર્તન કરવા માંડ્યું છે. જૂના આદર્શોની અંદરની શ્રદ્ધા એણે ઉઠાડી મૂકી છે, પણ નવા આદર્શોની અંદર હજુ અવિચળ શ્રદ્ધા એ બેસાડી શકેલ નથી; એટલે જ્યાં ત્યાં વિલક્ષણ વ્યામોહ નજરે પડે છે. (What are We to do with Our Lives by H.G. wells)

માનવીનું જ્ઞાન જાણે સહદેવના ‘અતિજ્ઞાન’ની પેઠે એને પજવવાને જ મળ્યું હોય, એનું ચિત્ત, મૅથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ, જાણે દેવોએ એની મશ્કરી કરવા જ આપ્યું હોય, તેમ પ્રાચીન ને આર્વાચીન કે પૂર્વ ને પશ્ચિમના સમન્વયમાં એ વારંવાર ઊંડા વમળમાં પડી જાય છે અને એની બુદ્ધિ લથડિયાં લે છે. નવા યુગના આરંભથી જ આપણી પ્રજાનું ચિત્ત જાણે ચકડોળે ચડ્યું છે. ઉકેલ્યા ઉકલે નહિ એવા અસંખ્ય જટિલ પ્રશ્નો એને નવા સૈકાથી મૂંઝવી રહ્યા છે. જાણે પ્રજાબુદ્ધિને બરાબર કસવા જ યોજ્યા હોય એવા અનેક કોયડા એની આગળ નિરાકરણ માગતા ઊભા છે. પરંપરાગત આચારવિચારો અને નવી ભાવનાઓ વચ્ચે સખત અથડામણી શરૂ થઈ ગઈ છે. તે કોઈ દહાડે પણ શમશે કે નહિ એની શંકા કરાવતો પૂર્વ પશ્ચિમનો ઝઘડો અવિરત રીતે ચાલી રહ્યો છે.

ગીતામાં અર્જુન ભયંકર સંહાર મચાવી રહેલા વિશ્વરૂપ દર્શનથી અકળાઈ ઊઠ્યો હતો. આજના ભારતવાસીની દશા પણ ઘણે ભાગે એ અર્જુન જેવી જ છે. નવા જમાનાએ પોતાની સમક્ષ લાવી મૂકેલા અસંખ્ય યક્ષપ્રશ્નો, દેશની પારાવાર દુર્દશા ને એ દુર્દશાને દૂર કરવાને થતા પ્રયાસોની અકિંચિત્કરતા દેખીને એ પણ અર્જુનની પેઠે અકળાઈ જાય ને લાચાર બની સર્વાન્તયામીને સંબોધી ઊઠે કે ‘प्रसीद देवेश जगन्निवास’ તો એમાં નવાઈ નથી. આવી રીતે તીવ્ર યાતનાઓ વડે સૌને સતત રીતે દમ્યા કરે એવું ઉગ્ર મંથન એ જ અંગ્રેજોના સંપર્કે આપણે ત્યાં શરૂ કરેલા નવયુગનું સાચું સ્વરૂપ છે.

દેશભરમાં સો સવાસો વરસથી મંડાયેલા આવા મંથનનો ગુજરાતી અવતાર તે નર્મદ. આ મંથનયુગની નાનકડી આવૃત્તિ જ જાણે હોય નહિ એમ એનું જીવન એનાં શુભાશુભ સર્વ તત્વોને પોતામાં સાકાર કરે છે. એનાં ઉત્સાહ ને જોમ, ચાંચલ્ય ને તેજ, અહંતા ને ઉચ્છૃંલખતા, ક્ષોભ ને વલોવાટ, વિષાદ ને વ્યામોહ એ સૌનું મૂર્ત સ્વરૂપ તે જ નર્મદનું જીવન. એ શરૂ થયું તે પહેલાંની તેમ તે અરસાની યુગસ્થિતિનું આછું દિગ્દર્શન કરી લઈએ તો એ જીવન ને તેનું કાર્ય સમજવું સરળ બનશે.



નર્મદ જન્મ સમયનો જમાનો એટલે જડતા, અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા ને ભીરુતાનો જમાનો. એ જમાનામાં લોકો કેટલાં બધાં અજ્ઞાન, વહેમી ને ડરપોક હતાં એનું એક જ દૃષ્ટાંત બસ થશે. એક વાર કાશીના કોઈ બ્રાહ્મણે મહાદેવના દહેરામાં પત્ર મૂકેલો ને તેમાં જણાવેલું કે એક વરસ પછીની વસંતપંચમીને દિવસે આખી પૃથ્વીનો પ્રલય થવાનો છે અને એકેએક મનુષ્ય તેમાં મરી જવાનું છે. આ પત્રનો પ્રચાર કરે તેને મહદ પુણ્ય મળે એમ તેમાં લખેલું, એટલે જે કોઈના હાથમાં તે આવતો એ તેની નકલ કરી લઈ પોતાના પાડોશીઓમાં ફેલાવતો અને એ રીતે તાર-ટપાલ વિનાના એ દિવસોમાં પણ એ કાગળ આખા હિંદમાં સર્વત્ર જાણીતો થઈ ગયેલો. આખું ગુજરાત તો એથી હબકી જ ગયેલું ને પત્રમાં જણાવેલો વસંતપંચમીનો દિવસ આવ્યો એટલે જાણે ખરેખર મરી જ જવાનાં હોય એવી રીતે સર્વ પ્રકારની અંતિમ તૈયારી કરીને લોકોએ સાર્વત્રિક મૃત્યુની વાટ જોતાં બેઠેલાં.

ભારે આશ્ચર્યકારક બનાવ નથી લાગતો તમને આ? જીવન મરણ જેવી પરમ ગંભીર બાબતમાં પણ સૈકા પહેલાનાં માણસો કેટલાં બધાં મૂઢ હતાં? આવડાં મોટા દેશમાં કોઈ વિચાર સરખો કરતું નથી કે સાર્વજનિક મૃત્યુ તે આમ શી રીતે સંભવે? હજારો માણસોના હાથમાં થઈને એ પત્ર પસાર થઈલો, છતાં કોઈને પ્રશ્ન સરખો થયો નથી કે વસંતપંચમીના દિવસે જગતનો પ્રલય થવાનો એમ માની લેવું તે શા આધારે? કોઈ અજાણ્યા બ્રાહ્મણે કહ્યું એટલા જ ઉપરથી સૌ ખરેખર મરી જવાનાં એમ વગર શંકાએ સ્વીકારી લે અને જણાવેલા દિવસે તેની તૈયારી કરીને બેસે–આવી દેખીતી જ મૂર્ખાઈ ભરેલી વાતમાં પણ કોઈ વિરોધનો સૂર સરખો ન કાઢે ને અંધ પરંપરાથી આવી અકલ્પ્ય વાત પણ માની બેસે–એ આખા દેશની બુદ્ધિનું કેવું દેવાળું સૂચવે છે? સમગ્ર પ્રજાની કેવી બીકણ મનોદશા તેમાં વ્યક્ત થાય છે? અને બધાં લોકોની કેટલી પારાવાર નિર્બળતા તેમાં પુરવાર થાય છે?

દેશની તત્કાલીન સમાજસ્થિતિ જોવી છે? જુઓ, આ એક બાજુ વૈષ્ણવ મંદિરમાં આચાર્યજી સ્વયં કૃષ્ણ ભગવાન બનીને પારણામાં ઝૂલી રહ્યા છે ને ભાવિક સ્ત્રીઓ તેમને હીંચોળી રહી છે. શરત્પૂર્ણિમાના દિવસે તેઓ પોતે કૃષ્ણજીનું રૂપ ધારણ કરી જોબનવંતી સ્ત્રીઓ સાથે રાસલીલા ખેડી રહ્યા છે, જરકસી જામો ને મોરમુગટ પહેરી વેણુનાદ કરી મુંબઈ નગરીની નારીઓને વિહ્વલ બનાવી રહ્યા છે, ને દિવાળીના દિવસોમાં પ્રભુને સ્થાને પોતે જ પોતાના પુત્રપરિવાર સહિત સિંહાસને બિરાજી અન્નકૂટની સ્વાદિષ્ટ વાનીઓ જુવાન ભાટિયાણીઓને હાથે આરોગી રહ્યા છે.

બીજી બાજુ આ પાંચેક વરસનો બાળક, પંડ કરતાં પણ મોટી પાઘડી પહેરીને, આંખમાં કાજળના લપ્પા કરીને વરરાજાના વેશમાં મહાલે છે, પણ રાત પડતાં નિત્યક્રમાનુસાર એ તો નિદ્રાવશ થાય છે, ને એની માતા એને કાખમાં ઘાલી સપ્તપદીના ફેરા ફરી લગ્નવિધિની પૂર્ણાહુતિ કરે છે. એવામાં એ ‘બકરીબાઈનો બેટડો’ ઝબકીને જાગી ઊઠે છે, ને આસપાસનો વિચિત્ર ઠાઠ નીરખી આંખો ચોળતો ચોળતો બોલી ઊઠે છેઃ ‘બા, તું મને આંહીં ક્યાં લાવી?’

તો આંહીં વળી એક જુવાન સ્ત્રી, પોતે ક્યારે પરણી તેનું પણ જેને સ્મરણ નથી એવી, અનાથ દશામાં દુ:ખ રડતી ઊભી છે, ને એ તો જાણે સર્વથા સ્વાભાવિક જ વસ્તુ હોય તેમ તેના તરફ નજર સરખી નાખ્યા વગર સૌ એના આગળથી ચાલ્યું જાય છે.

નવી કેળવણીનો પ્રકાશ પામેલા એક વિદ્યાર્થીને કંઈક લાગણી થાય છે ને પોતાની એ લાગણી વિધવા વિવાહ વિશેના નિબંધમાં ઘરને ખૂણે બેસી જરાક નોંધવા જાય છે ત્યાં તેની પાલક કાકીને એ વાતની ખબર પડતાં એ કુળાંગારને તે ઘરબહાર કાઢી મૂકે છે; કેમ કે પુર્નવિવાહની હિમાયત કરવા કોઈ નીકળે તો એ બેઠો હોય ત્યાં એના ગયા પછી લોકો ચોકો કરી નાખે એવી સખત તિરસ્કારવૃત્તિથી સૌ તેના તરફ જુએ છે.

આંહીં વળી એક બાઈને ઝોડ વળગ્યું છે તેના આવેશમાં એ ધૂણી રહી છે, ને એક ભૂવો, સમસ્ત પ્રેતસૃષ્ટિનો સરદાર હોય એવા રૂઆબથી તેના પર અડદના દાણા છાંટી રહ્યો છે. એવામાં એક વિચક્ષણ જુવાન આવીને તેની સામે પડકાર કરે છે કે, ‘તારું આ બધું ધતીંગ છે, માટે ગમે તો એ છોડી દે ને નહિ તો તારા મંત્રજંત્ર ને જાદુ અમારી સમક્ષ આવી પુરવાર કરી આપ.’ જાદુગર ઘડીભર તો તેની સામે ટક્કર ઝીલવા મથે છે, પણ સીધી રીતે ન ફાવતાં પોતાના ધંધા-ભાઈઓને એકઠા કરી બસોક માણસોનું ટોળું જમાવી જબરી કીકિયારી કરી તે જુવાન પર તૂટી પડે છે.

આ તરફ એક સાહસિક પુરૂષ વિદેશ જઈને વિદ્યાપ્રાપ્તિ કરી આવ્યો છે તેને, જાણે એણે ઘોર પાપ કર્યુ હોય તેમ, ગુજરાતીની સર્વોત્તમ જ્ઞાતિ કહી રહી છે કે, ‘એક વાર તું શેર સીસાનો ધગધગતો રસ પીને આવ, પછી અમે તને જ્ઞાતિમાં દાખલ કરીશું.’ એક બીજી જ્ઞાતિ વળી આવું વિદેશગમન કરી આવેલા એક બીજા નરવીરને પડખે ઘડીભર લાગવગને જોરે ઊભી રહે છે તો એ આખી જ્ઞાતિનો બહિષ્કાર થાય છે, ને તેમાનાં સૌ મૂછો મૂંડાવી ગૌમૂત્ર ને છાણથી પવિત્ર થઈ પ્રાયશ્ચિત કરે છે ત્યારે જ તેનો ‘ડુપ્પાક લાડુ’નો વહેવાર પાછો શરૂ થાય છે. આમ, સમાજમાં જ્યાં જુઓ ત્યાં અજ્ઞાન, વહેમ નિર્બળતા ને જડતા વ્યાપી ગયાં છે ને નવા યુગના તીવ્ર મંથનને નોતરી રહ્યાં છે.

જ્ઞાન વિષયમાં પણ એવાં જ વહેમ, જડતા ને કૂપમંડૂકતા જોવામાં આવે છે. દૃષ્ટિ અત્યંત સંકુચિત છે. પોતાની નાતની બહાર કોઈની નજર જ જતી નથી. દેશનાં સ્વરૂપનો પણ ખ્યાલ નથી, ત્યાં દેશના અભિમાનની વાત જ શી કરવી? ભૂગોળનું કોઈને ભાન સરખું જ નથી. પુરાણોમાં નવ ખંડ ગણાવ્યા છે તેને જ અંધશ્રદ્ધાથી સૌ વળગી રહ્યું છે. નવી નિશાળો ઉઘડી તેમાં સાચી ભૂગોળ શીખવવાનું દાખલ થયું, પણ એ ભૂગોળ પર ખુદ શીખવનારનો જ વિશ્વાસ બેસતો નથી. મહેતાજી નિયમ તરીકે શીખવવું જોઈએ માટે જાહેરમાં શીખવે છે કે પૃથ્વી ગોળ છે ને તે ફરે છે, પણ ખાનગીમાં તો નિશાળિયાઓને કહે છે કે, ‘એ તો સાહેબ પરીક્ષા લેવા આવે ત્યારે બોલવા માટે યાદ રાખવાનું છે, બાકી ખરી વાત તો પૃથ્વી ગોળ નથી તેમ ફરતી પણ નથી જ, નહિ તો આપણાં બધાનાં ઘર પડી ન જાય. ને પૃથ્વીના ખંડ ચાર જ નહિ, પણ શાસ્ત્રમાં કહ્યા તેમ નવ છે.’

ચીન વિલાયતનાં નામ લોકો જાણે છે, પણ ઠામની કોઈને ખબર નથી. એ બંને દેશો ક્યાંક પાસપાસે આવ્યા છે એમ સૌ માને છે એટલે પૂછે છે કે ‘હેં ભલા, આંહીંથી નીકળીએ તો પહેલાં ચીન આવે કે વિલાત? ચીનની વિલાયતની વાત દૂર રાખીએ તો પણ ખુદ હિંદનાં જ મુખ્ય મુખ્ય સ્થળોની પણ કોઈને પૂરી ખબર નથી. અરે, હિંદની શું, ગુજરાતની ભૂગોળ પણ જાણતા નથી. ખૂદ નર્મદને ચૂડા-રાણપુર જવું હતું, તે ભાવનગરથી દસબાર ગાઉ દૂર હશે એમ ધારી સૂરતથી એ ભાવનગર આવે છે, પણ ત્યાં આવીને તપાસ કરતાં માલૂમ પડે છે કે ત્યાંથી તો તે ધાર્યા કરતાં ત્રણચાર ગણું દૂર છે! એ યુગની કૂપમંડૂકતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ વખતના અંગ્રેજ અમલદારો પણ દેશીઓની આ કૂપમંડૂક વૃત્તિથી એટલા બધા પરિચિત હતા કે એક વાર એક અંગ્રેજ કલેક્ટરે હાઈસ્કૂલની પરીક્ષા લેવા માંડી તે વખતે હેડ માસ્તરે વ્યાકરણ અને ભૂગોળના સવાલો વિદ્યાર્થીઓને પૂછવા તેને વિનંતી કરી, એટલે એ નાકનું ટેરવું ચડાવી બોલી ઊઠેલો, ‘What! Grammar and Geography to the blacks!’

છેલ્લે ભાષા સાહિત્યની સ્થિતિ પણ કોઈ રીતે સંતોષકારક ગણાય એવી નથી. ગુજરાતી ભાષાને હજુ અભ્યાસપાત્ર જ કોઈ ગણતું નથી. અભ્યાસ થાય છે તો વ્રજ, સંસ્કૃત કે ફારસી ભાષાનો જ થાય છે. ગામઠી શાળાઓ ચાલે છે તેમાં બોડિયા અક્ષરે કાગળ લખવા જેટલું જ્ઞાન માંડ ગુજરાતી ભાષાને મળે છે. નવી કેળવણી શરૂ થયા પછી પણ કેટલાંય વરસો સુધી ગુજરાતી કવિતાને શિક્ષણમાં સ્થાન નથી મળતું. કેવળ ગદ્ય પુસ્તકોનું જ પઠનપાઠન થાય છે. આથી મુંબઈ જેવા શહેરમાં પણ કવિતા એટલે શું તેની કોઈને ખબર નથી, અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરતાં નર્મદ જેવા બુદ્ધિશાળી વિદ્યાર્થીને પણ પિંગળ એટલે શું તેનો ખ્યાલ નથી.

આજની ઢબનાં પુસ્તકો તૈયાર થવાને પણ હજુ વાર છે. હજુ તો જૂના કવિઓનાં પદો ક્વચિત ક્વચિત્ મોઢે લલકારાય છે, કે પછી હસ્તલિખિત પોથીઓમાંથી વંચાય છે. ગુજરાતી ભાષાની ચોપડીઓ જ મળતી નથી. શામળની વાતો કે ‘ચાર દરવેશ’ની વાતો એવી કોઈ ચોપડીઓ જ ગુજરાતી ભાષામાં તો મળે છે. પદ્ય ને કાવ્ય વચ્ચેના ભેદને હજુ કોઈને ખબર નથી. ગદ્યને હજુ સાહિત્યમાં પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું નથી. નાટક જેવી કોઈ રચના હજુ ગુજરાતી ભાષામાં અવતરી નથી. ચરિત્રગ્રંથ તો હજુ હવે ગૂંથાવાનો છે. ઇતિહાસનું આલેખન થવાને પણ હજુ વાર છે ને પ્રકૃત્તિસૌંદર્યની કવિતા લખનારો હજુ હવે આવવાનો છે.

નર્મદ જન્મ સમયનું જીવન આવું હતું. એને વરસ તો માંડ સો જ થયાં છે, પણ દીવાસળી કે પથ્થરપાટી વિનાના એ દિવસો આપણને આજથી એક નહિ પણ અનેક સદીઓ જેટલા દૂર નથી લાગતા? જ્યાં પૂરા દશ ગુજરાતી પુસ્તકો મળવાં મુશ્કેલ હતાં, ત્યાં આજે દશ હજારનો સંગ્રહ જોઈ શકાય એમ છે, જ્યાં પદ અને આખ્યાન સિવાય કોઈ સાહિત્યપ્રકાર જાણીતો નહોતો, ત્યાં આજે અનેકવિધ સાહિત્ય ખેડાણ થઈ રહ્યું છે. આ બધું એક જ સૈકાનું પરિણામ? આજે જે ભાતભાતની વિપુલ સાહિત્ય સામગ્રી નજરે પડે છે તેમાંની અત્યલ્પ જ સંવત્ ૧૮૮૯માં હતી! ત્યારે એક સૈકામાં આપણી પ્રજાએ સાધેલો વિકાસ આશ્ચર્યકારક નથી લાગતો? જે અલૌકિક યુગબળને પ્રતાપે આવો આશ્ચર્યકારક વિકાસ સાધી શકાયો તેનો આપણા ગુજરાત ખાતે જે મહાન પ્રતિનિધિ થઈ ગયો તે વીર નર્મદ. જૂની જડતાને તોડી નવું ચાંચલ્ય જગાવ્યું તે એણે જ, ને એમાં જ એનો મોટામાં મોટો યશ.
[પાછળ]     [ટોચ]